જૃંભિત યુગઈશ્વર…

‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ની સાતમી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી કહે છે –

‘જૃંભિત યુગ-ઈશ્વર જગદીશ્વર યોગ સહાય.’

“હે જગદીશ્વર! હે યોગના સહાયક, તમે આ યુગના અવતારરૂપે પ્રગટ્યા છો.”

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે તેમ જગતના ઈશ્વર ધર્મની ગ્લાનિ દૂર કરવા માટે યુગના પ્રયોજન પ્રમાણે પોતે પૃથ્વી પર અવતરે છે. આપણા આ યુગમાં ઈશ્વર શ્રીરામકૃષ્ણરૂપે આવ્યા છે, તેનો મુખ્ય હેતુ છે ‘યોગમાં સહાયરૂપ થવું.’

સ્વામી વિવેકાનંદજી કહેતા કે, “આ યુગમાં શ્રીરામકૃષ્ણદેવની વ્યાકુળ પ્રાર્થના દ્વારા સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયકારિણિ જગન્માતા – બ્રહ્મકુંડલિની જાગૃત થઈ ગઈ છે. માટે જ મનુષ્યોની વ્યક્તિગત કુંડલિની શક્તિ પણ શીઘ્રતાથી જાગૃત થઈ રહી છે. વિશ્વમાં ચોમેર એક નવી આધ્યાત્મિક ચેતનાનો ધીરે ધીરે પ્રસાર થઈ રહ્યો છે.

મહર્ષિ પતંજલિ પોતાના યોગસુત્રમાં કહે છે:

‘સ પૂર્વેષામપિ ગુરુઃ કાલેનાનવચ્છેદાત્’ (૧/૨૬)

“ઈશ્વર પ્રાચીન ગુરુઓના પણ ગુરુ છે, કારણ કે એ કાળની મર્યાદાથી પર છે.”

શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરના રૂપમાં તો ગુરુઓના ગુરુ છે જ, પણ મનુષ્યના રૂપમાં અવતાર ગ્રહણ કર્યો ત્યારે પણ આ ગુરુભાવ તેમના જીવનમાં વિશેષરૂપે પ્રકાશિત થયો છે. શ્રીરામકૃષ્ણઅવતારની વિશિષ્ટતા એ છે કે તેઓ માત્ર કોઈ એક પથના સાધકો માટે જ સહાયરૂપ નથી નીવડતા પણ વિભિન્ન ધર્મોના, વિભિન્ન પંથોના, વિભિન્ન ભાવોના, વિભિન્ન યોગોની સાધનાઓના સાધકો માટે સહાયરૂપ નીવડે છે. શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનની પ્રયોગશાળામાં વિભિન્ન ધર્મોની, વિભિન્ન મતો પ્રમાણે, વિભિન્ન ભાવો પ્રમાણે સાધના કરી હતી અને પછી ઉચ્ચતમ આધ્યાત્મિક અવસ્થામાંથી – નિર્વિકલ્પ સમાધિમાંથી પાછા આવી શ્રી જગન્માતાના આદેશ પ્રમાણે ભાવમુખ (જગતના વિરાટ ‘હું’ પણાની) અવસ્થામાં રહેતા હતા, તેથી જ આ શક્ય બન્યું હતું. ‘ગુરુ’ કે ‘કર્તા’ કહીને સંબોધવાથી શ્રીરામકૃષ્ણદેવ નારાજ થતા, તેમ છતાં કેવો અપૂર્વ ગુરુભાવ તેમના જીવનમાં પ્રગટ થયો હતો, તેનું વિષદ વર્ણન અને તે વિશેની તાત્ત્વિક મીમાંસા સ્વામી સારદાનંદજી મહારાજે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં કરેલ છે. નાનપણથી જ શ્રીરામકૃષ્ણદેવમાં ગુરુભાવ પ્રગટ થયો હતો. કામાર-પુકુરમાં લાહાબાબુને ઘે૨ પંડિતસભામાં શાસ્ત્રાર્થ ચાલતો હતો ત્યારે એક ગૂઢ પ્રશ્નની અદ્ભુત મીમાંસા આપી બાળક ગદાધરે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રાણી રાસમણિ, મથુરાનાથ વિશ્વાસ વગેરે ૫૨ ગુરુભાવે તેમણે કૃપા કરી હતી. પોતાના ગુરુઓને પણ ગુરુભાવે સહાય કરી હતી. ચોસઠ તંત્રોની સાધના જેમની પાસેથી તેઓ શીખ્યા તે ભૈરવી બ્રાહ્મણી ઉચ્ચ કોટિનાં સાધિકા હતાં પણ દિવ્યભાવના અધિકારી નહોતાં બની શક્યાં. શ્રીરામકૃષ્ણદેવની કૃપાથી તેમને પોતાની આધ્યાત્મિક અપૂર્ણતાનું ભાન થયું હતું અને તપસ્યા કરી પોતાના આધ્યાત્મિક સિદ્ધિના માર્ગ ૫૨ આગળ વધ્યાં હતાં. તોતાપુરીના માર્ગદર્શન હેઠળ શ્રીરામકૃષ્ણદેવે વેદાંતની સાધના કરી અને નિર્વિકલ્પ સમાધિની અવસ્થા પ્રાપ્ત કરી. તોતાપુરી અત્યંત ઉચ્ચ કોટિના વેદાંતી સાધુ હતા, પણ ‘બ્રહ્મ અને બ્રહ્મશક્તિ એક’ આ જ્ઞાન તેમને શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શથી જ મળ્યું.

કેટલાય પંડિતો – વૈષ્ણવચ૨ણ, ગૌરી, નારાયણ શાસ્ત્રી, પદ્મલોચન, શશધર વગેરે શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શથી પોતાની સાધનાની પૂર્ણતા તરફ આગળ વધ્યા હતા. બ્રાહ્મસમાજના નેતાઓ – શ્રી કેશવચંદ્ર સેન, શ્રી શિવનાથ શાસ્ત્રી, શ્રી બ્રહ્મબાંધવ ઉપાધ્યાય, શ્રી ત્ર્યૈલોક્યનાથ સંન્યાલ, શ્રી નગેન્દ્રનાથ ગુપ્તા, શ્રી અશ્વિનીકુમાર દત્ત વગેરે પણ શ્રીરામકૃષ્ણદેવના આધ્યાત્મિક ઉપદેશોથી લાભાન્વિત થયા હતા અને પોતાની સાધનામાં અગ્રસર થયા હતા. શીખ સિપાઈ કુંવરસિંહ, મુસ્લિમ સાધક ડૉ. અબ્દુલ વાજિજ, ખ્રિસ્તી સાધકો વિલિયમ્સ અને પ્રભુદયાલ મિશ્ર, સિંદ્ય સાધક હીરાનંદ અડવાણી વગેરે વિભિન્ન ધર્મોના કેટલાય સાધકોની સાધનામાં શ્રીરામકૃષ્ણદેવ સહાયરૂપ નીવડ્યા હતા. શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ, સ્વામી તુરીયાનંદ, સ્વામી પ્રેમાનંદ, સ્વામી સારદાનંદ, સ્વામી રામકૃષ્ણાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી અદ્ભુતાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી વિજ્ઞાનાનંદ વગેરે તેમ જ તેમના ગૃહસ્થ ભક્તો સાધુ નાગમહાશય, માસ્ટર મહાશય શ્રી ‘મ’, ગિરીશચંદ્ર ઘોષ, રામચંદ્ર દત્ત, અક્ષયકુમાર સેન, બલરામ બોઝ, ગોપાલની મા, ગોલાપ મા, યોગીન મા વગેરે તેમની સહાયતાથી આધ્યાત્મિકતામાં કેટલા અગ્રસર થયા હતા તે વાત તો સુવિદિત છે. આમ પોતાના જીવનકાળમાં શ્રીરામકૃષ્ણદેવ અસંખ્ય લોકોની યોગસાધનામાં સહાયરૂપ થયા હતા. તેમના ભૌતિક દેહના વિલય પછી પણ તેમનું આ કાર્ય ચાલુ છે. આ પછી પણ અસંખ્ય લોકોને યોગસાધનામાં તેમની સહાય મળી છે અને આજે પણ દેશ-વિદેશમાં અસંખ્ય લોકોને આ સહાય મળી રહી છે; એટલે જ તો તેઓ આ યુગના અવતાર ગણાય છે.

શ્રી અરવિંદે એક શિષ્યને લખ્યું હતું, . વળી સ્મરણમાં રાખજો કે આપણે શ્રીરામકૃષ્ણમાંથી ઊતરી આવ્યા છીએ. મારા પૂરતી વાત કરું તો જાતે આવીને મને આ યોગ તરફ વાળનાર પ્રથમ શ્રીરામકૃષ્ણ હતા. આપણી સાધનાના પાયામાં જે જ્ઞાન રહેલું છે તે અલીપુર જેલમાં મને સ્વામી વિવેકાનંદે આપ્યું હતું.” (શ્રી અરવિંદ બર્થ સૅન્ટેનરી લાયબ્રેરી, વૉ. ૨૭, પૃ. ૪૩૫)

શ્રીરામકૃષ્ણદેવના આગમનથી એક નવા યુગનો પ્રારંભ થયો છે; આ વાતને સ્વીકારતાં શ્રી અરવિંદ લખે છે, “આ બધા આત્માઓમાં શ્રીરામકૃષ્ણ સૌથી છેલ્લા અને સૌથી મહાન હતા કારણ કે, બીજાઓ ઈશ્વરને એના એક કે મર્યાદિત અંશમાં જ અનુભવી શક્યા હતા ત્યારે, ઈશ્વરની અનંત વિવિધતાના સરવાળારૂપે એની અનંત એકતામાં શ્રીરામકૃષ્ણે ઈશ્વરાનુભૂતિ કરી હતી… તેમના જન્મથી એક નવા યુગનો પ્રારંભ થયો છે. આ યુગમાં આધ્યાત્મિકતાનો સૂર પ્રધાન સૂર બની જશે, ખ્રિસ્તી ધર્મ જે કરવામાં નિષ્ફળ નીવડ્યો, હજી વેળા પાકી ન હતી ત્યારે જે કરવા માટે ઈસ્લામે કોશિશ કરી, થોડા સમય માટે અને મર્યાદિત લોકો પૂરતું બૌદ્ધ ધર્મ જે હાંસલ કરી શક્યો છે, તે શ્રીરામકૃષ્ણ સમગ્ર જગત માટે સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે…” (શ્રી અરવિંદ બર્થ સૅન્ટેનરી લાયબ્રેરી, વૉ. ૧, પૃ. ૮૦૦-૮૦૧)

વિશ્વના પ્રખ્યાત વિદ્વાનો, ઈતિહાસકારો, ધર્માચાર્યો આજે શ્રીરામકૃષ્ણદેવને સમન્વયના મસીહા, વિશ્વના આદર્શ માની રહ્યા છે. ક્લાઉડ ઍલન સ્ટાર્ક પોતાના પુસ્તક ‘God of All’ (‘સૌના ઈશ્વર’)માં શ્રીરામકૃષ્ણદેવને સૌના ઈશ્વરરૂપે નિરૂપણ કરીને લખે છે કે, “શ્રીરામકૃષ્ણદેવનો સર્વ ધર્મો પ્રત્યેનો ઉદાર આ દૃષ્ટિકોણ જે ઈશ્વરના સાક્ષાત્ અનુભવ પર આધારિત છે, તે ધર્મોની વિવિધતાની સમસ્યાના સમાધાન માટે એક વ્યાવહારિક સિદ્ધાંત પ્રસ્તુત કરે છે.”

શ્રીરામકૃષ્ણદેવને ‘ભારતનું સંવાદી સંગીત’ એમ વર્ણવીને પ્રખ્યાત ફ્રેંચ મનીષી રોમા રોલાં લખે છે, “યુરોપ સમક્ષ હું રજુ કરું છું નવી પાનખરનું ફળ, આત્માનો એક નવો સંદેશ, ભારતનું સંવાદી સંગીત. આ સર્વ ઉપર શ્રીરામકૃષ્ણનું નામ અંકિત થયેલું છે…જે માણસની મૂર્તિનું હું અત્રે આવાહ્ન કરું છું તે બે હજાર વર્ષના ગાળા ઉપર પથરાયેલા ત્રીસ કરોડ લોકોના આધ્યાત્મિક જીવનનો અર્ક હતો.”

આ યુગની આવશ્યક્તા પૂર્ણ કરવા માટે જ શ્રીરામકૃષ્ણદેવ અવતર્યા હતા તેનું સમર્થન કરતાં સુપ્રસિદ્ધ ઈતિહાસકાર ડૉ. આર્નોલ્ડ ટૉયન્બી કહે છે, “શ્રીરામકૃષ્ણ પૃથ્વી પર એવા એક સમયે આવિર્ભૂત છે થયા જ્યારે તેમના જ જીવન અને સંદેશની આવશ્યક્તા હતી….માનવ ઈતિહાસની આ સર્વાધિક ભયંકર ઘડીએ બચવાનો એક માત્ર પથ છે ભારતનો પથ. સમ્રાટ અશોક અને મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતોમાં અને શ્રીરામકૃષ્ણની સર્વધર્મસમન્વયની અનુભૂતિમાં આપણને એ વલણ અને આદર્શ સાંપડે છે જે સમસ્ત માનવજાતને એક પરિવારની જેમ પાંગરવા સહાયરૂપ થાય. આ અણુયુગમાં આપણને આત્મવિનાશથી બચાવવા માટેનો આ એકમાત્ર વિકલ્પ છે.”

આજે વૈશ્વિકીકરણ (Globalisation)નો યુગ છે. આધુનિક વિજ્ઞાન દ્વારા સાંપડેલ ઉપકરણો દ્વારા ભૌગોલિક દૃષ્ટિએ વિશ્વ એક બની ગયું છે. આર્થિક ક્ષેત્રે આ વૈશ્વિકીકરણ માટે પ્રયત્નો થઈ રહ્યા છે, પણ માનવ – માનવ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આ યુગની સમસ્યા છે – વૈશ્વિક માનવ (Global Man). આ યુગની આવશ્યકતા છે – એવો વૈશ્વિક ધર્મ જે સર્વ સંપ્રદાયોનો – સર્વ પથોનો – સર્વ સાધકોનો – સ્વીકાર કરે. આ યુગની આવશ્યકતા છે એવો ધર્મ જે વિજ્ઞાન સંમત હોય, તર્કસંમત હોય, સંપ્રદાય કે નાતજાતના ભેદભાવથી ૫૨ હોય, સર્વ પ્રત્યે સમભાવ-સંવાદી સૂરવાળો હોય, એવા વિશિષ્ટ અને સર્વનું મંગલ-પ્રેયસ-શ્રેયસ્-સાધનારા યુગની આવશ્યકતા છે, જેનાથી વિશ્વના વિભિન્ન દેશોના, વિભિન્ન ધર્મોના અનુયાયીઓ પ્રેરણા પ્રાપ્ત કરી શકે. આ યુગની આવશ્યકતા છે – એવા સમન્વયના મસીહાની – જેના – જીવનમાં વિભિન્ન યોગોનો સમન્વય થયો હોય, વિભિન્ન ધર્મોનો સમન્વય થયો હોય, ગૃહસ્થ ધર્મ અને સંન્યાસ ધર્મનો સમન્વય થયો હોય, કાર્ય અને પૂજા વચ્ચેનો સમન્વય થયો હોય. આ યુગની આ આવશ્યકતા પૂર્ણ કરવા માટે જ જગદીશ્વર શ્રીરામકૃષ્ણરૂપે અવતર્યા છે. ‘શિવજ્ઞાનથી જીવસેવા’ના ઉપદેશ દ્વારા તેમણે વનના વેદાંતને ઘેર – ઘે૨ લાવી દીધું છે અને સમસ્ત વિશ્વને એક કરી દીધું છે.

સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, “તેમના (શ્રીરામકૃષ્ણના) જન્મ સાથે જ સત્યયુગનો પ્રારંભ થયો છે.” ચોમેર આજે જે ભયંકર પરિસ્થિતિ પ્રવર્તી રહી છે તેને જોતાં સ્વામીજીની આ ઉક્તિને સ્વીકાર કરવી અશક્ય લાગે છે. પણ આપણે સ્મરણ રાખવું જોઈએ કે યુગનિર્માણની યોજના સો બસો વર્ષોમાં પૂર્ણ નથી થઈ જતી. ધીરે ધીરે જેમ જેમ શ્રીરામકૃષ્ણદેવના ભાવોનો પ્રચાર થઈ રહ્યો છે તેમ તેમ લોકોમાં આધ્યાત્મિક ચેતના જાગ્રત થઈ રહી છે. શ્રીરામકૃષ્ણદેવે જે આધ્યાત્મિક તરંગો પ્રસરાવ્યા છે, એમાં એટલી શક્તિ છે કે, આપણને એક નવા યુગમાં પ્રવેશ અપાવી શકે. આપણે પ્રાચીન યુગના અંત અને નવીન યુગના આરંભના ઊંબરા પર ઊભા છીએ એટલે આ સંધિકાળમાં સત્યયુગનો પ્રકાશ આપણને દેખાતો નથી પણ જેઓ સૂક્ષ્મ બુદ્ધિસંપન્ન છે, તેઓ આ પરિવર્તનને અનુભવી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં પ્રાર્થીએ, “હે પ્રભુ, તમે આવીને આ નવા યુગનો સત્યયુગનો પ્રારંભ કર્યો છે, પણ અમને એ અનુભવ થતો નથી. અમારી યોગસાધનામાં સહાયરૂપ થાઓ, વિશ્વના સર્વ લોકોની યોગસાધનામાં સહાયરૂપ થાઓ જેથી અમે આ સત્યયુગનો અનુભવ કરી શકીએ.”

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.