આજે સમસ્ત વિશ્વમાં ઉથલ-પથલ મચી રહી છે. મહાશક્તિશાળી સોવિયત રશિયાના વિઘટન બાદ અન્ય રાષ્ટ્રો ચિંતામાં પડ્યાં છે – આ મહા રાષ્ટ્રનાં હજારો આણવિક અસ્ત્રો કોના કબ્જામાં રહેશે? અત્યાર સુધી તો આ બધાં ભયંકર અસ્ત્રોની સ્વીચ એક વ્યક્તિ પાસે જ હતી અને તેને સમજાવવાથી જ આ અસ્ત્રોનો દુરુપયોગ બંધ કરવાનું શક્ય હતું. પણ હવે તો આમાનાં નેવું ટકા અસ્ત્રોની માલિકી સોવિયત રશિયાના રશિયા, યુક્રેઈન, કાઝખ્સ્તાન અને બેલોરશિયા વચ્ચે વહેંચાઈ રહી છે અને બાકીનાં અસ્ત્રો અન્ય દેશો વચ્ચે વહેંચાઈ રહ્યાં છે. આમાંથી કેટલા દેશો આણવિક અસ્ત્રોના નાશ માટે સંમત થશે એ એક મોટો પ્રશ્ન છે. યુ.એસ. સેનેટ આર્મ્ડ સર્વિસેઝ કમિટિના ચેરમેન સામ નન (Sam Nunn) કહે છે : “આપણે કાં તો વિશ્વના ઇતિહાસમાં આણવિક અસ્ત્રોનાં મોટા પાયે નાશ કરવાના અંતિમ ચરણમાં છીએ અથવા તો આ અસ્ત્રો બનાવવાની વૈજ્ઞાનિક કળાના, આણવિક વસ્તુઓના, અને અણુ અસ્ત્રોના સૌથી મોટા દુરુપયોગની અણી પર છીએ.” (‘Time’ ડિસેમ્બર ૧૬, ૧૯૯૧). કેટલાય અણુ વિજ્ઞાનીઓ રશિયામાં બેરોજગાર બની ગયા છે અને તેઓને ખરીદવા માટે વિભિન્ન દેશો વચ્ચે હોડ ચાલી રહી છે. કેટલાય અણુ અસ્ત્રોની ગેરકાયદેસર નિકાસ થઈ રહી છે. બીજી તરફ ચીન આડેધડ મોટા પાયા પર અણુઅસ્ત્રો અન્ય દેશોને વેચી રહ્યું છે. પરિસ્થિતિ વિસ્ફોટજનક છે. સમસ્ત પૃથ્વીનો અનેક વાર વિનાશ કરી શકે એવા અણુઅસ્ત્રો છેવટે કેવું પરિણામ લાવશે, એ પ્રશ્ન દરેક વિચારશીલ વ્યક્તિને સતાવી રહ્યો છે. આ સંદર્ભમાં વર્તમાનકાળના સર્વશ્રેષ્ઠ ઇતિહાસકાર આર્નોલ્ડ ટૉયન્બીનો અભિમત અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. આર્નોલ્ડ ટૉયન્બી ગ્રીસના એક રણક્ષેત્રમાં યુદ્ધ જોવા ગયા હતા. ત્યાં સૈનિકોના મૃતદેહોના સ્તુપને જોઈને અને મૃતદેહો પર લાગેલા તાજા રક્તને જોઈને યુવક ટૉયન્બી વ્યથિત હૃદયે વિચારવા લાગ્યા : “આ વિનાશકારી યુદ્ધના સકંજામાંથી બચવાનો શું કોઈ ઉપાય નથી?” તે દિવસથી તેઓ આ પ્રશ્નના ઉત્તરની શોધમાં લાગી ગયા. ઇતિહાસનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે ઇતિહાસનો એક પણ અધ્યાય એવો નથી, એક પણ યુગ એવો નથી જે યુદ્ધના સકંજામાં ન સપડાયો હોય. તેમણે વિચાર્યું : “ત્યારે શું યુદ્ધ અનિવાર્ય છે?”

જોતજોતામાં પાંત્રીસ વર્ષો વીતી ગયાં. આ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ મંડાઈ ગયું. આ યુદ્ધ પહેલાં કરતાં પણ વધુ ભયાનક અને વિનાશકારી હતું. ટૉયન્બીનું હૃદય વિદીર્ણ થઈ ગયું. પોતાના જગપ્રસિદ્ધ ગ્રંથ એ સ્ટડી ઑફ હિસ્ટરી (A Study of History) ના બારમા અને છેલ્લા અધ્યાયમાં તેમણે લખ્યું : “વર્તમાન કાળની આવશ્યકતા અર્થ નથી, સમાજોન્નતિ નથી, યુદ્ધસામગ્રી નથી, અત્યારે આવશ્યકતા છે – આધ્યાત્મિક શાંતિની અને પૂર્ણતાની” ટૉયન્બીની આશંકા હતી કે આ પછીનું યુદ્ધ તો એટલું ભયાવહ હશે કે સમસ્ત પૃથ્વીનો નાશ થઈ જશે. આ અખિલ ધરતીનું રક્ષણ કેવી રીતે થશે, આ માનવ સંસ્કૃતિ સભ્યતાને કોણ બચાવશે, આ પ્રશ્ન તેમના મનમાં સતત ઘોળાતો રહેતો. તેમના જીવનમાં અંતિમ વર્ષોમાં (૧૯૬૯માં) શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશનો તેમને પરિચય થયો અને તેમણે હર્ષપૂર્વક ઘોષણા કરી : “શ્રીરામકૃષ્ણ પૃથ્વી પર એવા એક સમયે આવિર્ભૂત થયા જ્યારે તેમના જ જીવન અને સંદેશની આવશ્યકતા હતી……. આપણે વર્તમાનમાં પૃથ્વીના ઈતિહાસના એક યુગ-પરિવર્તનના અધ્યાયમાં જીવી રહ્યા છીએ જે ઇતિહાસનો પ્રારંભ કર્યો છે પ્રાશ્ચાત્ય ભાવાદર્શે; પણ જો આ અધ્યાયને સમગ્ર માનવજાતિના આત્મહનન અને સ્વલોપથી બચાવવો હોય તો તેની પરિણતિ ભારતીય હોવી જોઈએ. વર્તમાન યુગમાં પાશ્ચાત્ય ટેકનોલોજી દ્વારા પૃથ્વી પર ભૌતિક સ્તર પર એકતા લાવવી શક્ય બની છે. આ પાશ્ચાત્ય વિજ્ઞાન કૌશલ્યે સ્થળ સ્થળના અંતર તો નહિવત્ કરી દીધાં છે પણ સાથે-સાથે પૃથ્વીના માનવને ભયંકર શક્તિસંપન્ન અસ્ત્રોથી સજ્જ કર્યો છે અને ભૌગોલિક દૃષ્ટિએ દૂર સુદૂર રહેતાં રાષ્ટ્રોને, એકબીજાને ખતમ કરી શકે એટલા સામસામા આણી મૂક્યા છે. દુર્ભાગ્યની વાત એ છે કે આવી નિકટતા હોવા છતાં મનુષ્યો પરસ્પર એકબીજાને સમજતા અને ચાહતા શીખ્યા નથી. માનવ ઇતિહાસની આ સર્વાધિક ભયંકર ઘડીએ બચવાનો એક માત્ર પથ છે ભારતનો પથ. સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના સિદ્ધાન્તોમાં અને શ્રીરામકૃષ્ણની સર્વધર્મસમન્વયની અનુભૂતિમાં આપણને એ વલણ અને આદર્શ સાંપડે છે જે સમસ્ત માનવજાતને એક પરિવારની જેમ પાંગરવા સહાયરૂપ થાય. અને આ અણુયુગમાં આપણને આત્મવિનાશથી બચાવવા માટેનો આ એક માત્ર વિકલ્પ છે.”

ભારતનો આદર્શ ફક્ત ‘વસુધૈવકુટુંબકમ્’ સુધી જ મર્યાદિત નથી રહ્યો, આપણા વેદાંતમાં તો વિશ્વએકત્વના આદર્શની વાત કહેવામાં આવી છે. આ પ્રશ્નનું નિરાકરણ વેદાંતમાંથી જ મળશે. આપણે ‘વિશ્વબંધુત્વ’ અથવા ‘વિશ્વઐક્ય’ સાધવા પ્રયત્નો કરીએ છીએ પણ આ માટે કાંઈક પાયાની જરૂર છે. જેના પર ચણતર કરવું તે પાયો ક્યાં છે? શેના ઉપર વિશ્વબંધુત્વ સ્થાપી શકાય? દુનિયામાં અનેક જાતિઓ અને જુદા જુદા પ્રકારના લોકો છે. આપણે જો તેમનું ઐક્ય સાધવું હોય તો એક સર્વસામાન્ય કડી હોવી જરૂરી છે. આ સર્વસામાન્ય કડી છે – વેદાંતમાં દર્શાવેલ અને શ્રીરામકૃષ્ણદેવના જીવન-સાધનાની પ્રયોગશાળામાં સાબિત થયેલ દિવ્યતાનો અને સાર્વભૌમિકતાનો આદર્શ – પ્રત્યેક મનુષ્યના હૃદયમાં દિવ્યતા સુપ્તપણે રહેલી છે અને એક જ ચેતન તત્ત્વ સચરાચર જગતમાં પ્રસરી રહેલ છે. માનવ-માનવ વચ્ચે આ દિવ્યતાની સર્વસામાન્ય કડી જ વિશ્વબંધુત્વ-વિશ્વએકત્વ તરફ દોરી જશે. આ દિવ્યતાના પાયા પર જ વિશ્વબંધુત્વ – વિશ્વઐક્યની ઈમારતનું ચણતર થઈ શકે.

આપણા ઉપનિષદોમાં કહ્યું છે :

सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम्।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्यतिष्ठति ॥

તે પરબ્રહ્મનાં હાથ-પગ સર્વ દિશાઓમાં છે. તેનાં નેત્રો, મસ્તક અને મુખ પણ સર્વ દિશાઓમાં છે. સર્વત્ર તેને કાન છે. આ લોકમાં સર્વને આવૃત્ત કરીને અર્થાત્ સર્વત્ર વ્યાપીને તે રહેલો છે. [શ્વેતાશ્વતર ઉ. ૩/૧૬]

આ કંઈ સિદ્ધાંતની વાત નથી, ઋષિમુનિઓની અનુભૂતિની વાણી છે. અને ફક્ત પુરાતનકાળના મનુષ્યોની જ અનુભૂતિની વાણી નથી, આપણા આ યુગમાં – માત્ર એકસો છ વર્ષો પહેલાં જેમણે મહાસમાધિ લીધી – તેવા શ્રીરામકૃષ્ણદેવની જીવનસાધનાની પ્રયોગશાળામાં સાક્ષાત્કાર પામેલી અનુભૂતિ છે.

એકવાર શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાના દક્ષિણેશ્વર મંદિરમાં ગંગાને કિનારે ઊભા રહી જોઈ રહ્યા હતા કે, બે નાવિકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. અચાનક એક નાવિકે બીજા નાવિકની પીઠ પર માર્યું. શ્રીરામકૃષ્ણદેવ ચીસ પાડીને રડી પડ્યા. તેમના આ વ્યાકુળ ક્રંદને કાલીમંદિરમાં તેમ જ તેમના ભાણેજ હૃદયરામના કાનોમાં પ્રવેશ કર્યો. તરત જ ત્યાં આવીને તેણે જોયું કે શ્રીરામકૃષ્ણદેવની પીઠ લાલચોળ થઈ ગઈ છે અને ફૂલી ગઈ છે. ક્રોધમાં અધીર હૃદયરામ વારંવાર પૂછવા લાગ્યો, “મામાજી, મને બતાવી દો, કોણે તમને માર્યું હમણાં જ તેનું માથું ધડથી અલગ કરી દઉં.” શ્રીરામકૃષ્ણદેવ ત્યારે ભાવાવસ્થામાં હતા. આ પછી જ્યારે તેઓ સાધારણ અવસ્થામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે, તેમને કોઈએ માર્યું નથી, પણ પેલા નાવિકને બીજા નાવિકના મારવાથી તેમની આ દશા થઈ છે. આ સાંભળીને હૃદયરામ આશ્ચર્યચકિત થઈ વિચારવા લાગ્યા, શું આ પણ સંભવી શકે?

શ્રીરામકૃષ્ણદેવ જ્યારે અદ્વૈતાનુભૂતિની અવસ્થામાં રહેતા ત્યારે કોઈ વ્યક્તિ ઘાસ પર ચાલવાથી તેમની છાતીમાં પીડા થતી, ઝાડ પરથી ફૂલ ચૂંટવું તેમના માટે અશક્ય બની જતું કારણ કે દરેક વસ્તુમાં તેઓ ચૈતન્યનો અનુભવ કરતા.

શ્રીરામકૃષ્ણદેવના ગળામાં જ્યારે કેન્સરની બીમારી થઈ હતી, ત્યારે પ્રખ્યાત પંડિત શશધર તર્કચૂડામણિએ તેમને સલાહ આપી, “મહાશય, શાસ્ત્રમાં વાંચ્યું છે કે આપના જેવા પુરુષ ઇચ્છામાત્રથી શરીરના રોગ મટાડી દઈ શકે. ‘મટી જાઓ’ એમ વિચાર કરીને એક વાર રોગને સ્થાને મનને એકાગ્ર કરીને થોડી વાર રાખવાથી બધું મટી જાય. આપ પણ એક વાર એ પ્રમાણે કરી જુઓ તો?”

શ્રીરામકૃષ્ણદેવે કહ્યું : “અરે! તમે પંડિત થઈને આવી વાત શી રીતે કરો છો? જે મન સચ્ચિદાનંદને આપ્યું છે, તેને ત્યાંથી ઉઠાવી આણીને આ ભાંગ્યાતુટ્યા હાડમાંસના માળખા ઉપર લગાડવાની પ્રવૃત્તિ હવે શું થઈ શકે?” પંડિતજી તો નિરુત્તર થઈ ગયા પણ સ્વામી વિવેકાનંદજી તથા અન્ય ભક્તોથી ચૂપ રહેવાયું નહીં. તેઓએ જીદ માંડી અને કહેવા લાગ્યા, “આપે આ રોગ મટાડવો જ પડશે. અમારી ખાતર મટાડવો જ પડશે.” શ્રીરામકૃષ્ણદેવે જ્યારે કહ્યું કે એ બધું જગન્માતાની ઇચ્છા પર આધાર રાખે છે, ત્યારે સ્વામી વિવેકાનંદજીએ તેમને જગન્માતાને પ્રાર્થના કરવાનું કહ્યું. ઘણી આનાકાની પછી શ્રીરામકૃષ્ણ જગન્માતાને આવી પ્રાર્થના કરવા માટે સંમત થયા. થોડા કલાક વીત્યા પછી સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવને ઉત્સુકતાથી પૂછ્યું, “મહાશય, કહ્યું તમે માને? મા શું બોલ્યાં?” શ્રીરામકૃષ્ણે કહ્યું, “મેં માને ગળાનો ઘા દેખાડતાં કહ્યું, ‘આને લીધે કશું ખવાતું નથી, જરાતરા ખવાય તેવું કરી દે. એ સાંભળીને તમને લોકોને દેખાડીને મા બોલી, કેમ રે, આ આટલા મોઢેથી તો તું ખાય છે?’ શરમથી ભોંઠો પડી જઈને હું તો આગળ કશું યે બોલી શક્યો નહી.”

કેવો અદ્‌ભુત દેહબુદ્ધિનો અભાવ! કેવું અપૂર્વ એ અદ્વૈત-જ્ઞાનમાં અવસ્થાન! તે વખતે, છેલ્લા છ મહિનાથી શ્રીરામકૃષ્ણદેવનો નિત્ય આહાર હતો કેવળ અચ્છેરેક જવનું પાણી!

વેદાંતમાં પ્રબોધેલ અને શ્રીરામકૃષ્ણની જીવન-સાધનાની પ્રયોગશાળામાં આચરવામાં આવેલ આ વિશ્વએત્વના આદર્શની આજે વિશ્વમાં તાતી જરૂરિયાત છે. આ વર્ષે ૬ માર્ચે, શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ વિશ્વમાં ઠેકઠેકાણે ઉજવાઈ રહી છે ત્યારે તેમના જીવનસંદેશમાંથી પ્રેરણા લઈ વિશ્વબંધુત્વ જ નહીં, – વિશ્વએકત્વના આદર્શ ભણી આપણે કૂચ કરી શકીએ એવી શક્તિ માટે પ્રભુને પ્રાર્થીએ.

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.