(આ લેખમાં શ્રી રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજે આધ્યાત્મિક જીવનમાં ગુરુની ભૂમિકા વિષે કેટલાક મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેઓ પોતે રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રથમ અધ્યક્ષ હતા અને ભારતના આધ્યાત્મિક ગુરુઓની અવિરત શૃંખલાની એક તેજસ્વી કડીરૂપ હતા.)

હમણાં હમણાં અમુક અંશે લગભગ બધે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી જોવામાં આવે છે. નાસ્તિક થઈ જવાને બદલે, ખાસ કરીને શિક્ષિત લોકો પણ આ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે એક યા બીજી રીતે જોડાતા રહે છે. ધર્મનું આચરણ કરનારા લોકોમાં પણ જુદી જુદી પ્રકૃતિના માણસો મળી આવે છે. તેમાંના કેટલાક કહે છે: “અમે અમારી પરંપરાને વળગી રહીએ છીએ, કુલગુરુ પાસેથી દીક્ષા લઈએ છીએ, નામ જપ કરીએ છીએ અને અન્ય લોકોની જેમ ઈન્દ્રિયદમન પણ કરીએ છીએ. આ જ અમને સાક્ષાત્કાર કરાવશે. કુલગુરુનો ત્યાગ ન ક૨વો જોઈએ. તેમનો ત્યાગ એ તો મહાપાપ છે. આથી કુલગુરુના ચારિત્ર્યની કડાકૂટમાં ઊતર્યા વિના તેમની પાસેથી મંત્ર ગ્રહણ કરવો જોઈએ. અને બને એટલાં જપ-તપ કરવાં જોઈએ.’’ અને આવા લોકો પોતે આ જ પ્રકારનું આચરણ કરે છે. અવારનવાર તેઓ મહાભારત, પુરાણો અને બીજા ધાર્મિક ગ્રંથો વાંચે છે અને કથાવાર્તા સાંભળે છે. કેટલાક લોકો તંત્રગ્રંથોનો પણ અભ્યાસ કરે છે.

કેટલાક લોકો પોતાના પ્રયત્નથી કેટલાંક શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. હવે તો ગીતા, પુરાણો, ઉપનિષદો, વેદાન્ત, યોગ અને બીજાં શાસ્ત્રોના અનુવાદો પ્રકાશિત થયા છે. આ બધા અનુવાદોની સહાયથી અથવા કોઈ પંડિતની સહાયથી કેટલાક લોકો યથાશક્તિ શાસ્ત્રોનો ભાવાર્થ શોધી કાઢવાનો પ્રયાસ કરે છે. શાસ્ત્રોમાંથી પોતાની પસંદગી પ્રમાણેની ઉપાસના પદ્ધતિ અપનાવીને તે લોકો આધ્યાત્મિક આચરણ પણ કરે છે. આ લોકો ગુરુની આવશ્યક્તાનો સ્વીકા૨ ક૨તા નથી અને કરે તો પણ એમ માનતા નથી કે ગુરુ અનિવાર્ય છે. અને બીજા કેટલાક તો આ બાબતમાં બહુ વિચાર જ કરતા નથી. આવા લોકોમાંથી કેટલાક કહેતા હોય છે: ‘‘જો માણસને પ્રબુદ્ધ ગુરુ ન મળે તો ગુરુ હોય તો ય ઠીક અને ન હોય તો ય સરખું જ છે. આથી મને જ્યારે પ્રબુદ્ધ ગુરુ મળી જશે ત્યારે હું તેમને મારા ગુરુ તરીકે સ્વીકારી લઈશ.” આમાંના કેટલાક મહાત્માઓની સાથે રહે છે, જ્યારે કેટલાક ખાસ કાંઈ કરતા નથી હોતા.

“ઈશ્વર અંતર્યામી છે, આંતરિક તંત્રનો નિયામક. જો આપણે તેની પ્રાર્થના કરીએ તો તે જવાબ આપે. જરૂરી વસ્તુ તે પૂરી પાડશે જ. બહારના ગુરુની શી જરૂર છે?’’ વળી આ વિચારધારાનો વિરોધ કરનારા લોકો કહે છે: ‘‘ગુરુ વિના કોઈ વસ્તુ મળતી નથી. વળી સામાન્ય ગુરુની સહાયથી પણ કાંઈ મળતું નથી. પ્રબુદ્ધ ગુરુ અનિવાર્ય છે.” કુલગુરુનાં પરંપરાગત સૂચન પ્રમાણે આધ્યાત્મિક અનુશાસનનું પાલન કરનારા લોકોને પૂછવામાં આવે તો તેઓ કહે છે: ‘‘હું મારા ગુરુના ઉપદેશ પ્રમાણે આચરણ કરું છું. પણ મને ખબર નથી પડતી કે કાંઈ પ્રગતિ થઈ રહી છે કે નહીં.’’ “મનની ચંચળતા શું ચાલી ગઈ છે?” તેઓ જવાબ આપે છે: ‘‘ખરેખર! એ પણ ગઈ નથી.’’ અને આપણે જોઈએ છીએ કે ભગવાન માટેનો તેમનો પ્રેમ દ૨રોજ વધતો જતો નથી. ભગવાન માટેના પ્રેમનું દર્શન જ તે લોકોમાં થતું નથી, તેમને આ દુનિયાના ઈન્દ્રિયોના વિષયો અને સંપત્તિ પ્રત્યે જેટલી આસક્તિ હોય છે, તેનો એકાદો કણ થાય એટલો ય નહીં.

આ બધી જુદી જુદી વિચારધારાઓનું અવલોકન કરતાં એક પ્રશ્ન થાય છે: ‘‘શું મોક્ષ મેળવવા માટે કે આધ્યાત્મિક જીવન જીવવા માટે ગુરુની આવશ્યક્તા છે ખરી?” જો તમે ‘હા’ કહો તો શું આ આવશ્યક્તા અનિવાર્ય છે? કહેવાનો ભાવાર્થ એ છે કે શું ગુરુ સિવાયનાં અન્ય સાધનો દ્વારા મુક્તિ મેળવવી અશક્ય છે? વળી ગુરુમાં કયા કયા ગુણો જરૂરી છે?

આ પ્રશ્નનો જવાબ આપવા માટે ત્રણ પરિબળોનો આધાર લેવો પડશે – યુક્તિ (તર્ક), શાસ્ત્ર (ધર્મગ્રંથ) અને પ્રબુદ્ધ આત્માનાં આપ્તવાક્યો.

સૌથી પહેલાં આપણે એ જોઈએ કે તર્કે આ બાબતમાં શું કહેવાનું છે. જરાક પણ વિચાર કરનાર લોકોને સમજમાં આવી જશે કે ભગવાનનું ધ્યાન ધરવું અથવા આધ્યાત્મિક જીવન જીવવું એ વ્યક્તિગત સાધનાનો વિષય છે. તેમ છતાં જન્મતાંની સાથે જ એકાંત સ્થળનો આશ્રય લઈને પોતે પ્રબુદ્ધ થઈ જાય ત્યાં સુધી ભગવાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ક૨વા માટે બેસી જતો હોય એવો કોઈ માણસ જોવામાં આવતો નથી. ઘણા લોકો આ સમજે છે. શાસ્ત્રના અથવા અન્ય ગ્રંથોના અભ્યાસના અને જુદા જુદા લોકો પાસેથી શ્રવણ કરવાને પરિણામે જ ભગવાન અને ધર્મ વિષેની પોતાની માન્યતા ઉદ્ભવેલી છે, એ વાતનો ઈન્કાર કરે એવો કોઈ અજ્ઞાન માણસ હોતો નથી. જે લોકોને ગુરુની આવશ્યક્તા વિશે શંકા છે, તેમની પાસે કદાચ એટલી સમજશક્તિ નથી કે પવિત્ર માણસોના સંગથી – પવિત્ર મનુષ્ય સાથે લાંબો સમય રહેવાથી – તેનો દાખલો જોઈને માણસ ઘણી બધી પ્રગતિ કરી શકે છે; તેમનો ભગવાનનું ધ્યાન ધ૨વા માટેનો આગ્રહ, અન્યની સેવા કરવાનું વ્રત વગેરે સદ્ગુણોનું નિરીક્ષણ કરીને આપણને પણ એમ લાગવા માંડે છે કે એ બધા ગુણો આપણામાં પણ આવે. કદાચ પેલા લોકોના મનમાં આ ભીતિ હોય છે. ‘‘એક ચોક્કસ માણસની પૂજા કરવાની હોય, તેના ઉપદેશનું હંમેશાં અનુસરણ કરવાનું હોય – શું એ વ્યવહારુ છે?’’

જવાબમાં આમ કહી શકાય: માણસ ભલે ગમે તે વિજ્ઞાન શીખે-એક યા બીજા સ્વરૂપે તેને શિક્ષકની જરૂર પડવાની જ. બીજાની મદદ એક યા બીજા પ્રકારે લીધા વિના શીખવાનો માણસ નિર્ણય કરે તો શિક્ષણ શક્ય જ નથી, એમ નથી. પણ એમાં ખૂબ વાર લાગે છે, ઘણો પરિશ્રમ ઉઠાવવો પડે છે અને પુષ્કળ સહન કરવું પડે છે. બધાં વિજ્ઞાનો શીખવા માટેનો આ નિયમ છે: આપણા પૂર્વજોને જેટલું જ્ઞાન હતું તેટલા પર પ્રભુત્વ મેળવીને, તેનાથી આગળનું કાંઈક આપણે આપણી પોતાની મેળે શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. આ બીજા પાસેથી શીખવું એટલે કાંઈ યંત્રમાનવની પેઠે અમુક વિષયો ગોખી મારવા એટલું જ નહીં. તેમાં મહા પ્રયત્ન કરવો પડે છે. બીજા પાસેથી શીખવાનો અર્થ થાય છે જ્ઞાનને પોતાનું બનાવી લેવું.

આધ્યાત્મિક ઉપદેશક ગુરુની બાબતમાં પણ આ વાત સાચી બની રહે છે. જો કોઈ ખૂબ આગળ વધેલા મહાત્મા સાથે આધ્યાત્મિક સંબંધ બાંધે, તો પેલા મહાત્માએ જીવનમાં સાકાર કરેલાં સત્યોને પોતાના જીવનમાં આત્મસાત્ કરવાનું કામ અનુકૂળ બની જાય છે.

વળી, ખરેખર આગળ વધેલા ગુરુ પાસે એક વિશેષ શક્તિ હોય છે. તેઓ પોતાના શિષ્યની આધ્યાત્મિક પ્રકૃતિને સ્પષ્ટ રીતે સમજતા હોય છે. તે પ્રકૃતિને જાણી લઈને તેઓ પોતાના શિષ્યને માર્ગ દર્શાવે છે. તે માર્ગે સારું માર્ગદર્શન મળતાં શિષ્યને માટે મોક્ષ અથવા ભગવાનના સાક્ષાત્કારની શક્યતા સહેલાઈથી ઊભી થાય છે. અને, જો શિષ્યને પોતાના ગુરુને હંમેશાં મળવાનું થાય તો સાધના દરમ્યાન ઊભી થતી આધ્યાત્મિક સમસ્યાઓ અને વિઘ્નોને દૂર કરવાનાં સાધનો બતાવીને ગુરુ તેને સહાય કરી શકે છે અને શિષ્ય જેમ જેમ પોતાની સાધનામાં આગળ વધતો જાય છે તેમ તેમ ગુરુ પણ તેને ક્રમશઃ ઉચ્ચતર બોધ કરાવતા જાય છે. જેને સદ્ગુરુ-ખરેખરા આધ્યાત્મિક ગુરુ- મેળવવાનું સદ્ભાગ્ય મળ્યું હોય તેમને ખબર પડી જતી હોય છે કે સામાન્ય કુલગુરુ અને સદ્ગુરુ પાસેથી મંત્ર મેળવવામાં સ્પષ્ટ રીતે ભેદ દેખાઈ આવતો હોય છે. મંત્ર આપતી વેળાએ સદ્ગુરુ પોતાના સાધક શિષ્યની પ્રકૃતિને બંધબેસતી થાય તેવી વિશિષ્ટ આધ્યાત્મિક શક્તિ મૂકી દેતા હોય છે. તેના દ્વારા સાધકને સરખામણીમાં ઓછા પ્રયત્ન અને ઓછી સાધના દ્વારા લક્ષ્યની પ્રાપ્તિ થતી હોય છે.

એક વધુ રીતે સાચા ગુરુઓ પોતાના શિષ્યોને સહાયરૂપ બનતા હોય છે. ખરેખર તો તેઓ શિષ્યનો બોજો પોતે લઈ લેતા હોય છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જો શિષ્ય કદાચ આડે માર્ગે ચડી જાય તો તેઓ તેને સાચે માર્ગે પાછો લાવવા માટે કુદરતી કે અતિપ્રાકૃતિક જુદા જુદા ઉપાયો અજમાવે છે. જો એમ થાય કે પોતાના ગુરુએ શીખવેલાં બધાં સત્યોનો શિષ્ય સાક્ષત્કાર કરી લે અને વધારે ઉચ્ચ સત્યોની ખોજ કરવાની તેને ઈચ્છા થાય તો તે વધારે આગળ વધેલા ગુરુને અપનાવે. પરંતુ જો શિષ્ય બહુ આગળ વધેલો ન હોય તો સમગ્ર જીવન પર્યંત એક જ ગુરુ પ્રત્યે નિષ્ઠા ટકાવી રાખવી સારી. જો આમ નહીં થાય તો તે પોતાના આધ્યાત્મિક લક્ષ્યને સાચી રીતે વળગી નહીં રહી શકે. ગુરુની આજ્ઞાને તાબે થવા વિષેનું જે વિધાન છે, તેના બારામાં કહી શકાય કે સદ્ગુરુ કદી અતાર્કિક રીતે આજ્ઞા કરતા જ નથી. કોઈ પણ વ્યક્તિને સદ્ગુરુ તરીકે અપનાવતાં પહેલાં ઘણા દિવસો સુધી તેની કસોટી કરી લેવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને એકાએક સદ્ગુરુ તરીકે નક્કી કરી લેવાનું સલાહભર્યું નથી. જેને સદ્ગુરુની જરૂર હોય તે શિષ્યે રાત અને દિવસ ગુરુ પાસે રહેવું જોઈએ અને તેમના ચારિત્ર્યનો અભ્યાસ કરવો જોઈએ. તેઓ ખરેખરા પવિત્ર મનુષ્ય છે તેની પ્રતીતિ થાય અને શ્રદ્ધા બેસી જાય ત્યાં સુધી આ અભ્યાસ ચાલુ રાખવો જોઈએ.

કેટલાક લોકો દલીલ કરે છે, “જો હું ખરેખર ગુરુ વિષે નિર્ણય કરી શકતો હોઉં તો પછી હું પોતે જ ગુરુ બની ગયો.” આની સામે અમારો જવાબ એ છે કે આ માત્ર છેતરામણી દલીલ છે. શું તમે દરેક પળે સારા અને ખરાબ વચ્ચે વિવેક નથી કરતા હોતા? જો તમારામાં સારું ખરાબ પારખવાની ક્ષમતા ન હોય તો તમે કેટલાક લોકોને સારા અને કેટલાક લોકોને ખરાબ શા માટે કહો છો? કોઈ મનુષ્યનું ચારિત્ર્ય જોઈને ‘‘આ માણસે કામને જીતેલો છે, અથવા આ માણસે ક્રોધને જીતેલો છે, કે આ માણસ મહાન ભક્ત છે અથવા આ માણસ મોટો જ્ઞાની છે અથવા આ માણસ લોભી નથી” વગેરે વગેરે નક્કી કરવાની જો તમારામાં ક્ષમતા ન હોય તો તમારે હાથ જોડીને એકાંતમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરવી: ‘‘હે પ્રભુ, સારું શું છે અને ખરાબ શું છે, તે સમજવાની મને શક્તિ આપો.” ઘણા લોકો છેતરાઈ જાય છે, તેનું કારણ એ છે કે શક્ય એટલી પરીક્ષા કરી લીધા વિના તે લોકો કોઈકને સદ્ગુરુ તરીકે સ્વીકારી લે છે. એક વખત તેમને તમારા ગુરુ તરીકે સ્વીકારી લો તો પછી તમે તેમની આજ્ઞાનું સર્વથા પાલન કરવાનું શા માટે ટાળો છો? હવે એ સાવ સ્પષ્ટ છે કે જે લોકોને કુલગુરુ પાસેથી મંત્ર લેવાથી કોઈ ફાયદો ન જણાતો હોય તો જો તેઓ પ્રભુના સાક્ષાત્કાર માટે ખરેખર ઝંખતા હોય તો તેમને સદ્ગુરુ મુશ્કેલી વિના મળશે. કોઈક સદ્ગુરુને સ્વીકારી લીધા પછી જો તેમના મરણને લીધે તેમનો સત્સંગ ન કરી શકાય તેમ હોય અથવા પોતે દૂર દૂર ૨હેતા હોવાથી કે અન્ય કારણોને લીધે જો તેમના સંપર્કનો લાભ ન લઈ શકાતો હોય તો તે ગુરુએ શીખવેલી સાધના પદ્ધતિનો ત્યાગ કર્યા વિના જરૂર પડ્યે કોઈક મહાપુરુષ પાસેથી ઉપદેશ ગ્રહણ કરી લેવો જોઈએ. કહેવામાં આવે છે કે અવધૂતે ૨૪ ઉપગુરુઓને ગૌણ ગુરુઓ તરીકે અપનાવી લીધા હતા.

આના વિષે શાસ્ત્રો શું કહે છે, તે હવે આપણે જોઈએ. આ નાનકડા લેખમાં શાસ્ત્રના પ્રકાશમાં ગુરુ વિષે લાંબી ચર્ચા કરવી શક્ય નથી.

શ્રુતિમાંથી અમે બે કે ત્રણ ઉદ્ધરણો રજૂ કરીશું. (જ્ઞાન મેળવવાના સાધન તરીકે) શ્રુતિને મૂલગત પ્રમાણ માનવામાં આવે છે તે તો સર્વવિદિત છે.

શ્રુતિ કહે છે: બ્રહ્મનું જ્ઞાન મેળવવા માટે વેદોના જાણકાર અને બ્રહ્મજ્ઞાની ગુરુ પાસે યજ્ઞનાં ઈંધન લઈને જવું જોઈએ.

(૧) તદ્વિજ્ઞાનાર્થં સ ગુરુમેવાભિગચ્છેત્ સમિત્પાણિઃ શ્રોત્રિયં બ્રહ્મનિષ્ઠમ્। મુંડકોપનિષદ ૧-૨-૧૨

(૨) જેને ગુરુ હોય તે જ જ્ઞાન મેળવી શકે છે.

(૩) પરમાત્માનું જ્ઞાન આપનાર અને મેળવનાર બન્નેમાં વિશિષ્ટ પ્રકા૨ના ગુણો હોવા જોઈએ.

(૪) ઊતરતી કક્ષાના ગુરુએ જો જ્ઞાન આપ્યું હોય તો ઊંડા ચિંતન પછી યે યોગ્ય રીતે સમજમાં આવતું નથી.

(૫) ૫૨માત્મામાં ઊંડી ભક્તિવાળા અને ગુરુ પ્રત્યે પણ તેવી જ ભક્તિ ધરાવતા સાધકના હૃદયમાં જ આધ્યાત્મિક સત્યો પોતાની જાતને પ્રકટ કરે છે.

શ્રુતિમાં આવાં ઘણાં વાક્યો આવે છે.

લગભગ બધાને ખબર છે કે તંત્રોમાં પણ આવાં અસંખ્ય વાક્યો સદ્ગુરુના સંદર્ભમાં મળી આવે છે. સાચા ગુરુ અને ખોટા ગુરુની વિશેષતાઓ પર પ્રકાશ પાડતી એક ચર્ચા તંત્રશાસ્ત્રોમાં મળી આવે છે. તે બધાં વાક્યો ઉદ્ધૃત કરીને આપણે આ લેખને લાંબો નહીં બનાવીએ. તે બધાં શાસ્ત્રીય વિધાનોનો ભાવાર્થ એ છે કે સદ્ગુરુનો આશ્રય લેવાથી જ સંપૂર્ણતા સાધી શકાય છે.

એક બે ઠેકાણે આવાં વિધાનો પણ જોવામાં આવે છે: કુલગુરુ ગમે તેવા હોય પણ તેમની પાસેથી દીક્ષા (આધ્યાત્મિક જીવનની શરૂઆત માટેની વિધિ) મેળવી લો. સાચા ગુરુઓએ ચિર વિદાય લઈ લીધી તે પછી સ્વાર્થી ગુરુઓની ટોળકીએ શાસ્ત્રમાં કરેલાં આ ક્ષેપકો છે, એ બારામાં કોઈ શંકા નથી. સંપ્રદાયને સમાજ સાથે કશી લેવાદેવા નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે તેમાં કોઈ અનિવાર્યતા કે નિષેધ નથી. કુલગુરુ એટલે કે તમારા બાપુજીના ગુરુ હતા તે. સમાજમાં તમારા તરફથી આદરનો દાવો કરી શકે; જો શક્ય હોય તો તમે તેમને યથાશક્તિ આર્થિક સહાય પણ કરો. પરંતુ જ્યારે તમારા હૃદયમાં ઉત્કટ ઈચ્છા જાગે કે: “હે ભગવાન, હું તમારો સાક્ષાત્કાર કઈ રીતે કરી શકું?” ત્યારે આ પ્રકારની ઈચ્છાને પૂરી કરી શકે તેવા સ્થળ સિવાય અન્યત્ર તમે ક્યાં જશો? તમારી તરસને છિપાવી શકે તેવા સિવાય તમે કોની પાસેથી પાણી માગશો?

જ્યારે આપણે મહાપુરુષો પાસે જઈએ છીએ ત્યારે તેઓ પણ આપણને કહે છે કે તેમના બ્રહ્મજ્ઞાની ગુરુઓએ શીખવેલા આધ્યાત્મિક અનુશાસનની તાલીમ લઈને તથા તદનુસાર આચરણ કરીને જ તેઓએ જ્ઞાનની પ્રાપ્તિ કરેલી છે. ડગલે ને પગલે તેમને તેમના ગુરુઓ પાસેથી બોધ મળેલો હતો અને તે ગુરુઓએ પોતાના જીવનમાં જે સત્યોનો સાક્ષાત્કાર કરેલો હતો તેના પ્રકાશને લીધે તેમને ક્ષણે ક્ષણે પ્રેરણા મળેલી છે. જો તમે ખરા દિલથી પ્રગતિ સાધવા ઈચ્છતા હો તો તમારે પણ તે શિસ્તનું અનુસરણ કરવું જોઈએ. ‘સદ્ગુરુ પાવે ભેદ બતાવે.’ તમે સદ્ગુરુ પાસે જાઓ તો તે તમને પરમ સત્યનું જ્ઞાન કરાવશે. બધા મહાત્માઓ આમ જ કહેતા હોય છે. આપણે જોઈએ છીએ કે જ્યાં જ્યાં કોઈ પણ આધ્યાત્મિક હલચલ શરૂ થઈ છે, તેની પાછળ કોઈક મહાનુભાવ ગુરુ તરીકે રહેલા હોય છે. સામાન્ય ભાષામાં લોકો કહે છે કે આ કે તે માણસ પાસે ગુરુ-બલ રહેલું છે. આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ કે ઈશ્વરનું અસ્તિત્વ છે. લોકો કહે છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે. પણ સદ્ગુરુ કહે છે કે મેં ઈશ્વરનો સાક્ષાત્કાર કરેલો છે. અને તેઓ શિષ્યને ઈશ્વર સાક્ષાત્કારનો માર્ગ દર્શાવે છે અને તેને તે માર્ગે ક્રમશઃ દોરી પણ જાય છે. સાચા ગુરુનાં પ્રથમ દર્શને જ તેમના પ્રત્યે સ્વયંભૂ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તેમનું દર્શન કરતાં જ આપણને લાગે છે કે તેમણે અલૌકિક આનંદનો આસ્વાદ લીધો છે, તેઓ તેમાં મગ્ન છે, એટલું જ નહીં દ૨રોજ તેમાં વધારે ડૂબતા જાય છે. આપણે જેવા તેમની પાસે જઈએ કે તરત જ આપણને માલૂમ પડે છે કે આ સંસારનાં દુઃખદર્દો હળવાં બની જાય છે અને આપણા મનમાં દુનિયાદારીનાં વલણોના નામ નિશાન પણ રહેતાં નથી. ગુરુના પવિત્ર સંસ્પર્શ દ્વારા જ્યારે છુપાઈ રહેલી આધ્યાત્મિક શક્તિને જાગ્રત કરવામાં આવે છે ત્યારે સત્યના શોધકને સર્વત્ર અલૌકિક આનંદના સાગરનું દર્શન થાય છે.

આવા ગુરુ માટે શિષ્ય શું ન કરી છૂટે? તેમના પ્રત્યે કૃતજ્ઞ બની રહેવું એ શું શિષ્ય માટે કુદરતી નથી લાગતું? શાસ્ત્રો આજ્ઞા કરે છે કે ગુરુને સાક્ષાત્ ભગવાન જ માનવા જોઈએ. ગુરુપણાને ધંધો બનાવી દેનારા લોકો માટે આમ કરવું શક્ય છે ખરું? પણ ગુરુ જ્યારે બ્રહ્મજ્ઞાની હોય ત્યારે આવી લાગણી સહજ રીતે જન્મે છે. કેટલાક લોકો માને છે કે સર્જક અને તેના સર્જન વચ્ચેનો તફાવત નિવારી ન શકાય તેવો છે અને તેથી તેઓ ગુરુને ભગવાન માનવામાં આનાકાની કરે છે. તેઓ એક બાલિશ દલીલ કરે છે કે કોઈ પણ માણસને ભગવાન માનવો યોગ્ય નથી. તેને ભગવાન માનવો એ તો ભગવાનનું જ અપમાન છે. આવા લોકોને માટે અમારી શિખામણ છે કે તેઓ કાળજીપૂર્વક અદ્વૈત વેદાન્તના સિદ્ધાંતોને સમજે અને આધ્યાત્મિક આચરણમાં પ્રવૃત્ત થાય.

શું ગુરુ બ્રાહ્મણ, શૂદ્ર, હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી, સંસારી કે ગૃહસ્થ હોય છે? આવા પ્રશ્નો જ ઊભા થતા નથી. જે બ્રહ્મજ્ઞાની છે તે ગુરુ છે; બ્રાહ્મણ વગેરે તરીકે તેનો દરજજો માત્ર ઉપરછલ્લો આરોપિત ગુણ છે.

હું વધારે શું કહું? મેં આ જગતમાં ઘણા ગુરુઓને જોયા છે અને તેમની પાસેથી આધ્યાત્મિક શિક્ષણ પણ મેળવ્યું છે પણ તેની કશી અસર થઈ નથી, કેમકે તેમની પાસે બ્રહ્મજ્ઞાનીના કોઈ ગુણો ન હતા. તેમણે પોતાની જાતને દુન્યવી આસક્તિઓમાંથી પણ મુક્ત કરી ન હતી. મને તેમનામાં વિવેકની શક્તિ અને વૈરાગ્યનાં દર્શન થયાં ન હતાં. સામાન્ય ગુરુઓ પાસેથી આઘ્યાત્મિક શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરવો એ અંધ માણસ પાસેથી રસ્તા વિષે માર્ગદર્શન મેળવવા જેવી નકામી વાત છે. તેમનું આધ્યાત્મિક શિક્ષણ આધ્યાત્મિક શક્તિથી ધબકતું હોતું નથી. મેં સાંભળ્યું છે અને માનું પણ છું કે બ્રહ્મજ્ઞાની ગુરુ પોતાના શિષ્યમાં મંત્રદ્વારા એવો શક્તિપાત કરતા હોય છે કે તેને (શિષ્યને) પોતાનો નવો જ જન્મ થયો હોય એવી અનુભૂતિ થાય છે, તે જ દિવસથી શિષ્ય નવી શ્રદ્ધાથી ભરપુર એવા નવતર જીવનના શ્રીગણેશ કરે છે, સામાન્ય ગુરુઓ પાસેથી મેં કેટલું બધું શિક્ષણ લીધું છે પણ તેમાંનો કોઈ મારા હૃદયને સ્પર્શી શક્યો નથી. મેં આના વિષે એક મહાત્મા પાસેથી એક વાર્તા સાંભળી છે તે આ પ્રમાણે છે:

એક રાજાને એક વખત દુનિયાદારી પ્રત્યે વૈરાગ્ય આવી ગયો. તેણે સાંભળ્યું હતું કે સાત દિવસ સુધી ભાગવત સાંભળીને રાજા પરીક્ષિતને પરબ્રહ્મનું જ્ઞાન લાધ્યું હતું. આથી તેણે નજીકમાં રહેતા પ્રસિદ્ધ વિદ્વાનને બોલાવ્યા અને તેમની પાસેથી ભાગવત કથા સાંભળવાનું શરૂ કરી દીધું. નિયમિત રીતે ભાગવતકથા બે મહિના સુધી સાંભળ્યા પછી પણ તેને કશું જ્ઞાન લાધ્યું નહીં. આથી તેણે પંડિતજીને કહ્યું: “માત્ર સાત જ દિવસ માટે ભાગવત કથા સાંભળીને પરીક્ષિતને પરબ્રહ્મનું જ્ઞાન મળી ગયું હતું અને બે બે મહિના સુધી મેં એ કથા સાંભળી તો પણ મને કેમ કોઈ વસ્તુનો સાક્ષાત્કાર થયો નથી? જો તમે આ પ્રશ્નનો જવાબ આવતી કાલે નહીં આપો તો તમને પૈસા કે અન્ય નથી. કોઈ ભેટસોગાદ આપીશ નહીં.” રાજાએ જે ઉગ્ર અણગમો વ્યક્ત કર્યો તેથી પંડિતજીના હૃદયમાં ચિંતા પેસી ગઈ. ભારે હૃદયે તેઓ ઘરે આવ્યા. ઊંડો વિચાર કર્યા પછી પણ તેઓ કોઈ નિશ્ચિત જવાબ ન મેળવી શક્યા. આથી તેઓ ખૂબ વ્યથા પામ્યા અને તેમના મનમાં અનેકાનેક મૂંઝવણ ઊભી થતાં ચિંતાતુર બની ગયા. તેમને એક બુદ્ધિશાળી દીકરી હતી. દીકરીને પોતાના બાપુજી પ્રત્યે ખૂબ લાગણી હતી. તેણે પોતાના પિતાજીને વ્યથિત થતા જોયા અને વારંવાર તેનું કારણ પૂછવા લાગી. દીકરી પ્રત્યેના વાત્સલ્યથી તેમને પોતાના દુઃખનું કારણ કહેવાની ફરજ પડી. દીકરીએ મુખ પર સ્મિત ફરકાવીને કહ્યું, “બાપુજી, તમે જરાય ચિંતા નહીં કરતા. હું રાજાજીને આવતી કાલે જવાબ આપી દઈશ.” બીજે દિવસે પોતાની પુત્રીને સાથે લઈને પંડિતજી રાજાના દરબારમાં ગયા અને કહ્યું, ‘‘મારી પુત્રી આપના પ્રશ્નનો ઉત્તર આપશે.” દીકરીએ કહ્યું, ‘‘જો આપને પ્રશ્નનો ઉત્તર જોઈતો હોય તો હું કહું તેમ આપે કરવું પડશે.” રાજાએ માથું હલાવીને હા પાડી. ત્યારે પંડિતજીની દીકરીએ મહેલના સિપાહીઓને કહ્યું, “મને એક થાંભલા સાથે બાંધી દો અને રાજાજીને બીજા થાંભલા સાથે બાંધી દો.’’ રાજાએ આજ્ઞા કરી એટલે રક્ષકોએ એ પ્રમાણે કર્યું. પછી પેલી છોકરીએ રાજાને કહ્યું: “રાજાજી, મને આ બંધનમાંથી જલદી છોડાવો.” રાજાએ કહ્યું: ‘‘દીકરી, તું ન થઈ શકે એવું કામ ક૨વાનું મને કહે છે. હું પોતે બંધાયેલો છું, તારું બંધન હું કઈ રીતે દૂર કરી શકું?” પેલી છોકરીએ મોઢા ૫૨ સ્મિત ફરકાવીને કહ્યું: ‘‘બાપુ, તમારા પ્રશ્નનો એ જ જવાબ છે. રાજા પરીક્ષિત મોક્ષાર્થી હતા અને સર્વત્યાગી અને મોટા બ્રહ્મજ્ઞાની શ્રી શુકદેવજી પોતે તેના ગુરુ હતા. શ્રી શુકદેવજી પાસેથી ભાગવત સાંભળવાને પરિણામે રાજા પરીક્ષિતને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. બીજી બાજુ મારા પિતાજી પોતે દુનિયાદારી પ્રત્યે આસક્તિ ધરાવે છે અને બદલામાં પૈસા મેળવવાની આશાથી શાસ્ત્રનો ઉપદેશ કરી રહ્યા છે. તેમને સાંભળીને આપ કઈ રીતે જ્ઞાનની પ્રાપ્તિ કરી શકો?”

અર્થથી ભરપૂર આ વાર્તા સ્પષ્ટ કરી દે છે કે સદ્ગુરુના ઉપદેશ વિના બંધનમાંથી મુક્તિ મેળવવાનો કોઈ સંભવ નથી.

આ સંદર્ભમાં બે વધારે મતો દર્શાવવામાં આવે છે. કેટલાક કહે છે કે શિષ્ય કેવો છે, તે મહત્ત્વનું નથી; જો તેને સદ્ગુરુ મળી જાય તો તેની મુક્તિ નિશ્ચિત જ છે, બીજા કેટલાક કહે છે કે ગુરુ કેવા છે, તે મહત્ત્વનું નથી: જો શિષ્યને ગુરુ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા હોય તો તેને મુક્તિ મળી જાય છે. આ બન્નેમાંથી એકે ય મતને આપણે સાવ નકારી શકીએ તેમ નર્થ પણ વાસ્તવમાં આવી પરિસ્થિતિ ભાગ્યે જ ઊભી થતી હોય છે. સાધારણ રીતે કહીએ તો ગુરુ અને શિષ્ય બન્ને લાયક હોવા જોઈએ. એમ જોવામાં આવે છે કે એક જ મહાત્માના શિષ્યો વચ્ચે પણ તફાવત હોય છે. આ તફાવત શિષ્યોની લાયકાત (કે અધિકાર)ના પ્રમાણમાં બદલતો રહે છે. જો શિષ્યમાં શ્રદ્ધા હોય અને નમ્ર તથા અભ્યાસુ હોય તો તે ગુરુએ ઉપદેશેલાં સત્યને સમજી શકે છે. ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધનું જે વર્ણન આપણાં શાસ્ત્રોમાં મળી આવે છે, તેના પરથી દેખીતું છે કે શિષ્ય માટે જે જુદાં જુદાં કર્તવ્યોના નિર્દેશો કરવામાં આવ્યાં છે તેને લીધે તેનાં શરીર અને મન એવાં શિસ્તબદ્ધ થઈ જાય છે કે તે સાચા અર્થમાં માનવ તરીકે વિકાસ પામી શકે છે.

ગુરુ પ્રત્યેની તે પ્રકારની ભક્તિ આપણા દેશમાંથી લગભગ લુપ્ત થઈ ગઈ છે, એમ કહી શકાય. વળી ઘણાએ તો મક્કમ નિર્ધાર જ કરી લીધો છે કે ગુરુ સ્વીકારવાની પ્રથા પર જ કુઠારાઘાત કરવો. જો આપણા દેશમાંથી ગુરુ પ્રત્યેની ભક્તિ લુપ્ત થઈ જશે તો ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ વગેરે ઉમદા સદ્ગુણો અદૃશ્ય થઈ જશે. સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાનું સામ્રાજ્ય સમાજમાં પ્રવર્તશે. ગુરુને અપનાવતાં પહેલાં ભલે તમે તેની પરીક્ષા કરી લો, પણ એક વખત તમે તેમને અપનાવી લો પછી તમારે તમારા મનને એવી રીતે ઘડવું જોઈએ કે તમે તેમની આજ્ઞાથી પ્રાણાર્પણ પણ કરી શકો. ઘણા લોકો એવી કલ્પના કરે છે કે જો આપણે આ રીતે ગુરુ પર આધાર રાખતા થઈ જઈએ તો આપણે માનસિક સ્વાતંત્ર્ય ગુમાવી બેસીએ અને ધીમે ધીમે આપણું રૂપાંતર નિર્જીવ પદાર્થમાં થઈ જાય. ખરેખર કહીએ તો સદ્ગુરુ કદી કોઈના માનસિક સ્વાતંત્ર્ય પર તરાપ મારતા નથી. ઊલટાનું, તેઓ શિષ્યને માનસિક સ્વાતંત્ર્ય કઈ રીતે પ્રાપ્ત કરવું, તે શીખવે છે. સાથે સાથે તેઓ એવું પણ શિક્ષણ આપે છે કે જેથી શિષ્ય ઈન્દ્રિયો, મન, કુટુંબ અને સમાજનાં બંધનોમાંથી સર્વથા મુક્ત થઈને પક્ષીની પેઠે મુક્ત જીવન જીવી શકે. જ્યારે અન્ય લોકો પાસેથી કોઈ આર્થિક કે ભૌતિક લાભ પ્રાપ્ત થાય છે, ત્યારે તેમના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવતી હોય છે તો પછી તમે જેની પાસેથી જીવનનો મર્મ જાણ્યો હોય, પરમ તત્ત્વના સાક્ષાત્કારની શોધ વિષે જ્ઞાન મેળવ્યું હોય અને તમારા આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલવા માટેની સહાય મેળવી હોય, તેના પ્રત્યે કૃતજ્ઞતા અલ્પમાત્રામાં પણ – વ્યક્ત ક૨વી કેમ અયોગ્ય ગણો છો?

હિન્દુ પ્રજા જેવી કૃતજ્ઞ બીજી કોઈ માનવજાતિ નથી. જો હિન્દુ પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિ બંધ કરી દે તો તે હિન્દુ કહેવાય જ નહીં. પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિને સાકાર કરતા મહાભારતના ઉપમન્યુને યાદ કરો. ગુરુ પ્રત્યેની એ ભક્તિ, એ અચલ શ્રદ્ધા, ગુરુના શબ્દોમાં અખૂટ વિશ્વાસ, આ બધાંએ ભારતને એક વખત સર્વોચ્ચ કક્ષાએ પ્રસ્થાપિત કરી દીધો હતો. જો ભારતે ફરીથી પોતાનું ગૌરવ પ્રાપ્ત કરવું હોય તો તે ગુરુ પ્રત્યેની આવી ભક્તિની સહાયથી જ એમ કરી શકશે. આ માટે તેણે ગુરુને ભગવાન માનવા પડશે-માત્ર કલ્પનામાં જ નહીં, વાસ્તવમાં પણ. જ્યારે આપણે આપણા ગુરુના ચરણોમાં આપણી જિંદગી ધરી દેવાની તત્પરતા દાખવીશું ત્યારે જ આપણે મહાન કાર્યો કરવાની ક્ષમતા ધરાવતા થઈશું, આપણે સફળતાપૂર્વક મુક્તિ માટે આધ્યાત્મિક આચરણ કરી શકીશું એટલું જ નહીં, આપણે આપણા રાષ્ટ્ર અને જાતિ માટે પણ કાંઈક કરી શકીશું.

(૨) આચાર્યવાન્ પુરુષો વેદ।

કઠોપનિષદ્ ૬-૧૪-૨

(૩) આશ્ચર્યો વક્તા કુશલોઽસ્યલબ્ધા।

કઠોપનિદ ૧-૨-૭

(૪) ન નરેણાવરેણ પ્રોક્ત એષ સુવિજ્ઞેયો બહુધા ચિન્ત્યમાનઃ

એજન ૧-૨-૮

(૫) યસ્ય દેવે પરાભક્તિર્યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હ્યર્થા: પ્રકાશન્તે મહાત્મનઃ। શ્વેતાશ્વતરોપનિષદ ૬-૨૩

ભાષાંતર: શ્રી ચંદુભાઈ ઠકરાલ
(‘વેદાંત કેસરી’ જુલાઈ ૧૯૮૭માંથી સાભાર)

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.