(ડિસેમ્બર ‘૯૨થી આગળ)

(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.)

જયરામવાટીમાં, શ્રીશારદાદેવીના મા, શ્યામસુંદરી દેવીને, તેમની સૌથી મોટી પુત્રી માટે વિશિષ્ટ પ્રેમ હતો. પોતાની પુત્રીઓને ‘મા’ કહીને સંબોધન કરવું એ હિંદુ માતાઓ માટે રીતરિવાજ જેવું છે. શ્યામસુંદરી દેવી પણ તેમજ કરતાં હતાં. પરંતુ તેઓ પોતાની પુત્રીને એક સામાન્ય માતા ગણતાં ન હતાં, પણ સ્વયં દેવી લક્ષ્મી હોય તેમ માનતાં હતાં. એક દિવસ તેમણે પોતાની દૈવી પુત્રીને પૂછ્યું: “તમે ખરેખર કોણ છો? હું તમારા સાચા સ્વરૂપને સમજવા માટે ક્યારેય પણ શક્તિમાન બનીશ ખરી?” અને તેઓ શારદાદેવીને કહેતાં, “ફરીથી હું તમને મારી પુત્રી તરીકે મેળવી શકું.” મા શારદાદેવીના નાના ભાઈ, કે જેમને ભક્તો ‘કાલી કાકા’ તરીકે ઓળખતા હતા, ભૂતકાળને યાદ કરીને કહેતા કે મા શારદાદેવી તેમને અને તેમના બીજા ભાઈઓને પ્રેમ આપતાં અને તે બધાની સંભાળ રાખતાં. ‘કાલી કાકા’ કહેતા: “અમારી બહેન સાક્ષાત્ દેવી લક્ષ્મી છે.” માની ભત્રીજીઓ જો કે તેમાંની અમુક શ્રીમાને ખૂબ પરેશાન કરતી, તે બધી જ્યારે પુખ્ત ઉંમરની થઈ ત્યારે તેઓ મા શારદાદેવીના દૈવીપણા વિષે સભાન હતી.

માના દૂરનાં સગાં પણ કે જેઓ તેમના કરતાં ઉંમરમાં મોટાં હતાં શ્રીમાને પોતાની માતા ગણતાં હતાં.

એક વખત જયરામવાટીમાં દેવી જગદ્ધાત્રીની પૂજાના સમય દરમિયાન બાજુના ગામનો એક પવિત્ર બ્રાહ્મણ રામહૃદય ઘોષાલ એ જગ્યામાં દાખલ થયો કે જ્યાં દેવીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં તેણે મા શારદાદેવીને બિલકુલ શાંત અને ધ્યાનમગ્ન બેઠેલાં જોયાં. તેણે લાંબા સમય સુધી પોતાની દૃષ્ટિ મા શારદાદેવી પર સ્થિર રાખી. કારણ કે તે સમજી ન શક્યો કે દેવી કોણ હતાં અને મા કોણ હતાં. આ ઘટના તેણે પાછળથી લોકોને કહી હતી. જયરામવાટીની એક પવિત્ર સ્ત્રી માની બચપણની મિત્ર હતી. ભક્તો તેને ભાનુ ફોઈ કહેતા. તેમને એક દર્શન થયું હતું કે જેમાં તેમણે માને ચાર ભૂજાવાળાં દેવી તરીકે જોયાં હતાં. ત્યાં બીજી એક ગરીબ સ્ત્રી હતી – મૃગેન્દ્રની માતા અને તે મા શારદાદેવીના જયરામવાટીનાં ઘરમાં ચોખા છડતી અને બીજાં નાનાં-મોટાં કામો કરતી. તે અવારનવાર મા શારદાદેવીને અતિ સુંદર સ્વર્ગીય સ્વરૂપમાં જોતી અને આમ તે મા શારદા- દેવીને દેવી રાજરાજેશ્વરી ગણતી.

કામારપુકુરમાં શ્રીરામકૃષ્ણના કુટુંબના માણસો પણ શ્રી શારદાદેવીને મા તરીકે પૂજતાં. શ્રીરામકૃષ્ણનો યુવાન ભત્રીજો શિવરામ શ્રીમાનો ધર્મપુત્ર હતો. એક દિવસ સવારમાં માને મળવા માટે તે જયરામવાટી પહોંચ્યો. સાંજ થતાં શ્રીમાએ તેને કામારપુકુર પાછા જવા માટે કહ્યું કારણ કે ત્યાં તેને પૂજાવિધિ કરવાની હતી, પરંતુ શિવરામ થોડું ચાલ્યા પછી પાછો ફર્યો અને રડતાં-રડતાં શ્રી માને ચરણે પડ્યો, “મા, મને કહો મારું નસીબ કેવું છે?” જો કે શ્રી માએ તેને આશ્વાસન આપવાનો પ્રયત્ન થતો ન હતો. તેણે આગ્રહપૂર્વક કહ્યું, “તમારે મારો બોજો પણ તે શાંત ઉઠાવવો પડશે અને તમે મને ભૂતકાળમાં તમારા વિષે જે કહ્યું હતું તે જ તમે છો એમ મને કહો.” ભૂતકાળમાં એક પ્રસંગે શ્રીમાએ શિવરામ પાસે કબૂલ્યું હતું કે તેઓ દેવી માતા કાલી છે. હવે શ્રીમા શિવરામની વિનવણી સહન ન કરી શક્યાં અને તેમણે પોતાનો હાથ શિવરામના માથા પર મૂકતાં ગંભીર અવાજે કહ્યું, “હા તે ખરું છે.” આ કથનથી શિવરામ આનંદિવભોર બની ગયો. તેણે પોતાનું માથું ઊંચું કર્યું અને માને નમન કરતાં ચંડીનું જાણીતું અભિવાદન કરતું સ્તોત્ર ગાયું. શિવરામ એ પ્રતીતિ સાથે ત્યાંથી ગયો કે શ્રીમા શારદાદેવી લોકોનાં પ્રારબ્ધની અધિષ્ઠાત્રી દેવી હતાં. શિવરામ મોટી બહેનનું નામ લક્ષ્મી હતું. તે બાળવિધવા હતી અને વૈષ્ણવ સાધનામાં ખૂબજ આગળ વધેલી હતી. તે શ્રીરામકૃષ્ણ અને મા શારદાદેવીને હંમેશા અભિન્ન ગણતી હતી.

રીતરિવાજ પ્રમાણે રૂઢિચુસ્ત હિંદુ વિધવાઓ ઘરેણાં, લાલ કિનારવાળી સાડી વગેરે પહેરી શકતી નથી. શ્રીરામકૃષ્ણની આજ્ઞાનું પાલન કરીને શ્રીમા તે પહેરતાં હતાં. શ્રીરામકૃષ્ણે શરીર છોડ્યા પછી ઘણી વખત મા શારદાદેવીને દર્શન આપેલાં. ગામના અમુક લોકો માના આવા વર્તનને સમાજના નિયમનો ભંગ ગણતાં હતાં. બીજાં ઘણાં લોકો કિન્નાખોરી અને કુથલી કરવા માંડયાં. શ્રી રામકૃષ્ણે શરીર છોડયું ત્યાર પછી શ્રીમા પોતાને ગામ રહેતાં હતાં. જ્યારે લોકોની તુચ્છ વાતો શ્રીમાને કાને પહોંચી ત્યારે તેમને દુ:ખ થયું. પરંતુ કામારપુકુરના ધરમદાસ લાહાના માનનીય પુત્રી, પ્રસન્નમયી, શ્રીમાનો બચાવ કરવા આવ્યાં. શ્રી ધરમદાસ લાહા શ્રીરામકૃષ્ણના પિતાના મિત્ર અને શુભેચ્છક હતા. પ્રસન્નમીએ કુથલીખોર લોકોને ચૂપ કરી દીધા અને જાહેર કર્યું: “ગદાઈ (શ્રીરામકૃષ્ણનું બચપણનું નામ) અને ગદાઈની પત્ની દૈવી વ્યક્તિઓ છે.” ગામના લુહારની ગરીબ સ્ત્રી, ધની, કે જે બચપણમાં ગદાઈનું ધ્યાન રાખતી હતી તે અને તેની બહેન, શંકરી પણ તેવું જ મંતવ્ય ધરાવતી હતી. ગદાઈનો સ્કૂલનો મિત્ર, ગણેશ ઘોષાલ એક વખત શ્રીમાને મળવા આવ્યો. જયારે તેને પ્રણામ કરવા માટે શ્રીમા આગળ વધ્યાં ત્યારે તેણે ખૂબજ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે એક માતા પુત્રને પ્રણામ કરે તે અશુભ કહેવાય. આમ કહેતાં તેણે પોતે શ્રીમાને પ્રણામ કર્યા. એ સ્પષ્ટ છે કે કામારપુકુરની લગભગ દરેક વ્યક્તિ એક યા બીજા સ્વરૂપે શ્રી શારદાદેવીના દૈવી માતૃત્વથી વાકેફ હતી.

૧૮૬૪-૬૫માં બંગાળ ભયંકર દુષ્કાળની લપેટમાં હતું. શ્રીમા શારદાદેવીના પિતા રામચંદ્ર ગરીબ છતાં ઉદારચિત્ત અને પરોપકારી હતા. તેમણે ‘આગળના’ વર્ષના ખેતીના પાકમાંથી ધાન્ય બચાવ્યું હતું અને પોતાના કુટુંબની તકલીફની ચિંતા કર્યા વિના મફત રસોડું શરૂ કર્યું. ભૂખ્યા લોકોને ગરમ ખીચડી પીરસવામાં આવતી હતી. અગિયાર વર્ષની નાની શારદા એ સમયે પણ પોતાના વૈશ્વિક માતૃત્વનું પ્રમાણ પૂરું પાડતી હતી. જ્યારે ગરમ ખોરાક પાંદડાની બનાવેલી થાળીમાં પીરસવામાં આવતો હતો ત્યારે નાની શારદા પોતાના બંને નાનકડા હાથોથી મોટો પંખો પકડીને ગરમ ખોરાકને ઠંડો બનાવવા માટે પંખો નાખતી હતી.

વિશ્વના સમકાલીન બનાવોથી શ્રીમા પોતાને સુમાહિતગાર રાખતાં હતાં. પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને તેને કારણે લોકો જે યાતનાઓ સહન કરતાં હતાં તે માટે તેઓ ઊંડું દુ:ખ વ્યક્ત કરતાં હતાં. આઝાદીના લડવૈયા સામે બ્રિટિશ સરકાર જે દમનકારી પગલાં ભરતી હતી તે અને દુષ્કાળ, પૂર અને બીજી કુદરતી આફતોને કારણે લોકોને જે દુ:ખો સહન કરવાં પડતાં હતાં તે જોઈને શ્રીમા ખૂબજ વ્યથિત થતાં હતાં. ક્યારેક બીજાંઓના દુ:ખ ન જોઈ શકવાના કારણે શ્રીમા એકાંતમાં આંસુ પાડતાં. તેમણે એક વખત એક યુવાન શિષ્યને કહ્યું, “જ્યારે તમે મોટા થશો ત્યારે તમે સમજશો કે લોકોનાં દુ:ખો કેટલાં મોટાં છે. તમે મા નથી.” બધાં દુ:ખી લોકો માટે શ્રી શારદાદેવી ખરેખર મા હતાં અને તેઓ દુ:ખી-પીડિતોની કાળજી લેતાં હતાં.

શિરોમણીપુર એક નાનું ગામ હતું અને જયરામવાટીથી દૂર ન હતું. ગ્રામવાસીઓ મોટે ભાગે મુસ્લિમો હતા કે જેઓ શેતૂરના ઝાડની ખેતી કરીને રેશમના કીડાનો ઉછેર કરતા હતા. પરદેશી રેશમની મોટે પાયે આયાત થવાથી, મોટાભાગના લોકોએ વેપાર ગુમાવ્યો અને લૂંટફાટ કરીને ગુજરાન ચલાવતા હતા. જયરામવાટીમાં શ્રીમાનું નવું ઘર બંધાતું હતું તેમાં અમુક લોકોને રોજગારી મળી હતી. શ્રીમા તેઓની સાથે પોતાનાં સંતાનો હોય તેવો વ્યવહાર કરતાં હતાં. આને કારણે ઘણા લોકોનું રૂપાંતર થયું. મિજાજી ગ્રામવાસીઓ પણ કહેવા માંડ્યા, “શ્રીમાની કૃપાને કારણે લૂંટારાઓ પણ ભક્તો બનતા જાય છે.”

એક પાગલ જેવી સ્ત્રી દક્ષિણેશ્વરમાં શ્રીમા પાસે આવતી હતી. પ્રથમ બધા લોકોએ એમ માની લીધું કે તે અસ્થિર મનની હતી અને તેથી તેની સાથે સદ્ભાવ રાખતા હતા. ત્યાર પછી એવો ખ્યાલ આવ્યો કે તે એવા સંપ્રદાયમાંથી આવે છે કે જેના સાધકો ઈશ્વરને પોતાનો પ્રેમી માનતા હોય. આ સ્ત્રી શ્રીરામકૃષ્ણને પોતાનો પસંદ કરેલો આદર્શ માનતી હતી અને એક દિવસે શ્રીરામકૃષ્ણ સમક્ષ પોતાનું વલણ જાહેર કરવાની હિંમત કરી. આ બાબતે શ્રીરામકૃષ્ણના મનમાં ખળભળાટ મચાવી દીધો. કારણ કે શ્રીરામકૃષ્ણ બધી સ્ત્રીઓને દૈવી માતાના પ્રગટીકરણ તરીકે લેખતા હતા અને આ વલણ તેની વિરુદ્ધ જતું હતું. એ પાગલ સ્ત્રીના વલણની તળપદી બંગાળીમાં જોરદાર નિંદા કરતાં શ્રીરામકૃષ્ણે પોતાના ઓરડામાં આમ-તેમ ટહેલવાનું શરૂ કર્યું. શ્રીમાએ નહોબતખાનામાંથી તે બધું સાંભળ્યું. પોતાની પુત્રીના અપમાનથી હીણપત અનુભવતાં શ્રીમાએ તુરત જ ગોલાપમાને તે સ્ત્રીને બોલાવવા માટે મોકલ્યાં. જયારે તે સ્ત્રી આવી ત્યારે શ્રીમાએ તેને સ્નેહપૂર્વક કહ્યું, “દીકરી, તું તેમની પાસે ન જાય તો વધારે સારું. કારણ કે તારી હાજરીથી તેમને ચીડ ચડે છે. તું મારી પાસે આવી શકે છે.” શ્રીમાએ ગોલાપમાને કહ્યું કે શ્રીરામકૃષ્ણે તે સ્ત્રીનું આવી રીતે અપમાન નહોતું કરવું જોઈતું. તે બાલિશ સ્ત્રીને શ્રીમાના ચરણમાં શરણ મળ્યું.

એક વખત શ્રીમા કોઆલપાડામાં (જયરામવાટીની પાસે) જગદંબા આશ્રમમાં રહેતાં હતાં. જંગલથી ઘેરાયેલો એ આશ્રમ એકાંત જગ્યામાં આવેલો હતો. રીંછ જેવાં જંગલી પ્રાણીઓ એ જંગલમાં આવ-જા કરતાં. રાત્રે દશ વાગ્યનો સમય હતો. શ્રીમા એક વૃક્ષ નીચે બેઠાં હતાં અને સેવકોની સાથે વાતચીત કરતાં હતાં. એકાએક તેઓ શિહારની (બાજુનું ગામ) એક પાગલ વ્યક્તિ વિષે બોલવા માંડ્યાં. શ્રીમાએ બોલવાનું બંધ કર્યું કે તુરત તે પાગલ વ્યક્તિ શ્રીમાના ઘર તરફ આવતી દેખાઈ. તેના હાથમાં લીલાં શાકભાજીનું પોટલું હતું. દરેક વ્યક્તિ તેને જોઈને ભયભીત બની ગઈ. પરંતુ શ્રીમા શાંત રહ્યાં. તે પાગલ વ્યક્તિએ કહ્યું કે તે શ્રીમા માટે શાકભાજી લાવ્યો હતો. શ્રીમાએ ધીમા અવાજે કહ્યું, “મહેરબાની કરીને અહીંથી જતો રહે; કોઈ ધમાલ કરતો નહીં.” પણ તેણે કહ્યું કે નદીમાં પૂર હોવાથી પાછા જવું શક્ય ન હતું. ત્યાર પછી શ્રીમાએ તેને મધુર અને સમજાવટ ભરેલા અવાજે કહ્યું, “દીકરા, અહીં કોઈ ગરબડ કરતો નહીં.” માના પ્રેમને કારણે તેના હૃદયને શાંતિ મળી અને તે શાંતિથી ત્યાંથી જતો રહ્યો. શ્રીમા લૂંટારાઓના મા બની શક્યાં, તો તેટલીજ સરળતાથી – સહજતાથી પાગલ વ્યક્તિઓના મા બની શક્યાં.

હવે દૃશ્ય બદલાય છે. મા અત્યારે કલકત્તામાં તેમના ઉદ્‌બોધન ગૃહમાં છે. સમી સાંજનો સમય છે. શ્રીમા પહેલા માળની ઓસરીમાં બેઠાં-બેઠાં જપ કરે છે. રસ્તાની પેલી બાજુએ ખુલ્લી જગ્યા છે કે જ્યાં મજૂરી કરતાં ગરીબ માણસો રહે છે. એક પુરુષ તેની પત્નીને મારી રહ્યો છે અને તે અવાજને કારણે સાંજની નીરવતામાં એકાએક ભંગ પડ્યો છે. થોડી લપડાકો માર્યા પછી તે પુરુષ તેની સ્ત્રીને એવી લાત મારે છે કે તે પોતાના હાથમાંના બાળક સાથે ચોગાનમાં આળોટવા માંડે છે. તે પુરુષ તેની સ્ત્રીને હજુ લાતો મારવાનું ચાલુ રાખે શ્રીમાનો જપ અટકી પડે છે. જો કે શ્રીમા પોતાની સૌમ્યતા અને સંકોચશીલતા માટે જાણીતાં છે. હવે શ્રીમાનું વ્યક્તિત્વ જુદા પ્રકારનું લાગે છે. કઠોડો પકડીને ઊભા થતાં શ્રીમા તે પુરુષને મોટેથી ધમકાવવા માંડયાં, “અરે દુષ્ટ શું તારે તારી પત્નીને મારી નાખવી છે? અફસોસ કેટલું કમનસીબ!” તે પુરુષ કે જે ગુસ્સાને કારણે પાગલ બની ગયો હતો તેણે ઊંચે જોયું અને મા જેવી પ્રેમાળ વ્યક્તિને જોતાં તેના ક્રોધ ઉપર જાદુ જેવી અસર થઈ. માથું નીચું કરીને તે ત્યાંથી જતો રહે છે. શ્રીમાની સહાનુભૂતિને કારણે તે સ્ત્રી એકદમ રડી પડે છે અને તે પુરુષ તેને આશ્વાસન આપવા પાછો આવે છે. આ સુખદ અંત જોઈને મા આસન પર બેસીને ફરી જપ શરૂ કરે છે. શ્રીમાએ બતાવ્યું કે તેઓ કચડાયેલાં અને અપમાનિત લોકોની પણ માતા છે.

દક્ષિણેશ્વરમાં, શ્રીરામકૃષ્ણે પોતાના ભવિષ્યના મઠના સ્થાપનાર સભ્યો તરીકે પોતાના અમુક શિષ્યોને નિશ્ચિત કર્યા હતા. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી તેઓ એક પછી એક એકઠા થયા – નરેન, રાખાલ, શરત, શશી, લાટુ, યોગીન, બાબુરામ અને બીજાઓ. શ્રીમા તેઓના માટે શક્તિનું ઉદ્ગમ સ્થાન હતાં અને શ્રીમાને કેન્દ્ર સમજીને તેઓ તેમની પાસે એકત્રિત થયા છે. દક્ષિણેશ્વરના શરૂઆતના દિવસોથી માંડીને શ્રીમા તેઓને પોતાનાં સંતાન ગણતાં હતાં. શ્રીમા તેઓ પ્રત્યે સતત જાગૃત રહેતાં અને દરેક શિષ્ય પોતાનું રક્ષણ અનુભવતો. એ સ્વાભાવિક હતું કે તેઓ શ્રીમાને તેઓના સાચા મા ગણતા હતા. કારણ કે છેક શરૂઆતથી તેઓની એ દૃઢ માન્યતા હતી કે શ્રીમા સામાન્ય સ્ત્રી ન હતાં, પરંતુ પૃથ્વી ૫૨ શ્રીરામકૃષ્ણનું જે જીવનધ્યેય હતું તેમાં સહાયક હતાં. તેઓના માટે તો તે દૈવી માતા હતાં કે જેમણે માનવ સ્વરૂપ ધારણ કર્યું હતું.

(ક્રમશ:)

ભાષાંતર : શ્રી. સી. એમ. દવે

Total Views: 276

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.