(ગતાંકથી આગળ)

(શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ – (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)

આમ, શ્રીરામકૃષ્ણ કહેતા “વિજ્ઞાની”નું અભેદ જ્ઞાન પ્રેમનો નાશ તો કરતું જ નથી, પણ ઊલટું આવું અભેદ જ્ઞાન તો “પ્રભુ મારા છે” એવા ભાવથી પ્રેમને વધુ બળ આપે છે. વળી, જીવના પરમલક્ષ્યરૂપ દિવ્યતત્ત્વની શાશ્વત સેવા પણ એ નિર્મે છે. ભક્તિની સાધના માટે જેઓ જ્ઞાન કે અદ્વૈતની સમજણને પણ ખપમાં ન લેતા હોય, એવા “વિજ્ઞાનીઓ” તેમ જ “નિત્યસિદ્ધો” અને ભાગવતમાં દર્શાવેલ “ભાગવતોત્તમો”માં કશો જ ફરક જણાતો નથી. આવા “ભાગવતોત્તમો” પૈકીના એક સુવિખ્યાત શુકદેવ છે એ પોતે જ એક દાખલારૂપ છે. તેઓ જાહેર કરે છે કે ભલે તેઓ નિર્ગુણનિરાકાર પરમ અનંત તત્ત્વમાં અવસ્થિત હોય, છતાં ભગવાન અને તેમના લીલાવૈભવના આકર્ષણથી તેઓ ભક્તિમાર્ગ પર ઊતરી આવ્યા છે.

આને જ મળતો આવતો વિચાર મહાન અદ્વૈતવાદી મધુસૂદન સરસ્વતીએ પણ રજૂ કર્યો છે. તેઓ અદ્વૈતવાદી હોવા છતાં ભગવાનના પરમ ભક્ત હતા. એક શ્લોકમાં તેઓ કહે છે:

“પારમાર્થિક તત્ત્વ તો અદ્વૈત જ છે; પણ ભક્તિના હેતુ માટે તો દ્વૈત જ ઠીક છે. ખરી વાત તો જો કે આ જ છે, પણ જો ભક્તિ પ્રાપ્ત થાય, તો એ મુક્તિ કરતાં સો ગણી મહાન છે. જ્ઞાન થયા પહેલાં દ્વૈતનું દર્શન મોહનું કારણ બને છે. પણ જ્ઞાન થયા પછી કેવળ ભક્તિ માટે જ દ્વૈતને ધારી લેવામાં આવે, તો એ અદ્વૈત કરતાં પણ વધુ સુંદર છે.”

આથી એવું જણાય છે કે ભક્તિના ઉચ્ચતર ભાવોની ખરેખરી અનુભૂતિ તો અભેદ ભાવનો ઉષ:કાળ થયા પછી જ થઈ શકે. એ થયા વિના તો વધારેમાં વધારે કોઈકના ભાવની નકલ માત્ર જ થઈ શકે.

પોષણ-પુષ્ટિનું પરિણામ: પ્રીતિ (દિવ્ય-અનુગ્રહ-પસંદગી)

“પ્રીતિ” શબ્દ દ્વારા અભિવ્યક્ત થતો અનન્ય ભક્તિપ્રકાર, જીવને કંઈ એની સ્વભાવસહજ સ્થિતિમાં સાંપડી જતો નથી. દાસ્યભક્તિની છાયાવાળી શાંતભક્તિ તો જીવને સાધનાથી પ્રાપ્ત થઈ શકે છે પણ પ્રીતિમૂલક ભાવોની તો ફક્ત એવા ભક્તને જ ભેટ મળે છે કે જેને ભગવાને પોતે જ એ માટે પસંદ કર્યો હોય. વૈષ્ણવ પરંપરાની ચૈતન્ય શાખા કહે છે કે, શ્રીકૃષ્ણ સત્-ચિત્-આનંદસ્વરૂપ છે અને પોતાને પ્રક્ટ થવા માટે એમની ત્રણ શક્તિઓ છે. એ શક્તિઓ, “સ્વરૂપ શક્તિ”, “જીવશક્તિ” (તટસ્થ શક્તિ) અને “માયાશક્તિ”ને નામે ઓળખાય છે. આમાંની છેલ્લી “માયાશક્તિ” એ અચેતન પ્રકૃતિને પ્રકટ કરનારી શક્તિ છે અને બીજી “જીવશક્તિ” એ મર્યાદિત ચેતનાઓને-જીવોને પ્રકટ કરે છે; પણ પહેલી જે “સ્વરૂપશક્તિ” છે, તે જ ઈશ્વરનું મૂળભૂત, તાત્ત્વિક અને પારમાર્થિક સ્વરૂપ છે. આ “સ્વરૂપશક્તિ”નું સંધિની, સંવિત્ અને હ્લાદિની – એમ ત્રણ રીતે વિભાગીકરણ કરવામાં આવ્યું છે. એમાં સત્ કે અસ્તિત્વ માટે અનુરૂપ એવી સંધિની વડે ઈશ્વર પોતાનું તેમ જ પોતાનાં બધાં પ્રકટીકરણોનું અસ્તિત્વ ટકાવી રાખે છે; ચિત્-ચેતનાશક્તિ માટે અનુરૂપ એવી સંવિત્ દ્વારા ઈશ્વર પોતાને અને બીજાઓને પણ “સ્વ”ની સભાનતાવાળા રાખે છે; અને આનંદ(મોહ) ને અનુરૂપ એવી હ્લાદિની શક્તિ દ્વારા ઈશ્વર આત્માનંદને માણે છે, તેમ જ અન્યોને પણ એ આનંદરસાનુભવ કરાવે છે. ઈશ્વરનું “રસ” તરીકે નિરૂપણ કરવામાં આવ્યું છે. (રસ એ આનંદની એક અન્ય ઔપનિષદિક પરિભાષા છે.) અને સાથોસાથ “રસિક” તરીકે પણ પોતાના રસાનંદના સ્વયં ભોક્તા તરીકે પણ એ નિરૂપાયા છે.

“રસિક”ના સ્વરૂપમાં તેઓ કેવળ કંઈ પોતાના સ્વરૂપસહજ આનંદને જ માણતા રહેતા નથી; પણ એની સાથોસાથ જીવોમાંથી પ્રતિબિંબિત થતા આનંદને પણ તેઓ માણતા રહે છે. તેઓ જે જીવનું “વરણ” કરે છે – જે જીવને તેઓ પસંદ કરે છે, તેના ઉપર તેઓ પોતાના આનંદસ્વરૂપના અર્ક સમી હ્લાદિની શક્તિ ફેંકે છે અને તેમના દ્વારા ફેંકાયેલી એ શક્તિનું જીવમાં જે પ્રતિબિંબ પડે છે, તે જ ઉચ્ચતમ પ્રકારની પ્રીતિભક્તિ છે. ભગવાનના અનુગ્રહની આ ભેટને પરિણામે જીવ જાણે કે પોષણ, પુષ્ટિ પામે છે અને નિર્હેતુક-નિષ્કામ-ભક્તિનો ધની બની જાય છે. જીવની આ “પુષ્ટિ”, એ ભગવાનની હ્લાદિની શક્તિની જ અભિવ્યક્તિ છે; એ કંઈ જીવની પોતાની સ્વાભાવિક સ્વરૂપગત શક્તિ નથી. એકમાત્ર ભગવાનને જ પ્રસન્ન કરવાના પૂર્ણ ઉદ્દેશથી, પોતાની કશીય ખેવના રાખ્યા વગર, જીવમાં પ્રતિબિંબિત થયેલી આ હ્લાદિની શક્તિ, જ્યારે પ્રભુ પ્રત્યે નિર્દેતુક પ્રેમ અને સેવાના રૂપમાં અભિવ્યક્ત થાય છે. ત્યારે ભગવાનમાં પોતામાં જ એક અસાધારણ પ્રકારનો આનંદ જાગે છે, અને સાથોસાથ ફક્ત ભગવાનને જ પ્રસન્ન કરવાના એકમાત્ર હેતુથી, પોતાની જાતની કશીય પરવા કર્યા વગર, પ્રભુસેવા દ્વારા પોતાને અભિવ્યક્ત કરતા ભક્તમાં પણ આવો અસાધારણ આનંદ ઉપજે છે.

પ્રીતિની ભાગવતકથિત વિભાવનાનો, વૈષ્ણવ પરંપરાની ચૈતન્યશાખાના સિદ્ધાંતકારોના હાથે પાછળથી થયેલો આ વધારાનો વિકાસ વિસ્તાર છે. જો કે ભાગવત, સાધકો માટે ભક્તિને સ્પષ્ટ રીતે ખુદ મુક્તિ કરતાં પણ વધુ દુર્લભ એવી ભગવાને દીધેલી ઉત્તમોતમ ભેટ તરીકે લેખે તો છે જ. (ભાગવત: ૫/૬/૧૮) પણ આમ હોવા છતાંય, પેલી હ્લાદિની શક્તિની વિભાવના અને પ્રીતિભક્તિની ઉત્પત્તિમાં એનો ફાળો પણ ભાગવતમાં સ્પષ્ટ છે, એમ કહેવું એ તો સાચું નથી જ. આ બધું તો વૈષ્ણવપરંપરાની ચૈતન્યશાખાના સિદ્ધાંત વિસ્તારનો જ ઉહાપોહ છે. પરંતુ, આવા સિદ્ધાંતવિસ્તાર વગર તો જીવ પરમાત્મા પ્રત્યે “મારાપણા” નો ભાવ કેવી રીતે રાખી શકે, એ વાતને તેમ જ ભક્તિ પાંચમો પુરુષાર્થ છે, અને મુક્તિ કરતાં પણ એ ચડિયાતો પુરુષાર્થ છે, તે ભાગવત પ્રદિપાદિત સિદ્ધાંતને સમજવાનું અશક્ય થઈ પડે છે. પોતાને મળેલી જ્ઞાનની શક્તિથી જીવ વિશુદ્ધ બને છે અને ભક્તિની સાધનાની વૃદ્ધિથી એ આત્મનિવેદનનું વલણ કેળવે છે, તેમ જ “હું તારો છું” એવું અનુભવતો થાય છે અને પરમાત્માની શ્રેષ્ઠતામાં, ભવ્યતામાં ખોવાઈ જાય છે, આ દાસ્યભક્તિની છાયાવાળો શાંતભાવ છે. આનું લક્ષ્ય “સાયુજ્ય” (પરમાત્મામાં ભળી જઈ એકરસ થવું) છે. પરંતુ પરમાત્મા પ્રત્યે, “એ મારો છે” એવા ભાવ પર ખડી થયેલી “પ્રીતિભક્તિ” તો પ્રભુની હ્લાદિની શક્તિ દ્વારા અનુગ્રહ થાય, તો જ પ્રકટ થાય છે.

વિશ્વના સર્જક, પાલકપોષક, ઉદ્ધારક, સંહારક, સર્વજ્ઞ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન, અગણિત ગુણગણગરિમા વિભૂષિત એવા પરમ પ્રભુ પ્રત્યે, જાણે કે એ ભક્તનો પુત્ર હોય, કે પ્રિયતમ હોય એવો મમત્વનો ભાવ સેવવો અને એમના પ્રત્યે “મારાપણા”નો અનુભવ કરવો – આવો ધનિષ્ઠ સંબંધ જીવ જેવા મર્યાદિત પ્રાણીને માટે તો સ્વાભાવિક લાગતું નથી. એ માટે તો માનવ આત્મામાં પ્રભુની અસાધારણ વૈભવગરિમાની સતત સભાનતા વાળી સાવ નવી જ ચેતના જાગવી જોઈએ કે જે ચેતના દિવ્ય પ્રભુ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલી રહી શકે અને એવી ચેતના તો કેવળ એ પ્રભુની કૃપાના ઉપહારથી જ સિદ્ધ થઈ શકે. આને “પોષણ” કે “પુષ્ટિ” કહેવામાં આવે છે. કારણ કે અહીં જીવમાં પ્રતિબિંબિત થયેલી પ્રભુની આનંદમયી આ હ્લાદિની શક્તિથી યુક્ત દિવ્ય આહાર, ભક્તને-જીવને “પોષણ-પુષ્ટિ” આપે છે, તેમ જ એને “દિવ્ય પ્રભુ ભક્તના પોતાના છે” – એવી ભાવના ધારણ કરવા માટે સમર્થ બનાવે છે. એમાં એને ભગવાનના ઐશ્વર્યની પણ કશી અડચણ નડતી નથી. ભગવાન પોતે જ પોતાના ભક્તને પોતાના કરતાં મોટો થવાની અનુમતિ આપે છે; અને પોતે ભક્તના વલણને વશ થઈને એ ભક્ત કરતાં નાના થઈ જાય છે. ભગવાન પોતે જ આમ કહે છે: “હું મારા ભક્તનો વશવર્તી છું; અને તેથી હું એક રીતે સ્વાતંત્ર્ય વિહોણો છું. ઉચ્ચમનવાળા ભક્તોનો હું પરમપ્રેમી હોવાથી મારું હૃદય તેમના વશમાં છે.” (ભાગવત્: ૯/૪/૬૩) શ્રીકૃષ્ણના જીવનમાં આ બાબત દર્શાવતા અનેક પ્રસંગો ભાગવતમાં ચિત્રિત થયા છે. જે જીવોએ ભગવાનનો આવો કૃપાપ્રસાદ મેળવ્યો છે, તેઓ નિત્યસિદ્ધ થઈ જાય છે અને પોતાની વ્યક્તિમત્તાને જાળવી રાખીને પરમ પ્રભુની સેવાના આનંદમાં રત રહે છે. ભક્તિસિદ્ધાંત દ્વારા સ્વીકૃત આ ઊંચામાં ઊંચું લક્ષ્ય છે. આ રીતે પ્રીતિભક્તિ પાંચમો પુરુષાર્થ બની રહે છે.

પરકીયાભાવનું મહત્ત્વ:

ભગવાન પ્રત્યે “તે મારો છે” એવા ખ્યાલવાળી ભક્તિ એ “પ્રીતિભક્તિ” છે. પ્રભુ પ્રત્યે, જેવો સ્વામી પ્રત્યે સેવકનો, બાળક પ્રત્યે મા-બાપનો કે મા-બાપ પ્રત્યે બાળકનો અને મિત્ર પ્રત્યે મિત્રનો જેવો ભાવ હોય છે, તેવો ભાવ આ પ્રીતિભક્તિના અંગરૂપે સ્વીકારાયેલો છે જ. પરંતુ, આ પ્રકારની ભક્તિની સૌથી વધુ, અનન્ય, અસાધારણ અભિવ્યક્તિ તો “કાન્તાભાવ”માં (પતિ-પત્નીના સંબંધમાં) અને એમાં પણ ખાસ કરીને “પરકીયાભાવ”માં (સમાજે જેને અનૈતિક ગણ્યો છે, એવા ભાવમાં) થયેલી છે. આ બન્ને ભાવો ભાગવતમાં અનુક્રમે દ્વારકામાં શ્રીકૃષ્ણની પત્નીઓના ભાવમાં અને વૃંદાવનની ગોપીઓના ભાવમાં પ્રકટ થયા છે. આ બે ભાવો પૈકીનો બીજો ભાવ તો અવશ્ય જ પ્રીતિભક્તિના સર્વોચ્ચ શિખર રૂપે મનાયો છે. કારણકે કેવળ એ ભાવમાં જ એવું બની શકે છે કે જેવી રીતે કોઈ કન્યા પોતાના ભૂત-ભવિષ્યની કશી પરવા કર્યા વગર, બધું જ છોડીવછોડીને પોતાના પ્રેમપાત્રમાં પરમ શ્રદ્ધા અને પૂરી તન્મયતાથી પોતાના “જાર” સાથે ચાલી નીકળે, તેવી રીતે ભક્ત પણ કશી ગણતરીબાજી કે બદલાની કોઈ ખેવના રાખ્યા વગર, પરમ શ્રદ્ધાથી ભગવાન આગળ સંપૂર્ણપણે-કશુંય બાકી રાખ્યા વગર પોતાનું સમર્પણ, આત્મનિવેદન કરી દે છે અને આ ભાવ તો પેલા પત્ની તરીકેના ભાવ કરતાં પણ ઉચ્ચતર ગણવામાં આવ્યો છે. કારણ કે પત્નીભાવે કરેલ આત્મસમર્પણમાં તો કંઈ આ “જારબુદ્ધિ”થી કરેલા સમર્પણનાં બધાં લક્ષણો-સંપૂર્ણ ઉત્ક્રમણ, ત્યાગ અને બદલાની આશાનો અભાવ વગેરે-સમાઈ શકતાં નથી. આ જ કારણને લીધે ભાગવત, પ્રીતિઉપહાર પામેલ અન્ય ભક્તોની તુલનામાં વૃંદાવનની ગોપીઓને કૃષ્ણની વિવાહિત પત્નિઓ કરતાંય ઊંચે સ્થાને મૂકે છે. ગોપીઓ તો સર્વસ્વત્યાગી પરમહંસો છે.

પ્રીતિભક્તિના વિકાસનાં પગથિયાં:

વૈષ્ણવ પરંપરાની ચૈતન્યશાખાના પંડિતોએ આ મધુરભાવવાળી પ્રીતિભક્તિના વિકાસનું, પૃથક્કરણ, આ નીચે બતાવેલાં ક્રમશ: ચડિયાતાં થતાં જતાં આઠ પગથિયાં બતાવીને કર્યું છે:

૧. પ્રેમ: કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય ભૂંસાઈ ન જાય, ઝાંખું ન પડી જાય, એવા આકર્ષણ દ્વારા આ પ્રેમ લક્ષિત થાય છે.

ર. સ્નેહ: આ એવું પગથિયું છે કે, જેમાં હૃદય પ્રેમમાં પીગળી જાય છે.

૩. માન: માની લીધેલી ખરેખરી અડચણોમાં’થી પસાર થઈ જઈને પણ પ્રેમની વૃદ્ધિ આમાં થાય છે.

૪. પ્રણય: એ નિ:શેષ શ્રદ્ધા, મૈત્રી અને સાહચર્યની સ્થિતિ છે.

૫. રાગ: આ વિરહવ્યથા, પ્રેમવર્ધન અને ઝંખનાના આનંદની સ્થિતિ છે.

૬. અનુરાગ: પ્રેમની તાજગીનું સાતત્ય – નિત્યનૂતનતા એ આ સ્થિતિનું લક્ષણ છે.

, ૮. ભાવ અને મહાભાવ: શારીરિક અને માનસિક અભિવ્યક્તિના લગભગ ચોવીસ પ્રકારોથી લક્ષિત, કૃષ્ણચૈતન્યમાં તન્મયતાની આ બંને સ્થિતિઓ છે. આ બંને પૈકી મહાભાવની સ્થિતિ, ઈશ્વરપ્રેમની સ્વલ્પ ઉપલબ્ધિ માટે સંઘર્ષ કરતાં સામાન્ય જીવોમાં પ્રકટ થતી નથી. પણ એ તો કેવળ દિવ્ય અવતારોમાં જ પ્રકટ થાય છે.

વૃંદાવન: ઉચ્ચતમ વાસ્તવિકતા:

આ બાબતમાં એક વાત તો નોંધવી જ રહી કે, વૈષ્ણવપરંપરાની ચૈતન્ય શાખાના તત્ત્વજ્ઞાનીઓના આ અભિનવ નિગૂઢ જ્ઞાન પ્રમાણે, શ્રીકૃષ્ણ પ્રત્યેના ગોપીઓના પ્રેમનો વૃંદાવનનો પ્રસંગ, એ ખાલી કોઈ એક ઐતિહાસિક ઘટનામાત્ર જ નથી; પરંતુ, એ તો એક સર્વોચ્ચ વાસ્તવિકતાની ઈતિહાસમાં થયેલી અભિવ્યક્તિ છે. અને આમ હોવાથી એને અનાચારી પ્રેમવિકારની અનૈતિકતામાં મઢી શકાય નહિ. એની પાછળનો વિચાર તો એવો છે કે શ્રીકૃષ્ણ એ ગોલોકના સર્વાતિશાયી – પરમોચ્ચ સામ્રાજ્યમાં પૂર્ણ પરમપુરુષ છે, એ શાશ્વત સત્સ્વરૂપ છે; અને પ્રકટ થયેલા આ બધા જીવો, એમની શક્તિની અભિવ્યક્તિઓ છે. કેવલાદ્વૈતીઓ માને છે તેવી એ કંઈ અનંત નિરાકાર પરબ્રહ્મની માયિક-ભૌતિક ઘટના નથી. પણ એ જ ખરું અદ્વયતત્ત્વ છે. અદ્વૈતીઓ જેને અપુરુષવિધ – નિરાકાર બ્રહ્મ કહે છે, તે તો માત્ર આની હસ્તીના પરિવેશની જ આભા છે. એમની સાથે ગોલોકમાં ગોપીઓની એમના પરિકરો અને પાર્ષદોના રૂપમાં હરહંમેશ શાશ્વત ઉપસ્થિતિ હોય છે, તેઓ એમની મૂળ શક્તિ – હ્લાદિની શક્તિનું જ સાકાર સ્વરૂપ છે; અને એથી આ સ્થૂળ, ભૌતિકતાના સ્પર્શથી મુક્ત છે; એમને કોઈ ભૌતિક શરીર કે એની સાથે વળગેલી ભૌતિક કામવૃત્તિઓ હોતી નથી; એમનાં સ્વરૂપો તો અભૌતિક શુદ્ધ સત્ત્વમય છે. શ્રીકૃષ્ણની શક્તિઓની જેમ તેઓ પણ કૃષ્ણની શાશ્વત ગુણસમૃદ્ધિરૂપ છે, તેઓ સદાસર્વદા કૃષ્ણની સેવામાં જ રત રહેલી છે. કારણ કે માત્ર સેવાનો આનંદ એ જ તેમના અસ્તિત્વનો પૂર્ણ અર્થ છે. જો કે તેઓ ઘણી બધી છે એવું વર્ણવાયું છે; પરંતુ તે બધી રાધા નામની એક મુખ્ય ગોપિકાની જ અભિવ્યક્તિ કે રાધામાંથી જ ઉત્પન્ન થયેલી છે; એ પોતે જ હ્લાદિની શક્તિ છે; અને શ્રીકૃષ્ણને સેવતી શ્રીકૃષ્ણની જ પ્રતિમા છે. આ તે એક જ શક્તિ છે કે જે અસંખ્ય ગોપિકાઓ રૂપે અભિવ્યક્ત થાય છે. કોઈપણ જાતના સ્વાર્થમય હેતુના કશા ખ્યાલ વગર ફક્ત શ્રીકૃષ્ણને જ પ્રસન્ન કરવા, એ જ તેમનું આખું કાર્યક્ષેત્ર છે. અને શ્રીકૃષ્ણની આ સેવા “રાસ” તરીકે ઓળખાતા શાશ્વત નૃત્યનું રૂપ ધારણ કરે છે. ભાગવતના દશમસ્કંધમાં, શ્રીકૃષ્ણના જીવનના ગોકુલ અને વૃંદાવનના પ્રસંગો વર્ણવતી વખતે, આ પારગામી અને શાશ્વત દિવ્ય રાસલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. એને કેવળ ઐતિહાસિક પણ ન ગણવું જોઈએ કે કેવળ પ્રતીકાત્મક પણ ન ગણવું ઘટે. એ અવશ્ય સાચું છે કે એનાથી ઈતિહાસમાં એક પારગામી સત્ય ઉદ્ઘાટિત થયું છે, પરંતુ એ સત્યની પ્રમાણિકતા કે તથ્યતા કંઈ ઐતિહાસિકતામાંથી નીપજતી વસ્તુ નથી. પારગામિતા ઈતિહાસને પ્રમાણિત કરી શકે છે, પણ ઈતિહાસ કંઈ પારગામિતાને પ્રમાણિત કરી શકતો નથી. વળી, આ ગોપી-કૃષ્ણ પ્રસંગને કોઈ પણ રીતે ઉચ્ચતમ માનવીય પ્રેમની અભિવ્યક્તિ રૂપે કે માનવીય પ્રેમના ઉચ્ચતમ વિસ્તાર રૂપે પણ સમજવો ન જોઈએ. ભલે ને એના વર્ણનમાં વધારે સારા માધ્યમના અભાવે કામુકતાભરી ભાષા વપરાયેલી હોય! કારણકે પારગામિતા કંઈ સાંસારિક સ્વરૂપો ધારણ કરતી હોતી નથી, પણ સાંસારિક સ્વરૂપો જ પારગામિતાનાં કદરૂપાં, વિકૃત સ્વરૂપો હોય છે. શ્રીકૃષ્ણની ગોપીઓ સાથેની ક્રીડા-એમની હ્લાદિની શક્તિના આવિર્ભાવમાં જાતીય પ્રેમ-કામુકતાનું કોઈ તત્ત્વ નથી. એ તો વિશુદ્ધ સત્ત્વની પોતાના આનંદમય આત્મામાં થતી આત્માનંદની અભિવ્યક્તિ છે. અને ગોલોકમાં રાસનૃત્યને રૂપે એ અવિરતપણે ચાલ્યા જ કરે છે. જ્યારે વૃંદાવનમાં ભગવાનનો પૂર્ણાવતાર રૂપે આવિર્ભાવ થયો, ત્યારે તેમણે પોતાના બધા પરિકરો (શાશ્વત સહચરો)ને લઈને તેમની સંગે આ નિત્યનૃત્યનું ઉદ્ઘાટન કર્યું. જીવ ભગવાનની શક્તિ છે એટલા માટે એને સ્ત્રી તરીકે ગણ્યો છે. પૂર્ણ હૃદયથી શ્રીકૃષ્ણને ઝંખતી ગોપિકાઓ સાથે તાદાત્મ્ય સાધવાથી જીવ આધ્યાત્મિક પ્રેરણા મેળવી શકે છે. પણ આટલી આ વાત કંઈ ગોપી-કૃષ્ણના પારગામી સંબંધને એક પ્રતીકના રૂપમાં ફેરવી શકશે નહિ, અથવા તો એને માનવીય જાતીય પ્રેમનો ડાઘ પણ લગાડી શકશે નહિ. વળી, મનુષ્યના જાતીય સંબંધોની નૈતિકતાના વિચારનો વિષય પણ એ બની શકશે નહિ. આ રીતે એ તો પાયામાં જ પારગામી અને આધ્યાત્મિક છે. એની ઐતિહાસિકતા તો ખાલી એક ગૌણ બાબત તરીકે ગણાઈ છે. અને જાતીય પ્રેમની પ્રતીકાત્મકતા તેમ જ નૈતિકતાના સંબંધનો નિરાદર કરવામાં આવ્યો છે.

પરંતુ, ગોપિકાઓ માટેનો આ સર્વાતિશાયીપારગામિતાનો સિદ્ધાંત, કેટલાક નૈતિક વાંધાઓને ભલે દૂર કરી દે, પણ ભાગવતે તો એમ કહ્યું છે કે દુરાચારી અને ભ્રષ્ટ લોકો પણ કેવળ શ્રીકૃષ્ણ સાથેના સંબંધ માત્રથી વિશુદ્ધિ અને પવિત્રતાની ઊંચામાં ઊંચી કક્ષા સુધી પહોંચી શકે છે. પૂર્ણાવતાર તરીકે કહેવાતા શ્રીકૃષ્ણની મહત્તા, તેમનામાં રહેલી ઉદ્ધારક શક્તિના પૂર્ણ પ્રકટીકરણમાં રહેલી છે. વળી, ગોપિકાઓ માટે કહેવાયેલો આ સર્વાતિશાયી-પારગામી તાદાત્મ્યનો સિદ્ધાંત તો “દિવ્ય અનુગ્રહ” કે “પુષ્ટિ” (પ્રભુની પસંદગી) ના સિદ્ધાંત ને પણ નકામો ઠેરવે છે; કારણકે તો તો પછી ગોપીઓ સ્વરૂપથી જ પાવન દિવ્યસ્વરૂપિણી થઈ જ ગઈ! એટલે, ગોપિકાઓ વિશે પાછળનો વૈષ્ણવધર્મ ગમે તેવા સૈદ્ધાંતિક અભિગમો ભલે ધરાવતો હોય, પણ ભાગવત તો એ વાત પકડી જ રાખે છે કે ગોપીઓ સંકર જાતિમાં જન્મી હતી, શરૂઆતમાં તેઓ શ્રીકૃષ્ણના શારીરિક સૌંદર્યથી આકર્ષાઈ હતી અને શ્રીકૃષ્ણના એ સંબંધે જ એમને પવિત્રતા અને વિશુદ્ધિને શિખરે લાવી મૂકી હતી. શ્રીકૃષ્ણના મહાન શિષ્ય અને અનુયાયી ઉદ્ભવ, ગોપીઓની આશાતીત ભક્તિભાવની ઉચ્ચતાને નિહાળીને આશ્ચર્યચક્તિ થઈને આમ કહે છે: “ઢોરો ચારીને જીવતી જંગલી જાતિમાં જન્મેલી અને વર્ણસંકર જાતીય સંબંધોમાં ઊછરેલી ક્યાં આ ગોપિકાઓ! અને ક્યાં તેમનામાં આ શ્રીકૃષ્ણ પરમાત્મા પ્રત્યેનો પરમોચ્ચ અને ગહનતમ ભક્તિભાવ! જેવી રીતે શક્તિશાળી ઔષધને એની અસરકારતાને જાણીને કે જાણ્યા વગર પણ કોઈ ગળી જાય, તો પણ એ રોગીને અવશ્ય સાજો કરી જ દે છે, તેવી જ રીતે માણસ ગમે તેવો અજ્ઞાની હોય તો પણ તેનું મન જો ભગવાન સાથે બરાબર જોડાઈ જાય, તો ભગવાન એનું આધ્યાત્મિક પુનરુત્થાન કરી જ દે છે.” (ભાગવત: ૧૦/૪૭/૫૯) આથી એ સ્પષ્ટ થાય છે કે, ભાગવતે મુખ્ય ભાર તો પૂર્ણાવતાર શ્રીકૃષ્ણમાં પ્રકટ થયેલ પ્રેમ અને પવિત્રતાની રૂપાંતરકારી શક્તિ ઉપર જ મૂક્યો છે. પરંતુ એ બાબત, કોઈ સૈદ્ધાંતિક કે પ્રતીકાત્મક સમજૂતીની પ્રાસંગિકતાને અળગી તારવી દેતી નથી. અહીં એ પણ નોંધવું જોઈએ કે વૈષ્ણવ પરંપરાની ચૈતન્ય શાખા પ્રમાણે, શ્રીકૃષ્ણ પ્રત્યેનું ગોપિકાઓનું વલણ, કોઈ સાધકે સાધના માટે સીધી રીતે અપનાવવું ન જોઈએ. સાધક કરે તો આટલું જ કે પોતાની ચેતનામાં ગોપીઓના કર્તૃત્વને લાવ્યા વગર તે ગોપિકાઓની ભાવનાઓમાં ભાગ લઈ શકે. એટલે આ ભક્તિને “રાગાનુગા ભક્તિ” કહેવામાં આવે છે. વૃંદાવનમાં પ્રકટ થયેલ પ્રેમના અનુકરણવાળી આ ભક્તિ છે. આવું અનુકરણ છેવટે શ્રીકૃષ્ણ પ્રત્યેના ગહન અને સ્થાયી પ્રેમ તરફ દોરી જાય છે. આ માર્ગને પણ “પુષ્ટિમાર્ગ”, “દિવ્યપોષણનો માર્ગ” કહેવામાં આવે છે. કારણ કે આ પ્રકારની પ્રીતિનો વિકાસ, ભગવાનના અનુગ્રહથી જીવને મળતા સમૃદ્ધ પોષણનું જ પરિણામ છે.

ભાષાંતર: શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.