(સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ના સંપાદક હતા. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી ફેબ્રુઆરી, 1985ના અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમના લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. – સં.)

જો કોઈ જૈન મંદિરમાં જાય તો તેને ધ્યાનસ્થ મુદ્રામાં ઊભેલા કે બેઠેલા તીર્થંકરોની મૂર્તિઓનાં દર્શન થશે. સાચે જ, જૈન ધર્મ સાથે ધ્યાન એટલું સઘન રીતે સંલગ્ન છે કે તેની શિલ્પકળા અને સાહિત્ય, એટલું જ નહીં, જીવન અને સંસ્કૃતિના દરેક ક્ષેત્રમાં ધ્યાન ઓતપ્રોત થયેલ જોવા મળે છે. યથાર્થપણે કહેવાય છે કે ‘દેહ સાથે મસ્તિષ્ક અને વૃક્ષ સાથે મૂળનો જે સંબંધ છે, તેવો સંબંધ ધર્મ સાથે ધ્યાનનો છે.’

सीसं जहा सरीरस्स बहा मूलं दुमस्स य।
सव्वस साधुधम्मस तहा झाणं विधीयते॥
(समणसूतम्‌, ध्यानसूत्र, ११७)

જેવી રીતે માનવદેહમાં મસ્તિષ્ક ચેતનાનું કેન્દ્ર છે, તેવી રીતે ધ્યાન બધા ધર્મોમાંનું જીવનતત્ત્વ છે, જીવનશક્તિ છે, જેના વિના તે ધર્મો નિર્જીવ છે. છતાંય, સૈકાઓ વીતતાં જૈન ધર્મમાં બીજાં ધાર્મિક અનુષ્ઠાનોનું મહત્ત્વ વધતાં ધ્યાન ગૌણ બની ગયું. તેથી માત્ર જૈનેતરોને જ નહીં, પરંતુ સ્વયં જૈન ધર્માવલંબીઓને જૈન ધર્મમાંની ધ્યાનની પદ્ધતિઓની ભાગ્યે જ સ્પષ્ટ અવધારણા રહી. એમ હોવા છતાંય, જૈન ધર્મમાં ધ્યાનની મહત્તા સર્વોચ્ચ કક્ષાએ છે. જૈન સિદ્ધાંત અનુસાર સંવર અર્થાત્‌ નવાં કર્મોના સંચયને રોકવો તેમજ નિર્જરા અર્થાત્‌ સંચિત કર્મોનો ક્ષય કરવો—તે બે મુક્તિનાં સાધનો છે. નિર્જરાનું અનુષ્ઠાન છ બાહ્ય અને છ આંતરિક તપ દ્વારા થાય છે. છ અત્યંત મહત્ત્વપૂર્ણ આંતરિક તપમાં ધ્યાન સર્વોપરી છે. આમ ધ્યાન મુક્તિના મુખ્ય સાધનરૂપ ગણાયું છે.

संवरविणिज्जराओ मोक्खस्‍स पहो तवो पहो तसिं।
झाणं च पहाण्णगं तवस्‍स तो मोक्खहेऊयं॥

તેમજ

तद्ध्‍यानं निर्जराहेतुः सवरस्‍य च कारणम्।

જૈન ધર્મમાં ધ્યાનપરક મૂળભૂત પદ્ધતિઓ કઈ છે? તીર્થંકર મહાવીરે કેવા પ્રકારે ધ્યાન કર્યું હતું? જૈન ધર્મમાં આવું સર્વોચ્ચ મહત્ત્વ અપાયેલ ધ્યાન શા માટે આટલી હદે વિલુપ્ત થયું? વર્તમાન સમયમાં જૈનો દ્વારા કેવા પ્રકારનાં ધ્યાન કરવામાં આવે છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા આપણે જૈન ધર્મમાં આચરિત ધ્યાનના ઇતિહાસનું સંક્ષિપ્તમાં અધ્યયન કરવું જોઈએ.

જૈન ધર્મ અંતર્ગતના ધ્યાનનો ઐતિહાસિક અભ્યાસ

ધ્યાનની ઐતિહાસિકતાનાં એંધાણ ભગવાન મહાવીર પછીના કાળમાં જોવા મળે છે. ભગવાન મહાવીરની બાર વર્ષની સાધનાનો મોટા ભાગનો સમય ધ્યાનમાં વીત્યો, જે ઘણું કરીને દિવસો કે મહિનાઓ પર્યંત ચાલતો રહેતો. મહાવીર કાલીન વીતરાગીઓની પ્રશંસા ‘ध्यान-कोष्ठोपगत:’ ‘જે ધ્યાનરૂપી કોષ્ઠમાં પ્રવેશ્યા છે’ એ રીતે કરાતી. તે વખતે ચતુર્મુખી ધ્યાનપદ્ધતિ પ્રવર્તમાન હતી, તે નીચે મુજબની હતી:

(૧) કાયોત્સર્ગ: દૈહિક પ્રવૃત્તિઓને ઘટાડવી, દેહ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો અને ચૈતન્ય સાથેના તેના પૃથક્‌પણાની અનુભૂતિ કરવી. આ તપના સમૂહને કાયોત્સર્ગ કહેવામાં આવે છે. આપણે દેહ સાથે તાદાત્મ્યનો અનુભવ કરીએ છીએ અને તેને ચૈતન્યસભર અસ્તિત્વ માનીએ છીએ. શાસ્ત્રો કહે છે કે ભૌતિક દેહ જડ છે અને ચૈતન્ય તેનાથી અલગ છે. આ ભેદની અનુભૂતિ કરવી એ કાયોત્સર્ગનો ઉદ્દેશ છે. આને ભેદ વિજ્ઞાન પણ કહેવાય છે.

(૨) ભાવના: દર્શન (યથાર્થ શ્રદ્ધા), જ્ઞાન (યથાર્થ જ્ઞાન) અને ચરિત્ર (યથાર્થ વ્યવહાર) એ ‘ત્રિરત્ન’ના અર્થ, મહત્ત્વ અને મર્મનું ચિંતન તેમજ વૈરાગ્ય— એને ‘ભાવના’ કહેવાય છે. તેની તુલના વેદાંતના ‘મનન’ સાથે કરી શકાય.

पुव्वकयब्‍भासो भावणाहि झाण्स्‍स जोग्‍गयमुवेह।
ताओ य नाणं-दंसण-चरित्त-वेरग्‍गनियताओ।

(૩) વિપશ્યના: જૈન ધર્મની અધિકૃત વિભૂતિ મુનિ નથમલના મત અનુસાર ભગવાન મહાવીર દ્વારા આચરિત અને પ્રબોધિત ‘વિપશ્યના’ મૂળભૂત ધ્યાન પદ્ધતિ છે. તેનો અર્થ છે— ‘સ્વ’ પ્રત્યે જાગ્રત થવું. ભગવાન મહાવીરે બોધ કર્યો- ‘संपिक्खए अप्पगमप्पएणं’ અર્થાત્‌ ‘આત્મા દ્વારા આત્માનું દર્શન’ એટલે કે ચૈતન્ય દ્વારા સ્થૂળ દેહનું પરિદર્શન. આપણે સ્થૂળ સ્વરૂપે પ્રારંભ કરીને સૂક્ષ્મ પ્રતિ ગમન કરવાનું છે. જેમ જેમ આપણે સ્થૂળ દેહનાં ઇન્દ્રિયજન્ય જ્ઞાન અને પ્રવૃત્તિઓ પ્રતિ જાગ્રત થતા જઈશું, તેમ તેમ આપણી સજાગતા વિસ્તરતી જશે અને પૂર્વે ન જાણી હોય તેવી આપણી ચોપાસ થતી અગણિત સૂક્ષ્મ પ્રવૃત્તિઓ અને ઘટનાઓનું પરિદર્શન કરવા આપણે સક્ષમ બનતા જઈશું.

अलक्ष्यं लक्ष्यसंबन्‍धात् स्‍थूलात् सूक्ष्मं विचिन्‍तयेत्।
सालम्बाच्‍च निरालम्‍बं तत्त्ववित्तत्‍वमञ्जसा॥

પછીનું પગથિયું છે—સૂક્ષ્મ દેહને જોવો એટલે કે સતત ઉત્પન્ન થતા વિચાર-તરંગોને જોવા. અર્થાત્‌ એષણાઓ, ભાવનાઓ અને તેના સૂક્ષ્મ ઉદ્દેશોને જોવા. આમ કરવાથી ચેતનમનની સપાટી પર અર્ધચેતન સંસ્કારો એકત્રિત થાય છે. અંતમાં, આ બધાથી પર એવું પરમ ચૈતન્ય ઉપલબ્ધ થાય છે.

(૪) વિચય: ભગવાન મહાવીરના જીવનકાળ દરમિયાન હજારો સાધુઓ એકાંતમાં, ગુફાઓ અને જંગલમાં, ધ્યાનાભ્યાસ કરતા અને તેમાનાં મોટા ભાગનાઓએ જૈન શાસ્ત્રોમાં વર્ણિત સર્વોચ્ચ આધ્યાત્મિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી હતી, જેવી કે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. અવધિજ્ઞાન એટલે ઇન્દ્રિયાતીત પદાર્થોનું જ્ઞાન. મન:પર્યવજ્ઞાન એટલે બીજાઓના ભૂતકાળ અને વર્તમાનકાળના વિચારોનું જ્ઞાન. કેવલજ્ઞાન એટલે સર્વજ્ઞતા.

આ ધ્યાન-પદ્ધતિઓ અને સિદ્ધોની ઉપસ્થિતિ મહાવીરના દેહાવસાન પછી, બીજી સદીના પૂર્વાર્ધ પર્યંત ચાલુ રહી. બીજી સદીના ઉત્તરાર્ધમાં મહાન પરિવર્તનો આવ્યાં.

મગધ અને તેની આસપાસનાં ક્ષેત્રોમાં બાર વર્ષનો દીર્ઘકાલીન દુષ્કાળ પડ્યો, જે ગાળામાં હજારોની સંખ્યામાં જૈન સાધુઓએ સ્વૈચ્છિક ઉપવાસ દ્વારા દેહત્યાગ કર્યો. આથી જૈન ધર્મમાં પૂરાય નહીં તેવી ખોટ ઊભી થઈ અને સાધુસંઘમાં વિકટ સમસ્યા ઊભી થઈ. ધર્મસંઘની જીવનશક્તિ નિરંતર અને અબાધિતપણે ચાલ્યા આવતા શાસ્ત્રજ્ઞાન પર વિશેષપણે અવલંબિત રહેતી હોવાના કારણે અલ્પસંખ્યક શાસ્ત્ર-જ્ઞાતાઓ પાસેથી ધર્મ-પરંપરા અને શાસ્ત્ર-જ્ઞાનના ગૂઢાર્થનું અધ્યયન કરવું જરૂરી થઈ પડ્યું. તેથી ધ્યાન પરનું લક્ષ્ય સ્વાધ્યાય પ્રતિ ફેરવાયું. સ્વાધ્યાય માટેના વિભિન્ન નિયમો ઘડાયા અને સાધુઓએ દરરોજ બાર કલાક શાસ્ત્રાધ્યયનમાં ગાળવા એમ આદેશ કરાયો. આમ, ધ્યાનની પ્રાથમિકતા ધરાવતો ધર્મસંઘ ક્રમશ: વિદ્વત્તાસભર અને બૌદ્ધિક બનતો ગયો.

અન્ય કારણ ‘તત્ત્વચિંતન યુગ’નું પગરણ પણ હોઈ શકે. ઈ.સ.પૂ. પહેલી સદીમાં ન્યાય અને વૈશેષિક દર્શન અસ્તિત્વમાં આવ્યાં. અશોકના શાસનકાળમાં બૌદ્ધ ધર્મે પ્રવેશ કર્યો. આ દર્શનો અને પ્રવર્તમાન વૈદિક દર્શનો પોતાની સર્વોપરિતા માટે પરસ્પર વાદવિવાદ કરવા લાગ્યાં અને જૈન ધર્મ ધાર્મિક મઠવાદના પ્રવાહમાં ખેંચાયો. વાદવિવાદો અને શાસ્ત્રાર્થોમાં આક્રમણ અને પ્રતિઆક્રમણ થવા લાગ્યાં, તેને કારણે જૈન સાધુઓને વાદવિવાદ, તર્કશાસ્ત્ર અને વક્તૃત્વની કળામાં નિપુણતા મેળવવાની આવશ્યકતા ઊભી થઈ.

સામાજિક પ્રવૃત્તિઓથી વિમુખ એવા અંતર્મુખી અને ચિંતનશીલ જૈન સાધુઓને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાની તેમજ જૈન ધર્મનાં તત્ત્વોના પ્રચાર-પ્રસારમાં જોડાવાની ફરજ પડી. તેથી આચાર્ય પરંપરાનો પ્રારંભ થયો અને ધર્મસંઘનું સંરક્ષણ થયું. આ સમયની ઘટનાઓ બતાવે છે કે સાધુઓએ મનની રહસ્યમય શક્તિઓ સંપાદિત કરી રાજાઓ અને શાસકોને પ્રભાવિત કરવામાં તેનો ઉપયોગ કર્યો, જેથી તેઓ સંઘને સહાય કરે.

જો કે લોક-સંગ્રહ તરફના આ પલટા પર ભાર મૂકવામાં આવ્યો હોવા છતાં તે ગાળામાં પ્રાજ્ઞ આધ્યાત્મિકજનો જન્મ્યા, જેઓએ ધ્યાન પર ભાર મૂક્યો અને એ બાબતને મહત્ત્વ આપ્યું કે ધર્મનું રક્ષણ માત્ર શાસ્ત્રાર્થોમાં વિજયી બનીને કે ચમત્કારો સર્જીને કે ગૂઢવિદ્યા અજમાવીને કે રાજાઓની સહાયતા લઈને થઈ શકશે નહીં. તેઓએ દર્શાવ્યું કે આચાર-વિચાર કરતાં ચારિત્ર્ય વધુ મહત્ત્વપૂર્ણ છે અને મહત્તર તપસ્યાનો આદેશ કર્યો. આચાર્ય કુંદકુંદ અને પૂજ્યપાદે ઘણાં મૂલ્યવાન પુસ્તકો લખ્યાં, જેમાં વિશુદ્ધરૂપે ધ્યાનની મૂળભૂત પદ્ધતિઓનું વણર્ન કર્યું. જિનભદ્ર સૂરીએ ‘ધ્યાનશતક’ નામનું ધ્યાનને લગતું પ્રસિદ્ધ ભાષ્ય રચ્યું.

આચાર્ય કુંદકુંદ (ઈ.સ. પહેલી સદી) પર્યંત ધ્યાનની પદ્ધતિઓ ચોક્કસપણે વિશુદ્ધ રહી પરંતુ નિપુણ લોકોની ખોટ વર્તાતી હતી અને એવું મનાવા લાગ્યું કે ઉચ્ચતર આધ્યાત્મિક અનુભૂતિઓ અને ત્રણ પ્રકારનાં પ્રત્યક્ષ જ્ઞાનનું સંપાદન શક્ય નથી. ધ્યાનના વિષયના નિષ્ણાતોનું માનવું છે કે ઉચ્ચતર અને સૂક્ષ્મતર અવસ્થાઓ તેમજ આધ્યાત્મિક અનુભૂતિની અસરને સહી શકવા માટે દૈહિક બંધારણ—ખાસ કરીને જ્ઞાનતંત્ર, અસ્થિતંત્ર અને શ્વસનતંત્ર સુદૃઢ હોવાં જોઈએ. સદીઓ વીતતી ગઈ તેમ સાધારણતયા મનુષ્યનું દૈહિક માળખું લઘુતર અને દુર્બળતર બન્યું. તેથી એવી ધારણા કરવામાં આવી કે ‘શુક્લધ્યાન’નામનું ધ્યાનનું ઉચ્ચતર સોપાન હવે આચરણમાં મૂકી નહીં શકાય. આ સાચું હોઈ શકે કે ન હોઈ શકે, પણ આ બાબતને લગતાં આચાર્યોએ કરેલાં વિધાનોએ, જેઓ ગંભીરતાપૂર્વક ધ્યાનાભ્યાસ કરવાનો પ્રયત્ન કરી શક્યા હોત, તેમના પર વિપરીત અસર કરી.

ઈ.સ. આઠમી સદીમાં મહાન વિદ્વાન અને યોગી હરિભદ્ર સૂરિએ જૈન ધર્મમાં તે વખતે પ્રવર્તમાન પાતંજલ યોગ-પદ્ધતિનો સમાવેશ કર્યો. જૈન ધર્મની ધ્યાનપરક મૂળભૂત પદ્ધતિઓમાં આ હતું સૌથી પ્રથમવારનું પરિવર્તન. વધુમાં તેમણે બોધ આપ્યો કે જૈન સાધુ અધ્યાત્મલક્ષી દૃષ્ટિએ અનાસક્તપણે જે કંઈ આચરણ કરે છે, તેને યોગ ગણવો જોઈએ. આ સાચું પણ હોઈ શકે, પરંતુ તેણે યોગના મહત્ત્વનું અવમૂલ્યન કર્યું અને ધ્યાનમાં ગહન અવગાહન કરવાની ઉત્કંઠા પર પ્રહાર કર્યો. યોગના વિસ્તૃતીકરણની વિભાવનાને કારણે ધ્યાનની ગહનતા નાશ પામી.

વિકાસના અંતિમ તબક્કામાં જૈન ધર્મ પર તંત્રો અને હઠયોગનો પ્રભાવ પડ્યો. આ ગાળામાં જૈન ધર્મ અંતર્ગતની ધ્યાન-પદ્ધતિઓમાં વિપુલ પરિવર્તનો આવ્યાં. પ્રારંભિક જૈન સાહિત્યમાં જપ વિષયક સૂચનો ન હતાં. પરંતુ હરિભદ્ર સૂરિના આગમન બાદ જપ વિષયક ‘નવકાર મહાકલ્પ’ અને ‘પદ્માવતી કલ્પ’ જેવી પદ્ધતિઓએ પ્રવેશ કર્યો. પૂર્વે ભૌતિક લાભ અને મનની રહસ્યમય શક્તિઓના અર્જન અર્થે મંત્રોનો ઉપયોગ થતો હતો, પરંતુ હાલ આધ્યાત્મિક ઉત્થાન માટે મંત્રોની અસરકારકતા અને ઉપાદેયતાનો પણ સ્વીકાર કરવામાં આવી રહ્યો છે.

હઠયોગ પાસેથી જૈન ધર્મે પ્રાણાયામ સ્વીકાર્યો. ચક્રો અને પદ્મો પર ધ્યાન, પિંડસ્થ ધ્યાનની પદ્ધતિ અને તેનાં ધ્યાન તેમજ બીજ સહિતના મંત્રો મોટેભાગે તંત્રોમાંથી સ્વીકારાયા.

જો કે દેવ, ગુરુ અને શાસ્ત્રમાં શ્રદ્ધારૂપે ભક્તિનું બીજ પ્રારંભથી જ જૈન ધર્મમાં પડેલું હતું, છતાં શૈવવાદ સહિતના હિંદુ ધર્મના ભક્તિ-સંપ્રદાયોએ તેના પર વિશેષ પ્રભાવ પાડ્યો. યોગી હોવા છતાં મુનિ આનંદઘને પ્રિયતમ રૂપે તીર્થંકરની પૂજાનું પ્રવર્તન કર્યું અને ઘણાં ભક્તિપૂર્ણ સ્તોત્રોની રચના કરી. એક જૈન શાખામાં તીર્થંકરની નવા જન્મેલ બાળકરૂપેની પૂજા લોકપ્રિય છે.

ધ્યાનની વ્યાખ્યાઓ અને વર્ગીકરણ

જૈન વિદ્વાનોએ ધ્યાનની અનેક વ્યાખ્યાઓ કરી છે. ઉમાસ્વાતિના મતાનુસાર કોઈ એક વસ્તુ પર મનને એકાગ્ર કરવું તેનું નામ ધ્યાન. જૈન ધર્મ અનુસાર નિરોધ એટલે માત્ર મનનો નિગ્રહ જ નહીં, પરંતુ તેમાં વાણી અને દૈહિક ક્રિયાઓના સંયમનો પણ સમાવેશ થાય છે. તદ્‌ અનુસાર ધ્યાન ત્રણ પ્રકારનાં છે: કાયિક, વાચિક અને માનસિક. જિનભદ્ર સૂરીના મત મુજબ, ‘મનની સ્થિરતાની સ્થિતિ તે ધ્યાન અને તેની ક્રિયાશીલ સ્થિતિ એ ચિત્ત છે.’ આચાર્ય રામસેન મનની બીજી અવસ્થાઓને સમાવવા માટે ધ્યાનની વ્યાખ્યાનું વિસ્તૃતીકરણ કરે છે. તેમના મત અનુસાર ધ્યાન એટલે માત્ર વિચાર-તરંગોનો નિગ્રહ અને એક જ વસ્તુનું ચિંતન એટલું નહીં, પણ વિચાર-શૂન્યતાવાળી આત્મજાગ્રતિ પણ ધ્યાન છે.

ભગવાન મહાવીરે ઉપદેશ આપ્યો હતો, ‘સ્વનું સ્વ દ્વારા દર્શન કરો, આત્માનું આત્મા દ્વારા દર્શન કરો.’ આ શાસ્ત્રીય આદેશના આધારે કેટલાક વિદ્વાનો સૂચવે છે કે ધ્યાન અને જાગ્રતિ, જેને જૈન ધર્મમાં ‘પસ્સના’ કહેવાય છે, તે બૌદ્ધ ધર્મની ‘વિપશ્યના’ જેવું છે.

ધ્યાનનો ત્રીજો અર્થ છે, આસક્તિ અને ઘૃણા મુક્ત એક ક્ષણ, दुहओ छेता नियाइ। આચાર્ય હેમચંદ્ર સૂચવે છે કે જ્યાં સુધી કંઈક કરવાની ઇચ્છાનો લગારેય પ્રયત્ન આદરતાં મનનો પૂર્ણ લય થઈ શકશે નહીં ત્યાં સુધી દેહને માનસિક વિશ્રાંતિની સ્થિતિમાં રાખીને, ઇન્દ્રિયો કે મનના નિગ્રહનો પ્રયત્ન કર્યા વિના વ્યક્તિએ એવી એક ક્ષણની અનુભૂતિનો પ્રયાસ કરવો જોઈએ, જ્યારે મનમાં આસક્તિ અને ઘૃણા ઊપજી ન હોય, ન તો ત્યાં હોય પસંદગી કે નાપસંદગી, અન્ય શબ્દોમાં ‘હોવું’ એ સ્થિતિનો પ્રયત્ન કરવો તે ધ્યાન.

‘ध्यै’ એવા મૂળ સંસ્કૃત ધાતુ-રૂપમાંથી વ્યુત્પત્તિ પામેલ ‘ધ્યાન’ શબ્દ એટલે વિચારવું.

ध्यै चिन्तायाम्‌। વ્યુત્પત્તિશાસ્ત્ર અનુસાર ધ્યાન એટલે કોઈપણ પ્રકારનું એકાગ્રતાપૂર્વક વિચારવું તે અને આ અર્થમાં જૈન ધર્મના ધ્યાનને ‘તપ’ ગણવામાં આવે છે. આ પ્રકારની વિચાર કરવાની પ્રક્રિયા ચાર પ્રકારની હોઈ શકે: આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ, જેનો અનુક્રમે અર્થ થાય ગ્લાનિપૂર્ણ, ઉગ્ર, સદ્‌ગુણી અને વિશુદ્ધ. આ ચાર પૈકીનાં, પ્રથમ બે ધારણાની દૃષ્ટિએ ધ્યાન નથી, જેમાં અનિચ્છનીય વિચારણાનું મન પર આધિપત્ય હોય છે, જે આગળ જતાં બંધન પ્રતિ દોરી જાય છે. તેથી સાવધાનીપૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ.

आर्तरौद्रं च दुर्ध्यानं वर्जनीयमिदं सदा।
धर्मं शुक्लं च सद्ध्यानमुपादेयं मुमुक्षुभिः॥

પ્રતિકૂળ વસ્તુઓ પર કેવી રીતે નિગ્રહ કરવો તે અંગેનું નિરંતર જાગરણ તે ‘અનિષ્ટયોગ’, આધિપત્યથી દૂર થયેલ ઈશ્વરીય વસ્તુ પર સ્વામીત્વ મેળવવું તે ‘ઇષ્ટવિયોગ’, દૈહિક વ્યાધિઓ માટે ચિંતા કરવી તે ‘રોગચિંતા’ અને ભોગો માટેની તીવ્ર-નિરંતર ઝંખના તે ‘નિદાન’. આ છે ચાર જાતનાં ‘આર્ત-ધ્યાન’. હિંસા, અસત્ય, ચોરી અને પરિગ્રહને લગતું નિરંતર ચિંતન, એ થયાં ચાર જાતનાં ‘રૌદ્ર-ધ્યાન’.

ધર્મ-ધ્યાન

સદ્‌ગુણી એકાગ્રતા નામે ઓળખાતી વિચાર-પ્રક્રિયા એ મુક્તિ તરફનું પ્રથમ સોપાન છે અને પ્રત્યેક પવિત્ર જૈન ધર્માવલંબીને તેનું આચરણ કરવાનો આદેશ કરાયો છે. તે ચાર પ્રકારનાં છે.

(૧) આજ્ઞા વિચયઃ સર્વજ્ઞ અને આસક્તિ રહિત વ્યક્તિની શી આજ્ઞા છે? તેમની આજ્ઞા કેવા પ્રકારની હોવી જોઈએ? આ પ્રકારની જિજ્ઞાસામાં મનોવિજય કરવો એને આજ્ઞાપરક ‘ધર્મ-ધ્યાન’ કહેવામાં આવે છે.

(૨) અપાય વિચયઃ લોભ, ક્રોધ, મોહ, વગેરે જેવી શુદ્ધત્વભંગના પ્રકારની બાબતો પ્રત્યે મનનો નિવેશ કરવો અને તેના નિગ્રહના ઉપાયો અજમાવવા તેને અપાય અર્થાત્‌ વિપત્તિ-લક્ષી ધર્મ-ધ્યાન કહેવામાં આવે છે.

(૩) વિપાક વિચયઃ કયાં કર્મોને કારણે કયાં પરિણામો ભોગવવાં પડે છે અને કયાં સંચિત કર્મોને લીધે કયાં પરિણામો ભોગવવાં પડે છે? આવા પ્રશ્નો પ્રત્યે મનોનિવેશ કરવો તેને વિપાક (કર્મનું ફળ) જાતનું ધર્મ-ધ્યાન કહેવામાં આવે છે.

(૪) સંસ્થાન વિચયઃ જગતના સ્વરૂપના સંદર્ભમાં મનોનિવેશ કરવો તેને સંસ્થાન (જગતનું સ્વરૂપ) પ્રકારનું ધર્મ-ધ્યાન કહેવામાં આવે છે. આ સંસ્થાન પ્રકારના ધર્મ-ધ્યાનના હેમચંદ્રે ચાર ઉપવિભાગો પાડ્યા છેઃ પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત.

पिण्डस्‍थं पदस्‍थं च रूपस्‍थं रूपवर्जितम्।
चतुर्धा ध्‍येयमात्‍मानं ध्‍यानस्‍यालम्बनं बुधैः॥

(અ) પિંડસ્થ ધ્યાન—(પિંડ એટલે દૈહિક માળખું) પૃથ્વી, તેજ, વાયુ અને જળ નામનાં સ્થૂળ તત્ત્વોથી બનેલ માનવશરીરમાં રહેલ આત્માનું ધ્યાન ધરવું તેને પિંડસ્થ ધ્યાન કહેવામાં આવે છે.

આમાં એક પછી એક આચરણ કરવા ‘પંચ ધારણા’ નામના પાંચ સોપાનોનો સમાવેશ થાય છે.

पार्थिवी स्‍यादथाग्‍नेयी मारूती वारूणी तथा।
तत्त्वभूः पंचमी चेति पिण्डस्‍थे पंचधारणा॥

આ પ્રકાર દ્વારા સૂક્ષ્મ પદાર્થોનું ચિંતન કરવા ન ટેવાયેલું મન ધીમે ધીમે પ્રશિક્ષિત થાય છે, ક્રમશઃ સ્થૂળથી સૂક્ષ્મનું ચિંતન કરવા ટેવાતું જાય છે અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવા સક્ષમ બને ત્યાં સુધી સૂક્ષ્મતર પદાર્થોના ચિંતનનો અભ્યાસ કરતું રહે છે.

પાર્થિવી ધારણા—પાર્થિવી ધારણા અર્થાત્‌ પૃથ્વીને લગતી ધારણા. તરંગહીન ક્ષીરસમુદ્રની કલ્પના કરો, જેમાં શતસહસ્ર યોજન વ્યાસવાળું સહસ્રદળ કમળ છે. મધ્યસ્થ દંડિકા પીત વર્ણની અને સુમેરુ પર્વત જેટલી ઊંચી છે. તેની ઉપર શ્વેત સ્ફટિકનું સિંહાસન આવેલું છે. ધ્યાતાએ કલ્પના કરવાની છે કે તે સિંહાસન પર તે પોતે બિરાજીને મહાન યોગીની જેમ ધ્યાન કરી રહ્યો છે.

આગ્નેયી ધારણા—આગ્નેયી અર્થાત્‌ અગ્નિ સંબંધી. હવે ધ્યાતાએ કલ્પના કરવાની છે કે તેના નાભિપ્રદેશમાં ષોડશદલવાળું ઊર્ધ્વમુખી શ્વેત કમળ આવેલું છે. પ્રત્યેક પાંખડી પર બારાક્ષરીના વ્યંજનો આલેખિત છે. મધ્યમાં હ્રીં બીજમંત્ર કોતરાયેલો છે. નાભિકમળના મથાળે બીજું અષ્ટદલ શ્યામ વર્ણનું અધોમુખી કમળ હૃદયપ્રદેશમાં આવેલું છે. આઠ શ્યામ પાંખડીઓ આઠ કર્મો સૂચવે છે, જેનો નાશ કરવાનો છે. પછી કલ્પના કરવાની છે કે હ્રીં બીજમાંથી સૌ પ્રથમ ધુમાડો, પછી અગ્નિના તણખા અને અંતે જ્વાળાઓ પ્રગટ થઈ રહ્યાં છે. પછી જ્વાળાઓ મસ્તક પ્રતિ ગતિ કરતી જાય છે અને ત્યાં સ્થિત થઈને બધી દિશાઓમાં નિમ્નગામી બની જઈ પુન: સંયુક્ત થઈ જાય છે. પરિણામે સર્વત્ર ‘ર’ વ્યંજન સહિતનો નિર્ધૂમ અગ્નિ પેદા થાય છે. અંતે જ્યાંથી અગ્નિ પ્રગટિત થયો હતો ત્યાં પાછો ફરે છે અને બધાં કર્મો ભસ્મસાત્‌ કરીને સ્વયં શાંત પડે છે.

વાયવી અથવા મારુતિ ધારણા—વાયવી અથવા વાયુ સંબંધિત. હવે ધ્યાતા કલ્પના કરે છે કે સર્વ કર્મો ભસ્મીભૂત થયાં બાદ શેષ રહેલ ભસ્મને પ્રચંડ વાયુ ઢસડી જાય છે. વાયુ અંતે શાંત પડે છે અને કર્મની અશુદ્ધિથી મુક્ત એવા ધ્યાતાનો જ્યોતિર્મય આત્મા પ્રકાશ વિકરીત કરવા લાગે છે.

વારુણિ ધારણા—વારુણિ અર્થાત્‌ જળસંબંધી. હવે સાધક કાળાં ડિબાંગ વાદળોથી આચ્છાદિત આકાશનું ચિંતન કરે છે, જે વરસાદ વરસાવવાનું ચાલુ કરતાં આત્માને ચોંટેલ ભસ્મનો અવશેષ ધોઈ નાખે છે. હવે કર્મના લગારેય અંશ વિનાનો વિશુદ્ધ આત્મા પૂર્ણપણે પ્રકાશવા લાગે છે.

તત્ત્વવતી ધારણા—આમાં વિશુદ્ધ, નિરાકાર, નિષ્કલંક પરમાનંદમય આત્માનું પૂર્ણ વિકસિત ચંદ્ર રૂપે ચિંતન કરાય છે, જે કર્મ, દેહ અને મનનાં બંધનથી સર્વદા વિમુક્ત છે. ધ્યાતા કલ્પના કરે છે કે તેનામાં પૂર્ણાત્મા એવા સિદ્ધનાં સર્વ લક્ષણો પરિલક્ષિત થયાં છે અને રોગ, જરા, અને મૃત્યુને અતિક્રમી જઈ તેણે શાશ્વત શાંતિ પ્રાપ્ત કરી છે.

સાધકે બધા પ્રકારની ધારણાની સાધના વારંવાર કરવી જોઈએ અને એક સોપાન સિદ્ધ થયા પછી આગળના સોપાને અગ્રસર થવું જોઈએ. આ ધારણાઓની સાધના સાધકને શુક્લધ્યાન નામના ઉચ્ચસ્તરની સાધના કરવાની ક્ષમતા બક્ષે છે.

(બ) પદસ્થ ધ્યાન—પવિત્ર શબ્દસમૂહ અર્થાત્‌ ‘પદ’ની સહાયથી કરાતું ધ્યાન પદસ્થ ધ્યાન કહેવાય છે. સંસ્કૃત બારાક્ષરીનો પ્રત્યેક અક્ષર મહાન શક્તિ ધરાવતો મંત્ર મનાય છે અને જ્યારે નિર્દિષ્ટ નિયમાનુસાર તેના પર ધ્યાન ધરવામાં આવે ત્યારે તે ઇહલોક અને પરલોકમાં મહાન ફળપ્રદ નીવડે છે. આ પ્રકારના ધ્યાનની ઘણી પદ્ધતિઓ છે. તે પૈકીની બે ઉદાહરણ રૂપે નીચે મુજબની છે.

पदान्‍यालम्ब्य पुण्यानि योगिभियंद् विधीयते।
तत् पदस्‍थं मतं ध्यानं विचित्रनयपारगैः॥

નાભિમાં ષોડશદલ કમળની, ચતુર્વિંશતદલ કમળની હૃદયમાં, અને અષ્ટદલ કમળની મસ્તિષ્કમાં કલ્પના કરો. નાભિમાં આવેલ ષોડશદલ કમળમાં સંસ્કૃત બારાક્ષરીના સોળ સ્વરો અંકિત થયેલા છે, અને વ્યંજનો અન્ય કમળની પાંખડીઓ પર. નીચેના ભાગે આવેલ કમળથી ધ્યાનનો પ્રારંભ કરો અને ઊર્ધ્વગમન કરતા જાઓ.

પાંચ પાંખડીવાળા કમળની હૃદયમાં કલ્પના કરો, જે અનુક્રમે સફેદ, લાલ, પીળી, લીલી અને કાળા રંગની છે. પરમ પવિત્ર નવકાર મંત્રના પાંચ વિભાગ આ પાંખડીઓ પર અંકિત છે. ‘नमो अरिहंताणं’ નો પ્રારંભ સફેદ પાંખડીથી થાય છે. સાધક આ પદ્મદલ અને તેના પર અંકિત મંત્રોનું ધ્યાન ધરે છે.

(ક) રૂપસ્થ ધ્યાનઃ રૂપ અર્થાત્‌ સ્વરૂપ, આકૃતિ. તીર્થંકરોનાં દૃશ્યમાન ચિત્રો અને તેમના જીવનપ્રસંગો વિષયક ધ્યાનને રૂપસ્થ ધ્યાન કહેવાય છે. ઉદાહરણ રૂપે કલ્પના કરો કે સંવત્સણ નામના દિવ્ય સભાગૃહમાં રત્નજડિત સિંહાસન પર ભગવાન વિરાજિત છે, મસ્તક પર ત્રણ છત્ર છે, સેવકો ચામર ઢોળે છે, દેવો અને દેવીઓ, નર-નારીઓ અને પ્રાણીઓ સર્વ ઈર્ષ્યા અને તિરસ્કારનો ત્યાગ કરીને તેમના માટેનાં નિર્દિષ્ટ સ્થાનો પર બેઠેલાં છે અને ભગવાનનાં આત્મસંમોહક પ્રવચનો સાંભળી રહ્યાં છે. ધ્યાન કરનારે ચિંતન કરવું જોઈએ કે શ્રોતાવૃંદમાંનો તે એક છે અને દિવ્ય સાન્નિધ્યના પરમાનંદનો સહભાગી બની રહ્યો છે.

अर्हंतो रूपमालंब्य ध्‍यानं रूपस्‍थमुच्यते।

આવી જ રીતે ભગવાન મહાવીરના જીવનના અન્ય ઘટના-પ્રસંગો, તેમની તપસ્યાઓ, તેમનું ભ્રમણ, તેમની ભિક્ષા વગેરે પર ધ્યાન કરી શકાય. ધ્યાતા એવું પણ ચિંતવી શકે કે તે પોતે તીર્થંકર છે. આ પદ્ધતિને અત્યંત અસરકારક ગણવામાં આવે છે, કારણ કે આસક્તિ, ઘૃણા, મોહ અને લોભ જેવી દુર્વૃત્તિઓ તેમજ કર્મ-કલંકથી મુક્ત એવા પોતાના શુદ્ધ ચૈતન્ય પર ધ્યાન કરવામાં આવે છે.

(ડ) રૂપાતીત ધ્યાન: અથવા નિરાકાર ધ્યાન કે જેમાં શુદ્ધ નિરાકાર પરમાનંદપૂર્ણ ચૈતન્ય પર ધ્યાન કરાય છે કે જે ચૈતન્ય આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે.

चिदानन्‍दमयं शुद्धममूर्तं ज्ञानविग्रहम्।
स्‍मरेद् यत्रात्‍मनात्‍मानं तद् रूपातीतमिष्यते॥

શુક્લધ્યાન

જ્યારે ધ્યાતા શુક્લધ્યાન અથવા શુદ્ધ ધ્યાન કરવા સક્ષમ બને છે ત્યારે વિભિન્ન ધ્યાન-પદ્ધતિઓ દ્વારા સિદ્ધ થતા જૈન ધર્મ અનુસારના મુક્તિપંથનો સૌથી મહત્ત્વની સ્થિતિનો અધિકારી બને છે. શાસ્ત્રાધ્યયનની સહાયે પ્રાપ્ત કરેલ પ્રગાઢ પ્રશાંતિ અને મનની એકાગ્રતાને શુક્લધ્યાન કહેવામાં આવે છે. ધ્યાનના બીજા પ્રકારોની જેમ, શુક્લધ્યાનના પણ ચાર ઉપપ્રકારો છે. પ્રથમ બે ઉપપ્રકારોને ‘પૃથકત્વ-વિતર્ક-સવિચાર’ અને ‘એકત્વ-વિતર્ક-નિર્વિચાર’ કહેવામાં આવે છે, જેનું આચરણ જેમણે હજુ સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત કરી નથી, તેમના દ્વારા કરાય છે. પછીના બે પ્રકારો સૂક્ષ્મ-ક્રિયા-પ્રતિપાતી અને વ્યુપરત-ક્રિયા-નિવૃત્તિ (કે સમુચ્છિન્ન-ક્રિયા-નિવૃત્તિ) એવા નામે ઓળખાય છે. આ પદ્ધતિઓનું આચરણ જેઓ પૂર્ણત્વના સર્વોચ્ચ સોપાને પહોંચ્યા છે અને જે સર્વજ્ઞ કે કેવલજ્ઞાની બન્યા છે તેમના માટે જ શક્ય છે.

વિતર્ક એટલે શ્રુતિ અથવા શાસ્ત્રગ્રંથ. પ્રથમ પ્રકારના ધ્યાનમાં ધ્યાતા શાસ્ત્રમાં વર્ણવેલ અણુ, આત્મા વગેરે જેવાં તત્ત્વોની પસંદગી કરે છે અને નિત્યત્વ, વિનાશશીલતા, ઇન્દ્રિયગોચરત્વ, ઇન્દ્રિય-અગ્રાહ્યતા જેવા પૃથકત્વનું ધ્યાન કરે છે. આગળ જતાં, એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દથી બીજા શબ્દ પર; અર્થ પરથી શબ્દ પર અને શબ્દ પરથી અર્થ પર અને વળી યોગના એક પ્રકારથી બીજા પર ચિંતનનું સંક્રમણ કરતું જવાનું હોય છે. તેથી તેને પૃથકત્વ-વિતર્ક-સવિચાર ધ્યાન કહેવાય છે. અર્થાત્‌ શાસ્ત્ર આધારિત તેમજ શબ્દ, અર્થ અને યોગના માન્યતાગત ચિંતન સાથે એક તત્ત્વના વિવિધ પ્રકારો પરનું ધ્યાન.

સાધક બીજા પ્રકારના ધ્યાનમાં, કોઈપણ વસ્તુની એક જ બાબતને લક્ષમાં લે છે અને એકત્વના ખ્યાલ સાથે એકાગ્રતા સાધે છે. વધુમાં, આ પ્રકારના ધ્યાનમાં શબ્દથી અર્થ તરફનું કે તેથી ઊલટું સંક્રમણ કરાતું નથી. વળી કોઈ સ્વરૂપના ચિંતનમાં પણ પરિવર્તન લવાતું નથી. તેથી તેને એકત્વ-વિતર્ક-નિર્વિચાર ધ્યાન કહેવાય છે.

જેવી રીતે ચમત્કારિક મંત્રોચ્ચારથી દેહમાં વ્યાપેલ સાપનું ઝેર તેના કરડેલા ભાગે એકત્રિત કરાય છે, તેવી જ રીતે ભટકતા મનને એક જ વસ્તુ પર સ્થિર કરાય છે. અંતતઃ મન પૂર્ણપણે પ્રશાંત બને છે, દીપકની જેમ થતો તેનો ટમટમાટ દૂર થાય છે. અને તેની અસ્થિરતા દૂર થતાં જ્ઞાનને આચ્છાદિત કરતી સર્વ અશુદ્ધિઓ ધોવાઈ જાય છે અને સર્વજ્ઞતાની ઉપલબ્ધિ થાય છે.

ત્રીજા પ્રકારના ધ્યાનમાં સૂક્ષ્મ દેહની પ્રવૃત્તિ દૃઢતાપૂર્વક ટકી રહે છે, તેથી તેને સૂક્ષ્મ-ક્રિયા-પ્રતિપાતી ધ્યાન કહેવાય છે. વ્યુપરત-ક્રિયા-નિવૃત્તિ-ધ્યાન કહેવાતા છેલ્લા પ્રકારમાં સ્થૂલ કે સૂક્ષ્મ; દેહ, મન અને વાણીની કોઈપણ પ્રવૃત્તિ હોતી નથી. આ પ્રકારના ધ્યાનના આચરણથી સર્વ કર્મપ્રવાહ અને કર્મબંધન અટકી જાય છે, સર્વ-કર્મનાશ થાય છે અને મોક્ષપ્રાપ્તિ થાય છે. શુક્લધ્યાનના ત્રીજા અને ચોથા પ્રકારમાં શાસ્ત્રજ્ઞાનનો કોઈ ઉપયોગ કરાતો નથી. તેથી તેને અનાલંબન કહેવાય છે.

ધ્યાન વિષય અંગેનાં વિપુલ શાસ્ત્રોમાં ઉપલબ્ધ ધ્યાનની વિવિધ પદ્ધતિઓનું આ છે સંક્ષિપ્ત વિવરણ. આ ઉપરાંત, ધ્યાનને લગતી અન્ય પદ્ધતિઓ પણ છે. ભક્તિનિષ્ઠ જૈનોમાં વર્તમાન સમયે આધ્યાત્મિક સાધના માટે ‘જપ’ સવિશેષ લોકપ્રિય થતો જાય છે. હાથની આંગળીની સહાયતા કે માળાનો ઉપયોગ કરીને નવ પદવાળા નવકારમંત્ર કે તેના સંક્ષિપ્તરૂપના જપનું અનુષ્ઠાન થતું જોવા મળે છે.

ધ્યાનનો વિષય જૈન અવધારણા ‘ગુણસ્થાન’ અર્થાત્‌ ‘સીડી પર આધ્યાત્મિક ચઢાણ’ સાથે ઘનિષ્ઠ સંબંધવાળો છે. વિવિધ પ્રકારનાં ધ્યાનમાં સિદ્ધ થવા માટેની લાયકાતો અને આવશ્યક વિશિષ્ટ ગુણોનું વર્ણન શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. પદ્ધતિસર કરાતી ઉપર્યુક્ત, ઉપપ્રકારની ધ્યાન-પદ્ધતિઓનું અલગ અલગ મનોવૈજ્ઞાનિક પરિણામ હોય છે. આ બધી પદ્ધતિઓ અત્યંત મહત્ત્વ અને અભિરુચિ ધરાવતી હોવા છતાં સંક્ષિપ્તમાં તેનું પૂર્ણ વિવરણ સંભવ નથી. પરંતુ આ પ્રયાસથી વાચકને માત્ર સર્વસાધારણ અવધારણા પ્રાપ્ત થશે અને આ વિષયમાં વિશેષ રસ જાગ્રત થશે.

Total Views: 293

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.