સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ ભગવાન શંકરની મૂર્ત, આ વિભિન્ન વિગ્રહોમાં સૌથી અધિક પ્રચલિત છે. મા કાળીની મૂર્તિ સાથે, એમના ચરણમાં શબ રૂપી શિવથી પણ સહું પરિચિત છે. તાંડવ નૃત્ય કરતા અને ગંગાવતરણ સમયે ગંગાના વેગને પોતાની જટામાં ઝીલતા, આ બીજા બે ભગવાન શિવનાં રૂપ છે. અર્ધનારીશ્વર પણ એક સુંદર પ્રતીકાત્મક વિગ્રહ છે જેની પૂજા, આરાધના કેટલાક ભક્ત કરે છે.

મા કાળીનાં ચરણ તળે પડેલા શિવ નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું પ્રતીક છે. તાંડવ નૃત્ય એમનું સંહારાત્મક સ્વરૂપ છે. ભક્ત, ત્યાગી અને જગતનાં કલ્યાણમાં રત, ધ્યાનસ્થ, યોગી શિવ સંન્યાસીઓના આદર્શ છે. મા કાળીનાં ચરણોમાં પડેલા ભાવાતીત, નિર્ગુણ-નિરાકાર, ‘પ્રપંચોશમં, શાંતં, શિવમદ્વૈતમ’ જ ધ્યાનસ્થ સગુણ-સાકાર અનંત ઉચ્ચતમ ભાવોના પ્રતીક ભાવમય શિવ રૂપે પ્રકટ થાય છે. આ બંને અવસ્થાની વચ્ચેની સ્થિતિનાં પ્રતીક રૂપે અર્ધનારીશ્વર મૂર્તિને લઇ શકાય. આ મૂર્તિનાં દક્ષિણાર્ધ શિવ છે. અને વામાર્ધ પાર્વતી છે. દાર્શનિક ભાષામાં આ પુરુષ અને પ્રકૃતિ, ચેતન અને જડનાં સંમિશ્રણનું પ્રતીક છે. શાસ્ત્રોમાં બ્રહ્મ અને એની શક્તિને, અગ્નિ અને એની દાહિકા શક્તિની જેમ અભેદ માન્યા છે. અર્ધનારીશ્વરને પણ આ રીતે બ્રહ્મ અને શક્તિનાં અભિન્નત્વ દર્શાવનાર પ્રતીક રૂપે માની શકાય. બ્રહ્મ અને જગતના સંબંધ વિષે અનેક મત પ્રચલિત છે. અદ્વૈત વેદાંત અનુસારબ્રહ્મ જ એક માત્ર સત્તા છે. અને જગત મિથ્યા છે જે માયા દ્વારા નિર્મિત છે. એક બીજા મત અનુસાર, બ્રહ્મ અને માયા યા શક્તિ બંને અભિન્ન છે. એક જ સત્તાનાં બે રૂપ છે. આવી જાતની ભિન્ન ભિન્ન દર્શન-પ્રણાલીઓ છે અને કેટલાકે અર્ધનારીશ્વરને પોતાના મતનું પ્રતિપાદન કરનાર રૂપ તરીકે ગ્રહણ કર્યું છે.

આધ્યાત્મિક દૃષ્ટિએ અર્ધનારીશ્વર ભાવમુખ અવસ્થાનું પ્રતીક છે. નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મની વચ્ચેની એ અવસ્થા જેમાં વિરાટ સર્વવ્યાપી અહં વિદ્યમાન હોય છે- એને ભાવમુખ કહે છે. અવતારી અને ઈશ્વર કોટિ મહાપુરુષ આ અવસ્થામાં રહી જગત કલ્યાણ કરે છે. નિર્વિકલ્પ સમાધિમાં છ મહિના સુધી નિમગ્ન રહ્યા બાદ શ્રીરામકૃષ્ણને મા જગદબાએ ભાવમુખે રહેવાનો આદેશ દીધો હતો. આ અવસ્થામાં શ્રીરામકૃષ્ણ પોતાને એ વિરાટ અહં, એ વિરાટ ચૈતન્યથી અભિન્ન અનુભવતા હતા, જેમાં સમગ્ર ભાવનો ઉદ્ભવ થાય છે. આ અવસ્થા અદ્વૈત અને દ્વેતની મિલનસ્થળી છે. અહીં અવસ્થિત મહાપુરુષ પોતાને સંસારના સમસ્ત પ્રાણીઓનાં અંતરાત્મા રૂપે અનુભવે છે.

મનોવિજ્ઞાનિક દૃષ્ટિએ અર્ધનારીશ્વર કોમલ અને કઠોર, પુરુષોચિત અને સ્ત્રીઓને ઉચિત ભાવોનાં સંમિશ્રણનું પ્રતીક છે. પ્રત્યેક વ્યક્તિમાં શૌર્ય, વીરતા, કઠોરતા વગેરે પુરુષોચિત અને કોમળતા, પ્રેમ, કરુણા વગેરે સ્ત્રીઓને ઉચિત ભાવ ન્યૂનાધિક માત્રામાં હોય છે. સામાન્ય રીતે પુરુષોમાં કઠોર અને સ્ત્રીઓમાં કોમળભાવ અધિક હોય છે. પરંતુ એમાં અપવાદ પણ હોય છે. મહાપુરુષોનાં સંબંધમાં કહેવાય છે કે તેઓ વજ્રસમ કઠોર અને ફૂલસમ કોમળ હોય છે. આ અદ્‌ભુત સમન્વયનું પ્રતીક છે,- અર્ધનારીશ્વર.

ભગવાન શિવ વૈરાગ્યના દેવતા છે, એમણે આવશ્યકતા આવી પડતાં પોતાની પ્રિયતમા સતીનો ક્ષણભરમાં ત્યાગ કર્યો હતો. પરતુ તેઓ અનુરાગના પણ આદર્શ છે. ભગવાન

શંકરના આ પાસાંનું રાજર્ષિ ભર્તૃહરિએ એક સુંદર શ્લોક દ્વારા વર્ણન કર્યું છે.

એકો રાગિષુ રાજતે પ્રિયતમા દેહાર્ધધારી હરો —।
નીરાગેષજનો વિમુક્તલલનાસંગો ન યસ્માત્ પર : —।
દુર્વાર સ્મરબાણપન્નગવિષ-વ્યાવિદ્ધ મુગ્ઘો જન :
શેષ : કામવિડમ્બિતાન્ન વિષયાન્ ભોક્તું ન મોક્તું ક્ષમ : —।।

અર્થાત્ રાગીઓમાં એક માત્ર શિવ જ સર્વ શ્રેષ્ઠ છે, જેમણે (અર્ધનારીશ્વર રૂપમાં) પોતાની પ્રિયતમાને અર્ધાંગનું સ્થાન દીધું છે. રાગરહિત લોકોમાં પણ લલનાસંગત્યાગી શિવથી મોટું કે ચડિયાતું કોઈ નથી. ‘સંસારના લોકો કામનાં દુર્નિવાર બાણોનાં વિષથી પીડાઇને ન વિષયો ભોગવવાને (સમર્થ થાય છે) કે ન ત્યાગવામાં શક્તિમાન થાય છે.’ તેથી અર્ધનારીશ્વર પ્રવૃત્તિ અને નિવુત્તિ, આસક્ત અને અનાસક્તિ, અનુરાગ અને વૈરાગ્યના મિલનનું પ્રતીક પણ છે.

ઉપરોક્ત વિભિન્ન અર્થાે સિવાય પણ અર્ધનારીશ્વરના બીજા બે અર્થ, સ્વામી વિવેકાનંદે કાશ્મીર ભ્રમણ દરમિયાન પોતાના શિષ્યોને કહ્યા હતા. પ્રથમ આ, એ સત્યના સાક્ષાત્કારનું પ્રતીક છે કે જેમાં જ્ઞાન અને પરાભક્તિથી પ્રાપ્ત ત્યાગ એક બીજાને મળે છે. શિવાર્ધ જ્ઞાનનું અને શકત્યાર્ધ પરાભક્તનું પ્રતીક છે અને એમનું મિલન એ ત્યાગનું પ્રતીક છે, જે આ બંનેનું સમાન પરિણામ છે. જ્ઞાન અને ભક્તિ અલગ અલગ અને પરસ્પરનાં વિરોધી હોવા છતાં પણ અંતમાં એક જ લક્ષ્યે પહોંચાડે છે.

સ્વામીજીના કહેવા અનુસાર અર્ધનારીશ્વરનો બીજો પણ એક અર્થ છે. સંન્યાસ અને માતૃપુજાની બે મહાન ભાવધારાઓનું મિલન. શિવાંશ સંન્યાસનું અને શકટાંશ માતૃપુજાનું પ્રતીક છે. આ બે ધારાઓ અનાદિકાળથી પૃથકરૂપે માનવસમાજમાં પ્રચલિત છે. આપાત વિરોધી આ બંને ભાવધારાનું સમાજમાં કોઈ કાળે મિલન થયું હશે. એનું પ્રતીક છે અર્ધનારીશ્વર.

સ્વામી વિવેકાનંદ શિવના અવતાર હતા. ભગવાન શંકર સાથે એમનું કેટલું બધું સામ્ય હતું ! શું શિવજીના આ વિશેષ રૂપ, અર્ધનારીશ્વર સાથે પણ શું સમાનતા છે ! શું એ ભાવ, ગુણ અને સ્થિતિઓ, જેનું પ્રતીક અર્ધનારીશ્વર છે, એ સર્વ સ્વામી વિવેકાનંદમાં હતી ?

ભાવમુખે સ્વામી વિવેકાનંદ

સ્વામી શારદાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ માં શ્રીરામકૃષ્ણની ભાવમુખ સ્થિતિનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. સત્ય તો એ છે કે શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને શ્રીમા શારદા, ત્રણેય જણ સદા દ્વૈત અને અદ્વૈતની મિલનસ્થળી જેને ભાવમુખ કહે છે, એ ભાવમુખે રહેતા હતા. ત્રણે માટે અનાયાસે નિર્વિકલ્પ સમાધિમાં લીન થવાનું સંભવ હતું. નિરાકારમાં લીન થવા ઉન્મુખ પોતાના મનને બાહ્ય જગતમાં લાવવા માટે તેઓને વિશેષ પ્રયાસ કરવો પડતો. અમેરિકામાં સ્વામીજી ભાષણ દેતા ત્યારે કેટલાક શ્રોતાઓને એવું લાગતું કે જાણે તેઓ અનંતની પરિધિ પર ઊભા છે. એમની પાછળ અખંડ સત્તા વિધમાન છે અને તેઓ એનું મુખ બની બોલે છે.

માનવ જાતિ સાથે એકાત્મતા સ્થાપીને એના દુ :ખ -કષ્ટનો પોતે અનુભવ કરી શકવો એ પણ ભાવમુખ અવસ્થાનું લક્ષણ છે. શ્રીરામકૃષ્ણે ઘાસ પર ચાલતી વ્યક્તિનાં પદાઘાત, અને નાવમાં એક ખલાસીએ બીજાને મારેલો માર, પોતે આ સ્થિતિમાં જ અનુભવ કર્યો હતો. સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ આ જાતની અનુભૂતિનાં ઉદાહરણ જોવા મળે છે. એક વાર અધરાતે તેઓ તીવ્ર વેદના અનુભવતા જાગી ઊઠયા હતા. પછીથી ખબર પડી કે સુદૂર કોઈ દેશમાં બરાબર તે જ વખતે ધરતીકંપ થયેલો , અને સેંકડો લોકો હત – આહત થયેલા, એમની વેદનાની અનુભૂતિને કારણે એમને વેદના થઈ હતી.

કોમળ અને કઠોર ભાવોનું મિલન

કોમળ અને કઠોર ભાવોનું સંમિશ્રણ સર્વ મહાપુરુષોમાં નજરે પડે છે. એમનું ચિત્ત વજાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ હોય છે. તેઓ પોતાની વાસનાઓ પ્રતિ કઠોર અને જગતનાં દુ :ખ-સંતપ્ત પ્રાણીઓ પ્રતિ અત્યંત કોમળ હોય છે. તેઓ મોહપાશ કાપવામાં સદા તત્પર રહે છે, અને બીજાઓ પ્રતિ કરુણાથી વિગલિત પણ થઇ જાય છે. આ બે ભાવનું મિલન શ્રીરામકૃષ્ણમાં અદ્‌ભુત માત્રામાં નજરે પડતું. એક તરફ તેઓ પુરુષ સિંહ હતા, કર્મ કઠોર હતા અને અનાસક્તિ, ત્યાગ વૈરાગ્યના જ્વલંત ઉદાહરણ હતા, તો બીજી બાજુ એમનામાં નારી સુલભ કોમળતા પણ હતી. એમના પુરુષોને ઉચિત ગુણોએ એક તરફથી સ્વામી વિવેકાનંદ જેવા નરશ્રેષ્ઠોને આકર્ષિત કર્યા હતા, ત્યારે બીજી બાજુ સ્ત્રીઓને ઉચિત ગુણોને લીધે મહિલા ભક્ત મંડળી એમને પોતાનો આદર્શ માનતી. ગિરિશ ઘોષે તો એક દિવસ પૂછી જ લીધું હતું કે આપ પુરુષ છો કે સ્ત્રી ?

સ્વામી વિવેકાનંદમાં શૌર્ય, વીર્ય, તેજ, સાહસ, બળ વગેરે પુરુષોચિત ગુણોની અધિકતા હોવા છતાં પણ સ્ત્રીઓને ઉચિત ગુણોયે મોજુદ હતા. એમ કહેવું વધુ યોગ્ય કહેવાશે કે સ્વામી વિવેકાનંદ બહારથી કઠોર અને ભીતરમાં કોમળ હતા.

એક વાર એમણે બે પથ્થરને એકમેક સાથે ઠોકીને ભગિની નિવેદિતાને કહ્યું હતું કે પોતે એ પથ્થર સમ કઠોર છે. એ વાત પર પોતાનો વ્યક્તગત અભિપ્રાય વ્યક્ત કરતાં ભગિની નિવેદિતા એ લખ્યું છે કે એમ છતાં પણ સ્વામીજી અત્યંત કોમળ હતા. અજ્ઞાની, દરિદ્ર ભારતવાસીઓ પ્રતિ કરુણા અને ઊંડી સહાનુભૂતિને કારણે જ તેઓ વિદેશ ગયાં હતા, અને ત્યાં પણ ભારતવાસીઓની દુર્દશાને યાદ કરીને આંસુ સારતા.

આસક્તિ અને અનાસક્તિનું મિલન

સામાન્યત : માનવી પોતાની પ્રિય વસ્તુમાં, કાર્યમાં અથવા બીજી વ્યક્તિમાં આસક્ત થઇ બંધાઇ જાય છે. આસક્તિ સુખ પ્રદાન કરે છે ખરી, અને એ જ આપણાં બંધન અને દુ :ખનું કારણ પણ બને છે. વસ્તુત : વસ્તુ વિશેષ નહિ, પણ એની પાસેથી જે આપણે ફલાકાંક્ષા રાખીએ છીએ, એ જ આપણા બંધનનું કારણ હોય છે. તેથી ફલાકાંક્ષાનો ત્યાગ, અનાસક્તિ, બંધનથી બચવાનો ઉપાય છે. આ જ કર્મયોગનું રહસ્ય પણ છે.

આસક્તિ, એકાગ્રતા અને પ્રવૃત્તિથી સુખ પ્રાપ્ત થાય છે, પણ અધિકાંશ વ્યક્તિઓના મન ભોગ્ય પદાર્થ અથવા અભિપ્સિત કર્મમાં એટલાં એકાગ્ર નથી થઈ શકતા કે તેઓ એમાંથી પુર્ણ આનંદ પામી શકે. કામના વાસનાની ઉત્પત્તિથી મન ચંચળ બની જાય છે. અને, ચંચળ મનમાં આત્માનંદનું પ્રતિબિંબ પડતું નથી. વિષય સુખની સાથે અપ્રાપ્તિની આશંકા, નષ્ટ થવાનો ડર વગેરે અનેક પ્રતિબંધક લાગેલા હોય છે. એ જ કારણસર, સાંસારિક લોકો વિષય સુખની ઇચ્છા હોવા છતાં, આસક્તિ હોવા છતાં પણ એકાગ્રતાના અભાવને કારણે પૂર્ણ સુખથી વંચિત રહે છે. પરમાનંદનો આસ્વાદન કરનાર ભગવાન શંકરનું દૃષ્ટાંત દેતાં ભર્તૃહરિ કહે છે કે, ભય, આશંકા, પ્રતિસ્પર્ધા, ઇર્ષ્યા આદિના અભાવને લીધે જ ભગવાન પોતાની પ્રિયા સાથે સંપૂર્ણરૂપે મિલિત થઈ શકયા છે.

Total Views: 419

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.