(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ શ્રીરામકૃષ્ણ પૂંથી ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખ્યું હતું, હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું, તેને મારા તરફથી પ્રેમપૂર્વકના લાખો આલિંગનો આપજો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણ પોતાને વ્યક્ત કરે છે. આ ગ્રંથનું રૂપાંતર બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યું હતું, જે હજુ અપ્રકાશિત છે. તેના થોડા અંશો શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે રજૂ કરીએ છીએ.)

રાણી રાસમણી તથા મથુરની સાથે પરિચય

જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરું;

જય જય ભગવાન જગતના ગુરુ;

જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ,

યાચું રજ ચોંટેલી એ સહુને ચરણ.

કુશળ આ જાદુગર પ્રભુ – નારાયણ;

જુઓ કેમ કરે ભક્ત – મન – આકર્ષણ.

અજ્ઞાત પ્રકારે થાય લીલાનો ઉદય;

ક્રમે-ક્રમે સુણો મન આપું પરિચય.

પ્રભુનો વિચિત્ર ખેલ વર્ણવ્યો ન જાય;

અને સન્ અઢારસો પંચાવન થાય.

પ્રભુની ઉંમર થાય ઓગણી વત્સ૨;

એક દિન ફરી રહ્યા વાડીની ભીતર.

નિહાળીને તેને મહાભક્ત શ્રી મથુરે;

પૂછ્યું રામકુમારને, હેત આણી ઉરે.

“કોણ આ નવીન બ્રહ્મચારી સુકુમાર?”

“મારો નાનો ભાઈ,” કહે શ્રી રામકુમાર.

મથુર બોલ્યા “પ્રીતિકર છે વદન;

મંદિરમાં રાખવાનું થાય મને મન.”

ઉત્તરમાં બોલ્યા તેને શ્રીરામકુમાર;

“અહીં રહેવાનું નહિ કરે એ સ્વીકાર.”

વધુ બોલ્યા નવ કાંઈ મથુર તે દિન;

પણ ચિત્તે ચોંટી રહી મૂરતિ નવીન.

ખેંચાયા મથુર, મન તાણે પ્રભુભણી;

પ્રભુ-પદ-ચુંબક જબ્બર આકર્ષણી.

એ જ અરસામાં આવી પહોંચ્યો એહ સ્થળે;

ભાણેજ હૃદયરામ નસીબને બળે.

અતિપ્રિય આત્મીય સ્વજન પ્રભુતણો;

ધરા ધામે ભાગ્યવાન હૃદયને ગણો.

હૃદયને પામી ખુશી પ્રભુને અપાર;

સાથે કરે બેય જણા આહાર વિહાર.

નાના હતા ત્યારે શ્રી પ્રભુની ખ્યાતિ હતી;

માટીની બનાવે દેવદેવીની મૂરતિ.

રંગે ઢંગે બને મૂર્તિ એવી અવિકળ;

માટીની નહિ એ, કહે જીવંત સકળ.

શિલ્પકર કારીગર પ્રભુની સમાન;

દેખ્યો નહીં આંખે તેમ સુણે નહિ કાન.

પોતે પૂજા કરવાને સારુ પરમેશ;

સુંદર બનાવે ગંગા માટીના મહેશ.

ત્રિશૂળ ડમરા ગળે નાગ – આભૂષણ;

શશીનું તિલક, જટ તથા નંદી પણ

ત્રિલોક વિભ્રમ કારી વૃષ આબેહૂબ;

નરી આંખે જુઓ તોય ભ્રમ થાય ખૂબ.

ફરતાં-ફરતાં વાડીમાંહે શ્રી માથુર;

નવાઈ પામીયા દેખી શંકર ઠાકુર;

માટીના બનેલ શિવ, સજીવન જોવા;

જાણે કે કૈલાસ થકી પધારીયા તેવા.

કેવી રીતે બનાવ્યા ને નાખ્યું શું અંદરે;

શું દેખીને જોનારાનાં ચિત્ત મન હરે!

શું નિહાળે દરશક, કહું કેમ કરી

હૃદયમાં દેખો, કરી આંખો બંધ જરી.

ભક્ત મનોહર પ્રભુ, કૌશલ અપાર;

નર બુદ્ધિ પામી શકે નહિ તેનો પાર

લઈને માટીની મૂર્તિ મથુર ચાલીયા

રાણી રાસમણિ પાસે તુરંત આવીયા

આનંદે રોમાંચ અંગે, ચિત્તમાં વિસ્મય

દેખીને મૂરતિ રાણી રાજી અતિશય

બોલે “કારીગર આનો રહે ક્યે ગામ;

કોણ એ, જે કરે આવું કલામય કામ?”

“રહે કારીગર દેવ-પુરીની ભીતર

દેવીના પુજારીનો એ થાય સહોદર’’

નાની છે ઉંમર, વેશ જાણે બ્રહ્મચારી;

દરશન વિપ્રનું એ મન મુગ્ધકારી.

મનમહિં થાય મને, કાલી પૂજા મંહિ;

નિમું જો એને તો દેવી જાગે શંકા નહિ.

વિપ્રને દેખીને મને પ્રતીતિ જ થાય;

દેવીને જગાવી શકે થોડા દિન માંય;

પ્રભુથી બનેલી શિવમૂર્તિના દર્શને;

મથુરમાં જન્મી ભક્તિ પ્રભુને ચરણે.

તરત આવીયા બગીચામાં શ્રી મથુ૨;

હૃદયની સાથે જોયા ઊભેલા ઠાકુર.

ફરી રહ્યા હાદુ સાથે પ્રભુ નિજ મોજે;

પરસ્પર વાતોચિતો કરે, જેમ રોજે.

આવીને નોકર કહે જોડી બેય હાથ;

બાપુ ઇચ્છે વાત કરવાને તમ સાથ.

જાય ન મથુર પાસ પ્રભુ ભૂલે ચૂકે;

બીક કે પૂજામાં રાખવાની વાત મૂકે.

મથુરેય છોડે ન, તેડાવે વારંવાર;

પ્રભુ દેવેય તેમ-તેમ કરે અસ્વીકાર.

આખરે મથુરે કહ્યું રામકુમારને;

અનુજને તેડી આવો આપ મુજ કને,

રાખી મન ભાઈ તણું પ્રભુ ગુણધર;

આવીને મથુ૨ પાસ થયા એ હાજર.

વાંસે-વાંસે ભાણેજ હૃદય પણ જાય;

બરાબર જાણે વૃક્ષ વાંસે તેની છાંય

જોઈને પ્રભુને ભક્તવર શ્રી મથુર;

ઊઠ્યા આસનેથી ચિત્તે ભક્તિ-ભરપુર.

બાજુએ લઈને કહે બાળુ ભક્તિભર્યાં;

આપ સ્વીકારોને અહીં દેવ-પરિચર્યા.

બોલે પ્રભુદેવ “બાબુ કરો શી એ વાત;

દેવ સેવા કેરી રહે મહાન પંચાત.

કહો ને સંભાળે કોણ દિવસને રાત;

દેવતાના અલંકારો મૂલ્યવાન જાત.

પણ રાખો મદદે હૃદય કુમાર;

તો કઠિન તોય સેવા લેવા હું તૈયાર

‘આપ કહો તેમ’ બોલ્યા મથુરકુમા૨;

હૃદયે રાખવાનું કરીયું સ્વીકાર.

પછી વાત પાકે પાયે થઈ બધી સ્થિર;

વચ્ચે કેવું બન્યું, મન સુણો ધરી ધી૨

સૃષ્ટિ મધ્યે દૃષ્ટિહીન હશે જેહ જન;

કહેશે કે આ તો બધું સામાન્ય કથન.

બાહ્ય દૃષ્ટિ પ્રત્યે બંધ તેની આંખ.

સાગર તરંગે ખેલે ઉપ૨ ઉપ૨;

ધન રત્ન મણિ રહ્યાં જળની ભીતર

કુશકું છે તુચ્છ સાવ, નહિ જરી સાર;

પણ તેમાં ઢાંકી શક્તિ બીજની અપાર.

એમ ધરી સાધારણ વાત નારાયણ;

કરી રહ્યા લીલા વૃક્ષ બીજનું રોપણ

એક દિન નિજ મોજે રોજની પ્રમાણે

ફરી રહ્યા પ્રભુ, દેખે રાણી એવે ટાણે.

હૃદય ચમકી ઊઠ્યું દેખીને મૂરતિ

દિવ્ય ભાવપૂર્ણ દેહ, મુખે જ્યોતિ અતિ

નેનો સ્હેજ વક્તણી શોભા અધિક ઘણી

અંગે રેખા સુંદર લાવણ્ય કાંતિ તણી

સુવિશાળ વક્ષ ને લલાટ ઉચ્ચ સ્થિત

સુશોભિત નાક, હાથ ઘુંટણ લેખિત

અતિ મનોહર તનુ શોભાનું આગા૨;

દેખતાં અંતરે થયો ભક્તિનો સંચાર

કેવળ ભક્તિજ નહીં સ્નેહેય સાથે ભળે

રાણી જેમ-જેમ જુએ તેમ સ્નેહે ગળે

ભક્તિનો અદ્‌ભુત ખેલ, સુણો ચિત્ત સાથ

ભક્તોની સંગાથે કેવી હૃદયની વાત.

જીવન અંતરે જેહ ઉપજે ભક્તિ

જીવ કેરી નહિ, એ તો પ્રભુની સંપત્તિ

ભક્તિ તણું પામ નવ પ્રભુવિણ કોય

ભક્તિ આપી આવે પરિચય પોતાનોય

ચૂપચાપ આકર્ષાય હૃદય કંદ૨;

ચુંબકનું તાણ જેમ લોહની અંદર

એ સમયે બને એક અદ્‌ભુત ઘટન;

હતું શુભ જન્માષ્ટમી – દિનનું પૂજન.

રાધાકૃષ્ણ તણી પૂજા કરે જે બ્રાહ્મણ

પૂજા પૂરી કરી ધરી ભોગ રાગ પણ

દેવાને શયન દેવતાને તેડી જતાં

પડ્યો: ભાંગ્યો પગ મૂર્તિનો બેધ્યાન થતાં

કાને કાને સૌ સુણે પુરીની ભીતર

અંતે વાત જાય રાણી તણા કાન પર

ભક્તિમતી રાણી પામે આઘાત જબ્બર

મૂર્તિનો ચરણ ભાંગ્યો અશુભ ખબર

સોંપો પડી ગયો દેવપુરીની અંદર

સર્વ કોઈ ધ્રૂજે, લાગે રાણી તણો ડર

ખાસ તો પુજારી ગફલત જેણે કીધી;

પૂજા બંધ ભગ્ન-મૂર્તિ-પૂજાનો ન વિધિ.

નવીન મૂરતિ તેથી પૂજાને કારણ;

લાવો એમ વિધિ આપે પૂજારી બ્રાહ્મણ.

સુણી પ્રભુ કરે વાત રાણી પાસે આવી

અંગભંગ મૂર્તિ નાખી શું કરવા દેવી?

વિધિ કહી અવિધિ આ આપે કોણ જણ;

એકત્રિત કરો બધા વિદ્વાન બ્રાહ્મણ

રાણીએ પ્રભુની આજ્ઞા સુણી શિરે ધારી

બોલાવ્યા પંડિતો શાસ્ત્રો તણા અધિકારી

નક્કી દિને થયા ભેળા શાસ્ત્રજ્ઞો સકલ

શાસ્ત્ર વિધિ લઈ કરે મહા કોલાહલ.

અંતે શાસ્ત્રવેત્તાઓએ નક્કી દીધું કહી;

પૂજાવિધી ભાંગેલી મૂર્તિનો શાસ્ત્ર નહિ.

સુણો પછી થઈ કેવી આશ્ચર્ય – કહાણી

આવ્યા પ્રભુ હતી જ્યાંહાં રાસમણી રાણી

કહે, રાણી માતા, પૂછો તમે આ બ્રાહ્મણોને;

ભાંગ્યે ધણી તણો પગ, શું થાત કહોને.

શાસ્ત્રનું વિધાન એનું કહોને વિદ્વાન;

નાખી દેવો ઘણીને કે ચિકિત્સ – વિધાન?

સરલ પ્રભુનું વાક્ય પાંડિત્ય વિહીનું;

કિંતુ જેવા પોતે તેવું અતિ સ્નેહભીનું.

દયાળુ સરળ પર ચાહે સરળતા;

સરળથી સ૨ળ આ રામકૃષ્ણ-કથા.

સમજી સ૨ળ રાણી પ્રભુનું વચન;

સભામાં કરીયો એ જ પ્રશ્ન ઉત્થાપન.

ઘટનાની સાથે પ્રશ્ન લાગે જે પ્રકા૨;

સુણીને પંડિત ગણ દેખે અંધકાર.

સીધી વાત, જેને સાવ મૂર્ખાય ગ્રહી શકે;

સુણીને ચક્કર આવે પંડિત મસ્તકે.

શાને ભમે શિર, તમે વિચારોને મન;

સરળ ઉત્ત૨ જેવો સરલ પ્રશ્ન.

શાસ્ત્રોનું વિધાન દેતાં કર્યો ન વિચાર;

તેથી મુંઝવણ હવે વિપ્રોને અપાર.

મિથ્યા થાય પોતે આપ્યું શાસ્ત્રનું વિધાન;

ચિકિત્સાની વાત યદી સ્વીકારે વિદ્વાન

તેમજ ચરણ ભગ્ન સ્વામી ફેંકી દેવો.

અપાય જ કેમ કરી અભિપ્રાય એવો!

અવશેષે શાસ્ત્રો છોડી કરી વાત સીધી;

સ્વામી કેરી સારવાર એ જ ખરો વિધિ.

સુણી તર્યે જાય રાણી આનંદ સાગરે;

શતગુણી વધી ભક્તિ પ્રભુની ઉપરે.

જાણી, પ્રભુ હતા કારીગર – શિરોમણિ;

હાથ જોડી પ્રભુને, બોલીયાં રાસમણિ.

ભાંગ્યા પગ તણી આપ કરો સા૨વા૨;

‘ભલે’ કહી પ્રભુદેવે કરીયું સ્વીકાર.

જોડી દીધો ભાંગ્યો પગ તે જ તે દિવસે;

મૂરતિ દેખાય અખંડિત એક ૨સે.

નવાઈ પામ્યા સૌ સ્થાનની ભીતર

કેવા મહા સુકુશળ પ્રભુ કારીગર!

શી નવાઈ, વાત કેવી; તત્ત્વ તેમાં કર્યું.

આ મહાન વિશ્વ જેના સંકેતથી થયું.

થાય, રહે, જાય સૃષ્ટિ જેમની આજ્ઞાથી;

જોડે ભાંગ્યો પગ એ નવાઈ જેવું શાથી.

પણ આ વખતે ધર્યું માનવનું તન;

દીન દુ:ખી જન પેઠે પ્રસન્ન ભોજન.

લઈને બ્રાહ્મણ – વેશ ખેલી રહ્યા પોતે;

વિશ્વતણા કર્તા જેને બ્રહ્માજીયે ગોતે.

(ક્રમશઃ)

Total Views: 386

One Comment

  1. Deviben vyas January 17, 2023 at 3:53 am - Reply

    Jythakur jyma jyswamiji Maharaj pranam srs ane srl bhasha ma bhagvan nu sundar charity nu vrnan kryu chhe thakurbhagvan na Krupa patr Akshay Maharaj na charno ma koti koti pranam

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.