૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ઉપરના ઓરડામાં પથારીમાં સૂતા છે. ભક્તો સાથે અતિપરિશ્રમપૂર્વક વાતો કરી રહ્યા છે. તેમાંના એક છે ગિરીશ ઘોષ – પ્રખ્યાત કવિ-નાટકકાર, જેઓ પોતે કહેતા કે તેઓ અતિ પતિત હતા, પણ શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી જ ભક્ત બન્યા હતા. ઘણા લોકો માને છે કે શિષ્યોનાં (વિશેષરૂપે ગિરીશ ઘોષના) પાપોનાં કર્મો પોતાના શરીર પર લેવાથી શ્રીરામકૃષ્ણદેવને આટલી પીડા સહન કરવી પડી હતી. શ્રીમા શારદાદેવી પણ કહેતાં કે ગિરીશ ઘોષનાં પાપો પોતાના પર લેવાથી શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું. આમ છતાં શ્રીરામકૃષ્ણદેવનો પ્રેમ બધા પ્રત્યે અબાધિત વહી રહ્યો છે, કદાચ પતિતો-દુ:ખીઓ પ્રત્યે વધુ જોશથી. આજે ગિરીશ ઘોષ માટે તેમના પ્રેમ-સાગરમાં મોટું મોજું આવી ગયું છે. ગિરીશ ઘોષ સાથે સ્નેહપૂર્વક વાતચીત કરે છે, તેથી સંતોષ નથી. અન્ય ભક્તોને તેમના માટે હુક્કો અને પાન લઈ આવવાનું કહ્યું. આથી પણ સંતોષ ન થયો. થોડીવાર પછી અન્ય ભક્તને કહ્યું, “કંઈક ખાવાનું લાવી દે.” કલકત્તામાં વરાહનગરમાં ફાગુની દુકાન પ્રખ્યાત હતી. ત્યાંથી ગરમાગરમ કચોરી, પૂરી અને બીજી મીઠાઈ આવી. શ્રીરામકૃષ્ણદેવે પોતે પોતાને હાથે ગિરીશના હાથમાં આપીને કહ્યું, “મજાની કચોરી!” ભક્તોએ તેમને જે માળાઓ પહેરાવી હતી તેમાંથી બે માળા કાઢી ગિરીશના ગળામાં નાખી દીધી અને તેને પ્રેમપૂર્વક ખાવાનું કહ્યું. હવે પીવાનું પાણી આપવાનું છે. શ્રીરામકૃષ્ણદેવની પથારીને અગ્નિખૂણે એક કુંજામાં પાણી છે. ગ્રીષ્મઋતુ. શ્રીરામકૃષ્ણદેવ બોલ્યા, “તે કહે છે કે એમાં મજાનું પાણી છે.” હવે ભક્તો આશ્ચર્યથી જોઈ રહ્યા છે. જેઓ અતિ દુર્બળ, જેમનામાં જરા ખસવાની પણ શક્તિ નથી, તેઓ બાળકની પેઠે પથારીમાંથી આગળ ખસતા જાય છે, પોતે પાણી લેવા સારુ. ભક્તોનો શ્વાસ અદ્ધર થઈ ગયો. શ્રીરામકૃષ્ણદેવે પ્યાલામાં પાણી રેડ્યું, પ્યાલામાંથી જરાક પાણી હાથમાં લઈને જોયું કે ઠંડું છે કે નહિ. તેમણે જોયું કે પાણી બહુ ઠંડું નથી. પણ આખરે એથી વધુ ઠંડું પાણી બીજું મળે એમ નથી એમ સમજીને અનિચ્છાએ એ પાણી આપ્યું.

શ્રીરામકૃષ્ણદેવના ભક્તો પ્રત્યેના પ્રેમને દર્શાવતા આવા તો અનેક પ્રસંગો છે. કાકાસાહેબ કાલેલકરે લખ્યું હતું કે ગુરુઘેલા શિષ્યોની વાતો આપણે ઘણી સાંભળી છે, પણ શિષ્યઘેલા ગુરુ તો શ્રીરામકૃષ્ણમાં જ જોવા મળે છે.

નવેમ્બર ૧૮૮૧. શ્રીરામકૃષ્ણદેવના ભક્ત શ્રી સુરેન્દ્રનાથ મિત્રે તેમને પોતાને ઘેર આમંત્રિત કર્યા છે. આનંદોત્સવ માટે અન્ય કોઈ ગાયક ન મળવાથી પાડોશી વકીલ શ્રી વિશ્વનાથ દત્તના એફ.વાય.માં અભ્યાસ કરતા ૧૮ વર્ષના પુત્ર નરેન્દ્રનાથને ભજન ગાવા માટે તેઓ બોલાવી લાવ્યા. નરેન્દ્રનાથનું ભજન સાંભળતાં જ શ્રીરામકૃષ્ણદેવ સમાધિમાં ચાલ્યા ગયા. નરેન્દ્રનાથને શ્રીરામકૃષ્ણદેવે દક્ષિણેશ્વર આવવાનું આમંત્રણ આપ્યું. થોડા દિવસો પછી નરેન્દ્રનાથ બે-ચાર મિત્રોને લઈને સુરેન્દ્રનાથ મિત્ર સાથે દક્ષિણેશ્વર જઈ આવ્યા. આ બીજી મુલાકાત વિશે શ્રીરામકૃષ્ણદેવે સચોટ વર્ણન કર્યું હતું.

“(ગંગા તરફના) આથમણા બારણેથી નરેન્દ્ર પહેલે દહાડે આ ઓરડામાં પેઠેલો. જોયું કે પોતાના શરી૨ ત૨ફ લક્ષ્ય નથી…ભોંય ૫૨ સાદડી પાથરેલી હતી, ત્યાં બેસવાનું કહ્યું…ગાવાની વાત પૂછી તો જાણ્યું કે ત્યારે ફક્ત બેચાર બંગાળી ગીતો જ એ શીખેલો. એ જ ગાવાનું કહ્યું તો એણે બ્રાહ્મસમાજનું “મન ચલ નિજ નિકેતને” ગીત ઉપાડ્યું અને સોળેસોળ આના મનપ્રાણ રેડીને જાણે ધ્યાનમગ્ન બનીને એ ગાવા માંડ્યું. સાંભળીને પછી વધુ વાર સંભાળી ન શક્યો ભાવાવિષ્ટ થઈ પડ્યો. વળી જ્યારે તે જતો રહ્યો ત્યારે તેને જોવાને માટે હૃદિયાનો માંહ્યલો ચોવીસે કલાક એવો તો તરફડી રહેલો કે કહેવાની વાત નહિ. કોઈ કોઈ વાર તો એવી યંત્રણા થતી કે એમ લાગતું કે જાણે કે પંચિયું નીચોવે એવી રીતે કોઈ હૃદયને જોરથી નીચોવી રહ્યું છે! ત્યારે જાતને વધુવાર સંભાળી શકતો નહિ. દોડતો’કને બગીચાની ઓતરાદી બાજુના ઝાઉતળાએ, જ્યાં મોટે ભાગે કોઈ ફરકે નહિ ત્યાં જઈને, ‘ઓ રે, તું આવને, તને જોયા વગર હવે નથી રહેવાતું રે’ એમ બોલીને પોક મૂકીને રડતો! થોડીક વાર એ પ્રમાણે રડી લઉં ત્યાર પછી જાતને સંભાળી શકતો! લાગલગાટ છ મહિના એવું ચાલેલું! બીજા બધા જે છોકરાઓ અહિંયા આવેલા છે એમાનાં કોઈ કોઈને માટે કદીક કદીક મન આકળવિકળ થઈ ઊઠતું, પણ નરેન્દ્રને માટે જેવું થયેલું એની સરખામણીમાં તો એ કંઈ જ નહિ એમ કહું તો ચાલે.”

દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણદેવ સાથેની પહેલી મુલાકાતનું વિસ્તૃત વર્ણન નરેન્દ્રનાથે (સ્વામી વિવેકાનંદે) પોતે કરેલ છે, તેમના જ શબ્દોમાં આ અદ્‌ભુત પ્રેમ-પ્રસંગનું અનુધ્યાન કરીએ- “ગીત તો ગાયું, એ પછી તરત જ ઠાકુર (શ્રીરામકૃષ્ણ) ઊભા થઈ ગયા અને મારો હાથ પકડીને મને એમના ઓરડાની ઉત્તરે જે ઓસરી છે, ત્યાં લઈ ગયા… વરંડામાં પેસતાંની સાથે જ ઠાકુરે ઓરડાનું બારણું બંધ કરી દેતાં મેં વિચાર્યું, કે લાગે છે મને એકાંતમાં કાંઈક ઉપદેશ દેશે પણ એમણે જે કહ્યું અને કર્યું તે તો તદ્દન જ કલ્પના બહારનું હતું. એકદમ જ મારો હાથ ઝાલીને દડદડ ધારે આનંદનાં આંસુ વહેડાવવા લાગ્યા અને જાણે કે કેટલાય દિવસથી ઓળખતા હોય એમ મને પરમ સ્નેહથી સંબોધીને કહેવા લાગ્યા, “આટલે દિવસે આવવાનું હોય! હું તારે માટે કેવી તો રાહ જોઈ રહ્યો છું તેનો એક વાર પણ વિચાર નહિ કરવાનો? વિષયી માણસોની નકામી વાતો સાંભળી સાંભળીને મારા કાન ભુંજાઈ જવા આવ્યા છે. દિલની વાત કોઈને ય ન કહી શકવાથી મારું પેટ ઢમઢોલ થઈ ગયું છે!” એવી એવી તો કેટલીયે વાતો કરતા જાય અને રડતા જાય. વળી બીજી જ ક્ષણે મારી સામે હાથ જોડીને ઊભા રહ્યા અને દેવતાની માફક મારી તરફ આદર દાખવીને કહેવા લાગ્યા, ‘જાણું છું હું પ્રભુ, તમે એ જ પુરાતન ઋષિ, નરરૂપી નારાયણ, જીવોની દુર્ગતિના નિવારણને કાજે ફરીવાર શરી૨ ધારણ કરેલું છે’ વગેરે! હું તો એમના એવા વર્તનથી તદ્દન અવાક જ થઈ ગયો! મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે આ હું કોને જોવા આવ્યો છું? આ તો નર્યો પાગલ, નહિ તો હું વિશ્વનાથ દત્તનો પુત્ર, તેને વળી આ બધું કહે? ગમે તેમ હું તો ચૂપ રહ્યો અને એ અદ્‌ભુત પાગલ જેમ મરજીમાં આવે બોલતા જ ગયા. પછી બીજી જ મિનિટે મને ત્યાં જ રહેવાનું કહીને પોતે ઓરડામાં ગયા અને માખણ, મિસરી અને મીઠાઈ લાવીને મને પોતાને હાથે ખવડાવવા લાગ્યા. હું તો કહેતો ને કહેતો જ રહ્યો કે, એ બધું ખાવાનું મને આપી દો, હું ભાઈબંધો સાથે વહેંચીને ખાઈશ’ પણ એમણે એ સમૂળગું સાંભળ્યું જ નહિ. બોલ્યા, ‘એ લોકો ખાશે હવે. તું ખા’ એમ કહીને બધું ખવડાવ્યું ત્યારે જંપ્યા. પછી હાથ ઝાલીને બોલ્યા, ‘કહે કે તું જલદી જલદી એક દિવસ અહિંયા મારી પાસે એકલો આવીશ.’ એમની આવી આગ્રહભરી વિનવણીને ઠેલી ના શકતાં નાઈલાજે ‘આવીશ’ એમ બોલ્યો અને એમની સંગાથે ઓરડામાં જઈને ભાઈબંધોની જોડે બેઠો.

“શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગના લેખક સ્વામી શારદાનંદજીએ આ અલૌકિક પ્રેમસંબંધ વિશે લખ્યું છે, “પહેલી મુલાકાતના દિવસથી જ શ્રીરામકૃષ્ણ નરેન્દ્રનાથને કેટલા તો સાવ પોતીકા જણ ગણવા મંડ્યા અને કેટલી તો તન્મયતાથી ચાહવા લાગ્યા હતા કે તેનો આભાસ આપવો પણ એક રીતે અશક્ય છે એમ અમને લાગે છે. સંસારી માણસ જે બધાં કારણોને લીધે બીજાને પોતીકાં ગણીને હૃદયનો પ્રેમ અર્પણ કરી દે છે, એમાંનું તો કશું પણ અહિંયા હતું નહિ. અને તો પણ નરેન્દ્રના વિરહથી અને મિલનથી ઠાકુરની જે જાતની વ્યાકુળતા અને ઉલ્લાસ જોયાં છે એમાંનો એક છાંટો પણ બીજે ક્યાંય જોવાનું અમને નસીબ થયું નથી. કશાય કારણ વગર એક જણ બીજા જણને એટલી હદે ચાહી શકે, એની ખબર અમને આના પહેલાં હતી નહિ. નરેન્દ્રનાથ પ્રત્યે શ્રીરામકૃષ્ણના પ્રેમને જોઈને જ સમજી શક્યા છીએ કે, વખત જતાં દુનિયામાં એવો દિવસ ઉગશે કે જ્યારે માણસ માણસની અંદર ઈશ્વરનો આવિષ્કાર અનુભવીને સાચેસાચ જ આવી રીતે અકારણ પ્રેમ વરસાવીને કૃતકૃત્ય બનશે.”

૧૮૮૩માં એક દિવસ શ્રી વૈકુંઠનાથ સાંન્યાલે દક્ષિણેશ્વર જઈને જોયું કે નરેન્દ્રનાથ ઘણાય દિવસોથી આવ્યા નથી તેથી શ્રીરામકૃષ્ણદેવ બહુ જ અધીરા બની ગયા છે. તેમણે આ પ્રેમ-અધીરતાનું વર્ણન કરતાં કહેલું, “તે દિવસે ઠાકુરનું મન જાણે કે નરેન્દ્રમય બની ગયેલું હતું. મોઢેથી નરેન્દ્રનાથનાં ગુણગાન સિવાય બીજી એકેય વાત નીકળે નહિ! મને સંબોધીને બોલ્યા, ‘જુઓ, નરેન્દ્ર શુદ્ધ સત્ત્વગુણી મેં જોયું છે કે તે અખંડના ઘરના ચાર જણામાંનો એક અને સપ્તર્ષિ માંહેનો એક જણ છે. એના કેટલા ગુણ તેનો છેડો મપાય નહિ!” એમ કહેતાં કહેતાંમાં તો ઠાકુર નરેન્દ્રનાથને જોવાને માટે એકદમ બેચેન બની ઊઠ્યા અને પુત્રના વિયોગથી માતા જેમ દુ:ખી દુ:ખી થઈ જાય તેવી રીતે દડદડ આંસુ પાડવા લાગ્યા. પછી કેમે કરીને પોતાની જાતને કાબૂમાં નથી લેવાતી એમ જોઈને તથા અમે એમના એવા વર્તનથી શું ધારીશું એમ વિચારીને ઓરડાની ઓતરાદી બાજુના વરંડામાં ઝડપભેર જતા રહ્યા અને, ‘ઓ માડી રે, એને દીઠા વગર હવે મારાથી નહિ રહેવાય રે,’ વગેરે રુંધાયેલા સ્વરે બોલતાં બોલતાં ધ્રૂસકે ધ્રૂસકે રડી રહેલા છે, એમ અમને સંભળાયું. થોડીવાર પછી જાત ઉપ૨ કાંઈક કાબૂ મેળવીને તેઓ ઓ૨ડામાં આવીને અમારી પાસે બેઠા અને દુઃખભર્યા ગળગળા સ્વરે કહેવા લાગ્યા કે, ‘આટલું બધું રડ્યો, તો યે નરેન્દ્ર તો આવ્યો નહિ; એને એકવાર જોવાને માટે પ્રાણોમાં ભારે પીડા થાય છે. છાતીની અંદરનો ભાગ જાણે કે અમળાઈ રહ્યો છે; પણ મારા દિલના આ ખેંચાણને એ સહેજે સમજતો નથી.’ એમ કહેતાં કહેતાં વળી પાછું દિલ ભરાઈ આવતાં તેઓ ઓરડાની બહાર જતા રહ્યા. વળી પાછા થોડીવારે અંદર આવીને કહેવા લાગ્યા, ‘(હું) ઘરડો માણસ, એને ખાતર આવો બેચેન બનું છું અને રડું છું એ જોઈને લોકો પણ શું કહેશે, કહો તો? તમે તો પોતાના માણસ છો, તમારી પાસે કશી શરમ નથી. પણ બીજા લોકો જુએ તો શું ધારે, જોઈએ? પણ કેમેય કરીને જાતને સંભાળી નથી શકતો!’ તે દિવસે શ્રી વૈકુંઠનાથ સાંન્યાલે શ્રીરામકૃષ્ણદેવને માંડ માંડ શાંત કર્યા.

નરેન્દ્રનાથના પિતાના મૃત્યુ પછી તેમની આર્થિક સ્થિતિ અત્યંત કરુણ થઈ ગઈ – ઘેર ખાવાના પણ સાંસાં પડવા લાગ્યા. આટલા પ્રતિભાવાન નરેન્દ્રનાથને નોકરીની શોધ માટે દ્વારે દ્વારે ભટકવું પડ્યું. શ્રીરામકૃષ્ણદેવે એક વાર એક ભક્તને કહ્યું, “નરેનની આવી સ્થિતિમાં જો કોઈ તેની સહાયે આવી ચડે તો સારું.” નરેન્દ્રનાથને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ નારાજ થયા અને શ્રીરામકૃષ્ણદેવને આ માટે ઠપકો આપ્યો. શ્રીરામકૃષ્ણદેવે આંખમાં આંસુ લાવી કહ્યું, “તારા માટે તો હું ઘે૨ ઘેર ભીખ માગવા તૈયાર છું.”

શ્રીરામકૃષ્ણદેવના સંબંધમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “તેઓ તો હતા ‘L. O. V. E. Personified’. (પ્રેમનું મૂર્ત સ્વરૂપ).”

શ્રીરામકૃષ્ણદેવનાં અનંત પ્રેમનું વર્ણન કરતાં ગિરીશચંદ્ર ઘોષે પોતાનાં સંસ્મરણોમાં લખ્યું હતું, “તમારી પોતાની મા પાસેથી તમને સ્નેહની જે હૂંફ મળી છે તેનું શું તમે વર્ણન કરી શકો? હું તો ન કરી શકું. હું એટલો જ ઉદ્નાર કાઢી શકું, ‘આહ! માનો પ્રેમ, માનો પ્રેમ’… આ સિવાય, મા બન્યા સિવાય શું કોઈ માનો પ્રેમ ખરેખર સમજી શકે? જો આ સમજણ શક્ય પણ હોય તો ય શ્રીરામકૃષ્ણદેવનો પ્રેમ આથી ક્યાંય ક્યાંય ચડિયાતો છે.”

સમસ્ત માનવજાત માટે… અરે ઈતર પ્રાણીઓ સુધ્ધાં પર તેમને પ્રેમ હતો. દક્ષિણેશ્વરમાં એક બિલાડીએ તેમના બિછાનામાં શરણ લીધું. જ્યાં સુધી તેને એક ભક્ત મહિલા લઈ ન ગયા ત્યાં સુધી તેઓ તેના વિશે ચિંતિત રહ્યા. ભક્ત મહિલાએ તેની સારી સંભાળ રાખવાનું વચન આપ્યું પછી જ તેમને નિરાંત વળી. કામારપુકુરમાં એકવાર તેઓ ચાલીને જતા હતા ત્યારે ક્યાંકથી એક માછલી આવીને તેમના પગ પાસે ફરવા લાગી. શ્રીરામકૃષ્ણદેવે તેને તરત જ તળાવમાં નાખી આવવાનું કહ્યું. અન્ય લોકો તો એને આરોગવાની ઇચ્છા ધરાવતા હતા, પણ શ્રીરામકૃષ્ણદેવના પ્રેમની સામે કોનું ચાલે? જ્યારે શ્રીરામકૃષ્ણદેવનું મન સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત રહેતું ત્યારે કોઈ પાસેના ઘાસ પરથી ચાલવાથી પણ તેમને છાતીમાં પીડા થતી પ્રેમની પરાકાષ્ઠામાં પુષ્પોમાં પણ જીવંત ઈશ્વર દેખાતો હોવાથી તેમના માટે પુષ્પો ચૂંટવાનું કાર્ય અશક્ય બની જતું.

જેવી વ્યાકુળતા શ્રીરામકૃષ્ણદેવને જગન્માતાનાં દર્શન વખતે થઈ હતી તેવી જ વ્યાકુળતા ભક્તોને મળવા માટે થઈ હતી. દરરોજ સાંજે આરતીના સમયે તેઓ દક્ષિણેશ્વરમાં બાબુઓની કોઠી (બંગલા)ની અગાશી પર ચડીને રડતાં રડતાં પોકારીને કહેતા, “ક્યાં છો ભક્તો, આવો, તમારા વગર હું રહી શક્તો નથી” આ પ્રેમનો પોકાર વિફળ ગયો નહિ. એક પછી એક અનેક ભક્તો આવ્યા – નરેન, રાખાલ, યોગીન, બાબુરામ, નિરંજન, તારક, શરત, શશી, કાલી, લાટુ, હરી, સારદાપ્રસન્ન, ગંગાધર, સુબોધ, હરિપ્રસન્ન અને બુઢ્ઢોગોપાલ. – મોટા ભાગના કૉલેજના વિદ્યાર્થીઓ આવ્યા અને પછી તેમના પ્રેમપાશમાં સદાય માટે બંધાઈને સંન્યાસ લઈ બન્યા – સ્વામી વિવેકાનંદ, બ્રહ્માનંદ, યોગાનંદ, પ્રેમાનંદ, નિરંજનાનંદ, શિવાનંદ, શારદાનંદ, રામકૃષ્ણાનંદ અભેદાનંદ, અદ્‌ભુતાનંદ, તુરીયાનંદ, ત્રિગુણાતીતાનંદ, અખંડાનંદ, સુબોધાનંદ, વિજ્ઞાનાનંદ અને અદ્વૈતાનંદ. કેટલાય ગૃહસ્થો ભક્તો આ સાદ સાંભળીને આવ્યા અને તેમના અદ્‌ભુત પ્રેમસ્પર્શથી કૃતાર્થ થયા – પૂર્ણચન્દ્ર ઘોષ, મથુરાનાથ વિશ્વાસ, શંભુચરણ મલ્લિક, નાગ મહાશય, બલરામ બસુ, માસ્ટર મહાશય (શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી ‘મ’) અધરલાલ સેન, ગિરીશચંદ્ર ઘોષ, સુરેન્દ્રનાથ મિત્ર, રામચંદ્ર દત્ત, અક્ષયકુમાર સેન, નવગોપાલ ઘોષ, હરમોહન મિત્ર, મણીન્દ્રકૃષ્ણ ગુપ્ત, ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાય, ચુનીલાલ બસુ વગેરે. અનેક સ્ત્રી ભક્તો પર પણ તેમના પ્રેમનું વર્ષણ થયું – ગોપાલની મા, યોગીન મા, ગોલાપ મા, ગૌરી મા વગેરે.

આજે પણ શ્રીરામકૃષ્ણદેવના આ સાદ – પ્રેમનું આ આવાહન ચાલુ છે. એટલે જ તો અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાંસ, જર્મની, હૉલેન્ડ, સ્વિત્ઝરલેંડ, કૅનેડા, સિંગાપુર, ફિજી, મોરિશયસ, ઑસ્ટ્રેલિયા, જાપાન, રશિયા વગેરે અનેક દેશોથી હજારો હજારો માનવીઓ શ્રીરામકૃષ્ણદેવના પ્રેમથી અભિભૂત થઈ રહ્યા છે. તેમના પ્રત્યે અદ્‌ભુત આકર્ષણ અનુભવી રહ્યા છે. દરરોજ સંધ્યા આરતી સમયે હજારો કંઠો સ્વામી વિવેકાનંદ રચિત શ્રીરામકૃષ્ણ સ્તોત્રની આ પંકિતમાં સૂર પુરાવીને આ પંક્તિના અર્થને પુરવાર કરી રહ્યા છે.

ભાસ્વર ભાવ સાગર ચિર ઉન્મદ પ્રેમ-પાથાર

તો ચાલો, શ્રીરામકૃષ્ણરૂપી આ પ્રેમ-પાથાર પ્રેમ-સાગર પાસે, એકાદ લહેરનો સ્પર્શ આપણને પણ મળી જાય! અરે, સ્પર્શની પણ જરૂર નથી, પણ તેની નજીક જતાં તે પ્રેમસાગરને સ્પર્શેલી હવાનો સ્પર્શ પણ આપણા જીવનને અમૃતમય કરી દેશે, આપણને ધન્ય કરી દેશે!

Total Views: 288

One Comment

  1. Deviben vyas January 23, 2023 at 1:24 pm - Reply

    Jythakur jyma jyswamiji Maharaj tamaro sada jy Thao thakurbhagvan tmaro prem alokik chhe bhaktvatsal bhagvan chho daya.na sagar chho sau pr daya drashti rakhjo pranam Maharaj khubj srs lekh

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.