આદિ શંકરાચાર્ય ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ પરના પોતાના ભાષ્યના ઉપોદ્ધાતમાં લખે છે-

‘ॐ नारायणः परोऽव्यक्तादण्डमव्यक्तसंभवम्’

‘આદિપુરુષ નારાયણ અવ્યક્તથી – માયાથી અતીત છે. માયાથી નિર્લેપ છે. આ બ્રહ્માંડ અવ્યક્તથી-માયાથી ઉત્પન્ન થયું છે.’

આ વાક્યને વિસ્તારથી સમજાવતાં તેઓ કહે છે – “જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી સદા સંપન્ન તે આ વિષ્ણુ ભગવાને પોતાની ત્રણ ગુણવાળી વૈષ્ણવી માયાને તાબે કરી – વશ કરી, પોતે અજન્મા, અવિનાશી, સર્વ ભૂત – પ્રાણીમાત્રના ઈશ્વ૨, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવવાળા હોવા છતાં તે પોતાની માયાથી જાણે કે પોતે જન્મીને (દેહવાન ઈવ, જાત ઇવ) લોકો ૫૨ અનુગ્રહ કરતા હોય એમ દેખાય છે…” ગીતાના ચોથા અધ્યાયના પ્રારંભમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે “આ યોગવિદ્યા મેં સૂર્યને શીખવી હતી, સૂર્ય મનુને શીખવી અને મનુષ્યએ ઈક્ષ્વાકુને શીખવી. એ પ્રકારે પરંપરાથી મળેલ આ યોગ રાજર્ષિઓ જાણતા હતા. પછી તે લાંબે ગાળે નાશ પામ્યો.” આથી અર્જુનના મનમાં શંકા જાગે છે અને પૂછે છે – “આપનો જન્મ તો હમણાંનો છે, અને સૂર્યનો જન્મ પહેલાંનો છે. તો આ યોગ તમે પ્રથમ સૂર્યને કહ્યો હતો એમ હું કેવી રીતે જાણું?” ભગવાન શ્રીકૃષ્ણ આના ઉત્ત૨માં કહે છે- “હે અર્જુન! મારા અને તારા ઘણા જન્મો થઈ ગયા. તે સર્વને હું જાણું છું, પણ તું જાણતો નથી. હું જન્મરહિત, મરણરહિત તથા સર્વ ભૂતોનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિનો આશ્રય કરી મારી માયા વડે જન્મ લઉં છું.”

ખરેખર, અવતાર તત્ત્વ અત્યંત ગહન છે, સાધારણ બુદ્ધિને અગમ્ય છે. નિરંજન, નિર્ગુણ, નિરાકાર, બ્રહ્મ, નરરૂપ ધારણ કરે, ગુણોનો આશ્રય લઈને, વિભિન્ન ગુણોથી ભૂષિત થઈ લોકકલ્યાણાર્થે પૃથ્વી પર અવતરણ કરે એ વાતમાં સંશય ઉત્પન્ન થવો સ્વાભાવિક છે.

જેમ શ્રીકૃષ્ણના અવતારત્વ વિષે અર્જુન જેવાને પણ શંકા થાય છે (અન્ય સમકાલીન લોકોની તો વાત જ ક્યાં રહી !) તેવી જ રીતે ઈશ્વર જ્યારે રામરૂપે અવતર્યા ત્યારે પણ ઘણાને શંકા થઈ. કહેવાય છે, કે માંડ બાર ઋષિઓ તેમને ઈશ્વ૨રૂપે ઓળખી શક્યા. અન્ય લોકો તો તેમને દશરથના પુત્રરૂપે જ જાણતા હતા.

‘રામચરિતમાનસ’માં પ્રસંગ આવે છે – જ્યારે રામ નાગપાશથી બંધાઈ જાય છે ત્યારે ગરુડ તેમને નાગપાશના બંધનમાંથી મુક્ત તો કરે છે, પણ પોતે સંશયના બંધનમાં ફસાઈ જાય છે. ‘જે ઈશ્વરનું નામ લેવાથી લોકો ભવબંધનમાંથી મુક્ત થાય છે, શું નાગપાશના બંધનમાં બંધાયેલ રામ એ ઈશ્વર હોઈ શકે?’ આવી શંકા થવાથી ગરુડ કાગભુસુંડજીને પૂછે છે-

ભવબંધન તે છૂટહિં નર જપિ જાકર નામ।
ખર્બ નિસાચર બાંધેઉ નાગપાસ સોઈ રામ।।

આ જ રીતે રામને પત્નીના વિરહમાં રડતા જોઈને સતીના હૃદયમાં સંશય ઉત્પન્ન થઈ ગયો:

બ્રહ્મ જો વ્યાપક નિરજ અજ અકલ અનીહ અભેદ
સોં કિ દેહ ધરિ હોઈ નર જાહિ ન જાનત વેદા।।

પાર્વતીના રૂપમાં સતીએ ફરી શિવજીને એ જ પ્રશ્ન પૂછ્યો:

જોં નૃપતનય ન બ્રહ્મ કિમિ નારિ વિરહં મતિ ભોરિ
દેખિ ચરિત મહિમા સુનત ભ્રમતિ બુદ્ધિ અતિ મોરિ।।

ભરદ્વાજ પણ વ્યંગ્યમાં યાજ્ઞવલ્કયને પૂછે છે:

એક રામ અવધેસકુમારા તિન્હ કર ચરિત વિદિત સંસારા
નારિ વિરહં દુખુ લહેઉ અપારા ભયઉશેષુ રન રાવન મારા

પ્રભુ સોઈ રામ કિ અપર કોઉ જાહિ જપત ત્રિપુરારિ
સત્યધામ સર્વગ્ય તુમ્હ કહઉ વિવેકુ વિચારી।।

ઈશ્વ૨ જ્યારે અવતરે છે- મનુષ્ય લીલા કરે છે ત્યારે એવા તો આબેહુબ અભિનય કરે છે કે લોકો સંશયગ્રસ્ત થઈ જાય છે.

શ્રીરામકૃષ્ણદેવને બહુ ઓછા લોકો અવતારરૂપે જાણી શક્યા. સ્વામી વિવેકાનંદ ધર્મસંકીર્ણતાની વિરુદ્ધ હતા એટલે તેમણે શ્રીરામકૃષ્ણદેવના અનુયાયીઓ પાસે, તેમને અવતારરૂપે સ્વીકારવા જોઈએ, એવો આગ્રહ નહોતો રાખ્યો. એક વાર સ્વામીજીના એક શિષ્યે તેમને કહ્યું કે ઘણા લોકોને હજી એવો વિશ્વાસ નથી થયો કે શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વ૨નો અવતાર હતા, ત્યારે સ્વામીજીએ કહ્યું, “તમે એમ માનો છો કે આમ માનવું સહેલું છે? અમારા પ્રભુના પોતાના પવિત્ર મુખેથી જ આ વાત વારંવાર સાંભળવા છતાં અમને હજુ પૂર્ણ શ્રદ્ધા બેઠી નથી અને અવારનવાર શંકા તથા નિરાશાથી અમારાં મન ખળભળી ઊઠે છે, તેા બીજાઓની આમાં શ્રદ્ધા મંદ હોય તો તેમને શું કહીએ? આપણા જેવા જ શરીરવાળો એક માણસ સાક્ષાત્ ઈશ્વર છે, એ વાત કહેવી અને માનવી ખરેખર કઠિન છે. આપણે તેમને ‘પૂર્ણમાનવ’ કે ‘બ્રહ્મજ્ઞાની’ કહેવાની હદ સુધી જઈ શકીએ. વારુ, તમે તેમને સંત કહો, બ્રહ્મજ્ઞાની કહો કે બીજું ગમે તે કહો, તેનો કશો વાંધો નથી, મારી પાસેથી એટલું જાણી લેજો કે, શ્રીરામકૃષ્ણ જેવો પરમ પૂર્ણ માનવી આ પૃથ્વી પર કદી અવતર્યો નથી! જગતના ગાઢ અંધકારમાં આજના યુગ માટે તે મહાપુરુષ પ્રકાશનો ઉજ્જવળ સ્તંભ છે! હવે તે પ્રકાશ વડે જ માનવ સંસાર સાગર તરી શકશે!”

સ્વામીજીની ઉપરોક્ત ઉક્તિ તેમની ગુરુ પ્રત્યેની અંધભક્તિનું દ્યોતક નથી. તેમણે વિભિન્નરૂપે શ્રીરામકૃષ્ણદેવની પરીક્ષા કરી હતી અને પછી જ તેમને સ્વીકાર્યા હતા.

શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સરનો રોગ થયો ત્યારે તેમને કલકત્તાના કાશીપુરના બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ૧૬મી ઑગસ્ટ ૧૮૮૬ના રોજ તેમણે આ જ બગીચામાં મહાસમાધિ લીધી તેના બે દિવસ પહેલાની વાત છે. કૉલેજના કેટલાક યુવકો તેમની રાત-દિવસ સેવા કરી રહ્યા હતા તેમાંના એક હતા- નરેન્દ્રનાથ – જેઓ પછીથી સ્વામી વિવેકાનંદ બન્યા. શ્રીરામકૃષ્ણદેવની પથારી પાસે ઊભા હતા ત્યારે એક ભયંકર સંશય તેમના મનમાં જન્મ્યો: “લોકો તો શ્રીરામકૃષ્ણને ઈશ્વરનો અવતાર માને છે. તેઓ પેાતે ઈશ્વરનો અવતાર છે એવું અનેકવાર બોલી ચૂક્યા છે, પરંતુ તો પછી આવી શારીરિક પીડા અને અસહ્ય વેદના તેઓ કેમ ભોગવી રહ્યા છે? આવી અવસ્થામાં પણ જો તેઓ કહી શકે કે, ‘હું ઈશ્વરનો અવતાર છું’ તો જ હું એમને માનીશ.” નવાઈની વાત, નરેન્દ્રનાથનો વિચાર પૂરો થયો ન થયો કે તરત જ શ્રીરામકૃષ્ણદેવ એમના તરફ ફર્યા અને પૂર્ણ શક્તિથી સ્પષ્ટ રીતે બોલ્યા, “અરે નરેન! તને હજી ખાતરી થતી નથી? જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ રામકૃષ્ણરૂપે આ દેહમાં બિરાજે છે; અને એ પણ તારી વેદાન્તની દૃષ્ટિથી નહિ!” નરેન્દ્રનાથ તો આ સાંભળી ભોંઠા પડી ગયા અને આવી શંકા કરવા માટે પસ્તાવો ક૨વા લાગ્યા.

એટલે જ સ્વામીજીએ ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિક’ સ્તવનની બીજી પંક્તિમાં લખ્યું-

‘निरंजन नररूपधर निर्गुण गुणमय’

“તમે નિરંજન છો. તમે નરરૂપ ધારણ કરેલ છે. નિર્ગુણ છતાં તમે સદ્ગુણોના આશ્રય છો.”

નિર્ગુણ, નિરાકાર, સચ્ચિદાનંદ બ્રહ્મ અનંત હોવા છતાં સમય, સ્થિતિ અને કાળની સીમાથી આવૃત્ત થઈ ઈશ્વર થાય છે અને એ જ ઈશ્વર અવતરણ કરે છે, શ્રીરામ રૂપે, શ્રીકૃષ્ણ રૂપે, શ્રીરામકૃષ્ણ રૂપે. નિરંજન હોવા છતાં ન૨રૂપ ધારણ કરે છે. નિર્ગુણ હોવા છતાં ગુણોનો આશ્રય લે છે.

શ્રીરામ અને શ્રીકૃષ્ણના આવિર્ભાવની જેમ શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ પણ અલૌકિક રીતે – દિવ્ય રીતે થયો હતો. પિતા ખુદિરામ ચટ્ટોપાધ્યાયને ગદાધર વિષ્ણુ ભગવાને સ્વપ્નમાં દર્શન આપી કહ્યું હતું “હું તારે ત્યાં જન્મ લઈશ.” માતા ચંદ્રામણિદેવીને યુગીના શિવમંદિરમાં વિચિત્ર દિવ્ય અનુભવ થયો હતો. શિવલિંગમાંથી જ્યોતિ તેમના ઉદરમાં પ્રવેશી હતી. બાળક ગદાધરની બાળલીલા શ્રીકૃષ્ણની વૃંદાવનલીલા જેવી જ મધુર, દિવ્ય અને અલૌકિક હતી. ‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’માં સ્વામી શારદાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવની દિવ્ય લીલાનું વર્ણન કરતાં પહેલાં જાતે હકીકતોની ચકાસણી કરી હતી.

ઈશ્વર જ્યારે નરરૂપ ધારણ કરે ત્યારે પોતે માયાનો આશ્રય તો લે છે પણ માયાથી પ્રભાવિત થતા નથી, નિરંજન જ રહે છે. શ્રીરામકૃષ્ણદેવ સુંદર ઉદાહરણ આપી સમજાવે છે, સાપના મુખમાં ઝેર હોય છે, આથી અન્ય લોકો આ ઝેરથી પ્રભાવિત થાય છે, પણ સાપને પોતાને કંઈ થતું નથી. આ જ રીતે સાધારણ નર કર્મોના બંધનને લીધે જન્મ ગ્રહણ કરે છે પણ ઈશ્વર ‘કર્માધ્યક્ષ’ હોવાથી બંધનોથી પ્રભાવિત થતો નથી, ‘નિરંજન’ રહે છે. નિર્ગુણ હોવા છતાં ત્રિગુણાત્મિકા માયાનો આશ્રય લે છે, ગુણમય બને છે.

શ્રીરામકૃષ્ણદેવમાં કેટલા અદ્ભૂત દિવ્ય ગુણોનો વિકાસ થયો હતો! સત્ય, ત્યાગ, પવિત્રતા, પ્રેમ, દિવ્ય ભાવ, અસાધારણ બુદ્ધિમતા, નિરહંકારિતા, જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્ય, સેવાપરાયણતા વગેરે અનેક ગુણોથી વિભૂષિત હોવાથી સ્વામી વિવેકાનંદજી લખે છે- “તમે નિરંજન છો, નરરૂપ ધારણ કરેલ છે, નિર્ગુણ છતાં, તમે સદ્ગુણોના આશ્રય છો.”

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.