અંક બીજો

(ગતાંકથી આગળ)

(દૃશ્ય : જંગલમાં સૂકાં પાંદડાંથી બનાવેલી એક ઝૂંપડી છે, એના છાપરા પર સુંદર લતાઓ લટકે છે, થોડે દૂર પાછળના ભાગમાં એક નદી વહે છે, એની પાસે એક ટેકરી છે, ઉપર વિશાળ આકાશ છાયું છે. રંગમંચ પર કોઈ નથી. ફક્ત દૂરથી સંસ્કૃતમાં મધુર શ્લોકગાન સંભળાય છે અને વનનાં પંખીઓનો કલરવ એમાં અવારનવાર ખલેલ પાડ્યા કરે છે. શાંતિમય, ઉદાત્ત અને ભવ્ય વાતાવરણ પ્રસરેલું છે. એકાએક ખુલ્લી તલવારો હાથમાં ધારણ કરેલા બે સૈનિકો પ્રવેશે છે. તેઓ થાકેલા અને પીધેલા હોય એમ જણાય છે.)

પહેલો સૈનિક : (ઉગ્રતાથી) ક્યાં છે એ ભૂત? ક્યાં છે એ યોગી નામનો માણસ? વિચિત્ર, અડબંગ, ધર્મહીન પાગલો! અને આપણા સમ્રાટ એવાને જોવા ગાંડા બન્યા છે! મને તો લાગે છે કે, સમ્રાટ આ જાદુઈ ધરતીના ફંદામાં ફસાઈ ગયા છે!

બીજો સૈનિક : પણ દોસ્ત, બાદશાહનો હુકમ ભૂલતો નહિ. આપણે એને ખોળી જ કાઢવો પડશે. અને સમ્રાટ પાસે એ વિચિત્ર પ્રાણીને રજૂ કરવું જ પડશે; નહિ તો એ આપણને નરકાગારમાં નાખી દેશે.

પહેલો સૈનિક : નરકાગાર? અરે, નરકાગારમાં તો આપણે પડેલા જ છીએ. આ ઝાડી-ઝાંખરાં, સર્પો, વાઘો, જીવજંતુઓ, વર્ષા અને વાવાઝોડાથી ભરેલું ગાઢ જંગલ જોને! આ શું નરકાગાર નથી? (પાર્શ્વભૂમિમાં સંસ્કૃત શ્લોકગાન ધીરગંભીર સ્વરે વધારે નજીકથી સંભળાય છે. સૈનિકો એ ગાનશ્રવણથી સ્તબ્ધ બની જાય છે અને મુગ્ધ બની સાંભળી રહે છે.)

બીજો સૈનિક : (શાંત અવાજે) જો, જો, સામેથી કોઈક આવી રહ્યું છે. એ યોગી હોય એમ લાગે છે.

પહેલો સૈનિક : તો ચાલો તૈયાર થઈ જઈએ. સાંકળ-બેડીઓ ક્યાં છે? (સાંકળ-બેડીઓ ભેગી કરે છે.) (જાણે કોઈ ખોવાયેલા ગુનેગારને પકડવા માટે અતિ આતુર હોય, એ રીતે બંને સૈનિકો શાંતિથી ઊભા રહે છે. યોગી ધીમે પગલે મંચ પર પ્રવેશે છે. એનો ચહેરો બુદ્ધ જેવો ખૂબ સુંદર છે. ભય કે ખચકાટનું કશું ચિહ્ન એના પર નથી. એની આંખો ઊંડી ઊતરેલી છે. માથા પર શંકરના જેવી જટા છે, એનું શરીર ભસ્મથી અચિત છે. એણે વ્યાઘ્રચર્મ પહેર્યું છે. એના પગ શ્વેત સુંદર છે અને વાઘના ચામડાથી જુદા તરી આવે છે.)

યોગી : (સંમોહક મક્કમ શાંત અવાજે) તમે કોણ છો, ભાઈ?

બંને સૈનિકો : (એકાએક જાણે કે માનની લાગણી અને યોગીના પ્રભાવની અસર તળે આવી ગયા હોય, તેમ) મહાત્મા, અમે અમારા સમ્રાટના સૈનિકો છીએ.

યોગી : (શિશુસહજ, સરળતા અને મુગ્ધતાથી) કોણ છે ભલા તમારા એ સમ્રાટ? સમ્રાટ તો વિશ્વનો એક જ છે. એ જ તો આ સકલ જગતના સ્વામી છે. (જગતની વિશાળતા બતાવવા પોતાના બંને હાથ પહોળા કરે છે.)

સૈનિકો : (જાણે માફી માંગતા હોય તેમ) અમે તો ગ્રીસના બાદશાહ એલેક્ઝાંડરના સૈનિકો છીએ. એમણે અમને આપને એમના દરબારમાં લઈ આવવાનું કહ્યું છે.

યોગી : એલેક્ઝાંડર? હું વળી એની પાસે જઈને શું કરું?

પહેલો સૈનિક : અમારા નામદારની ઇચ્છા, આપ એમના તંબુમાં આવો એવી છે.

બીજો સૈનિક : સમ્રાટ આપને પોતાની પાસે રાખવા ઇચ્છે છે.

યોગી : હું તો સદા સર્વદા આ સમગ્ર વિશ્વના સમ્રાટ, મારા સ્વામીની સાથે જ છું, હતો અને રહીશ. એ તો સમીપમાંય સમીપ છે જ, તો પછી તમારા સમ્રાટ પાસે જવાની મારે શી જરૂર છે? મારે બીજા કશાની આવશ્યક્તા નથી. મારો જગદીશ્વર મારી જરૂરતો પૂરી પાડી દે છે. આ જંગલમાં વૃક્ષો પર અસંખ્ય ફળો છે, વનનાં પશુ, પંખીઓ મારું કુટુંબ છે – એ બધાં મારાં સ્વજનો છે.

(પાર્શ્વભૂમિમાંથી કલરવ સંભળાય છે.)

પહેલો સૈનિક : અરે, આ તો હિંસક પશુઓ પર પણ પ્રેમ વરસાવતા જણાય છે. ગજબની વાત!

યોગી : સાંભળો! દરેક ઋતુમાં આ પક્ષીઓ વિશ્વનિયંતા પરમેશ્વરના ગુણાનુવાદ ગાય છે. તે એ પરમેશ્વર છે કે, જે તારાઓને સ્વર્ગ માર્ગે પ્રેરે છે, વૃક્ષો પર પુષ્પો ખીલવે છે, સૂર્ય દ્વારા પ્રકાશ આપે છે અને વર્ષા દ્વારા અન્ન ઉપજાવે છે, એ મારી સંભાળ લે છે, એ જ છે મારા સમ્રાટ! એના સિવાય વળી બીજો ક્યો સમ્રાટ હોઈ શકે? એ જ મને મારા જીવનમાં માર્ગદર્શન આપે છે અને મરણમાંય એ જ માર્ગ ચીંધશે. એ અમર છે, સર્વવ્યાપી છે. જેમ એ મારામાં હાજરાહજૂર છે તેમ તમારામાંયે છે. એ જ તો ખરો સમ્રાટ છે. એના જેવો મહાન બીજો કોણ હોઈ શકે? માનવ તો મરણશીલ છે, મરણનો ગુલામ છે, એ તે વળી સમ્રાટ કેમ હોઈ શકે? જાઓ પાછા તમારા બાદશાહ પાસે અને એને કહી દો કે મારે કોઈની, કોઈ માનવપ્રાણીની, કોઈ રાજા કે દરબારીની જરૂર નથી. એને જો મારી જરૂર હોય તો ભલે આવે. (સાધુ જેવી રીતે આવ્યો હતો એવી જ રીતે રંગમંચ છોડી જાય છે. અને પેલા બે સૈનિકો અરસ-પરસ વાતો કરે છે.)

પહેલો સૈનિક : એ તો ઘણી અદ્‌ભુત વાતો કરે છે. ચાલો, આપણે જઈએ અને આપણા નામદારને જણાવીએ કે અમે યોગી ખોળી કાઢ્યો છે અને એણે કહેલી વિચિત્ર-અદ્‌ભુત વાતોથી પણ એમને વાકેફ કરીએ.

બીજો સૈનિક : (કટાક્ષથી) પણ આવી વાતો આપણા નામદાર સહન નહિ કરે. આપણા મહાન સમ્રાટ એવા રેંજી-પેંજી પાગલના બકવાટ જેવી વાતોથી પ્રભાવિત થાય એવા નથી. મને તો લાગે છે કે, એ યોગી વિશે આપણી પાસેથી સાંભળીને યોગીને જ મારી નાખશે. એટલું જ નહિ પરંતુ, આપણને પણ એ મારી નાખશે. (દૂરથી સૈનિકોની પરેડનો અવાજ સંભળાય છે. આ બંને સૈનિકો ચારે બાજુ જુએ છે. અને એમને એકા એક જાણ થાય છે કે, સમ્રાટ એલેક્ઝાંડર તેમની તરફ જ આવી રહ્યા છે.)

પહેલો સૈનિક : જો, જો, આપણા સમ્રાટ પધારી રહ્યા છે.

બીજો સૈનિક : ચાલો, સાવધાન થઈ જઈએ. અરે, પેલો યોગી ક્યાં ચાલ્યો ગયો? એ ભાગી તો નથી ગયો ને? ઓહ! કેવો આફતના પોટલા જેવો, વિચિત્ર અને ધૂની એ માણસ છે! ચાલો, જલદી કરો, પહેલાં તો આપણે એને શોધી કાઢીએ.

(સેલ્યુકસ અને એની પાછળ ઊંડા વિચારમગ્ન ચહેરે એલેક્ઝાંડર મંચ પર પ્રવેશે છે.)

સેલ્યુકસ : આ જાદુઈ ભૂમિમાં હું હંમેશાં આશ્ચર્ય મુગ્ધતાની લાગણી અનુભવું છું. વળી, વધારે તો આ ધરતી પર વસતા તપસ્વીઓની તાકાત મને પ્રભાવિત કરી રહી છે. નામદાર, આપને શું આ બધું આકર્ષક નથી લાગતું?

એલેક્ઝાંડર : સેલ્યુકસ! એ ન ભૂલ કે એલેક્ઝાંડર એક ગ્રીક વીર છે, જેણે કંઈક રાજ્યો જીત્યાં છે, લાખ્ખો નર-નારીઓની કતલ કરી છે, કેટલીય રણભૂમિમાં રક્તની નદીઓ વહાવી છે, એવો સમ્રાટ આવા ચીંથરેહાલ લોકોથી પ્રભાવિત ન થાય.

સેલ્યુકસ : પણ માલિક, વિશ્વનાં સર્વ શસ્ત્રાસ્ત્રો કરતાં પણ આત્મશક્તિ અને શ્રદ્ધાનું બળ વધારે સામર્થ્ય ધરાવે છે. (કોઈનાં પગલાંનો અવાજ સંભળાય છે. એલેક્ઝાંડર ચારે બાજુ જુએ છે અને સૈનિકો દેખાય છે.)

એલેક્ઝાંડર : (સૈનિકોને) આટલા વખત સુધી શું કરતા હતા? ગમાર, મૂર્ખાઓ! યોગીને ખોળી કાઢ્યો કે નહિ?

સૈનિકો : હા, નામદાર, અમે થોડી ક્ષણો પહેલાં જ એવો એક જોયો હતો. અને એ જંગલમાં ચાલ્યો ગયો. અમને આશા છે કે, તે થોડા વખતમાં અહીં આવશે. આ રહી એની ઝૂંપડી. (તેઓ ઝૂંપડી બતાવે છે.)

એલેક્ઝાંડર : આવી છે એની ઝૂંપડી? ઓહો! આ તો જાણે ખરો મહેલ! પણ એ ગયો છે ક્યાં? (સેલ્યુકસને) એ માનવપ્રાણી હશે કે કેમ, એની જ મને તો શંકા છે. (પાર્શ્વભૂમિમાં શ્લોકનું ગાન સંભળાય છે અને બધા સાવધાન થઈ જાય છે.)

સેલ્યુકસ : એ આવે, એ નામદાર, (સાધુ ધીમે ગૌરવમય ધ્યાનરત મુદ્રામાં ફરી પ્રવેશે છે. હજુ પણ એ સંસ્કૃત શ્લોકોનું લયબદ્ધ રટણ કરતો હોય છે. તેના પ્રવેશતાંની સાથે બધા એના પ્રભાવમાં આવી જઈ શાંતિથી ઊભા થઈ જાય છે.)

યોગી : (શાંતિથી) અહીં તો બીજા બે ચહેરાઓ દેખાય છે. ભાઈઓ! તમે કોણ છો?

સેલ્યુકસ : આ છે ગ્રીસના સમ્રાટ એલેક્ઝાંડર તેઓ તમને મળવા આવ્યા છે.

યોગી : સમ્રાટ? હું તો ફક્ત એક જ સમ્રાટને ઓળખું છું. એ છે આ નિખિલ વિશ્વના પિતા. એ અગણિત આંખોથી નિહાળે છે, અસંખ્ય હોઠોથી બોલે છે, એ સર્વનો શાશ્વત સાક્ષી છે, એ અહીં, તહીં સર્વત્ર છે. એને વળી ક્યાંય જવાનું કે આવવાનું ક્યાંથી હોય? આ બધું જે કંઈ છે, તે એ જ છે. (એલેક્ઝાંડર તરફ મધુર હાસ્ય કરી) તમે એ જ સમ્રાટ છો ને, કે જે મને મળવા માંગતા હતા?

એલેક્ઝાંડર : ગ્રીસના બાદશાહને પોતાના પરિચયની જરૂર નથી.

યોગી : હા, એ તો હું તમારું કપાળ જોઈને જ કહી શકું કે, તમે લાખો લોકોની કતલ કરીને કેટલાંક રાજ્યો જીત્યાં છે.

એલેક્ઝાંડર : હા મહાત્મા, ગ્રીસ અને ભારત વચ્ચેની આખી દુનિયા મેં જીતી લીધી છે. અને આ વિશાળ વિશ્વ પર મારી એકચક્રી આણ પ્રવર્તે છે.

યોગી : એકચક્રી આણ? તમે દુનિયા જીતી છે? શું જીત્યું છે તમે? ખાલી ધૂળ-ઢેફાં અને રેતી, પથ્થરો જ ને? કેટલીક ખાલી ખોપરીઓ અને હાડકાં જ ને? આ વસ્તુઓમાં તે શું બળ્યું છે. ભલા! તમે તમારા ક્રોધને, તમારી કામનાઓને, તમારા અહંકારને જીત્યાં છે ખરાં કે? જે લાખ્ખો લોકોને તમે મોતને ઘાટ ઉતાર્યા ત્યારે તેમને માથે જેવો મોતનો ભય ઝળૂંબી રહ્યો હતો, તેવા જ તમારા શિર પર પણ ઝળૂંબી રહેલા મોતના ભયને તમે જીત્યો છે ખરો?

સેલ્યુકસ : (સ્વગત) સાવ સાચેસાચું કહે છે આ.

યોગી : (કોઈ દૈવજ્ઞ બોલતો હોય તેમ) તમારો ચહેરો હું વાંચી રહ્યો છું કે, તમે અનેક દેશોને લૂંટીને અઢળક ધન એકઠું કર્યું છે, તમારી અણછાજતી ઇચ્છાઓ પૂરી કરવા તમે ઘણાં નર-નારીઓને હણી નાંખ્યાં છે. તો ઓછામાં ઓછું અત્યારથી જ તો એ કેમ બંધ નથી કરતા? શા માટે તમે ભેગી કરેલી મિલકત જરૂરતમંદો, દીનહીનો અને ગરીબ ગુરબાંમાં વહેંચી નથી દેતા? બધી સમૃદ્ધિ તો પરમેશ્વરની જ છે. તો આપી દો એને, ઈશ્વરનાં દીનદુ:ખિયાં સંતાનોને! ધરી દો એને. એ જીવતાં-જાગતાં પ્રભુને!

એલેક્ઝાંડર : (સન્માન અને આદરથી બદલાયેલા ચહેરા છતાં અભિમાનથી) હા, એ હું કરીશ પણ તમારે મારી સાથે મારા દેશમાં આવવું પડશે – મારા ગ્રીસમાં. હું તમને અખૂટ સમૃદ્ધિ, મહેલ, ધન, સત્તા, નોકર-ચાકરો, સૈનિકો જે જોઈશે તે આપીશ. તમારે મારી સાથે આવવું જ પડશે. મહાત્મા, આવવું જ પડશે. તમે જે કંઈ ઇચ્છો, તે બધું જ મારી પાસે છે.

યોગી : (શાંત મધુરતાથી હસતાં) મારે તો કશું જ જોઈતું નથી. મારો ભગવાન મને બધું જ આપે છે. વૃક્ષો દ્વારા મારે માટે એ ફળો મોકલે છે, સૂર્ય દ્વારા પ્રકાશ મોકલે છે. મારા હૃદયમાં એ અપાર શાંતિ અને આનંદ અર્પે છે. પંખીઓ મને સંગીત સંભળાવે છે, મારી પૂજા માટે ઋતુઓ પુષ્પો બહાર અર્પે છે. હું એકાકી પણ ઈશ્વરના સાથમાં જીવું છું. મને એકલાપણું સાલતું નથી. અનંત સામ્રાજ્યના સ્વામી સર્વેશ્વરના સાથમાં હું વસું છું.

એલેક્ઝડર : (અકડાઈથી) પણ હું મહાન એલેક્ઝાંડર આપને મારી સાથે આવવાનો આગ્રહપૂર્વક આદેશ આપી રહ્યો છું.

યોગી : મારા હૃદયમાં રહેલા ઈશ્વરના અવાજ સિવાય અન્ય કોઈના આદેશને હું સાંભળતો નથી.

સેલ્યુકસ : (સમજાવતાં) મહાત્મા, અમારી સાથે ચાલો, નહિતર આપને સહન કરવું પડશે. આ સૈનિકો આપને કેદીની પેઠે બાંધીને બળપૂર્વક ઉપાડી જશે.

યોગી : મારે સહન કરવું પડશે? સહન તો હાડચામ કરે છે. આત્મા તો સુખદુ:ખથી પર છે. હું મારા સાથીઓ – પશુ-પંખીઓ, વૃક્ષો, આ જંગલને છોડીને ક્યાંય જવાનો નથી. તમારા કરતાંય એ બધાં મારા પર વધુ પ્રેમ રાખે છે. તમે રાષ્ટ્રોનો નાશ કરો છો, એ જીવન આપે છે. તમે હત્યારા છો, એ જીવનદાયી છે.

એલેક્ઝાંડર : સેલ્યુકસ, આ યોગી તો ઉદ્ધત છે. એ કોની સાથે વાત કરે છે, એની એને ખબર નથી. (યોગીને) સંભળાય છે તમને?

યોગી : માનવો તો મરણધર્મી તુચ્છ જંતુઓ છે. તેઓ વળી મને શું કરવાના હતા? મારે હૈયે વસેલા સર્વશક્તિમાનના અવાજને અવગણીને તમારા શબ્દો સાંભળવાની મારે શી જરૂર છે?

એલેક્ઝાંડર : (એકાએક ક્રોધથી) ચૂપ! (મ્યાનમાંથી ચળકતી તલવાર કાઢીને) ચાલ, મારી સાથે, નહિં તો આ ઘડીએ જ તને મોતને ઘાટ ઉતારી દઈશ.

યોગી : (થોડી વાર બાળકની પેઠે તલવાર સામે જોઈ રહે છે અને પછી એકાએક ખડખડાટ હસે છે. હાસ્યના પડઘા આખા કક્ષને ભરી દે છે. પાછો તે એલેક્ઝાંડર તરફ જુએ છે અને વળી ખડખડાટ હસે છે) હા… હા… હા… (એલેક્ઝાંડરને બાળક માનતો હોય તેમ તેને ઉદ્દેશીને) અત્યારના જેવું અસત્ય તો તું ક્યારેય નહિ બોલ્યો હોય! તું મને કેવી રીતે મારી શકે? બહુ બહુ તો મારા દેહના ટુકડા કરી શકે, પણ એ તો શાશ્વત અમર્ત્ય આત્માનું વસ્ત્રમાત્ર જ છે. આત્માને તો નથી શસ્ત્રો હણી શકતાં કે નથી તો અગ્નિ બાળી શકતો નથી એને જળ ભીંજવી શક્યું કે નથી એને વાયુ સૂવી શકતો. અને તું શું સમ્રાટ છે? તને કોણે બનાવ્યો છે? પ્રભુએ જ તો! તું તારી સત્તાનો ગર્વ કરે છે? કોણે આપી છે એ સત્તા તને? પ્રભુએ જ તો! અને તું મને મારવા ઈચ્છે છે? હા…. હા… હા…(એકાએક કરુણાભરી ગંભીરતાથી અને લાગણીભરી પ્રેમાળ નજરે.) સમ્રાટ આ બધી સમૃદ્ધિ શા કામની છે? શા કામનાં છે. આ બધાં રાજ્યો અને બધા વિજ્યો? મને તમારે ઘેર લઈ જવા ઇચ્છતા તમે કોણ છો? તમે શું કહો છો, તે તમે જ સમજતા નથી. (પયગંબરી વાણીમાં) હું તમારા ચહેરા પર કંઈક વિચિત્ર વાંચી રહ્યો છું. દિવસના પ્રકાશની પેઠે હું સ્પષ્ટ નિહાળી રહ્યો છું કે, તમારા ઉપર ભાવિ કાલિમાનો પડદો ઊતરી રહ્યો છે.

સેલ્યુકસ : મહાત્મા, એ શું છે? આપ શું કહેવા માગો છો?

યોગી : (પયગંબરી વાણીમાં જાણે સ્વગત કહેતો હોય તેમ) હું ચોખ્ખું જોઈ રહ્યો છું કે હવે આ એલેક્ઝાંડર ફરી વાર ગ્રીસ જોઈ શકશે નહિ. પોતાને દેશ જતાં રસ્તામાં જ એને મોત આંબી જશે. છેલ્લો સૂર્યોદય એ અધવચ્ચે જ જોશે.

(મંચ પર સ્મશાનવત્ શાંતિ પથરાઈ જાય છે. એ શાંતિમાં એલેક્ઝાંડર ખિન્ન દેખાય છે. યોગી જે રીતે પ્રવેશ્યો હતો તેવી જ ધીમી ચાલે રંગમંચ છોડી જાય છે.)

સેલ્યુકસ : દિવસ પૂરો થયો છે માલિક, પશ્ચિમની ટેકરીઓ પાછળ સૂર્ય આથમી રહ્યો છે. હવે પાછા વળવાની આપણે ઉતાવળ કરવી જોઈએ.

એલેક્ઝાંડર : (હજુય યોગીના પ્રભાવમાં, ગંભીર, વિચારમગ્ન ધીરે ધીરે પ્રેક્ષકો તરફ જુએ છે. ધીમે ધીમે પ્રકાશ રંગમંચ પરથી ઓલવાતો જાય છે. પાર્શ્વભૂમિમાં સંધ્યાના ઓળા ઊતરે છે. જાણે સ્વપ્નમાં બોલતો હોય તેમ એલેક્ઝાંડર બોલે છે) સૂર્ય આથમી રહ્યો છે. મારા વહાલા ગ્રીસનો પંથ લાંબો છે અને યાત્રા કપરી છે. હા, પશ્ચિમની ક્ષિતિજે હમણાં જ સૂરજ ડૂબી જશે. (જાણે સ્વપ્નાવસ્થામાં) સેલ્યુકસ, કોણ જાણે ક્યારે હું મારે ઘેર પહોંચીશ?

(ધીમે ધીમે પડદો પડે છે.)

બીજો અંક પૂર્ણ

ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.