(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગેામાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)

પુરાણોનો મૂળ સ્રોત:

શ્રીમદ્ ભાગવતનો જે સાહિત્યમાં સમાવેશ થાય છે, તે હિન્દુ ધાર્મિક સાહિત્યને પુરાણ કહેવામાં આવે છે. આ ‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ, ‘પુરાતન સમયની કથાઓ’ એવો થાય છે. આજે આપણને જોવા મળતાં સ્વરૂપવાળાં પુરાણોનું સાહિત્ય જો કે ઈસવી સન પૂર્વેની પાંચમી સદીથી જ રચાવું શરૂ થયું હતું, પણ જે મૂળ સ્રોતમાંથી એમનો ઊગમ થયો, તે તો પ્રાચીનતર સમયથી વિદ્યમાન હતો. એનો સમય ઠેઠ વૈદિક સંહિતાઓ જેટલો જૂનો છે. પુરાણોનો સૌથી જૂનો ઉલ્લેખ અથર્વવેદમાં મળે છે. (૧૦-૭-૨૪). એમાં જણાવવામાં આવ્યું છે કે ઋચાઓ (મંત્રો), સામો (ગીતો) અને છંદો સહિતના યજ્ઞના ઉચ્છિષ્ટમાંથી પુરાણ જન્મ્યું છે. શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક ઉપનિષદ પણ આવું જ જણાવે છે. બૃહદારણ્યક ઉપનિષદ જણાવે છે કે મહાભૂત-પરમાત્માના નિઃશ્વાસમાંથી વેદો અને ઇતિહાસની સાથોસાથ જ પુરાણનો જન્મ થયો હતો.

અહીં એક વાત નોંધપાત્ર છે કે ઉપરના બધા સંદર્ભોમાં આ પુરાણ શબ્દ સંજ્ઞાના એકવચનમાં જ વાપરવામાં આવ્યો છે. આ ઉ૫રથી આપણે એવું અનુમાન તારવી શકીએ કે શરૂઆતમાં ‘પુરાણ’ એ વેદાધ્યયનની એક શાખામાત્ર હતું. વેદોથી અલગ અને સ્વતંત્ર એવું ધાર્મિક સાહિત્ય એ વખતે એ ન હતું, પણ પાછળના સમયમાં એણે એવું આગવું સ્વરૂપ ધારણ કર્યું હતું. સૃષ્ટિ, પ્રાચીન ઇતિહાસ, કથાઓ, કહેણીઓ, રાજાઓ અને ઋષિઓની વંશાવળીઓ, વૈદિક મંત્રો અને યજ્ઞોની મૂલગામી પરંપરાઓ વગેરેને પોતાનામાં સમાવી લેતા આ પુરાણનું ગાન લાંબી વૈદિક યજ્ઞ વિધિઓ અને ઉત્સવના મધ્યાન્તરે, વિલંબના સમયગાળામાં નિયમિત રીતે કરવામાં આવતું હતું. ખાસ કરીને અશ્વમેઘ અને રાજસૂય જેવા, રાજયોગ્ય યજ્ઞોમાં તો રાજામહારાજાઓની વંશાવળીઓ, યજ્ઞપરંપરાની તેમની પવિત્ર ફરજો વગેરેનું સ્મરણ કરાવતા આ પુરાણગાનનું- પારિપ્લવ આખ્યાનનું એક વિધિ તરીકે અધિકાધિક મહત્ત્વ રહેતું. પુરાણ સાહિત્યની જૂનામાં જૂની શરૂઆતનાં મૂળ, વૈદિક વિધિઓના આ આખ્યાન-ભાગમાંથી શોધી શકાય છે.

૨. પુરાણસંહિતા વેદથી સ્વતંત્ર થઈ:

સૌથી શરૂઆતના તબક્કાઓમાં યજ્ઞવિધિઓમાં પુરાણગાન કરવાનું કાર્ય બ્રાહ્મણ પુરોહિતોના હાથમાં જ હતું પણ સમય જતાં ધીરે ધીરે તે સૂત નામની સંકર જાતિના હાથમાં સ્થાનાન્તરિત થયું. એનું કારણ એવું જણાય છે કે આ સંકર જાતિને યજ્ઞવિધિઓમાં સીધો-અંતરંગ ભાગ લેવાનો ન હતો. વૈદિક સાહિત્યથી પુરાણની આ અલગતા પછી એક પરંપરા બની ગઈ હોય એમ લાગે છે. વાયુપુરાણ, બ્રહ્માંડપુરાણ અને વિષ્ણુપુરાણે એને એક સરખો ટેકો આપતાં જણાવ્યું છે કે મહર્ષિ વ્યાસે પોતાની મૂળ પુરાણ સંહિતા બનાવ્યા પછી એને પોતાના સુત શિષ્ય લોમહર્ષણના હાથમાં સોંપી. પછી એ શિષ્યે એની છ વાચનાઓ તૈયાર કરીને પોતાના છ શિષ્યોને શીખવી. આ છ શિષ્યો પૈકીના ત્રણ શિષ્યોએ વળી પોતપોતાની સંહિતાઓ રચી. અને આ નવરચિત સંહિતાઓ તેમજ લોમહર્ષણની મૂળ સંહિતાઓ મળીને સમગ્ર પુરાણ સાહિત્યનો મૂળ સ્રોત બન્યો.

આ પરંપરા આપણને પુરાણસાહિત્યનાં ઘણાં અગત્યનાં પાસાં સમજવામાં સહાયરૂપ થાય છે. આ પરંપરા સાબિત કરે છે કે સૌ પહેલાં એક મૂળ પુરાણ વ્યાપક હતું અને એ બ્રાહ્મણ પુરોહિતોના અધિકાર નીચે વૈદિક વિધિઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલું હતું. વેદોનું વિભાગીકરણ અને નામકરણ ક૨ના૨ વ્યાસે જ મૂળ પુરાણ સંહિતાને પણ પદ્ઘતિપૂર્વક પુનઃસંપાદન કરીને એને વૈદિક યજ્ઞવિધિઓથી છૂટી પાડી અને એને સ્વતંત્ર સ્વરૂપ આપ્યું. વેદોના જ એક ભાગ તરીકે અને વેદ તરીકે જ પિછાણાતું આ પુરાણ ત્યારથી એક સ્વતંત્ર સાહિત્ય સ્વરૂપ બન્યું. એ પુરાણને તેમણે સૂત જાતિના હાથમાં સોંપ્યું. કારણકે એ સૂત જાતિ બ્રાહ્મણ ન હતી. વ્યાસે એ સૂત જાતિને સમયે સમયે લોકોની બદલાતી જતી આવશ્યકતાઓને પહોંચી વળવા માટે પુરાણ સંહિતાનો વિસ્તાર કરવાનો અધિકાર પણ આપ્યો. આપસ્તંભ ધર્મસૂત્ર (ઈ.પૂ.૬૦૦-૩૦૦)ની રચના થતાં સુધીમાં આ પુરાણો એક વિશિષ્ટ સાહિત્ય પ્રકાર તરીકે વિકસ્યાં હતાં. અવિભક્ત પુરાણ વિષયક જે ત્રણ પરિચ્છેદો આપસ્તંભમાં આપ્યા છે, અને ભવિષ્ય પુરાણમાં એક પરિચ્છેદ આપેલો છે, તે ઉપરથી આ જાણી શકાય છે. આ રીતે વૈદિક સંહિતાઓ તો એમની એમ અકબંધ અને અપરિવર્તિત રહી, પણ એ વેદોના જ તત્ત્વજ્ઞાનને પોતાનામાં સમાવતાં આ પુરાણો પોતાના જ પગ પર ઊભાં રહીને એક વિશાળ સાહિત્યના રૂપે ગુણાત્મક રીતે વૃદ્ધિ પામ્યાં. પુરાણોની વૃદ્ધિની આ પ્રક્રિયા ઓછામાં ઓછી ઈ.પૂ. ૬૦૦થી ઈસ્વી સનની બારમી સદી સુધી ચાલતી રહી અને એમાં અસંખ્ય ભક્તિ સંપ્રદાયોના ભક્તિપ્રવણ ઉપદેશો અને સમયે સમયે અવતરતા સન્તોના સંદેશાઓ તેમજ વૈજ્ઞાનિક, અનુભૂતિજન્ય, સામાજિક અને ઐતિહાસિક વિષયોની સુલભ માહિતીઓ પણ ઉમેરાતી રહી.

૩. મહાપુરાણો અને ઉપપુરાણો:

પુરાણો પ્રાચીન, વિશાળકાય અને આગવાં છે. એવાં પુરાણોની સંખ્યા અઢાર છે. આ અઢાર પુરાણોની યાદીનો જે ક્રમ છે, તે નીચે પ્રમાણેનો છે: બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, વાયુ, ભાગવત, નારદીય, માર્કંડેય, વરાહ, અગ્નિ, ભવિષ્યત્, બ્રહ્મવૈવર્ત, લિંગ, સ્કન્દ, વામન, કૂર્મ, મત્સ્ય, ગરુડ અને બ્રહ્માંડ. પણ આ ક્રમ કંઈ પૂર્વપૂર્વની વધુ પ્રાચીનતા કે વધુ મહત્તા દર્શાવતો નથી. પુરાણોની આ અઢારની સંખ્યા સાતમી સદી સુધીમાં નિશ્ચિતપણે અને અનિવાર્યપણે સ્થપાઈ ચૂકી હતી. એનું કારણ ઘણું કરીને એવું લાગે છે કે એક તો અઢારનો આંકડો પવિત્ર માનવામાં આવે છે. અને બીજું કે પુરાણોનાં નામોની યાદીમાં જે જે નામો છે તે નામો ખૂબ પ્રાચીન રચનાઓમાં પણ મળે છે. પરન્તુ આ નક્કી થયા પછી પણ પુરાણોનું ગુણાત્મક વૃદ્ધિનું વલણ અટક્યું નહીં. વૈદિક વિવરણોને અકબંધ અને અપરિવર્તિત રાખવાની ઝાંખી પડેલી વૃત્તિની વચ્ચે, વિદેશી આક્રમણકારો અને ભારતના મૂળ વતનીઓ – આદિવાસીઓ – બન્નેની આવશ્યકતાઓ, ધર્મસંપ્રદાયો, વિચારો અને આકાંક્ષાઓને પરિતોષ મળે એવા સમાધાનને સમાવવાના દબાણથી આ વિવરણ પ્રવૃત્તિ વધતી અને વધતી જ રહી. અને પરિણામે અઢાર મહાપુરાણો ઉપરાંત બીજા અઢાર ગ્રંથો રચાયા. એને ‘અઢાર ઉ૫પુરાણો’નું નામ આપવામાં આવ્યું. આ અઢાર ઉપપુરાણોની રચના ઈસ્વી સન ૬૫૦થી ૮૦૦ના સમયગાળામાં થઈ.

૪. પુરાણોનાં મુખ્ય પાસાં અને વિષયવસ્તુ:

માર્કંડેય પુરાણ જેવા થોડાક અપવાદો બાદ કરીએ તો બાકીના લગભગ બધાં પુરાણો ઓછે વત્તે અંશે સાંપ્રદાયિક સ્વરૂપનાં છે. તેઓ વિષ્ણુ, શિવ, કે શક્તિ જેવા એક યા બીજા સાંપ્રદાયિક દેવનું ગૌરવ વધારનારાં છે. તે તે દેવના એક જ પાસાના આ ગૌરવગાનને તેમ જ અન્ય દેવોની તેના કરતાં ગૌણતાના ખ્યાલને ઘણી વખત વૈદિક ધર્મની દૂરદર્શી મેધાને પિછાણનારા લોકોએ સાવ ખોટી રીતે સમજાવ્યાં છે અને એને સંકુચિત સાંપ્રદાયિકતાના સંઘર્ષનો સાવ ખોટો અને અવળો જ અર્થ આપ્યો છે. આપણને સ્વયં વેદોમાં જ વારંવાર એક અને પછી વળી બીજા દેવનું ગૌરવગાન કરીને એને એવી જ રીતે જાણે કે સર્વોચ્ચ દેવ તરીકે વર્ણવવાનું વલણ જોવા મળે છે. “એક જ તત્ત્વ જુદાં જુદાં નામો અને જુદાં જુદાં રૂપોમાં વર્ણવી કે વખાણી શકાય છે.” – એવા પોતાના જ્ઞાનનો વિનિયોગ વૈદિક ઋષિઓએ આ પ્રમાણે કર્યો હતો. પુરાણોમાં પણ જ્યારે કોઈ ખાસ ધર્મસંપ્રદાયના દેવને ૫૨મસત્ ગણીને અન્ય દેવોને એનાથી ગૌણ ગણવાની વાત કરે છે ત્યારે એમાં પણ ઋષિઓની આ વિશાળ અંતઃસૂઝ ભરી મેધાનું પ્રભુત્વ પથરાયેલું છે. એવું કરવાનો પુરાણોનો ઈરાદો તો કોઈ ખાસ સંપ્રદાયના અનુયાયીની તેના ઈષ્ટદેવ ઉપરની શ્રદ્ધાને સુદ્દઢ બનાવવાનો છે. કંઈ બીજાઓની પોતપોતાના ઈષ્ટદેવ પરની શ્રદ્ધાને ઉતારી પાડવાનો નથી. દરેક પુરાણ પોતપોતાના સાંપ્રદાયિક ઈષ્ટદેવનું ગૌ૨વ કરે છે, એનું એક સ્પષ્ટ ચિત્ર આપે છે, એનું સ્વરૂપ, એના ગુણો, એનું નિવાસસ્થાન, એનાં ઉપકરણો, માનવો-દેવ અને અસુરોના જગતમાં એણે કરેલાં પરાક્રમો વગેરેને કાલ્પનિક આદર્શમયતા આપતાં પ્રતીકોથી સભર ભાષામાં વારંવાર આબેહૂબ વર્ણવે છે અને આ રીતે તે તે દેવના અનુયાયીને તે તે દેવનું અત્યંત વાસ્તવિક અને માનવીય સ્વરૂપ પૂરું પાડે છે. અને એ દેવની આવી વિભાવના દ્વારા એ અનુયાયીના હૃદયની ભક્તિને કેન્દ્રીભૂત કરે છે.

આ ઉપરાંત, ‘અમરકોશ’ના પ્રણેતા અમરસિંહ (ઈ.સ.ની છઠ્ઠી સદી)ના કહેવા પ્રમાણે પુરાણો આ નીચે આપેલા પાંચ વિષયોની પણ ચર્ચા કરે છે:

(૧) સર્ગ: જગતની ઉત્ક્રાન્તિકક્ષાઓનું પ્રારંભિક બ્યાન,

(૨) પ્રતિસર્ગ: જગતના પ્રારંભિક સર્જનવિકાસ પછીના સર્જનવિકાસ અથવા પુનઃસર્જનનું કક્ષાનુસાર બ્યાન,

(૩) વંશ: અવતારો, અસુરો, મનુઓ, ઋષિઓ અને રાજાઓની વંશાવળીઓનું વર્ણન,

(૪) મન્વન્તરા: વિશ્વચક્રને ચલાવનાર, માનવોના આદિપુરુષ કુલપતિ મનુનું અને વિશ્વચક્રનું ધ્યાન, અને

(૫) વંશાનુચરિતમ્: રાજામહારાજાઓના વંશોનું વર્ણન. વિશાળ વૈદિક યજ્ઞવિધિઓનાં મધ્યાંતરો દરમિયાન જ આ પુરાણોનું ગાન કરવા માટે જ કેવળ આ પુરાણોનો ઉપયોગ ક૨વાની જૂની પરંપરા જ્યાં સુધી ચાલુ રહી, ત્યાં સુધી તો પુરાણો ફક્ત આ પાંચ જ વિષયોમાં મર્યાદિત થઈ રહ્યાં, પણ ત્યાર પછી એ મર્યાદા ઓળંગીને પુરાણો એક સ્વતંત્ર ધાર્મિક સાહિત્ય સ્વરૂપે બહાર આવ્યાં. અને એણે વેદાનુકૂલ ઉપદેશ લોકોને દેવાનું તેમજ પુરુષવિધ પરમાત્માની ભક્તિ પ્રબોધતા ધર્મસંપ્રદાયોના સંદેશને બહોળા ધર્મરાગી જનસમુદાય સુધી પહોંચાડવાનું અને સૂચનાઓ આપવાનું કાર્ય પણ સાથોસાથ કરવા માંડ્યું. પુરાણોનો આ વ્યાપક અર્થ પછીથી થયો. બહુજનસમાજની આ બધી આવશ્યકતાઓ પૂરી કરવા માટે આ મહાપુરાણોની વિભાવના ઊભી થઈ. આથી પુરાણોનું ક્ષેત્ર વિસ્તૃત થઈ ગયું. અને એમાં વધારાના પાંચ વિષયો પણ ઉમેરવામાં આવ્યા. એનો ઉલ્લેખ ભાગવતમાં તેમ જ બ્રહ્મવૈવર્તપુરાણમાં છે. એક સિદ્ધાન્ત તરીકે એવું નક્કી કરવામાં આવ્યું કે આગળ બતાવેલાં પાંચ લક્ષણો ઉપપુરાણોના હોય છે અને આ વધારાનાં પાંચ લક્ષણો મળીને કુલ દસ લક્ષણો મહાપુરાણનાં હોય છે. જો કે આ બાબતોનું ઝીણવટભર્યું પૃથક્કરણ તો ટકી શકે તેમ નથી. આપણે તો અહીં એટલું જ સમજવાનું છે કે પુરાણોના કાર્યક્ષેત્રને વિસ્તૃત બનાવવા માટે એમાં વધારાનાં પાંચ લક્ષણો ઉમેરવામાં આવ્યાં હતાં.

મહાપુરાણના વિષયવસ્તુને સમાવતાં દસ લક્ષણો ભાગવતના (સ્કંધ ૧૨, ૭/૯-૧૦) કથન મુજબ આ પ્રમાણે છે:

(૧) સર્ગ: અવિકૃત પ્રકૃતિ- મૂલ પ્રકૃતિનું અહંકાર સ્વરૂપે પ્રારંભિક સર્જન અને વિકાસ અને ક્રમે ક્રમે પંચમહાભૂતો સુધીની સ્થૂળ સૃષ્ટિની કક્ષાઓનું સર્જન;

(૨) વિસર્ગ: બ્રહ્માની સર્જનપ્રક્રિયા દ્વારા પ્રકૃતિમાંથી વિકસિત કક્ષાઓના સંમિશ્રણથી સ્વરૂપ ધારણ કરતાં સચેતન અને અચેતન પ્રાણીઓની સૃષ્ટિ, જે પૂરાપૂર્વના કર્મસંસ્કારોના ફળરૂપે થાય છે તે, સર્ગ પછીનું સર્જન;

(૩) વૃત્તિ: આજીવિકાનાં સાધનો – જીવંત પ્રાણીઓ અચેતન કે સચેતન પર પણ પોતાની આજીવિકા ચલાવે છે, એની પદ્ધતિનું આ વર્ણન છે. એમાં માનવસ્વીકૃત પરસ્પરનું આકર્ષણ, સહેતુક પસંદગી અને તે માટેની શાસ્ત્રની આજ્ઞાઓનો સમાવેશ થાય છે. વળી, એમાં પ્રાણીઓનાં અવલંબનો અને રહેઠાણો રૂપ બનેલા, પાંચમા સ્કંધમાં વર્ણવેલા પૃથ્વીના ખંડો અને અન્ય સ્થળે વર્ણવેલા લોકો – સ્થાનો – નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

(૪) રક્ષા: પ્રાણીઓના જુદા જુદા પ્રકારો – આકારોમાં ભગવાનના થયેલા બધા અવતારોનું આમાં વિવરણ આવે છે. એમાં અનાધિકારીઓ ઉપ૨ પણ ભગવાનની અદ્વૈતુકી કૃપાની વર્ષાનું તેમ જ ભક્તોની મુક્તિ અને આધ્યાત્મિક્તાના સંસ્થાપન માટે ભગવાને કરેલી લીલાઓનું વર્ણન હોય છે. ભગવાનની આ અહૈતુકી કૃપાની ભેટને અન્ય સ્થળે ‘પોષણ’ એવું નામ આપવામાં આવ્યું છે. એનો અર્થ પુષ્ટિ-પોષકતા થાય છે;

(૫) મન્વન્તર: મનુઓના સમયનો યુગ – એમાં સર્વ પ્રાણીઓની સુખમય સ્થિતિનું તેમ જ મનુઓ, દેવો, મનુપુત્રો, ઇન્દ્ર અને વિશેષતઃ સિદ્ધિપ્રાપ્ત આત્માઓના જીવનને ઊર્ધ્વગામી બનાવતાં કાર્યોનું મિશ્રિતવર્ણન હોય છે;

(૬) વંશ: વંશવિસ્તાર કે વંશાવળી. આમાં બ્રહ્માન્ડથી ઊતરી આવેલ ઋષિમુનિઓ અને મહાન રાજા- મહારાજાઓની વર્ણનાત્મક યાદી આપેલી હોય છે-

(૭) વંશાનુચરિત: આમાં વિશ્વના કલ્યાણ માટે અને ઈશ્વરની ભક્તિ માટે યોગદાન આપનારા રાજાઓ અને તેમના વંશજોના વિશિષ્ટ શાસનનો ઇતિહાસ આપવામાં આવેલો હોય છે

(૮) પ્રલય: આનું બીજું નામ ‘સંસ્થા’ પણ છે. કાળ, કર્મ અને ગુણોના પ્રભાવથી આ અભિવ્યક્તિ પામેલ વિશ્વ પાછું પોતાની સૂક્ષ્મ-અવ્યક્ત દશામાં ચાલ્યું જાય તે. આવા ચાર પ્રકારના પ્રલયોનું ધ્યાન આમાં કરવામાં આવેલું હોય છે. આ ચાર પ્રકારોના પ્રલયો, તે પ્રાકૃત પ્રલય, નૈમિત્તિક પ્રલય, નિત્ય પ્રલય અને આત્યંતિક પ્રલયને નામે ઓળખાય છે. પ્રલયનો અર્થ ‘સ્થૂલ-સૂક્ષ્મ શરી૨નો વિલય’ એવો થાય છે. સમગ્ર અભિવ્યક્ત સૃષ્ટિનો વિલય ‘પ્રાકૃત પ્રલય’ને નામે, વિભાગીય વિલય ‘નૈમિત્તિક પ્રલય’ને નામે, સુષુપ્તિ અવસ્થા ‘દૈનિક પ્રલય’ને નામે અને મોક્ષ ‘આત્યંતિક પ્રલય’ને નામે ઓળખાય છે;

(૯) હેતુ: સમગ્ર સર્જન પ્રક્રિયાનું મૂળ કારણ અને એનું મહત્ત્વ આમાં ચર્ચ્યાં હોય છે. એમાં જીવ, અવિદ્યાનું કાર્ય અને એને પરિણામે થતાં કર્મો અને એષણાઓનું ધ્યાન હોય છે. બધી સર્જનાત્મક પ્રવૃત્તિ જીવોને પોતપોતાનાં કર્મોનાં ફળો આપવા માટે અને છેવટે તેમાંથી છૂટકારો મેળવવા માટે અને અજ્ઞાન અને પુનર્જન્મમાંથી મુક્તિ મેળવવા માટેની હોય છે. એથી જીવનું સ્વરૂપ, એની મુક્તિના માર્ગો, સૃષ્ટિનો હેતુ વગેરે જેવા વિષયો આ વિભાગમાં આવે છે. અને એની સાથો સાથ જીવોનાં કર્મસંબંધી વલણો (યુતિ) પણ વર્ણવવામાં આવે છે.

(૧૦) અપાશ્રય: અંતિમ અવલંબન. ઈશ્વરનું જ છે કારણકે ઈશ્વર જ અંતિમ તત્ત્વ છે એ જ બધાં સાપેક્ષ અવલમ્બનોનું પરમાવલંબન છે. એનામાં જ અને એની ઇચ્છાથી જ આ સાપેક્ષ વિશ્વની સઘળી ઘટનાઓ અને પ્રક્રિયાઓ થાય છે. ૫૨માત્માના મહિમાની પૂરેપૂરી સંકલ્પના માનવમાં જન્મે અને ભગવાનની ભક્તિ માનવમાં પ્રકટે એટલા માટે જ પૂર્વવર્ણિત આ બધા વિષયો પુરાણોમાં ચર્ચવામાં આવ્યા છે. ઇતિહાસ, ભૂગોળ, ખગોળશાસ્ત્ર, પ્રાકૃતિક વિજ્ઞાન, સમાજવિદ્યા, વગેરે જૂના જમાનાના જરૂરી ગણાતા બધા વિષયો બધાં પુરાણોમાં છૂટાછવાયા પથરાયેલા જોવા મળે છે. આ બધા વિષયોનું વિવરણ કરવાનો હેતુ કંઈ આજના ભણતરની પેઠે આપણને હકીકતના દાવા સાથેની માહિતીને પૂરી પાડવાનો નથી. પરન્તુ આપણામાં એવી ભાવના ઉત્પન્ન કરવાનો છે કે આ બધાં પ્રકૃતિનાં કાર્યો અને તેમાં જે માનવીય અને દૈવી યોગદાન છે, તે બધું જ પરમાત્માના મહિમાની ઉદ્ઘોષણા કરે છે. અને એ રીતે આપણામાં ૫૨માત્માની સર્વશક્તિમત્તા, સર્વજ્ઞતા અને ઉજ્જવળ પ્રેમ ઉત્પન્ન કરે છે.

બ્રહ્મવૈવર્તપુરાણ જરા મોડું રચાયું છે. એણે પુરાણલક્ષણોની યાદીનું પુનઃસંપાદન કર્યું છે. એ પ્રમાણે સૃષ્ટિ (પ્રારંભિક સર્જન), વિસૃષ્ટિ (પછીનું સર્જન), સ્થિતિ (વિશ્વની જાળવણી), પાલન (જીવોનું રક્ષણ અને સંવર્ધન), કર્મવાસના (કર્મનાં સંસ્કારજન્ય વલણો), મન્વંતર (મનુઓનું વર્ણન), પ્રલયવર્ણન (વિશ્વના સમગ્ર વલયનું વર્ણન), મોક્ષનિરૂપણ (મોક્ષ કે મુક્તિની પદ્ધતિ), હરિકીર્તન (પરમાત્માના ગુણાનુવાદ) અને દેવકીર્તન (દેવોના ગુણાનુવાદ) – આ રીતની યાદી બનાવાઈ છે.

આ બ્રહ્મવૈવર્તપુરાણ, પાછળથી રચાયેલાં પુરાણો પૈકીનું એક છે. ઈશુની આઠમીથી સોળમી સદી સુધીમાં એની રચના થઈ. અને એને પરિણામે બદલી ગયેલા એ જમાનામાં જે જૂનાપુરાણા ૠષિઓ અને રાજાઓની વંશાવળીનું મહત્ત્વ ઘસાઈ ગયું હતું તેને આમાં બાદ કરવામાં આવ્યું છે અને કેટલાંક નવાં પાસાંઓનો ઉમેરો ક૨વામાં આવ્યો છે.

રૂપાંતર: કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 270

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.