‘ચિત્તશુદ્ધિ’ના પ્રકરણમાં કહેવામાં આવ્યું હતું તેમ શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહ્યા કરતા કે નારી ઈશ્વરસ્વરૂપ દેવીનો અવતાર હોય છે. ગમે તે સ્ત્રી હોય અને તેનું ચારિત્ર્ય ચાહે તેવું હોય તો યે તે માતા છે એવો જ ભાવ તેના પ્રત્યે હંમેશાં રાખવો જોઈએ. સ્ત્રીની નિંદા કરવાનો કોઈને પણ અધિકાર નથી. જગન્માતાના ખેલ આપણે સમજી શકતા નથી. કોઈ પણ સ્ત્રી પ્રત્યે, મંદિરમાં અલંકારથી વિભૂષિત દેવીની સામે ઊભા રહેતી વખતે જે પ્રકારની ભાવના રાખો છો, તેવા જ પ્રકારની ભાવના રાખો. નારી ઈશ્વરની જ જીવનીજાગતી પ્રતિકૃતિ છે. તેને ભક્તિભાવથી પ્રણામ કરો. કામવિકાર એ જ ઉપાયથી રોકી શકાય છે.

પતિની સાથે રહીને પણ કોઈ-કોઈ સ્ત્રી બ્રહ્મચારિણી હોય છે. એવી સ્ત્રીઓમાં ભગવાનનો અંશ વધારે હોય છે.

એક શિષ્યે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘તાંત્રિક પદ્ધતિમાં કેટલાક લોકો સ્ત્રીઓની સાથે પૂજાપાઠ કરે છે. એ સંબંધમાં આપનો મત શો છે?’

બંગાળમાં તથા બીજા પ્રાંતોમાં પણ કેટલાક લોકો શક્તિ સંપ્રદાયના અનુયાયી છે. એમાંના કોઈકોઈ દુરાચારી પણ હોય છે. એવા લોકોને નજર આગળ રાખીને ઉપરનો સવાલ પૂછવામાં આવ્યો હતો.

શ્રીરામકૃષ્ણે આના જવાબમાં નીચેની ચેતવણી આપી: ‘એમાં જોખમ રહેલું છે. સામાન્ય લોકોએ એવી જાતના પ્રયોગ ન કરવા જોઈએ. એમાં પતન થવાનો પૂરેપૂરો સંભવ રહે છે. તાંત્રિક પદ્ધતિમાં કોઈ એક સ્ત્રીને દેવી માનીને તેની પૂજા કરવાની ત્રણ રીતો બતાવવામાં આવી છે. એકમાં ભક્ત પોતાને બાળક માનીને પૂજા કરે છે. બીજીમાં સખીરૂપ માનીને તે તેની પૂજા કરે છે. એ બેમાં પહેલી, એટલે કે બાળવૃત્તિની સાધના જ ઉત્તમ છે. આમ, સખીભાવ પણ ખરાબ નથી. પણ પૂજાની ત્રીજી રીત છે, જેમાં દેવી અને ભક્ત વચ્ચે નાયક-નાયિકાભાવ હોય છે. આ રીતે ઘણી જ જોખમકારક છે. એનું અનુસરણ સારું નથી.’

તાંત્રિક પંથમાં કહેવામાં આવ્યું છે કે, મંદિરમાં મૂર્તિની જે રીતે સેવા કરવામાં આવે છે તે જ રીતે કોઈ છોકરી કે સ્ત્રીને દેવી માનીને તેની બધી વિધિઓની સાથે પૂજા કરી શકાય. પરમહંસ એની પણ વિરુદ્ધ છે. પોતાનો અનુભવ સામે રાખીને તેઓ કહે છે: ‘બે વરસ મેં તાંત્રિક સાધના કરી. સખીભાવ અને વાત્સલ્ય બંનેનો અભ્યાસ અને પ્રયોગ કર્યો. મારા સ્વભાવને વાત્સલ્ય જ અનુકૂળ હતો. નાયક-નાયિકાવાળો પ્રયોગ મેં કર્યો જ નહીં, મારે કહેવું જોઈએ કે એ પ્રયોગ સૌને માટે કઠણ હોવાનો, એટલે એ વખાણવા જેવો નથી.’

કોઈકે તેમને પૂછ્યું: ‘આપ આપની પત્ની સાથે ગૃહસ્થ જીવન કેમ નથી ગાળતા?’

આનો પરમહંસે આવો જવાબ આપ્યો: “હું લાચાર છું. તમને એક કિસ્સો કહું. એક દિવસ શિવજીના પુત્ર ગણેશજીએ નાનપણમાં એક બિલાડીના શરીર પર ઉઝરડા પાડ્યા. જ્યારે તે તેમની મા પાર્વતી પાસે ગયા ત્યારે તેમના ગાલ પર પણ એવા જ ઉઝરડા તેમની નજરે પડ્યા. બાળક ગણેશે માતા પાર્વતીને પૂછ્યું, ‘મા, તમારા ગાલ પર આવા ઉઝરડા કેવી રીતે પડ્યા?’

માએ જવાબ આપ્યો: ‘બેટા, એ તો તારું જ કામ છે.’ ગણેશે કહ્યું: ‘ના મા, મેં તો તમને કશુંયે કર્યું નથી.’

‘પાર્વતીએ પુત્રને યાદ આપતાં કહ્યું: ‘ભૂલી ગયો? બિચારી બિલાડીને તેં ત્રાસ આપ્યો નહોતો? આ આખું વિશ્વ મારું શરીર છે. હરકોઈનું દુ:ખ મારું પોતાનું દુ:ખ બને છે.’

“એ પછીથી ગણેશજીએ બધામાં પોતાની માનું જ રૂપ જોયું. તેમણે લગ્નનો વિચાર પણ છોડી દીધો. મને પણ બધી સ્ત્રીઓમાં જગદંબાનું જ દર્શન થાય છે.”

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.