૧૪મી ડિસેમ્બર, ૧૮૮૪. શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાના ‘સ્ટાર થિયેટર’માં ‘પ્રહ્‌લાદ ચરિત્ર’ નાટક જોવા આવ્યા છે. નાટક પૂરું થયા પછી તેમણે બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશચંદ્ર ઘોષને વાર્તાલાપના પ્રસંગમાં કહ્યું, “માના નામમાં શ્રદ્ધા રાખો, એટલે બધું ય થઈ જશે.”

ગિરીશ: “હું તો પાપી છું.”

શ્રીરામકૃષ્ણ: “જે આખો દિવસ ‘હું પાપી છું ’, ‘હું પાપી છું’… એવો વિચાર કર્યા કરે તે આખરે પાપી થઈ જાય છે.”

ગિરીશ: “મહારાજ, હું તો એવો પાપી છું કે જ્યાં બેસું ત્યાંથી સાત હાથ જમીન ખોદી નાખવી પડે.”

શ્રીરામકૃષ્ણ: “એવું શું બોલો છો? ઓરડામાં ભલેને હજાર વર્ષનો અંધકા૨ હોય, છતાં દીવો કરતાં જ પટ લઈને અંધકાર જતો રહે છે. હજાર વર્ષનો અંધકાર છે તેથી તો કંઈ ધીમે-ધીમે જતો નથી.”

શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શથી ગિરીશ ઘોષમાં કેવી રીતે અદ્‌ભુત પરિવર્તન આવ્યું તેની વાર્તા રસપ્રદ છે.

ગિરીશ ઘોષ કહેતા, “મેં દારૂની એટલી બોટલો પીધી છે કે જો તે ઉપરાઉપર મૂકવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈએ આંબી જાય.”

એક રાત્રે ગિરીશ દારૂ પી મત્ત થઈ વારાંગનાને ત્યાં મિત્રો સાથે આનંદપ્રમોદ કરતા હતા એવામાં એમના હૃદયમાં ન સમજાય એવું તીવ્ર આકર્ષણ થવા લાગ્યું અને યાદ આવ્યા શ્રીરામકૃષ્ણ. ગાડી કરીને આવી પહોંચ્યા દક્ષિણેશ્વર. રાત્રિનું ઘોર અંધારું. મંદિરનું ફાટક બંધ હતું. ગિરીશનો અવાજ સાંભળતાં જ શ્રીરામકૃષ્ણદેવે પોતે ફાટક ખોલ્યું, લથડિયાં ખાતાં ગિરીશને હાથ પકડીને સંભાળથી અંદર લાવ્યા અને તેમના હાથ પકડીને નૃત્ય કરવા લાગ્યા. નશો ઉતર્યો ત્યારે શ્રીરામકૃષ્ણદેવની આ અપ્રતિમ સ્નેહવર્ષાથી ગિરીશનું હૃદય દ્રવિત થઈ ગયું. તેમને લાગ્યું, “ખરેખર, શ્રીરામકૃષ્ણદેવ પતિતપાવન છે. મારા જેવા પતિતને પણ આટલો પ્રેમ આપે છે!”

એકવાર થિયેટરમાં ગિરીશ ઘોષ શ્રીરામકૃષ્ણદેવને ક્રોધમાં ભાન ભૂલીને ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા. ભક્તો દુઃખથી વિચલિત થઈ ગયા પણ કરુણામૂર્તિ શ્રીરામકૃષ્ણદેવે ચુપચાપ સાંભળી લીધું અને દક્ષિણેશ્વ૨ જવા ૨વાના થયા. બધા ભક્તોએ શ્રીરામકૃષ્ણદેવને સમજાવ્યા, “હવે આ દારૂડિયાની પાસે જશો નહિ,” શ્રીરામકૃષ્ણદેવે રામચંદ્ર દત્તને આ વિશે પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો, “શ્રીકૃષ્ણ ભગવાનને કાલીનાગે કહ્યું હતું, ‘હે પ્રભો, તમે જ મને ઝેર આપ્યું છે તો અમૃત ક્યાંથી લાવું?’ માટે ગિરીશનો વાંક નથી,” શ્રીરામકૃષ્ણદેવ આ સાંભળી પ્રસન્ન થયા અને કહ્યું, “ચાલેા,રામ, તમારી જ ગાડીમાં હમણાં જ ગિરીશને ત્યાં જઈ આવીએ.” ધોમધખતા તડકામાં શ્રીરામકૃષ્ણદેવ ગિરીશ ઘોષના ઘરે આવી પહોચ્યા અને કહ્યું, “ગિરીશ, હું આવી ગયો છું.” ગિરીશ ત્યારે પશ્ચાત્તાપથી રડી રહ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવને આવેલા જોઈને સીધા એમના ચરણોમાં પડ્યા અને રડતાં-રડતાં બોલ્યા, “આજે જો તમે ન આવ્યા હોત તો હું માની લેત કે તમે પણ નિંદા-સ્તુતિમાં સમાન નથી, તમે સાચા અર્થમાં પરમહંસ નથી પણ આજે હું ઓળખી ગયો કે તમે તે જ છો, હવે તમે મને છેતરી નહીં શકો. હવે તમારે મારો ભાર ઉપાડવો પડશે.” ગિરીષ ઘોષે શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં આત્મસમર્પણ કર્યું. વકાલતનામું આપ્યું. શ્રીરામકૃષ્ણદેવે તેમની સાધનાનો અને તેમના પાપનો ભાર ઉપાડ્યો.

ગિરીશ ઘોષમાં અદ્‌ભુત પરિવર્તન આવ્યું. જીવનનાં છેલ્લાં વીસ વર્ષોમાં તેમણે દારૂનો છાંટો પણ ન લીધો. ઉત્તરાવસ્થામાં તેમના જીવન વિશે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી પ્રેમાનંદજીએ કાશીથી એક પત્રમાં લખ્યું હતું, “ગિરીશબાબુ અહીં છે. અહા! એમનો સ્વભાવ કેવો મધુ૨ થઈ ગયો છે! જેવો ઉદારભાવ એવી જ શ્રી પ્રભુ પ્રત્યેની નિષ્ઠા! અહંકાર અને લોકયશ તો તેમને મન તુચ્છ છે. પારસમણિના સ્પર્શથી જાણે લોઢું સોનું બની ગયું છે. એ હું નજરે જોઈ રહ્યો છું.”

ગિરીશ ઘોષ પોતે કહેતા, “તમારે શ્રીરામકૃષ્ણદેવનો મહિમા સમજવેા હોય તો સ્વામી વિવેકાનંદ તરફ ન જોતાં. શુદ્ધાત્મા બુદ્ધિશાળી કૉલેજિયન નરેનમાંથી સ્વામી વિવેકાનંદનું સર્જન એ કંઈ મોટો ચમત્કાર નથી પણ મારા જેવા પતિતને ભક્ત બનાવી દેવો, એ જ શ્રીરામકૃષ્ણદેવના અપૂર્વ મહિમા દર્શાવે છે.”

ગિરીશ ઘોષ સાથે સંકળાયેલ કેટલાંય નટ – નટીઓ- પતિતોના તારણહાર બન્યા હતા શ્રીરામકૃષ્ણ. ૨૧મી સપ્ટે. ૧૮૮૪ના રોજ શ્રીરામકૃષ્ણદેવ ગિરીશઘોષનું શ્રીચૈતન્ય મહાપ્રભુ વિશેનું નાટક જોવા સ્ટાર થિયેટરમાં ગયા. ભક્તોએ વાંધો ઉઠાવ્યો કારણ કે તે દિવસોમાં સમાજમાં અભિનય કરનારી સ્ત્રીઓનું સ્થાન હલકું હતું. તો પણ શ્રી રામકૃષ્ણદેવ ગયા અને કહ્યું, “હું તેઓને પણ મારી મા આનંદામયીરૂપે જોઈશ.”

નાટક પૂરું થયા પછી શ્રીરામકૃષ્ણદેવે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું, “અસલ નકલ એક લાગ્યું.” આ પછી નટ-નટીઓએ શ્રીરામકૃષ્ણદેવના આશીર્વાદ મેળવ્યા. શ્રીચૈતન્યના પાત્રનો અભિનય ક૨નાંર પ્રખ્યાત એક્ટ્રેસ નટી વિનોદિનીના મસ્તક પર પોતાના બન્ને હાથો રાખી આશીર્વાદ આપતાં શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “ચૈતન્ય થાઓ.” નટી વિનોદિનીએ પોતાની આત્મકથામાં લખ્યું, “સંસારી લોકો મારા પાપમય જીવનને ઘૃણાથી જુએ એની હું પરવા કરતી નથી. મને શ્રીરામકૃષ્ણદેવના આશીર્વાદ મળ્યા છે. એમનો પ્રેમમય આજ્ઞાપૂર્ણ સંદેશ મને ટકાવી રાખે છે.” નટી વિનોદિનીના જીવનમાં પરિવર્તન આવી ગયું. તે રામકૃષ્ણદેવની ભક્ત બની ગઈ. શ્રીરામકૃષ્ણદેવના ગળામાં કૅન્સર થવાથી તેમને કલકત્તાના શ્યામપુકુરના મકાનમાં રાખવામાં આવ્યા હતા. મુલાકાતીઓને મળવાની મનાઈ હતી ત્યારે નટી વિનોદિની યુરોપિયન ડ્રેસમાં સજ્જ થઈ પહેરો દેવાવાળા માણસોને થાપ આપી અંદર ઓરડામાં પ્રવેશી ગઈ. શ્રીરામકૃષ્ણદેવને જ્યારે ખબર પડી ત્યારે હસ્યા અને તેની ભક્તિથી પ્રસન્ન થઈ તેને વિશેષ આશીર્વાદ આપ્યા. ૧૬મી ઑગસ્ટ ૧૮૮૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવે મહાસમાધિ લીધી. નટી વિનોદિની ત્યારે માત્ર ૨૩ વર્ષની હતી અને ખ્યાતિની ચરમ સીમાએ હતી. તેમ છતાં તેણે એ જ વર્ષે નાટ્ય જગતમાંથી સંન્યાસ લઈ લીધો અને જીવનના બાકીનાં પંચાવન વર્ષ સાધનામાં ગાળ્યાં. શ્રીરામકૃષ્ણદેવના પાવન સ્પર્શથી કેટલાય પતિતોના, નટ-નટીઓના જીવનમાં પરિવર્તન આવી ગયું.

શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા યોગીનમા દક્ષિણેશ્વ૨ અવર-જવર કરતાં તે તેના ભાઈ હીરાલાલને પસંદ નહોતું. ૨૮ જુલાઈ ૧૮૮૫ના રોજ શ્રીરામકૃષ્ણદેવ કલકત્તા પધાર્યા ત્યારે તેમને મજા ચખાડવાનું કામ હીરાલાલે મન્મથ ગુંડાને સોંપ્યું. પણ આશ્ચર્ય! શ્રીરામકૃષ્ણદેવના દર્શન માત્રથી મન્મથ તેમના ચરણોમાં પડી ગયો. અને રડતાં-રડતાં કહેવા લાગ્યો, “પ્રભુ, હું અપરાધી છું. મને માફ કરો.” શ્રીરામકૃષ્ણદેવે દક્ષિણેશ્વર આવવાનું આમંત્રણ આપ્યું. મન્મથ સ્વામી અખંડાનંદજી મહારાજ સાથે દક્ષિણેશ્વ૨ ગયો ત્યારે શ્રીરામકૃષ્ણદેવે તેને સ્પર્શ કરી આશીર્વાદ આપ્યા. અદ્‌ભુત હતો આ પાવનકારી સ્પર્શ. મન્મથ ગુંડામાંથી ભક્ત બની ગયો. તેના માટે શ્રીરામકૃષ્ણ બન્યા ‘પ્રિયનાથ’. આવી જ રીતે પદ્મવિનોદ, બિહારી, કૃષ્ણદત્ત વગેરે દારૂડિયા શ્રીરામકૃષ્ણદેવના પાવન સ્પર્શથી ભક્ત બની ગયા હતા.

ઈ.સ. ૧૮૮૩ના જૂન માસની ચોથી તારીખ. શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા હતા ત્યાં ભગવતી દાસી આવી. તે પહેલાં મંદિરના માલિકને ત્યાં કામ કરતી. યુવાવસ્થામાં ચારિત્ર્ય સારું નહોતું. આ વાત જાણતાં હોવા છતાં પતિતપાવન શ્રીરામકૃષ્ણદેવ તેની સાથે સ્નેહપૂર્વક વાતો કરવા લાગ્યા. આથી ભગવતીમાં હિંમત આવી. વાતચીત કરતી વેળા હાથ અડકાડીને પ્રણામ કર્યા. એકાએક વીંછીનો ડંખ વાગે ને જેમ કોઈ ચોંકી ઊઠે અને આકુળવ્યાકુળ થઈ જાય તેમ ભગવતીનો સ્પર્શ થતાં જ શ્રીરામકૃષ્ણદેવ આકુળવ્યાકુળ થઈને ‘ગાવિંદ’, ‘ગાવિંદ’ નામોચ્ચાર કરતાં-કરતાં એકદમ સફાળા ઊભા થઈ ગયા. ઓરડામાં એક ખૂણામાં એક પાત્રમાં ગંગાજળ હતું ત્યાં તેઓ હાંફતાં-હાંફતાં ગયા. તેમને એટલી વેદના થતી હતી કે જે ઠેકાણે દાસીએ સ્પર્શ કર્યો હતો તે ઠેકાણે ગંગાજળ લગાડ્યું અને તેટલો ભાગ ધોઈ નાખ્યો. જે ભક્તો ઓરડામાં બેઠા હતા તેઓ સ્તબ્ધ થઈ ગયા. દાસી પણ પસ્તાઈ અને મરવા જેવી થઈ ગઈ. દયાસિંધુ પતિતપાવન શ્રીરામકૃષ્ણદેવે પછી તેને કરુણા અને પ્રેમપૂર્ણ મધુર સ્વરે કહ્યું, “તમારે એમ ને એમ પ્રણામ કરવા હો!” આટલું કહી પોતાના આસન પર બેઠા અને દાસીનું મન ભુલાવવા માટે ભજન સંભળાવવા લાગ્યા.

રાણી રાસમણિના જમાઈ શ્રી મથુરાનાથ વિશ્વાસ શ્રીરામકૃષ્ણદેવ પર ભગવાનની જેમ શ્રદ્વા રાખતા. એકવાર ખૂનના કેસમાં સપડાઈ ગયા ત્યારે શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં આશ્રય લીધો. પહેલા તો રામકૃષ્ણદેવે ઠપકો આપ્યો. પણ પછી અભયદાન આપ્યું. અન્ય એકવાર તેમની પત્ની જગદંબા દાસીને ભયંકર રોગ થયો ત્યારે પણ તેમને આ આપત્તિમાંથી ઉગાર્યા- આવી રીતે કેટલાય પતિતોને શ્રીરામકૃષ્ણદેવે પોતાના સ્પર્શ દ્વારા પાવન કર્યા, તેમનાં પાપોને-કર્મોને પોતાના પર લીધાં પરિણામે ગળામાં ભયંકર કૅન્સરની બિમારી થઈ. આ જાણે ઈશુ ખ્રિસ્તના ક્રુસબદ્ધ (Crucixfixion) જેવું – શૂળીએ ચડવા જેવું હતું. પણ તેમણે કરુણાની કૃપાવર્ષા બંધ ન કરી. છેલ્લે-છેલ્લે બધું લુટાવતા ગયા. ૧૮૮૬ની પહેલી જાન્યુઆરીના રોજ કાશીપુરના બગીચામાં ‘કલ્પતરુ’ના પાવન દિવસે કેટલાક ભક્તોને સ્પર્શ કરી “ચૈતન્ય થાઓ” કહી તેઓને આધ્યાત્મિક અનુભવો કરાવ્યા. શ્રી મા શારદાદેવી કહેતાં – “ઠાકુર શું રસગુલ્લા ખાવા માટે આવ્યા હતા?” ના, ના જીવોનાં દુઃખ દૂર કરવા. વિશેષ તો પતિતોના કલ્યાણાર્થે દુઃખ સહન કરવા જ પૃથ્વી પર આવ્યા હતા.

દક્ષિણેશ્વર મંદિરમાં શ્રીરામકૃષ્ણ જન્મોત્સવ વખતે કેટલીક ખરાબ ચરિત્રવાળી સ્ત્રીઓ આવતી હતી. આથી ઘણા લોકો વૈકલ્પિક વ્યવસ્થાનો વિચાર કરવા લાગ્યા. આ વિશે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને ૨૩મી ઑગસ્ટ, ૧૮૯૬ના પત્રમાં અમેરિકાથી લખ્યું, “આજે રામદયાળબાબુનો પત્ર મળ્યો છે. તેઓ લખે છે કે દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણદેવના જન્મોત્સવ વખતે ઘણી વેશ્યાઓ પણ આવે છે. તેથી ઘણાને તેમાં જવું ગમતું નથી. વળી તેમના મતે એક દિવસ પુરુષો માટે રાખવો જોઈએ, બીજો દિવસ સ્ત્રીઓ માટે. આ બાબતમાં મારો નિર્ણય આ પ્રમાણે છે: જો દક્ષિણેશ્વર જેવા મહાન યાત્રાને સ્થળે વેશ્યાઓને જવા દેવામાં ન આવે તો તેઓ બીજે ક્યાં જશે? ઈશ્વર ખાસ તો પાપીઓ માટે જ પ્રગટ થાય છે, નહિ કે પુણ્યશાળીઓ માટે મંદિરમાં પણ જે લોકો એવા વિચાર કરે કે આ સ્ત્રી વેશ્યા છે, આ માણસ નીચ છે, આ તો ગરીબ છે અને પેલો તદ્દન સામાન્ય માણસ છે, એવા જેમને તમે સજ્જનો કહો છો તેવા લોકો જેટલા ઓછા આવે તેટલું વધું સારું. જેઓ ભક્તોની જ્ઞાતિ, લિંગ, કે ધંધા વગેરેનો વિચાર કરે તેઓ આપણા પ્રભુ શ્રીરામકૃષ્ણને શું સમજી શકવાના? હું તો ઈશ્વ૨ને પ્રાર્થુ છું કે સેંકડો વેશ્યાઓ આવે અને તેમના ચરણોમાં પોતાનું માથું નમાવે, સજ્જન એક પણ ન આવે તો તેનો કોઈ વાંધો નહિ. વેશ્યાઓ આવો, દારૂડિયાઓ આવો, ચોર અને બીજા બધા આવો. પ્રભુના દરવાજા બધા માટે ખુલ્લા છે.”

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, – “જ્યારે-જ્યારે ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે-ત્યારે હે અર્જુન! હું પોતે પ્રગટ થાઉં છું. સત્પુરુષોના રક્ષણ માટે અને દુષ્ટોના વિનાશ કરવા યુગે-યુગે ધર્મની સ્થાપના કરવા માટે જન્મ લઉં છું.” (ગીતા: ૪/૭-૮)

“રામચરિત માનસ”માં પણ શ્રી રામના અવતારના હેતુ વિશે કહેવામાં આવ્યું છે, “જ્યારે-જ્યારે ધર્મની હાનિ થાય છે, અધમ અભિમાની અસુરો વધી પડે છે, વર્ણવી ન શકાય તેવી અનીતિ કરે છે, તેમ જ બ્રાહ્મણો, ગાયો, દેવો તથા પૃથ્વી દુ:ખ પામે છે, ત્યારે કૃપાના ભંડાર પ્રભુ અનેક પ્રકારના શરીરો ધરી સજ્જનોની પીડા હરે છે.”

જે રામરૂપે આવ્યા હતા, જે કૃષ્ણરૂપે આવ્યા હતા તેઓ જ આવે છે આપણા આ યુગમાં શ્રીરામકૃષ્ણરૂપે. પણ દુષ્ટોનો વિનાશ નથી કરતાં, પોતાના પ્રેમ દ્વારા તેઓની દુષ્ટતાનો વિનાશ કરી, તેઓને સંતમાં પરિવર્તન કરે છે. પાપીઓ-પતિતોનો ઉદ્ધાર કરે છે. પોતાનાં જીવનની પ્રયોગશાળામાં સત્યનો સાક્ષાત્કાર કરીને, વિભિન્ન ધર્મોની સાધના કરીને અને ત્યાગનો મહાન આદર્શ દેખાડીને આજના યુગના મહાન રાક્ષસો ‘સંશયરાક્ષસ’ ‘ધર્માંધતારૂપીરાક્ષસ’ તેમ જ ‘જડતાવાદિતારૂપી’ રાક્ષસોનો વધ કરે છે.

એટલે જ તો ડૉ. આર્નોલ્ડ ટોયન્બી, રોમાં રોલાં, પ્રૉ. મૅક્સમૂલર વગેરે સંસારના મહાન ઇતિહાસકારો અને વિદ્વાનો શ્રીરામકૃષ્ણદેવને સમસ્ત જગતના આભૂષણરૂપ આલેખે છે.

પણ અત્યારે તો શ્રીરામકૃષ્ણદેવ નથી, તો પતિતો ક્યાં જશે? પાપનો બોજ કોણ હલકો કરશે? નહિ, નહિ, શ્રીરામકૃષ્ણદેવ આજે પણ હયાત છે. અવતારનાં કાર્યો સૈકાઓ માટે હોય છે. તેમનું ભૌતિક શરીર ભલે ન રહ્યું હોય પણ સૂક્ષ્મરૂપે તેઓ વિરાજમાન છે. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી, શ્રી મા શારદાદેવી જ્યારે હાથમાંથી સોનાની બંગડીઓ કાઢી નાખતાં હતાં ત્યારે શ્રીરામકૃષ્ણદેવે દર્શન આપી તેમને આમ કરતાં અટકાવીને કહ્યું હતું, “હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું.” આ પછી કેટલાંયને દર્શન થયા છે, થઈ રહ્યાં છે. ઈશ્વર તો સત્-ચિત્-આનંદ સ્વરૂપ છે, તેમનો સૂક્ષ્મ દેહ ચિન્મય હોય છે. અરે, તેમના ભૌતિક દેહમાં પણ અલૌકિકત્વ હોય છે. એટલે જ તો સ્વામી વિવેકાનંદજી શ્રીરામકૃષ્ણદેવના દેહના અવશેષને જે તાંબાના પાત્રમાં સાચવી રાખેલા તેને ‘આત્મારામ’નું પાત્ર કહેતા. આ પાત્રની સાચપણની તેમણે ઘણીવાર પરીક્ષા પણ કરી હતી. તેને અનન્ય શ્રદ્ધાથી તેઓ જોતા. તેથી જ ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ની ત્રીજી પંક્તિમાં સ્વામી વિવેકાનંદ કહે છે – ‘મોચન અઘદૂષણ – જગભૂષણ, ચિદ્ઘનકાય’ “હે પ્રભો, તમે મનુષ્યને પાપદોષોથી મુક્ત કરનાર જગતના ભૂષણરૂપ ઘનીભૂત ચૈતન્યરૂપ દેહધારી છો!”

Total Views: 252

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.