(ગતાંકથી આગળ)

૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ -મહાસભામાં પોતાનું પહેલું વ્યાખ્યાન આપ્યું અને એક જ દિવસમાં તેઓ વિશ્વપ્રસિદ્ધ થઈ ગયા. વિશ્વધર્મ-મહાસભા સમાપ્ત થઈ ગયા પછી પણ તેમને ચાર વર્ષો સુધી અમેરિકા અને યુરોપમાં વ્યાખ્યાનો આપવા માટે રોકાઈ જવું પડ્યું. ૧૮૯૪ના પ્રારંભમાં સ્વામીજી જ્યારે શિકાગોમાં નિવાસ કરી રહ્યા હતા ત્યારનો પ્રસંગ છે. અમેરિકાના સુપ્રસિદ્ધ ધનાઢ્ય ઉદ્યોગપતિ જૉન ડી. રૉકફેલરને તેમના મિત્રે પોતાને ઘરે નિવાસ કરી રહેલા સ્વામી વિવેકાનંદને મળવા માટે ઘણીવાર આમંત્રણ આપ્યું હતું, પણ રૉકફેલરે આ સૂચન ગણકાર્યું નહિ. પણ એક દિવસ અચાનક તેઓ તેમના મિત્રને ઘેર આવી પહોંચ્યા અને દરવાનને પૂછ્યા વગર કોઈ પણ પૂર્વસૂચના આપ્યા વગર સીધા જ સ્વામી વિવેકાનંદના અભ્યાસખંડમાં ચાલ્યા ગયા. સ્વામીજી અભ્યાસમાં તલ્લીન હતા, તેમણે દૃષ્ટિ ઊંચી કરીને જોવાની પરવા પણ ન કરી કે કોણ આવ્યું છે. થોડા વખત પછી વાતચીતના પ્રસંગમાં સ્વામીજીએ રૉકફોલરને તેના ભૂતકાળની કેટલીય વાતો કરી, જે તેમના સિવાય બીજું કોઈ જાણતું ન હતું. તેમણે રોકફેલરને સલાહ આપી કે તેમની પાસે જે અઢળક સંપત્તિ છે તે તેમની પોતાની નથી, ઈશ્વરે આપેલ છે અને તેનો ઉપયોગ લોકોના કલ્યાણ માટે કરવો જોઈએ, તેઓ તો ઈશ્વરે આપેલી આ સંપત્તિના માત્ર ટ્રસ્ટી છે. ગર્વીલા રૉકફેલર કોઈની પાસેથી સલાહ-સૂચનો સાંભળવા ટેવાયેલા નહોતા. તેઓ ધૂંઆફૂંઆ થઈ સ્વામીજીની વિદાય લીધા વગર ચાલ્યા ગયા.

પણ એક અઠવાડિયા પછી તેઓ પાછા આવ્યા અને જોયું કે સ્વામીજી પોતાના અભ્યાસખંડમાં પૂર્વવત્ બેઠા હતા. રૉકફેલરે એક કાગળ તેમના ટેબલ પર ફેંક્યો. તેમાં તેમણે એક જાહેર સંસ્થાને મોટું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમણે સ્વામીજીને કહ્યું – “બસ, હવે તો તમને સંતોષ થયો ને? હવે તમારે મારો આભાર માનવો પડશે.” સ્વામીજીએ પોતાની દૃષ્ટિ ઊંચી કર્યા વગર શાંતિથી કાગળ વાંચ્યો અને કહ્યું – “આભાર તો તમારે મારો માનવો જોઈએ.” રૉકફેલરનું આ પ્રથમ મોટું દાન હતું. આ પછી તો આ અસાધારણ ધનાઢ્ય વ્યક્તિએ કેટલુંય દાન કરીને મહાન દાતા તરીકે નામના મેળવી.

સ્વામી વિવેકાનંદજીએ આમ ‘ટ્રસ્ટીશીપ મૅનેજમેન્ટ’ના સિદ્ધાંત દ્વારા શાંતિ-પ્રાપ્તિનો માર્ગ આધુનિક માનવ માટે રજૂ કર્યો છે. આ સિદ્ધાંતના પાયા તો ઈશાવાસ્યોપનિષદ જેવા પ્રાચીનતમ ઉપનિષદમાં જોવા મળે છે –

“આ અખિલ બ્રહ્માંડમાં જે કાંઈ છે તે સમસ્ત ઈશ્વરથી વ્યાપ્ત છે, તેને સાથે રાખીને ત્યાગપૂર્વક ભોગવો, આસક્ત થશો મા, આ ધન કોઈનું નથી.” (ઈશાવાસ્ય ઉ. -૧)

ગાંધીજીને આ લોક અતિપ્રિય હતો. તેમણે ટ્રસ્ટીશીપ મૅનેજમેન્ટનો પ્રચાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. થોડા ઉદ્યોગપતિઓએ સફળતાપૂર્વક આ પ્રયોગ પૂરો પાડ્યો છે અને આજે પણ પાડી રહ્યા છે. જે ઉદ્યોગપતિઓ આ સિદ્ધાંતને અનુસરે છે તેમના ઉદ્યોગોમાં કામદારોની હડતાલ થતી નથી, મૅનેજમેન્ટ-મજૂર વચ્ચે ઘણા સારા સંબંધો હોય છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પણ કહે છે કે જેઓ ફક્ત પોતાના માટે જ રાંધે છે, પોતાના માટે જ કમાય છે, તેઓ પાપ ખાય છે. (ગીતા: ૩/૧૩)

થોડા વખત પહેલાં અંગ્રેજી સામયિક ‘Time’માં મુખપૃષ્ઠ પર બે માથાઓની છબી પ્રકાશિત કરવામાં આવી હતી અને મથાળું હતું – “America in the mind of JAPAN in the mind of America” (અમેરિકા જાપાનના મગજમાં અને જાપાન અમેરિકાના મગજમાં). મુખ્ય લેખમાં કહેવામાં આવ્યું હતું કે આર્થિક ક્ષેત્રના શીતયુદ્ધમાં જાપાન જીતી ગયું છે અને અમેરિકા હારી ગયું છે. પોતાના સખત પરિશ્રમથી દેશભક્તિની ભાવનાથી, આગવી સૂઝથી જાપાનના ઉદ્યોગપતિઓએ અમેરિકનોને આર્થિક પ્રતિયોગિતામાં હરાવી દીધા છે. અમેરિકામાં વ્યક્તિદીઠ સરેરાશ વાર્ષિક આવક લગભગ ૨૦,૦૦૦ ડોલર છે. જ્યારે જાપાનની લગભગ ૨૩,૦૦૦ ડોલર છે. (ભારતની લગભગ ૩૫૦ ડોલર!) પણ, આમ આર્થિક ક્ષેત્રે વિકસિત થયા પછી જાપાનના લોકો શું સુખી થયા છે? શાંતિ પ્રાપ્ત કરી શક્યા છે? રાયટરના રિપોર્ટ પ્રમાણે (૧૭ મે ૧૯૯૩) જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પહેલીવાર જે સ્વાસ્થ્ય રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રમાણે ૪૪ વર્ષથી વધુ ઉંમરના લગભગ ૪૨ ટકા પગારદાર લોકો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે. ઘણા લોકો ‘કારોશી’ (Karoshi)થી પીડાઈ રહ્યા છે. જેનો અર્થ થાય છે ‘વધારે પડતા પરિશ્રમથી મૃત્યુ.’

જો જાપાની લોકોએ માત્સુશિતા ઈલેક્ટ્રિક કંપનીના માલિક કોનાસુકે માત્સુશિતાની સલાહ માની હોત તો કદાચ આ પરિસ્થિતિ ન સર્જાત. તેમણે પોતાના પુસ્તક ‘Not For Bread Alone’માં જણાવ્યું હતું કે જીવનમાં પૈસો જ બધું નથી. તેમણે PHP (Peace, Happiness, Prosperity) Instituteની સ્થાપના કરી PHP સામયિક પ્રગટ કર્યું અને મૅનેજમેન્ટ ક્ષેત્રમાં પ્રામાણિકતાની, નૈતિક મૂલ્યોની આવશ્યકતા પર ભાર મૂક્યો. સંપત્તિની સાથે-સાથે સુખ અને શાંતિની પણ જીવનમાં અતિ આવશ્યકતા છે. એ વાત હવે વિકસિત દેશો ધીરે-ધીરે સમજી રહ્યા છે.

ભારતીય દર્શન-સંસ્કૃતિ-અધ્યાત્મમાં એવા સચોટ ઉપાયો બતાવવામાં આવ્યા છે જે આપણને અભ્યુદય અને નિ:શ્રેયસ બન્ને અર્પી શકે – દૈનંદિન જીવનમાં શાંતિ અર્પી શકે તેમ જ શાશ્વત શાંતિનો માર્ગ બતાવે, આજે સમસ્ત વિશ્વ મનની શાંતિ માટે તેમજ વિશ્વશાંતિ માટે ભારતનાં આ સનાતન મૂલ્યો તરફ મીટ માંડી રહ્યું છે ત્યારે આપણા દેશના લોકો પાશ્ચાત્ય જડવાદી સભ્યતાનું – વીડીયો કલ્ચર, ડ્રગ્સ કલ્ચર, માનસિક વિકારો અને આત્મહત્યા તરફ દોરતી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી રહ્યા છે એ ખરેખર વિડંબના છે.

છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે-

‘‘यो वै भूमाः तत् सुखम् न अल्पे सुखमस्ति’’

(छा. उ. 7/23/1)

‘સીમિત વસ્તુઓથી આનંદ ન મળી શકે, અનંતથી જ ખરેખર સુખપ્રાપ્તિ થાય.’

શ્વેતાશ્વતર ઉપનિષદ (૬/૨૦)માં સુંદર રીતે કહેવામાં આવ્યું છે –

“પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા સિવાય તો દુ:ખનો અંત તો ત્યારે જ આવે જ્યારે માણસ આખા બ્રહ્માંડને ચામડાની જેમ વીંટાળી શકે.” એટલે કે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યા સિવાય શાશ્વત સુખ, શાશ્વત શાંતિ પ્રાપ્ત થવી અશક્ય છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ નિ:સ્વાર્થ કર્મ દ્વારા, જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા અને ધ્યાન દ્વારા કેવી રીતે શાશ્વત શાંતિ તેમ જ સાપેક્ષ શાંતિ પ્રાપ્ત કરી શકાય તેનો માર્ગ બતાવે છે. ધ્યાનનું અને મન:સંયમનું મહત્ત્વ બતાવતાં તેઓ કહે છે – “જે મનોનિગ્રહી નથી, તેની બુદ્ધિ સ્થિર થતી નથી. આત્મયોગ રહિત પુરુષને શાંતિ મળતી નથી અને અશાંતને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય? (ગીતા: ૨/૬૬) જ્ઞાનનો મહિમા બતાવતાં તેઓ કહે છે- શ્રાદ્ધાવાન, જ્ઞાનપરાયણ અને ઈન્દ્રિય સંયમ કરવાવાળાને જ્ઞાન લાભ થાય છે અને તે શીઘ્ર જ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે” (ગીતા ૪/૩૮) નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવાથી ગમે તેવો પાપી પણ શાંતિ પ્રાપ્ત કરી શકે છે, તેવું આશ્વાસન આપતાં શ્રીકૃષ્ણ કહે છે – “જે મોટામાં મોટો કુકર્મી હોવા છતાં અનન્ય ભાવથી મારી ઉપાસના કરે છે, તેને સાધુ જ સમજવો જોઈએ. કેમ કે, તેનો નિશ્ચય ઉત્તમ છે. હે કુન્તીપુત્ર! તે થોડા જ વખતમાં ધર્માત્મા બની જાય છે અને નિત્ય શાંતિને પ્રાપ્ત કરે છે. એ તું નિશ્ચયપૂર્વક સમજી લે, કે મારા ભક્તનો કોઈ કાળે વિનાશ થતો નથી” (ગીતા: ૯/૩૦/૩૧)

કર્મફળના ત્યાગનો મહિમા સમજાવતાં તેઓ કહે છે – “અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. જ્ઞાનથી ધ્યાન શ્રેષ્ઠ છે. ધ્યાનથી કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. ત્યાગથી શીઘ્ર શાંતિ પ્રાપ્ત થાય છે.” (ગીતા : ૧૨/૧૨)

આપણા દૈનંદિન જીવનમાં જો આપણે આ ચારે યોગોનો સમન્વય કરીશું – જ્ઞાનયોગ (નિત્ય સદ્ગ્રંથોનું વાચન) કર્મયોગ (નિ:સ્વાર્થ સેવા અને અનાસક્તિપૂર્વક કર્તવ્ય કર્મો કરવાં) ભક્તિ (ભજન કીર્તન, નામ-સ્મરણ વગેરે) અને રાજયોગ (ધ્યાન) તો સાપેક્ષ શાંતિ તો પ્રાપ્ત થશે જ – શાશ્વત શાંતિનો માર્ગ પણ મોકળો થશે.

આધુનિક મન કહેશે “આ માટે સમય ક્યાં છે?” સાચી વાત છે. આપણું જીવન-એટલું ધમાલિયું – અશાંત બની ગયું છે કે દિનચર્યામાં આવી વાતોને સ્થાન આપવું આપણને પોસાય તેમ લાગતું નથી. પણ લાંબે ગાળે આપણને સમજાશે કે આ વાતોને જીવનમાં મહત્ત્વ ન આપવાથી આપણને તેની ભારે કિંમત ચૂકવવી પડશે – અશાંતિ અને દુ:ખના રૂપમાં. પછી ગમે એટલી ડ્રગ્સ કે ટ્રેન્ડવીલાઈઝર્સ (દવાની ગોળીઓ), ગમે એટલા પૈસાનો ધૂમાડો પણ જીવનમાં શાંતિ નહિ લાવી શકે.

શરીરના સ્વાસ્થ્યને જાળવવા માટે આપણે નિયમિત ભોજન લઈએ છીએ, ક્યારેક બહારગામ ગયા હોઈએ ત્યારે સારું ભોજન ન મળે તો પણ ગમે તેવું ભોજન લઈએ છીએ જેથી શરીર નબળું ન પડી જાય. પણ મનના સ્વાસ્થ્ય માટે પણ આપણે નિયમિત ભોજન લેવું જોઈએ, નિયમિત સદ્ગ્રંથોનું વાચન કરવું જોઈએ એ વાત આપણે ભૂલી જઈએ છીએ. પરિણામે દરરોજના આવા ઉપવાસથી માનસિક ખોરાકના અભાવમાં મન નબળું પડી જાય છે. આવા મનમાં અશાંતિ, ચિંતા, ઉશ્કેરાટ, તનાવ (ટેન્શન) સહેજે આવી જાય એમાં નવાઈ શી?

ક્યારેક માનવનું મન એટલું અશાંત થઈ જાય છે કે તેનામાં કોઈપણ જાતનો પુરુષાર્થ કરવાની શક્તિ રહેતી નથી. તેની સહનશીલતાની સીમા આવી જાય છે, તે પોતાને અત્યંત નિ:સહાય અનુભવે છે. અશાંતિની આ ચરમસીમા વખતે શાંતિ-પ્રાપ્તિનો માર્ગ છે શરણાગતિનો. ગીતાના અંતમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ઉદ્દેશીને આધુનિક માનવને શાંતિ માટે કૃપાભર્યું નિમંત્રણ પાઠવતાં કહે છે “હે અર્જુન, ઈશ્વર સર્વના હૃદયમાં સ્થિત થઈને શરીર યંત્ર ઉપર ચઢાવેલા પ્રાણીઓને પોતાની માયા વડે ઘુમાવી રહ્યો છે. હે ભારત! તું સર્વ ભાવથી તેને જ શરણે જા. તેની કૃપાથી તને પરમ શાંતિ અને નિત્ય ધામ પ્રાપ્ત થશે.” (ગીતા: ૧૮/૬૧-૬૨)

આધુનિક યુગમાં આ શરણાગતિના માર્ગ દ્વારા કેવી રીતે પરમ શાંતિ મળે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ શ્રીરામકૃષ્ણદેવના ભક્ત શ્રી ગિરીશચંદ્ર ઘોષના જીવનમાં જોવા મળે છે. આજે પણ અસંખ્ય ભક્તો શરણાગતિના આ માર્ગ દ્વારા અને શાંતિ-પ્રાપ્તિના અન્ય ઉપાયો દ્વારા શાંતિ પ્રાપ્ત કરી રહ્યા છે. વિશ્વમાં સૌથી વધુ દુષ્પ્રાપ્ય થઈ ગઈ છે એવી શાંતિ – ત્રણેય પ્રકારના તાપની શાંતિ – આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક – સર્વને મળે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના.

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

Total Views: 224

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.