(૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. આ વાર્તાલાપનો એક અંશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે.)

પ્રશ્ન: સાધના ક૨વાની શી જરૂર છે?

ઉત્તર: ‘સાધના’ શબ્દનો અર્થ ‘અભ્યાસ’ થાય છે. જે અભ્યાસ આપણે કરીએ, તેની પાછળ કોઈક આદર્શ રહેલો હોય છે. કોઈ પોતાને ખૂબ સારી રીતે સંગીત પર કાબુ પ્રાપ્ત થાય એ માટે સંગીત સાધના – સંગીતનો અભ્યાસ – કરે છે. કોઈ વળી હસ્તકલાકારીગરીની સાધના કરે તો એમાં પણ એને ઘણું કૌશલ્ય મળે અને એ કામ એ સારી રીતે કરી શકે, એટલા માટે એ તે વિષયની સાધના કરે છે. સાધના એટલે આદર્શને પ્રાપ્ત કરવા માટે જે કોશિશ કરવામાં આવે તે જ છે. જો કે સાધનાના રૂઢ અર્થ અનુસાર તો તેનો એક ખાસ અર્થ છે. જેમ કે ભગવાનનાં ભજન, પૂજન વગેરે. એવી સાધના ભગવાનની પ્રાપ્તિ માટે હોય છે. ભગવાનની પ્રાપ્તિ એનું લક્ષ્ય છે. જો એ લક્ષ્ય વિસરી જવાય તો એ સાધના અવળે રસ્તે પણ લઈ જાય. એટલે સાધનાનો ઉદ્દેશ શો છે, એ યાદ રાખવાની જરૂર છે. ગમે તે ઉદ્દેશ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ-મનમાં હોય તો એ માટે સાધનાની તો જરુર પડે જ છે. કયો અને કેવો ઉદ્દેશ છે? મનમાં શો ઉદ્દેશ લઈને આપણે સાધના કરીએ છીએ? એની ઉપર સાધનાની મહત્તાનો આધાર છે. એટલે તમે જો સાધના ન કરો તેા તમારી શક્તિ વધે નહીં. તમે ગમે તે સાધના કરો; જેમ કે કોઈ શારીરિક તાકાત વધારવા માટે મહેનત કરે છે, વ્યાયામ કરે છે, એથી એની શારીરિક તાકાત વધે છે. એ જ રીતે દરેક ક્ષેત્રમાં હોય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આ સાધના ભગવાનને પ્રાપ્ત કરવા માટે હોય છે. ને કંઈ પ્રાપ્ત ક૨વાનું હોય તો સાધના કરવી જોઈએ. સાધના વિના એ લક્ષ્યની પ્રાપ્તિ કદી ન થાય. એટલે સાધના કરવાનો ઉદ્દેશ શો છે એ તરફ ખાસ લક્ષ્ય સ્થિ૨ ક૨વાની જરુર છે. શા માટે આપણે સાધના કરીએ છીએ? અને એ તરફ પ્રગતિ થાય છે કે કેમ? એ પણ વચ્ચે-વચ્ચે જોવાની જરુર છે. સાધના ભગવાન માટે કરો તો તમે ભગવાન જેવા શુદ્ધ-પવિત્ર બની શકો એ સાધનાનો અર્થ છે. સાધના સાધકને સાધ્યના રૂપમાં બદલાવી નાખે છે. ભગવાનની સાધના એટલે આપણી પોતાની અંદર જે ભગવત્ તત્ત્વ છે તે ભગવત્-સ્વરૂપની જ સાધના છે, એને ખીલવવાનો, એને પ્રકાશિત કરવાનો જ સાધનાનો ઉદ્દેશ છે. એ સિદ્ધ કરવા માટે સાધના વિના કોઈ ઉપાય નથી. એટલે “સાધના ક૨વાની જરૂર છે કે કેમ” એ પ્રશ્ન આવે જ નહીં. કારણ કે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દરેક રીતે સાધનાની જરૂર હોય જ છે. અને એ પ્રમાણે ભગવત્-સાધનામાં તન-મનને પરોવી દેવાની જરૂર છે. જેટલા પ્રમાણમાં પૂરેપૂરા અંતરથી સાધના કરશો તેટલા પ્રમાણમાં જલદીથી પ્રગતિ થશે. અને પ્રગતિ થાય છે કે કેમ, એની સાબિતી ત્યારે મળે છે કે જ્યારે સાધક ભજન કરે, સાધના કરે ત્યારે એને ભગવત્-સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એટલે માનવ ખુદ ભગવાન થઈ જાય છે. જો કે ભગવાન તો એ છે જ પરંતુ માયાનો મેલ આવીને એ ભગવત્તાને ઢાંકી રાખે છે; એટલે સાધના એ મેલને સાફ કરવા માટેનું સાધન છે.

જેમ કોઈ સોનાના ઘરેણામાં મેલ લાગ્યો હોય એ સોનું છે એમ પરખાય નહિ. પરંતુ જ્યારે એને સાફસૂફ કરવામાં આવે ત્યાર પછી જ ખરા સોના જેવો એનો ઉજ્જવળ પ્રકાશ થાય. એ રીતે માનવીની અંદર જે દેવત્વ છે; ભગવત્ સત્તા છે, એ સાધકની સાધનાના પ્રભાવમાં પ્રકાશિત થાય છે. એ જ રીતે સાધનાની જરૂર છે. જો સાધનામાં લક્ષ્ય પ્રાપ્ત કરવાનું જ હોય તો ત્યાં સાધના ક૨વાની જરૂર છે જ અને જે રીતનું લક્ષ્ય હોય, એ પ્રમાણે એની મહત્તા પણ હોય છે જ. ઈશ્વર આપણું સૌથી શ્રેષ્ઠ લક્ષ્ય છે, એ પ્રમાણે બીજાં સાધનો છોડીને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જે સાધન એ જ શ્રેષ્ઠ ગણાય, અને જો બીજા કોઈ લોકો એને મહત્ત્વ ન આપે તો કશો વાંધો નહીં, પરંતુ જે એવી સાધના કરે છે એને માટે તો આની ખાસ મહત્તા છે. અને જ્યાં સુધી એ સાધનાં ખરા અંતરથી ન થાય, ત્યાં સુધી એનાથી થતા લાભને સમજી શકાય નહીં. જે માણસો સાધનાનો ઉદ્દેશ ન સમજી શકે તેને માટે સાધના બિલકુલ નકામી છે. એમાં કશો ફાયદો નથી. પરંતુ જેને મનમાં લક્ષ્ય સ્થિર હોય છે તે તો સમગ્ર જીવન એમાં પરોવીને સાધના કરે છે, અને કરવી જોઈએ. જો એ ન કરે તો એને માટે લક્ષ્યપ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય નથી. એટલે એમાં ઉત્સાહ આવે કે ન આવે એનું કોઈ મહત્ત્વ નથી. પરંતુ આપણે સાધના કરીને લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય છે. અને એ લક્ષ્યને જો આપણે જીવનમાં એક માત્ર-અનન્ય – ધ્યેય તરીકે સમજીએ તો કોઈની વાત સાંભળ્યા વિના એ તરફ સમગ્ર જીવન પરોવી નાખવાનું. જીવનની રૂખ બદલી એમાં પ્રવેશ કરવાનું જરૂરી છે.

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.