રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો દ્વારા સ્વામી વિવેકાનંદ ભારત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવની ઉજવણી

૨૨ જાન્યુઆરીએ રાયપુર (મધ્યપ્રદેશ) આશ્રમમાં સ્વામી વિવેકાનંદના જીવન-સંદેશની પ્રાસંગિકતા વિશે એક પરિચર્ચા યોજાઈ હતી. ૨૮મી ફેબ્રુઆરીએ ભક્ત સંમેલન અને ૧૨મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવાદિનની ઉજવણી રવિશંકર યુનિવર્સિટીના પટાંગણમાં થઈ હતી. આખા દિવસના આ કાર્યક્રમમાં ૧૫૦૦ યુવાભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.

ભુવનેશ્વર (ઓરિસ્સા) આશ્રમ દ્વારા ૧૫થી ૧૯ ફેબ્રુઆરી સુધી કોરાપુર જિલ્લાના સુનાબેડામાં અને ૧૩થી ૧૭ માર્ચ સુધી ફૂલબણી જિલ્લાના બુધદાણીમાં રાષ્ટ્રીય-એકતા કૅમ્પનું આયોજન થયું હતું. આ કૅમ્પમાં ૪૦૦ યુવાનોએ ભાગ લીધો હતો.

આલ્મોડા આશ્રમ દ્વારા આલ્મોડા અને નૈનીતાલમાં ૧૧, ૧૨, ૧૪ માર્ચના રોજ વિવિધ ક્ષેત્રોના સુપ્રસિદ્ધ લોકોની ઉપસ્થિતિમાં જાહેર સભાનું આયોજન થયું હતું.

જામતાડા (બિહાર) આશ્રમમાં સ્વામીજીના જીવન-સંદેશ વિશે ચિત્રપ્રદર્શન, આદિવાસીજનોના સાંસ્કૃતિક કાર્યક્રમો, કંઠ્ય અને વાદ્ય સંગીતના રસપ્રદ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ મહોત્સવના ઉપલક્ષ્યમાં ગ્રામ્યજનો માટેના ચાર કામ્યુનીટી હૉલ અને એક કૉમ્યુનીટી સેન્ટર કમ ટ્રેઈનીંગ શેડનું ઉદ્‌ઘાટન પણ થયું હતું.

સ્વામી વિવેકાનંદની હૈદરાબાદની મુલાકાતના શતાબ્દી વર્ષ મહોત્સવનું ઉદ્‌ઘાટન સન્માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણના વરદ્ હસ્તે ૧૩મી ફેબ્રુઆરીએ થયું હતું. સમારંભના અધ્યક્ષસ્થાને રામકૃષ્ણમઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી અને અતિથિવિશેષ તરીકે આંધ્રપ્રદેશના ગવર્નર શ્રી કૃષ્ણકાંત હતા. રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજનું વક્તવ્ય પણ હતું. ૧૪ ફેબ્રુઆરીએ યોજેલ યુવ-સંમેલનમાં ૧૮૦૦ યુવાનોએ ભાગ લીધો હતો. ૧૫મીની રેલીમાં ૬૦૦૦ યુવાનો – ભક્તજનો – અગ્રણી નાગરિકો – અધિકારીઓ જોડાયા હતા. સ્વામી આત્મસ્થાનંદજી, સ્વામી રંગનાથાનંદજી તેમજ આંધ્રના મુખ્ય મંત્રીશ્રીએ રેલીને સંબોધન કર્યું હતું.

સિલચર (આસામ) કેન્દ્રમાં શોભાયાત્રા, યુવ-સંમેલનનું આયોજન ૧૨મી જાન્યુઆરીએ થયું હતું. ૧૮મી જાન્યુઆરીએ ભક્તજનોનું સંમેલન યોજાયું હતું.

ચંડીગઢ આશ્રમ દ્વારા ૩ અને ૩૧ જાન્યુઆરીના રોજ વ્યાખ્યાનો અને ૨૪મી જાન્યુઆરીએ સંગીતમય વાર્તા કથનના કાર્યક્રમ યોજાયા હતા.

નરોત્તમનગર (તિર૫) કેન્દ્રમાં ૩૧મી જાન્યુઆરીએ યોજેલ સભાને રામકૃષ્ણમઠ – મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજીએ સંબોધી હતી. અહીંની શાળાના વિદ્યાર્થીઓના સામયિક ‘નરોત્તમ’ના “Swami Vivekananda on the World Stage” નામના વિશેષાંકનું વિવેચન પણ થયું હતું.

ટાકી (પ.બંગાળ) કેન્દ્રમાં વાચન-ચિત્ર, મુખપાઠ સ્પર્ધાઓ ૧૭ અને ૧૮ ડિસેમ્બરે યોજાઈ હતી. વિજેતાઓને ઈનામો અપાયાં હતાં.

૨૫મી જાન્યુઆરીએ સિક્રા-કુલિન ગ્રામ કેન્દ્રમાં યોજાયેલ સમારંભમાં ૧૮૦ યુવાનો, ૧૫૦૦ જેટલા શિક્ષકો-વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

પોન્નમપેટ (કર્ણાટક) શાખા કેન્દ્ર દ્વારા બધી શાળા કૉલેજ માટે નિબંધ, વક્તૃત્વ, મુખપાઠ સ્પર્ધાનું આયોજન થયું હતું. વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિકો અપાયાં હતાં.

કોમી રમખાણ વિસ્તારોમાં રાહત સેવાકાર્ય

આસામ: ગૌહાટી આશ્રમ દ્વારા નૌગાંગ જિલાલાના દાબોકાના હુલ્લડગ્રસ્ત ૧૫૦ કુટુંબોમાં ૩૦૦ એલ્યુમિનિયમનાં વાસણ, ૧૫૦ ફાનસ, જૂનાં વસ્ત્રો અને બાળકોનાં વસ્ત્રોનું વિતરણ કાર્ય થયું હતું. ૨૨૨ ઘાયલ દરદીઓને દાક્તરી સેવા અપાઈ હતી. શિલોંગ આશ્રમ દ્વારા પણ વધુ સહાય પહોંચાડવામાં આવી છે.

ગુજરાત: અમદાવાદ શહેરના હુલ્લડગ્રસ્ત વિસ્તારના છૂટક મજૂરી કરતા ૨૫૦ મજૂર કુટુંબોને ૨૫૦ કિલો ગ્રામ લોટ, ૨૫૦ કિ.ગ્રા. ખાંડ, ૨૪૦ કિ.ગ્રા. તેલ, ૪૦ કિ.ગ્રા. ચા, ૨૫૦ ગોટી સાબુ અને ૨૫૦ ચાદરનું વિતરણ કાર્ય શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા થયું હતું.

મહારાષ્ટ્ર: મુંબઈમાં રાહતસેવા કૅમ્પમાં ૧૭૦ કુટુંબોમાં ૨૫૦ કિ. ચોખા, ૨૪૫ કિ.ગ્રા. લોટ, ૮૪ કિ.ગ્રા. દાળનું વિતરણ મુંબઈ આશ્રમ દ્વારા થયું હતું.

બિહાર દુષ્કાળ રાહત સેવાકાર્ય: ગઢવાલ જિલ્લામાં રાંકા તાલુકાના રામકંડ ગામમાં ૧૫મી માર્ચે દુષ્કાળ રાહત કૅમ્પ શરૂ થયો હતા. આ વિસ્તારના અત્યંત ગરીબ કુટુંબના બાળકોને દૂધ-બીસ્કીટનું વિતરણ કાર્ય થાય છે. કામ કરો અને અનાજ મેળવો યોજના હેઠળ આ જ તાલુકાના સાબાણે ગામમાં તળાવ ખોદવાનો કાર્યક્રમ ચાલુ કર્યો છે.

તામિલનાડુ પૂર-વાવાઝોડા રાહત સેવા કાર્ય: રામેશ્વર ટાપુના રામકૃષ્ણપુરમ ગામના માછીમાર કુટુંબીજનોને ૧૦૦ મેટ્સ, ૨૭૮૦ તૈયાર કપડાંનું વિતરણ શ્રીરામકૃષ્ણ મિશન, મદ્રાસ દ્વારા થયું હતું. વિતરણ વખતે ૪૭૦ પુખ્ત ઉંમરનાં ભાઈ-બહેનો અને ૬૫૦ બાળકોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું,

રામકૃષ્ણ મિશનની પુરુલિયા વિદ્યાપીઠને રાષ્ટ્રીય પુરસ્કાર:

૩જી માર્ચે ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્માના વરદ્ હસ્તે ૫. બંગાળની પુરુલિયા વિદ્યાપીઠને ૧૯૯૨ના વર્ષનો બાળકલ્યાણ પ્રવૃત્તિ માટે રાષ્ટ્રીય પુરસ્કાર (રૂા. બે લાખ અને સ્મૃતિપત્ર) એનાયત કરવામાં આવ્યો હતો.

સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી:

સ્વામી વિવેકાનંદના શિકાગો સંભાષણના શતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં દેવઘર આશ્રમમાં ૩જી માર્ચે શિક્ષકોનું સંમેલન તેમજ ૧૭મી માર્ચે આજુબાજુના વિસ્તારની સંસ્થાઓનાં યુવાભાઈ બહેનો માટે ‘યુવ-શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવાનો માટે સમાજ સેવા વિશે તાલીમની અનન્ય તક:

ગ્રામ્ય વિસ્તારોમાં રહીને સ્વાશ્રય, શ્રમ, સેવાના અને ગ્રામોદ્ધારના આદર્શને વરેલા યુવાનો માટે સમાજ સેવકની ૯ માસની નિ:શુલ્ક તાલીમની અનન્ય તક “રામકૃષ્ણ મિશન સમાજ સેવક શિક્ષણ મંદિર, બેલૂરમઠ હાવરા-૭૧૧ ૨૦૨” દ્વારા મળી રહેશે.

વધુ વિગત માટે ઉપરના સરનામે અંગ્રેજીમાં પત્રવ્યવહાર કરવા અથવા ‘શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ’નો સંપર્ક સત્વરે સાધવા યુવાનોને વિનંતી.

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.