૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવ-દિન પ્રસંગે

(બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા અને રામકૃષ્ણ મઠ મદ્રાસના અધ્યક્ષ હતા.)

“સંન્યાસી સંઘ” ભારતના આધ્યાત્મિક આદર્શ અને ભવિષ્યમાં શ્રદ્ધા ધરાવનારા જુવાનોને સ્વામીજીએ ધરેલી બહુ મોટી ભેટ છે. શ્રીરામકૃષ્ણનો સાક્ષાત્ સંસ્પર્શ પામેલા અને એમનામાં ઈશ્વરના પ્રકટીકરણના સાક્ષી એવા સ્વામી વિવેકાનંદે પોતે અને એમના મહાન ગુરુભાઈઓએ, પોતાના તપસ્યામય જીવન વડે, સેવા વડે અને પરસ્પર એકરાગ વડે એક પાવન પ્રણાલિકા સર્જી અને સંઘની ભ્રાતૃભાવનાની મશાલ પેટાવી. સંઘના એ અગ્રેસરો તો આજે સહુ જતા રહ્યા છે પણ પોતાના શિષ્યો દ્વારા ભાવિ પેઢી માટે એ મહાન વારસાને છોડી ગયા છે અને એ જ મુજબ, ભારતની અને સમગ્ર જગતની આધ્યાત્મિક ઉન્નતિ ખાતર આ સંઘ અને એની પ્રણાલિકાને હવે પછી આવનારી પેઢીઓને સોંપતા જવાનું છે. શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર કરવા માટે અને પોતે પ્રારંભેલી આધ્યાત્મિક પરંપરાનું સાતત્ય સાચવવા માટે મોટી સંખ્યામાં યુવાનો આ સંઘમાં જોડાય એવી આશા સ્વામી વિવેકાનંદ રાખતા હતા. સન ૧૮૯૪માં એક ગુરુ ભાઈને પત્ર લખતાં એક આધ્યાત્મિક ક્રાંતિકારીની આગઝરતી ધગશ સહિત તેઓ આગ્રહ કરે છે: “કોઈ પણ ભોગે આપણને અનુયાયીઓ જોઈએ છે… અને તે પણ ગૃહસ્થી શિષ્યો નહિ, બરાબર સમજી લ્યો, આપણને સંન્યાસીઓ જોઈએ છે. તમારામાંનો એકે-એક જણ સો-સો માથાંનું મુંડન કરાવે- ભણેલાગણેલા જુવાન માણસોનાં, મૂર્ખાઓનાં નહિ- તો તમને ભડવીર કહું… ઠેકઠેકાણે કેન્દ્રો શરૂ કરો અને અનુયાયીઓ બનાવતા જાઓ, જે કોઈ પણ આવવા ચાહે તેને સંન્યાસીસંઘમાં સામેલ કરી દો… આ મહાન આધ્યાત્મિક સંધિક્ષણે હૈયામાં હામ ભીડીને જે ખડો રહેશે અને બારણેબારણે, ગામેગામે શ્રીરામકૃષ્ણનો સંદેશો પ્રસરાવશે તે એકલો જ મારો બંધુ અને એમનો સુપુત્ર છે… એમની- ના, એમની નહિ, એમનાં સંતાનોની, દરિદ્રોની, દલિતોની, પાપી તાપીની- સેવા કરશે એમનામાં ઠાકુર પોતે પ્રકાશશે. એમની જિવાએથી મા સરસ્વતી પોતે બોલશે અને સર્વશક્તિ સ્વરૂપા મા દુર્ગા એમના હૃદયસિંહાસને બિરાજશે.”

આમ સ્વામીજી જ્યારે સેંકડોની સંખ્યામાં યુવાનોને સંઘમાં જોડાવા માટે આમંત્રી રહ્યા હતા ત્યારે એમનાં મન:ચક્ષુ સમક્ષ ફક્ત ત્યાગ અને સેવાની ખરી આંતરિક ઇચ્છા ધરાવનારા લોકો જ હતા. કારણ કે, એમના મતે એક સંન્યાસીસંધ માત્ર ત્યારે જ જોમવંતો અને તંદુરસ્ત રહી શકે જયારે એ પોતાનો વિદ્યા માટેનો પ્રેમ, કઠોર તપસ્યાની ભાવના અને ધર્મપ્રચારની ધગશને જાળવી રાખે.

શાસ્ત્રોના અભ્યાસના અર્થમાં સંન્યાસીને માટે વિદ્યોપાર્જન હંમેશાં અત્યંત આવશ્યક ગણાતું આવ્યું છે. શાસ્ત્રોનો અભ્યાસ એની સાધનામાં સહાયક બને છે, તેમાં યે જે સાધુ બુદ્ધિપ્રધાન છે એને માટે તો વિશેષ કરીને. શીખવવાનું અને ધર્મોપદેશ દેવાનું એક નહિ તો બીજી રીતે પણ એક સાધુને માથે હંમેશાં આવી જ પડવાનું છે. તેથી શાસ્ત્રોનું જ્ઞાન અને એનાં વચનોની વ્યાખ્યા કરવાનું સામર્થ્ય અર્થપૂર્ણ સાધુજીવનને માટે અત્યંત જરૂરી જણાશે. પણ સ્વામીજીની આર્ષદૃષ્ટિએ કલ્પાયેલા સંન્યાસીસંઘમાં તો તદુપરાંત પ્રાચીન અને અર્વાચીન બંને કાળની કળા અને વિજ્ઞાન વિશે પણ સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. વિચારને ક્ષેત્રે પ્રવર્તી રહેલાં આધુનિક વલણો અને માનવમનની આકાંક્ષાઓને પકડમાં લીધા વિનાનો કેવળ શાસ્ત્રા-ભ્યાસ તો બંધિયાર બની જાય છે. એકેએક આધ્યાત્મિક સંદેશ નિત્યનૂતન અને નિત્યપ્રસ્ફુટિત થનારો હોય છે અને અસલી હીરા જેવા ખરેખરા સત્યદર્શનના આ અનોખાં પાસાંની કદરદાની વિસ્તારિત થઈ રહેલી સમજણરૂપી વરખના પડની પાર્શ્વભૂમિકા હોય ત્યારે જ કરી શકાય. સ્વામીજીએ કરેલું વેદાંતનું અર્થઘટન પોતે જ એનું સર્વોત્તમ ઉદાહરણ છે.

જેની સામે સ્વામીજીએ ચેતવણીની લાલ બત્તી ધરેલી તે વૈભવવિલાસિતાનું આક્રમણ સંન્યાસીસંઘો માટે સૌથી વધુ ખતરનાક છે. પવિત્રતાની કીર્તિ અને સમાજસેવાની મોટીમસ યોજનાઓ સંચાલિત કરી રહ્યાની ખ્યાતિનો ખજાનો ભરાવાને પરિણામે સંન્યાસી-સંઘના કબજા હેઠળનું દ્રવ્યભંડોળ પણ એમાંથી નીપજનારાં ભયસ્થાનો સહિત ભેગું થતું જાય. ત્યારે આકરી કઠોર જીવનચર્યા ગાળવાની ટેવો કેળવવામાં ના આવે, અંગત જરૂરિયાતોને સજાગપણે ઓછામાં ઓછી હદમાં ના રખાય અને “ભદ્રલોક આદર્શ” વડે “સંન્યાસ આદર્શ”ને કાટ લાગતો ના અટકાવાય તો અણસારો પણ ના આવે એવે છાને પગલે વિલાસિતા સંન્યાસજીવનમાં પેસી જશે. તપસ્યાની ભાવના જ આ બધાનો એક માત્ર ઉપાય છે. એમાં મુખ્યત્વે ઈન્દ્રિયસંયમ, વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓનો ત્યાગ અને ભગવત્પ્રાપ્તિની આકાંક્ષાની જ્યોતને નિયમિત ધ્યાનાભ્યાસ અને બીજી આધ્યાત્મિક સાધનાઓ દ્વારા જ્વલંત રાખવાનો સમાવેશ થાય છે.

પરંતુ વિદ્યા પરત્વેની પ્રીતિ અને કઠોર તપસ્યાનું આચરણ છેવટે અહંકેન્દ્રી મિથ્યા સાધુત્વને છેડે જઈને ઊભું ના રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. ધર્મપ્રસારકની સાચી ધગશરૂપી ભોમિયા વિના આ ખાડાનો ખતરો સંન્યાસજીવનમાં પૂરેપૂરો છે. ધર્મપ્રસારક એટલે સાંકડા સંપ્રદાયોના પ્રચારનો ઢોલ ચોરે ચૌટે પીટતો ફરનારો એવો જે એક સાધારણ ખ્યાલ પ્રવર્તે છે તે તો એક મહાન આદર્શના ઠ્ઠાચિત્ર સમાન છે. ધર્મપ્રચારના આદર્શનો ઊગમ એક એવી પ્રબળ લાગણીમાંથી થાય છે કે જે ચીજે પોતાનું અપાર કલ્યાણ કર્યું છે તેને વિનમ્રતા અને સેવાભાવપૂર્વક બીજા સૌના ધ્યાનમાં પડની પણ આણવી જોઈએ અને એમની સાથે વહેંચી લેવી જોઈએ. વળી એ આદર્શની પાછળ અન્યની સેવામાં પોતાની જાતને મિટાવી દેવાની પ્રબળ પ્રેરણા પણ કામ કરે છે. આના પહેલાં ઉલ્લેખાયેલા બેલૂડ મઠમાં સંન્યાસીઓને ઉદ્દેશીને સ્વામીજીએ આપેલા પ્રવચનમાં એમણે આ આદર્શની સ્પષ્ટ રૂપે અભિવ્યક્તિ આપેલી છે. અહંકેન્દ્રી સ્વાર્થપરકતાના ઝેરના મારણ તરીકે વહેંચી લેવાની અને સેવા કરવાની પ્રેરણામાંથી પેદા થયેલી ધર્મપ્રસારણની ધગશ કરતાં વધુ કામિયાબ બીજું કોઈ ઔષધ નથી.

ઉપર વર્ણવાયેલી શ્રદ્ધા અને જીવનપદ્ધતિથી આકર્ષાયેલ કોઈ પણ તંદુરસ્ત શિક્ષિત અન્ડર ગ્રેજયુએટ હોય તો પચ્ચીસ વરસની નીચેનો અને ગ્રેજ્યુએટ હોય તો ત્રીસ વર્ષની નીચેનો – સંઘમાં પ્રવેશ પામવાની લાયકાત ધરાવે છે. પ્રવેશ કરનાર ઇચ્છુકે રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્ય થોડુંઘણું વાંચ્યું હોવું જોઈએ અને કેટલાક સ્વામીઓના અને મઠોના સંપર્કમાં રહીને સંઘજીવનનો થોડોક ખ્યાલ મેળવ્યો હોવો જોઈએ. તદુપરાંત એ પ્રકારની વણબજાવેલી કૌટુંબિક ફરજોમાંથી એ મુક્ત હોવો જોઈએ કે એના દિલમાં ફરજ ચૂક્યાના પાપ તરીકે જેનો ખટકો રહ્યા કરે અને એની ભાવિ સંન્યાસકારકીર્દિમાં ખલેલરૂપ બને. જો એનો સંઘમાં જોડાવાનો વિચાર પાકો હોય તો મુકરર થયેલા કોઈ પણ કેન્દ્રમાં પૂર્વઅજમાયશી (pre-probationer) સભ્ય તરીકે એક વર્ષ માટે દાખલ થઈ શકે છે. એ એક વર્ષ વીત્યા બાદ એને બ્રહ્મચારી તરીકે ઓળખવામાં આવશે. પણ વિધિવત બ્રહ્મચર્યની દીક્ષા તો એને એ પછી ચાર વર્ષે જ મળશે. તે પછી દીક્ષિત બ્રહ્મચારી તરીકે બીજાં વધુ ચાર વર્ષો ગાળ્યા બાદ અગર જો મઠના વડીલ સાધુઓને એની યોગ્યતાની બાબતમાં સંતોષ હોય તો એને સંન્યાસીક્ષા મળશે અને આમ સંધમાં પૂર્ણ સભ્યપદમાં પ્રવેશ મળશે. આટલા નવ વર્ષનો લાંબો ગાળો એને પોતાની જાતને તૈયાર કરવા માટે અને સંન્યાસીની કારકીર્દિ માટેની પોતાની યોગ્યતાની ચકાસણી કરી લેવા માટે પૂરતો સમય આપવા ખાતર રાખવામાં આવ્યો છે. એ દરમ્યાન કદાચ જો એને એમ જણાય કે આ પ્રકારનું જીવન એને અનુકૂળ નથી આવતું તો સહેજ પણ સંકોચ કે બંધન વિના ચાલ્યા જવાને માટે એ મુક્ત છે. પણ એક વાત તરફ ખાસ ધ્યાન દોરવાનું કે, તીવ્ર ઇચ્છા ધરાવનાર કોઈ પણ જણે સંઘમાં જોડાવામાં પોતાની યોગ્યતાનો ઊણો આંક માંડીને પોતાની જાતમાં અશ્રદ્ધાની લાગણી ધરાવીને ગભરાટ અનુભવવાની જરૂર નથી. બીજી કોઈ પણ પ્રકારની સામુહિક જિંદગીની માફક સંન્યાસી સંઘજીવનમાં પણ એક વ્યક્તિ સર્વસામાન્ય સંઘ માનસના હિસ્સારૂપે જીવે છે અને તેથી એ સંઘમાં પ્રવર્તી રહેલા ઉત્તમતાના ધોરણ અનુસાર, એ સંઘમાનસ દ્વારા એને ટેકે-ટેકે ઊંચો ચઢે છે કે નીચો ખેંચાઈ જાય છે. એક ઉત્તમોત્તમ સમૂહના સભ્ય બનવાની નૂતન સભાનતા અને તેની સંગેસંગે વ્રતો, પ્રણાલિકાઓ, વેશ, સંગતિ વગેરે-વગેરે બાબતમાં ઢગલાબંધ નિષેધો એક એવી મજબૂત રક્ષણાત્મક દિવાલ ખડી કરી દે છે કે એની ઓથે રહીને એકાદો જરાક નબળો જણ પણ સફળતાની પૂરેપૂરી તક મેળવીને કાર્ય કરી શકે છે.

અજમાયશી (Probationer) અને બ્રહ્મચારી તરીકેના આ સમયગાળામાં સભ્યને અભ્યાસ અને આધ્યાત્મિક સાધના કરવાની તક સાંપડે છે. એ ગાળાનો મોટો ભાગ કોઈ પણ એક શાખાકેન્દ્રના કાર્યકર્તા સભ્ય તરીકે એ રહે છે, છતાં ફરજિયાતપણે એને બેલૂરના હેડક્વાર્ટર્સમાં એની જોડે સંકળાયેલા વિશેષ તાલીમ કેન્દ્રમાં બે વર્ષ ગાળવાનાં હોય છે. ત્યાં એને શાસ્ત્રો અને ફિલસૂફીનું પદ્ધતિસર શિક્ષણ મળશે અને સંધની પ્રણાલિકાઓ સાથે ગાઢ સંપર્ક થશે. પણ આ તાલીમ તે તો માત્ર પૂર્વ તૈયારીનો અભ્યાસક્રમ છે જે એણે તે પછી એની આખી જિંદગીપર્યંત, આધ્યાત્મિક અને બૌદ્ધિક બંને દૃષ્ટિકોણથી, અનુસરતા રહેવાનું છે. આગળ કહેવાઈ ગયું તેમ ભક્તિ, જ્ઞાન, યોગ અને કર્મ એ બધી જ સંઘની માન્યતા પામેલી સાધનાઓ છે. પણ એમાં કર્મની વિશેષ અગત્ય છે. કારણ કે સ્વામી વિવેકાનંદે ઘડેલા નિયમો અનુસાર એકેએક સભ્યે એનો પોતાનો ઝોક કે ગમાઅણગમા ગમે તે પ્રકારના હોય તે છતાં, શ્રીરામકૃષ્ણની સેવામાં કંઈ ને કંઈ કામ તો કરવું જ પડશે. તેથી મિથ્યા આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ કામને ટાળી તો નહિ જ શકાય, અને એ જાતની મનોવૃત્તિ ધરાવનારાઓને સંધમાં ગોઠવાવાનું મુશ્કેલ થશે. બ્રહ્મચારી તરીકે તાલીમના સમય દરમ્યાન તેમ જ સંન્યાસી થયા પછી પણ, સંધના સભ્ય અને મદદનીશ તરીકે કે પછી મઠ અને મિશનના એકાદ કેન્દ્રના અધ્યક્ષ તરીકે કોઈક જવાબદારીભર્યું કામ કરવું જ પડશે.

ભાષાંતર: ડૉ. પ્રજ્ઞાબહેન શાહ

Total Views: 407

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.