(ગતાંકથી ચાલુ)

(સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.)

શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યોને માનો વિશેષ પ્રેમ મળતો હતો. શ્રી શ્રીમા સાથેના થોડા સમયના પરિચય પછી સ્વામી વિરજાનંદે અનુભવ્યું અને નોંધ્યું: “આવી રીતે શ્રી શ્રીમા કોઈ પણ વ્યક્તિનાં મન અને હૃદયને જીતી લેતાં અને તે વ્યક્તિ પોતાની જાત કરતાં શ્રી શ્રીમાને વધુ પ્રેમ આપની. મારે ઘેર હું મારી માતાને ખૂબ જ પ્રેમ કરતો અને મારી માતા પણ મને ખૂબ જ ચાહતાં, પરંતુ શ્રી શારદાદેવી મારા આ જન્મનાં જ માતા નથી, તેઓ મારાં શાશ્વત માતા છે. જ્યારે શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યો ભોજન કરી લે ત્યારે શ્રી શ્રીમા સ્વયં તેઓની થાળીઓ ઉપાડતાં અને જમવાની જગ્યા સાફ કરતાં. જ્યારે કોઈ સંન્યાસી શિષ્ય શ્રી શ્રીમાને તેમ કરતાં રોકતા ત્યારે શ્રી શ્રીમા સાંત્વન આપી સરળતાથી પ્રત્યુત્તર આપતાં: “હું તેઓની માતા છું. જો માતા તેનાં બાળકો માટે એમ ન કરે, તો કોણ એમ કરશે?”

એક વખત જ્યારે શ્રી શ્રીમા કોઆલપાડા આશ્રમમાં રહેતાં હતાં ત્યારે એક બ્રહ્મચારી જયરામવાટીમાં બીમાર પડ્યા. તેમને ખોરાક લેવો ગમતો નહિ. શ્રી શ્રીમાએ તેમને બોલાવ્યા. પોતાનો ચેપ શ્રી શ્રીમાને ન લાગે તે હેતુથી તે દૂર ઊભા રહ્યા અને શ્રી શ્રીમા સાથે વાતો કરી, પરંતુ શ્રી શ્રીમાએ તેમને પોતાની પાસે બેસાડ્યા અને સ્નેહપૂર્વક તેમના શરીરે હાથ ફેરવ્યો. શ્રી શ્રીમાએ તેમનાં સંન્યાસી બાળકોને મઠમાં અપાયેલા નામથી બોલાવતાં નહીં. હું તેઓની માતા છું માટે, તેઓએ બધું છોડી દીધું છે એ વિચારતાં મને દુ:ખ થાય છે, એવી રીતે શ્રી શ્રીમા ખુલાસો આપતાં. એક વખત એક સંન્યાસીએ શ્રી શ્રીમાને પૂછ્યું કે તેઓ સંન્યાસીઓ પ્રત્યે કેવો ભાવ રાખે છે. શ્રી શ્રીમાએ પ્રત્યુત્તર આપ્યો: “હું તમને નારાયણ તરીકે જોઉં છું (મનુષ્યસ્વરૂપે ભગવાન) અને મારા પુત્રો તરીકે પણ.”

શ્રી શ્રીમા ગૃહસ્થોનાં પણ માતા હતાં. એક ગૃહસ્થ ભક્તે શ્રી શ્રીમાને પૂછ્યું: “હું તમને મા કહીને બોલાવું છું, પરંતુ મારે એ જાણવું છે કે તમે મારાં ખરેખર માતા છો?” શ્રી શ્રીમાએ પ્રત્યુત્તર આપ્યો: “શું હું તમારી પોતાની માતા નથી? ચોક્કસપણે હું તમારી પોતાની માતા છું.” એક સ્ત્રીએ જોયું કે તેનો પુત્ર શ્રી શ્રીમાની હાજરીમાં પ્રેમપૂર્વક અને રસથી પોતાનું ભોજન લેતો હતો, જ્યારે પોતાને ઘેર તેમ વર્તતો ન હતો. જ્યારે તે સ્ત્રીએ તે પ્રમાણે નિર્દેશ કર્યો ત્યારે શ્રી શ્રીમાએ ગૌરવ સાથે કહ્યું: “મારા પુત્રને નજર ન લગાડો. હું સંન્યાસી સ્ત્રી છું. જે કંઈ ભોજન હું મારાં બાળકોને આપું છું તે તેઓ રસપૂર્વક જમે છે.” એક દિવસ એક સ્ત્રીભક્ત ખૂબ તાપમાં ચાલીને શ્રી શ્રીમાને મળવા આવી. ખૂબ જ પ્રેમથી શ્રી શ્રીમા તે સ્ત્રીને પંખો નાખવા માંડ્યાં. એક દિવસ એક પછાત જ્ઞાતિની સ્ત્રી પોતાને હાથે ભોજન બનાવીને લાવી. એ સમય એવો હતો કે બ્રાહ્મણો બીજી જ્ઞાતિની વ્યક્તિઓ દ્વારા બનાવેલ ભોજન લઈ શકતા નહીં. તેથી શ્રી શ્રીમાની એક ભત્રીજી બોલી ઊઠી, તમે આવી વસ્તુઓ લાવવાનું કહો છો, તેથી તે વસ્તુઓ લાવે છે. શ્રી શ્રીમાએ તેનો પ્રત્યુત્તર આપ્યો, તે મારી પુત્રી છે; શું મારે તે વસ્તુઓ લાવવાનું તેને ન કહેવું જોઈએ?” એક સ્ત્રીભક્તના બાળકે ઓરડો ગંદો કરી દીધો અને શ્રી શ્રીમાએ પોતાના હાથેથી તે સાફ કરી લીધું, શ્રી શ્રીમાએ કહ્યું, “શા માટે હું ન કરું? તે શું અજાણી વ્યક્તિ છે?” એક યુવાન કે જેનું ચારિત્ર્ય સારું ન હતું તે જયરામવાટીમાં શ્રી શ્રીમાને મળવા જો. દરેક વ્યક્તિએ શ્રી શ્રીમાને વિનંતી કરી કે તે યુવાનને ગામમાં આવતો રોક્વો જોઈએ. શ્રી શ્રીમાએ ગ્લાનિ સાથે પ્રત્યુત્તર આપ્યો: “માતા હોવાથી, હું તેને ન આવવાનું કેમ કહી શકું? મારા મુખેથી આવો આદેશ કર્દી પણ નહિ નીકળી શકે.”

સ્વામી રામકૃષ્ણાનંદની વિનંતિને માન આપીને શ્રી માએ ૧૯૧૧માં મદ્રાસની મુલાકાત લીધી. ત્યાં લોકો બંગાળી ભાષા સમજી શકતાં ન હતાં અને શ્રી શ્રીમા ત્યાંની ભાષા સમજી શકતાં ન હતાં. પરંતુ જ્યારે શ્રી શ્રીમાએ દીક્ષા આપી ત્યારે દુભાષિયાની જરૂર ન હતી. શ્રી શ્રીમાએ પોતે તેઓને મંત્ર શીખવ્યો, કેવી રીતે જપ કરવો અને ધ્યાન કરવું, વગેરે વગેરે અને લોકો દરેક બાબત બરાબર સમજી ગયા. શ્રી શ્રીમા અને ભક્તો વચ્ચે એક પ્રકારનો શાશ્વત સંબંધ હોય તેમ લાગતું હતું. મુદ્રાસથી શ્રી શ્રીમા બેંગલોર ગયાં. એક દિવસ સ્વામી વિશુદ્ધાનંદ શ્રી શ્રીમાને એક નજીકના મંદિરે લઈ ગયા. જ્યારે તેઓ આશ્રમે પાછા ફર્યા ત્યારે પ્રાંગણમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જ્યારે શ્રી શ્રીમા ગાડીમાંથી નીચે ઊતર્યાં ત્યારે બધા લોકોએ એકીસાથે શ્રી શ્રીમાને દંડવત્પ્રણામ કર્યા. આ દૃશ્ય જોઈને શ્રી શ્રીમાનું હ્રદય પીગળી ગયું, તેમનો જમણો હાથ લંબાવીને આશીર્વાદ આપતાં હોય તેવી રીતે શ્રી શ્રીમા ત્યાં થોડી ક્ષણો શાંતિથી ઊભાં રહ્યાં. આખું વાતાવરણ એક ગૂઢ શાંતિથી છવાઈ ગયું હતું. ત્યાર પછી શ્રી શ્રીમા ચાલીને મંદિરના પ્રાર્થનાખંડમાં ગયાં અને ત્યાં બેઠાં. ભક્તો પણ તેમની આજુબાજુ બેસી ગયા. ત્યાં બિલકુલ શાંતિ છવાઈ ગઈ. શ્રી શ્રીમાએ દુ:ખ વ્યક્ત કર્યું કે તેઓ ભક્તોની સાથે કન્નડ ભાષામાં બોલી શકતાં ન હતાં. પરંતુ ભક્તોએ એક અવાજે પ્રત્યુત્તર આપ્યો: “ના, ના, આ બરાબર છે. અમારા હૃદયો સંતોષથી ભરેલાં છે. આવા પ્રસંગે શબ્દોની આવશ્યકતા નથી. શ્રી શ્રીમા અને બાળકો વચ્ચે આપ-લે કરવા માટે હવે અવરોધ હતો નહીં, કારણ કે હવે સંપર્કસેતુ તરીકે વિશ્વની ભાષા હતી – તે હૃદયની ભાષા હતી.

શ્રી શ્રીમાનો સર્વગહી પ્રેમ માત્ર ભારતના લોકો પૂરતો મર્યાદિત ન હતો. શ્રી શ્રીમાનું વિશાળ હૃદય કોઈ પણ ભૌગોલિક બંધનો સ્વીકારતું ન હતું. શ્રી શ્રીમાનો પ્રેમ બધા રાષ્ટ્રોના બધા લોકો માટે, બધી જાતિઓ માટે અને બધી સંસ્કૃતિઓ માટે હતો. ભારતની સ્વતંત્રતાના સંઘર્ષ દરમ્યાન ભારતમાં અંગ્રેજ લોકો વિરુદ્ધ ઉગ્ર લાગણીઓ હતી તે સમયે શ્રી શ્રીમાએ કહ્યું: “તેઓ (અંગ્રેજ લોકો) પણ મારાં બાળકો છે.” આ કથનથી શ્રી શ્રીમાની સ્વાભાવિક મનની વિશાળતાનું દર્શન થાય છે. શ્રી શ્રીમાના ઘણા શિષ્ય સરકાર વિરુદ્ધની અને ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા છતાં શ્રી શ્રીમાએ એવું વિધાન કર્યું. જ્યારે સ્વામી વિવેકાનંદના પાશ્ચાત્ય શિષ્યો, શ્રીમતી બુલ, કુમારી મેકલીઓડ, સિસ્ટર નિવેદિતા અને સિસ્ટર ક્રિસ્ટીન કલકત્તા આવ્યાં, ત્યારે શ્રી શ્રીમાએ તુરંત જ તેઓને પોતાની પુત્રીઓ તરીકે સ્વીકારી અને નવા વાતાવરણમાં તેઓને અજાણ્યું ન લાગે તેની કાળજી લીધી. સિસ્ટર દેવમાતા અને એકબીજા પોલેન્ડનાં સ્ત્રી પછીથી જ્યારે શ્રી શ્રીમા પાસે આવ્યાં ત્યારે તેઓને પણ શ્રી શ્રીમાનો પ્રેમ મળ્યો. શ્રીમતી બુલ, કુમારી મેક્લીઓડ અને સિસ્ટર નિવેદિતા જ્યારે પહેલી વખત શ્રી શ્રીમાને મળ્યા, શ્રી શ્રીમાએ તેઓને હૈયાધારણ આપી દીધી હતી કે તેઓને પણ શ્રી શ્રીમાના ખોળામાં સ્થાન છે. તેઓના મનમાંથી કોઈ પણ સંકોચ દૂર કરવા માટે, શ્રી શ્રીમાએ તેઓની સાથે ભોજન લીધું. આને કારણે સ્વામીજીને ઘણો આનંદ થયો હતો અને તેઓ બોલી ઊઠ્યા, “શું આ અદ્‌ભુત નથી! શ્રી શ્રીમાએ તેઓની સાથે ભોજન લીધું!” સિસ્ટર ક્રિસ્ટીન અને સિસ્ટર દેવમાતાને પણ શ્રી શ્રીમાનો સરખો જ પ્રેમ મળ્યો. શ્રીમતી બુલની આગ્રહભરી વિનંતીને માન આપીને શ્રી શ્રીમાએ પોતાનો ફોટો નિવેદિતાના બોઝપરા ખાતેના ઘેર લઈ જવાની છૂટ આપી. સૌપ્રથમ શ્રી શ્રીમાએ એ દરખાસ્ત સ્વીકારી ન હતી. પરંતુ જ્યારે તેમણે કહ્યું, “મા એ ફોટો હું અમેરિકા લઈ જઈશ અને તેની પૂજા કરીશ.” શ્રી શ્રીમા પોતાની પુત્રીની હાર્દિક ઇચ્છા નકારી ન શક્યા, આ ફોટો કે જેની બધા સ્થળે પૂજા થાય છે તે શ્રી શ્રીમાનો લેવાયેલ પ્રથમ ફોટો હતો. કુમારી મેકલીઓડ શ્રી શ્રીમાના પ્રેમને લીધે આનંદવિભોર બની ગયાં હતાં. તેઓ કહેતાં, “શારદાદેવીને દિવ્યજ્ઞાન પ્રામ થયેલું છે અને શારદાદેવી આ નવા ધાર્મિક સમૂહના મેડોના મા મેરી છે.”

(ક્રમશ:)

ભાષાંતર: શ્રી સી. એમ. દવે

Total Views: 197

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.