(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.)

પ્રશ્ન: ૩૫. હિન્દુધર્મના આજ દિવસ સુધીના વિકાસ પર દૃષ્ટિપાત કરતાં એવું લાગે છે કે અનેક આઘાતો સંઘર્ષો સહન કર્યા પછીય તે આજે પણ સત્ત્વશીલ અને શક્તિશાળી છે. એથી એ વાત સ્વીકારવી જ પડે છે તેમાં કોઈ મૌલિક ટકાઉપણું છે. સુધારાવાદી આંદોલનોની, તેના પર જુદેજુદે સમયે શું અનુકૂળ અસર પડી છે?

ઉ. જરૂર, આવી અસર પડી છે. હિન્દુધર્મની આ ટકી રહેવાની શક્તિ, સમયે-સમયે થયેલાં સુધારાવાદી આંદોલનોનું જ પરિણામ છે. એથી એને બળ મળ્યું છે, પોષણ મળ્યું છે. નહીં તો તેમાં આટલી સ્થિતિસ્થાપકતા ન હોત. પોતાનાં ધર્મ અને સંસ્કૃતિ સાથે કેટલાયે વિધર્મી વિદેશીઓ ભારતમાં આવ્યા. સદીઓ સુધી જંગલીપણાનું તાંડવ ખેલાયું! પરન્તુ હિન્દુધર્મ અને સંસ્કૃતિને આ ધરતીથી વિખુટા પાડવામાં તેઓ સફળ ન થયા. એથી ઊલ્ટું, શરૂઆતનું દબાણ ઓછું થતાં, આપણા સમાજે તેમને પોતાનામાં સમાવી લીધાં. દેશના ઇતિહાસની એ નિર્ણાયક ઘડીઓમાં અને કસોટીકાળમાં, એવા તો સમર્થ ધાર્મિક અને સાંસ્કૃતિક યુગપુરુષો જન્મ્યા, જેમના માર્ગદર્શનથી હિન્દુસમાજ સમજદારી અને પોતાની આપ-સૂઝથી ગતિશીલ રહેતો આવ્યો છે.

જે સમાજના સભ્યોને આત્મનિરીક્ષણ અને રચનાત્મક ટીકાઓ કરવાની પૂરી સ્વતંત્રતા હોય, સમાજ જ સ્વસ્થ અને શક્તિશાળી રહી શકે છે. એથી એનું ધ્યાન પોતાના દોષો અને ઊણપો તરફ જાય અને તે દૂર કરવાના ઉપાયો તેને સૂઝે છે. તેનાથી સમાજને પોતાની શક્તિઓને ઓળખવાની શક્તિ મળે છે અને પોતાની જાતને મજબૂત બનાવવામાં સહાય મળે છે. સદીઓથી, મતભેદ હોય તેવી વ્યક્તિઓ જ નહીં પરન્તુ સમુદાયોને પણ હિન્દુ સમાજમાં પૂરી સ્વતંત્રતા છે કે તે પોતાની રચનાત્મક ટીકાઓ વડે સમાજને વધારે સત્ત્વશીલ બનાવે. આ સમાજ આજે પણ જીવંત અને ગતિશીલ છે. આજે જે રીતે કોઈ-કોઈ જગાએ જોવા મળે છે, તે રીતે અંદરોઅંદર વેરઝેર વધે તેવો તેનો દુરુપયોગ થવો ન જોઈએ.

પ્રશ્ન: ૩૬. મુખ્ય-મુખ્ય સુધારાવાદી આંદોલનો ગણાવશો?

ઉ. ઉપનિષદ્કાળના ઋષિઓને સુધારકોના અગ્રેસર માનવામાં આવે છે. ઋગ્વેદમાં ધર્મ બહુ સરળ અને સ્પષ્ટ હતો. બ્રાહ્મણયુગ સુધી આવતાં સુધીમાં યજ્ઞ-યાગની એવી તો બોલ-બાલા હતી કે સામાન્ય જનતા એને ન સમજી શકી. ફક્ત યજ્ઞનાં અનુષ્ઠાન રહી ગયાં. તેથી એ ઋષિઓએ એ બધાંનો ત્યાગ કર્યો. ધર્મના સારરૂપ ધ્યાન અને આત્મજ્ઞાનની પરંપરા શરૂ કરવામાં આવી અને એને ડૂબતા બચાવી લીધો.

ભગવાન શ્રીકૃષ્ણ બીજા મહાન સુધારક હતા. એમને લીધે જ આ વિવાદનો અંત આવ્યો કે જ્ઞાન, કર્મ, ભક્તિ એ ત્રણમાં શ્રેષ્ઠ કોણ? એમણે ધર્મ-સાધનાનાં આ ત્રણે અંગોમાં સમતોલ સમન્વય સાધ્યો. એમનો અમર સંદેશ છે કે કર્તવ્યકર્મનું પાલન પોતાના અને સમાજના કલ્યાણનો માર્ગ છે. થોડા જ શબ્દોમાં આપેલો તેમનો આ બોધ શ્રીકૃષ્ણનું એક મોટું પ્રદાન છે. એમણે પોતાના જ આચરણ વડે ‘કથની-કરણી’નો તફાવત દૂર કર્યો.

ત્રીજા સુધારાવાદી આંદોલનના પ્રવર્તકો હતા – મહાવીર અને બુદ્ધ. એમણે ધર્મક્ષેત્રનો લુખ્ખો તર્ક ફગાવી દીધો. આમ જનતા સમક્ષ તેમણે, જીવનનાં સુખર્શન માટે આચારના નિયમોના પાલનનો સીધો, સાદો અને સરળ માર્ગ બતાવી, તેને મહત્ત્વ આપ્યું.

સમય જતાં તેમના મતનું સાચુંખોટું અર્થઘટન કરવામાં આવ્યું. દુરાચરણ થવા લાગ્યું. મોટાભાગના લોકો વૈદિક ધર્મથી અલગ થતા ગયા. આદિ શંકરાચાર્યે આ સ્થિતિમાંથી સમાજને બચાવ્યો. વૈદિક ધર્મની નવેસરથી સ્થાપના કરી. આ ચોથું સુધારાવાદી આંદોલન હતું.

ત્યારપછી જંગલી કુબલાઈઓના હુમલાઓ સતત થવા લાગ્યા. આપણા ધર્મ અને સમાજને ખૂબજ ભારે આંચકા ખમવા પડ્યા. ઈતિહાસના આ સંકટ સમયે, રામાનુજ, મધ્ય, વલ્લભ, ચૈતન્ય, શંકરદેવ, બસવ, રામાનંદ, કબીર, તુલસી, મીરાં, તુકારામ, પુરંદરદાસ જેવા આચાર્યો, સંત મહાત્માઓ આ પવિત્ર ધરતી પર અવતરિત થયા. તેઓએ વિધર્મીઓના અત્યાચારોથી આપણાં ધર્મ, સંસ્કૃતિ અને સમાજને છિન્નભિન્ન થતાં બચાવ્યાં. ભક્તિસંપ્રદાયના આ પુરસ્કર્તાઓ વિના હિન્દુધર્મનું નામ-નિશાન ભૂંસાઈ જાત. આ પાંચમું સુધારાવાદી આંદોલન હતું.

૧૯મી સદીમાં અંગ્રેજોએ અહીં પોતાની સત્તા સ્થાપી અને ફરી આપણે ગુલામ બન્યા. પશ્ચિમના ધાર્મિક-સાંસ્કૃતિક આચાર-વિચારોના વમળમાં ફસાયેલા આપણા દેશમાં ભીષણ સમસ્યા ઊભી થઈ. તેના પ્રતિકારના રૂપમાં હિન્દુઓના નવોત્થાનનું છઠ્ઠું સુધારાવાદી આંદોલન શરૂ થયું. આ આંદોલન સફળ બનાવનારાઓમાં રાજા રામમોહનરાય, સ્વામી દયાનંદ સરસ્વતી, મહાદેવ ગોવિંદ રાનડે, એની બિસેંટ, શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ વગેરેનાં નામો ગણાવી શકાય. આ મહાનુભાવોના એકધારા અને નક્કર પ્રયત્નોથી સનાતનધર્મ ડગુમગુ થતો-થતો પણ બચી ગયો; એટલું જ નહીં, પરન્તુ પશ્ચિમની સભ્યતા અને સંસ્કૃતિ પર પોતાનું પ્રભુત્વ સાધ્યું. રમણ મહર્ષિ, શ્રી અરવિંદ જેવા મનીષીઓની કૃપાથી, આ આંદોલન દિન-પ્રતિદિન વધારે ગતિશીલ બનવા લાગ્યું, કેટલીયે ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓનો ફાળો પણ તેમાં કાંઈ ઓછો નથી.

પ્રશ્ન: ૩૭. આ આંદોલનોમાં આપણા મઠો અને અન્ય ધાર્મિક સંગઠનો પણ ભાગ લઈ રહ્યાં છે? એમનાથી આ આંદોલનોને વિશેષ વેગ મળતો હોય તેવું જણાતું નથી. આવી સંસ્થાઓને શી રીતે અસરકારક અને ક્રિયાશીલ બનાવી શકાય?

ઉ. બ્રહ્મસમાજ, આર્યસમાજ, રામકૃષ્ણમિશન જેવી સંસ્થાઓનો ઉદય, આ નવા સુધારાવાદી આંદોલનોને આભારી છે.

હજારો વર્ષોથી, પરંપરાથી ચાલ્યા આવતા મઠોએ આ દિશામાં જે ઉત્સાહ દાખવ્યો તે પ્રશંસનીય છે. હા, એટલું જરૂર કહેવું પડશે કે તેઓ એથીય ઘણું વધારે કરી શકત. આજે પણ કેટલાક મઠ અપવાદ છે. મોટા ભાગના મઠો સમાજની આજની જરૂરિયાતો પૂરી કરવાની પહેલ કરતા નથી. અગાઉ તો સમાજને આવા મઠોની જ પ્રેરણા મળતી હતી. મઠાધીશો પણ ત્યાગી, તપસ્વી અને જ્ઞાની હતા. આજે એઓ પદ અને લાભને મહત્ત્વ આપતા હોવાથી મઠોની હાલત ખરાબ થઈ છે. તેમનું સેવાનું ક્ષેત્ર પણ જાતિ કે સંપ્રદાય પૂરતું જ રહ્યું છે. આપણા પતનને માર્ગે જતા સમાજ પર, ભલે પરોક્ષ રીતે, તેની અસર પડી રહી છે. બદલાતા વાતાવરણને અનુરૂપ દૃષ્ટિકોણ રાખવાથી આ મઠો અને મઠાધીશો તેમજ હિન્દુસમાજનું કલ્યાણ થશે.

પરંપરાઓથી ચાલ્યા આવતા આપણા પ્રાચીન મઠો નીચે દર્શાવ્યા મુજબનાં ક્ષેત્રોમાં વિશેષ કામ કરી શકે છે:

૧. આપણા ધર્મ અને સંસ્કૃતિનાં મૂળતત્ત્વોનો પ્રચાર.

૨. ધાર્મિક કર્મકાંડો અને સંસ્કારોની વિધિઓ સુબોધ અને સરળ બનાવે જેથી પ્રત્યેક હિંદુ તેનું આચરણ કરી શકે.

૩. પ્રત્યેક હિન્દુ માટે વ્યક્તિગત અને સામાજિક જીવનની આચાર-સંહિતા તૈયાર કરવી.

૪. અસ્પૃશ્યતા અને જાતિવાદના ઝઘડાનો ઉકેલ કરવા માટે નક્કર પગલાં ભરવાં.

૫. શિક્ષણની ઉત્તમ સંસ્થાઓ ખોલવી, જ્યાં જીવિકોપાર્જનના શિક્ષણ સાથે આધ્યાત્મિક જીવનના આદર્શોનું જ્ઞાન આપવામાં આવે.

અહીં આ મઠો તરફથી જે પ્રયાસો શરૂ થયા છે તે ઉત્સાહપ્રેરક છે. એવી આશા રાખવામાં આવે છે કે સેવા કરતા મઠોનાં હિતોની સુરક્ષા કરવા તરફ સમાજ પણ ધ્યાન દેશે.

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી સી. એ. દવે

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.