સ્વામી સારદાનંદજી મહારાજની જન્મતિથિ (૭મી જાન્યુઆરી ‘૯૫) પ્રસંગે

(સ્વામી સારદાનંદજી મહારાજના શિષ્ય અને શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે, તા. ૧૮મી જાન્યુઆરી ૧૯૭૫ અને ૧૪ જાન્યુઆરી, ૧૯૭૮ના રોજ ‘ઉદ્બોધન’ (કલકત્તા)માં આપેલાં વ્યાખ્યાનોની નોંધ પરથી સંકલિત અને અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’માંથી સાભાર ગૃહીત.)

મહાત્માઓનાં સંસ્મરણો સાંભળવાથી લાભ થાય છે એમાં શંકા નથી પરંતુ, પોતે સંસ્મરણોની કથા કહેવાનું કામ સરળ નથી. મનનાં ઊંડાં કોતરોમાં છુપાયેલ પ્રસંગો અને બોધોને ખોળવા માટે આપણે આયાસ કરવો પડે છે ને પછી બીજાંઓ પાસે રજૂ કરી શકાય તેવાં પસંદ કરવાં પડે છે. મને મૂલ્યવાન લાગતું હોય તે બીજાને ન લાગતું હોય. સ્વામી સારદાનંદજીને હું જોતો હોઉં તે બીજાઓના જોવાથી નિરાળું હોય.

બીજાંઓને કહેવા જેવું શું છે ને શું નહીં તે નક્કી કરવા હું અસમર્થ છું એમ મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ. હું આમ કહું છું કારણ કે, પોતાને જાણવાની તક સ્વામી સારદાનંદજીએ મને આપી હતી ત્યારે, હું તેનો પૂરો ઉપયોગ કરી શક્યો નહીં. એમને મળવાને હું એ માટે જતો કે મને તેઓ ગમતા હતા. હું એમને બહુ પૂછાપૂછ ન કરતો. તેમ જ, બીજા જે વિષયો મારી હાજરીમાં તેઓ ચર્ચતા તે પણ હું ધ્યાન દઈને સાંભળતો નહીં. જે કંઈ હું સાંભળતો તે બધું જ હું સમજી શકતો તેમ પણ હું નહીં કહું. ‘કઠોપનિષદ’ (૧-૨-૭) કહે છે: ‘ઘણાને સાંભળવાની તક મળતી નથી અને, સાંભળ્યા છતાં ઘણા સમજી શકતા નથી.’ સાંભળ્યા પછી યે નહી સમજી શકનારા ‘ઘણા’ની જમાતનો હું છું. સાંભળતાં ભેગા જ સમજી જાય તેવા બુદ્ધિશાળીઓમાંનો હું નથી. એટલે તો, મારી સ્મૃતિઓને વાચા આપતાં મને સંકોચ થાય છે.

સ્વામી સારદાનંદજીને હું મળવા જતો હતો કારણ કે મને તેઓ મારા પોતાના લાગતા. આપણાં ચિત્તને એ ઊંચે ઊઠાવી શકતા. હું જઈને એમના ઓરડામાં બેસતો ને કેવળ એમની સામે જોતો. તેઓ જે કંઈ કહેતા હોય તે સમજવામાં સંકલ્પ કે તે માટેની ઈચ્છાથી હું સજ્જ ન હતો. આજે એ દિવસો ફરીથી આવે તો પણ, સ્વામી સારદાનંદજીનું બધું બોલવું હું સમજી શકીશ તેમ ખાતરીપૂર્વક નહીં કહું. સ્વામી સારદાનંદજી વિરાટ વિભૂતિ હતા. એમની પાસે અમે વામણા હતા. એટલે, અમારામાંથી કોઈએ એમને પૂર્ણપણે સમજવાનો પ્રયત્ન કરવાની હિંમત કરી ન હતી તેમ આજેય કહી શકીએ એમ નથી. એમને ચરણે બેસતા ત્યારે, અમને લાગતું કે અમે નાના બાળક છીએ. આજે પણ, ‘ઉદ્બોધન’ કાર્યાલયે હું જાઉં છું ત્યારે, પેલો ‘નાનો બાળક’ જાગી ઊઠે ને હું બધું વીસરી જાઉં છું.

એમની પાસે હું જતો ત્યારે, કેટલીકવાર, એ કહેતા હોય તે હું બેસીને સાંભળતો. કેટલીકવાર હું આંખો બંધ કરીને બેસતો અને ધ્યાનનો પ્રયત્ન કરતો. એ જોઈને તેઓ કહી ઊઠતા: “તારે ધ્યાન કરવું છે તો તું મંદિરમાં કેમ નથી જતો!” એ તદ્દન સ્વાભાવિક હતું! પરંતુ, ‘મંદિરમાં ધ્યાન કરવાથી જેટલું ઊર્ધ્વીકરણ થાય છે એથી જરીય ઓછું આપની હાજરીમાં ધ્યાન કરવાથી નથી થતું; એમ કહેવાની મારામાં હિંમત ન હતી. તેઓ બોલતા તે બધું જ સમજવાની મારી શક્તિ ન હતી છતાં, અમારા જીવનમાં વ્યાવહારિક માર્ગદર્શન મળી રહે તે માટે તેઓ અમને સરળ ભાષામાં બોધ આપવા પ્રયત્ન કરતા એ સ્પષ્ટ હતું.

માના ઘ૨ (‘ઉદ્બોધન’)ના દરવાજા પાસેની નાની ઓરડીમાં, લોકોથી ઘેરાઈને તેઓ બેસતા. પોતાના જીવનની કરુણ કથાઓ, પોતાની વ્યથાઓ, પોતાની નિરાશાઓ લોકો તેમની પાસે કહેતા. અને એ બધું સાંભળવા તેઓ શાંતિથી બેસતા. અમે ત્યારે બાળક હોઈ અમને જીવનની કાળી બાજુની એ બધી વાતો ગમતી નહીં. “અમે મહારાજ (મઠની પરંપરા અનુસાર સ્વામી બ્રહ્માનંદજી ‘મહારાજ’ કહેવાતા છતાં અમે સારદાનંદજીને પણ “મહારાજ” કહેતા) પાસે આવ્યા છીએ ને એમનાં દર્શન ક૨વા અને એમની વાણી સાંભળવા, આ બધા ભક્તોનાં રોદણાં સાંભળવા નહીં. અમારું આધ્યાત્મિક જીવન ઉન્નત થાય તે માટે બોધ ગ્રહણ કરવા અમે મહારાજ પાસે આવ્યા છીએ. ને આ લોકો અમારો વખત બરબાદ કરે છે.” એ લોકોના જીવનના તનાવ ઓછા થાય અને એમનો ભાર હળવો થાય એ માટે મહારાજ એમની વાતો ધીરજથી અને અબોલ સહાનુભૂતિથી સાંભળે છે તે, અમે ત્યારે સમજી શકતા નહીં. અમો જુવાનિયાઓની લાગણી મહારાજ સમજી શકતા અને તેથી, કોઈ કોઈ વાર, કોઈ આધ્યાત્મિક વિષય પર તેઓ ચર્ચા માંડતા. કેટલાક વિષયો મને યાદ છે, કેટલાકનો સ્મૃતિલોપ થયો છે.

એક પ્રસંગ મને બરાબર યાદ છે. વાતચીતના એક દોરમાં એક ભક્તે એક વાર કહ્યું: “પવિત્ર સંગત માટે હું અહીં આવું છું.” “પવિત્ર સંગત!” મહારાજ બોલી ઊઠ્યા. શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર રહેતા. મંદિરમાં કામ કરતા લોકો તથા દક્ષિણેશ્વરના રહેવાસીઓ એમની નિકટ ઘણાં વરસ રહ્યા હતા. કાલીવાડીના કર્મચારીઓ એમની પાસે વરસોનાં વરસ, દિવસ ને રાત એમની પાસે રહ્યા હતા. પણ એ કોઈના જીવનમાં પરિવર્તન આવ્યું ન હતું. તો ‘સાધુસંગ’ શા કામનો? કોઈ સાધુ પાસે જવું કે તેની પાસે રહેવું એટલે ‘સાધુસંગ’ નહીં એ સ્પષ્ટ છે. માત્ર ખોળિયું પાસે હોય, ભૌતિક સામીપ્ય હોય એથી કંઈ બહુ વળે નહીં. ઉચ્ચતર કક્ષાએ અનુસંધાન થવું જોઈએ.”

આગળ ઉ૫૨ એ જ ભક્તે એક વાર કહ્યું: “મારે સંસાર ત્યાગ કરવો છે.” મહારાજ કહે: “તારે સંસારત્યાગ કરવો છે પણ, હું હજી કરી શકતો નથી!” પછી પોતાના અંગ પરના ગરમ કપડાં ચીંધી તેઓ બોલ્યા: “જો, મારે અંગે મેં કેટલાં વસ્ત્રો લપેટ્યાં છે!” એ વેળા શિયાળો હતો અને સારદાનંદજી સંધિવાથી પીડાતા હતા. એટલે શરી૨ને ગરમ રાખવા માટે તેમને વધારે વસ્ત્રોની જરૂર પડતી. આગળ ચાલતાં તેમણે કહ્યું: “એક કાળ હતો કે આખા ઉત્તર ભારતમાં હું એક વસ્ત્રે ભટકતો હતો. પણ, આજે મારે કેટલાં કપડાં લપેટવાં પડે છે એ જોઈ લે! તો, મેં સંસારત્યાગ કર્યો છે એમ હું ક્યે મોઢે કહી શકું?

એ ગૃહસ્થ આમાંનું કેટલું સમજ્યા તે હું જાણતો નથી. એ સ્પષ્ટ છે કે મહારાજને મન ‘સંસાર’ એટલે દેહભાન. જ્યાં સુધી દેહ સાથે તાદાત્મ્ય છે ત્યાં સુધી, અર્થાત્, દેહ સંબંધે ‘હું અને મારું’નું ભાન રહે ત્યાં સુધી, સંસારનું અસ્તિત્વ રહે. સંસારનો ત્યાગ એટલે પોતાનું ઘર છોડી દેવું કે પોતાનાં કુટુંબીઓથી દૂર રહેવું તે નહીં. આપણા ઘર અને આપણાં કુટુંબીજનોનો જ સંસાર બનેલો નથી, એમાં આપણા દેહનો પણ સમાવેશ થાય છે. ‘હું અને મારાપણા’નું ભાન આપણને સંસાર સાથે બાંધી રાખે છે. મહારાજ, કદાચ, એમ કહેવા ઈચ્છતા હતા. જો કે, એ વિશે વિગતે ચર્ચા થઈ ન હતી.

એમની ઓરડીમાં અવાર નવાર જે વાર્તાલાપો ચાલતા તેમાંથી, અધ્યાત્મબોધના આવા ચમકારા અમને મળતા. એ કાળે એ બધું મેં લખી લીધું હોત તો, એ એક મોટો ખજાનો થયો હોત. હાય, મેં એવું કશું કર્યું નહીં. તે સમયે હું ઘણો નાનો અને બિનઅનુભવી હતો. મને થતું, મારે આ બધું શા માટે લખી લેવું જોઈએ? મન થાય ત્યારે હું એ બધું સાંભળી શકું છું. એ કંઈ લાંબા કાળ સુધી ચાલવાનું નથી અને, આ અમૂલ્ય આધ્યાત્મિક બોધ પછી મેળવવો દુષ્કર છે એમ મને ત્યારે ન લાગ્યું.

એ જે હોય તે પણ, સ્વામી સારદાનંદજીનો બાહ્ય દેખાવ અને તેમનું વ્યક્તિત્વ અમારા યુવાન ચિત્ત પર ઊંડી છાપ પાડી ગયાં. સંન્યાસી જીવનમાં મને જે કંઈ આશીર્વાદ પ્રાપ્ત થયા છે તે બધા શ્રીરામકૃષ્ણની કૃપા વડે થયા છે – અને એ કૃપા એમના પોતાના શિષ્યો, તેમાંયે ખાસ સારદાનંદજી દ્વારા પ્રાપ્ત થયેલ છે. શ્રીરામકૃષ્ણના પોતાના ઘણા શિષ્યોના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું છે પરંતુ, સારદાનંદજી સાથેનો સંપર્ક સ્વાભાવિકપણે, વધારે નિકટનો હતો. એટલે, મારી પર બીજાઓની થઈ તેના કરતાં તેમની અસ૨, કદાચ, વધારે હતી.

મઠમાં જોડાયા પછી, બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવી એમ મને લાગ્યું ત્યારે, સ્વામી સારદાનંદજીની પાસે જઈને એમને મેં તે વિશે વાત કરી. હસીને, એમણે મારા વિચારને વધાવ્યો અને કહ્યું: “હું કોઈને દીક્ષા આપતો નથી. (એ વેળા અધ્યક્ષ હતા તે) મહાપુરુષજી મહારાજ દીક્ષા આપે છે. બેલુડ મઠ જા અને તેમને આ વાત કર.” હું બોલ્યો કે, “એમની પાસે જતાં મને ડર લાગે છે. એમની સમક્ષ હું કંઈ બોલી નહીં શકું.” મહારાજને એથી નવાઈ લાગી. “કેવી વાત કરે છે તું? એમનાથી તારે ડરવા જેવું છે શું? થોડું થોભ્યા પછી તેમણે આગળ કહ્યું: “વારુ, જઈને જ્ઞાનમહારાજને કહેજે.” “એમને કહેવાથી શું વળે? મેં કહ્યું, “હું જાણું છું કે તેઓ મંજૂરી નહીં આપે.” “મેં તને મોકલ્યો છે એમ તું કહેજે” મહારાજ બોલ્યા. વારુ. પછી હું બેલુડ મઠમાં ગયો અને મેં જ્ઞાન મહારાજને વાત કહી. તેઓ સીધા મહાપુરુષજી મહારાજ પાસે ગયા અને તેમની સાથે આ બાબત ચર્ચા કરી. દિવસ મુક૨૨ થયો અને મેં દીક્ષા લીધી. તમે જુઓ છો ને કે આ બધું કેટલું સ૨ળ છે? મારે કશુંક જોઈએ છે ને સારદાનંદજી પાસે જઈ, મા પાસે માગતા બાળકની જેમ, એ માગું છું. એમને કંઈ વાંધો કે હિચકિચાટ નથી. એમણે એક વાર પણ મને પૂછ્યું નહીં કે, “તું એ માટે તૈયાર છો?

એક વાર કેટલાક મિત્રો સાથે હું જ્યરામવાટી અને કામારપુકુરની મુલાકાતે ગયો. એ દિવસોમાં રેલગાડી ચાંપાડાંગા સુધી હતી અને બાકીનું અંતર પગે ચાલીને કાપવું પડતું. પાછા વળતી વખતે ચાંપાડાંગામાં અમારે રાતવાસો કરવો પડ્યો હતો. વળતી સવારે અમે કલકત્તા આવવા ગાડી પકડી. ગાડી ચાલુ થયા પછી મને ભાન થયું કે મારી જપમાળા ગુમ હતી. મેં પ્રવાસભંગ કર્યો અને ચાંપાંડાંગા ચાલીને ગયો અને બધે જોઈ વળ્યો પણ જપમાળાનો ક્યાંય પત્તો ન લાગ્યો. પછી હું સાંજે કલકત્તા ભેગો થયો. થોડો પ્રવાસ ચાલીને અને થોડો રેલગાડીમાં કર્યો હતો. સારદાનંદજી પાસે હાજર થઈ હું બોલ્યો: “મહારાજ મારી જપમાળા જ મેં ખોઈ નાખી છે.” એમણે કહ્યું, “અરે મૂરખ! તારી જપમાળા ખોવાઈ તેમાં શું થયું! જપની સંખ્યા આંગળીને વેઢે ગણવાની રીત ઉત્તમ છે.” પછી સાંત્વના આપતાં કહ્યું: “ચિંતા નહીં કર. તને બીજી માળા મળશે.” પછી મને સ૨ખું જમાડવાની સૂચના તેઓ બીજાને આપવા લાગ્યા કારણ કે, માળા ગુમ થવાને કારણે હું નિરાશ થઈ ગયો હતો અને મેં આખો દહાડો કશું ખાધું ન હતું. મહારાજની કૃપાથી મારી ચિંતા અને મારો થાક તરત દૂર થઈ ગયાં.

એક બીજો પ્રસંગ કહું: ત્યારે હું સંન્યાસી બની ચૂક્યો હતો. કાશી જઈ શાસ્ત્રાધ્યયન કરવાની ઈચ્છા મને થઈ. “અધ્યયન માટે કાશી જવું છે, એમ મેં મહારાજને કહ્યું. એ કહે “બેટા, તું બેલુડ મઠમાં રહે છે. ને ત્યાં મહાપુરુષ મહારાજ છે. એમની મંજૂરી માગ.” બનવા કાળ તે મહાપુરુષ મહારાજ તે સમયે ક્યાંક પ્રવાસમાં હતા. મેં એમને લખ્યું. એમણે ઉત્તર વાળ્યો: “આપણા જીવનનો હેતુ પંડિત કે વેદિયા થવાનો નથી. તારે વેદાન્તનું અધ્યયન કરવું હોય તો બેલુડ મઠમાં જ વેદાન્તના સારા અધ્યાપક છે. તું એમના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી શકે છે. કાશી જવાની શી જરૂર છે? આ પત્ર વાંચીને મેં કાશી જવાનું માંડી વાળ્યું. આધ્યાત્મિક જીવનના એક મોટા ભયમાંથી આ રીતે મહાપુરુષ મહારાજે મને બચાવ્યો. એમના કહેવાનો પૂરો મર્મ હું તે કાળે પામી શક્યો ન હતો પરંતુ, પાછળથી હું સમજ્યો કે શાસ્ત્રોના વ્યસન જેવું પણ કંઈક હોય છે ને એ વ્યસન બીજાં વ્યસનો કરતાં ઓછું લલચામણું ને ઓછું નુકસાનકારક નથી. શાસ્ત્રાધ્યયન આપણા આધ્યાત્મિક જીવનની પ્રગતિને વેગ જરૂર આપી શકે છે પરંતુ, શાસ્ત્રોનું વળગણ મોટો અવરોધ ઊભો કરે છે. પોતાના આંતરચક્ષુથી મહાપુરુષ મહારાજ એ જોઈ શક્યા ને તેથી, તેમણે મારા વિચા૨ને અનુમોદન ન આપ્યું. એમને મારો વિચાર ગમ્યો હોત તો, “જરૂર તારે જવું જ જોઈએ” તેમ તેમણે કહ્યું હોત. કેમકે, દરેક ઉદાત્ત પ્રવૃત્તિને તેઓ ઉત્તેજન આપતા.

હું બેલુડ મઠમાં રહેતો. મને કાંઈ શંકા થાય તો, ‘ઉદ્બોધન’માં સારદાનંદજીને મળવા હું જતો. એક વાર જઈને મારી આધ્યાત્મિક સાધના વિશે મેં તેમને પૂછ્યું. તેઓ બોલી ઊઠ્યા: “શું છોકરા, તારે બધું જ મને પૂછવું જોઈએ? મને જરા માઠું લાગ્યું ને વિચારવા લાગ્યો કે તો મારે પૂછવું કોને? મારી મૂંઝવણ તેઓ સમજી ગયા એમ લાગ્યું અને તરત કહેવા લાગ્યા: “બેટા મારા! અમે શું અનંતકાળ સુધી તારી પાસે રહેવાના છીએ? તારા મનમાં શંકા ઊઠે તો એનું સમાધાન તારી જાતે જ ક૨વા તારે પ્રયત્ન કરવો. તારા પ્રશ્નોના ઉત્તરો આપવા માટે અમે અમરપટો નથી લખાવી લાવ્યા. જાતે જ એ તારે કરવું રહ્યું. તારી જાતે જ ઉત્તર ખોળવા રહ્યા.” પોતાના પગ પર ઊભા રહેતાં મારે શીખવું જોઈએ એમ તેઓ મને શીખવવા માગતા હતા તે હું સમજી ગયો.

પણ, અગાઉ જણાવ્યા પ્રમાણે, એમની ભૌતિક ઉપસ્થિતિ વિના અમારે ચલાવવું પડશે તે સમજવાને માટે, તે કાળે હું ખૂબ નાનો હતો. અમારી આધ્યાત્મિક ખોજમાં પણ ધીરે ધીરે અમે સ્વાવલંબી બનીએ તે માટે તેઓ પ્રયત્નશીલ હતા એમ પાછળ નજર કરતાં મને આજે સમજાય છે. ઉત્તમ આધ્યાત્મિક ગુરુઓ એમ જ કરે છે. પોતાના શિષ્યોને સદા પોતાના પર તેઓ અવલંબન રાખવા દેતા નથી. તેઓ શિષ્યોને સ્વાવલંબી બનાવે છે. પોતાના બધા શિષ્યો માટે સ્વામી સારદાનંદજીએ પણ તેમ જ કર્યું. એમ ક૨વા માટે તેઓ કોઈ વાર આછો ઠપકો આપતા તો કોઈક વાર પ્રેમાળ બોધ આપતા. કદી કોઈ તેમની પાસેથી ઠપકો પામતું તો, એ એનું પરમ સદ્ભાગ્ય હતું કારણ કે, થોડી વાર પછી તરત જ, મહારાજનો નિરવધિ પ્રેમ તેને અવશ્ય પ્રાપ્ત થવાનો જ. મહારાજનો એ સ્વભાવ જ હતો. જે આકરા શબ્દો કોઈને લાંબો સમય પીડા કરે તેવા કોઈ પ્રત્યે તેમણે કદીયે વાપર્યા નથી.

પ્રકૃતિએ સારદાનંદજી ખૂબ ગંભીર, શાંત અને વિચારશીલ હતા. શરૂઆતમાં એમની પાસે જતાં અમને હિચકિચાટ થતો અને થોડો ડર લાગતો. પણ પછીથી એમના નજીકના સંપર્કમાં આવવાની તક અમને લાધી ત્યારે અમે જોયું કે ડરવા જેવું કશું જ નથી. માણસે ગમે તે ભૂલ કરી હોયને, મહારાજની હાજરીમાં એણે ડરવાપણું ન હતું. કારણ, મહારાજ અસીમ ક્ષમામૂર્તિ હતા. એક દાખલો આપું. એ વેળા હું બેલુડ મઠમાં હતો. એક સાધુએ કંઈ ગંભીર અપરાધ કર્યો અને બધા વડેરાઓએ ઠરાવ્યું કે એને મઠમાંથી તત્કાલ કાઢી મૂકવો. એ સમયે મહાપુરુષ મહારાજ મઠમાં ન હતા. એટલે, મઠના જનરલ સૅક્રેટરી સ્વામી સારદાનંદજી પાસે તે સાધુને ‘ઉદ્બોધન’માં લાવવામાં આવ્યો. લાવનાર બોલ્યા: “આ માણસે નિયમભંગ કર્યો છે. માટે, અમને લાગે છે કે એને મઠમાંથી હાંકી કાઢવા.”

મહારાજે શું કહ્યું? તેઓ બોલ્યા: “એને આવી આકરી સજા કરવી જોઈએ એ વાતમાં હું તમારી સાથે સંમત છું. એનો આ શિસ્તભંગ પહેલવા૨કો નથી એ પણ હું જાણું છું. પરંતુ, એને સુધરવાની એક વધુ તક આપવામાં આવે એવી હું વિનંતી કરું છું.” કેટલું અચરજભર્યું એ! મહારાજ મઠના જનરલ સૅક્રેટરી હતા. એમનો નિર્ણય તો આખરી હતો. ને તે છતાંયે તેમણે પોતાના મતને ‘વિનંતી’ રૂપે મૂક્યો. અમે જુવાન હતા અને બધું કાળું ને ધોળું જ સમજતા હતા. માણસ કોઈ વાર નિર્બળતાને વશ થાય તે પ્રત્યે અમને અનુકંપા ન હતી. અમને બધાને લાગતું હતું કે મઠમાંથી પેલા સાધુને કાઢી મૂકવો જોઈએ. પણ મહારાજનો પ્રતિભાવ સાવ નિરાળો હતો. એમના બોલ માત્ર હતા: “એને એક બીજી તક આપો.” આવા દરેક પ્રસંગે તેમનો પ્રતિભાવ આવો જ હતો. જેની ક્ષમા ન આપી શકાય એવી કોઈ નિર્બળતા, કોઈ ગેરશિસ્ત એમની પાસે ન હતી. પછી એમની સંનિધિમાં ભય અનુભવવાનું કારણ ક્યાં હતું? તેઓ પુણ્યશ્લોક માના સેવક હતા. માનો નિત્ય ક્ષમાશીલ, નિત્ય પ્રેમાળ સ્વભાવ એમના જીવનનો સહજ ભાગ બની ગયો હતો. અમને લાગતું કે જુદા રૂપે ‘ઉદ્બોધન’માં મા જ વસી રહ્યાં છે.

એમનું અતંર એવું કરુણાસંપન્ન હતું કે, એમની છત્રછાયા હેઠળ, માને નિવાસે, માનસિક રીતે વ્યથિત ચિત્તવાળા કેટલાક લોકો રહેતા હતા. એ રાંક આત્માઓથી બીજાઓ દૂર રહેતા પણ મહારાજની અનુકંપા ભરી દૃષ્ટિનો લાભ એ સૌને મળ્યો. એમાંનો એક માથે પાઘડી બાંધી અને હાથમાં લાઠી ધારણ કરી ઊભો રહેતો ને પોતાની જાતને ‘મહારાજનો દ૨વાન’ કહેવરાવતો. એમાંના કોઈ મિથ્યાભિમાની હતા, કોઈને પોતાની વિદ્વત્તાનો અહંકાર હતો અને, કેટલાકનું વર્તન બીજાઓ માટે તદ્દન અસહ્ય હતું. મહારાજને ઘણા લોકો ફરિયાદ કરતા: “આવા બધા લોકોને આપે અહીં રહેવા દીધા છે. એ માટે એ લોકો લાયક છે શું? મહારાજ ઉત્તર આપતા “હા, ભાઈ, હું એમને સારી રીતે જાણું છું. મને એ પણ ખબર છે કે બીજે ક્યાંય એમનો સ્વીકા૨ થશે નહીં. એથી તો મે તેમને અહીં આશરો આપ્યો છે. હું એમને કાઢી મૂકીશ તો, એ બિચારા જશે ક્યાં?

સારદાનંદજીની દેખભાળ હેઠળ એમનું સ્થાન છે તેવી એ લોકોને ખાતરી હતી. પોતાને તેઓ ત્યાંથી તગડી મૂકશે તેની શંકા કે ચિંતા તેમને ન હતી. એટલે સારદાનંદજી પાસે કોઈ કોઈ વાર તેવી ફરિયાદો આવવા છતાં એ માનસિક પીડા ભોગવનારાઓને તેમણે કદી પોતાના પ્રેમથી વંચિત રાખ્યા ન હતા. સૌને અસીમ પ્રેમ આપવો એ સારદાનંદજીનો સ્વભાવ હતો. પોતાની વત્સલ કાળજી આપવામાં તેઓ કદી ભેદભાવ ન કરતા. મહારાજનો આ ગુણ જોઈ દરેકને ખૂબ પ્રેરણા મળતી. જો કે, કોઈ કોઈ વા૨ એવા પ્રસંગ બનતા અને મનમાં ખેદ અનુભવતાં અમે મનોમન વિચારતા કે, “આવા નાલાયક માણસોને મહારાજ શા માટે આશરો આપે છે? પણ મહારાજ જુદા દૃષ્ટિકોણથી જોતા. અમારામાંના કેટલાક મજાકમાં કહેતા કે, “માનું ઘર પાગલખાનું છે!” માનસિક પીડાના એ રોગીઓની સારસંભાળ લેતા અને તેમનું ધ્યાન રાખતા એ મહાત્માની મહત્તા અમે તે કાળે ન તો સમજતા હતા, ન સમજવાની દરકાર કરતા હતા.

એ ચિત્તભ્રમિત લોકોનાં કેટલાં મેણાંટોણાં, કેટલાં અપમાન એ સહન કરતા! એક વાર, એમાંથી એકને કંઈ ખર્ચનો હિસાબ આપવા મહારાજે કહ્યું. પેલાએ મહારાજને ઉત્તર આપ્યો: “તમે હિસાબમાં શું સમજો? ગુસ્સે થયા વિના મહારાજ કહે: “એય.. હદથી આગળ જવું બરાબર નથી.” મહારાજ જાણતા હતા કે પોતે ભલે એ લોકોની બધી ભૂલોની ક્ષમા આપે, બીજાઓ તેમ નથી જ કરવાના. બીજાઓ સામો જવાબ વાળશે અને અંતે તકલીફમાં આ પાગલ જ મુકાશે. એથીજ તો હદ બહાર ન જવાનું પેલાને તેમણે આસ્તેથી કહ્યું હતું.

સારદાનંદજીનું બીજું મહાન લક્ષણ એ હતું કે બીજાના ગુણોને તેઓ મોટા કરીને જોતા અને તેમની ઊણપો ૫૨ લક્ષ દેતા નહીં. હૃદયની આ મહત્તા વિના શું રામકૃષ્ણ આંદોલન આટલા વેગથી વધી શક્યું હોત? પછવાડે નજર કરતાં આપણને લાગે છે કે સૌથી ઉચિત વ્યક્તિને જ શ્રીરામકૃષ્ણે જવાબદારી સોંપી હતી. એમ કહેવાય છે કે એક વાર શ્રીરામકૃષ્ણ સારદાનંદજીના ખોળામાં બેઠા હતા ને પાછળથી ખુલાસો કર્યો હતો કે “એ કેટલો ભાર ઝીલી શકે તેમ છે તે મારે જોવું હતું.” કોઈ પણ જવાબદારીનો બોજો ઉઠાવવાની અનંત શક્તિ સારદાનંદજીમાં હતી. તમે જાણો છો કે પુણ્યશ્લોક મા શું કહેતાં: “કેવળ શરત્ (સ્વામી સારદાનંદ) મારો ભાર વહી શકે. બીજા કોઈનું એ ગજું નથી. પહેલો યોગેન (સ્વામી યોગાનંદ) હતો અને એની પછી હવે શરત્ છે.”

પૂજ્ય માનું ધ્યાન એ કેવું રાખતા એ તમે પુસ્તકોમાં વાંચ્યું છે. પોતે સંન્યાસી હતા તે છતાં, મા સાથે નિત્ય બધે ફરતા રહેતા. ભક્તોના મોટા પરિવારનો બોજો પણ તેઓ ઉપાડતા. તેઓએ કદીય ધીરજ ગુમાવી નથી. કામારપુકુર અને જયરામવાટી બંને ગામડાઓનાં હિતનું ધ્યાન તેઓ રાખતા એમ લગભગ કહી શકાય. તેઓ કહેતા કે, “કામારપુકુર અને જયરામવાટીનાં કૂતરાં બિલાડાં પણ આપણાં પ્રેમ અને માનનાં અધિકારી છે, કૂતરાં બિલાડાં સુધ્ધાં! આ કંઈ કાવ્યની અત્યુક્તિ નથી. ખરેખર આવું જ સારદાનંદજીનું વલણ હતું.

એમનામાં ઘીરજ પણ અપાર હતી. પૂજ્ય શ્રી માના પોતે સાચા બાળક અને સેવક હોઈ, મા પાસેથી સાક્ષાત્ એ ગુણો એમને વારસામાં મળ્યા હતા. એમના અંતઃકરણમાં પૂજ્ય શ્રી મા સિવાય બીજું કશું જ ન હતું. બીજાઓ સાથેનો એમનો વહેવાર અસલ માના વ્યવહાર જેવો જ હતો! એટલે તો, પૂજ્ય શ્રી માની મહાસમાધિ પછી, ભક્તો એમની પાસે જઈને, માના જવાથી થયેલો ખાલીપો પૂરી શકતા. કદાચ પૂજ્ય શ્રી મા આ જાણતાં હતાં કે સારદાનંદજીએ આ કાર્ય ક૨વું પડવાનું એટલે, તદ્દન શરૂઆતથી જ તેઓ સારદાનંદજીનું આ માટે ઘડતર કરતાં હતાં.

રામકૃષ્ણ મઠના સંચાલનનીયે વળી આકરી જવાબદારી હતી. મઠના અધ્યક્ષપદે મહાપુરુષ મહારાજ હતા ત્યારે એમની પાસે કંઈ મૂંઝવણ લઈને કોઈ આવે તો તરત એ કહી ઊઠતા “શરત્ મહારાજ પાસે જાઓ. એ કહે તેમ કરજો.” આવી બાબતોની કશી ઉપાધિ મહાપુરુષ મહારાજ કરતા નહીં. શરત્ મહારાજ યોગ્ય માર્ગદર્શન આપી શકશે એમ પોતે જાણતા હોવાથી, મહાપુરુષ મહારાજ હરકોઈને સારદાનંદજી પાસે મોકલી દેતા. અને વરસો સુધી સારદાનંદજીએ આ મહાભાર વહ્યો હતો. ગણગણ કર્યા વગર કે ફરિયાદ કર્યા વગર, પોતાના જીવનના અંત સુધી, તેમણે આમ કર્યું હતું.

એ ભાર કેવી નિપુણતાથી તેમણે વહ્યો હતો એ ઈતિહાસને ચોપડે ચડી ચૂક્યું છે. એમના સમી પ્રેમાળ અને ક્ષમાશીલ વ્યક્તિ વહીવટને અધ્યક્ષપદે હતી એટલે તો અનેક વિચિત્રતાઓ અને અપૂર્ણતાઓથી ભરી અમારા જેવી વ્યક્તિઓ મઠમાં સ્થાન પામી શકી. નવા આગંતુકોની લાયકાત માટે એકદમ ચૂસ્ત વસ્તુલક્ષી ધોરણો હોત તો, અમે ક્યાં હોત! એમની સમક્ષ અમે કોઈ પૂર્ણ, નિર્દોષ જીવન લઈને ગયા ન હતા. અમારામાં અવળચંડાઈઓ આશંકાઓ હતી, નબળાઈઓ હતી. અમારા ચિત્તપર લાગેલો બધો મેલ અને બધી રજ પોતાને હાથેથી સાફ કરવા તેઓ સદા સજ્જ હતા. અમે અને અમારા જેવા અનેક બીજા – બચી ગયા છીએ અને જીવનનું ઉચ્ચતર ધ્યેય પ્રાપ્ત કરી શક્યા છીએ તે કેવળ એમની કૃપાથી. શબ્દો વડે કે બીજા પ્રસંગો દ્વારા આ કઈ રીતે સમજાવી શકાય? આ તો અનુભૂતિની ઘટના હતી, એને શબ્દો દ્વારા સરળતાથી વ્યક્ત કરી શકાતી નથી.

પૂજ્ય શ્રી માની સેવા કરવાની અને મઠનું સંચાલન કરવાની જવાબદારી જાણે ઓછી હોય તેમ તેમણે બીજું ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું; એ હતું – શ્રીરામકૃષ્ણના જીવન અને જે આદર્શ તેમણે રજૂ કર્યો હતો તેને વિશે સરળ ભાષામાં લખવાનું. ઉદ્બોધન કાર્યાલયના દરવાજા પાસેની નાનકડી ખોલીમાં બેસીને સારદાનંદજીએ પોતાનો મહાગ્રંથ ‘શ્રી શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગ’ (અંગ્રેજી અનુવાદ Sri Ramakrishna The Great Master, ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’) લખ્યો હતો. મુલાકાતીઓના સતત વહેતા પ્રવાહથી સામાન્ય માણસ, ત્યાં થોડી મિનિટ માટે પણ કામમાં ચિત્ત પરોવી શકે નહીં એવું એ સ્થાન હતું.

વધારામાં, ‘ઉદ્બોધન’માં રહેતા સંન્યાસીઓનું અને ત્યાં રોજ આવતા મુલાકાતીઓનું ધ્યાન સારદાનંદજી રાખતા. પોતાની આધ્યાત્મિક અને સાંસારિક બધી મૂંઝવણો લઈને લોકો તેમની પાસે આવતા. કેટલીક ડોશીઓએ પોતાની બચત તેમની પાસે રાખી હતી. એ કેવું સલામત સ્થાન હતું તે તેઓ જાણતા હતાં. નાનાં નાનાં પડીકાંઓમાં સારદાનંદજી આ બધું પોતાના કબાટમાં રાખતા. “આ બધી પળોજણમાં હું ક્યાં પડું? હું તો સાધુ છું. તમે આવી બધી વિનંતીઓ કરતી મારી પાસે શા માટે આવો છો” આમ એક વાર પણ એમણે ઉચ્ચાર્યું નથી. બધાંનું ધ્યાન રાખવાનો અને બધાંની સેવા કરવાનો પોતાનો ધર્મ છે એમ એમને લાગતું અને, બીજા કોઈએ નહીં પણ પૂજ્ય શ્રી માએ એમને આ જવાબદારી સોંપી હતી.

તમને એક બીજી વાત કરું. એક માણસ હતો, એનાં સારદાનંદજીએ ખૂબ વખાણ કર્યાં હતાં, એ વ્યક્તિની આધ્યાત્મિક સાધનાની તથા ત્યાગવૃત્તિની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. પરંતુ સમય જતાં તેમણે જોયું કે એ વ્યક્તિનું જીવન ઘણું અધઃપાત પામ્યું હતું. કેટલાક લોકો ટીકા કરવા લાગ્યા: “મહારાજ એમને કેવો વખાણતા હતા! આવું બની કેમ શકે? આજે મને સમજાય છે કે કેવળ એનો વર્તમાન જોઈને નહીં પરંતુ, એના ભૂત અને ભવિષ્યને જોઈને મહારાજ એની પ્રશંસા કરતા. પાછળની જિંદગીમાં એ જ વ્યક્તિ કેટલો પશ્ચાત્તાપ કરતી અને પ્રભુની પ્રાર્થનામાં તેમજ એની ક્ષમાયાચનામાં કેટલો સમય વ્યતીત કરતી તે પણ અમે જોયું છે. મને લાગે છે કે એ ભાઈ આદર્શ જીવન તરફ વળશે એમ મહારાજ જોઈ શક્યા હતા તેથી એની પ્રશંસા તેઓ કરતા અને આરંભના દિવસોમાં તેને સહાય કરતા.

કોઈના જીવનનો એક નાનો ખંડ જોઈ એ વ્યક્તિને માપવાની ભૂલ આપણામાંના ઘણા કરતા હોય છે. કોઈનો ન્યાય તોળતાં પહેલાં આપણી પાસે એ વ્યક્તિના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળની બધી વિગતો આપણી પાસે હોવી જરૂરી છે તેનું આપણને ભાન રહેતું નથી. આપણે આમ નથી કરતા માટે તો, આપણે ભૂલો કરીએ છીએ અને આપણાં તાદાત્મ્યો જૂઠાં પડતાં હોય છે. પરંતુ મહાન ગુરુઓનું દર્શન એવું મર્યાદિત હોતું નથી. તેઓ દરેક વ્યક્તિનો કેવળ વર્તમાન નહીં, ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ વાંચી શકે છે. જ્યાં જ્યાં તેઓ મહાન આવિષ્કારની શક્યતા જુએ છે ત્યાં ત્યાં, તેઓ તેની પ્રશંસા કરે છે. મહારાજના આશીર્વાદ જેને લાઘ્યા છે એ માણસ ઊણો કેમ ઊતરે છે એની અમને ઘણી વાર નવાઈ લાગે છે. આપણે સૌ અધીરા માણસો છીએ. મહારાજના આશીર્વાદ અચૂક ફળે જ છે. અમને શ્રદ્ધા છે કે, જે કોઈને એ આશીર્વાદ પ્રાપ્ત થયા છે તેને, વહેલા કે મોડા, એ ફળે જ છે. પણ સૌ કોઈને તે ક્યારે ફળે તે કોઈ ખાતરીપૂર્વક કહી શકે નહીં. કેટલાકને તરત ફત્તેહ મળે તો કોઈકને થોડો સમય લાગે. પણ એમાં શું થઈ ગયું? પારસમણિ લોઢાના સંસર્ગમાં આવતાં લોઢાનો કટકો સોનું થઈ જાય છે. સોનાના એ ટુકડાનો આકાર કેવો છે તેની સાથે પછી શી નિસ્બત? સારદાનંદજીના પરિચયમાં આવીને જે કોઈ એમના આશીર્વાદ પામ્યું તે, એ જ રીતે, વહેલું કે મોડું પોતાના ધ્યેયને પામશે જ.

અને એમને મળવાની તક જે લોકોને સાંપડી ન હતી તેઓ પણ, સારદાનંદજીના પાવક જીવનનું અધ્યયન કરે અને એમના બોધને અનુસ૨વાનો પ્રયત્ન કરે તે લોકો પણ ધ્યેયને પામશે. આ એ કારણે કે અવતારો અને એમના સાથીઓમાં કંઈ ભેદ નથી. શ્રીરામકૃષ્ણ કહેતા કે એ સઘળા પાણીની વેલીઓનાં ઝૂમખાં જેવા છે. એકને કાઢવી હોય તો બધીને કાઢવી પડે. અવતાર આવે છે ત્યારે પોતાના પસંદગીના સાથીઓને લઈને આવે છે. અને, તેમના બંનેનાં જીવન અવિભાજ્ય હોય છે. એટલે સ્વામી સારદાનંદજીના આશીર્વાદ એટલે શ્રીરામકૃષ્ણના આશીર્વાદ, સારદાનંદજીની કૃપા એ શ્રીરામકૃષ્ણની યે કૃપા. આપણે બાઈબલમાં ઈસુના શબ્દો વાંચીએ છીએ કે, “જેણે પુત્રને જોયા છે તેણે પિતાને પણ જોયા છે.” જેમણે શ્રીરામકૃષ્ણના નિજી શિષ્યોને જોયા છે ને તેમની કૃપા પામ્યા છે. તે લોકો આપોઆપ શ્રીરામકૃષ્ણની જ કૃપા પામ્યા છે. શ્રીરામકૃષ્ણના નિજી શિષ્યોના માધ્યમ દ્વારા શ્રીરામકૃષ્ણની જ કૃપા સૌની ઉ૫૨ વર્ષી હતી.

એક ભક્તે સ્વામી શિવાનંદજીને એક વાર પૂછ્યું: “હું સ્વામી બ્રહ્માનંદ પાસે દીક્ષા લઉં કે પૂજ્ય શ્રી મા પાસે લઉં? મહાપુરુષજી મહારાજનો ઉત્તર લાક્ષણિક રીતે સરળ અને ત્વરિત હતો: “બેમાં કઈ ફરક નથી એ બેય નળમાંથી પાણી તો એક જ ગંગાનું આવે છે.” શ્રીરામકૃષ્ણના નિજી શિષ્યો બધા પેલા નોખા નોખા નળ છે જે દરેકમાંથી પછીની પેઢીઓ ૫૨ શ્રીરામકૃષ્ણની કૃપા સદા વસતી રહે છે. આપણે સ્વીકારીએ કે નહીં, જે કોઈ આ કૃપાને પાત્ર બને છે તેનું જીવન સફળ બને છે. આજે નહીં તો ભવિષ્યમાં કોઈ દહાડો આપણે આનો સ્વીકાર કરવો જ પડવાનો.

મને પુણ્યશ્લોક માના જીવનનો એક પ્રસંગ યાદ આવે છે. કોઈએ તેમને પૂછ્યું: “મા, આપણે પ્રગતિ કરીએ છીએ કે નહીં તે આપણને કંઈ રીતે ખબર પડે? એ માનો શિષ્ય હતો પરંતુ, પોતે પ્રગતિ કરતો હતો કે નહીં તે સમજી શકતો ન હતો. મા તો એક ગ્રામ્ય નારી હતાં. પંડિત નહીં. એટલે એમણે પાંડિત્યભર્યો ઉત્તર ન આપ્યો. પાંડિત્યભર્યા ઉત્તરો મોટી છાપ પાડતા હશે પણ, હૃદયને હંમેશાં સંતોષી શકે નહીં. માનો ઉત્તર સાદો અને વ્યવહારુ હતો. એ બોલ્યાં: “બેટા, ધાર કે તું સૂતો છે અને કોઈ તારા ખાટલા સાથે તને ઉપાડી જાય તો તને ખબર પડવાની કે?

અર્થ સ્પષ્ટ છે. આપણને ખબર પડે યા ન પડે, શ્રીરામકૃષ્ણ અને પૂજ્ય માની કૃપાથી આધ્યાત્મિક પ્રગતિ થવાની જ છે હકીકતમાં એ થઈ જ રહી છે. એ જોવાની આંખો આપણને હોત તો આપણે એ ક્યારનું યે સમજી શક્યા હોત. વહેલા કે મોડા, આપણા જીવનમાં થતા એ કરુણાકાર્યને આપણે સમજી શકીશું.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 166

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.