શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવ ૨૦ નવેમ્બરથી ૨૩ નવેમ્બર ૧૯૯૨

શ્રીરામકૃષ્ણ આશ્રામ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવનો મંગળ પ્રારંભ તા. ૨૦-૧૧-’૯૨ના સવારે ૮થી ૧૨ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને વિદ્વાન સંન્યાસીઓની નિશ્રામાં ભાવિકજનો માટેની આધ્યાત્મિક શિબિરથી થયો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે “સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી સ્મારક ભવન” અને “સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંસ્કૃતિ” પ્રદર્શનનો ઉદ્‌ઘાટન વિધિ ૨૦મી નવેમ્બર ’૯૨, શુક્રવારે સાંજે ૫.૩૦ વાગ્યે રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓ, ભક્તજનો અને રાજકોટ શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો. ધાણેટી-કચ્છનાં ભાઈ-બહેનોનાં રાસ-લોકનૃત્ય અને ઢોલ શરણાઈના સૂરોથી વાતાવરણ ઉલ્લાસ અને ભક્તિભાવભર્યું બની ગયું હતું.

શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને મળેલી સાંજની જાહેરસભામાં રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તાના સેક્રેટરી, વિશ્વ વિખ્યાત વિદ્વાન શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ તેમજ રામકૃષ્ણ મિશન, લખનૌના સેક્રેટરી શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજનાં પ્રેરક પ્રવચનો દ્વારા શ્રોતાજનોને સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશનું અનન્ય રસપાન કરવાનો અવસર મળ્યો.

રાતના ૯થી ૧૧ જામનગર જિલ્લાના લતીપુર ગામની રાસમંડળીનો લોકનૃત્યનો કાર્યક્રમ હતો.

૨૧મી નવેમ્બરે સવારે રામકૃષ્ણ મઠ અલ્લાહાબાદના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજનું રામચરિતમાનસ પરનું પ્રવચન હતું.

તે જ દિવસે સવારના ૯થી ૧૨.૩૦ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાને વરેલ ગુજરાતનાં સ્વાયત્ત કેન્દ્રોના પ્રતિનિધિઓનું સંમેલન યોજાયું હતું. સ્વામી શ્રીધરાનંદજી, વેદાંત સોસાયટી ઑફ સેક્રામેન્ટો (યુ.એસ.એ)ના સ્વામી પ્રપન્નાનંદજી, રામકૃષ્ણ મિશન ફીજીના સ્વામી આદિભવાનંદજી તેમ જ રામકૃષ્ણ મિશન ટી.બી. સેનેટોરિયમ, રાંચીના સ્વામી આત્મદેવાનંદજીનાં પ્રેરક પ્રવચનો પછી શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે અધ્યક્ષસ્થાનેથી બોલતાં કહ્યું હતું કે રામકૃષ્ણ સંઘમાં સંન્યાસીઓની, વિશેષરૂપે ગુજરાતી સંન્યાસીઓની સંખ્યા ઓછી હોવાથી સ્વાયત્ત કેન્દ્રોનું રામકૃષ્ણ સંઘ સાથે સીધું જોડાણ (affiliation) તુરતમાં તો શક્ય નથી માટે તેઓએ પોતે જ પરસ્પર સહકારથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સહાયતાથી ઉત્સાહભેર પ્રવૃત્તિઓ ચલાવવી પડશે. તેમણે ગુજરાતનાં વિભિન્ન સ્વાયત્ત કેન્દ્રો ભૂજ, વડોદરા, લીંબડી, અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, વલસાડ, ગાંધીનગર, આદિપુ૨, વલ્લભવિદ્યાનગર વગેરેની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

સાંજના ૩થી ૬.૩૦ દરમિયાન ૩૫૦ જેટલા શિક્ષણકારો, શિક્ષકો, આચાર્યો સાથે “આજનું શિક્ષણ અને સ્વામી વિવેકાનંદ” પર એક પરિસંવાદ યોજાયો હતો. તેમાં શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી, રામકૃષ્ણ મિશન, ખેતડીના સેક્રેટરી સ્વામી સોમેશ્વરાનંદજી, રામકૃષ્ણ મિશન વિદ્યાપીઠ બેલુરના પ્રિન્સીપાલ સ્વામી મેધસાનંદજી, રામકૃષ્ણ મિશન ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતામ્બરાનંદજી જેવા વરિષ્ઠ સંન્યાસીઓનાં પ્રવચનો ઉપરાંત શ્રી ક્રાંતિભાઈ જોષી, શ્રી રતુભાઈ શિંગાળા, શ્રી ગુલાબભાઈ જાની વગેરે સ્થાનિક શિક્ષણકારોનાં પ્રવચનો પણ યોજાયાં હતાં.

સાંજની ૬થી ૭.૩૦ની જાહેરસભાના અધ્યક્ષસ્થાને શ્રીમત્ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજ હતા. “આધુનિક વિશ્વ પર શ્રીરામકૃષ્ણનો પ્રભાવ” એ વિષય પર શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી અને અન્ય સંન્યાસીઓનાં વિદ્વતાપૂર્ણ પ્રવચનો દ્વારા ભક્તિભાવપૂર્ણ અમીરસ શ્રોતાજનોએ માણ્યો હતો. આ જાહેરસભા પછી તરત જ શ્રીરામકૃષ્ણ આશ્રમ વિદ્યાર્થીમંદિરના વિદ્યાર્થીઓ દ્વારા “લીંબડીમાં સ્વામી વિવેકાનંદ” વિષય પર સુંદર નાટ્યાભિનય રજૂ થયો હતો.

રાતના ૯થી ૧૧ સુધી દરબાર શ્રી પૂંજાવાળાએ વિવિધ પ્રસંગ કથાઓ દ્વારા પ્રેમભક્તિનું રસપાન કરાવ્યું.

૨૨મી નવેમ્બર, ’૯૨ રવિવારે સવારે ૮થી બપોરના ૧ સુધી લગભગ ૧૫૦૦ યુવા ભાઈ-બહેનોનું યુવ-સંમેલન યોજાયું હતું. આ સમારંભમાં રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની ઉપસ્થિતિ યુવા વર્ગ માટે વિશેષ પ્રેરક રહી. રામકૃષ્ણ સંઘના અન્ય વરિષ્ઠ સંન્યાસીઓ સ્વામી લોકેશ્વરાનંદજી, સ્વામી શ્રીધરાનંદજી, સ્વામી નિખિલાત્માનંદજી, સ્વામી સોમેશ્વરાનંદજી વગેરેનાં પ્રવચનો બાદ પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ હતો.

બપોરના ૩થી ૫.૩૦ વચ્ચે સામાજિક કાર્યકરોની ઉપસ્થિતિમાં “સ્વામી વિવેકાનંદ અને સામાજિક સેવા”નો પરિસંવાદ યોજાયો હતો, જેની અધ્યક્ષતા શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કરી હતી. સ્વામી નિખિલાત્માનંદજીએ મધ્યપ્રદેશમાં બસ્તર જિલ્લામાં રામકૃષ્ણ મિશન દ્વારા અત્યંત પછાત લોકો માટેનાં જે સેવાકાર્યો ચાલી રહ્યાં છે તેની વિગતો આપી હતી. આ પછી રાજકોટના અગ્રણી સામાજિક કાર્યકરો શ્રી પુરુષોત્તમભાઈ ગાંધી, શ્રી પ્રાણભાઈ જોષી, શ્રી ઉમાકાન્તભાઈ પંડિત, શ્રી તારાબેન શાહ વેગેરેએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને સાંજના મળેલી જાહેરસભામાં “શ્રી શ્રીમા શારદાદેવી અને મહિલાઓનું વૈશ્વિક નવજાગરણ” એ વિશેના અન્ય વરિષ્ઠ સંન્યાસીઓનાં વક્તવ્યો ભાવવિભોર બનીને ભક્તજનોએ સાંભળ્યા હતા.

રાતના ૯થી ૧૦ દરમ્યાન ગુજરાતના સુપ્રસિદ્ધ ભાગવત્ કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાનો “ભાગવત કથા”નો કાર્યક્રમ ૧૦૦૦ જેટલાં ભાઈ-બહેનોએ માણ્યો હતો.

૨૩મી નવેમ્બર ‘’૯૨ સોમવારે સવારે શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા તથા સ્વામીજીની પાલખીઓ સાથે શ્રીરામકૃષ્ણ વિવેકાનંદના જીવન-સંદેશ અને સર્વધર્મ સમન્વયની ભાવનાને પોષતા અને ગુજરાતના વિભિન્ન ભાગોમાં ભ્રમણ કરતા સ્વામી વિવેકાનંદને દર્શાવતા ૧૧ ફ્લોટ્સ સાથે શહેરની વિવિધશાળા-મહાશાળાઓના ૩૦૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, શિક્ષકો તેમજ ૫૦૦ જેટલા સંન્યાસીઓ અને ભક્તજનોની શોભાયાત્રા શહેરના પ્રજાજનોનું આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. સંન્યાસીઓનાં સંકીર્તન, ભજન-ધૂન, વૈદિક મંત્રોચ્ચારથી રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ૩ કલાક સુધી ભક્તિભાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.

સાંજના ૪થી ૫ વચ્ચે ગુજરાતના સન્માનનીય રાજ્યપાલશ્રી ડૉ.સરૂપ સિંઘના વરદ્હસ્તે આ પ્રસંગને અનુરૂપ પ્રકાશિત સ્મરણિકાનો વિમોચન વિધિ યોજાયો હતો, જેમાં રાજકોટના મેયર શ્રી વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા. આ પછી તરત જ રાજકોટના અગ્રણી શહેરીજનોની જાહેરસભા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી સિતાંશુભાઈ મહેતા, પોલિસ કમિશ્નર શ્રી વિજયસિંહ ગુમાન, ‘ફૂલછાબ’ના તંત્રી શ્રી હરસુખભાઈ સંઘાણી, રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સના અધ્યક્ષ શ્રી હીરાભાઈ માણેક, રાજકોટના અગ્રણી શહેરીજનો શ્રી શશિકાંતભાઈ મહેતા, શ્રી રતિભાઈ ગોંધિયા, શ્રીમતી વિજયાબહેન ગાંધી, ડૉ.પી.વી. દોશી વગેરેએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

રાત્રે ૭થી ૯ દરમ્યાન પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો, જેની અધ્યક્ષતા જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક શ્રી કાન્તિભાઈ શ્રોફે કરી હતી. સ્વામી પ્રપન્નાનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી આત્મદેવાનંદજી તેમજ બેલુડ મઠથી પધારેલ સ્વામી શુદ્ધરૂપાનંદજીનાં પ્રેરક ગુજરાતી પ્રવચનો બાદ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓમાં કેન્દ્રમાં પ્રથમ દસ સ્થાન મેળવેલ તેમ જ યુનિવર્સિટીની વિભિન્ન પરીક્ષાઓમાં પ્રથમ ત્રણ સ્થાન મેળવેલ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પારિતોષિકો અર્પણ કરવામાં આવ્યાં હતાં.

રાત્રે ૯થી ૧૦ સુધી અંધ મહિલા વિકાસ વિદ્યાલયની બહેનોના સુમધુર કંઠે ગવાયેલ ભજનોથી આ મહોત્સવની પૂર્ણાહૂતિ થઈ હતી.

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.