કેળવણી એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી પૂર્ણતાની અભિવ્યક્તિ. ધર્મ એટલે મનુષ્યમાં પહેલેથી જ રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ.

કેળવણી એટલે શું? શું ગ્રંથોનો અભ્યાસ એટલે કેળવણી? ના, તો શું વિવિધ પ્રકારના જ્ઞાનનો સંચય એટલે કેળવણી? ના. એ પણ નહિ. જે અભ્યાસ વડે આપણે આપણી ઇચ્છાશક્તિના પ્રવાહનું અને તેની અભિવ્યક્તિનું નિયમન કરી શકીએ અને તેને ફળદાયી બનાવી શકીએ તેનું નામ કેળવણી. વિચાર કરો કે જેને પરિણામે ઇચ્છાશક્તિને પેઢીઓ સુધી સતત રીતે પરાણે રુંધી રાખવાથી તે મોટે ભાગે નાશ પામી ગઈ છે તે શું કેળવણી કહેવાય? નવા વિચારોનું તો નામ મૂકો, પણ પુરાણા વિચારો પણ જેના દબાણ નીચે એક પછી એક લુપ્ત થતા જાય છે તેને શું કેળવણી કહેવાય? જેને લીધે મનુષ્ય ધીરે ધીરે યંત્ર જેવો બનતો જાય તેને શું કેળવણીનું નામ અપાય?

જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ માટે સજ્જ થવામાં સહાય આપતી નથી, ચારિત્ર્યની શક્તિને, લોકકલ્યાણની ભાવનાને અને સિંહના જેવી હિંમતને ખીલવતી નથી તે શું કેળવણીના નામને લાયક છે? ખરી કેળવણી તો તે છે કે જે માણસને પોતાના પગ ઉપર ઊભા રહેતાં શીખવે.

કેળવણી એટલે તમારા મગજમાં ઠાંસેલી અને આખી જિન્દગી સુધી ત્યાં પચ્યા વગર પડી રહીને તોફાન મચાવનારી માહિતીનો ઢગલો નહિ. આપણને જોઈએ છે જીવનનું ઘડતર કરનારા, મનુષ્યને મર્દ બનાવનાર અને ચારિત્ર્યનું નિર્માણ કરનારા વિચારોનો પરિપાક. જો તમે કેવળ પાંચ જ વિચારોને પચાવ્યાં હોય અને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં ઉતાર્યા હોય, તો આખું પુસ્તકાલય ગોખીને બેઠેલા માણસ કરતાં તમે વધારે કેળવણી પામેલા છો.

જે કેળવણી વડે ચારિત્ર્યનું નિર્માણ થાય, મનની શક્તિનો વિકાસ થાય, બુદ્ધિની ક્ષિતિજો વિસ્તરે અને માણસ પોતાના પગ ઉપર ઊભો રહી શકે એવી કેળવણીની આપણને જરૂર છે.

સ્વામી વિવેકાનંદ

(શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પ્રકાશિત ‘કેળવણી’માંથી, પૃ. ૩૬-૩૯)

Total Views: 294

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.