શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યાક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ – (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.

ભક્તિ : પંચમ્ પુરુષાર્થ :

ગોપીઓ વગેરેની જેવી હતી, તેવી વ્યક્તિનિષ્ઠ અને દ્વૈતમૂલક ભક્તિ પણ “હું તે છું.” તેવી સમજદારીવાળા ઐક્યમાં પરિણમી શકે છે. ગોપી-કૃષ્ણ પ્રસંગમાં એવું બતાવવામાં આવ્યું છે કે શ્રીકૃષ્ણ પ્રત્યેના ગોપીઓના પ્રેમની એક એવી કક્ષા પણ આવે છે કે જ્યારે ગોપીઓ પોતે જ શ્રીકૃષ્ણ હોય એવો અનુભવ કરે છે. તેમના મનોવલણ સંબંધે આગળ ઉપર શ્રીકૃષ્ણે પોતે સ્વમુખે જ કહ્યું છે કે, “જેમ મુનિઓ સમાધિ-અવસ્થામાં નામ તથા રૂપને જાણતા નથી, તેવી રીતે મારામાં આસક્તિથી બંધાયેલી બુદ્ધિવાળી ગોપીઓ પોતાના દેહને નજીક કે દૂર રહેલા પદાર્થને જાણતી ન હતી. (ભાગવત : ૧૧/૧૨/૧૨)

આમ છતાં આ સુચિંતિત અનુભૂતિમય એકતા, પેલી જ્ઞાનપ્રધાન ભક્તિના લક્ષ્યરૂપ સાયુજ્ય મુક્તિથી તો આવશ્યક રીતે જુદી જ તરી આવે છે. સાયુજ્ય મુક્તિમાં તો ભક્તનું વ્યક્તિત્વ ભગવાનમાં ભળી જ જાય છે અને એ ભગવાન જ તત્ત્વજ્ઞાનનું અનંત-પરિપૂર્ણ તત્ત્વ છે. જેમ નદી જ્યારે સાગરને મળે છે, ત્યારે એનું નદીપણું મટી જાય છે, અને એ સાગર-સ્વરૂપ જ બની રહે છે, તેવી જ રીતે સાયુજ્ય સંબંધમાં જીવની “જીવ” તરીકેની વ્યક્તિમતા પણ આ પૂર્ણ-અનંત તત્ત્વમાં ભળી જતાં તદ્રુપ થઈ જતાં મટી જાય છે. આ સ્થિતિને મુક્તિ કે મોક્ષ કહેવામાં આવે છે.

પણ આ વ્રજવાસીઓએ કે એમને પંથે પળનારાઓએ જે ભક્તિ કરી છે, તે તો પરસ્પરના વ્યક્તિમૂલક સંબંધ ઉપર જ આધારિત છે, અને આવી ભક્તિસાધનાનો ઉદ્દેશ તો કંઈ આગળ દર્શાવેલી મુક્તિ કે મોક્ષ તો હોઈ શકે નહિ. કારણ કે પારસ્પરિક અને વૈયક્તિક પ્રેમસંબંધમાં આધ્યાત્મિક સાધનાનો હેતુ તો હોતો નથી. આવા ભક્તો પણ ભક્તિની પરિપક્વ અવસ્થા થતાં પોતાના આરાધ્ય સાકાર-પુરુષવિધ અસ્તિત્વ સાથેની એકતાનું જ્ઞાન તો મેળવે છે, પરંતુ, પોતાના અને આરાધ્યના આત્માનું અદ્વૈત મેળવતા નથી. કારણકે અહીં ભક્ત પોતાના આરાધ્ય ઈશ્વરમાં કંઈ સમસ્ત ભૂતસૃષ્ટિ અને સઘળા પદાર્થોને વિલીન કરી દઈને ચરાચરની હસ્તીને ઓગાળી દેતો નથી. અહીં તો ભક્તની ઈશ્વર પ્રત્યેના વૈયક્તિક સંબંધની ભાવના અને ઈશ્વરની અવિરત સેવા કરતા રહેવાની એની અભીપ્સા એની વ્યક્તિમત્તાને ટકાવી જ રાખે છે. અહીં ભક્ત ઈશ્વરનો શાશ્વત સેવક બની રહે છે, અને જ્યાં સુધી એનું માનવશરીર ટકી રહે છે ત્યાં સુધી તે “ભાગવતોત્તમ” બનીને જીવી રહે છે. “ભાગવતોત્તમ” એ છે કે જે બધા જીવોમાં ભગવાનને અને ભગવાનમાં સકળ પ્રાણીઓને પ્રતિષ્ઠિત થયેલ નિહાળતો હોય, તેમજ જેટલી બની શકે તેટલી બધી જ રીતે જે સર્વમાં રહેલા ઈશ્વરની સેવા કરતો હોય. પછી જ્યારે એનું માનવશરીર છૂટી જાય છે, અને જન્મમરણના ફેરાના કારણરૂપ પ્રકૃતિજન્ય સૂક્ષ્મ માનસિક કોશો પણ જ્યારે હટી જાય છે, ત્યારે તે ભક્ત શુદ્ધ સત્વનું અભૌતિક સ્વરૂપ-દિવ્ય વિશુદ્ધ સત્વ-ધારણ કરે છે અને એવું “ભાગવતી તનુ” ધારણ કરીને પ્રકાશમય અને આનંદમય વૈકુંઠ ધામમાં ભગવાનની સેવા કરે છે. તેમજ ભગવાનની લીલાનો કે પ્રાણીઓના ઉદ્ધારકાર્યના ભાગીદાર બનીને ભગવાનની સાથે ધરતી પર અવતાર ધારણ કરે છે. ભગવાનમાં ભળી જવાના અથવા અદ્વૈતી મુક્તિ કરતાં પણ ઊંચેરા આ “ભાગવતોત્તમો”ની વિભાવનાથી અને તેમના દિવ્ય સેવામય પરમાનંદના ભાગવતે કરેલા નિરૂપણથી એમ કહેવાય છે કે ભાગવતે પરંપરાથી ચાલ્યા આવતા ધર્મ (સદ્‌ગુણો), અર્થ (સંપા), કામ (ભૌતિક સુખ) અને મોક્ષ (મુક્તિ) – આ ચાર પુરુષાર્થોમાં (અંતિમ મૂલ્યોમાં) ભક્તિનો ઉમેરો કરીને ભક્તિનું પાંચમા પુરુષાર્થ તરીકે પ્રતિષ્ઠાપન કર્યું છે.

ભક્તિ અને પ્રીતિનો પરસ્પર ભેદ :

વિદ્વેષભક્તિ દ્વારા ઈશ્વરાનુભૂતિની વાતને એક બાજુએ છોડી દઈએ તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ભાગવતમાં નિરૂપાયેલી ભક્તિ, આ બે સ્વરૂપો ધારણ કરે છે : એક તો “હું તેનો છું” એવી ભાવના ઉપર આધારિત શાન્ત ભક્તિ છે કે જેમાં છેવટે જ્ઞાન અને દિવ્ય ભવ્ય ચૈતન્યાનુભૂતિ જ મુખ્ય બની રહે છે. જ્યારે બીજું સ્વરૂપ પ્રેમભક્તિનું છે. આ પ્રેમભક્તિ, “તે મારો છે” એ લાગણી ઉપર આધારિત છે. સ્વામી, પુત્ર, સખા, પતિ કે પ્રેમીના રૂપમાં પરમાત્મા-પરમ દિવ્ય તત્ત્વની સેવા અને તેની સાથેના જોડાણ -સંબંધ-માટેના તલસાટભાવની વૈયક્તિક આદર્શ પ્રણાલીઓ દ્વારા આ પ્રેમભક્તિ અભિવ્યક્ત થાય છે.

ભાગવતમાં આ બંને પ્રકારની ભક્તિનો ભેદ પારખવા માટે ડૉ. ભટ્ટાચાર્યે પોતાના “The Philosophy of the Bhagavata” નામના અધ્યયનપ્રચુર ગ્રંથમાં બતાવ્યું છે તે પ્રમાણે જે ભક્તિ (ઉપાસના, આરાધના) દિવ્ય પરમતત્ત્વ સાથે એકાકાર થઈ જવા તરફ દોરતી હોય, એને “જ્ઞાનપ્રધાન” કે “જ્ઞાનાધારિત ભક્તિ કહેવાય અને એનાથી જુદી પડતી બીજી જે ભક્તિ વ્યક્તિમતા પર આધારિત હોય એને “પ્રીતિભક્તિ” (દિવ્ય પુરુષની આનંદમય સેવા-ઉપાસના અને પોતાના આત્માની કશીય પરવા રાખ્યા વગર કરવામાં આવતો પ્રેમ) કહેવાય છે. વૈષ્ણવ પરંપરાની ચૈતન્ય શાખામાં આ પ્રકારની આરાધના-ઉપાસના કરાતી હોવાને કારણે આ ‘પ્રેમભક્તિ’ શબ્દ વિશેષ મહત્ત્વપૂર્ણ બન્યો છે. ત્યાર પછીના ભક્તિસિદ્ધાન્ત પ્રવર્તકોમાં સુવિખ્યાત અદ્વૈતચિન્તક મધુસૂદન સરસ્વતીએ ઈશ્વરના તેમ જ એના સદ્‌ગુણોના જ્ઞાન ઉપર આધારિત શાન્તભાવને ભક્તિનું વિશુદ્ધતમ રૂપ ગણ્યું છે. પરમાત્માની અપાર મહિમામયતાના પરિજ્ઞાનથી સાધકના હૃદયમાં પરમેશ્વરનો પોતાનો અપાર આનંદ, પરમોચ્ચ આહ્લાદના રૂપમાં પ્રકટ થઈ જાય છે. આ આનંદથી પીગળી ગયેલા મીણ જેવા ભક્તહૃદયમાં ભગવાનની છાપ, મીણ પર પડેલી મુદ્રાની પેઠે સદાસર્વદા, કોઈપણ વ્યક્તિગત મર્યાદાના કશા જ ઓછાયા વગર, પરમાત્મા તરફના વિશુદ્ધભાવસ્વરૂપે અંકિત થઈને ટકી રહે છે. આમ, મધુસૂદન સરસ્વતીના કહેવા પ્રમાણે, ફક્ત આ શાન્તભક્તિ જ ભક્તિનું સૌથી વિશુદ્ધ અને સૌથી પૂર્ણ સ્વરૂપ છે. ભગવાન પ્રત્યેની આવી “રતિ” (ભગવાન તરફનું આકર્ષણ અને લગન) જેટલે અંશે વધારે વ્યક્તિગત માનવીય સંબંધો, જેવા કે સ્વામી-સેવક, પિતા-પુત્ર, પતિ-પત્ની વગેરે જેવા સંબંધો ધારણ કરતી જાય છે, તેટલે અંશે પોતાના સ્વરૂપમાં તે વધારે ને વધારે મર્યાદિત બનતી જાય છે અને આધ્યાત્મિક ન હોય એવાં તત્ત્વો સાથે એ સેળભેળ થઈ જાય છે. જો કે મધુસૂદન સરસ્વતીનો આવો મત હોવા છતાં તેઓ ગોપીઓ અને તેમના શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમની અનન્યતાનો સ્વીકાર કરવામાં કોઈપણ ભક્તિચિંતક કરતાં જરાય પાછળ તો રહ્યા નથી જ.

પ્રીતિ (વ્યક્તિનિષ્ઠ પ્રેમ અને સેવા)ના આનંદ ઉપર આધારિત કેવળ વૈયક્તિક પ્રકારની ભક્તિ વૈષ્ણવ પરંપરાની ચૈતન્યશાખાએ સ્વીકારી છે, અને પુરસ્કારી છે. જીવ ગોસ્વામીએ સંપ્રદાયના સુવિખ્યાત વિવેચનકાર છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે પરમાત્માનાં બે સ્વરૂપો છે : એક તો સર્વવ્યાપક નિરાકાર બ્રહ્મ અને બીજું અગણિત ઉત્તમ ગુણધારી ભગવાનનું સાકાર સ્વરૂપ છે. આવા ભગવાનની સાથે “તે મારો છે” એવા મમતાભર્યા ભાવ પર આધારિત વ્યક્તિનિષ્ઠ સંબંધી બાંધી શકાય છે. પરમાત્માનાં આ બે સ્વરૂપો પૈકીનું પહેલું બ્રહ્મસ્વરૂપ તો ગૌણ અને પરિવેશવાળું સીમિત છે, જ્યારે બીજું ભગવાનનું સ્વરૂપ જ પરમાત્માનું મૂળભૂત-પાયાનું સ્વરૂપ દર્શાવે છે. જ્ઞાનપ્રધાન શાંતભક્તિના સાધકો તો પરમાત્માનું સીમિત જ્ઞાન જ પામે છે. કારણ કે તેમના વલણમાં ભગવાન પ્રત્યે પેલો “મારાપણા”નો ભાવ તો સંભવી શકતો નથી અને એવા ભાવ વગર તેમજ એવા ભાવથી નીપજતી સંબંધની ઘનિષ્ઠતા વગર તો પરમાત્માનું રસમય સ્વરૂપ વિશુદ્ધ પરમાનંદસ્વરૂપ પૂરતા પ્રમાણમાં પામી શકાતું નથી. આ રસમય પરમાનંદપ્રાપ્તિને સ્થાને એ પ્રકારના સાધકો તો પરમતત્ત્વના નિર્વૈયક્તિક, અપુરુષવિધ, નિરાકાર સ્વરૂપ સાથે પોતે એકરૂપ જ થઈ જાય છે, એની સાથે ભળી જ જાય છે અને પ્રીતિની પૂરેપૂરી અભિવ્યક્તિ તો ફક્ત જ્યારે એ “મારાપણાની” (મમત્વની) લીલા સક્રિય બને છે, ત્યારે જ શક્ય બને છે. તેથી શાંતભક્તિના આગ્રહી અનુયાયીઓ જે વાતને એક ખામી તરીકે લેખે છે, તે જ બાબત અહીં એક એવી વિશિષ્ટ શ્રેષ્ઠતા ધારણ કરે છે કે જેને લીધે ભગવાનની ગહનતા અને ભગવાનનો આનંદ નિહાળી શકાય છે. આ પ્રીતિભક્તિના આદર્શને વરેલો ભક્ત તો સાયુજ્ય મુક્તિને (ભગવાનમાં ભળી જઈ એકરૂપ મુક્તિને) આધ્યાત્મિક ક્રાન્તિના એક સ્ખલનકારી અવરોધક તરીકે ગણે છે અને ભગવાન પ્રત્યેના તીવ્રતમ વ્યક્તિનિષ્ઠ પ્રેમને અને તેમની શાશ્વત સેવાને જ સાધકજીવનનું સર્વોત્તમ ધ્યેય – જીવનનો પરમ પુરુષાર્થ માને છે.

નિ:શંક રીતે આ દૃષ્ટિકોણને ભાગવતના ઘણા શ્લોકોમાંથી પૂરતો ટેકો સાંપડે છે. દાખલા તરીકે, ભાગવતના આ નીચેના શ્લોકોમાં ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખમાં જ આ વિધાન મૂકવામાં આવ્યું છે :

“જે સાધુજનોને મારામાં દૃઢમૂલ પ્રીતિ છે; અને જેઓ સર્વત્ર મારા જ સ્વરૂપને નિહાળે છે તેઓ, જેવી રીતે પતિવ્રતા નારી પોતાના કર્તવ્ય પરાયણ પતિને જીતી લે છે, તેવી રીતે મને જીતી લે છે, મારી સેવાથી જ તેઓ જીવનની પરિપૂર્ણતાને પામીને જ્યારે મુક્તિના ચારેય પ્રકારોમાંથી કોઈની પણ પરવા રાખતા નથી તો પછી આ જગતની નાશવંત ભોગ પ્રાપ્તિની તો એમને ભલા શી વિસાત હોય?”

(ભાગવત : ૯/૪/૬૬-૬૭)

ભાગવતમાં આ પ્રકારના શ્લોકો તો યત્રતત્ર-સર્વત્ર જોવા મળે છે.

ભાગવતમાંથી મળતા આવા ઉપદેશોને આગળ ધરીને વૈષ્ણવ પરંપરાની ચૈતન્યશાખાના અનુયાયીઓ એવું પ્રતિપાદન કરે છે કે, જેને સાચો વૈષ્ણવ થવાની ઝંખના હોય, તેણે સામાન્ય રીતે સ્વીકારેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – આ ચારેય પુરુષાર્થોને ઉવેખી મૂકવા જોઈએ અને કેવળ આ પ્રીતિભક્તિના સ્વરૂપને જ પોતાના જીવનના પરમ લક્ષ્યરૂપ પાંચમા પુરુષાર્થ તરીકે અપનાવી લેવી જોઈએ. આ અર્થમાં ભક્તિ એ ઈશ્વર પ્રત્યે, “તે પોતાનો છે” – એવા અડગ પ્રેમ સાથેની ઈશ્વરની સેવા છે.

ભાગવતમાં ભક્તિને અપાયેલા સર્વાધિક મહત્ત્વના આ સ્થાન સાથે કેટલાક કેવલાદ્વૈતના સમર્થકો કદાચ સહમત નહિ થાય. કારણ કે કેવલાદ્વૈતની પદ્ધતિમાં તો ભક્તિ કેવળ ચિત્તશુદ્ધિના એક સાધન તરીકે, ચિત્તને જ્ઞાનનિષ્ઠાનું સુયોગ્ય પાત્ર બનાવવા માટે જ સ્વીકારાયેલી હોવાથી એને તદૃન ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે. અલબત્ત, અહીં એ તો નોંધવું જોઈએ કે, કેવલાદ્વૈતીઓ જેને ભક્તિ કહે છે, તે તો માત્ર આપણે આગળ જોઈશું તેવી પ્રારંભિક પ્રકારની ભક્તિસાધનાઓ જ છે. એ કંઈ અહીં પ્રસ્તુત ઉચ્ચત્તમ સ્તરની ભક્તિ નથી જ. અહીં મુશ્કેલી એ છે કે આ રીતે તો ભક્તિ નિર્વિરોધ રીતે પોતાનું એક ખાસ આગવું રૂપ, અન્યવ્યાત્યાવર્તક સ્વરૂપ તો અવશ્ય જ ધારણ કરી લે છે, અને એનો અર્થ તો એ થયો કે એ રીતે તો એ વિશુદ્ધ અદ્વૈતવાદથી સાવ જ નોખી-નિરાળી થઈ જાય છે, એવું લાગે છે. વળી, આ રીતે આવી ભક્તિ ભેદાભેદમાં – ભેદોમાં એકરૂપતાનાં ક્ષેત્રોમાં – જાણે સરી પડતી હોય, એવું જણાય છે.

આમ હોવા છતાં, આપણે ત્યાં એવા મહાન ઉપદેશકો પણ છે ખરા, કે જેમની અનુભૂતિઓએ આ અદ્વૈતવાદ અને આ ભાગવત પ્રતિપાદિત પંચમપુરુષાર્થરૂપ ભક્તિ વચ્ચેના વિરોધનું સમાધાન ખોળી કાઢ્યું હોય, શ્રીરામકૃષ્ણ એક આવા પરમોપદેશક હતા. પોતાના “વિજ્ઞાની”ના સિદ્ધાંતમાં તેઓ આ વિરોધને ઓળંગી ગયા છે. તેઓ પોતાની અનુભૂતિને આ રીતે રજૂ કરે છે :

“નેતિ નેતિ” – “આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી” – એમ કહેતી રહેતી વિવેકની આ પ્રક્રિયા, બધા જ પ્રકારના વિરોધોને અને બધી જ વિવિધતાઓને દૂર કરતી જાય છે. આ નકારાત્મકતાના શિખર પર, દ્વૈતને વૈવિધ્યને ઘડનારાં બધાં જ નામ અને રૂપ ઓગળી જાય છે અને અખંડ, અનંત, એકરસ પરમાત્મ તત્ત્વની સાધકને અંત:પ્રેરણા થાય છે. આ કક્ષાએ પહોંચેલો સાધકનો અહમ્ પછી ઘણું કરીને પાછો સાંસારિક અસ્તિત્વ, સભાનતા ધારણ કરતો નથી. પણ એ છેવટે નિર્વિકલ્પ સમાધિમાં પરિપૂર્ણ તત્ત્વમાં ભળી જાય છે. પણ અહીં શ્રીરામકૃષ્ણ કહે છે કે “માની ઇચ્છા”થી એ કક્ષાએ પહોંચેલો સાધનો અહમ્ પણ પાછો સભાનતા ધારણ કરે છે કેટલાંક તત્ત્વજ્ઞાનીઓ જેને પ્રારબ્ધ કર્મ કહે છે, તેનાથી આ નથી થતું, પણ “મા ની ઇચ્છા”થી જ આવું થાય છે. આવા દાખલાઓ ભલે સાવ ગણ્યા ગાંઠ્યા જ હોય, પણ એ છે તો ખરા જ. પણ આવે વખતે તેઓનો અહમ્ તદૃન રૂપાંતરિત થઈ ગયેલો હોય છે. હવે એ કંઈ સામાન્ય અહમ્‌ની જેમ દેહકેન્દ્રી રહ્યો હોતો નથી, પરંતુ આત્મકેન્દ્રી બની ચૂક્યો હોય છે. શ્રીરામકૃષ્ણ આવા રૂપાંતરિત પુનરુત્થિત અહમ્‌ અને “જ્ઞાનાત્મક-અહમ્” અથવા “પરિપક્વ અહમ્” કહે છે. આ પહેલાંના અહમ્‌ને તેઓ “અજ્ઞાનાત્મક અહમ્” કે “અપક્વ અહમ્” એવું નામ આપે છે. આ “અપક્વ અહમ્” તો “પરિપક્વ અહમ્” કરતાં તદૃન જુદો જ છે, કહો કે એનો વિરોધી જ છે. રૂપાંતરિત પુનરુત્થિત અહમ્ તો ઈશ્વર (પરમાત્મા), જીવ (વ્યક્તિગત શરીરધારી ચૈતન્ય) અને જગત (પરિવર્તનશીલ સૃષ્ટિ)ની ત્રિપુટીને પરમતત્ત્વના જ પ્રકટીકરણરૂપે નિહાળે છે. આવા ને ટકી રહેવા માટે પોતાની ભીતર પ્રેમ અને આકર્ષણની આવશ્યકતા રહે છે. પહેલાંનો દેહકેન્દ્રી, અપુનરુત્થિત, અજ્ઞાનાત્મક સ્થિતિવાળો અહમ્ જ્યારે હતો, ત્યારે શરીર, શરીરના પદાર્થો અને દૈહિક સંબંધો જ એને આ પ્રેમ અને આકર્ષણની જરૂરી વિષયસામગ્રી પૂરી પાડતા રહેતા; પણ હવે જ્યારે આગળ બતાવ્યા પ્રમાણે એ અસ્તિત્વની એકાકારતાની અંત:પ્રેરણાથી પ્રકાશિત થઈ ઊઠ્યો છે, ત્યારે એને ટકી રહેવા માટે તો અખિલ જગ-ત્રાતા, સૃષ્ટિસ્થિતિપ્રલયકર્તા, પરમેશ્વર જ એના પ્રેમ અને આકર્ષણની જરૂરી વિષયસામગ્રી પૂરી પાડે છે. ભાવ જાગૃત થતાં અનુભવાતા, “ભગવાન ભક્તોના છે” એવા ભાગવતે પ્રતિપાદિત કરેલા ઈશ્વર સાથેના વાત્સલ્ય, સખ્ય કે રતિ જેવા પ્રેમભક્તિના પ્રગાઢ અને ઉચ્ચતમ સંબંધો તો ત્યારે જ ધારણ કરી શકાય છે કે જ્યારે જીવ દિવ્ય તત્ત્વ સાથે પોતાની પાયાની નક્કર એકતાના ભાવની બક્ષિસ પામે. આ દિવ્ય તત્ત્વ, ભક્તને માટે “એના પોતાના કરતાં જુદો એક વિષય છે, એમ માન્યા વગર બીજી રીતે તો વિચારી શકાય તેવું નથી. અને એ સર્વશક્તિમાન, દિવ્યતત્ત્વ-ભગવાનનો જેવો આદેશ હોય, તે પ્રમાણે જ ભક્ત એને અહોભાવ, પૂજા-ઉપાસના કે મર્યાદિત પ્રેમના એક વિષય તરીકે વિચારી શકે.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

સંદર્ભ અને નોંધ

૧. સરખાવો, નરસિંહ મહેતા : “હરિના જન તો મુનિ ન માગે, માગે જનમોજનમ અવતાર રે” (અનુવાદક)

૨. ભક્તિની શ્રેષ્ઠતાનું આવું મહત્ત્વ બતાવતા, ભાગવતના કેટલાંક લોકો આ છે. : ૧૧/૧/૭-૯; ૩/૧૫/૪૮-૪૯; ૩/૨૫/૩૪; ૪/૯/૧૦; ૪/૨૦/૨૪; ૫/૬/૧૭-૧૮; ૬/૧૪/૫; ૭/૬/૨૫; ૭/૮/૪૨; ૯/૪/૬૪-૬૭; ૧૦/૧૫/૩૭; ૧૦/૮/૪૧-૪૨; ૧૦/૮૭/૨૧; ૧૧/૧૪/૧૪; ૧૧/૨૦/૧૧; ૧૧/૨૦/૩૪

૩. સરખાવો, નરસિંહ મહેતા : “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે” (અનુવાદક)

૪. पारमार्थिकमद्वैतं द्वैतं भजनहेतवे। ताद्दशी यदि भक्तिः स्यात् सा तु मुक्तिशताधिका ॥ द्वैतं मोहाय बोद्यात्प्राक् जाते बोधे मनीषया । मक्त्यर्थं कल्पितं द्वैतं अद्वैतादपि सुन्दरम् ॥

Total Views: 162

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.