રામકૃષ્ણ મિશન, ચંદીગઢના વડા સ્વામી બ્રહ્મેશાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલા લેખનો સ્વામી નિષ્ઠાનંદજીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

જૂન, ૧૯૦૦ના બ્રાહ્મમુહૂર્તે જૈમિનીરંજન નામનો એક યુવક કાશીની ગલીઓમાં થઈને ગંગાજીના ઘાટ તરફ જઈ રહ્યો હતો. એ વખતે એક ક્ષીણ ગળામાંથી કણસતો અવાજ એને કાને પડ્યો. આ સ્થળેથી ઘણા લોકો પસાર થઈ ગયા હતા. પણ કોઈએ આજુ બાજુ નજર કરીને શી વાત છે એ જાણવાની તકલીફેય ન લીધી. પણ ક્ષીણ દુર્બળ કણસતો અવાજ સાંભળીને જૈમિનીરંજન થોભ્યો. એની નજર પડી એક માંદી ભૂખી વૃદ્ધા પર. એ રસ્તાની બાજુએ સૂતેલી હતી. આ યુવાન એ વૃદ્ધાની નજીક ગયો એટલે ક્ષીણ સ્વરે કહ્યું: ‘બેટા, ચાર-ચાર દિવસથી મેં કંઈ ખાધું નથી. મને કંઈક ખાવાનું આપ.’ જૈમિનીરંજને એ વૃદ્ધાને ઊંચકીને નજીકમાં આવેલા એક ઓટલા પર સુવડાવી અને પોતે દોડી ગયો ગંગાઘાટ તરફ. રસ્તામાં પહેલ-વહેલાં મળનાર સજ્જન પાસેથી એમણે ચાર આનાની ભીક્ષા કરી. આ ચાર-આનામાંથી થોડું રાંધેલું અન્ન ખરીદીને પેલી અસહાય વૃદ્ધાને ખવડાવ્યું અને એનો જીવ બચાવ્યો.

આ રીતે સ્વામી વિવેકાનંદે ગરીબ અને પીડિતોની સેવા દ્વારા પ્રભુ સેવા કરવાનો ઉપદેશ આપ્યો હતો, એનું બીજ આ વખતે વવાયું. ત્યાર પછી આગળ જતાં એ બીજ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ નામના વટવૃક્ષના રૂપે ઊગી નીકળ્યું. આ સેવાશ્રમે હજારો હજારો જરૂરિયાતમંદ અને માંદાલોકોની સેવા કરી છે. આજે કાશીનું આ રામકૃષ્ણ મિશન હોમ ઓફ સર્વિસ અથવા સેવાશ્રમ એ ૨૩૦ પથારીવાળી વિશાળ હોસ્પિટલ છે. એમાં બધા વિભાગના વિશેષજ્ઞ ડોક્ટરોની વિશેષ સેવાઓ મળે છે. એનો બહારથી આવતા દર્દીઓનો વિભાગ સદૈવ વ્યસ્ત રહે છે. સુસજ્જ લેબોરેટરી, એક્સ-રે અને અલ્ટ્રાસોનોગ્રાફી જેવા વિવિધ વિભાગો એમાં છે. એન્ડોસ્કોપી અને સતત પ્રવૃત્ત રહેતા બે ઓપરેશન થિયેટર પણ આ સેવાશ્રમમાં છે. આ સંસ્થા એક અદ્યતન હોસ્પિટલમાં પરિણત થાય એ એનું આગવું લક્ષણ નથી. પરંતુ માનવમાં રહેલ પ્રભુની સેવા – શિવજ્ઞાને જીવસેવા -ના ઉચ્ચ ભાવાદર્શથી આ સંસ્થાના સંસ્થાપકો અને પેઢી દર પેઢીથી આવતા સંન્યાસીઓએ દરિદ્ર નારાયણની કરેલ સેવા આ સંસ્થાનો સુવર્ણમય ઇતિહાસ બન્યો છે. પ્રારંભના એ ભવ્ય દિવસોમાં ઘટેલી કેટલીક ઘટનાઓમાંથી થોડીઘણી આપણે અત્યારે યાદ કરીએ તો એ ખરેખર લાભદાયી અને પ્રેરણાપ્રદ બની રહેશે.

પ્રારંભના દિવસોમાં કેવળ સંન્યાસીઓ જ રોગીઓની સેવા કરતા. સર્જરી અને વિશેષજ્ઞ ચિકિત્સકોની ચિકિત્સા સેવા સિવાય તેઓ રોગી-નારાયણની સાર્વત્રિક સાર-સંભાળ રાખતા. દરેક વોર્ડમાં ઝાડું-પોતું કરવું; પાયખાના, રોગીના મળમૂત્રના વાસણોની સફાઈ, એમની પરિચર્યા- પથારી કરવી, સાફ રાખવી, રોગીઓને નવડાવવા, ધોવડાવવા, એમનાં કપડાં બદલવાં, ડોક્ટરોએ આપેલી સૂચનાઓનું પાલન કરવું-કરાવવું, નિયમિત દવા આપવી, આવી અનેકવિધ નાની મોટી સેવાઓ તો એમણે જ બજાવવી પડતી. સાથે ને સાથે શલ્યચિકિત્સામાં વિશેષજ્ઞ ડોક્ટરના મદદનીશની સેવા પણ આપતા. આ બધાં કાર્યો તેઓ પૂરેપૂરાં ખંત અને નિષ્ઠાથી કરતા. કેટલાંક વિશેષ કાર્યો વિશે તેઓ નિષ્ણાત ડોક્ટરો અને કેળવાયેલા પુરુષનર્સ કે પુસ્તકોની મદદથી શીખ્યા હતા.

વનવિહારી મહારાજ

ઘાનાં મલમપટ્ટાં કરવાં, ઘાને ચીરાને ટાંકા લઈને વધુ વ્યવસ્થિત કરી દેવું અને ઘાયલ થયેલાની પ્રાથમિક સારવાર કરવી એ અત્યંત મહત્ત્વનું કાર્ય હતું. આ કાર્ય વનવિહારી મહારાજના હુલામણા નામે જાણીતા સ્વામી મુક્તાનંદે કરવાનું હતું. આઠ વર્ષથી પણ વધારે સમય સુધી દરિદ્ર નારાયણની એમણે શિવજ્ઞાને સેવા કરી જાણી. સવારે ૮ વાગ્યે મલમપટ્ટી કરવા પોતાના મલમપટ્ટીના ખંડમાં પહોંચી જતા હતા. ભગવાં પર એપ્રોન પહેરતા અને હાથમાં રબ્બરનાં મોજાં તેમજ શલ્યચિકિત્સા કે અકસ્માતથી થયેલા ઘાની મલમપટ્ટી બે વાગ્યા સુધી અને ક્યારેક તો બધા દર્દીઓની સંભાળ લેવાઈ જાય ત્યાં સુધી એમનું આ કાર્ય ચાલતું. બપોર પછી વળી પાછા તેઓ આવી જતા. મલમપટ્ટી અને કપડાને ઉકળતા પાણીમાં ઉકાળે, એને સાફ કરે અને પછી સૂકવી દે. એ જમાનામાં બેન્ડેઝનો ફરી ફરી ઉપયોગ થતો. વનવિહારી મહારાજ જાણે ભગવાનની પૂજા કરતા હોય એમ દર્દીના ઘાની સફાઈ કરે, એને મલમ લગાડે અને પટ્ટી પણ એવી જ રીતે બાંધી દે. જાણે કે એ મલમપટ્ટી ઘરનું વાતાવરણ પૂજાના ઓરડામાં ફેરવાઈ ગયું. એ દૃશ્ય તો ખરેખર દેવદુર્લભ દૃશ્ય હતું.

આ ઉપરાંત વનવિહારી મહારાજમાં ઘાને રુઝવવાની કોઈ અદ્‌ભુત ચમત્કારિક શક્તિ હતી.અત્યંત દુષ્કર અને દુ:સાધ્ય ગણાય એવા ઘા એમનાં કરકમળના સ્પર્શથી રુઝાઈ જતા. ઘણા કુશળ સર્જનો પણ ઘણા ઊંડા અને લાંબાગાળાથી ન રુઝાતા ઘાવાળા કે ઓપરેશનવાળા દર્દીઓને ડ્રેસિંગ માટે વનવિહારી મહારાજ પાસે લાવતા.

આગળ વર્ણવ્યું છે તે પ્રમાણે આ સેવાશ્રમનો પ્રારંભ રસ્તાની એક બાજુએ સૂતેલી માંદી ભૂખી વૃદ્ધાની સારવારથી થયો હતો. આવા તિરસ્કૃત, ઉપેક્ષિત, ગરીબ લોકોને શોધવા એ સેવાશ્રમના સાધુ-સેવકોની એક પવિત્ર ફરજ બની ગઈ. જાણે કે કોઈ મોભાદાર વ્યક્તિ હોય એમ આવા રસ્તા ઉપરના લોકોની અહીં વિશેષ સાર-સંભાળ લેવાય છે. એકવાર સાધુઓ આવા તિરસ્કૃત અને માંદા રોગી નારાયણને શોધવાના મિશન ઉપર હતા. એવામાં એમણે એક ગાંડા માણસને જોયો. એની પીઠ ઉપર મોટું ઘારું હતું. એમણે વિચાર્યું કે આ ઘારું ભલે ગમે તેવું મોટું હોય પણ વનવિહારી મહારાજ એનું ડ્રેસિંગ કરશે તો એ જરૂર રુઝાવાનું. એ સંન્યાસીઓ બળજબરી કરીને પેલા ગાંડા દર્દીને લઈ આવ્યા આશ્રમમાં. વળી ક્યાંક ભાગી જાય તો એ બીકે એને ઓરડામાં પૂરી દીધો. પછી વનવિહારી મહારાજનું ડ્રેસિંગ શરૂ થયું. અને ધારણા કરતાં પણ આ ગાંડા દર્દીનો ઘા જલદીથી રુઝાઈ ગયો.

હવે આ ગાંડા માણસની શારીરિક પીડા તો દૂર થઈ. પણ એની માનસિક અવદશામાં કંઈ પરિવર્તન ન આવ્યું. એ માટે શું કરવું એ સમસ્યા થઈ પડી. કોઈકે કહ્યું કે એક આયુર્વેદિક દવા છે એ દવા એને પીવડાવવામાં આવે તો એનો રોગ મટી જાય. પણ ગાંડો માણસ અને દવા પીવામાં એનો સહકાર મળે એવું ક્યાંથી બને! સંન્યાસીઓએ કડવી દવા બળજબરીથી પીવડાવવાનું નક્કી કર્યું. એક ભાઈ એની છાતી પર ચડી બેઠો અને એના બે હાથ પકડી લીધા. બીજાએ જોરથી એનું માથું પકડી લીધું અને મોઢું ખોલીને દવા પીવડાવી દીધી. અને જુઓ તો ખરા બધાની આ તરકીબ કામિયાબ નીવડી અને રોગી થઈ ગયો સારો સાજો.

બીજો રોગી હતો અને પાકેલા ઘાવો અને રસ્તા ઉપર રખડતો. આવા રોગીઓને એક અલાયદા વોર્ડમાં રાખવામાં આવતા. વનવિહારી મહારાજે આ રોગીના ઘાની મલમપટ્ટી શરૂ કરી. આ રોગીની સારસંભાળ માટે જવાબદાર સેવાશ્રમના બીજા વેતનધારી કાર્યકરો એને અવગણતા હતા, એ વાત તરફ વનવિહારી મહારાજનું ધ્યાન ગયું. કોઈને એ રોગી પાસે જવું એના કપડાં બદલાવવાનું કામ ગમતું ન હતું. એટલે એ રોગીની તબિયત સામાન્ય રીતે બગડી જતી. સાધુ સેવકોના અભાવે વેતનધારી કાર્યકરો સેવાશ્રમમાં કાર્ય કરતા. એ બધાને કામે લગાડવા વનવિહારી મહારાજે એક નુસ્ખો વિચાર્યો. એમણે એક સેવકને પોતાની પાસે બોલાવીને એના કાનમાં અત્યંત ખાનગી વાત કરતા હોય એમ કહ્યું : ‘જુઓ, ભાઈ! આ અલાયદા વોર્ડમાં રાખેલ દર્દી કોણ છે, એની તમને ખબર છે? એ તો મારા પિતાજી છે! તેઓ પોતાના છેલ્લા દિવસો કાશીમાં ગાળવા અને મોક્ષ પ્રાપ્તિ માટે અહીં આવેલ છે. પણ જુઓ તો ખરા વિધાતા એ એમની કેવી અવદશા કરી નાખી! આ વાત બીજા કોઈને ન કરશો, નહિ તો બધા મને જ દોષ દેશે અને કહેશે કે છોકરો સાધુ થઈ ગયો ને પિતાની આવી ઉપેક્ષા કરી!’

વનવિહારી મહારાજે પાકી ગણતરી કરીને આ ઉપજાવી કાઢેલી વાત કરી અને આ વાત એક કાનેથી બીજે કાને વહેતી થઈ ગઈ. સૌ કોઈ માનવા લાગ્યા કે પેલો રોગી ખરેખર વનવિહારી મહારાજના પિતાશ્રી છે. પરિણામ એ આવ્યું કે એની સૌથી સારી સંભાળ લેવાવા લાગી અને પથ્ય દવા નિયમિત મળતાં થયાં.થોડા જ વખતમાં દર્દી થઈ ગયો સારો સાજો. દરરોજ ઘણા લાંબા સમય માટે દર્દીઓની સેવાના કાર્યમાં વનવિહારી મહારાજે સતત ઊભા રહેવું પડતું. આવું તો આઠ વર્ષોથી પણ વધુ વર્ષો સુધી ચાલુ રહ્યું. પરિણામે એના ઘૂંટણો જકડાઈ ગયા અને પાછલી અવસ્થામાં તેઓ પોતાના ઘૂંટણો વાળી પણ ન શકતા. જ્યાં સુધી ચાલી શક્યા ત્યાં સુધી ચાલીને એમણે પોતાના ખંડમાંથી ડ્રેસિંગ રૂમમાં જઈને સેવા ચાલુ રાખી. આમ કરવું પણ જ્યારે દુષ્કર બન્યું ત્યારે તેઓ વ્હીલચેરમાં બેસીને ડ્રેસિંગરૂમમાં જતા અને ઊભા રહીને ડ્રેસિંગ કરીને પાછા આવતા. એમને માટે પોતાના પગ સીધા રાખીને બેસી શકાય એવી એક વિશેષ વ્હીલચેર બનાવી હતી.

એક અદ્‌ભુત ચમત્કાર

જ્યારે આપણે રોગીનારાયણમાં શિવને ઓળખીને એમની મલમપટ્ટી તેમજ અન્ય સેવાની વાતો યાદ કરીએ છીએ ત્યારે એક બીજી ઘટના પણ યાદ આવે છે. એ ઘટના છે એક બીજા સંન્યાસી રામગતિ મહારાજના જીવનની ઘટના. તેઓ વૈદિક શાસ્ત્રના પ્રખર પંડિત હતા. એમણે શંકરાચાર્યના ‘બ્રહ્મસૂત્ર ભાષ્ય’નો બંગાળી અનુવાદ ટીકા સાથે કરેલો છે. તેમને એકવાર સેવાશ્રમમાં રોગીનારાયણની સેવા માટે મોકલવામાં આવ્યા. એ વખતે બેલૂરમઠ સિવાય રામકૃષ્ણ સંઘનાં સૌથી જૂનાં ત્રણ કેન્દ્રો હતાં : માયાવતીનો અદ્વૈત આશ્રમ, કાશીનો સેવાશ્રમ અને મદ્રાસનો રામકૃષ્ણ મઠ આ ત્રણેય કેન્દ્રોમાંથી અદ્વૈત આશ્રમમાં અદ્વૈત વેદાંતની ચર્ચા અને અભ્યાસ થતાં. ત્યાં ક્રિયાકાંડ કે પૂજાઅર્ચના ન થતા. અહીં કાશીના સેવાશ્રમમાં નરનારાયણ, રોગીનારાયણની અવિરત સેવા થતી અને મદ્રાસ મઠમાં પૂજાઅર્ચના પૂરજોશમાં ચાલતી. આ ત્રણેયનો સુમેળ અને તેનો વિકાસ અનિવાર્ય હતો. રામકૃષ્ણ સંઘના પ્રારંભના દિવસોમાં પ્રત્યેક સાધુ સંન્યાસીને વારાફરતી આ ત્રણેય કેન્દ્રોમાં મોકલવામાં આવતા. એને લીધે એ સંન્યાસીનો સાર્વત્રિક વિકાસ થતો. રામગતિ મહારાજને પણ આમાં અપવાદ ન મળ્યો. વેદાંતના આ પંડિતને આપણે આગળ કહ્યું તેમ કાશીના સેવાશ્રમમાં મોકલવામાં આવ્યા. 

એકવાર રામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી સારદાનંદજી મહારાજ સેવાશ્રમની મુલાકાતે આવ્યા હતા. તેઓ સેવાશ્રમમાં જ રહેતા. એક દિવસ રામગતિ મહારાજ પોતાની એક સમસ્યાનું સમાધાન કરાવવા સ્વામી સારદાનંદજી મહારાજ પાસે આવ્યા. તેમની સમસ્યા આવી હતી : તેઓ રોગીઓની સેવા ‘શિવજ્ઞાને જીવસેવા’ના ભાવે કરવા તૈયાર હતા. ઘણીવાર તેઓ ખૂબ ગંધાતા અને કોહવાતા ઘાની દુર્ગંધને લીધે દર્દીની પાસે જતાં ઘણો સંકોચ અનુભવતા અને એક આવા દર્દીની સેવા એમણે કરવાની હતી. આ ફરિયાદ સાંભળીને સ્વામી સારદાનંદજી ગંભીર થઈ ગયા પછી પેલા યુવાન સંન્યાસીને શ્રીરામકૃષ્ણ પાસે જઈને પ્રાર્થના કરીને મદદ માગવા કહ્યું. અને એક ચમત્કાર થઈ ગયો! બીજા જ દિવસથી રામગતિ મહારાજને આવી કોઈ દુર્ગંધ આવતી બંધ થઈ ગઈ. તેઓ બધા દર્દીઓ પાસે જઈને એના ઘાની મલમપટ્ટી કરી શકતા. 

શાંત ઝાડુવાળા

સેવાશ્રમના સંનિષ્ઠ સંન્યાસીઓ માટે કોઈપણ કાર્ય હલકું કે નીચું ન હતું. ઝાડુપોતાં કરવામાં કે સંડાસબાથરૂમ સાફ કરવાના કામમાં એકબીજા સાથે જાણે કે તંદુરસ્ત સ્પર્ધા થઈ જતી. એની એકાદ બે રસપ્રદ ઘટનાઓનું વર્ણન કરું છું.

એક સવારે એક સંન્યાસીને સંડાસ સાફ કરવાનું અને રોગીનાં મળમૂત્રનાં વાસણ ધોવાનું કાર્ય સોંપાયું હતું. તેણે પોતાના વોર્ડમાં જઈને જોયું તો બધુંય ધોવાયેલ અને ચોખ્ખું ચણાક હતું. બધા રોગીઓ હાજર હોય, સુતા હોય પણ કોઈએ કંઈ કહ્યું નહીં. પોતાનું કાર્ય કોણે કર્યું. એનો ઉકેલ ન મળ્યો. સતત થોડા દિવસ સુધી આમ ચાલતું રહ્યું. હવે સાચી વાતનો તાગ મેળવવા એ સંન્યાસી પોતાના નિયત સમય કરતાં ઘણા વહેલાં પોતાના વોર્ડમાં ગયા અને એક જગ્યાએ છૂપાઈ ગયા. એમણે જોયું તો સેવાશ્રમના અધ્યક્ષ પોતે જ ત્યાં આવીને સફાઈ વગેરે કરી રહ્યા હતા. આમ સેવાશ્રમના અધ્યક્ષ જ આ કામ કરે છે એ વાતનો ખ્યાલ આવી ગયો. તેમણે વિનમ્ર્રભાવે કહ્યું : ‘ભાઈ, મારે તો આ રોગીનારાયણની સેવા કરવાની તક જોઈતી હતી. જો દિવસે આ કામ કરત તો તમે મને કંઈ કરવા ન દેત, ખરું ને?’ આ સાંભળીને યુવાન સંન્યાસીએ કહ્યું : ‘મહારાજ, હું આ સાફસફાઈનું કામ કરું છું તેમ તમે પણ ઓફિસમાં બેસીને સેવાનું જ કાર્ય કરો છો. આવી જ રીતે એક બીજો અપરિચિત સેવક બહારથી આવીને આવી સફાઈનું કામ કરી જતો. સંન્યાસીઓએ એને પકડી પાડવાનો પ્રયત્ન કર્યો પણ એ તો છટકી ગયા. ફરી પાછા ક્યારેય આવ્યા નહીં. એ સેવક અપરિચિત જ રહી ગયા.

રોગીમાંથી પરિચારિકા

આવી નિષ્ઠાપૂર્વકની સેવા એક ચેપ લગાડનારી સેવા હતી. ઘણા સજ્જનો આવી સેવાથી પ્રભાવિત થઈને સંન્યાસીઓ સાથે રોગીનારાયણની સેવામાં લાગી જતા. પણ સૌથી હૃદયસ્પર્શી અને પ્રેરક ઘટના તો હતી એક રોગીની, એ રોગી સારોસાજો થઈ ગયો અને લાગી ગયો રોગીનારાયણની સેવાના કામમાં. રોગીમાંથી પરિચારિકા બનેલા આ સેવકે શીતળાના રોગીની સેવા કરવાની. રોગી સારો થઈ ગયો. રોગીમાંથી પરિચારિકા બનેલાને શીતળાનો રોગ થયો. શ્રીરામકૃષ્ણનું નામ લેતાં લેતાં એણે પોતાના પ્રાણ છોડયા. શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય મહાપુરુષ મહારાજ, સ્વામી શિવાનંદજી આ ઘટનાથી એટલા બધા દ્રવી ઊઠ્યા કે એમણે આ ભવ્ય ત્યાગને શ્રદ્ધાંજલિ આપતો એક લેખ ‘ઉદ્‌બોધન’માં લખ્યો હતો.

ખેડૂત સ્વામી

કાશીના સેવાશ્રમના મોટા ખેતરમાં શાકભાજી ઉગાડવામાં આવે છે. એક વૃદ્ધ સંન્યાસી એની દેખરેખ રાખતા. મોટેભાગે તેઓ પોતે જ કેટલાક મદદનીશ સાથે ખેતર ખેડવાનું, ખોદવાનું, વાવવાનું કાર્ય કરતા. તડકાથી બચવા માટે માથા પર સાફો બાંધતા. એક દિવસ કોઈએ એમને પૂછ્યું : ‘સ્વામીજી, જપ, તપ, ધ્યાન, ગીતાપાઠ જેવી આધ્યાત્મિક સાધનાઓ કરવાને બદલે તમે આવાં કાર્યમાં કેમ રત રહો છો? ઘરબાર અને સંસારનો ત્યાગ કરીને સાધનભજન કરવાં જોઈએ કે ખેતી?’ સાંભળીને વૃદ્ધ સંન્યાસીએ સ્વયંસ્ફૂરિત જવાબ આપ્યો : ‘કેમ ભાઈ? અમે જે કાંઈ અહીં ઉગાડીશું તે નારાયણ જ આરોગશે ને? હવે પેલાના મનમાં સંન્યાસીના આ કાર્ય વિશે કોઈ શંકા ન રહી. એમને મન એ કાર્ય નહીં પણ એક પવિત્ર પૂજા હતી.

કર્મ એ જ પૂજા

સેવાશ્રમનાં કાર્યો ‘કર્મ એ જ પૂજા’ના સિદ્ધાંત પર આધારિત હતા. સર્વ પ્રાણીઓ આત્મા છે અને મનુષ્યની સેવા એ જ પ્રભુની પૂજા છે, એ એનો આદર્શ છે. શ્રીરામકૃષ્ણે આપેલા ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શથી સેવાશ્રમનાં બધાં કાર્યો થતાં. સ્વામી વિવેકાનંદે પણ પોતાના ઉપદેશોમાં આ વાત પર વધુ ભાર મૂક્યો છે. એટલે જ સ્વામી વિવેકાનંદ ૧૯૦૨માં છેલ્લીવાર કાશી આવ્યા ત્યારે ત્યાંના ગણ્યાગાંઠ્યા યુવા ભક્તોએ એક ભાડાના મકાનમાં સેવાશ્રમ ચાલુ કર્યો, એ જોઈને એમને ખૂબ આનંદ થયો હતો. એટલે જ એમણે સ્વામી બ્રહ્માનંદજીને ભવિષ્યમાં આવા સેવાકાર્ય માટે કાર્યકરોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું. પહેલાં આ સેવાશ્રમનું નામ ‘ગરીબ માનવ રાહત સમિતિ’ (પુઅર મેન્સ રિલિફ એસોસિએશન) હતું. સ્વામી વિવેકાનંદે એમાં સુધારો કર્યો. તેમણે કહ્યું : ‘રાહત આપનાર તમે કોણ? તમે તો ફક્ત સેવા કરી શકો. રાહત આપવાનો અહંમ સત્યાનાશ વાળે છે. એક માનવને માટે બીજા માનવને પોતાનાથી નીચો કે પામર માનવો એ કેટલા મોટા અહંકાર અને ઘમંડની વાત છે! ‘દયા નહીં પણ સેવા’ એ તમારો ધૂમકેતુ જેવો આદર્શ હોવો જોઈએ. ‘પ્રભુના પ્રતીકરૂપે માનવની સેવા’ના આદર્શ સાથે તેમણે આ સેવાશ્રમનું નામ ‘હોમ ઓફ સર્વિસ’ એવું આપ્યું.

આધ્યાત્મિક જગતની વિભૂતિસમા સ્વામી બ્રહ્માનંદ અને સ્વામી તુરીયાનંદ જેવા શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યો અને ત્યાર પછીથી આવેલા સ્વામી આત્માનંદજીએ અને સ્વામી અચલાનંદજીએ સંસારના દુ:ખી લોકોની સેવા કરવાના કાર્ય સાથે સંન્યાસી કાર્યકરોને સતત આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહે એ માટે પૂરો પુરુષાર્થ કર્યો હતો. જ્યારે જ્યારે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ સેવાશ્રમમાં ઉપસ્થિત હોય ત્યારે તેઓ હંમેશાં જપ-ધ્યાન જેવા આધ્યાત્મિક અભ્યાસો નિયમિત રીતે દરેક સેવક-સંન્યાસી દ્વારા થતા રહે તેના પર હંમેશાં ભાર દેતા. તેઓ દરેકેદરેકના આધ્યાત્મિક કલ્યાણ અને ઉન્નતિ બાબતમાં વ્યક્તિગત રીતે પૂછપરછ કરતા અને દરેકને આવશ્યક સ્પષ્ટ આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપતા.

ત્યાર પછી સ્વામી તુરીયાનંદજી મહારાજ ઘણા વર્ષો સુધી વારાણસીના સેવાશ્રમમાં રહ્યા હતા. અહીં તેઓ પોતાનાં વાર્તાલાપો અને ચર્ચાઓ દ્વારા સંન્યાસી સેવકોના મનને ઉચ્ચ આધ્યાત્મિક કક્ષાએ રાખતા. સ્વામી તુરીયાનંદજી બ્રહ્મલીન થયા પછી બધા સેવકોને પ્રભુમય જીવન જીવવા માટે પૂરતી પ્રેરણા મળી રહે એ હેતુથી સ્વામી વિવેકાનંદના મહાન તપસ્વી શિષ્ય સ્વામી આત્માનંદજીને વારાણસીના સેવાશ્રમમાં મોકલવામાં આવ્યા. જપ-ધ્યાન અને ધર્મ-શાસ્ત્રોના અધ્યયન અને મનન જેવા આધ્યાત્મિક અભ્યાસો વિના સેવાકાર્યને પૂજામાં પરિણત ન કરી શકાય.

આપણે એ ન ભૂલી જવું જોઈએ કે પ્રભુના પ્રતીક રૂપે આપણે મનુષ્યની સેવા કરી રહ્યા છીએ. સ્વામી વિવેકાનંદના શિષ્ય અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી અચલાનંદજી મહારાજ ઘણાં વર્ષો સુધી વારાણસીના સેવાશ્રમમાં રહ્યા. તેઓ ‘રોગી’ એ શબ્દનું ઉચ્ચારણ પણ ન કરતા, એને બદલે તેઓ હંમેશાં આટલું પૂછતા: ‘આજે તમે કેટલા નારાયણોને ભરતી કર્યા છે? અને આજે તમે કેટલા નારાયણોને રજા આપી છે?’ જો કોઈ સેવક ‘રોગી’ શબ્દનો વ્યવહાર કરતો તો તેઓ નારાજ થઈ જતા. સેવાશ્રમનું સમગ્ર વાતાવરણ પવિત્ર મંદિર જેવું છે. જ્યાં આ રોગી-નારાયણો વસે છે તે સિવાય અલગ મંદિર કે પૂજાઘર પણ નથી. જે રસોડામાં આ નારાયણો માટે પથ્ય ભોજન રંધાય છે તેને ‘નારાયણ-ભંડાર’ કહેવાય છે. સર્વ પ્રથમ સવારે ૧૦ વાગ્યે આ રોગી-નારાયણને ભોજન આપવામાં આવે છે અને ત્યાર પછી જ એ જ ભોજન બીજા સેવકો અને સંન્યાસીઓ તેમજ સેવાભાવી સદ્‌ગૃહસ્થોને અપાય છે. આની પાછળનો ભાવ તો એ છે કે રોગી-નારાયણને પ્રથમ ભોજન આપવાથી તે અન્ન પ્રસાદમાં પરિવર્તિત થઈ જાય છે.

વારાણસીના સેવાશ્રમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. પણ મહામાયાની અસીમ કૃપાથી તેના નિર્વાહની ક્યારેય સમસ્યા ઊભી ન થતી. વારાણસીના સેવાશ્રમમાં બધી સેવાઓ સંપૂર્ણપણે નિ:શૂલ્ક હતી અને સેવાશ્રમે માત્ર દાન ઉપર જ આધાર રાખવાનો હતો. ક્યારેક ક્યારેક આર્થિક સંકટ આવી પડે, એ વાત સ્વાભાવિક છે. આવા સમયે સેવકો-સંન્યાસી અને સદ્‌ગૃહસ્થો એકઠા મળીને આત્મનિરીક્ષણ કરતા, અને આમ કેમ થયું એ વિચારતા. એ બધાને દૃઢ વિશ્વાસ-શ્રદ્ધા હતાં કે જો એમની સેવા ખરેખર નિ:સ્વાર્થ અને સાચા અર્થમાં શિવજ્ઞાને જીવસેવાના પૂજાભાવવાળી હોય તો કોઈ આર્થિક સમસ્યા ઊભી ન થવી જોઈએ. વ્યક્તિગત અને સામુહિક આત્મનિરીક્ષણ પછી થયેલી ભૂલોમાં સુધારણા થતી અને ત્યાર પછી સૌ કોઈને નજરે દેખાતું કે આર્થિક સહાય આપમેળે આવવા માંડતી. પ્રારંભના સમયગાળામાં સંન્યાસી સેવકો સવારમાં ‘રોગી-નારાયણ’ની સેવા કરતા અને ત્યારબાદ ભીક્ષા કરીને ભોજન મેળવતા. સંન્યાસીઓ માટે ‘સાધુ-ભંડારા’માં જવું લગભગ ફરજિયાત હતું, કારણ કે એનાથી સેવાશ્રમના અન્નનો બચાવ થતો!

હવે આપણે આ લેખની પૂર્ણાહૂતિ કરીએ છીએ. બીજા સેવાશ્રમના એટલે કે કનખલના સેવાશ્રમનું વર્ણન કરીને. આ સેવાશ્રમ કાશીના સેવાશ્રમની સાથે જ સ્વામી વિવેકાનંદના શિષ્ય સ્વામી કલ્યાણાનંદજીએ શરૂ કર્યો હતો. પરિવ્રાજક રૂપે સ્વામી વિવેકાનંદે પોતે પરિવ્રાજક સંન્યાસીઓની હરિદ્વાર અને ઋષિકેશની યાત્રામાં થતી અસહાય દશાને નજરે જોઈ હતી અને અનુભવી પણ હતી. એટલે જ એમણે સ્વામી કલ્યાણાનંદજીને ત્યાં જઈને આવા અસહાય સંન્યાસીઓની સેવા કરવાનો આદેશ કર્યો હતો. એમણે કનખલમાં એક નાના દવાખાનાથી પ્રારંભ કર્યો અને સ્વામી નિશ્ચયાનંદજીની મદદથી પોતાનાથી બનતી બધી મદદ કરવા લાગ્યા. હરિદ્વાર અને ઋષિકેશનાં બંને પવિત્ર સ્થળોમાં રહેતા અને આવતા સંન્યાસીઓની જ નહિ પણ ત્યાંના ગરીબ અને અસ્પૃશ્યોની પણ સેવા થવા લાગી. એનું પરિણામ એ આવ્યું કે એક બાજુએ સ્વામી નિશ્ચયાનંદજી અને સ્વામી કલ્યાણાનંદજી હતા તો બીજી બાજુએ એની વિરુદ્ધમાં બહુમતીવાળા પુરાણપંથી સાધુઓ હતા. આ બંનેની સેવાની ટીકાઓ થવા લાગી. એમને ‘ભંગી સાધુ’ રૂપે ઓળખવામાં આવતા. બીજા સંન્યાસીઓ એમને અસ્પૃશ્ય ગણવા લાગ્યા. જો કે બીજા કેટલાક સંન્યાસીઓ તેમને ઘણા ઊંચા માન-સન્માનની દૃષ્ટિએ જોતા. એમાં કૈલાસ આશ્રમના મહામંડલેશ્વર સ્વામી ધનરાજગિરિ મુખ્ય હતા. એક વખત એક સાધુ-ભંડારામાં ‘આ જમાતની બહાર મુકાયેલા ભંગી સાધુઓ’ સ્વામી કલ્યાણાનંદજી અને સ્વામી નિશ્ચયાનંદજીને આમંત્રણ પણ ન મળ્યું. જ્યારે આ વાતનો ખ્યાલ આ સાધુ-ભંડારાના મુખ્ય મહેમાન મહામંડલેશ્વર ધનરાજગિરિને આવ્યો ત્યારે એમણે એ બધા પુરાણ પંથી સાધુઓને ઠપકારીને કહ્યું: ‘અરે! એ બે સાધુઓ ખરેખર વેદાંતના આદર્શ, ‘સર્વમ્‌ ખલુ ઇદં બ્રહ્મ’નું સાચું અનુસરણ કરે છે. જો એ સંન્યાસીઓને આ સાધુ-ભંડારામાં આમંત્રણ આપવામાં નહિ આવે અને એમનો આદર-સત્કાર નહિ થાય તો હું તમારી મહેમાનગતિ સ્વીકારવા તૈયાર નથી.’ આ શબ્દોએ એ પુરાણપંથી સાધુઓની આંખ ઉઘાડી નાખી અને એમના પ્રત્યેના અંધવિરોધનો પણ અંત આવ્યો.

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.