અંગુલિમાલ ભયાનક હત્યારો હતો. એણે એક હજાર આંગળીઓની માળા બનાવી ગળામાં પહેરવાનો સંકલ્પ કર્યો હતો. કેટલાક અઘોરીઓ ખોપરીની માળા પહેરતા હોય છે તેમ એને આંગળીઓની માળા ધારણ કરવાનો તુક્કો સૂઝ્યો. એનું ખરું નામ શું હશે તે કોઈ જાણતું નહોતું, પણ એના આવા દુષ્ટ સંકલ્પને કારણે લોકો એને અંગુલિમાલ તરીકે જ ઓળખતા.

એ જે જંગલમાં રહેતો હતો તેની આજુબાજુના પ્રદેશમાં સર્વત્ર ત્રાસ વ્યાપી ગયો. એ એટલો દુષ્ટ હતો કે માણસની આંગળીઓ લેવા એ માણસને જ મારી નાખતો. મનુષ્યને મારી એની વીસેય આંગળીઓ લઈ લે તો પચાસ માણસોની બધી આંગળીઓ એકઠી કરવાથી હજાર આંગળીઓ થઈ જાય, પણ તે પોતાની ઇચ્છા પ્રમાણે કરતો. કોઈની એક આંગળી લઈ એને મારી નાખતો, તો કોઈની બે આંગળીઓ લઈ લેતો. એમ કરતાં કરતાં તેણે નવસો નવ્વાણું આંગળીઓ એકઠી કરી. ત્યાં સુધીમાં તો સમગ્ર પ્રદેશમાં હાહાકાર છવાઈ ગયો. એ કાળે બિંબિસાર જેવો સમર્થ રાજવી હતો તો પણ તે આ હત્યારાને પકડી શક્યો નહીં. સૌ કોઈ એનાથી રાડ નાખતું. હવે એક જ આંગળીનો સવાલ હતો. છેક કિનારે આવી નાવ અટકી હતી. એ વિસ્તારમાં કોઈ મનુષ્ય ફરકતો નહીં. એ ટાંપીને જ બેઠો હતો.

બુદ્ધને જાણ થઈ; એટલે જે જંગલમાં આ હત્યારો રહેતો હતો ત્યાંથી જ પસાર થવાનો એમણે નિર્ધાર કર્યો. એમના શિષ્યોએ અને અન્ય સજ્જનોએ એમને ખૂબ આજીજી કરી કે એ માર્ગે જવા જેવું નથી. બીજા ઘણા રસ્તાઓ છે, જ્યાંથી વિનાવિઘ્ન જઈ શકાશે. શા માટે જીવનને જોખમમાં મૂકવું? પણ બુદ્ધ મક્કમ હતા. એક જ આંગળીના અભાવે અંગુલિમાલનો સંકલ્પ અધૂરો રહી જાય છે એવા વિચારથી કદાચ એમના હૃદયમાં કરુણા જન્મી હશે. કોઈનો શુભ કે અશુભ સંકલ્પ પૂર્ણ કરવામાં જીવનની આહુતિ અપાઈ જાય તો એમાં વિશેષ ગુમાવવા જેવું નથી એવું એમને લાગ્યું હોય. કારણ ગમે તે હોય. તેઓ નિર્ભયપણે એ માર્ગે ચાલી નીકળ્યા. એમની સાથે કેટલા શિષ્યો ગયા હશે તે હું જાણતો નથી, પણ એમણે જ્યારે જંગલની સરહદમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ એકલા જ હતા. થોડે અંદર ગયા ત્યાં અંગુલિમાલનું ખડખડાટ હાસ્ય સંભળાયું. એ કેટલાય દિવસથી માનવરક્તનો ભૂખ્યો હતો. એક આંગળીના અભાવે એ અસ્વસ્થ થઈ ગયો હતો. એણે એક ભિક્ષુને પોતાની તરફ આવતો જોયો એટલે એના હાથ સળવળવા માંડયા. પોતાનો શિકાર સામે આવી રહ્યો છે તેથી એ રાજી-રાજી થઈ ગયો. એણે બૂમ પાડી ભિક્ષુને ઊભા રહી જવા કહ્યું. ભિક્ષુ ચાલતા હતા તો ય કહ્યું: ભાઈ, હું તો ઊભેલો જ છું. તારે ઊભા રહેવાની જરૂર છે.

અંગુલિમાલને લાગ્યું હશે કે આ કોઈ માથાનો ફરેલ મનુષ્ય લાગે છે. પોતે ચાલી રહ્યો છે અને કહે છે કે હું ઊભો છું અને હું ઊભો છું ત્યારે મને કહે છે કે તું ચાલી રહ્યો છે. એણે કહ્યું : તમે આ શું બોલી રહ્યા છો તેનું તમને ભાન છે? મારા તરફ, એક ક્રૂર હત્યારા તરફ, આવી રહ્યા છો અને કહો છો કે હું ઊભો છું? ભગવાન બુદ્ધે કહ્યું: હા. હું સમજીને કહી રહ્યો છું. હું તો વર્ષોથી સ્થિર થઈ ગયો છું. મેં તો કેટલાંય વર્ષો પહેલાં અંદરથી પલાંઠી વાળી લીધી છે, પણ તું સારા પ્રદેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. તું અંદરથી દોડી રહ્યો છે તારે રોકાઈ જવાની જરૂર છે. તું હજાર આંગળીઓ એકઠી કરવા દિવસ-રાત તરફડી રહ્યા છે. તારો તરફડાટ બંધ કરવા હું સામેથી હજારમી આંગળી આપવા આવ્યો છું. તારો સંકલ્પ પૂરો થાય એમાં મને રસ છે.

બુદ્ધ એની પાસે પહોંચી ગયા હતા. અત્યાર સુધીમાં કોઈ મનુષ્ય સામી છાતીએ આવ્યો નહોતો. આ માણસ સામેથી આવ્યો હતો. એટલું જ નહીં, એ કહેતો હતો: ઊઠાવ તારું હથિયાર. લઈ લે તારી ખૂટતી આંગળી.

અત્યાર સુધી અંગુલિમાલે લોકોને ધ્રુજાવ્યા હતા. ખુદ રાજા તેનાથી ધ્રૂજતો હતો. તેણે પ્રથમ વાર ધ્રુજારીનો અનુભવ કર્યો. એ અંદરથી હચમચી ઊઠ્યો. એની વિચિત્ર સ્થિતિનો બુદ્ધને ખ્યાલ આવી ગયો. તેમણે કહ્યું: તારે ગભરાવાની જરૂર નથી. મારી પાસે કોઈ હથિયાર નથી. તારી પાસે સજાવેલી ફરશી છે. મારી આંગળી કાપવાની તારી હિંમત ન હોય તો એક કામ કર. જો, આ બાજુમાં જ એક વૃક્ષ ઊભેલું છે. એની એક ડાળ તારા માથા પર ઝૂકેલી છે. તારી ફરશીથી તું એ ડાળીના થોડા ભાગને કાપી નાખ.

અંગુલિમાલે અત્યાર સુધી કોઈની આજ્ઞા માની નહોતી એ મનુષ્યોને મારવા ટેવાયેલો હતો; કોઈની આજ્ઞા સાંભળવા નહીં. પણ કોણ જાણે કેમ એ નરમઘેંશ થઈ ગયો હતો. જાણે એ અંગુલિમાલ જ રહ્યો નહોતો. તેણે ફરશી ઉઠાવી અને ડાળીનો એક ભાગ કાપી ભિક્ષુ સમક્ષ ધર્યો. એમણે કહ્યું: અંગુલિમાલ, તેં સારું કામ કર્યું. ડાળી કાપવામાં તું પાવરધો લાગે છે. હવે, બીજું નાનું સરખું કામ કર. આ કાપેલી ડાળીને મૂળ ડાળી સાથે પાછી જોડી દે.

તૂટેલી ડાળી કદી પાછી જોડી શકાય નહીં એ અંગુલિમાલ જાણતો હતો. જ્યારે ભિક્ષુ એને તૂટેલી ડાળી ફરી જોડવા આજ્ઞા કરી રહ્યા હતા. તે ઘડીભર શૂન્યવત્ થઈ ગયો. શું કરવું એની એને ખબર ન પડી. તે એકદમ બુદ્ધનાં ચરણોમાં ઢળી પડ્યો.

બુદ્ધે કહ્યું: અંગુલિમાલ, હત્યા કરવી સહેલી છે. કોઈને જીવન આપવું અઘરું છે. તેં અત્યાર સુધી લોકોના જીવન છીનવી લેવાનું કામ કર્યું છે. હવે તારે લોકોને જીવન આપવાનું છે. આટલું કહી બુદ્ધે તેના મસ્તક પર હાથ ફેરવ્યો. કહો કે બુદ્ધે એને સામે ચાલીને દીક્ષા આપી. એ હત્યારો મટી એ જ ક્ષણે ભિક્ષુ બની ગયો. એ જ ક્ષણે એના જીવનનો ધોર અંધકાર ઊલેચાઈ ગયો, એના ભૂતકાળનું વિસર્જન થઈ ગયું. અંગુલિમાલની રાખમાંથી ભિક્ષુ અંગુલિમાલનું સર્જન થયું.

Total Views: 203

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.