પશ્ચિમમાં સૂરજ આથમે છે, પાવન સંધ્યાવેળાએ દેશ-વિદેશમાં અસંખ્ય મંદિરોમાં-ઘરોમાં શ્રીરામકૃષ્ણદેવની આરતીનો પ્રારંભ થાય છે અને સાથે-સાથે ગવાય છે શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્ સ્તવન. સંધ્યાની એ સુંદર વેળાએ સ્તવનના સુમધુર સંગીતના સ્વરો વાયુમંડળમાં વિલીન થઈ – ભળી જઈને અદ્‌ભુત આધ્યાત્મિક સંગીતનું પવિત્ર વાતાવરણ સર્જે છે, ભક્તોના મનને ભાવની ઉચ્ચ સ્થિતિએ લઈ જાય છે.

આ અમર સ્તવનના રચિયતા હતા સ્વામી વિવેકાનંદ પોતે. પારંપરિક સંગીતની ધ્રુવપદ શૈલીમાં આ સ્તવન લયબદ્ધ અને તાલબદ્ઘ પણ તેમણે પોતે જ કર્યું હતું.

સ્વામી વિવેકાનંદ વિદેશથી પાછા ફર્યા તે પછી બંગાળના સુપ્રસિદ્ધ નાટકકાર – કવિ શ્રી ગિરીશચંદ્ર ઘોષે સ્વામીજીને શ્રીરામકૃષ્ણદેવ વિશે ગ્રંથ લખવાનો અનુરોધ કર્યો. સ્વામીજીએ કંપિત સ્વરે કહ્યું, “જી.સી., એ વાત મારાથી શક્ય નથી. સાગરને સુકવી નાખવાનું કહેશો તો તે કરી શકું, પર્વતોના ચૂરેચૂરા કરી શકું, પણ શ્રીરામકૃષ્ણનું જીવન-ચરિત્ર લખવું મારા માટે શક્ય નથી. ગુરુદેવની અનંત મહિમાને હું સમજ્યો છું જ, કેટલો? શું તમે ચાહો છો કે શિવની મૂર્તિ ઘડતાં-ઘડતાં છેવટે હું વાનરની મૂર્તિ ઘડું? નહીં, નહીં, મારાથી આ નહિ બને.” અને ખરેખર, સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવનું જીવનચરિત્ર નલખ્યું, તેમ છતાં તેઓ વિશ્વને પ્રદાન કરી ગયા છે શ્રીરામકૃષ્ણદેવ વિશે એક અમર સ્તવન, જેમાં એમણે શ્રીરામકૃષ્ણદેવ વિશે ઘણું બધું કહી નાખ્યું છે. અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણદેવના સર્વશ્રેષ્ઠ ભક્ત શિષ્ય સ્વામી વિવેકાનંદની તેમના પ્રત્યેની આ સર્વશ્રેષ્ઠ ભાવાંજલિ છે. ભાવોના ઉચ્ચતમ શિખરેથી રચાયેલ આ સ્તવન શ્રીરામકૃષ્ણદેવના અનંત ભાવોને, અનંતગુણોને, અનંતલીલાને ભક્તો સમક્ષ પ્રગટ કરે છે અને તેઓના મનને ઉચ્ચ ભાવસ્થિતિમાં પ્રસ્થાપિત કરે છે. ભાવ, સંગીત, લય, તાલ બધી દૃષ્ટિએ આ સ્તવન બેજોડ છે. તેના ભાવોની ઉદાત્તતા વેદમાં વર્ણવેલ ઉત્કૃષ્ટ સ્તોત્ર – ‘પુરુષસુક્તમ્’ને જાણે આંબી જાય છે. શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય ચરિત્રને તત્ત્વથી સમજવાની ગુરુચાવી આ સ્તવનમાં મળે છે. શ્રીરામકૃષ્ણદેવના જીવનદર્શનની, ભાવોની, સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા પણ આ સ્તવનમાં સાંપડે છે.

અનંત ભાવોથી ભરપૂર આ સ્તવન પર ગહન ચિંતન કરતાં-કરતાં નિત્ય નવા અવનવા અર્થો સાધકોના મનમાં પ્રગટ થતા જાય છે અને માટે જ આ સ્તવનની વ્યાખ્યા કરવી કે સમજવી સાધના સાપેક્ષ છે.

સ્વામી વિવેકાનંદ ધર્મ સંકીર્ણતા અને સાંપ્રદાયિકતાના વિરોધી હતા. શ્રીરામકૃષ્ણદેવ વિશે લખાયેલ હોવા છતાં સમસ્ત સ્તવનમાં કોઈ પણ જગ્યાએ તેમણે શ્રીરામકૃષ્ણદેવના નામનો ઉલ્લેખ નથી કર્યો અને આમ જાણે કે આ સાર્વભૌમિક પ્રાર્થના છે. દરેક વ્યક્તિ પોતપોતાના ઈષ્ટને નજરમાં રાખીને આ સ્તવન-પ્રાર્થના કરી શકે, કારણ કે જે ગુણોનું વર્ણન આમાં ક૨વામાં આવ્યું છે તે કોઈ પણ અવતારને – ઈશ્વરના કોઈ પણ રૂપને લાગુ પડી શકે. બંગાળીમાં લખાયેલ હોવા છતાં એટલા બધા સંસ્કૃત શબ્દોનો ઉપયોગ આ સ્તવનમાં થયો છે કે બંગાળી ન જાણતા ભક્તો પણ સરળતાથી આનો અર્થ સમજી શકે.

સૌ પ્રથમ, આ સ્તવન ગવાયું શ્રી નીલામ્બર મુખર્જીના મકાનમાં આવેલ મઠમાં. (ગંગાને કાંઠે આવેલ આ જગ્યા ત્યારે નિર્માણાધીન થઈ રહેલા બેલુર મઠની પાસે હતી, હવે બેલુર મઠનો એક ભાગ બની ગઈ છે.) શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ પ્રસંગે (૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮) ભોગ આરતીના સમયે જ્યારે આ સ્તવન ગવાયું ત્યારે સ્વામી વિવેકાનંદ પોતે તેમના ગુરુભાઈઓની સાથે ભાવવિભોર થઈ નૃત્ય કરતા હતા, ત્યારે કેવું સ્વર્ગીય વાતાવરણ સર્જાઈ ગયું હશે! સ્વામી વિવેકાનંદ પોતે પખવાજ લઈ આ સ્તવન ગાતા ત્યારે કેવું અનેરું આધ્યાત્મિક ભાવભીનું વાતાવરણ સર્જાઈ ગયું હશે! આ બધું કલ્પનાતીત છે, અવર્ણનીય છે. આજે તો સંધ્યાઆરતી ટાણે રામકૃષ્ણ મઠ-મિશનના દેશ-વિદેશમાં આવેલ શાખા કેન્દ્રોમાં, શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાથી પ્રભાવિત થઈ ચાલી રહેલાં અસંખ્ય અનૌપચારિક કેન્દ્રોમાં તેમજ ભક્તોનાં ઘરોમાં (ક્યાંક હારમોનિયમ, ક્યાંક ઑર્ગન, તો ક્યાંક કૅસેટની સાથે) સમૂહમાં આ સ્તવન ગવાય છે.

પહેલી જ પંક્તિમાં સ્વામીજી શ્રીરામકૃષ્ણદેવની મુખ્ય વિશેષતાને પ્રગટ કરતાં કહે છે – ‘ખંડન ભવ બંધન જગ વંદન વન્દિ તોમાય’

“હે ભવબંધનનું ખંડન કરનાર, જગતના વંદનીય, હું આપને વંદન કરું છું.”

આ ‘ભવબંધન’ શું છે? ભવનું બંધન-સંસારનું બંધન. આત્મા તો નિત્ય, મુક્ત, અજર, અમર છે પણ અજ્ઞાનવશ પોતાને બદ્ધ માને છે અને વારંવાર સંસારચક્રમાં આવાગમન કરે છે, દુઃખ ભોગવે છે. આદિ શંકરાચાર્ય કહે છે- ‘પુનરિપ જનનમ્ પુનરિપ મરણમ્ પુનરિપ જનની જઠરે શયનમ્…’ આ છે પરતંત્રતાનું બંધન, કર્મનું બંધન, જન્મમરણની સાંકળનું બંધન, માયાનું બંધન. આ અજ્ઞાનમાંથી, માયામાંથી મુક્તિ મેળવવી એ જ ભવબંધનનું ખંડન થવું. આ ખંડન કોણ કરી શકે? જે અખંડ છે તે જ. ઈશ્વર જ આ બંધનનું ખંડન કરી શકે. માયાપતિ જ માયાના બંધનથી મુક્તિ અપાવી શકે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:

દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે।।

(ગીતા: ૭/૧૪)

કઠોપનિષદમાં કહ્યું છે – “આ આત્મા જેનું વરણ કરે છે, તેની પાસે જ તે પ્રકાશિત થાય છે.”

દરેક અવતારની એક વિશિષ્ટતા હોય છે. જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે આ વખતે આવ્યા શ્રીરામકૃષ્ણ રૂપે. આ વખતે સત્ત્વગુણનું ઐશ્વર્ય લઈને આવ્યા. જડવાદિતારૂપી રાક્ષસ અને સંશયરાક્ષસનો વધ કરવો હતો માટે એમણે સમસ્ત જીવન ભગવત્-સાધનામાં જ વિતાવ્યું. ભવબંધનમાંથી મુક્તિ મેળવવી હોય – ઈશ્વરનાં દર્શન કરવાં હોય તો કેવી વ્યાકુળતા હોવી જોઈએ તે પોતાના જીવન દ્વારા પ્રદર્શિત કર્યું.

શ્રીરામકૃષ્ણદેવનો મુખ્ય ઉપદેશ હતો – “મનુષ્ય દેહ ધારણ કરીને પણ જેણે ઈશ્વરપ્રાપ્તિ ન કરી તેનો જન્મ જ વૃથા.” તેમના ઉપદેશોનું સંકલન ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં થયું છે – તેમાં વારંવાર એક જ વાત આવે છે – આ ભવબંધનનું ખંડન કેવી રીતે થાય. શ્રીરામકૃષ્ણદેવ એક જ આશીર્વાદ આપતા – ‘ચૈતન્ય થાઓ’. પહેલી જાન્યુઆરીએ કાશીપુરના બગીચામાં ‘કલ્પતરુ’ દિવસે તેમણે ભાવસમાધિમાં ઉપસ્થિત ભક્તો પર કૃપા વરસાવતી વખતે આ જ શબ્દો ઉચ્ચાર્યા હતા – ‘ચૈતન્ય થાઓ’. તેમનું મુખ્ય કાર્ય હતું ભક્તોના શિષ્યોના ભવબંધનનું ખંડન કરવું. એ બંધનમાંથી મુક્ત કરવા. સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ વગેરે સંન્યાસી શિષ્યોનાં, નાગમહાશય, ગિરીશ ઘોષ વગેરે ગૃહસ્થ ભક્તોનાં આવા ભવબંધન ફેડ્યાં અને આજે પણ અનેકાનેકને મુક્તિ અપાવી રહ્યા છે – કોઈને જ્ઞાન માર્ગ દ્વારા તો કોઈને ભક્તિમાર્ગ દ્વારા તો કોઈને અન્ય માર્ગે.

ગિરીશ ઘોષ એક સુંદર વાત કહેતા. મહામાયા દોરડું લઈ સ્વામી વિવેકાનંદને બાંધવા આવી, પણ સ્વામીજી પોતાના ‘અહં’ને ‘સોઽહમ્’ કહીને વધારતા ગયા, દોરડું નાનું પડતું ગયું, છેવટે મહામાયા તેમને બાંધી ન શકી. પછી તે નાગમહાશય પાસે આવી તેમને તે દોરડા દ્વારા બાંધીને ગાંઠ મારી. નાગ મહાશયે ‘નાહં નાહં તુંહું તુંહું’ ‘હું કોઈ જ નથી; હે પ્રભુ તમે જ સર્વસ્વ છો’ એમ કહી પોતાના ‘અહમ્’ને એટલો નાનો કરી દીધો કે ગાંઠમાંથી સરકીને બહાર આવી ગયા. આમ મહામાયા શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો કે ગૃહસ્થ ભક્તો, જ્ઞાની હોય કે ભક્ત હોય, બાંધી નથી શકતી.

શ્રીરામકૃષ્ણદેવ ઘણીવાર કહેતા “જેનો છેવટનો જન્મ તે જ અહીંયા આવશે” – “જેણે ઈશ્વરને એક વાર પણ ખરેખરો પોકાર કરેલ છે તેને અહીં આવવાનું થશે ને થશે જ.” આનો અર્થ શો કરવો? જેઓ શ્રીરામકૃષ્ણદેવને સ્થૂળદેહમાં મળ્યા હતા તેઓનો જ આ છેવટનો જન્મ? કે પછી રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓનો? કે શ્રીરામકૃષ્ણ-દેવના મંત્રથી દીક્ષિત થયેલા ભક્તોનો? કે રામકૃષ્ણ આશ્રમની મુલાકાત લે છે તેઓનો? સ્વામી શારદાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’માં આ ઉક્તિનો અર્થ સમજાવતાં લખે છે, “શ્રીરામકૃષ્ણનાં આ વચનોમાં ‘અહીંયા’ શબ્દનો અર્થ જો આપણે ‘માના ઉદાર ભાવે’ એવો ઘટાવીએ તો લાગે છે કે અસંગત નહિ થાય અને કોઈને પણ એની સામે વાંધો નહિ પડે. પરંતુ એ અર્થનો સ્વીકાર કરતાં વળી બીજો પ્રશ્ન જાગશે – એ લોકો જગદંબાના ‘જેટલા મત તેટલા પથ’ના ઉદાર ભાવે પોતાની મેળે પહોંચશે કે પછી જગદંબાએ જેમને યંગસ્વરૂપ કહીને આ જગતમાં આ ભાવનો પ્રથમ પ્રચાર કર્યો તેમની સહાયથી પહોંચશે? . . . વાચક જો અમારી માન્યતા જાણવા માગે તો અમારે કહેવાનું છે કે, એ ભાવનો ખરેખરો સાક્ષાત્કાર થવાની સાથે-સાથે જ જેમને એ ભાવે ઘડીને જગતને માટે પૃથ્વીના પટ પર પહેલાં આણીને મૂકેલા, તેમનાં દર્શનનો બેવડો લાભ પણ તેમને થશે અને એમની એ ‘નિર્માનમોહ’ મૂર્તિ ઉપર અંતરના શ્રદ્ધાભક્તિ તમે આપોઆપ જ ઢોળી દેશો.”

આ વિશે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા ૫૨માધ્યાક્ષ બ્રહ્મલીન સ્વામી વીરેશ્વરાનંદજી એક રમુજી પ્રસંગ કહેતા. તેએ એક વાર અન્ય એક સંન્યાસી (બ્રહ્મલીન સ્વામી ઓંકારાનંદજી મહારાજ) સાથે કલકત્તામાં એક બસ સ્ટૉપ પર ઊભા હતા ત્યારે તેઓએ સાંભળ્યું – કેટલાક લોકો વાતચીત કરી રહ્યા છે- “આપણે હવે બેલુડ મઠ જોઈ આવ્યા એટલે આપણી મુક્તિ નિશ્ચિત થઈ ગઈ. કારણ કે શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું કે જે તેમની પાસે આવશે તેનો આ છેલ્લો જન્મ હશે.” સ્વામી ઓંકારાનંદજીએ તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિનો અર્થ કાંઈ એવો નથી કે સાધન – ભજન કર્યા વગર એકવાર તેમના મંદિરની મુલાકાત લેવાથી જ મુક્તિ થઈ જશે. પણ એ લોકો કાંઈ સમજ્યા નહિ એટલે સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે સ્વામી ઓંકારાનંદજી મહારાજને કહ્યું, “તમે રહેવા દો, એ લોકોને એ લોકોની ભાષામાં હું સમજાવી દઉં છું.” પછી પેલા લોકોને તેમણે કહ્યું, “જુઓ, મુક્તિ કાંઈ એટલી સસ્તી વસ્તુ નથી કે વગર કિંમતે મળી જશે. ફક્ત એક વાર બેલુડમઠનાં દર્શન કર્યા, રામકૃષ્ણ આશ્રમની મુલાકાત લઈ લીધી અને મજાનો પ્રસાદ આરોગી લીધો એનો અર્થ ‘અહીંયા’ (શ્રીરામકૃષ્ણદેવ પાસે) આવવું એમ નથી થતો. શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાંથી પ્રેરણા લઈ, તેમના ઉદાર ઉપદેશોથી પ્રભાવિત થઈ એવું જીવન જીવવા માટે તત્પર થાઓ, સાધન-ભજન કરો, તો જ તેમના અવતાર સ્વરૂપને તત્ત્વથી જાણી શકશો; અને તો જ તેમની તમારા પર કૃપા થશે અને મુક્તિનો માર્ગ મોકળો થશે. શું તમને આવું કરવાની પ્રેરણા બેલુડ મઠની મુલાકાત પછી મળી છે? તો જ આ તમારો છેલ્લો જન્મ છે. ફક્ત એક વાર પ્રસાદ ખાઈ લેવાથી છેલ્લો જન્મ નથી થઈ જતો.”

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે:

જન્મ કર્મ ચ મેં દિવ્યં એવં યો વેત્તિ તત્ત્વતઃ।
ત્યકત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોડર્જુન।।

(ગીતા: ૪/૯)

“હે અર્જુન! જે વ્યક્તિ મારા જન્મ અને કર્મ દિવ્ય છે- એવું તત્ત્વથી જાણે છે, તે શરીર ત્યાગીને ફરી પુનર્જન્મ નથી પામતી, પણ મને પ્રાપ્ત કરે છે.”

શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાને, દિવ્ય સંદેશને તત્ત્વથી સમજવામાં આ સ્તવન સહાયરૂપ થાય છે અને ભવબંધનનું ખંડન કરે છે.

આમ, જેઓ શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવે છે-તેમની દિવ્ય લીલા, તેમના ઉદાત્ત ઉપદેશોના સંસ્પર્શમાં આવે છે (ગ્રંથેાના માધ્યમથી અથવા અન્ય કોઈ માધ્યમથી) તેઓ સમજી જાય છે કે જીવનના ચાર પુરુષાર્થોમાં (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ) મોક્ષ એ જ પરમ પુરુષાર્થ છે અને એ માટે તત્પર થાય છે, શ્રીરામકૃષ્ણદેવની કૃપા મેળવે છે અને આ રીતે તેમનું ભવબંધન ખંડન થાય છે.

શ્રીમા શારદાદેવી કહેતાં, આ યુગમાં શ્રીરામકૃષ્ણદેવે મુક્તિનો માર્ગ સરળ કરી દીધો છે. પૂર્વે તો જાણે મંદિરના દરવાજાને ખોલીને ભગવાનનાં દર્શન કરવા પડતાં. આ વખતે શ્રીરામકૃષ્ણદેવે આવીને દરવાજાનાં તાળાં ખોલી દીધાં છે.દરવાજા ફક્ત વાસેલાં છે. ધક્કો મારવાથી જ ખુલી જશે અને ભગવાનનાં દર્શન થશે.”

આમ તો દરેક અવતારનું, દરેક ધર્મનું લક્ષ્ય કોઈને કોઈ રૂપમાં મુક્તિ, મોક્ષ, ઈશ્વરપ્રાપ્તિ જ છે, પણ શ્રીરામકૃષ્ણદેવે આપણા આ યુગમાં સત્ત્વગુણનું ઐશ્વર્ય લઈને જડવાદિતારૂપી રાક્ષસનો સંહાર કરવા માટે વિશેષરૂપે ત્યાગનો ઉચ્ચતમ આદર્શ દેખાડીને, સંશયરૂપ રાક્ષસનો વધ કરવા માટે પોતાના જીવનમાં સત્યનો સાક્ષાત્કાર કરીને, ધર્માંધતારૂપ રાક્ષસનો વધ કરવા માટે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિભિન્ન ધર્મોની સાધના કરીને દરેક ધર્મના, દરેક દેશના, દરેક જાતિના અને દરેક વર્ગના લોકો માટે મુક્તિનો સરળ માર્ગ મોકળો કર્યો છે. માટે સ્વામી વિવેકાનંદ કહે છે- “હે ભવબંધન ખંડન કરનાર, જગતના વંદનીય, અમે તમને વંદન કરીએ છીએ.”

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.