મહા શિવરાત્રિ (૨૭-૨-૯૫) પ્રસંગે

સામાન્યતઃ ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ ભગવાન શંકરની મૂર્તિ, આ વિભિન્ન વિગ્રહોમાં સૌથી અધિક પ્રચલિત છે. મા કાળીની મૂર્તિ સાથે, એમના ચરણમાં શબ રૂપી શિવથી પણ સહુ પરિચિત છે. તાંડવ નૃત્ય કરતા અને ગંગાવતરણ સમયે ગંગાના વેગને પોતાની જટામાં ઝીલતા, આ બીજા બે ભગવાન શિવનાં રૂપ છે. અર્ધનારીશ્વર પણ એક સુંદર પ્રતીકાત્મક વિગ્રહ છે જેની પૂજા, આરાધના કેટલાક ભક્ત કરે છે.

મા કાળીનાં ચરણ તળે પડેલા શિવ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું પ્રતીક છે. તાંડવ નૃત્ય એમનું સંહારાત્મક સ્વરૂપ છે. ભક્ત, ત્યાગી અને જગતનાં કલ્યાણમાં રત, ધ્યાનસ્થ, યોગી શિવ સંન્યાસીઓના આદર્શ છે. મા કાળીનાં ચરણોમાં પડેલા ભાવાતીત, નિર્ગુણ – નિરાકાર, “પ્રપંચોશમં, શાંતં, શિવમદ્વૈતમ્” જ ધ્યાનસ્થ સગુણ – સાકાર અનંત ઉચ્ચતમ ભાવોના પ્રતીક ભાવમય શિવ રૂપે પ્રકટ થાય છે. આ બંને અવસ્થાની વચ્ચેની સ્થિતિનાં પ્રતીક રૂપે અર્ધનારીશ્વર મૂર્તિને લઈ શકાય. આ મૂર્તિનાં દક્ષિણાર્ધ શિવ છે. અને વામાર્ધ પાર્વતી છે. દાર્શનિક ભાષામાં આ પુરુષ અને પ્રકૃતિ, ચેતન અને જડનાં સંમિશ્રણનું પ્રતીક છે. શાસ્ત્રોમાં બ્રહ્મ અને એની શક્તિને, અગ્નિ અને એની દાહિકા શક્તિની જેમ અભેદ માન્યા છે. અર્ધનારીશ્વરને પણ આ રીતે બ્રહ્મ અને શક્તિનાં અભિન્નત્વ દર્શાવનાર પ્રતીક રૂપે માની શકાય. બ્રહ્મ અને જગતના સંબંધ વિષે અનેક મત પ્રચલિત છે. અદ્વૈત વેદાંત અનુસાર બ્રહ્મ જ એક માત્ર સત્તા છે. અને જગત મિથ્યા છે જે માયા દ્વારા નિર્મિત છે. એક બીજા મત અનુસાર, બ્રહ્મ અને માયા યા શક્તિ બંને અભિન્ન છે. એક જ સત્તાનાં બે રૂપ છે. આવી જાતની ભિન્ન – ભિન્ન દર્શન પ્રણાલીઓ છે. અને કેટલાકે અર્ધનારીશ્વરને પોતાના મતનું પ્રતિપાદન કરનાર રૂપ તરીકે ગ્રહણ કર્યું છે.

આધ્યાત્મિક દૃષ્ટિએ અર્ધનારીશ્વર ભાવમુખ અવસ્થાનું પ્રતીક છે. નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મની વચ્ચેની એ અવસ્થા જેમાં વિરાટ સર્વવ્યાપી અહં વિદ્યમાન હોય છે – એને ભાવમુખ કહે છે. અવતારી અને ઈશ્વર કોટિ મહાપુરુષ આ અવસ્થામાં રહી જગત કલ્યાણ કરે છે. નિર્વિકલ્પ સમાધિમાં છ મહિના સુધી નિમગ્ન રહ્યા બાદ શ્રીરામકૃષ્ણને મા જગદંબાએ ભાવમુખે રહેવાનો આદેશ દીધો હતો. આ અવસ્થામાં શ્રીરામકૃષ્ણ પોતાને એ વિરાટ અહં, એ વિરાટ ચૈતન્યથી અભિન્ન અનુભવતા હતા, જેમાં સમગ્ર ભાવનો ઉદ્‌ભવ થાય છે. આ અવસ્થા અદ્વૈત અને દ્વૈતની મિલન – સ્થળી છે. અહીં અવસ્થિત મહાપુરુષ પોતાને સંસારના સમસ્ત પ્રાણીઓનાં અંતરાત્મા રૂપે અનુભવે છે.

મનોવિજ્ઞાનિક દૃષ્ટિએ અર્ધનારીશ્વર કોમલ અને કઠોર, પુરુષોચિત અને સ્ત્રીઓને ઉચિત ભાવોનાં સંમિશ્રણનું પ્રતીક છે. પ્રત્યેક વ્યક્તિમાં શૌર્ય, વીરતા, કઠોરતા વગેરે પુરુષોચિત અને કોમળતા, પ્રેમ, કરુણા વગેરે સ્ત્રીઓને ઉચિત ભાવ ન્યૂનાધિક માત્રામાં હોય છે.

સામાન્ય રીતે પુરુષોમાં કઠોર અને સ્ત્રીઓમાં કોમળ ભાવ અધિક હોય છે. પરંતુ એમાં અપવાદ પણ હોય છે. મહાપુરુષોનાં સંબંધમાં કહેવાય છે કે તેઓ વજ્રસમ કઠોર અને ફૂલ સમ કોમળ હોય છે. આ અદ્‌ભુત સમન્વયનું પ્રતીક છે, અર્ધનારીશ્વર.

ભગવાન શિવ વૈરાગ્યના દેવતા છે, એમણે આવશ્યકતા આવી પડતાં પોતાની પ્રિયતમા સતીનો ક્ષણભરમાં ત્યાગ કર્યો હતો. પરંતુ તેઓ અનુરાગના પણ આદર્શ છે. ભગવાન શંકરના આ પાસાંનું રાજર્ષિ ભર્તૃહરિએ એક સુંદર શ્લોક દ્વારા વર્ણન કર્યું છે.

એકો રાગિષુ રાજતે પ્રિયતમા દેહાર્ધધારી હરો

નીરાગેષુ જનો વિમુક્તલલનાસંગો ન યસ્માત્ પરઃ।

દુર્વાર સ્મરબાણપન્નગવિષ-વ્યાવિદ્ધ મુગ્ધો જનઃ

શેષઃ કામવિઽમ્બિતાન્ન વિષયાન્ ભોક્તું ન મોક્તું ક્ષમઃ।।

અર્થાત્ રાગીઓમાં એક માત્ર શિવ જ સર્વ શ્રેષ્ઠ છે, જેમણે (અર્ધનારીશ્વર રૂપમાં) પોતાની પ્રિયતમાને અર્ધાંગનું સ્થાન દીધું છે. રાગરહિત લોકોમાં પણ લલનાસંગત્યાગી શિવથી મોટું કે ચડિયાતું કોઈ નથી. સંસારના બીજા સર્વ લોકો કામનાં દુર્નિવા૨ બાણોનાં વિષથી પીડાઈને ન તો વિષયો ભોગવવાને (સમર્થ થાય છે) કે ન તો ત્યાગવામાં શક્તિમાન (સમર્થ) થાય છે.” તેથી અર્ધનારીશ્વર પ્રવૃત્તિ અને નિવૃત્તિ, આસક્તિ અને અનાસક્તિ, અનુરાગ અને વૈરાગ્યના મિલનનું પ્રતીક પણ છે.

ઉપરોક્ત વિભિન્ન અર્થો સિવાય પણ અર્ધનારીશ્વરના બીજા બે અર્થ, સ્વામી વિવેકાનંદે કાશ્મીર ભ્રમણ દરમિયાન પોતાના શિષ્યોને કહ્યા હતા. પ્રથમ, , એ સત્યના સાક્ષાત્કારનું પ્રતીક છે કે જેમાં જ્ઞાન અને પરાભક્તિથી પ્રાપ્ત ત્યાગ એક બીજાને મળે છે. શિવાર્ધ જ્ઞાનનું અને શકત્યાર્ધ પરાભક્તિનું પ્રતીક છે અને એમનું મિલન એ ત્યાગનું પ્રતીક છે, જે આ બંનેનું સમાન પરિણામ છે. જ્ઞાન અને ભક્તિ અલગ અલગ અને પરસ્પરનાં વિરોધી હોવા છતાં પણ અંતમાં એક જ લક્ષ્યે પહોંચાડે છે.

સ્વામીજીના કહેવા અનુસાર અર્ધનારીશ્વરનો બીજો પણ એક અર્થ છે. સંન્યાસ અને માતૃપૂજાની બે મહાન ભાવધારાઓનું મિલન. શિવાંશ સંન્યાસનું અને શકટાંશ માતૃપૂજાનું પ્રતીક છે. આ બે ધારાઓ અનાદિકાળથી પૃથકરૂપે માનવસમાજમાં પ્રચલિત છે. આપાત વિરોધી આ બંને ભાવધારાનું સમાજમાં કોઈ કાળે મિલન થયું હશે. એનું પ્રતીક છે અર્ધનારીશ્વર.

સ્વામી વિવેકાનંદ શિવના અવતાર હતા. ભગવાન શંકર સાથે એમનું કેટલું બધું સામ્ય હતું! શું શિવજીના આ વિશેષ રૂપ, અર્ધનારીશ્વર સાથે પણ શું સમાનતા છે! શું એ ભાવ, ગુણ અને સ્થિતિઓ, જેનું પ્રતીક અર્ધનારીશ્વર છે, એ સર્વ સ્વામી વિવેકાનંદમાં હતી?

(૨) ભાવમુખે સ્વામી વિવેકાનંદ

સ્વામી શારદાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ લીલા પ્રસંગ’માં શ્રીરામકૃષ્ણની ભાવમુખ સ્થિતિનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. સત્ય તો એ છે કે શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને શ્રીમા શારદા, ત્રણેય જણ સદા દ્વૈત અને અદ્વૈતની મિલન સ્થળી જેને ભાવમુખ કહે છે, એ ભાવમુખે રહેતા હતા. ત્રણે માટે અનાયાસે નિર્વિકલ્પ સમાધિમાં લીન થવાનું સંભવ હતું. નિરાકારમાં લીન થવા ઉન્મુખ પોતાના મનને બાહ્ય જગતમાં લાવવા માટે તેઓને વિશેષ પ્રયાસ કરવો પડતો. અમેરિકામાં સ્વામીજી ભાષણ દેતા ત્યારે કેટલાક શ્રોતાઓને એવું લાગતું કે જાણે તેઓ અનંતની પરિધિ પર ઊભા છે. એમની પાછળ અખંડ સત્તા વિદ્યમાન છે અને તેઓ એનું મુખ બની બોલે છે. સ્વામીજીએ બે કાવ્ય પણ લખ્યાં છે જે એમની આ અપૂર્વ અનુભૂતિઓનું દ્વૈત અને અદ્વૈતની મિલન ભૂમિનું, જ્યાં વિરાટ અહં માત્ર વિદ્યમાન રહે છે. એનું સુંદર વર્ણન કરે છે.

સૃષ્ટિ

એકરૂપ, અરૂપ-નામ-વર્ણ, અતીત-આગામી કાલહીન, દેશહીન, સર્વહીન, ‘નેતિ નેતિ’ વિરામ જ્યાં. જ્યાંથી વહે છે કારણ-ધારા, ધરીને અતિ ઉજ્જવલ વાસના ગર્જી ઊઠે છે તેનું વારિ.

‘અહં, અહં ઈતિ’ સર્વક્ષણ.

એ અપાર ઈચ્છા સાગર મધ્યે

અયૂત અનંત તરંગ વિરાજે

કેટલા એ રૂપ, કેટલી એ શક્તિ,

કેટલી ગતિ સ્થિતિ, કોણ કરે ગણના?

કોટિ ચંદ્ર કોટિ તપન,

મેળવી એ સાગરમાં જનમ,

મહાઘોર ૨વે છવાયું ગગન,

કરીને દશ દિશ જ્યોતિ મગન.

તેમાં બેઠા કેટલા જડ જીવ પ્રાણી,

સુખ દુઃખ, જરા, જનમ મરણ,

એ જ સૂર્ય, એનાં જ કિરણ, એ જ સૂર્ય એ જ કિરણ.

અને પ્રલય યા ગંભીર સમાધિ નામની કવિતામાં:

નહિ સૂર્ય, નહિ જ્યોતિ, નહિ શશાંક સુંદર,

ભાસે વ્યોમ(માં) છાયાસમ છબી વિશ્વ ચરાચર.

અસ્ફુટ મન-આકાશે ભાસે જગત સંસાર,

ઊઠે, તરે, ડૂબે ફરી, અહં-સ્રોતે નિરંતર.

ધીરે ધીરે છાયા દલ, મહાલયમાં પ્રવેશિયું,

વહે માત્ર ‘હું’ ‘હું’ આ ધારા અનુક્ષણ.

એ ધારા પણ થઈ બંધ, શૂન્યમાં શૂન્ય મળી ગયું,

‘અવાઙ્ મનસોગોચરં’ સમજે. -જેનો સમજે પ્રાણ.

એમની અંગ્રેજી પ્રસિદ્ધ કવિતા peace (શાંતિ)માં સ્વામીજીએ બે વિપરીત અવસ્થાઓ અને ભાવોની આ મિલન સ્થળીનું માર્મિક ચિત્ર પ્રસ્તુત કર્યું છે.

માનવ જાતિ સાથે એકાત્મતા સ્થાપીને એના દુઃખ – કષ્ટનો પોતે અનુભવ કરી શકવો એ પણ ભાવમુખ અવસ્થાનું લક્ષણ છે. શ્રીરામકૃષ્ણે ઘાસ પર ચાલતી વ્યક્તિનાં પદાઘાત, અને નાવમાં એક ખલાસીએ બીજાને મારેલો માર, પોતે આ સ્થિતિમાં જ અનુભવ કર્યો હતો. સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ આ જાતની અનુભૂતિનાં ઉદાહરણ જોવા મળે છે. એક વાર અધરાતે તેઓ તીવ્ર વેદના અનુભવતા જાગી ઊઠ્યા હતા. પછીથી ખબર પડી કે સુદૂર કોઈ દેશમાં બરાબર તે જ વખતે ધરતીકંપ થયેલો, અને સેંકડો લોકો હત – આહત થયેલા, એમની વેદનાની અનુભૂતિને કારણે એમને વેદના થઈ હતી.

કોમળ અને કઠોર ભાવોનું મિલન

કોમળ અને કઠોર ભાવોનું સંમિશ્રણ સર્વ મહાપુરુષોમાં નજરે પડે છે. એમનું ચિત્ત “વજ્રાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ” હોય છે. તેઓ પોતાની વાસનાઓ પ્રતિ કઠોર અને જગતનાં દુ:ખ – સંતપ્ત પ્રાણીઓ પ્રતિ અત્યંત કોમળ હોય છે. તેઓ મોહપાશ કાપવામાં સદા તત્પર રહે છે, અને બીજાઓ પ્રતિ કરુણાથી વિગલિત પણ થઈ જાય છે. આ બે ભાવનું મિલન શ્રીરામકૃષ્ણમાં અદ્‌ભુત માત્રામાં નજરે પડતું. એક તરફ તેઓ પુરુષ સિંહ હતા, કર્મ કઠોર હતા અને અનાસક્તિ, ત્યાગ વૈરાગ્યના જ્વલંત ઉદાહરણ હતા, તો બીજી બાજુ એમનામાં નારી સુલભ કોમળતા પણ હતી. એમના પુરુષોને ઉચિત ગુણોએ એક તરફથી સ્વામી વિવેકાનંદ જેવા ન૨શ્રેષ્ઠોને આકર્ષિત કર્યા હતા, ત્યારે બીજી બાજુ સ્ત્રીઓને ઉચિત ગુણોને લીધે મહિલા ભક્ત મંડળી એમને પોતાનો આદર્શ માનતી. ગિરિશ ઘોષે તો એક દિવસ પૂછી જ લીધું હતું કે આપ પુરુષ છો કે સ્ત્રી?

સ્વામી વિવેકાનંદમાં શૌર્ય, વીર્ય, તેજ, સાહસ, બળ વગેરે પુરુષોચિત ગુણોની અધિકતા હોવા છતાં પણ સ્ત્રીઓને ઉચિત ગુણોયે મોજુદ હતા. એમ કહેવું વધુ યોગ્ય કહેવાશે કે સ્વામી વિવેકાનંદ બહારથી કઠોર અને ભીતરમાં કોમળ હતા. એક વાર એમણે બે પથ્થરને એકમેક સાથે ઠોકીને ભગિની નિવેદિતાને કહ્યું હતું કે પોતે એ પથ્થર સમ કઠોર છે. એ વાત પર પોતાનો વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરતાં ભગિની નિવેદિતા એ લખ્યું છે કે એમ છતાં પણ સ્વામીજી અત્યંત કોમળ હતા. અજ્ઞાની, દરિદ્ર ભારતવાસીઓ પ્રતિ કરુણા અને ઊંડી સહાનુભૂતિને કારણે જ તેઓ વિદેશ ગયાં હતા, અને ત્યાં પણ ભારતવાસીઓની દુર્દશાને યાદ કરીને આંસુ સારતા.

આસક્તિ અને અનાસક્તિનું મિલન

સામાન્યતઃ માનવી પોતાની પ્રિય વસ્તુમાં, કાર્યમાં અથવા બીજી વ્યક્તિમાં આસક્ત થઈ બંધાઈ જાય છે. આસક્તિ સુખ પ્રદાન કરે છે ખરી, અને એ જ આપણાં બંધન અને દુઃખનું કારણ પણ બને છે. વસ્તુતઃ વસ્તુ વિશેષ નહિ, પણ એની પાસેથી જે આપણે ફલાકાંક્ષા રાખીએ છીએ, એ જ આપણા બંધનનું કારણ હોય છે. તેથી ફલાકાંક્ષાનો ત્યાગ, અનાસક્તિ, બંધનથી બચવાનો ઉપાય છે. આ જ કર્મયોગનું રહસ્ય પણ છે.

આસક્તિ, એકાગ્રતા અને પ્રવૃત્તિથી સુખ પ્રાપ્ત થાય છે, પણ અધિકાંશ વ્યક્તિઓના મન ભોગ્ય પદાર્થ અથવા અભિપ્સિત કર્મમાં એટલાં એકાગ્ર નથી થઈ શકતા કે તેઓ એમાંથી પૂર્ણ આનંદ પામી શકે. કામના વાસનાની ઉત્પત્તિથી મન ચંચળ બની જાય છે. અને, ચંચળ મનમાં આત્માનંદનું પ્રતિબિંબ પડતું નથી. વિષય સુખની સાથે અપ્રાપ્તિની આશંકા, નષ્ટ થવાનો ડર વગેરે અનેક પ્રતિબંધક લાગેલા હોય છે. એ જ કારણસર, સાંસારિક લોકો વિષય સુખની ઈચ્છા હોવા છતાં, આસક્તિ હોવા છતાં પણ એકાગ્રતાના અભાવને કારણે પૂર્ણ સુખથી વંચિત રહે છે. પરમાનંદનો આસ્વાદન કરનાર ભગવાન શંકરનું દૃષ્ટાંત દેતાં ભર્તૃહિર કહે છે કે, ભય, આશંકા, પ્રતિસ્પર્ધા, ઈર્ષ્યા આદિના અભાવને લીધે જ ભગવાન પોતાની પ્રિયા સાથે સંપૂર્ણરૂપે મિલિત થઈ શક્યા છે.

સ્વામી વિવેકાનંદ પોતાના પ્રસિદ્ધ વ્યાખ્યાન ‘કર્મ અને એનું રહસ્ય’માં આસક્તિ અને અનાસક્તિ બંનેના મહત્ત્વને અતિ સ્પષ્ટરૂપે દેખાડે છે. એમનું કહેવું છે કે આપણામાં તીવ્ર એકાગ્રતાથી કોઈ પણ કર્મનો પૂરેપૂરી રીતે વળગવાની, ચીટકવાની, આસક્ત થવાની ક્ષમતા હોવી જોઈએ. એની સાથે સાથે, આપણામાં ઈચ્છાનુસાર એનાથી છૂટા પડવાની, વસ્તુ અથવા કર્મનો સ્વેચ્છાપૂર્વક ત્યાગ કરવાની પણ ક્ષમતા હોવી જોઈએ. એનું પરિણામ એ થશે કે આપણે એક ક્ષણ એક કર્મ તો બીજી ક્ષણે બીજા કાર્યમાં મનોનિયોગ કરવામાં સમર્થ થવું. સ્વામીજી ઈચ્છતા હતા કે રામકૃષ્ણ મઠના સંન્યાસીઓમાં એવી ક્ષમતા હોવી જોઈએ કે તેઓ એક ક્ષણ ધ્યાન કરવામાં સમર્થ બને અને બીજી પળે ખેતરમાં જઈને હળ ચલાવી શકે. ત્રીજી ક્ષણે શાસ્ત્રોનાં ગૂઢ તત્ત્વોનું વિવેચન કરી શકે તો, એ પછી તરત જ બજારમાં જઈ ખેતરમાં પાકેલા અનાજને વેચી શકે. મનને એક માટીના લોંદાની જેમ સ્વેચ્છાએ એક સ્થાન પર ચોંટાડવું અને પછી ત્યાંથી ઉખાડીને બીજા સ્થાન પર ચોંટાડવાની ક્ષમતા હોવી એ જ આસક્તિ અને અનાસક્તિના સમન્વયનો અર્થ છે.

સ્વામી વિવેકાનંદમાં આવી ક્ષમતા અદ્‌ભુત માત્રામાં હતી. તેઓ ધ્યાનમાં એવા નિમગ્ન થઈ જતા કે એમને બાહ્ય જગતનું ભાન જ ન રહેતું. એક વાર ધ્યાન કરતા હતા ત્યારે એમનું સમગ્ર શરીર મચ્છરોથી છવાઈ ગયું હતું પણ તેઓ ઘ્યાનમાં એવા ડૂબી ગયા હતા કે એમને મચ્છરના ડંખની ખબર જ ન પડી. આવા ધ્યાન પ્રવણ એકાગ્ર મનને જ્યારે તેઓ કોઈ પુસ્તક વાંચવામાં લગાડતા. ત્યારે કોઈ બોલાવતું તો એનો અવાજ એમને સંભળાતો નહિ. અને એ જ મન તેઓ બંદૂકથી નિશાન તાકવામાં, પ્રવચન દેવા વગેરેમાં પણ અનાયાસે લગાડી શકતા.

જ્ઞાન અને ભક્તિનો સમન્વય

સંન્યાસ અને વૈરાગ્યને જ્ઞાનનું સાધન માન્યું છે. જ્ઞાનયોગી સાધક સર્વ-કર્મ-ત્યાગ, સર્વેષણા ત્યાગ, અને ઈહકાલ તથા પરકાલનાં સર્વ ભોગોથી વિરત થઈ તત્ત્વ ચિંતન કરે છે. પરંતુ એક બીજો સ્વાભાવિક ત્યાગ પણ છે, જે જ્ઞાન પરિપકવ થાય છે ત્યારે સાધકના જીવનમાં ઉદિત થાય છે.

“ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્ તેન ત્યક્તેન ભુંજીથાઃ”..

ઈશાવાસ્ય ઉપનિષદના આ પ્રથમ શ્લોકમાં એ ત્યાગનો ઉલ્લેખ કર્યો છે. જે સર્વત્ર પરમાત્માની સત્તાના સાક્ષાત્કારથી પેદા થાય છે. ગીતામાં પણ કહ્યું છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે. જ્ઞાનીના સર્વ કર્મનો આપોઆપો ત્યાગ થઈ જાય છે. ભક્તિ માર્ગમાં સામાન્ય રીતે ત્યાગ વૈરાગ્યની એટલી જરૂરત નથી હોતી જેટલી જ્ઞાન માર્ગમાં હોય છે. કેમ કે એમાં ત્યાગ આપમેળે જ વધુ સ્વાભાવિક રીતે થઈ જાય છે. પરમાત્માને પ્રેમ કરવાથી સંસાર આપોઆપ છૂટી જાય છે.

સ્વામી વિવેકાનંદનાં જીવનમાં આપણે જ્ઞાન અને ભક્તિ, બંનેની ચરમ-અવસ્થા અને એમના સામાન્ય ફળ, ત્યાગને સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ. ઈ.સ. ૧૯૦૦માં કૅલિફોર્નિયાથી લખેલા પત્રમાં એમણે લખ્યું છે કે, “નિર્વાણ મારી સન્મુખ છે. વસ્તુઓ પડછાયા જેવી દેખાઈ રહી છે, અને જગત પોતાનું દ્વૈતાત્મકરૂપ ગુમાવી રહ્યું છે.” આ એક જ્ઞાનીના ઉદ્‌ગાર છે. આ પત્રમાં જ આ અનુભૂતિનું પરિણામ, કર્તાપણાનો ત્યાગ, બંધનોથી મુક્તિ અને ચિરશાંતિનું વર્ણન પણ છે, આ રીતે પરાભક્તિની અવસ્થા પણ સ્વામીજીએ પ્રાપ્ત કરી હતી. એમનામાં બહાર જ્ઞાન હતું, અંદર ભક્તિ. તેઓ પ્રયત્નપૂર્વક ભક્તિને દબાવી રાખતા, જેથી તેઓ શ્રીરામકૃષ્ણનું કાર્ય કરી શકે. એક વાર રામકૃષ્ણ મિશનની સ્થાપના વિષે એક ગુરુભાઈએ એમનો વિરોધ કર્યો. એથી તેઓ ઉત્તેજિત થઈ ગયા, એમની વાચા બંધ થઈ ગઈ, અને શરી૨ – ભાવાવેગથી કાંપવા માંડ્યું. પોતાના આવેગનું સંવરણ કરવા માટે તેઓ પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. પાછા આવ્યા ત્યારે એમણે કબૂલ કર્યું હતું કે જ્યારે એમના હૈયામાં ભક્તિનો વિકાસ થાય છે ત્યારે હૃદય એટલું કોમળ બની જાય છે કે તેઓ એક ફૂલનો આઘાત પણ સહન નથી કરી શકતા. એથી એ હાલતમાં કાર્ય નથી થઈ શકતું. આ રીતે આપણને દેખાય છે કે સ્વામીજીના જીવનમાં જ્ઞાન અને પરાભક્તિનું અદ્‌ભુત મિલન અને એનાં સામાન્ય ફળ સ્વરૂપ ત્યાગનો વિકાસ થયો હતો.

સંન્યાસ અને માતૃપૂજાની ભાવધારાઓનું મિલન

સંન્યાસ ધર્મ અને ભગવાનની જગત્માતા રૂપે પૂજા એ બંનેની પ્રતિષ્ઠા રામકૃષ્ણ અવતારનું ખાસ પ્રયોજન હતું. શ્રી રામકૃષ્ણે તોતાપુરી પાસેથી વિધિસર સંન્યાસ ગ્રહણ કર્યો હતો, અને તેઓ સંન્યાસીઓના રાજા અને સર્વોત્તમ ઉદાહરણ સ્વરૂપ હતા. સામાન્યતઃ સંન્યાસી નારીનો સર્વથા ત્યાગ કરે છે. સ્વયં શ્રી રામકૃષ્ણ કહેતા હતા કે સંન્યાસીએ સ્ત્રીઓનું ચિત્ર પણ ન જોવું જોઈએ. એવું માનતા હોવા છતાં તેઓ સ્ત્રીઓની ધૃણા નહોતા કરતા. એક વાર જ્યારે એમના શિષ્ય સ્વામી તુરીયાનંદજીએ કહ્યું કે તેઓ નારીની ઘૃણા કરે છે, તો શ્રીરામકૃષ્ણે એમને ઠપકો દેતા કહ્યું હતું કે નારીની માતા રૂપે પૂજા કરવી જોઈએ. સ્વયં શ્રીરામકૃષ્ણે પોતે પણ એમ કર્યું હતું. તેઓ મા કાળીના ઉપાસક હતા. એમણે ભૈરવી બ્રાહ્મણીને પોતાના ગુરુ રૂપે વરણ કર્યાં હતાં. તથા મા શારદાની પૂજા કરી હતી. શ્રીરામકૃષ્ણ બહુ જ ઉત્સુક હતા કે સ્વામી વિવેકાનંદ પણ સંન્યાસનો આદર્શ સ્વીકારે અને સાથે સાથે માતૃપૂજક પણ બને. એ જ કારણસર જે દિવસે સ્વામીજીએ મા કાળીનો સ્વીકાર કરેલો એ દિવસે તેઓ અતિશય આનંદિત થયા હતા.

સ્વામી વિવેકાનંદ પ્રારંભમાં શ્રીરામકૃષ્ણનાં ત્યાગ વૈરાગ્યથી આકૃષ્ટ ચોક્કસ થયા હતા. પણ તેઓ મા જગદંબાને માનતા નહોતા. નાનપણથી જ તેમનું સંન્યાસ તરફ વલણ હતું અને સૌથી રોચક વાત તો એ છે કે – જે દિવસે એમણે મા જગદંબાને માન્યાં, સ્વીકાર્યા તે દિવસે એમની પાસેથી એમણે માગ્યાં તે પણ જ્ઞાન, ભક્તિ, વિવેક અને વૈરાગ્ય જે પ્રકારાંતરે સંન્યાસ જ માગવા જેવું થયું. મા જગદંબાની કૃપા સંન્યાસની સિદ્ધિ માટે આવશ્યક છે. નારી જાતિમાં માતૃત્વનું દર્શન સંન્યાસીને પોતાના વ્રત પાલનમાં અત્યાધિક સહાયક બને છે. એ જ કારણસર સંન્યાસ અને માતૃપૂજાની પુરાતન અને જનમાનસમાં પ્રચલિત, બંને પૃથક્ ધારાઓના સમન્વયને શ્રીરામકૃષ્ણ ભાવધારામાં આટલું અધિક મહત્ત્વ અપાયું છે.

ઉપસંહાર

અર્ધનારીશ્વર એક અત્યંત સુંદર સમન્વયાત્મક પ્રતીક છે, જેના વિભિન્ન અર્થો થઈ શકે છે. સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ, જેમના જીવનમાં વિભિન્ન, પરસ્પર વિરોધી ભાવોનો અદ્‌ભુત સમન્વય નજરે પડે છે, તેઓ આ પ્રતીકના સર્વશ્રેષ્ઠ અને પ્રત્યક્ષ દૃષ્ટાંત સ્વરૂપ છે. એ રીતે સ્વામી વિવેકાનંદના જીવન અને ચરિત્રમાં પણ આપણે ભગવાન શિવના આ રૂપ – વિશેષને અનુરૂપ ગુણ, ભાવ અને અવસ્થાઓ જોઈએ છીએ. વિરોધી ભાવોનો સમન્વય રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની એક વિશેષ દેણગી છે, જેને હૃદયંગમ કરીએ તો આપણે આપણું અને જગતનું અશેષ કલ્યાણ કરી શકીએ છીએ.

અનુવાદ: ડૉ. સુકન્યા ઝવેરી

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.