(માર્ચના અંકથી આગળ)

સ્વામીજીનાં અન્ય પ્રવચનો: વૈજ્ઞાનિક વિભાગમાં:

એ વિશ્વધર્મ પરિષદ પૂરા સત્તર દહાડા ચાલેલી, એ પરિષદનો આરંભ થયા પછીને પાંચમે દહાડે, એ પરિષદના એક અગત્યના ભાગરૂપે, એ પરિષદનો ‘વૈજ્ઞાનિક વિભાગ’ (સાયન્ટિફિક સેક્શન) શરૂ થયો હતો. એ વિભાગના કાર્યનો હેતુ બધા ધર્મોની ભૂમિકાઓ તપાસવાનો અને, એ વિભાગના આદર્શવાદી, ઉદાર માન્યતાઓ ધરાવતા અધ્યક્ષ માનનીય માર્વિન-મારી સ્નેલના કહ્યા મુજબ, એમ કરીને, “ધર્મને લગતા તાત્ત્વિક મતભેદો તદ્દન ગાળી નાખવાનો અને ધર્મોને લગતા સિદ્ધાંતો અને હકીકતોને જરાય આઘાપાછા ન કરી શકાય તેવી પીઠિકા પર મૂકવાનો” હતો. સ્વામીજીએ એ પરિષદના ખુલ્લા અધિવેશનમાં કુલ કેટલાં પ્રવચનો આપ્યાં તેનો નિર્વિવાદ ચોક્કસ આંકડો પ્રાપ્ય નથી કારણ કે, કાર્યક્રમની બધી વિગતો નક્કી થઈ ગયા પછી, છેક છેલ્લી ઘડીએ, સ્વામીજીનું નામ નોંધવામાં આવ્યું હતું. અને આ ‘વૈજ્ઞાનિક વિભાગ’ સમક્ષ સ્વામીજીએ આપેલાં પ્રવચનોના કેવળ શીર્ષકો જ નોંધાયાં છે. એ વિભાગમાંનાં એ પ્રવચનોના વિષયો નીચે મુજબ હતા:

તારીખ                 વિષય

૨૨-૯-૧૮૯૩           પરંપરાગત હિંદુધર્મ અને વેદાંત દર્શન

૨૨-૯-૧૮૯૩           ભારતના પ્રવર્તમાન ધર્મો

૨૩-૯-૧૮૯૩           જાપાની બોદ્ધ ધર્મની રિન્ઝાઈ ઝેન શાખા

૨૫-૯-૧૮૯૩           હિંદુ ધર્મનું મૂળ તત્ત્વ

આપણું મોટું દુર્ભાગ્ય છે કે અહીં જણાવેલા વિષયો પરત્વે સ્વામીજીએ પોતાનાં પ્રવચનોમાં જે કંઈ કહ્યું તેની કશી જ નોંધ ઉપલબ્ધ નથી. અગાઉ જણાવ્યા પ્રમાણે, સ્વામીજી તો એ પરિષદમાં કશી જ તૈયારી વિના ગયા હતા એટલે, પોતાની પાસે ચબરખી સરખીયે તેઓ રાખતા ન હતા. પરિષદના ખુલ્લા અધિવેશનમાં અપાયેલાં પ્રવચનો સામાન્ય જનને ખ્યાલમાં રાખી અપાયાં હતાં, પણ એથી કંઈ એની અગત્ય ઓછી નથી, ત્યારે, આ વૈજ્ઞાનિક વિભાગમાં, એ વિભાગનું નામ સૂચવે છે અને એ વિભાગના અધ્યક્ષ માનનીય સ્નેલે જણાવ્યું છે તે પ્રમાણે, પ્રત્યેક વક્તાએ પોતાના વિષયનું ખેડાણ ઊંડાણથી, સાધાર, વ્યાપ સાથે અને તુલનાત્મક દૃષ્ટિએ કરવું સ્વાભાવિક હતું. અને આવું કરવાનું સ્વામીજીનું ગજું હતું. નાનકડી નોંધ સરખીયે પોતાની પાસે રાખ્યા વિના, પોતે નિર્ધારેલા કોઈ પણ વિષય ઉપર સદૃષ્ટાન્ત અને સાધાર બોલવાની સ્વામીજીની શક્તિ નિર્વિવાદ હતી. પોતાની તીવ્ર સ્મરણશક્તિ પણ સ્વામીજીનાં વ્યાખ્યાનોને સામર્થ્ય બક્ષતી. સ્વામીજીની એ અદ્‌ભુત શક્તિને કારણે અને વિશ્વધર્મપરિષદને દફતરે એ વ્યાખ્યાનોની વિગતવાર તો ઠીક, અછડતીયે નોંધને અભાવે સ્વામીજીનાં એ મૂલ્યવાન પ્રવચનોથી જગત વંચિત રહ્યું છે.

ખુલ્લા અધિવેશનમાંનાં પ્રવચનો

‘સ્વામી વિવેકાનંદનાં ભાષણો અને લેખો’: પૃ. ૩ (૧૯૬૨)માં જણાવ્યા પ્રમાણે, જેનો વિગતવાર ઉલ્લેખ આગળ ઉપર આવી ગયો છે તે, સ્વાગતના પ્રત્યુત્તર ઉપરાંત સ્વામીજીએ એ વિશ્વધર્મપરિષદના ખુલ્લા અધિવેશનમાં નીચે પ્રમાણે વ્યાખ્યાનો આપ્યાં હતાં:

ક્રમ     તારીખ          વિષય

૧.      ૧૫-૯-૯૩      ભેદભાવ શા માટે?

૨.      ૧૯-૯-૯૩      હિંદુ ધર્મ વિશે નિબંધ

૩.      ૨૦-૯-૯૩      ધર્મ એ હિંદની તાત્કાલિક આવશ્યકતા નથી.

૪.      ૨૬-૯-૯૩      બૌદ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ

૫.      ૨૭-૯-૯૩      છેલ્લી બેઠકમાં આપેલું પ્રવચન

આપણે આ પ્રવચનોમાં ચંચુપાત કરીએ તે પહેલાં બે બાબતો નોંધવી જરૂરી છે. પરિષદને દફ્તરે નોંધાયેલાં આ અધિકૃત પ્રવચનો ઉપરાંત, પરિષદના ખુલ્લા મંચ પરથી – અને કદાચ ‘વૈજ્ઞાનિક વિભાગ’માંયે – સ્વામીજી કેટલીકવાર વચ્ચે બોલ્યા હશે અને, કોઈ મુદ્દાનું તેમણે સ્પષ્ટીકરણ કર્યું હશે. કોઈનું અનુમોદન કર્યું હશે કે કોઈનું નિરસન કર્યું હશે. બીજી બાબત એ છે કે, ૧૮૯૩ના સપ્ટેમ્બરના એ દિવસ દરમિયાન, એ પરિષદની બહાર, પરિષદના પ્રતિનિધિઓને અપાયેલા ઔપચારિક કે અનૌપચારિક સ્વાગત સમારંભમાં, કે કોઈ બીજી રીતે, સ્વામીજીએ નીચે મુજબ ચાર વાર્તાલાપો આપ્યાની માહિતી સાંપડી છે:

બીજા વાર્તાલાપો:

ક્રમ     તારીખ          સ્થળ વિષય

૧.      ૧૪-૯-૯૩      પરિ.માં મહિલા ભવનમાં શ્રીમતિ પામરે યોજેલા સ્વાગત સમારંભમાં ભારતમાં સ્ત્રીઓની સ્થિતિ

૨.      ૨૨-૯-૯૩      આર્ટ ઈન્સ્ટિટ્યુટના ૭મા ખંડમાં એ જ વિષય

૩.      ૨૪-૯-૯૩      યુનિટેરિયન ચર્ચ પ્રભુનો પ્રેમ

૪.      ૨૪-૯-૯૩      વિશ્વ ધર્મ એકતા પરિષદ માનવી બંધુતા (?)

પરિષદના ખુલ્લા મંચ પરનાં પ્રવચનોનો સાર

પ્રથમ પ્રવચન:

વિશ્વધર્મપરિષદના એ ખુલ્લા મંચ પરથી પ્રવચન કરતાં કોઈ વક્તાએ કહ્યું હતું: “એકબીજાને ગાળો દેતાં આપણે અટકવું જોઈએ.” આ મુદ્દો પકડી લઈ સ્વામીજીએ જે પ્રવચન આપ્યું હતું તેનો પૂરો પાઠ તો આપણને મળતો નથી. પણ પોતાના એ પ્રવચનમાં સ્વામીજીએ ‘કૂવામાંના દેડકા’ની વાર્તા કહી. પોતાના ધર્મની સંકુચિત મર્યાદાની બહાર નજર પણ નહીં નાખનાર સર્વને કૂપ મંડુકો કહ્યા હતા અને, એ સાંકડી મનોદશાને ત્યાગ કરવાનો તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

બીજું પ્રવચન:

તારીખ ૧૯-૯-૯૩ને દિવસે સ્વામીજીએ તૈયાર કરેલો ‘હિંદુ ધર્મ વિશે નિબંધ’ વાંચ્યો હતો. પોતાના એ નિબંધમાં સરળ પણ સચોટ ભાષામાં, હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વો એ પરિષદના ખુલ્લા મંચ પરથી સ્વામીજીએ રજૂ કર્યાં હતાં. પ્રવચનના આરંભના ભાગમાં હિંદુ ધર્મની અનેકવિધતાનો ઉલ્લેખ કરી સ્વામીજીએ કહ્યું હતું કે, વેદાન્તનાં ઉચ્ચ આધ્યાત્મિક ઉડ્ડયનો, નીચલામાં નીચલી કક્ષાની મૂર્તિ પૂજા, પૌરાણિક કથાનકો, બૌદ્ધોનો નિરીશ્વરવાદ અને જૈનોનો નાસ્તિકવાદ: આ સર્વને હિંદુ ધર્મમાં સ્થાન છે. પરસ્પર વિરોધી લાગે અને મેળ ન દેખાતી લાગતી આ બધી માન્યતાઓ કઈ ભૂમિકાએ મળે છે તે સમજાવતાં, વૈદિક, ઋષિઓના, સૃષ્ટિ અનાદિ અને અનંત છે તે દર્શનનો ઉલ્લેખ કરી તેને વિશદતાથી સમજાવ્યું હતું. ‘હું એટલે આ નાશવંત દેહ નહીં પણ અમર્ત્ય આત્મા’ એ સત્ય તેમણે સ્પષ્ટ કર્યું. પુનર્જન્મ અને કર્મનો સિદ્ધાંત સમજાવ્યા પછી, તેમણે અમર્ત્ય આત્મા ભૌતિક, મર્ત્ય દેહમાં શા માટે બંધાય છે તે વિશે કહેતાં, સ્વામીજીએ, ‘હું જાણતો નથી’ એ હિંદુ દાર્શનિકોનો એકરાર રજૂ કર્યો હતો અને, મૃત્યુ દેહાંતર માત્ર છે તેમ સમજાવ્યું હતું. કોઈને શંકા ઊઠે કે, ‘માનવી દેવ પાસે નિરાધાર છે,’ તેના નિરસનમાં, તેમણે પોતાને પ્રિય શ્વેતાશ્વતર ઉપનિષદના શબ્દો ‘અમૃતસ્ય પુત્રા:’ નો ઉલ્લેખ કરી, મનુષ્યને ‘શાશ્વત સુખનો વારસદાર’ અને ‘દિવ્ય ધામનો નિવાસી’ કહ્યો હતો. તેમણે પોકાર કર્યો હતો: “હિંદુઓ તમને પાપી તરીકે ગણવાનો ઈન્કાર કરે છે. તમે સહુ પરમાત્માનાં સંતાનો છો, અમૃતનાં સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો અને પૂર્ણ છો. આ પૃથ્વી પરના ઓ દિવ્ય આત્માઓ! તમને પાપી કેમ કહી શકાય? માનવને પાપી કહેવો એ પાપ છે-માનવી સ્વભાવ ઉપર એ કાયમી આક્ષેપ છે. ઓ સિંહો! તમે ઘેટાંઓ છો એ ભ્રમ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્માઓ છો. તમારી ઉપર આશિષ ઊતરેલા છે. તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી; ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે. ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.” પછી સ્વામીજીએ પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે તે વાત કહી અને આત્મા, દરેક આત્મા, ઈશ્વરી અંશ છે તે સત્ય રજૂ કર્યું: “અપૂર્ણતાના બંધનમાંથી છૂટવું એટલે મુક્તિ” એમ મુક્તિ કે મોક્ષનો અર્થ સમજાવી તેમણે અગત્યની એ વાત કહી કે હિંદુ ધર્મ એટલે ‘અમુક સિદ્ધાંતો કે વાદોને માનવાની ખેંચાખેંચી’ નથી પણ, ‘હિંદુ ધર્મ એટલે સાક્ષાત્કાર.’ ત્યાર બાદ, વિવિધ દેવદેવીઓની મૂર્તિઓની પૂજા દ્વારા એક જ ઈશ્વરની ઉપાસના થાય છે તે વાત તેમણે સ્પષ્ટતાથી સમજાવી. ચડઊતર ભૂમિકાઓ એટલે ‘ભિન્નતામાં એકતા’, એમ તેમણે ભારપૂર્વક રજૂ કર્યું, પૂર્ણનો સાક્ષાત્કાર, પૂર્ણનો વિચાર કે પૂર્ણનું વર્ણન માત્ર સાપેક્ષ દ્વારા જ થઈ શકે; અને પ્રતિમાઓ ક્રોસ કે ચાંદ એ સર્વ કેવળ પ્રતીકો છે આધ્યાત્મિક વિચારો ટાંગવાની જુદી જુદી ખીંટીઓ માત્ર છે એમ સ્વામીજીએ કહ્યું. દરેકને માટે આવા પ્રતીકની સહાય આવશ્યક જ છે એવું નથી. પણ, જેમને આવાં પ્રતીકોની જરૂર નથી તેમણે, ‘આ પ્રતીકો રાખવાં એ ખોટું છે’ એમ નહીં કહેવું જોઈએ. વળી, સ્વામીજીએ સ્પષ્ટ કર્યું કે, હિંદુ ધર્મમાં આ પ્રતીકો રાખવાં કે હોવાં એ ફરજિયાત નથી. હિંદુ ધર્મ માને છે કે “વિવિધ ધર્મો એક જ લક્ષ્યને પહોંચવા માટે મથતાં વિવિધ કક્ષાવાળાં સ્ત્રીપુરુષોને આગળ વધવાના માર્ગો માત્ર છે,” અને જે વિરોધો દેખાય છે તે આભાસમાત્ર છે, એમ સમજાવવા માટે તેમણે ગીતાના ‘સૂત્રે મણિગણા ઈવ’ અને ‘યદ્ યદ્ વિભૂતિમત્…’ એ બે શ્લોકોના ભાવાર્થ કહ્યા. અંતમાં સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું કે, ‘જગતનો કોઈ પણ એક ધર્મ વિશ્વધર્મ બની શકશે નહીં પણ, એ સર્વધર્મોનો સરવાળો હશે, એ અનંત અવકાશ વાળો હશે અને તેમ છતાં, વિકાસ માટે અનંત અવકાશવાળો એ હશે.’ આ પરિષદ યોજવા માટે અમેરિકાને ધન્યવાદ આપી અમેરિકાની ભૂમિને બિરદાવી સ્વામીજીએ પોતાનું પ્રવચન પૂરું કર્યું હતું. પોતાના આ પ્રવચનમાં સ્વામીજીએ વેદાંતનાં તારતમ્યો અને અર્વાચીન વિજ્ઞાને તારવેલા સિદ્ધાંતો વચ્ચેનું સામ્ય સ્વામીજીએ વારંવાર નોંધ્યું હતું અને તેમ કરીને તેમણે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે વિરોધ નથી એમ દર્શાવી એ બંને વચ્ચે સેતુ બાંધ્યો હતો જેનો લાભ અનેક વૈજ્ઞાનિકોએ પછીથી લીધો છે.

ત્રીજું પ્રવચન:

તારીખ ૨૦મી સપ્ટેંબરે, ‘ધર્મ એ હિંદની તાત્કાલિક આવશ્યકતા નથી;’ એ વિષય પર સ્વામીજીએ વ્યાખ્યાન આપ્યું હતું. એ અગત્યના વ્યાખ્યાનની જે નોંધ મળે છે તે ખૂબ નાની છે. પરંતુ, સ્વામીજીનું એ પ્રવચન એટલું ટૂંકું નહીં હોય એમ માનવા માટે કારણ એ છે કે, પરિષદને ત્રીજે દહાડે એટલે કે, તેરમી તારીખે, ઈગ્લેંડના પાટનગર લંડનની લંડન મિશનરી સોસાયટીના એક પાદરી, રેવરંડ ટૉમસ ઍબ્નૅઝર સ્લૅય્ટર લિખિત – એ પાદરી મહાશય ત્યાં જાતે નહીં હાજર રહ્યા હોઈ – નિબંધ – ‘સ્થાનિક લોકોના ખ્યાલોને છૂટછાટ આપીને, ખાસ કરીને હિંદુ ધર્મને અનુલક્ષીને’ – નું વાચન કરવામાં આવ્યું છે. હતું. તેમાં તેમણે વેદોને ઉતારી પાડી જણાવ્યું હતું કે ‘કેવળ બાઈબલ જ દિવ્ય વચનનો ગ્રંથ છે: અને ચોથે દહાડે બૉસ્ટનના એક મિશનરી રેવરંડ જૉસૅફ કુકે ‘તુલનાત્મક ધર્મની વ્યૂહાત્મક ખાતરીઓ’ વિશે ભાષણ કર્યું હતું તેને, ત્યાંના એક સ્થાનિક અઠવાડિકના તંત્રીએ ‘ઝનૂનના અને દુર્વર્તનના પ્રથમ આવિષ્કાર’ તરીકે ઓળખાવ્યું હતું. શ્રીમતી મૅરી બર્ક જેવાં મૃદુભાષિણી સન્નારીને પણ તે ‘ઉઘાડા ઝનૂન’ જેવું લાગ્યું છે. નવાઈની વાત તો એ છે કે આ કુક મહાશય કલકત્તે આવી ગયેલા અને શ્રી કેશવચંદ્ર સેનના સહવાસમાં આવી, સર્વધર્મસમભાવ અને સર્વધર્મસમન્વયના જીવંત પ્રતીક શ્રીરામકૃષ્ણ પરમહંસની દિવ્ય સમાધિ અવસ્થા પણ જોઈ ગયેલા. એમના પ્રવચન વિશેના ઉલ્લેખો જોતાં લાગે છે કે, આ બધા અનુભવો છતાં, શ્રીરામકૃષ્ણના પ્રસિદ્ધ દૃષ્ટાંતમાંની તીર્થો ફરી આવેલી પણ હતી તેવી જ રહેલી સાધુની તુંબડી જેવા કોરા તેઓ રહ્યા હતા. એમના પ્રવચનનો સાર એ હતો કે, આત્માની શાંતિ માટે, ધર્મની સાથે અને પ્રભુની સાથે સંવાદિતા સાધવા માટે અને પાપને લક્ષમાં લેતાં, ખ્રિસ્તી ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ નથી. અંગ્રેજ કવિ અને નાટ્યકાર શેક્સપિયરના પ્રખ્યાત નાટક ‘મૅકબેથ’ની ખૂની માનસવાળી નાયિકા લેડી મૅકબેથના શબ્દોમાં ફેરફાર કરી તેમણે પ્રશ્ન કર્યો કે, ‘જગતનો બીજો ક્યો ધર્મ લેડી મૅકબેથનો જમણો હાથ ધોઈ શકશે?’ મોટા ભાગના પાદરીઓ જેને ‘ધર્મ’ માનતા હતા તેને આમ વ્યક્ત કરી, અંતમાં, કુકસાહેબે પોતાની કબર પરના લેખ તરીકે લખાવવાની ઇચ્છાવાળું એક જોડકણું કહ્યું જેમાં પણ (માનવી) પાપમાં જન્મી, પાપમાં જીવી અંતે પાપમાં જતો હોવાનું એમણે જણાવ્યું હતું. ‘સ્વામી વિવેકાનંદનાં ભાષણો અને લેખો’ના ગ્રંથમાં સ્વામીજીના આ પ્રવચનના કેટલાક અંશો છપાયા છે. શ્રીમતી મૅરી બર્કે ખંતપૂર્વક સંશોધન કરી, આયોવા રાજ્યના દુબુક (Dubuque) ગામના વર્તમાનપત્ર ‘દુબુક ટાઈમ્સ’ના ૨૯-૯-૧૮૯૩ના અંકમાં પ્રસિદ્ધ થયેલા સ્વામીજીના એ પ્રવચનના વિસ્તૃત અહેવાલ વડે સારી પૂર્તિ કરી છે. એ વર્તમાનપત્રમાં સ્વામીજીના પોતાના તલવારની ધાર જેવા તીક્ષ્ણ શબ્દો સીધા જ ટાંકવામાં આવ્યા છે. “આ ધરતી પરનાં દિવ્ય તત્ત્વો! તમે શું પાપી છો?” “માણસને પાપી કહેવો એ પાતક છે, માનવપ્રકૃતિની એ સતત નિંદા છે.” તમે ‘પાપી પાપી’ ના રટણથી ત્રાસી ગયેલી જનમેદની સ્વામીજીના આ ઉદ્‌બોધનથી થનગની ઊઠી. સભાજનોના પ્રતિભાવને ‘ઓપન કૉર્ટ’ના તા. ૧૨-૧૦-૧૮૯૩ના અંકમાં પ્રગટ થયેલા લોકગીતની શૈલીના એક કાવ્યમાં વેધક રીતે દર્શાવવામાં આવ્યો છે.

“અને એણે કહ્યું કે આપણે પાપી નથી એટલે, મને શાંતિ થઈ, અને ધર્મપરિષદ તાળીઓના ગગડાટથી ગાજી ઊઠી.”

આ કાવ્યની ભાષા પણ ભદ્રલોકની ભાષા નથી પણ, લોકબોલીની ભાષા છે. શ્રીમતી બર્કે પોતાના અપ્રતિમ ગ્રંથમાં એ કોલંબિયન મેળાનો પોતાને એક અહેતુક મુલાકાતી ગણાવનાર વિલિયમ અર્નેસ્ટ હૉકિંગે લખેલા ‘રિકલેકશન્સ ઑફ સ્વામી વિવેકાનંદ’ – સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો – લેખનો ઉલ્લેખ કરી એમાંથી અવતરણ ટાંક્યું છે: “સ્વામીજી આ ‘પાપ’ વિશે બોલી રહ્યા હતા ત્યારે, હું ત્યાં જઈ ચડ્યો હતો…એમના શબ્દોએ લોકોને એવો ઘા માર્યો હતો કે સૌ મૂંગા મંતર બની ગયા હતા…મને લાગ્યું કે આ માણસ જે જાણતો હતો તે જ બોલતો હતો, એને પઢાવવામાં આવ્યું હતું તે નહીં…” ખ્રિસ્તી રાષ્ટ્રોએ જે સીતમ પૂર્વની પ્રજાઓ ઉપર ગુજાર્યા છે, એ ભોળી પ્રજાઓની જે ઉધાડી લૂંટ કરી તેમને આ સુધરેલા કહેવાતાં ગોરાં ખ્રિસ્તી રાષ્ટ્રો જે દારુણ દરિદ્રતામાં ધકેલી રહ્યાં છે અને એ શોષિત પ્રજાઓનાં ગળાં રહેંસીને ખ્રિસ્તી ધર્મ સમૃદ્ધ બન્યો છે… વગેરે ચાબખા સ્વામીજીએ માર્યા. ખ્રિસ્તી પાદરીઓ જે રીતે ધર્મપ્રચાર કરતા હતા એની વિરુદ્ધમાં, સ્વામીજીની સાથે ચીન અને જાપાનના ધર્મોના પ્રતિનિધિઓએ પણ પોતાના સૂર પૂરાવ્યા હતા.

ખ્રિસ્તી પાદરીઓના એક વર્ગનો પ્રતિભાવ

ખ્રિસ્તી ધર્મની શ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરવાનો જેમનો હેતુ બહુ ગુપ્ત ન હતો તેવા, કુક જેવા પાદરીવર્ગને, એ ધર્મ પરિષદમાં વંચાયેલા શ્રી મણિલાલ ન. દ્વિવેદીના નિબંધમાંના અને જરથોસ્તી ધર્મના પ્રતિનિધિ જમશેદજી જીવણજી મોદીના વિચારો અને મહાબોધિ સોસાયટીના પ્રતિનિધિ ધર્મપાલનાં વક્તવ્યોએ ઉશ્કેર્યા તો હતા જ. પરિષદના ખુલ્લા મંચ પરથી ઉચ્ચારાયેલી સ્વામીજીની આ આગ ઝરતી વાણીએ એમણે પોતાનું પોત પ્રકાશવાની તક પૂરી પાડી. કુક અને એના જેવા બીજા ધર્માંધ પાદરીઓએ વિવેકાનંદ સામે મોટી ઝૂંબેશ ઉપાડી. વિવેકાનંદની દલીલોનું ખંડન કરવા પાદરીઓના આ વર્ગે જોરદાર કોશિશ કરી. વિવેકાનંદે અને બીજા પૌરસત્ય પ્રતિનિધિઓએ જે સીલસીલાબંધ હકીકતો રજૂ કરી મિશનરીઓને ઉઘાડા પાડ્યા હતા તેનો પ્રતિકાર કરવા એ પાદરીઓ પાસે સબળ દલીલો તો ન હતી એટલે તેમનાં ભાથાંમાંથી તેમણે ગાળોનાં અને ચારિત્ર્યખંડનનાં તીર કાઢ્યાં. સ્વામીજીની પ્રતિભા ખરડવા તેમણે બધા પ્રયાસો કર્યા. પરંતુ, વિવેકાનંદ એથી અકળાયા નહીં. એમની પાસે દલીલોના જવાબ હતા અને ગાળોના જવાબ દેવામાં તેઓ માનતા ન હતા. સૂર્ય સામે ઉડાડેલી ધૂળ સૂર્ય સુધી પહોંચે નહીં. સ્વામીજી સામેના આ દુષ્ટ પ્રચારના છાંટા અહીં દેશમાં પણ ઊડવા પામ્યા હતા.

ચોથું પ્રવચન:

તારીખ ૨૬-૯-૧૮૯૩ને દિવસે બપોર પછી, ચીન અને જાપાનના પ્રતિનિધિઓએ તથા, મહાબોધિ સોસાયટીના પ્રતિનિધિ ધર્મપાલે બૌદ્ધ ધર્મ વિશેના પોતાના નિબંધો વાંચ્યા હતા. લંડનના ઉદારમતવાદી સજ્જન આલ્ફ્રેડ પૉમૅરી અધ્યક્ષપદે હતા. ચીનજાપાનના પ્રતિનિધિઓના નિબંધોનું વાચન દુભાષિયાઓએ કર્યું હતું ને એ વાચન ઠીક ઠીક શુષ્ક ગયું હતું. ધર્મપાલે સ્વામીજીને પ્રસંગને અનુરૂપ કંઈ કહેવા નિમંત્ર્યા. એ નિમંત્રણ આપતી વેળા તેમણે, થઈ ગયેલાં પ્રવચનોમાં વ્યક્ત થયેલા વિચારોની ટીકા કરવા પણ જણાવ્યું. આ નિમંત્રણના ઉત્તરમાં સ્વામીજીએ જે પ્રવચન કર્યું તેમાં તેમણે સમન્વયદૃષ્ટિની જોરદાર હિમાયત કરી. તથાગત બુદ્ધ માટેનો સ્વામીજીનો અપૂર્વ આદર એ પ્રવચનને શબ્દે શબ્દે ટપકતો જોવા મળે છે. હિંદુ અને બૌદ્ધ ધર્મોની આછી ટીકા કર્યા પછી સ્વામીજીએ કહ્યું કે, “હિંદુ ધર્મ કે બોદ્ધ ધર્મ, કોઈ એક બીજા સિવાય જીવી શકે નહીં. બંને વચ્ચે જે તફાવત છે તે જોતાં, બૌદ્ધ ધર્મ બ્રાહ્મણની બુદ્ધિપ્રતિભા અને તત્ત્વજ્ઞાન વિના ન ચલાવી શકે, તેમજ, બ્રાહ્મણને બૌદ્ધ ધર્મની કારુણ્યની ભાવના વિના ન ચાલે. બૌદ્ધ અને બ્રાહ્મણ વચ્ચેની આ જુદાઈ હિંદના પતનનું કારણ છે. એટલે આપણે બ્રાહ્મણની અપ્રતિમ બુદ્ધિનો, મહાન વિભૂતિ બુદ્ધની કારુણ્યની ભાવના સાથે, એમના અભિજાત આત્મા સાથે, એની અજબ માનવતા સાથે સંયોગ કરવો જોઈએ.”

બીજા દહાડાના, એટલે કે તા.૨૭-૯-૯૩ના, ‘શિકાગો ઈન્ટર ઓશન ટ્રિબ્યૂને’ ધર્મપરિષદની આગલા દિવસની કાર્યવાહીના લંબાણભર્યા અહેવાલમાં, સ્વામીજીના આ વ્યાખ્યાનની નોંધ આપી જણાવ્યું હતું કે, “જે ધર્મને માટે એમનું જીવનકાર્ય તેઓ (સ્વામીજી) કરી રહ્યા છે તે જેનાથી દીપી રહ્યો છે તેના તટસ્થ શ્રવણ માટે અને તેની શાંત વિચારણા માટે એમણે જે અપીલ કરી તેણે શ્રોતાજનોમાં એવો ઉત્તરદાયી પ્રતિસાદ પાડ્યો કે સ્વામીજીએ પ્રવચન પૂરું કર્યું ત્યારે, ગર્જના સમી તાળીઓથી તેમને શ્રોતાઓએ વધાવ્યા.” આ પ્રવચનમાં, ખાસ કરીને તેના અંતભાગમાં પોતાના અંત:કરણના વ્યાપનું એક નવું પરિમાણ સ્વામીજીએ પ્રકટ કર્યું હતું તે હકીકતે પણ શ્રોતાજનોનાં દિલ હલાવી નાખ્યાં હશે.

પાંચમું અને છેલ્લું પ્રવચન:

તા.૨૭-૯-૧૮૯૩ને બુધવારે, આરંભાયા પછીથી બરાબર સત્તરમે દિવસે, એ વિશ્વધર્મપરિષદની પૂર્ણાહુતિનો સમારંભ હતો. એ પરિષદને પ્રારંભે, જુદા જુદા દેશોમાંથી આવેલા વિવિધ ધર્મોના પ્રતિનિધિઓએ એમના સ્વાગતનો પ્રત્યુત્તર વાળ્યો હતો તેય આ પ્રસંગે, સૌ પ્રતિનિધિઓ પોતાના આતિથ્ય બદલ આભાર માને અને, કંઈ પ્રસંગોચિત કહે, તે સ્વાભાવિક હતું. પોતાના અહેવાલમાં બેરૉઝે જણાવ્યા પ્રમાણે, એ પ્રસંગે કોલંબસ હૉલમાં સાત હજાર લોક જેમ તેમ કરી એકઠું થયું હતું અને, આર્ટ ઈન્સ્ટિટ્યૂટની બહારના જાહેર માર્ગ પર મોટી માનવમેદની જમા થઈ હતી. કેટલાક લોકોને માટે ધર્મ વિશેના સહચિંતનની એ ઘડી હતી તો, કેટલાકને માટે એ એક જોણું જ હતું. કુક જેવા ધર્માંધ મિશનરીઓએ કટુતા વહાવી હતી અને ખ્રિસ્તી સિવાયના ધર્મોને ઉતારી પાડવા માટે જહેમત ઉઠાવી હતી તેની સામે, પૉમૅરી અને સ્નેલ જેવા ઉદારમનના સજ્જનો પણ એ પરિષદમાં હતા એ વાત પૂર્વના દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ ભૂલે તેવા ન હતા. અને પરિષદના આયોજકોએ જે આતિથ્યાદર આપ્યાં હતાં તેનો આભાર માનવાનો વિવેક કોઈ ચૂકે? ધર્મપાલ સરસ વક્તા હતા ને તેમણે કેટલીક સરસ વાતો કરી હતી. પછી પોતાનો વારો આવતાં સ્વામીજી જે બોલ્યા હતા તેમાંથી પોતે ઉતારો આપી બેરૉઝને પણ કહેવું પડ્યું હતું કે “સ્વામી વિવેકાનંદને ખૂબ આદરપૂર્વક સાંભળવામાં આવતા હતા” અને બેરૉઝના ધર્માંધ ખ્રિસ્તી બહમે કહેવરાવ્યું કે “એમના (સ્વામીજીના) અંતિમ પ્રવચનમાં વ્યક્ત થયેલા કેટલાક ભાવ સાથે બહુ ઓછી સમ્મતિ જોવામાં આવતી હતી.” પરંતુ ‘ક્રિટિક’ અખબારના વૃત્તાંતનિવેદક શ્રીમતી લ્યુસી મનરો બરાબર એક વર્ષ પછી ‘શિકાગો ઈન્ટર ઓશન’ના તા. ૧-૯-૯૪ના અંકમાં ‘વિશ્વધર્મપરિષદમાં સ્વામીજીના પ્રદાન’ વિશેનો લેખ, અમેરિકાવાસી મટી અંગ્રેજ નાગરિક બનનાર એક અજ્ઞેયવાદી, પ્રખર ઈજનેર અને શોધક સર હિરેમ મૅક્સિમે લખેલું પ્રતિમિશનરી પુસ્તક અને, બીજાં કેટલાંય આધારભૂત સાધનો: આ સૌએ જણાવ્યા પ્રમાણે સ્વામીજીનું એ પ્રવચન અતિ ટૂંકું, પ્રસંગને સર્વથા અનુરૂપ, પરિષદ યોજકોનો અંતરથી આભાર માનતું, મિશનરી પ્રવૃત્તિને ‘રુક જાવ’નો સાદ સંભળાવતું અને સંવાદનો, સમન્વયનો, સમભાવનો અને શાંતિનો મંત્ર સંભળાવતું અદ્‌ભુત પ્રવચન હતું. સ્વામીજીની અંતર-ગંગોત્રીમાંથી પ્રગટેલા એ પ્રવચનના કેટલાક અંશોનું આચમન આપણે લઈએ.

“…આવું અજબ સ્વપ્ન સેવનાર સત્યસેવી, ઉદારહૃદયી, અભિજાત આત્માઓનો હું આભાર માનું છું…આ સુસંવાદિતામાં વચ્ચે કોઈક વાર કર્કશતા આવતી હતી; એ કર્કશતા લાવનારનો પણ હું આભાર માનું છું…

“…ખ્રિસ્તીધર્મીએ હિંદુધર્મી કે બૌદ્ધધર્મી થવાનું નથી, હિંદુધર્મી કે બૌદ્ધધર્મીએ ખ્રિસ્તી થવાનું નથી. પણ, એકબીજાએ એકબીજાનાં ત્તત્વ પચાવવાનાં છે અને તે સાથે પોતાનું મૂળ સ્વરૂપ જાળવી રાખવાનું છે, પોતાના નિયમાનુસાર વિકાસ મેળવવાનો છે.

“…પવિત્રતા, શુદ્ધિ અને દયા એ જગતના કોઈ એકાદ ધર્મનો સુવાંગ ઈજારો નથી. દરેક ધર્મે ખૂબ જ ઉચ્ચ ચારિત્ર્યવાળાં સ્ત્રી અને પુરુષો આપ્યાં છે. આ બધો પુરાવો હોવા છતાં પણ, જો પોતાનો જ ધર્મ સુવાંગ જીવે અને અન્ય ધર્મ નાશ પામે એવું સ્વપ્ન કોઈ સેવતો હોય તો, મારા હૃદયના ઊંડાણમાંથી એવા પર મને દયા આવે છે. હું એવાઓને કહું છું કે, ગમે એટલો સામનો કરવામાં આવે છતાં પણ દરેક ધર્મના ધ્વજ પર સત્વરે આ પ્રમાણે લખાશે: ‘સહાય; પરસ્પર વેર નહીં: ‘સમન્વય; વિનાશ નહીં; ‘સંવાદિતા અને શાંતિ; કલહ નહીં.’

સ્વામીજીનું પ્રદાન:

આમ, પરિષદની નાન્દીથી એના ભરત વાક્ય સુધી, સ્વામીજી સહાયની, સમન્વયની, સંવાદિતાની, સમભાવની વેણુ જ વગાડતા રહ્યા હતા. ‘મારો જ ધર્મ ચડિયાતો છે અને બીજાઓના ધર્મ ઊતરતા છે; એવો ઢોલ પીટનારની જે કર્કશતાને સ્વામીજીએ પોતાના આ ભરતવાક્યમાં ઉલ્લેખ કર્યો હતો તે પાછળનો એ લોકોનો અહંકાર લોકોને ખૂંચતો હતો. અને સ્વામીજીની સંવાદિતાની મધુરવેણુ લોકોની હૃત્તંત્રીને સ્પર્શી ગઈ હતી. વળી બીજા કેટલાક ધર્મગુરુઓની માફક સ્વામીજી બાબાવાક્યનો પોપટપાઠ કરતા ન હતા કે તેને જ પ્રમાણ તરીકે સ્વીકારવાનો આગ્રહ કરતા ન હતા. સ્વામીજી અનુભવની, સાક્ષાત્કારની વાત કરતા હતા. વળી ‘અમારા ધર્મને અને અમારા ભગવાનને અનુસરવાથી જ તમારો ઉદ્ધાર થશે’, એમ કહેવાને બદલે દરેક વ્યક્તિને પોતાના જ ધર્મમાં દૃઢ થવાનું સ્વામીજીએ કહ્યું હતું. કૂવામાંના દેડકાની સંકુચિતતાને સ્થાને વ્યોમવિહારી ગરુડની વિશાળ, સર્વગ્રાહી દૃષ્ટિ કેળવવાનો તેમણે અનુરોધ કર્યો હતો. આ બધું રજૂ કરીને સ્વામીજીએ જગતને હિંદુ ધર્મનો સાચો ખ્યાલ આપ્યો હતો અને સરેરાશ હિંદુને પોતાની રૂઢ માન્યતાના બંધનમાંથી મુક્ત કર્યો હતો તેમજ ‘સુધરી ગયેલા’ હિંદુને નવી દૃષ્ટિ આપી હતી. આમ, આચાર્ય શંકરની માફક, હિંદુ ધર્મનું નવસંસ્કરણ સ્વામી વિવેકાનંદે કર્યું હતું.

સ્વામીજીનો સંદેશ હિંદુ ધર્મીઓ માટે:

પોતાના સિવાયના બધા જ ધર્મોને અધમ માનનાર અને હીન રીતે વટાળ પ્રવૃત્તિ કરનાર ખ્રિસ્તી પાદરીઓને, ઈતર ધર્મસંપ્રદાયોના ઝનૂની પ્રચારકોને, ટૂંકમાં સંકૂચિત મનવાળા સૌને સ્વામીજીએ ધર્મપરિષદમાંનાં પોતાનાં અગાઉનાં પ્રવચનોમાં જે સંદેશ આપ્યો હતો તે પોતાના અંતિમ પ્રવચનમાં તેમણે ફરીથી દુહરાવ્યો હતો અને પરસ્પર સહાય, વિવાદને સ્થાને સંવાદિતા અને સમન્વય પર તેમણે ભાર મૂક્યો હતો. ભગિની નિવેદિતાએ યોગ્ય રીતે કહ્યું છે કે, ‘હિંદુ ધર્મ શું છે તે સમજાવવાને ગયેલા સ્વામીજીએ પોતાનાં પ્રવચનો વડે- ખાસ કરીને ૧૯-૯-૧૮૯૩ના હિંદુ ધર્મ વિશેના પોતાના નિબંધવાચન વડે હિંદુ ધર્મનું રૉમાં રૉલાંએ કહ્યા પ્રમાણે, પુનર્નિર્માણ કર્યું હતું. વેદો અને ઉપનિષદોમાં, વેદાંત અને ગીતામાં, અશોકના શિલાલેખોમાં, કબીર, નાનક, દાદુ આદિ મધ્યકાલીન સંતોની વાણીમાં જે સમભાવનો, સમન્વયનો, સંવાદિતાનો સંદેશ પ્રબોધવામાં આવ્યો છે અને જેને શ્રીરામકૃષ્ણે પોતાના આચરણ દ્વારા સિદ્ધ કરી બતાવ્યો હતો તે પ્રાચીન સંદેશને અર્વાચીન વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં અને અન્ય ધર્મોની સમાંતરે રજૂ કરીને તે પ્રાચીન ધર્મની પ્રાણશક્તિ તરફ વિશ્વનું ધ્યાન દોર્યું હતું અને, અહીં ઘર આંગણે એના પરની ધૂળ ખંખેરી, એને રૂઢિ અને સંપ્રદાયની સાંકળોથી મુક્ત કરી ફરી ચેતનવંતો કર્યો હતો.

એની અસર

શિકાગોની એ વિશ્વધર્મપરિષદ પછી, બીજી એવી વિશ્વધર્મપરિષદો યોજવાના કેટલાક પ્રયત્નો થયા હતા પરંતુ, તેમને સફળતા મળી ન હતી. આ શિકાગોની વિશ્વધર્મપરિષદની પરિકલ્પના અને એના આયોજનની ભૂમિકા વિશે આપણે અગાઉ જોઈ ગયા છીએ તે અનુસાર, કોલંબિયન મેળાના ભાગરૂપ અનેક પરિષદોમાંની એક આ ધર્મપરિષદ પણ ઠીક ઠીક અંશે મેળો જ હતી અને, પરિષદ પૂરી થયે, ‘સૌ સૌને ઘેર જાય અને શીરોપુરી વહેંચી ખાય’ જેવું બનવું અસ્વાભાવિક ન હતું. પરંતુ, જરા બારીકાઈથી નજર કરશું તો જણાશે કે છેક તેમ જ ન હતું. ખ્રિસ્તી ધર્મને શ્રેષ્ઠ ધર્મ સાબિત કરવાની જેમની મુરાદ હતી તે લોકોની મેલી મુરાદ બર ન આવી એટલું જ નહીં, તેઓ વિશ્વના ઉદારમતવાદીઓ આગળ ઉધાડા પડી ગયા. સ્વામીજીનાં વેધક પ્રવચનોની અમેરિકા પર, ભારત પર, જગત પર શી અસર થઈ તે તટસ્થ રીતે મૂલવવાનો આ ઉચિત સમય છે.

અસર અમેરિકામાં:

અમેરિકામાં જે ધર્માંધ મિશનરીઓ હતા તેના વર્ગને સ્વામીજીનાં એ પરિષદમાંના પડકારરૂપ પ્રવચનોએ અને, એ પ્રવચનોને ત્યાંના અગ્રણી વર્તમાનપત્રોએ જે રીતે વધાવ્યાં અને પ્રસિદ્ધિ આપી તેમાં લોકલાગણી ડોકાતી જોવા મળી. સ્વામીજીના ઉદ્ગારોથી પાછા પડી ગયેલા એ મિશનરી વર્ગે બેવડા જોરથી સામનો કરવા પ્રયત્ન કર્યો હતો અને, અમેરિકામાં સ્વામીજી ઉપર ધૂળ અને કાદવ ઉડાડ્યાં હતાં એટલું જ નહીં પણ, ભારતમાં, ખાસ કરીને કલકત્તામાં તેમણે ઝેરી પ્રચાર કર્યો હતો. તેઓ સ્વામીજીને ખોટા વિતંડાવાદમાં પણ ઘસડવા માગતા હતા. પરંતુ સ્વામીજી સત્યની તલવાર વડે લડતા હતા તેથી બધા ઝેરી પ્રચારને તેઓ પહોંચી વળે તેમ હતા, અને તે મિશનરીઓની દલીલોના સચોટ ઉત્તર તેમણે આપ્યા હતા. અમેરિકાના શિક્ષિત નાગરિકોને પૂર્વના બિનખ્રીસ્તી ધર્મો વિશે સાચી જાણકારી પ્રાપ્ત થઈ, મિશનરીઓએ દોરેલાં ભ્રામક ચિત્રો ભૂંસાઈ ગયાં અને તેમનામાંના સમજુ વર્ગે મિશનરીઓને તેમના દુષ્ટ પ્રચાર માટે સહાય આપવાનું બંધ કર્યું. હાર્વર્ડ યુનિવર્સિટીએ સ્વામીજીને પોતાને ત્યાં પૂર્વની ફિલસૂફીઓના અધ્યાપક તરીકે જોડાવા નિમંત્રણ આપ્યું. સ્વામીજીએ સાભાર એ નિમંત્રણનો અસ્વીકાર કર્યો. પરંતુ, હાર્વર્ડ, ફિલાડેલ્ફિયા જેવી યુનિવર્સિટીઓમાં પૂર્વનાં ધર્મસંસ્કૃતિ વિશે રસ જાગ્યો તેનો યશ સ્વામીજીને આપી શકાય. એ યુગના મહાન અમેરિકન માનસશાસ્ત્રી વિલિયમ જેમ્સને સ્વામીજી મળ્યા હતા. કદાચ, એ મુલાકાતને પરિણામે જ, એ વિદ્વાને ‘સાયકૉલૉજી ઑફ રિલિજિયન’ (ધર્મનું માનસશાસ્ત્ર) નામનું પુસ્તક લખ્યું. સ્વામી વિવેકાનંદનો જે સંદેશો હતો તે ધાર્મિક કરતાં વિશેષ આધ્યાત્મિક હતો. તેમાં બાહ્ય વિધિવિધાનોને કે ધર્મોપચારને સ્થાન ન હતું પણ, તેમાં આંતરખોજ ૫૨, ગુણ વિકાસ પર અને આધ્યાત્મિક ઉન્નતિ પર ભાર હતો. આ કાર્ય કંઈ આમ સમુદાય માટેનું હોઈ શકે નહીં. શિકાગોની એ વિશ્વધર્મપરિષદમાં બીજ પ્રોયા પછી સ્વામીજી અમેરિકામાં ત્રણેક વરસ રહ્યા હતા અને અનેક સ્થળોએ રહ્યા હતા, ફર્યા હતા અને પ્રવચનો આપ્યાં હતાં. સ્વામીજીએ વર્ગો ચલાવ્યા હતા અને વાર્તાલાપો પણ આપ્યા હતા. સ્વામીજીના એ ભગીરથ પ્રયત્નોને પરિણામે, અમેરિકામાં આજે પૂર્વમાં ન્યુયૉર્ક અને બૉસ્ટનથી માંડી પશ્ચિમમાં લૉસઍન્જલ્સ અને સાનફ્રાન્સિસ્કો સુધી અનેક સ્થળોએ વિવેકાનંદ વેદાંત કેન્દ્રો કાર્યરત છે. સ્વામીજી અમેરિકાથી પાછા આવ્યા તે પહેલાં, અમેરિકાનું કાર્ય સંભાળવા માટે પોતાના ગુરુભાઈ સ્વામી અભેદાનંદજીને ત્યાં બોલાવી લીધા હતા. સ્વામી કૃપાનંદ, યોગાનંદ, ભગિની હરિદાસી, ભગિની દેવમાતા અને ગાર્ગી (શ્રીમતી મૅરી લુઈ બર્ક) જેવાં પ્રતિભાવાન, ત્યાગી, ભક્તો જગતને સાંપડ્યા છે. તેનાં મૂળમાં સ્વામીજીનું એ પ્રચંડ પુરુષાર્થભર્યું કાર્ય છે. એ કેન્દ્રોમાં જતા અનેક નરનારીઓને ચિત્તની શાતા લાધે છે. શ્રીમતી ઍલેનૉર સ્ટાર્કે ‘ધ ગિફ્ટ અન ઓપન્ડ’ (વણખોલાયેલી ભેટ) નામના પોતાના પુસ્તકમાં, સ્વામીજીના એ કાર્યની અસરની શાંત ક્રાંતિ (સાયલંટ રેવલ્યૂશન) કહેલ છે. ‘બ્રહ્મવાદિન્’માં પ્રસિદ્ધ થયેલા તા. ૧૪-૧૦-૧૮૯૬ના પોતાના પત્રમાં શ્રીમતી હૅલન હંટિગ્ટને જણાવ્યું છે કે, ‘સ્વામી વિવેકાનંદના સંદેશાનો શાંત પ્રભાવ અહીં પડી રહ્યો છે.’ એ ‘શાંત પ્રભાવ’ને જ શિકાગોની વિશ્વધર્મપરિષદ પછી લગભગ સો વર્ષે (૧૯૮૮માં) લખેલા પોતાના ઉપર ઉલ્લેખિત પુસ્તકમાં, શ્રીમતી ઍલૅનોર સ્ટાર્ક ‘શાંત ક્રાંતિ’ કહે છે. આના સંદર્ભમાં એક બીજો કિસ્સો નોંધીએ. ૧૯૬૭-૬૮ આસપાસ, શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના હાલના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી અમેરિકાને પ્રવાસે ગયા હતા ત્યારે, ત્યાંની એક યુનિવર્સિટીમાં તેમનું પ્રવચન ગોઠવવામાં આવ્યું હતું. એ અરસામાં ‘ઈશ્વર મરી ગયો છે’ ‘ગૉડ ઈઝ ડેડ’ ની વાત જોરશોરથી અમેરિકામાં ચર્ચાતી હતી. સ્વામી રંગનાથાનંદના વ્યાખ્યાનનો વિષય હતો: “ઈઝ ગૉડ ડેડ?” (શું ઈશ્વર મરી ગયો છે?) પ્રવચનનો સમય થયે, એ યુનિવર્સિટીના વાઈસ ચેન્સેલર, પ્રવચનખંડમાં સ્વામીજીને લઈ જતા હતા. નાસ્તિકતાની હવા પ્રચલિત હતી, એટલે, તેમણે સ્વામીજીને, જરા અચકાતાં, કહ્યું, “સ્વામીજી શ્રોતાઓની સંખ્યા નાની હોય તો, માઠું ન લગાડતા.” સ્વામી રંગનાથાનંદજીએ શાંતિથી કહ્યું, “ભલે”. પરંતુ, બંને મહાનુભાવો, યુનિવર્સિટીના એ વિશાળ વ્યાખ્યાનખંડમાં દાખલ થયા ત્યારે બધી જ બેઠકો ભરાઈ ગઈ હતી એટલું જ નહીં, વચ્ચે ચાલવાના માર્ગો પણ આતુર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓથી ઉભરાતા હતા. અગાઉથી જાહેર કર્યા પ્રમાણે, કલાક પૂરો થયે સ્વામી રંગનાથાનંદ બેસવા જતા હતા ત્યારે, એ ભરચક્ક સભાખંડમાંથી ચોમેરથી એક જ શોર ઊઠ્યો: “કૃપા કરી આગળ બોલવાનું ચાલુ રાખો.” સ્વામી રંગનાથાનંદજીનું એ પ્રવચન પૂરું પોણા બે કલાક ચાલ્યું અને ત્યાર પછી, એ જિજ્ઞાસુ વિદ્યાર્થી સમુદાય સાથે દોઢ કલાક પ્રશ્નોત્તરી ચાલી. આ ઘટના પાછળનું પ્રેરકબળ સ્વામી વિવેકાનંદનું છે એમ કહેવાની જરૂર નથી.

અસર ઈંગ્લેંડમાં અને યુરોપમાં

શિકાગો વિશ્વધર્મપરિષદ પૂરી થયા પછી પાછા તરત ભારત આવવાને બદલે, સ્વામી વિવેકાનંદ ત્રણેક વરસ અમેરિકામાં રોકાયા હતા અને ત્યાં હર્યાફર્યા હતા તે ઉપરાંત, વચ્ચે બે વાર, સ્વામીજી ઈંગ્લેંડની અને ત્યાંથી યુરોપના બીજા કેટલાક દેશોની મુલાકાતે ગયા હતા. ભારત પાછા વળતી વખતે તેઓ ફરી ઈંગ્લેંડ, અને યુરોપ થઈને, આવ્યા હતા. સ્વામીજીએ ઈંગ્લેંડની પહેલી વાર મુલાકાત લીધી ત્યારે, ‘ધ વેસ્ટ મીન્સ્ટર ગૅઝૅટ’ નામના અખબારનો એક પ્રતિનિધિ સ્વામીજીની મુલાકાતે ગયો. ૧૮૯૩માં મળેલી શિકાગોની વિશ્વધર્મપરિષદ વિશે, સ્વામીજી પાસે એણે પહેલી વાર સાંભળ્યું! જગતથી અલગ રહેતા ઈંગ્લેંડના ચોક્કસ ભદ્રવર્ગનો એ એક પ્રતિનિધિ હતો પરંતુ, ઈંગ્લેંડના અન્ય બુદ્ધિજીવીઓમાંથી કેટલાક એવા હતા જે સ્વામીજીથી પ્રભાવિત થયા હતા. એમના આમંત્રણથી તો, પેરિ(સ) થઈ, સ્વામીજી ૧૮૯૫ના ઉનાળામાં ત્યાં – ઈંગ્લેંડ- ગયા હતા. લંડનમાં સ્વામીજીએ વિવિધ સ્થળોએ વ્યાખ્યાનો આપ્યાં હતાં. શ્રીયુત ઈ. ટી. સ્ટર્ડી જેવા ભક્તના પ્રયાસથી એક જિજ્ઞાસુ વર્તુળ ઊભું કર્યું અને તેમાં લેડી ઈઝાબેલ માર્ગેસન જેવી અનેક કુલીન વ્યક્તિઓ જોડાઈ હતી અને વેદાંતજ્ઞાનની પોતાની ભૂખ સંતોષતી હતી. પરંતુ, સ્વામીજીના પ્રભાવની સૌથી ઘેરી અસર શ્રીમતી માર્ગરેટ નોબલ નામનાં એક મહિલાને થઈ, અને તે એવી કે, તેઓ પોતાનાં ઘરબાર અને દેશ તજી, સ્વામીજી સાથે ચાલી નીકળ્યાં, કાયમના ભારતવાસી થયાં અને ભગિની નવોદિતા તરીકે જગપ્રસિદ્ધ બન્યાં. પોતાના વતનમાં પોતે એક શાળાના આચાર્યા હતાં. ભારત આવીને તેમણે પોતાનું એ કાર્ય તો ચાલુ જ રાખ્યું. સ્વામીજીના સંપર્કમાં આવનારને માટે ‘ત્યાગીને ભોગવી જાણો’નો અમલ સરળ થઈ જતા. ઈંગ્લેંડની બીજી મુલાકાત વખતે સ્વામીજી પ્રૉફેસર મૅક્સમુલરને મળ્યા હતા. મૅક્સમુલરનો સંસ્કૃત પ્રેમ ખૂબ જાણીતો હતો. સંસ્કૃતના એ પ્રકાંડ પંડિત સંસ્કૃત ભાષા દ્વારા પ્રાચીન ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને આધ્યાત્મના પરિચયમાં આવ્યા હતા અને તેના પ્રશંસક બન્યા હતા. તેમણે શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશે થોડુ ઘણું વાંચ્યું સાંભળ્યું હતું. સ્વામીજીને મળી તેમની પાસેથી પ્રૉ. મૅક્સમુલર ઠાકુર વિશે અધિકૃત જાણકારી પામ્યા હતા ને એને પરિણામે એમણે અંગ્રેજીમાં શ્રીરામકૃષ્ણનું પ્રથમ જીવનચરિત્ર લખ્યું હતું. જીવનકથાના નાયક શ્રીરામકૃષ્ણ અને એ કથાના આલેખક પ્રકાંડ પંડિત, વ્યુત્પન્ન વિદ્વાન પ્રૉ. મૅક્સમુલર. આમ સ્વામીજીની એમની સાથેની મુલાકાતથી ઠાકુર વિશેની પ્રમાણભૂત જાણકારી યુરોપને સુલભ થઈ. ૧૮૯૮માં પ્રક્ટ થયેલા આ પ્રથમ પુસ્તક પછી ઈ. સ. ૧૯૨૯માં મહાન ફ્રેંચ તત્ત્વચિંતક અને શાંતિચાહક રોમાં રૉલાંએ બે ભાગમાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની જીવનકથા પોતાની અદ્‌ભુત કાવ્યમય વાણીમાં જગત સમક્ષ ધરી હતી. વિવેકાનંદના શબ્દના પડઘા એમણે બરાબર ઝીલ્યા હતા તે એમની સ્વામીજીની જીવનકથા પરથી જોઈ શકાય છે. જર્મનીમાં સ્વામીજી બીજા ભારતવિદ પ્રાફેસર પૉલ ડૉયસનને મળ્યા હતા. એ મુલાકાતથી સંતુષ્ટ ન થતાં, પ્રૉ. ડૉયસન ખાસ પ્રવાસ ખેડી સ્વામીજીનો વધારે લાભ લેવા ઈગ્લેંડ ગયા હતા. લંડનમાં બુર્ન એંડમાં લોકવસતિથી દૂર, શાંત, રમણીય સ્થળે રામકૃષ્ણ વેદાંત કેન્દ્ર સુંદર કાર્ય આજે કરી રહ્યું છે. એ જ રીતે પેરિસમાં પણ એવું એક કેન્દ્ર વર્ષોથી કાર્યરત છે. છેલ્લાં આઠ દસ વર્ષોથી, સામ્યવાદી રશિયાના પાટનગર મોસ્કૉમાં પણ આવું એક કેન્દ્ર કાર્ય કરતું થયું છે. સ્વામી રંગનાથાનંદ, સ્વામી લોકેશ્વરાનંદ અને રામકૃષ્ણ મઠ-મિશનના એવા બીજા સંતોને જર્મની, હૉલેંડ, ઝેકૉસ્લૉવૅકિયા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેંડ જેવા અનેક દેશો તરફથી વ્યાખ્યાનો આપવા માટે આવવાનાં નિયંત્રણો મળે છે. આ નિમંત્રણો પાછળ સ્વામી વિવેકાનંદનું આ મહાકાર્ય રહેલું છે. અને, પરદેશોમાં કામ કરતા આપણા રાજદૂતાવાસો માટે વિદેશી ચલણની જોગવાઈ આપણે અહીંથી કરવી પડે છે ત્યારે, વિદેશોમાંના શ્રીરામકૃષ્ણ કે વિવેકાનંદના નામ સાથે સંકળાયેલાં કેન્દ્રોનો નિભાવ ત્યાંના સ્થાનિક નાગરિકો કરે છે. પાશ્ચાત્ય દેશો પર, ખાસ કરીને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોના એક અગ્રણી વર્ગ પર સ્વામીજીએ પોતાનાં પ્રવચનોમાં વિજ્ઞાન અને આધ્યાત્મને જોડી આપ્યાં તેની અસર જોવા મળે છે. અમેરિકામાં હતા ત્યારે, વિખ્યાત ભૌતિકશાસ્ત્રી ટૅસલાને અને, અન્ય આગેવાન વૈજ્ઞાનિકોને, સ્વામીજી મળ્યા હતા અને તેમની સાથે આધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેના સામીપ્યની ચર્ચા સ્વામીજીએ કરી હોવાનો સંભવ છે. પોતાની વૈજ્ઞાનિક શોધો (ખગોળ શાસ્ત્રની) માટે વૃદ્ધ ગૅલિલિયોને સજા ફરમાવનાર ખ્રિસ્તી ધર્મગુરુઓના દૃષ્ટિબિંદુ કરતાં સ્વામીજીનું આ દૃષ્ટિબિંદુ, એ વૈજ્ઞાનિકોને ગમ્યું હોવા વિશે શંકા નથી. સ્વામીજીના આ કાર્ય પછીના થોડા દાયકાઓમાં આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદ આવવાનો હતો અને નાઈલ્સ બો’ર, હિરેક, સ્પ્રૉડિંજર, હેયઝનબર્ગ અને બીજા વૈજ્ઞાનિકો ક્વૉન્ટમ ભૌતિકશાસ્ત્રનો, આણ્વિક ભૌતિકશાસ્ત્રનો અને પારમાણ્વિક ભૌતિકશાસ્ત્રનો વિકાસ સાધવાના હતા. ન્યૂટન અને દેકાર્તની માન્યતાઓનું ફીંડલું વીંટાઈ ગયું હતું. અને અર્વાચીન વિજ્ઞાન વેદાંતની પડખે આવી બેસી ગયું છે. કાપ્રા અને ઝૂકૉવ જેવા વૈજ્ઞાનિકોનું સાહિત્ય (ફિટજોફ કાપ્રા કૃત ‘તાઓ ઑફ ફિઝિક્સ’ અને ગોરીઝૂકોવ કૃત ‘ધ ડેન્સિંગ વુલી માસ્ટર્સ) વાંચવાથી આ સમજી શકાશે.

ભારત પર અસર

સ્વામીજીના આ પ્રદાનની ખબર ભારતમાં તે સમયે મોડી જ પડી હતી. પરંતુ, સ્વામીજીના અમેરિકામાંના એ મહાન કાર્યના અહીં આરંભમાં થોડા છાંટા ઊડ્યા હતા પણ, પછીથી પત્રધારા રૂપે, લેખો રૂપે, એની ધોધમાર વર્ષા થવા લાગી હતી. અહીંતહીં પરિભ્રમણ કરતા ગુરુભાઈઓ પાસે જ્યારે આ વાત આવી ત્યારે હર્ષથી તેઓ પોકારી ઊઠ્યા: “અરે, આ તો આપણો નરેન!” એ વિશ્વધર્મપરિષદ પછી એક વર્ષે, ૧૮૯૪ના સપ્ટેંબરની પાંચમી તારીખે, કલકત્તામાં એક વિરાટ સભામાં સ્વામીજીના આ કાર્યને વધાવવામાં આવ્યું હતું. મદ્રાસમાંના સ્વામીજીના શિષ્યોએ, સ્વામીજીની પ્રેરણા હેઠળ ‘બ્રહ્મવાદિન્’ નામનું, માસિક ચાલુ કર્યું હતું. પોતાના અમેરિકાના અને ઈંગ્લેંડના કાર્યને ચાલુ રાખવા સ્વામીજીએ પોતાના બે ગુરુભાઈઓ, સ્વામી શારદાનંદને અને સ્વામી અભેદાનંદને જવાબદારી સોંપી દીધી હતી તે હકીકતે પણ ભારતમાં અનેક લોકોને પોતાની જાત માટે અને પોતાના ધર્મ માટે ગૌરવ લેતા કર્યા હતા. ભારતની સદીઓની લઘુતાગ્રંથીનું છેદન સ્વામીજીએ આમ ચપટી વારમાં કરી નાખ્યું હતું.

૧૮૯૩ના મેની ૩૧મી તારીખે એક અજ્ઞાત, અકિંચન સંન્યાસી તરીકે ભારત છોડનાર સ્વામી વિવેકાનંદ ૧૮૯૭ના જાન્યુઆરીની ૧૫મીએ – પોતાના ૩૪મા જન્મ દિવસ પછીના ત્રીજે દહાડે – શ્રીલંકામાં કોલંબૉ બંદરે ઊતર્યા ત્યારે એ વિશ્વવિખ્યાત જગદ્ગુરુ બની ચૂક્યા હતા અને, અંગત રીતે અકિંચન જ હોવા છતાં વિશિષ્ટ પ્રકારની અઢળક સમૃદ્ધિ પોતાની સાથે લાવતા હતા. કોલંબૉથી કલકત્તા સુધીના – અને તે પછીનાયે – તેમના પ્રવાસમાં ઠેરઠેર તોરણો, ભવ્ય સરઘસો, લોકલાગણીનાં પ્રતીક માનપત્રો અને વિશાળ સભાઓમાં ભારતની હરખઘેલી પ્રજા પોતાના પનોતા પુત્રને વધાવતી હતી. રામનદના મહારાજાએ જાતે ઘોડાની જગ્યાએ જોડાઈ, સ્વામીજીની ગાડી ખેંચી હતી!

પ્રત્યેક સન્માનનો પ્રત્યુત્તર વાળતી વખતે કે, બીજી રીતે યોજાયેલી સભાઓમાં સ્વામીજી પોતાના કાર્યની રૂપરેખા આપતા જતા હતા. મદ્રાસ અને કલકત્તામાંના એમનાં ભાષણોમાં સ્વામીજીએ પોતાની કાર્યપ્રણાલીની વિગતો રજૂ કરી હતી. આત્માના મોક્ષ ઉપર દેતા તેટલો જ ભાર તેઓ જગતના હત પર દેતા. ભારતમાંની રાંક પ્રજા, દલિતો, પીડિતો, શૂદ્રો, સ્ત્રીઓ, અશિક્ષિતો સૌની સેવા કરવાનો તેમણે અનુરોધ કર્યો. બા બોધની અસર અનેક લોકો પર થઈ હતી. પરંતુ, એ કાર્યને વ્યવસ્થિત રૂપ આપવા માટે સ્વામીજીએ રામકૃષ્ણ મઠને વ્યવસ્થિત કર્યો. ખંડેર જેવા ભૂતિયા મકાનને બદલે મઠ માટે બેલુડમાં જમીન સંપાદન કરી ત્યાં મઠ લઈ જવામાં આવ્યો, અને એની શાખાઓ અત્રતત્ર ખોલવામાં આવી. ૧૮૯૭ના મેની પહેલી તારીખે, કલકત્તામાં શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી. પોતાના કેટલાક ગુરુભાઈઓને અને ઠાકુરના કેટલાક ગૃહસ્થ શિષ્યોને આ વાત ગળે ઉતારવા માટે સ્વામીજીને થોડી જહેમત ઉઠાવવી પડી હતી. મિશનની સ્થાપના થતાં જ સ્વામી અખંડાનંદ મુર્શિદાબાદ સેવાકાર્ય માટે ઉપડી ગયા હતા. આજે દુનિયાભરમાં મળી રામકૃષ્ણ મઠ અને મિશનના ૧૩૧ શાખાકેન્દ્રો કાર્યરત છે. ૯ ઈસ્પિતાલો અને ૭૮ દવાખાનાંઓનો લાભ ચુંવાળીસ લાખ દર્દીઓએ (૧૯૯૧માં) લીધો છે. શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ઔપચારિક અને અનૌપચારિક મળીને લગભગ ૧૫૦૦ સંસ્થાઓ ચાલે છે જેનો લાભ લગભગ ૧,૪૦,૦૦૦ વિદ્યાર્થી લે છે. અને આ પ્રવૃત્તિ વધતી જ ચાલે છે. આ ઉપરાંત ગ્રામ અને આદિવાસી વિસ્તારમાં ચાલતું સહાયકાર્ય જુદું. અને તે ઉપરાંત દેશામાં ક્યાંય પૂર આવે, દુષ્કાળ પડે, ભૂકંપ થાય કે વંટોળિયો વિનાશ સર્જે ત્યારે ત્યાં દોડી જઈ સર્વોત્કૃષ્ટ સેવાકાર્યમાં શ્રીરામકૃષ્ણ મિશનનો એકડો પહેલો જ હોય છે. સને ૧૯૯૧માં આવાં બધાં સેવાકાર્યો પાછળ મિશને આશરે સવા દસ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ગુજરાતમાં, મોરબીની પૂર હોનારત વખતે અને અંજારના ધરતીકંપ વખતે શ્રીરામકૃષ્ણ મિશને બેનમૂન સેવાકાર્ય કરેલું છે.

રાષ્ટ્રીય ચેતના પર અસર

અંગ્રેજી શિક્ષણની અને મિશનરીઓની પ્રવૃત્તિઓની ઝેરી અસર આપણી પ્રજા પર એ થવા પામી હતી કે એ અસર હેઠળ આવનારને પોતાનો ધર્મ, પોતાની પ્રજાનો ઇતિહાસ, પોતાની સમાજ વ્યવસ્થા, પોતાની સંસ્કૃતિ, ટૂંકમાં અહીંનું સઘળું હીન લાગતું હતું. વિશ્વધર્મપરિષદમાંના પોતાનાં પ્રવચનો દ્વારા સ્વામીજીએ વીજળીને ઝાટકે આ લઘુતાગ્રંથિ દૂર કરી હતી અને પ્રજાને રાષ્ટ્રીય ગૌરવ પુન: પ્રાપ્ત કરાવ્યું હતું. કાયર બની ગયેલી પ્રજાને પહેલો બોધ સ્વામીજીએ અભયનો આપ્યો હતો. એમણે શંખનાદ ફૂંક્યો હતો કે દરિદ્રોના અને અસ્પૃશ્યોના ઉદ્ધાર વિના દેશની પ્રગતિ થઈ શકશે નહીં. ગાંધીજીએ પછીથી ચલણી બનાવેલો શબ્દ ‘દરિદ્રનારાયણ’ સ્વામીજીએ આપેલો છે. જ્યાં સુધી એ દરિદ્રનારાયણો જાગશે નહીં ત્યાં સુધી સ્વતંત્રતા આવશે નહીં એમ સ્વામીજીએ સ્પષ્ટ કહ્યું હતું. ચંપારણમાંના નીલવરો સામેની લડતથી ૧૯૪૨ની ‘ભારત છોડો’ ચળવળ સુધીની બધી લડતોમાં ગાંધીજીએ અભય પર અને લોકજાગૃતિ પર મંડાયેલી લોકલડત પર જ ભાર મૂક્યો હતો. વિવેકાનંદનાં વચનોમાંથી સમાજવાદીઓએ પ્રેરણા લીધી છે, અનેક ક્રાંતિકારીઓએ પ્રેરણા પ્રાપ્ત કરી છે અને ગાંધી નહેરુ જયપ્રકાશે પણ તેમાંથી પ્રેરણાનું પાન કર્યું છે. ઈ.સ. ૧૯૦૧ના ડિસેમ્બરમાં કલકત્તા ખાતે ઈંડિયન નૅશનલ કૉંગ્રેસનું અધિવેશન મળ્યું હતું તે પ્રસંગે દક્ષિણ આફ્રિકાથી આવેલા ગાંધીજી કલકત્તા ગયા હતા ને સ્વામીજીને મળવા ચાહતા હતા. દેશનું એ કેટલું મોટું દુર્ભાગ્ય કે ગાંધીજી બેલુડ ગયા ત્યારે પોતાની માંદગી અંગે સ્વામીજી કલકત્તા આવ્યા હતા અને ભારતમાતાના એ બે પનોતા પુત્રો એકમેકને મળી શક્યા નહીં. જો કે લોકમાન્ય ટિળક તથા બીજા કેટલાક કૉંગ્રેસી નેતાઓ સ્વામીજીને મળી શક્યા હતા. પરંતુ સ્વામીજી પાસેથી પ્રેરણા લેવા માટે એમને રૂબરૂ મળવાની જરૂર ન હતી. કાકાસાહેબ કાલેલકરની આખી પેઢીના આદર્શ સ્વામી વિવેકાનંદ હતા. સ્વામીજીના મહાનિર્વાણ પછી દોઢેક દાયકે, દક્ષિણ આફ્રિકાનું પોતાનું કાર્ય આટોપી ગાંધીજી ભારત આવ્યા ત્યારે, એ વિચારશીલ યુવાપેઢીનું કાકાસાહેબ જેવું અમૂલ્ય બુદ્ધિધન વિવેકાનંદ અને ગાંધી વચ્ચે વિચારસેતુ બની ગયું હતું. આમ, રાજકીય દૃષ્ટિએ જોઈએ તો, સ્વામી વિવેકાનંદ રાજકારણથી અલિપ્ત જ હતા છતાં, બાધા જતીન જેવા ક્રાંતિકારીઓને, કાલેલકર સમા ગાંધીજીના અનેક સહાયકોને, સુભાષચંદ્ર બોઝને રાષ્ટ્રભક્તિની પ્રેરણા સ્વામીજીમાંથી પ્રાપ્ત થઈ હતી.

જીવનમાં વેદાન્ત

વેદાન્ત એટલે પોથી માંહેનાં રીંગણાં નથી પણ આપણે આપણા જીવનમાં તેને આચરવાનું છે, અર્થાત્ જીવનને આધ્યાત્મિક રંગે રંગવાનું છે. તે સત્ય મહાત્મા ગાંધીએ જીવી બતાવ્યું હતું. ગાંધીજીની દોરવણી હેઠળની, અંગ્રેજ સલ્તનત સામેની નાની મોટી દરેક લડત ‘સત્યાગ્રહ’ હતી અને પ્રચંડ આધ્યાત્મિક શક્તિ વિના માણસ સત્યકામ બની શકતો નથી. ગાંધીજીની પ્રત્યેક લડત પ્રાર્થના અને ઉપવાસથી આરંભાતી અને, આરંભ કર્યા પછી, એ લડતમાં કાયરતા-પ્રેરિત હિંસા કે અસત્યનો પ્રવેશ થયેલો તેમને દેખાતો તેવા તરત જ પોતાની ‘હિમાલય જેવડી ભૂલ’નો એકરાર કરી ગાંધીજી તે લડતને સંકેલી લેતા. ભૂલનો આવો એકરાર ચરમ નિર્ભયતા માગી લે છે. ગાંધીજીના સ્નાયુઓ ભલે લોખંડી ન હતા પણ, એમના જ્ઞાનતંતુઓ, એમનું દ્રઢ મનોબળ, એમની હૃદયશક્તિ, અધ્યાત્મરસે પાયેલા ધારદાર પોલાદનાં હતાં. રાષ્ટ્રનાં સમગ્ર જીવનને ઉચ્ચ પરિપાટી પર લઈ જવાના વિવેકાનંદના સ્વપ્નને સાકાર કરવાનો ગાંધીજીનો પ્રયત્ન અનન્ય હતો. ગાંધીજીએ પ્રાર્થનામાં સર્વધર્મ સમભાવ દાખલ કર્યો હતો, અસ્પૃશ્યોને અપનાવ્યા હતા અને અસ્પૃશ્યતા નાબૂદી માટે ખૂબ જોરદાર ઝૂંબેશો ઉપાડી હતી, અને સંવાદિતા તથા પ્રેમને તેઓ આચરણમાં મૂકતા હતા. ગાંધીજીની પ્રેરણાથી દેશ ‘મર્દ’ બની ચૂક્યો હતો. તા. ૬-૭-૧૮૯૬ના રોજ લંડનથી પોતાના એક અમેરિકન અનુયાયી ફ્રાન્સિસ લૅગૅટને લખેલા એક પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું: “આધ્યાત્મિક આદર્શ સ્થાપવાનું કામ હંમેશા કચડાયેલી પ્રજાએ જ કર્યું છે (તેવી જ રીતે હિંદની કચડાયેલી પ્રજા તે કાર્ય કરશે).” કલકત્તામાં ‘વેદાન્ત’ પરના વ્યાખ્યાનમાં આધ્યાત્મિક જીવનનું એ ધ્રુવપદ ફરી સાંભળવા મળે છે. રાષ્ટ્રનાં લોહીમાં પેસી ગયેલો વિકાર આધ્યાત્મ જ દૂર કરશે એમ સ્વામીજી સાચું કહેતા હતા. સ્વામીજીની વાણીને રૉમાં રૉલાંએ ‘અગ્નિજ્વાલા’ કહી હતી. એ પ્રેરક વાણી સાંભળીને અનેકને જીવનદિશા લાધી હતી તે રીતે તે વાંચીને પણ, રૉમાં રૉલાંની માફક, અનેક હૈયાં હચમચી ઊઠ્યાં હતાં. એ વાણીએ રાષ્ટ્રને આત્મગૌરવ આપ્યું હતું. રાષ્ટ્રની ચેતના કુંડલિની જાગ્રત થઈ ચૂકી હતી.

આજની આવશ્યકતા

સને ૧૮૯૩માંના, સ્વામી વિવેકાનંદના જગદ્ગુરુ સ્વરૂપનાં પ્રાકટ્યની શતાબ્દિ પ્રસંગે, શિકાગોની એ વિશ્વધર્મપરિષદમાં આપેલો સંદેશ આજેય એટલો જ રસપ્રદ, પ્રેરક અને આવશ્યક છે. મંદિર – મસ્જિદના ઝઘડા ઊભા કરીએ છીએ ત્યારે, સ્વામી વિવેકાનંદને, એમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવને અને એ બંનેએ આપેલા સંવાદિતાના, સુમેળના, સર્વધર્મ સમભાવના અને સર્વ ધર્મ સમન્વયના સંદેશને આપણે જાણે કે સદંતર વીસરી ગયાં છીએ. ધર્મને અને આધ્યાત્મને જીવનમાં ઉતારવાને બદલે, આધ્યાત્મનો ઘા કરી દઈ ધર્મનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા માટે આજે થઈ રહ્યો છે તે બતાવે છે કે વિવેકાનંદના – અને શ્રીરામકૃષ્ણના – સંદેશની આજે આપણને કેટલી તાતી જરૂર છે. આપણે શ્રદ્ધાપૂર્વક કાન માંડીશું તો, રૉમાં રૉલાંની માફક, આપણે પણ બિથોવનનાં મહાન સંગીતની સંવાદિતા જેવી સ્વામીજીની વાણી આપણે સાંભળી શકીશું અને, એ વાણીને અંતરમાં ઉતારી ત્યાં વેરને સ્થાને પ્રેમ, વિસંવાદિતાને સ્થાને સંવાદ, અવિશ્વાસને સ્થાને શ્રદ્ધા અને પરધર્મદ્વેષને બદલે પરધર્મ પ્રત્યે માનની ભાવનાનો દીપ ત્યાં પ્રગટાવી શકીશું. એ દીપ પ્રગટશે ત્યારે જ આપણે હિંદુ હોવાનું ગૌરવ લઈ શકીશું, ત્યારે જ આપણે સ્વામીજીના સાચા વારસદાર બનીશું.

સંદર્ભ સાહિત્ય:

૧. સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર, શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ (૧૯૬૨)

૨. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભા. ૩, શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ (૧૯૬૨)

૩. ધ લાઈફ ઑફ ધ વિવેકાનંદ એંડ ધ, રૉમાં રૉલાં, પ્રકા. અદ્વૈત આશ્રમ (૧૯૭૦) યુનિવર્સલ ગૅાસ્પૅલ.

૪. સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ ન્યુ ડિસ્કવરીઝ: મૅરી લુઈ બર્ક, પ્રકા – અદ્વૈત આશ્રમ – (૧૯૮૩) હિઝ પ્રૉફેટિક મિશન ભા. ૧.

બાઈબલના જૂના કરાર પર આધારિત યહુદી, ખ્રિસ્તી અને ઈસ્લામ ધર્મોમાં, સૃષ્ટીની ઉત્પત્તિ, ધરતી પરની આદિનારી ઈવે કરેલા પાપમાંથી થઈ છે એવી માન્યતા પ્રવર્તે છે. એટલે એ બધા ધર્મો કયામતના દિન ઉપર ખૂબ ભાર મૂકે છે. એ દિવસ ન આવે ત્યાં સુદી સૌ પાપમાં સબડ્યા કરશે. આ માન્યતાનો વિરોધ સ્વામીજી કરતા હતા. ખ્રિસ્તી પાદરીઓને એ આકરું લાગતું હતું.

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.