૧૧મી સપ્ટેમ્બ૨ ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વધર્મ સભામાં, કોલંબસ હૉલમાં (આ હૉલનો ફોટો મુખપૃષ્ઠ પર છપાયો છે) ભાષણ આપ્યું અને વિશ્વના ઈતિહાસમાં એક નવું પાનું ઉમેરાયું. આનો પ્રભાવ એટલો જબરદસ્ત હતો કે એક સો વર્ષો પછી આ ભાષણની શતાબ્દીની ઉજવણી વિશ્વના વિભિન્ન ભાગોમાં મોટા પાયે થઈ. વ્યક્તિની જન્મ શતાબ્દીઓ કે સંસ્થાની સ્થાપનાની શતાબ્દીઓ તો ઠે૨ ઠે૨ અવારનવા૨ ઉજવાય છે પણ આ એક અનેરી ઉજવણી હતી – એક ભાષણની શતાબ્દીની ઉજવણી! રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશના વિભિન્ન કેન્દ્રો દ્વારા જ નહિ, અન્ય કેટલીય આંત૨રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા, આ ઉજવણી પ્રસંગે ઠેર ઠેર અનેક આકર્ષક કાર્યક્રમો યોજાયા. તેનો પ્રારંભ થયો રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા કલકત્તા ખાતે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં ૧૧,૧૨,૧૮ અને ૧૯ સપ્ટેમ્બર ’૯૩ના એક વિરાટ વિશ્વધર્મ સભાના આયોજનથી, જેમાં દેશ-વિદેશના વિભિન્ન ધર્મોના ૧૨,૦૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો, ૨૦ દેશોના વિભિન્ન ધર્મોના ૧૨૦ વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા. ભારતના રાષ્ટ્રપતિ ડૉ. શંકરદયાલ શર્મા અંતિમ દિવસે વિશેષ અતિથિરૂપે હાજર રહ્યા. આ પછી તો વિશ્વના ખૂણે ખૂણે ઉત્સવોની રમઝટ લાગી. ચારે તરફ સ્વામી વિવેકાનંદનો જયજયકાર થવા લાગ્યો. આવી અનેક ઉજવણીઓના સમાચાર આ સામયિકમાં અવારનવાર પ્રકાશિત થયા છે. આ ઉજવણીનો સમાપન સમારોહ પણ અનેરો રહ્યો.

સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી મહોત્સવના અંતિમ તબક્કામાં રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા – (૧) તા ૧૪ અને ૧૫ નવેમ્બર ’૯૪ના રોજ બેલુડ મઠ ખાતે ‘વિશ્વધર્મ પરિષદ’ (૨) તા. ૧૭ અને ૧૮ નવેમ્બર ’૯૪ એ બે દિવસો સુધી ‘આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું મહત્ત્વ’ વિશે સેમિનાર (૩) ૨૦મી નવેમ્બર ’૯૪ના રોજ સવારે રવીન્દ્ર સરોવર સ્ટેડિયમમાં યુવ-સંમેલન અને (૪) તે જ દિવસે સાંજે જાહેર સભાનું આયોજન થયું હતું.

ઉદ્ઘાટન અને સમાપન સમારંભ સહ વિશ્વધર્મ પરિષદની કુલ આઠ બેઠકો મળી હતી. બૌદ્ધ, ખ્રિસ્તી, હિન્દુ, ઈસ્લામ, જૈન, શીખ અને જરથોસ્તી ધર્મના વડાઓએ પોતપોતાનાં વક્તવ્યોમાં ધર્મ-ધર્મ વચ્ચેની સંવાદિતાની ચર્ચા કરી હતી. ૧૮ જેટલા વક્તાઓએ આ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો, જેમાં બોધગયાના મહાબોધિ મંદિરના મુખ્ય પૂજારી ડૉ. ચંદ્રરત્ન, દિલ્હી મૅટ્રૉપૉલિટનના ફાધર પૉલૉસ માર ગ્રિગેરિયસ, રોમન કૅથૉલિક ફાધર જૉન રૅમૉઝ, પ્રોટેસ્ટંટ ફાધર ડી.સી. ગોરાઈ, નઈ દિલ્હીના હમદર્દ રિસર્ચ સેન્ટરના વડા પ્રૉ. એસ.એ. અલી, જૈન ધર્મના વિદ્વાન રાજકોટના શ્રી શશિકાંતભાઈ મહેતા, યહુદી ધર્મના પ્રતિનિધિ દિલ્હીના ઈ.આઈ. માલેકર, શીખ સાંસ્કૃતિક કેન્દ્ર, કલકત્તાના વડા સરદાર શરણસિંહ, પારસી ધર્મનાં વિદુષી શ્રીમતી ટીના મહેતા પ્રમુખ હતા.

પરિષદનું મંગલ ઉદ્ઘાટન બેલુડ મઠના પવિત્ર વાતાવરણમાં રામકૃષ્ણ મઠ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે પ્રારંભિક મંગલ પ્રવચન આપ્યું હતું. રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વાગત પ્રવચન આપ્યું હતું અને સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી સમિતિના કન્વિનર સ્વામી લોકેશ્વરાનંદજીએ આભાર દર્શન કર્યું હતું.

આ પરિષદની પૂર્ણાહુતિ સમારંભના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સ્વાહાનંદજી (વેદાન્ત સોસાયટી, દક્ષિણ કૅલીફૉર્નિયાના વડા) હતા. રામકૃષ્ણ મઠ લખનૌના અધ્યક્ષ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ અને અદ્વૈત આશ્રમના અધ્યક્ષ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજના પ્રવચનો સૌનું આકર્ષણ બની ગયાં હતાં. રામકૃષ્ણ મઠ- મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે સમાપન ભાષણ આપ્યું હતું. આ પરિષદમાં દેશ-વિદેશથી વિભિન્ન ધર્મોના ૧૦,૦૦૦ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

‘આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદ’ વિષય પર પરિસંવાદનું મંગલ ઉદ્ઘાટન નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ કલકત્તામાં શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે કર્યું હતું. સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે સ્વાગત પ્રવચન આપ્યું હતું. સ્વામી રંગનાથાનંદજી મહારાજે મુખ્ય પ્રવચન આપ્યું હતું અને આભારવિધિ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે કરી હતી.

પરિસંવાદની બીજી ચાર બેઠકોમાં રામકૃષ્ણ મઠ, ઢાકાના અધ્યક્ષ સ્વામી અક્ષરાનંદજી ‘સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ આદર્શ સમાજ’ વિશેની ચર્ચા સભામાં અધ્યક્ષ હતા. ‘સેવા અને જીવનવ્યવહાર’ વિશેની ચર્ચા સભામાં પ્રૉ. સી.ડી. નરસિંહૈયા (નિયામક, લિટરરી ક્રાઈટેરીયન સૅન્ટર ફૉર ઈંગ્લિશ સ્ટડિઝ ઍન્ડ ઈન્ડિજિનિસ આર્ટ, બેંગ્લોર) અધ્યક્ષસ્થાને રહ્યા હતા. કલકત્તાની હાઈકૉર્ટના વડા ન્યાયમૂર્તિ શ્રી કે.સી. અગરવાલના અધ્યક્ષસ્થાને ‘સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શિક્ષણ અને મૂલ્યો’ વિશેની ચર્ચા સભા યોજાઈ હતી. આપણી લોકસભાના સ્પીકર શ્રી શિવરાજ પાટિલના અધ્યક્ષસ્થાને ‘શાંતિ અને સંવાદિતાના સંસ્થાપન માટે ધર્મનું પ્રદાન’ એ વિષય પર ચર્ચા સભા મળી હતી.

ભારતના અને વિદેશના ૨૦ જેટલા વિદ્વાનોએ પોતાનાં અભ્યાસપત્રો રજૂ કર્યા હતા. ‘સ્વામી વિવેકાનંદ અને આદર્શ સમાજ’ વિશે સિસ્ટર ગાર્ગી (મૅરી લુઈ બર્ક), સ્વામી આત્માપ્રિયાનંદજી, પ્રૉ. વિષ્ણુ નારાયણ નાંબુદ્રી, ડૉ. નારાયણ રેડ્ડી અને ડૉ. શંકર આર. તલઘાટી; ‘સેવા અને જીવન વ્યવહાર’ વિષે ડૉ. રાજલક્ષ્મી વર્મા, સ્વામી મુક્તિનાથાનંદજી, પ્રૉ. શિવશંકર ચક્રવર્તી અને શારદા મઠના પ્રવાજિકા સચ્ચિત્-પ્રાણાજી; ‘સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શિક્ષણ અને મૂલ્યો’ વિષે ડૉ. વિ. વૅકન્ટાચલમ, સ્વામી શિવમયાનંદજી, શારદા મઠના પ્રવાજિકા પ્રબુદ્ધપ્રાણાજી, ઈસરો, અમદાવાદના ડૅ. ડાયરેક્ટર પ્રૉ. ઑ.પી.એન. કલ્લા અને ડૉ. એન. વી. સી. સ્વામી; અને ‘શાંતિ- સંવાદિતાના સંસ્થાપન માટે ધર્મનું પ્રદાન’ વિશે પ્રૉ. એમ.એલ. સૉઘી, ડૉ.ઍન. એ. પાનીકર, ડૉ. શ્રીમતી કપિલા વાત્સાયન, ડૉ. એ. પાંડુરંગન અને સ્વામી ઈશાત્માનંદના ચર્ચાપત્રોની વિવેચના થઈ હતી.

શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ વિચારધારાથી પ્રભાવિત લગભગ ૧૫ હજાર ભક્તજનો, શુભચિંતકોની હાજરીથી આખું સ્ટેડિયમ ભરચક થઈ ગયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પંડિત જસરાજ અને વાણી જયરામનાં ભજનો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં.

રવીન્દ્ર સરોવ૨ સ્ટૅડિયમમાં કલકત્તા અને આસપાસના વિસ્તારના ૪૦ હજાર યુવા પ્રતિનિધિઓનું એક યુવસંમેલન ‘સ્વામી વિવેકાનંદ અને યુવાનોને સંદેશ’ વિશે ૨૦ નવેમ્બર ’૯૪ના રોજ આયોજીત થયું હતું. કેન્દ્ર સ૨કા૨ના યુવા-સાંસ્કૃતિક વિભાગના પ્રધાન શ્રી મુકુલ વાસનિક આ સંમેલનમાં અધ્યક્ષપદે હતા. રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજી, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સંપાદક સ્વામી નિખિલેશ્વરાનંદજી, રામકૃષ્ણ મિશનના ખેતડીના તત્કાલીન સૅક્રૅટરી સ્વામી સોમેશ્વરાનંદજી, મેગ્સૅસે ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર કિરણ બેદી (આઈ.પી.એસ. ઑફિસર), સુપ્રસિદ્ધ પત્રકાર શ્રી પ્રણવેશ ચક્રવર્તી, પ્રૉ. અબ્દુસ સમાદ ગાયેન વગેરેએ આ સભાને સંબોધી હતી. આ પ્રવચનો પછી સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે પ્રૉ. અજય ચક્રવર્તીના ભજન પણ રજૂ થયા હતાં. કિરણ બેદીનું ભાષણ અત્યંત પ્રભાવોત્પાદક રહ્યું હતું. તેમણે યુવા વર્ગને સ્વામી વિવેકાનંદનો સંદેશો ‘તમે પોતે પોતાના ભાગ્યવિધાતા છો,’ યાદ દેવડાવી આત્મવિશ્વાસ કેળવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ જ સ્થળે બપોરે ૨.૩૦ વાગ્યે સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને એક જાહેર સભાનું આયોજન થયું હતું. રામકૃષ્ણ મિશન રાયપુરના સૅક્રૅટરી સ્વામી સત્યરૂપાનંદજી, રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સૅન્ટૅનરી કૉલેજ, રાહડાના પ્રાચાર્ય સ્વામી દિવ્યાનંદજી, આસામના ડૉ. પી.કે.બોરા, પ્રૉ. ડૉ. તપસ બસુ, પ્રૉ. નિમાઈ સાધન બોઝ (વિશ્વભારતી શાંતિનિકેતનના ભૂતપૂર્વ ઉપકુલપતિશ્રી) વગેરેએ દશ હજા૨ ભાવિકોની સભાને સંબોધી હતી. નરેન્દ્રપુ૨ની અંધજનોની વિદ્યા સંસ્થાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમના પ્રારંભે અને અંતે ગીત-ભજન રજૂ કર્યાં હતાં.

Total Views: 88

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.