મને ‘સર્વગ્રાહી વિજ્ઞાન અને વેદાન્ત’ વિષય આપવામાં આવ્યો છે પણ વિજ્ઞાનને ‘સર્વગ્રાહી’ કે ‘અસર્વગ્રાહી’ વિશેષણો આપી ન શકાય. વિજ્ઞાન એ વિજ્ઞાન છે. આમ છતાં આપણે એને ‘ન્યૂટોનિયન વિજ્ઞાન’, ‘પ્રશિષ્ટ ભૌતિક વિજ્ઞાન’, ‘અભિનવ ભૌતિક વિજ્ઞાન’ વગેરે વિશેષણો આપ્યા કરીએ છીએ. આધુનિક વિજ્ઞાન – ખાસ કરીને આધુનિક ભૌતિકશાસ્ત્રના આ હમણાંના ભેદક વલણોએ જ આપણને આ ‘સર્વગ્રાહી વિજ્ઞાન’ (Holistic Science) એવો શબ્દ વાપરવાની ફરજ પાડી છે.

હું માનું છું કે આ કક્ષમાં હું લગભગ વિજ્ઞાનના જાણકારો સમક્ષ જ બોલી રહ્યો છું. ૧૮૯૫-૯૬માં સ્વામી વિવેકાનંદે અમેરિકા અને લંડન જઈને વેદાન્તનો ઉપદેશ કર્યો અને ઍટલાંટિકની બન્ને બાજુએ એ સાવ સ્પષ્ટ કરી આપ્યું કે કેવળ અદ્વૈત વેદાન્તનું તત્ત્વજ્ઞાન જ અર્વાચીન બૌદ્ધિકોને સંતપર્ક થઈ શકે એમ છે. એમણે એમ પણ ભાખ્યું કે વિજ્ઞાન પોતાની ભારે શોધોથી એ જ સૈદ્ધાન્તિક તારણો કાઢવાનું છે કે જે શાશ્વત સત્યો વૈદિકકાળના દ્રષ્ટાઓએ શોધ્યાં હતાં. ઉપનિષદોમાં સંઘરાયેલું અદ્વૈત તત્ત્વજ્ઞાન આ વૈશ્વિક સત્યો અને એના સિદ્ધાંતો એના વિશિષ્ટ મુકુટમણિ સમાન છે.

આ અદ્વૈત વેદાન્ત શું છે? માંડૂક્યોપનિષદનો શિષ્ય ગુરુ પાસે જઈને પૂછે છેઃ “કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતં ભવિત? “હે ભગવાન્, મને કહો કે જેને એકને જાણીને હું બધું જાણવા સમર્થ થાઉં!” કેટલીક ચર્ચા પછી ગુરુ કહે છે: “યસ્મિન્ દ્યૌઃ પૃથિવી ચાન્તરિક્ષમથો મનઃ સહ પ્રાણૈશ્ચ સર્વૈઃ ત્વમેવમેકં જાનથ આત્માનં અન્યા વાચો વિમુંચથ “જેમાં આ બાહ્ય અને આંતરિક વિશ્વ પૃથ્વી, મન, પ્રાણ એ બધું જ સમાયેલું છે, એવા એકમાત્ર – સમગ્રના મૂળ અધિષ્ઠાનરૂપ આત્માને જાણો; બીજી નકામી વાતો છોડો. – આ આત્મા જ અમરત્વનો સેતુ છે.”

સ્વામીજીએ ઘણી રીતે આ સમજાવ્યું કે, ‘પ્રાણ’ નામના એકમાત્ર બલપ્રદ તત્ત્વમાંથી જ વિશ્વનાં બધાં બળો નીપજ્યાં છે, એ વાત ભારતીયો જાણતા હતા. વળી તેઓ જાણતા હતા કે વિશ્વનાં બધાં દ્રવ્યો ‘આકાશ’ નામના એકમાત્ર મૂળ દ્રવ્યમાંથી નીપજ્યાં છે.

‘પ્રાણ’ અને ‘આકાશ’ બન્નેની ગંગોત્રી, અનંત, પૂર્ણ એક નિરપેક્ષ તત્ત્વ છે એને જ વેદાંત ‘આત્મા’ કે બ્રહ્મ કહે છે.

પરંતુ જો કે ૧૮૯૦ના દાયકા સુધી કોઈ વિજ્ઞાની કે પશ્ચિમી પ્રજા આ સર્વ અસ્તિત્વોના એકમાત્ર પાયાના તત્ત્વને સ્વીકારવાની સ્થિતિમાં ન હતાં પણ દિવસો જતાં આ પયગંબરની વાણી સાચી ઠરી!

ન્યૂટનના સમયથી પશ્ચિમનું સમગ્ર વિજ્ઞાન, અસ્તિત્વના પાયા ‘દ્વૈત’ પર ચણાયેલું હતું. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું મનાતું. આ માઈક્રોફોન મારાથી જુદું – વક્તાથી અલગ છે. અહીં આ ટેબલ વળી માઈક્રોફોનથી જુદું દ્રવ્ય છે. મારું મન તમારા મનથી અલગ છે. ન્યૂટને જીવનના અને વિશ્વના આ પાયાના ‘દ્વૈતને સ્વીકાર્યું હતું એ ‘દ્વૈત’ ‘કાર્ટેઝીયન દ્વૈત’ તરીકે જાણીતું છે.

ન્યૂટનના આ વિચારને વિખ્યાત કવિ વિલિયમ બ્લૅકે અપનાવીને એક અપાર્થિવ ઈશ્વરનું પ્રખ્યાત ચિત્ર દોર્યું. ધોળી દાઢીવાળા, મોટા પરિકરથી ધરતી રચતા અને ભાત પાડતા એક લાંબા-ઊંચા માનવનું એ ચિત્ર હતું. પૃથ્વીથી ઈશ્વર જુદો, અને પરમ ઈશ્વરથી માણસ વાસ્તવિક રીતે જુદો હતો. આમ ન્યૂટનનું કે પ્રશિષ્ટ વિજ્ઞાન ‘દ્વૈત’ ના પાયા પર જ આધારિત હતું. પણ પછીથી આ દ્વૈતપરક વિજ્ઞાનનાં તરત જ વળતાં પાણી થવા માંડ્યાં.

એને પહેલો નાનકડો આઘાત ૧૯૦૫માં પહોંચ્યો. ઝુરીચ પૉલિટૅક્નીકના એકવીસ વરસના વિજ્ઞાની આલ્બર્ટઆઈન્સ્ટાઈને પોતાના ‘ઈલેક્ટ્રોડાયેનેમિક્સ ઑફ મુવીંગ બૉડીઝ્’ નામના નાનકડા નિબંધમાં બતાવ્યું કે ઘનદ્રવ્યનો જથ્થો મૂળે અમુક પ્રકારની શક્તિ જ હોઈને એનું શક્તિરૂપે પરિવર્તન થઈ શકે છે. આમ પહેલી જ વાર દ્રવ્ય અને શક્તિની સમાનતા બતાવાઈ.

પરંતુ, જ્યાં સુધી આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં મોટો ધરતીકંપ ન સર્જાયો, ત્યાં સુધી તો વિજ્ઞાનીઓ ભૌતિકવાદી જ રહ્યાં. એ જબરો ભૂકંપ ૧૯૨૭માં સર્જાયો. આઈન્સ્ટાઈન અને નેઈલ્સ બોહરનો શિષ્ય એકવીસ વરસનો યુવાન ભૌતિક વિજ્ઞાની હેસનબર્ગ હેઈન પર્વત પર ભ્રમણ કરી રહ્યો હતો અને ઈલૅક્ટ્રૉન્સના હલનચલન વિશે ઊંડું ચિંતન કરી રહ્યો હતો, ત્યારે એકાએક કોઈ રહસ્યમય અંતઃપ્રેરણાથી એને એક સત્યનું દર્શન થઈ ગયું. હૅસનબર્ગે આ દર્શનને – શોધને ‘ગૅડનકૅન એક્સ્પેરીમૅન્ટ’ અથવા ‘વિચારપ્રયોગ’નું ફળ કહ્યું. નૉબેલ પારિતોષિકથી પુરસ્કૃત આ શોધ ‘અનિશ્ચિતતાના સિદ્ધાન્ત’ તરીકે જાણીતી થઈ અને એણે આધુનિક ભૌતિકવિજ્ઞાનમાં ખરેખર ભારે ક્રાન્તિ આણી દીધી.

આર્થર ઍડિંગ્ટને સાચી રીતે જ સ્વીકાર્યું છે કે હૅસનબર્ગે ‘અનિશ્ચિતતાના સિદ્ધાન્તની શોધ કર્યા પછી વિજ્ઞાને ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. પણ આ ‘અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત’ શું છે? આ માઈક્રોફોન તરફ જુઓ. જ્યારે એને છૂંદીને આપણે અણુ કે પરમાણુની કક્ષા સુધી લાવીએ તો બોહરના કહેવા મુજબ આપણને માલૂમ પડશે કે એનાં વીજાણુઓ (સૂક્ષ્મતમ ઘટકો – ઈલેક્ટ્રૉન્સ) એના નાભિકેન્દ્રને ફરતા ઘૂમી રહ્યા છે. પોતાના જથ્થાને કેટલીક વાર વેગના વધવા સાથે ૨૦૦૦ ગણો વધારી દેતો આ વીજાણુ છે શું? વળી તે ઘૂમે છે શી રીતે? આ સાદો પ્રશ્ન લઈને હૅસનબર્ગે અન્વેષણ આરંભ્યું. અને છેવટે એક સાદા નિયમ દ્વારા ઉત્તર મેળવ્યો કે આ વીજાણુ વાસ્તવિક રીતે શું છે, તે કોઈ જાણી શકે તેમ નથી!

સૂક્ષ્મ અણુઘટકને જાણવા માટે આપણે એનો વેગ (કાલપરિમાણ) અને એની સ્થિતિ (દેશપરિમાણ) બન્ને જાણવાં અત્યાવશ્યક છે. હૅસનબર્ગનું પ્રમેય દર્શાવે છે કે આપણે જો વીજાણુનો વેગ, પૂર્ણ સ્પષ્ટતાથી જાણી શકીએ તો ક્યારેય એની સ્થિતિ જાણી શકીએ નહિ અને જો એની સ્થિતિ પૂર્ણ સ્પષ્ટતાથી જાણી શકીએ તો એનો વેગ ક્યારેય જાણી શકાવાનો નથી. એથી વીજાણુઓ (સૂક્ષ્મતમ અણુઘટકો) છેવટે ‘અજ્ઞેય’ જ રહેવાના. આમ છેવટે દ્રવ્ય સંબંધી બધું જ જાણતા હોવાનો વિજ્ઞાનીઓનો દાવો પડી ભાંગ્યો. એક વિજ્ઞાનીએ આ પ્રમેયનું આધ્યાત્મિક પાસું રજૂ કર્યું: જ્યારે આ સૂક્ષ્મતમ અણુઘટકોનો વેગ શૂન્ય હોય, ત્યારે એ અનંત છે, સર્વ સ્થળે હોય છે, એ બધાંને વ્યાપીને રહે છે. વેદાંત મનને દ્રવ્ય જ માને છે – ભલે સૂક્ષ્મતમ અવસ્થામાં.

તદ્દન શાન્ત મન સર્વ વ્યાપક અને અનન્ત બની જાય છે. ઈશોપનિષદ્ પરાત્પર સત્ ને બ્રહ્મ કહે છે. (સત્-ચિત્-આનંદ) અને એ સર્વવ્યાપક છે. ઉપનિષદો કહે છેઃ “આસીનો વ્રજતિ દૂરમ્, શયાનો યાતિ સર્વતઃ” – “એક સ્થળે બેઠેલ તે દૂર સુધી પહોંચે છે અને એક સ્થળે સૂતેલ એ બધે જ ઘૂમે છે.”

આ સિદ્ધાંતમાંથી એક બીજો ઉપસિદ્ધાંત પણ નીકળે છે – આ માઈક્રોફોનને અત્યાર સુધી તો માત્ર વક્તા – (વિષયી)થી જુદો એક વિષય તરીકે જ વાસ્તવિકરૂપે ગણવામાં આવતો હતો. પણ ‘અનિશ્ચિતતાના આ સિદ્ધાંતની શોધ પછી આ માઈક્રોફોનની ભીતર રહેલ અણુઘટક (દૃશ્ય-વિષયરૂપ) અનિવાર્ય રીતે દર્શનક્રિયા સાથે જોડાયેલુ હોવાથી વૈજ્ઞાનિકના મનને – દ્રષ્ટાને – પણ, વૈજ્ઞાનિકની ચેતનાને પણ – અનિવાર્ય રીતે જ પોતાનામાં સમાવી લે છે. આમ, ક્વાન્ટમ ભૌતિકવિજ્ઞાનમાં સૌથી પહેલી વાર જ મુક્ત રીતે દ્રવ્યનું – પદાર્થનું – મન સાથે જોડાણ થયું. નૉબેલ પારિતોષિક વિજેતા ઍન્જૅન વીન્ગરે કહ્યું કે આપણે ચેતનાના સ્પષ્ટ સંદર્ભ વગર આ ક્વાન્ટમ ઘટનાને કદી પણ સમજાવી શકીએ નહિ.

આમ, ‘અનિશ્ચિતતાનો સિદ્ધાંત’ બતાવે છે કે વિશુદ્ધ વિષયગત અસ્તિત્વ જેવું કશું જ નથી. માઈકલ ટૅલબૉલ્ટે ભૌતિકવિજ્ઞાન અને રહસ્યવાદનો પારસ્પરિક સંબંધ દર્શાવતા પોતાના “રહસ્યવાદ અને અભિનવ ભૌતિકવિજ્ઞાન” નામના પુસ્તકમાં વર્ણવ્યું છે કે, હૅસનબર્ગની શોધ પછી આ વિશ્વ કેવળ વિષયગત – દૃશ્ય માત્ર હોવાની વાત અટકી ગઈ. હવે એ દૃશ્ય પણ છે અને દ્રષ્ટા પણ છે, એ “વિષયી – વિષયોભયાન્વયી” છે. આ શબ્દ ટૅલબૉલ્ટને અભિપ્રેત છે.

“અનિશ્ચિતતાના સિદ્ધાંત”માંથી નીકળતો ત્રીજો ઉપસિદ્ધાંત કદાચ સૌથી વધુ ક્રાન્તિકારી છે; આપણા રોજબરોજના વિશ્વમાં ચુસ્ત રીતે કામ કરતો કાર્યકરણનો નિયમ, સૂક્ષ્મતમ અણુઘટકોની દુનિયામાં આશ્ચર્યકારક રીતે લાગુ પડતો જ નથી! આપણા વિશ્વની કારણોની નિશ્ચિતતાને સ્થાને આ દુનિયામાં ગાણિતિક સંભાવના કામ કરે છે. દાખલા તરીકે આપણે જો કોઈ અણુઘટકને જમણી બાજુએ ફેંકીએ તો એની અડધી સંભાવના ડાબી બાજુ જવાની પણ છે. પ્રયોગવાદી વિજ્ઞાનના પાયારૂપ અફર કાર્યકારણ નિયમ આ રીતે ક્વાન્ટમની દુનિયામાં ભાંગી ગયો. આઇન્સ્ટાઈને ભલે એને પોતાના મરણ સુધી સ્વીકાર્યો નહિ. આમ છતાંયે આજ દિવસ સુધી પાછળની બધી પ્રયોગપરંપરામાં એક કસોટી તરીકે એ ચાલુ જ છે.

હમણાં પૅરીસના એક બીજા નૉબેલ પુરસ્કૃત ભૌતિક વિજ્ઞાની લૂઈ દ બ્રાગલીએ વીજાણુ વિવર્તનના પ્રયોગ દ્વારા શોધ્યું કે આઇન્સ્ટાઈનના બતાવ્યા પ્રમાણે અત્યાર સુધી જે બધા જ વીજાણુઓ કે અણુઘટકો પોતાના અણુઘટક રૂપમાં જ રહેતા, તે તરંગનું રૂપ પણ ધારણ કરે છે. અત્યાર સુધી જે ધન અણુઘટકોથી જ ઘનપદાર્થ-દ્રવ્ય બને છે, એમ ધારવામાં આવતું, પણ હવે એ અઘન સ્વરૂપમાં કોઈક પ્રકારનાં મોજાંરૂપ અદ્રવ્ય બની રહ્યું! ત્યાર પછી જ આ અણુઘટકો, ‘WAIVICLES’ (Waves + Particles)ને નામે જાણીતા થયા. આ અણુઘટકોના આવા બેધારા સ્વરૂપે વૈજ્ઞાનિકોને ભારે મૂંઝવણમાં મૂકી દીધા. મોજાંરૂપ આ અણુઘટકો કેવા પ્રકારના છે? ઑસ્ટ્રેલિયાનો નૉબેલ વિભૂષિત ભૌતિકવિજ્ઞાની ઈરવીન શ્રૉડિંજર એની વ્યાખ્યા ‘ઉપસ્થિત મોજાં’ એવી કરે છે શ્રૉડિંજરે એક તરંગ સમીકરણ શોધ્યું. એ સમીકરણ વીજાણુના ઘટક સ્વરૂપ – દ્રવ્ય રૂપ અને તરંગ સ્વરૂપ વચ્ચે સેતુ બાંધે છે હમણાં વળી એક બીજા નૉબેલ પુરસ્કૃત ભૌતિકવિજ્ઞાની મૅક્સબૉર્ને અણુઘટકોનું એક વિચિત્ર ચિત્ર પૂરું કર્યું છે. એણે અમુક ગૃહીત લઈને એ સિદ્ધ કર્યું કે આ વીજાણુઓ ‘ઉપસ્થિત તરંગો’ (Standing) પણ નથી એ તો છે ‘સંભાવિત તરંગો’! એનો અર્થ એ થયો કે એ આપણી વિવક્ષા અનુસાર ‘સત્’ નથી. તો વળી આ સદીના બુદ્ધિશાળી નૉબેલ પુરસ્કૃત એક બીજા રિચાર્ડ ફિનમેન નામના ભૌતિકવિજ્ઞાનીએ મૅક્સબોર્નનો વિચાર લઈને ૧૯૬૭માં બીબીસીની ત્રણ વ્યાખ્યાનોની શ્રેણીમાં સ્પષ્ટ કર્યું કે વીજાણુઓ લોઢાના ગોળાની પેઠે ઘૂમતા નથી પણ એ અરૈખિક રીતે ઘૂમે છે. એ રીત એવું દર્શાવે છે કે વીજાણુઓ સજીવ ચેતનમય રચના છે. અને પોતાની ઈચ્છા મુજબ એ અમુક હદ સુધી તરંગરૂપે અને અમુક હદ સુધી અણુઘટકરૂપે ઘૂમે છે.

ઉપનિષદમાં કહ્યું છે: “સર્વં ખલ્વિદં બ્રહ્મ” “વિશ્વમાં બધું જ ચેતના બ્રહ્મથી વ્યાપ્ત છે.” શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને કહ્યું હતું: “બધું જ ઈશ્વર છે, બધું જ ચેતનામય છે.” નરેન્દ્રનાથને વિશ્વાસ બેસતો નહતો, પણ જ્યારે શ્રીરામકૃષ્ણે પોતાના દિવ્ય સ્પર્શથી નરેન્દ્રના માનસિક સ્તરને પ્રકાશિત કર્યો ત્યારે નરેન્દ્રે અવશ્ય બધું જ સજીવ અને ચૈતન્યમય નિહાળ્યું. મૅક્સબૉર્નના ‘સંભવિત તરંગો’ના સિદ્ધાંતને રિચાર્ડ ફિનમેને સમજાવ્યો હતો એની છેલ્લામાં છેલ્લી ફલશ્રુતિ આ છે. જે નાભિક – ન્યુક્લીઅસ – ની આસપાસ આ અણુઘટકો ઘૂમે છે તે નાભિકનું શું થયું? આ નાભિકને ઘન અને અવિભાજ્ય માનવામાં આવતું. ધીરે ધીરે આ નાભિક પણ ભાંગ્યું અને એમાંથી પ્રોટૉન, ન્યુટ્રૉન, ન્યુઑન, કૅઑન, બી-મેસન, પ્રિ-મેસન વગેરે ઘણાં નાભિક ઘટકોનો જથ્થો શોધી કઢાયો. આજ સુધીમાં ૨૬૫ કરતાંય વધારે નાભિકઘટકો શોધાઈ ચૂકયાં છે! શોધાયેલા સૌથી નાના નાભિકઘટકને ‘અનુનાદ’ નામ અપાયું છે. એ બે થી ત્રણ પાર્ટીકલ સેકંડ જીવે છે. (પાર્ટીકલ સેકન્ડ = ૧૦-૨૩ સેકન્ડ) ફ્રીટ્સ ઑફ કૉપ્રાના કહેવા પ્રમાણે ‘ઘટના’ નામ વધુ અન્વર્થક છે. આ ટૂંકા સમયગાળા પછી એક નાભિકઘટક બે આયામોમાં વહેંચાઈ કે બદલાઈ જાય છે. અને નવા હલનચલન સાથે બે નવાં નાભિઘટકો બની જાય છે.

ટૂંકમાં આપણા જીવનની એક સેકંડમાં આ નાભિકઘટકો હજારો – લાખો વખત એનાં રૂપ, રંગ, આકાર, નામ બધું જ બદલતાં રહે છે. દરેક તથાકથિત સ્થિર દ્રવ્યમાં ભીતરમાં એક નાભિકઘટકનું અન્ય નાભિઘટકમાં રૂપાંતર થવાની આ અવિરત પ્રક્રિયા ચાલ્યા જ કરે છે.

વળી, અર્વાચીન ભૌતિકવિજ્ઞાન કહે છે કે, ‘અવકાશપ્રદેશ’ જેવું કશું જ નથી. અત્યારે અમેરિકામાં વસતા જ્હૉન એફ વ્હીલર નામના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી કહે છે કે આપણે જેને ‘અવકાશપ્રદેશ’ કહીએ છીએ, એ તો “પ્રચંડ ભૌતિકવિજ્ઞાનની ભૂમિ” છે. આ વિશ્વમાં દરેક સ્થળે અવિરત પરિવર્તન થતું જ રહે છે.

ભૌતિકવિજ્ઞાની ફ્રિટ્સ ઑફ કૉપ્રાને એ નટરાજનું શિવનું નૃત્ય લાગે છે એના જમણા હાથમાં નવ નવી ઘટકરચનાના પ્રતિક સમું ડમરું છે, એના ડાબા હાથમાં જૂનાં ઘટકોના ધ્વંસના પ્રતીક સમો અગનગોળો છે. નીચેના બીજા જમણા હાથથી એ આપણને ધારણ કરે છે અને નીચેના બીજા ડાબા હાથથી આપણને પોતાના ચરણમાં આશ્રય લેવાનું સૂચવે છે.

કૅલીફૉર્નિયાના આ ભૌતિકશાસ્ત્રીએ જ્યારે ભૌતિકશાસ્ત્ર વિષયક પોતાનું ‘તાઓ ઑફ ફિઝિક્સ’ નામનું પુસ્તક લખ્યું, ત્યારે ૨૧ ભાષામાં પ્રકાશિત થયેલા એ પુસ્તકની એક કરોડ અને વીસ લાખ પ્રતો એકી સપાટે ખપી ગઈ! એનું વિક્રમ વેચાણ થયું! એ પુસ્તકના આવરણ પૃષ્ઠ ઉપર એણે નૃત્ય કરતા નટરાજ શિવનું ચિત્ર મૂક્યું હતું. ભૌતિકવિજ્ઞાનના વિભાજિત ઘટકોનાં એનાં છેલ્લામાં છેલ્લાં શોધન તારણો એ પ્રકારનાં હતાં. એની તાજેતરની મુલાકાતમાં એણે કહ્યું કે અર્વાચીન ભૌતિકવિજ્ઞાને બે વાત સિદ્ધ કરી છે: એક તો બધાં અસ્તિત્વોની પાયાની એકતા અને એની પરસ્પર સંબદ્ધતા. અને બીજી કહેવાતા જડ દ્રવ્યની ગતિશીલ તરાહ.

ભૌતિકશાસ્ત્રી શ્રૉડિંજર વિજ્ઞાનમાં ચેતનાનો પ્રશ્ન લઈ આગળ આવ્યા. હૅસનબર્ગ જો એમ કહે છે કે દ્રવ્ય વિજ્ઞાનીની ચેતના સાથે સંકળાયેલું છે, તો એમાં પહેલું કોણ છે? પ્રાથમિકતા કોની છે? ચેતનાથી દ્રવ્ય નક્કી થાય છે કે પછી દ્રવ્યથી ચેતનાનો નિર્ણય કરાય છે? ૧૯૩૨માં મૅક્સ પ્લાન્કે ઘોષણા કરીઃ “હું કહું છું: ચેતના જ પ્રધાન છે અને દ્રવ્ય એની નીપજ છે.”

ભૌતિકશાસ્ત્રમાં ચેતનાનો પ્રશ્ન શ્રૉડિંજરે બરાબર ટાણાસર ઉઠાવ્યો. શ્રૉડિંજરના તરંગ સમીકરણના ઉપસિદ્ધાંતમાં એણે શોધ્યું કે કેટલીક વાર એક જ વીજાણુ વિચિત્ર રીતે વર્તે છે. આ વીજાણુઓ ૨, , , ૧૬, ૩૨, ૬૪ના જુદા જુદા આયામોમાં એક જ તે ક્ષણે દેખાવાની સંભાવના ધરાવે છે. આ ઘણી જ વિચિત્ર પરિસ્થિતિ છે: કોઈ નટ એક નાટકમાં રામ તરીકે અને બીજા નાટકમાં કૃષ્ણ તરીકે આવે, એ તો આપણે સમજી શકીએ પણ એ જો એક જ દૃશ્યમાં રામ, કૃષ્ણ, વિષ્ણુ અને બ્રહ્મા તરીકે આવે તો આપણે શું સમજવું? એવું શક્ય હોય ખરું? આવી પરિસ્થિતિમાં શું થાય? શ્રૉડિંજરના સમીકરણે આવી પરિસ્થિતિ ‘શ્રૉડિંજર કૅટ’ (Shrodinger Cat) નામે જાણીતા થયેલા ‘અસત્યાભાસ’ દ્વારા સૂચવી છે. આ અસત્યાભાસની અંતિમ ફલશ્રુતિ એ છે કે આપણાથી જોઈ શકાતી બધી દુનિયા તે વિશિષ્ટ ક્ષણે જ સત્ય છે કે જે ક્ષણે એમાંની કોઈ આપણી પસંદગી પામી હોય.

૧૯૫૭માં ક્વાન્ટમ મિકૅનિક્સની આ સમજૂતી જહૉન વ્હીલર અને ઍવરેટે રજૂ કરી. આજે એ ‘વિવિધ વિશ્વ સમજૂતી’ તરીકે જાણીતી છે. વેદાંત કહે છે કે બાહ્ય હસ્તી આપણા મનની સર્જત છે. ‘દગ્દશ્યવિવેક’ નામના વેદાન્તગ્રંથનો પ્રારંભ આ શ્લોકથી થાય છે:

“રૂપં દૃશ્યં લોચનં દક્ તદૃશ્યં દેક્તુમાનસમ્।… વગેરે. અર્થાત્ આંખ દ્રષ્ટા અને એનો વિષય દૃશ્ય છે વળી આગળ આંખનું કરણ પણ દૃશ્ય છે અને મન દ્રષ્ટા છે. વળી આગળ દ્રષ્ટા ૫૨ છાઈ રહેલ દ્રષ્ટાની ચેતના જ ખરો દ્રષ્ટા છે. બહારના જે પદાર્થો આપણે જોઈએ છીએ એ તો માત્ર આપણા મનની બહારની વસ્તુઓ પર પડેલી છાપ જ છે. શ્રીરામકૃષ્ણ જ્યારે કલકત્તાની શેરીમાં ફરી રહ્યા હતા તે વખતે દસ માણસોએ તેમને દસ જુદાં જુદાં રૂપોમાં નિહાળ્યા! બ્રાહ્મોસમાજી કેશવસેને રામકૃષ્ણમાં ઈશુ ખ્રિસ્ત અને ચૈતન્યના જેવું વ્યક્તિત્વ જોયું. શેરીના છોકરાઓએ તેમનામાં કલકત્તાના પાગલ પુરોહિત જોયા. સામાન્ય જનોએ એમનામાં કમાવાની શક્તિ વગરનો એક અર્ધપાગલ ગરીબ છોકરો જોયો! એ એક જ ક્ષણે રામકૃષ્ણ વિવિધ આયામોમાં દેખાયા. અત્યારે હું અહીંથી બોલી રહ્યો છું. અહીં આ કક્ષમાં લગભગ ૪૫૦ માણસો હશે. તમારામાંના દરેકની મારા તરફની દૃષ્ટિ જુદી જુદી છે, અને એ બધી દૃષ્ટિઓ સાચી છે. તમારું મન જ એ બાહ્ય હસ્તી ખડી કરે છે.

એક બીજી શોધ થઈ. આઈન્સ્ટાઈન તો હૅસનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને માનતા ન હતા. એણે તો છેવટ સુધી એમ જ માન્યે રાખ્યું કે ભૌતિકશાસ્ત્રમાં કશું અનિશ્ચિત હોઈ જ ન શકે. આઈન્સ્ટાઈન સંવાદિતાભર્યા અને ચુસ્ત કાર્યકરણ ભાવવાળા સ્પિનોઝા નિરૂપિત ઈશ્વરમાં માનતા. અનાત્મવાદી તરીકે એણે અર્ન્સ્ટ મૅકના સિદ્ધાંતો સ્વીકાર્યા અર્ન્સ્ટે આઈન્સ્ટાઈનને લાગણી, મન કે ચેતના કોઈ પણ તત્ત્વથી વિજ્ઞાનને દૂર રાખવા શીખવ્યું હતું. અનાત્મવાદી તરીકે આઈન્સ્ટાઈને શરૂ કર્યું એટલા માટે એણે અંતર (દૂરપણા) ને માપપટ્ટીથી અને સમયને ઘડિયાળથી માપ્યાં. કેવળ તર્ક અને પ્રાયોગિક ચકાસણીથી આઈન્સ્ટાઈને પોતાની સ્વીકૃત સિદ્ધાંતની પદ્ધતિ અંતઃસ્ફુરણાના કૂદકાની પ્રક્રિયાથી વિકસાવી, એવું એ કહે છે. અનિશ્ચિતતાનો સિદ્ધાંત સાચો ઠર્યો અને પ્રાયોગિક ચકાસણીમાં પાર ઊતર્યો અને એ સ્વીકૃત થયું કે કાર્યકરણનો ચુસ્ત નિયમ ક્વાન્ટમના વિશ્વમાં ઉપયોગી થતો નથી. આઈન્સ્ટાઈન, પોડોલૉસ્કી અને રૉસેને ભેગા મળીને E P R પરિણામ નામે જાણીતો નવો સિદ્ધાંત શોધ્યો. ટૂંકમાં એ કહે છે કે જો હૅસનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સાચો હોય તો આખુંય વિશ્વ પાયામાં પરસ્પરસંબદ્ધ જ હોય. જ્યુડિયો કિશ્ચિયન અને ન્યૂટનના ભૌતિકવિજ્ઞાન પ્રમાણે વિશ્વ પરસ્પર સંબદ્ધ હોઈ શકે નહિ. ત્યારે સામે પક્ષે વેદાન્ત આખાય વિશ્વને પારમાર્થિક રીતે પરસ્પરસંબદ્ધ જાણે છે. E P R ની પ્રતિયોગિકતા ધીરે ધીરે બેલના પ્રમેયમાં વિકસી. ૧૯૧૨માં લંડનના ડૅવીડ બૉહમે એ વિષયમાં એક પ્રયોગ કર્યો અને એનું સત્ય સાબિત કર્યું.

ક્લાઉઝર, ફ્રીમેન અને ઍલાઈન ઍસ્પીટ જેવા વિજ્ઞાનીઓએ પણ એ વાત સાચી ઠરાવી. એ પ્રમેય આપણને શું કહે છે? એ કહે છે કે ખૂબ લાંબે અંતરે રહેલાં બે સમાન ઘટકો કોઈક રીતે સમાન્તરે સંકળાયેલાં છે. આ વિશ્વમાં સૌથી વધુ ઝડપી સંબંધ અને પ્રત્યાયન પ્રકાશના વેગ અને વિદ્યુત્-ચુંબકીય સંબંધ છે. એ દર સેકંડે ૧,૮૬,૦૦૦ માઈલનો વેગ ધરાવે છે.

પણ પ્રયોગોએ બતાવ્યું છે કે ૪, , કે ૮ લાખ માઈલને અંતરે રહેલાં બે સમાન ઘટકો પણ કોઈક રીતે જલદી એક બીજા સાથે જોડાઈ જાય છે! કોઈ પણ હકીકત (વસ્તુ) આટલી ઝડપે કેમ જઈ શકે? એ તો અશકય જ છે. વિજ્ઞાનીઓ આને પ્રકાશાતીત-પ્રકાશસંબંધથી પર ઘટના કહે છે.

ડૅવીડ બૉહમે આગળ આવી કહ્યું: અહીં સંબંધનો કોઈ સવાલ જ નથી કારણ કે એક જ વિશ્વ છે. હું મારા માથામાંથી મારા પગને ટેલીફોન કરી શકું ખરો? એ તો એક આખું શરીર જ છે. બૉહમવિશ્વને, જેમાં બધાને પોતાનો કંઈક ભાગ ભજવવાનો છે એવી વ્યવસ્થાવાળું અને બધી હસ્તીઓની પાયાની એકતાવાળી વ્યવસ્થાવાળું માને છે.

આ વિશ્વ સર્વગ્રાહી છે. – જીવન અને પદાર્થોની વૈવિધ્યપૂર્ણ વ્યવસ્થાની ભીતર એ એક અખિલ, અદ્વિતીય, અવિભાજ્ય અધિષ્ઠાન છે. આર્થર કૉસ્ટલરે “દરેકે દરેક નાભિક ઘટક અન્ય બધા ઘટકો સાથે સંબદ્ધ છે” એવું વર્ણવવા માટે સૌ પ્રથમ વાર Holon એવો શબ્દ ઘડ્યો. ડૅવીડ બૉહમના પ્રયોગે બતાવ્યું કે એ ખરેખર ભીતરના અદ્વૈતવાળું Holistic સર્વગ્રાહી – વિશ્વ જ છે.

વૈદિક સૃષ્ટિ પ્રક્રિયાએ આપણને ‘સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય’બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર – એવાં વિશ્વસર્જનનાં ત્રણ પગથિયાં બતાવ્યાં છે. એક એવો સમય હતો કે જ્યારે આ વિશ્વ ન હતું અને એવો સમય પાછો આવશે ય ખરો કે જ્યારે આ વિશ્વ નહિ હોય. જ્યુડિયો ક્રિશ્ચિયન ભૂમિકાવાળા આઈન્સ્ટાઈને તો વિશ્વના સ્થાયી અસ્તિત્વનો વિચાર જ પકડી રાખ્યો કે વિશ્વ હતું, છે અને હશે. પણ એને પહેલો ધક્કો ૧૯૨૨માં લાગ્યો. માઉન્ટ વિલ્સન ઑબ્ઝર્વેટરીમાં કામ કરતા ઍડવીન હબલે સૌથી પહેલીવાર જોયું કે દૂરની આકાશગંગાઓ વિશ્વના કેન્દ્રમાંથી તીવ્રતમ વેગથી દૂર દૂર જઈ રહી છે. આમ સ્થિર વિશ્વ વિસ્તરણશીલ થયું. આઈન્સ્ટાઈને હબલને સ્વીકારવાની ના કહી અને પોતાના ભવ્ય મસ્તિષ્કમાંથી ‘એકધારી વૈશ્વિકતા’નો વિચાર રજૂ કર્યો. એનાથી વિશ્વ સ્થાયી જ રહે પણ છેવટે હબલનો વિસ્તરણશીલ વિશ્વનો સિદ્ધાંત સાચો ઠર્યો.

જીવનના છેલ્લા દિવસોમાં આઈન્સ્ટાઈનને જાહેરમાં માફી માગવી પડી. એણે સ્વીકાર્યું કે વિશ્વના સ્થાયિત્વનો સિદ્ધાંત એના જીવનની સૌથી મોટી ભૂલ હતી. આઈન્સ્ટાઈન મહામાનવ અને સર્વકાલીન વિજ્ઞાનવીર હતા. હવે, જો વિશ્વ વિસ્તરણશીલ હોય, તો એ શેમાંથી વિસ્તરે છે? અવશ્ય એનું મૂળ એનો પૂર્વવર્તી કોઈક અગ્નિવિસ્ફોટ થયો હોવો જોઈએ અને હજી સુધી એના ટૂકડા સક્રિય રહ્યા હોવા જોઈએ. આને ‘બીગ બઁગ’‘આરંભક વિસ્ફોટ કહે છે. હવે જો આવો વિસ્ફોટ થયો જ હોય તો આપણા વિશ્વના દરેક ભાગમાં એની કેટલીક ઉષ્ણતા અવશિષ્ટ રહેવી જ જોઈએ. તો એ અવશિષ્ટ ઉષ્ણતા કેટલી હશે? વૈજ્ઞાનિકોના મતે એ ત્રણ ડિગ્રી કેલ્વિન જેટલી હશે. ૧૯૬૭માં બેલ લૅબોરેટરીમાં કામ કરતા પૅન્ઝીયાસ અને વિલ્સન નામના બે સામાન્ય ટૅક્નિશિયનો શૃંગાકાર એન્ટીના વડે કાર્ય કરતા હતા ત્યારે વિશ્વના દરેક ભાગમાંથી એક ઝીણો ગણગણાટ – અવાજ તેમને સંભળાતો લાગ્યો. જ્યારે તેમણે તે માપ્યો, ત્યારે એ ૩ (ત્રણ ડિગ્રી) કેલ્વિન વિકિરણ જેટલો થયો. આ શોધને લીધે એ બન્ને ટૅક્નિશિયનને નૉબેલ ઈનામ મળ્યું.

હવે પ્રલયનું શું? એક દિવસ આપણું વિશ્વ પોતાની બધી શક્તિ ખરચી નાખીને એક નાનકડા કાળા છિદ્રના – બ્લૅક હોલના પરિમાણમાં આવી જશે. – જો કોઈ લય પામતો તારો ડૉ. ચંદ્રશેખરે આપેલી મર્યાદા ઓળંગે તો તો એનો અવશ્ય લય થવાનો જ. શેમાં લય પામશે? નાનકડા શ્વેત પટલમાં. પછી એ નાનો થતો જાય છે અને પછી સઘનોત્તર બની જાય છે. એની આ સઘનોત્તર – પરાધન – ધનાતિગત ચુંબકીય શક્તિને લીધે તે બધા પ્રકારનાં ઘટકોને – પ્રકાશનાં ઘટકોને પણ એ પોતાની તરફ આકર્ષશે. અને કૃષ્ણ છિદ્રમાં ફેરવાઈ જશે. પછી શું થશે? શું આ કૃષ્ણછિદ્રનું શૂન્યમાં બાષ્પીભવન થઈ જશે કે?

કૅમ્બ્રિજના સ્ટીફન હૉકિંગે પ્રિન્સ્ટનના બૅકન્સ્હાઈન અને રૂસના ઝૅલ્ડોવીચ પાસેથી એક વિચાર લીધો. એણે ઠરાવ્યું કે આ સઘનતમ કૃષ્ણછિદ્રો બ્લૅક હૉલ્સ – એ સ્થિતિમાંય શક્તિ વિકિરણ કરશે. ધૂમતાં ન હોવા છતાંય એ કૃષ્ણછિદ્રો – બ્લૅક હોલ્સ – શક્તિ ફેલાવો તો કરશે જ. આ વિકિરણ શક્તિ એટલે વિકિરણ જથ્થો જ થયો. આમ પોતાના જથ્થાને છોડતાં છોડતાં એ નાનાથી વધુ નાના બનતા જઈ છેવટે શૂન્યાકાર થઈ જવાના જ. અહીં સ્ટીફન હૉકિંગની બુદ્ધિને જબરદસ્ત ફટકો પડ્યો! એણે ક્વાન્ટમ યાંત્રિકી અને ખગોળ ભૌતિકવિજ્ઞાનનો સમન્વય કર્યો. હૅસનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે કોઈ ક્ષેત્ર શૂન્યને માપી શકે નહિ. ડેલ્ટા Q x ડેલ્ટા P H છે, શૂન્ય નથી. હૉકિંગ અનુસાર બ્લૅક હોલ કદીય શૂન્ય બની ન શકે. તો શું થશે? શૂન્ય થયા પહેલાં તેનું એક અન્ય વિસ્ફોટમાં બાષ્પીકરણ થઈ જશે.

હૉકિંગના શિક્ષકે કહ્યું કે અર્વાચીન ભૌતિકવિજ્ઞાનની શ્રેષ્ઠ શોધો પૈકીની આ શોધ એક છે. ખગોળ ભૌતિક વિજ્ઞાનની અદ્યતન શોધો, ઋગ્વેદના નાસદીય સૂક્તના આપણા વૈદિક દ્રષ્ટાઓના દર્શનને બહાલી આપે છે. એમા પણ આપણા વિશ્વની સર્જન પ્રક્રિયા અને આરંભ એવાં જ બતાવ્યાં છે.

આપણી ચેતના શું છે? શ્રૉડિંજરે આગળ આવી કેટલાક પ્રશ્નો ઊભા કર્યા: બધા વિજ્ઞાનીઓ માને છે કે માણસ બધી વસ્તુઓ પોતાની ઈચ્છાથી અને ક્રિયાથી કરે છે. એ જ વિજ્ઞાની (માણસ) ગાઢ નિદ્રામાં હોય ત્યારે શું થાય છે? એ એવો સમય છે કે જ્યારે એનો ‘અહમ્’ કામ કરતો નથી. તો ત્યારે એના હૃદયમાં લોહીનું ઉત્ક્ષેપણ કોણ કરે છે? ફેફસાંઓ કોણ ચલાવે છે? હોજરી કોણ ચલાવે છે? શરીરનાં હજારો સ્નાયુકેન્દ્રો કોણ ચલાવે છે? શ્રૉડિંજર કહે છે કે આનું સમાધાન એણે ઉપનિષદોમાંથી મેળવ્યું છે. ઉપનિષદો કહે છે કે એક અવિભાજ્ય વૈશ્વિક ચેતના જ સમગ્ર વિશ્વમાં દરેક વસ્તુ અને પ્રાણી દ્વારા કામ કરે છે. શ્રૉડિંજરે સ્વીકાર્યું કે અર્વાચીન વિજ્ઞાનની આ સમસ્યાનો ઉકેલ માત્ર આ આત્મા – બ્રહ્મ જ લાવી શકે. આંબલીના એક મોટા ઝાડનાં લાખો પાંદડામાંના દરેકે દરેકને પોતાનું જીવન – સજીવતા છે. સર જે. સી. બોઝે બતાવ્યું છે કે દરેક પાંદડાને જીવન છે અને બહારની ઉત્તેજનાનો પ્રત્યુત્તર વાળે છે. તો પછી શું આપણે એમ કહીશું કે એક વૃક્ષમાં લાખો ચેતના ભરી છે કે પછી એમ કહીશું કે સજીવ વૃક્ષની એક જ ચેતના, એ વિભિન્ન પાંદડાં દ્વારા અભિવ્યક્ત થઈ રહી છે? શ્રૉડિંજરે વિધાન કર્યું કે ચેતના સંખ્યામાં એક છે. અને ચેતનાનું બહુત્વ એ માયા છે.

તો આપણા માનવદેહમાં આ ચેતના રહે છે ક્યાં? આ સદીના સૌથી મહાન જ્ઞાનતંત્ર શરીર વિજ્ઞાની બાઈલ્ડર પેનફિલ્ડે વીસ વરસની મહેનત પછી શોધ્યું કે ચેતના મસ્તિષ્કમાં સ્થિત નથી. એણે છેવટે અત્યાર સુધી ભારપૂર્વક મનાતી આવતી મસ્તિષ્ક અને મનની અભિન્નતાની કલ્પના નકારી કાઢી. નૉબેલ વિજેતા પ્રાણીશાસ્ત્રી જ્યૉર્જર વાલ્ડે એને ખુલ્લો ટેકો આપ્યો અને સ્વીકાર્યું કે ચેતનાની સર્વ વ્યાપકતા અને પૂર્વના તત્ત્વજ્ઞાને શીખવી છે. જ્ઞાનતંત્ર પ્રાણીશાસ્ત્રી જહૉન ઍક્લેસે એને અનુસરીને બતાવ્યું કે ચેતના મસ્તિષ્કથી અલગ છે અને માનવીના મસ્તિષ્ક દ્વારા એ કામ કરે છે.

તો આપણે ક્યાં ઊભા છીએ? અર્વાચીન વિજ્ઞાન ૧૯મી સદીના અંતભાગે શરૂ થયું. – પ્રારંભમાં એ દ્વૈતવાદી યાંત્રિક વિજ્ઞાન એક પદાર્થને બીજા પદાર્થથી, પદાર્થને મનથી, એક મનને બીજા મનથી અલગ ગણાતું. આપણે છેલ્લા ત્રણ દાયકામાં જોયું કે આ ભેદરેખા ભાંગી ચૂકી છે. ૧૯૨૨માં મૅક્સ પ્લેન્કે ભાખ્યા મૂજબ બધા પદાર્થોનું એક અંતિમ અધિષ્ઠાન ઉપસી આવ્યું છે. ભૌતિકશાસ્ત્રી જહૉન એફ વ્હીલર વિશ્વને ‘ક્વાન્ટમ ફીણ’ જેવી લેખે છે. આપણે એક દ્રવ્યના સાગરમાં તરી રહ્યા છીએ. આનો શો અર્થ છે? આપણે ફરી વખત પ્રાચીન વેદાન્તગ્રંથ ‘દગ્દશ્યવિવેક’ ટાંકીએ; એ કહે છે કે આ વિશ્વ ચેતનાના સર્વગ્રાહી મહાસાગર પરનાં ફીણ જેવું છે.

૧૯૮૨માં આ સદીના મહાન વિજ્ઞાનીઓ અને ભૌતિકશાસ્ત્રીઓની મુલાકાત લીધા પછી કેન બીલબરે પોતાના Holographic Paradigm નામના પુસ્તકમાં લખ્યું કે વિજ્ઞાન વિશ્વની પાયાની એકતા સુધી પહોંચ્યું છે. વિજ્ઞાનીઓએ હવે એ ઉપર નિર્ભર રહેવું જોઈએ. સ્વામીજીએ જ કહ્યું હતું: આધુનિક વિજ્ઞાને વેદાન્ત સાથે સંવાદિતા સાધવી જોઈએ. બુદ્ધના હૃદય વગરનું કેવળ આઈન્સ્ટાઈનનું મગજ અણુ બૉમ્બો ફેંકશે. વિજ્ઞાનીઓએ જીવનની સર્વગ્રાહિતાની પાર્શ્વભૂમિકા સમજવી જોઈએ, કે જેથી સર્વગ્રાહી સ્પંદનોથી તેઓ પ્રેરિત થાય. સ્વામીજીએ કહ્યું કે આપણે જમણા અને ડાબા મગજની સંતુલિતતાથી પ્રેરિત પૂર્ણ માનવ ઈચ્છીએ છીએ. તાર્કિક બુદ્ધિ અને સર્વગ્રાહી ભાવનાથી પ્રેરિત પૂર્ણ માનવ! વિવેકાનંદ દુન્યવી વિજ્ઞાનને માન આપતા. એમણે ભાખ્યું કે સાચા ભૌતિકશાસ્ત્રીઓ બાહ્ય જગતવિષયક તેમનાં અન્વેષણોથી એ જ સત્યને પામશે કે જે સત્યને ભારતના દ્રષ્ટાઓએ આંતરિક વિશ્વમાં અનુભૂતિથી મેળવ્યાં છે. અને ત્યારે એ દુન્વયી સત્યો દિવ્ય બની જશે. આપણે એના પર નિર્ભર રહેવું પડશે. સ્વામીજીએ ભવિષ્યવાણી ઉચ્ચારી કે ભાવિ પૂર્ણ માનવ સફળતાથી પશ્ચિમના વિજ્ઞાનને ભારતના વેદાન્ત સાથે જોડશે. અને આવતી કાલના આદર્શ માનવ તરીકે એ ઉપસી આવશે. ચાલો, સ્વામીજીના આ સ્વપ્નને આપણે સાકાર કરીએ!

અનુવાદ: કેશવલાલ વિ.શાસ્ત્રી

(ભારતીય વિદ્યા ભવન ખાતે યોજાયેલ વેદ-સંમેલનમાં ૪ એપ્રિલ ’૯૪ના રોજ પ્રદત્ત વ્યાખ્યાન Bhavan’s  Journal (Nov 15 94) માંથી સાભાર)

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.