પંચમહાલ જિલ્લામાં રાહતકાર્ય

દુષ્કાળથી પીડિત લોકો માટે પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મધાનીસર, ચાસિયા અને હડમતકુઠા ગામોના ૧૬૦ પરિવારોમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧,૪૦૦ કિ. ઘઉં અને ૧પ૦ ચાદરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય દાહોદ તાલુકાના દેવધા અને નિમચ ગામોના ૧૪ પરિવારોમાં તેઓનાં મકાનના સમાર કાર્ય હેતુ ૭,000 નળિયાંનું વિતરણ કરવામાં આવ્યું હતું

થાઉઝન્ડ આઈલૅન્ડ પાર્ક (અમેરિકા)માં શતાબ્દી મહોત્સવ

રામકૃષ્ણ-વિવેકાનંદ સેન્ટર, ન્યુયોર્ક દ્વારા અન્ય સંસ્થાઓના સહયોગથી ૨૧થી૨૩ જુલાઈ સુધી થાઉઝન્ડ આઈલૅન્ડ પાર્કમાં, સ્વામી વિવેકાનંદની આ સ્થળની લીધેલ મુલાકાતની શતાબ્દી ધામધૂમથી ઉજવાઈ હતી. જે શિલા પર બેસીને સ્વામી વિવેકાનંદજીએ ધ્યાન કર્યું હતું, તે શિલા સુધી તીર્થયાત્રાનું આયોજન થયું હતું. સંત લૉરેન્સ નદી પર ૨૨ સુંદર સજાવેલ નૌકાઓ ધ્વજા અને રંગીન પતાકાઓ સાથે આ યાત્રામાં જોડાઈ હતી, જેમાંની સૌ પ્રથમ નાવમાં સ્વામી વિવેકાનંદજીનું મોટું ચિત્ર હતું. યુ. એસ. આર્મી બેન્ડ દ્વારા કૉન્સર્ટ રજૂ કરવામાં આવ્યું હતું. થાઉઝન્ડ આઈલૅન્ડ પાર્કના મુખ્ય ભવનમાં અને રસ્તાઓ પર દીપકો પ્રગટાવી રોશનીપૂર્ણ રાત્રિ સમારોહ ઉજવવામાં આવી હતો. અમેરિકા, કેનેડા અને અન્ય દેશોના સેંકડો ભક્તો અને મિત્રોએ તેમ જ રામકૃષ્ણ સંઘના અનેક સંન્યાસીઓએ આ મહોત્સવમાં હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો.

શિકાગોમાં સ્વામી વિવેકાનંદજીની તખ્તીનું અનાવરણ

આર્ટ ઈન્સ્ટીટ્યુટ ઑફ શિકાગોના ફુલેરટોન ઑડિટોરિયમમાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ સ્વામી વિવેકાનંદજીને સન્માન અર્પતી તખ્તીનું અનાવરણ થયું હતું. આ હૉલમાં આજથી ૧૦૨ વર્ષો પહેલાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજીએ પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ મઠના શિકાગો કેન્દ્રના વડા સ્વામી ચિદાનંદજીનાં ભજન-પ્રાર્થના પછી આર્ટ ઈન્સ્ટીટ્યુટના અધ્યક્ષ ડૉ. જેમ્સ વુડ, ભારતના કોન્સલ જનરલ શ્રી કે. આર. સિન્હા, ભારતના રાજદૂત સિદ્ધાર્થ શંકર રે, આર્ટ ઈન્સ્ટીટ્યુટના ક્યુરેટર ડૉ. સ્ટાફન લિટલ વગેરેનાં ભાષણો થયાં હતાં. સુપ્રસિદ્ધ ગાયક ડૉ. અનુપ ઘોષાલનાં સુંદર ભજનોથી કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ.

રામકૃષ્ણ મઠ અને મિશનનાં કેન્દ્રો દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓનાં ઉજ્જ્વળ પરિણામો

નરેન્દ્રપુર – રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુરની કોલેજના વિદ્યાર્થીઓએ કલકત્તા યુનિવર્સિટી દ્વારા આ વર્ષે લેવાયેલ બી.એસ.સી. (ઓનર્સ) પરીક્ષામાં નીચેનાં સ્થાનો મેળવ્યાં હતાં:

ગણિત: પહેલું, રસાયણશાસ્ત્ર: બીજું

આલોંગ – રામકૃષ્ણ મિશન આશ્રમ, આલોંગ(અરુણાચલ પ્રદેશ) ની શાખાના બે વિદ્યાર્થીઓએ ઑલ ઈન્ડિયા સેકન્ડરી સ્કૂલ પરીક્ષામાં પહેલું અને છઠું સ્થાન મેળવ્યું છે, તેમ જ એક વિદ્યાર્થીએ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવાયેલ ઑલ ઈન્ડિયા સિનિયર સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષામાં (૧૨માં ધોરણમાં) ત્રીજું સ્થાન મેળવ્યું છે.

નરોત્તમનગર – રામકૃષ્ણ મિશન, નરોત્તમનગર(અરુણાચલ પ્રદેશ)ની શાળાના એક વિદ્યાર્થીએ સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા લેવાયેલ ઑલ ઈન્ડિયા સિનિયર સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષામાં (૧૨મા ઘોરણમાં) પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ચેરાપુંજી – રામકૃષ્ણ મિશન, ચેરાપુંજી (મેઘાલય) ની શાખાના ત્રણ વિદ્યાર્થીઓએ મેઘાલય બોર્ડ દ્વારા લેવાયેલ સેકન્ડરી સ્કૂલની પરીક્ષામાં, આદિવાસી વિદ્યાર્થીઓમાં પહેલું, ચોથું અને દસમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જૂનાગઢ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનું અનાવરણ

૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વધર્મસભામાં પોતાનું ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. આ પાવનકારી દિવસના ઉપલક્ષ્યમાં ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૯૫ની સવારે ૯-૩૦ કલાકે જૂનાગઢમાં તળાવ દરવાજા, રેલ્વે ક્રોસિંગની સામે સ્વામી વિવેકાનંદજીની નવ ફૂટ ઊંચી ભવ્ય કાંસ્યમૂર્તિનું અનાવરણ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ્ હસ્તે થયું હતું. આ પ્રસંગને અનુલક્ષીને પ્રકાશિત થયેલ સ્મરણિકાનું વિમોચન સ્વામી જિતાત્માનંદજીએ કર્યું હતું. જે ઉદ્યાનમાં આ પ્રતિમા સ્થપાઈ છે, તેનું નામ ‘વિવેકાનંદ ઉદ્યાન’ આપવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગાજીપરાએ આ નામકરણ કર્યું. આ સ્થળેથી, તળાવ તરફ જતા માર્ગનું નામ ‘વિવેકાનંદ માર્ગ’ રાખવામાં આવ્યું છે. આ વિધિ સુધરાઈ પ્રમુખ શ્રી ગિરીશભાઈ કોટેચાએ તખ્તીના અનાવરણ દ્વારા કર્યો હતો.

આ પ્રસંગે વહેલી સવારથી વિભિન્ન શાળાઓનાં લગભગ ત્રણ હજાર વિદ્યાર્થી ભાઈ-બહેનો અને સેંકડો નગરજનો ઉમટી પડ્યાં હતાં. એ. જી. સ્કૂલના મેદાનમાં યોજાયેલ જાહેર સભામાં પ્રારંભમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિદ્યાર્થીઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. આ પછી મૂર્તિ પ્રતિષ્ઠા સમિતિના કન્વીનર શ્રી સ૨મણભાઈ મારુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, જૂનાગઢના અધ્યક્ષ ડૉ. શ્રીમતી સોહિણીબહેન શુકલે મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. સાંસદ શ્રીમતી ભાવનાબહેન ચિખલીયા, માજી સાંસદ શ્રી મોહનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતાં. સ્વામી જિતાત્માનંદજીએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદજી શિકાગો ઘર્મસભામાં ભાગ લેવા ગયા હતા તે પહેલાં આ જૂનાગઢમાં ઘણો વખત રહ્યા હતા, આજે ફરીવાર સ્વામીજી મૂર્તિરૂપે પધારી રહ્યા છે, તે જૂનાગઢનું સૌભાગ્ય છે. સ્વામી ગહનાનંદજી મહારાજે અધ્યક્ષપદેથી બોલતાં મૂર્તિપ્રતિષ્ઠા સમિતિ તથા સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્ર, જૂનાગઢના સભ્યોને આવી સુંદર અને આટલા મોટા કદની મૂર્તિ પ્રતિષ્ઠા કરવા બદલ અભિનંદન આપ્યા હતા. અંતમાં સ્વામી વિવેકાનંદ સેવા કેન્દ્રના સેક્રેટરી ડૉ. એમ. વી. ધડુકે આભારદર્શન કરતી વખતે કહ્યું હતું કે સ્થાનિક કાર્યકરોના પરિશ્રમ અને જૂનાગઢની જનતાના સહકાર વગર આટલું મોટું કાર્ય આટલા ટૂંકા સમયમાં થવું અશક્ય હતું.

આ દિવસે સવા૨ના જુદી જુદી શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને ભક્તોની શોભાયાત્રા ટાઉનહૉલથી એ.જી. સ્કૂલના મેદાન સુધી વધી રહી હતી ત્યારે સ્વામી વિવેકાનંદજીના જયજયકારથી અને સૂત્રોચ્ચારથી તેમજ ભજનમંડળીઓનાં ભજનોથી સમગ્ર વાતાવરણ સ્વામી વિવેકાનંદમય બની ગયું હતું.

વડોદરામાં શૈક્ષણિક પરિસંવાદ

શ્રી રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાના ઉપક્રમે શનિવાર, તા. ૨૨ જુલાઈ, ’૯૫ના રોજ સ્વામી જિતાત્માનંદજીના પ્રમુખપદે સવારે ૮થી બપોરના ૧ સુધી વાણિજ્ય ભવન, રેસકોર્સમાં વડોદરા શહેરની શાળાનાં શિક્ષક ભાઈ-બહેનો માટે ‘‘વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં શિક્ષકનો ફાળો” વિષય પર વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશૉપમાં લગભગ ૩૦૦ શિક્ષકો તેમ જ શિક્ષણમાં રસ ઘરાવતી વ્યક્તિઓ તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્વામી જિતાત્માનંદજીએ જણાવ્યું કે શાળાનું વાતાવરણ અને શિક્ષકનો પોતાનો વ્યવહાર બાળકો-વિદ્યાર્થીઓ પર ખૂબ જ અસર કરે છે, માટે શાળાને સુંદર મંદિર જેવું પવિત્ર સ્થાન બનાવવું જોઈએ. શાળાના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થવી જોઈએ. વિદ્યાર્થીઓને શિસ્તની બાબતમાં પહેલેથી જ આગ્રહપૂર્વક સમજાવવું જોઈએ. પોતાની આગવી શૈલીમાં સ્વામી જિતાત્માનંદજીએ આ માટેનાં સોપાન સમજાવીને હાજર રહેલાં તમામ ભાઈ-બહેનોને એક ઉચ્ચ આદર્શની પ્રેરણા આપીને ખૂબ જ પ્રોત્સાહિત કર્યાં.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ, શિક્ષક ભાઈ-બહેનોને સિસ્ટર નિવેદિતા તથા શ્રી રામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ માસ્ટર મહાશયના જીવનનાં દૃષ્ટાંત આપીને શિક્ષક માત્ર શિક્ષક જ નહીં પરંતુ જીવનનૈયાના સુકાનીની ગરજ પૂરી પાડી શકે છે તે સમજાવ્યું હતું. સિસ્ટર નિવેદિતા પોતાની શાળાની વિદ્યાર્થીનીઓની કેટલી કાળજી રાખતાં તેનું ઉદાકરણ આપીને શિક્ષક-વિદ્યાર્થી એક્મેક સાથે કેવું તાદાત્મ્ય સર્જી શકે છે તે સમજાવેલ; માસ્ટર મહાશય કેવી રીતે યોગ્ય વિદ્યાર્થીને શ્રીરામકૃષ્ણદેવ પાસે જવાને પ્રેરતા અને આમ કેટલાય વિદ્યાર્થીઓના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ રેલાવ્યો હતો તે વિગત સારી રીતે સમાવેલ. શ્રી જી. નારાયણે પણ શિક્ષક ભાઈ-બહેનોને ટૂંકું પણ સુંદર સંબોધન કરીને તેઓ વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રેરણારૂપ બની શકે છે તે બતાવ્યું હતું.

આ પ્રસંગે હાજર રહેલ બધાં જ શિક્ષક ભાઈ-બહેનોને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો તેમ જ સ્વામી રંગનાથાનંદજીનું પુસ્તક ભેટ રૂપે આપવામાં આવ્યાં હતાં. અંતમાં પોતાનો પ્રતિભાવ આપતાં શિક્ષક ભાઈ-બહેનોએ એકી અવાજે જણાવ્યું: “અમે ધન્ય થઈ ગયાં; કંઈક લઈને અમે જઈ રહ્યાં છીએ. આવી વર્કશૉપ અવારનવાર યોજીને અમને પ્રોત્સાહિત કરશો.”

સેનાના અધિકારીઓ દ્વારા આધ્યાત્મિક મૂલ્યોનો સ્વીકાર

ઑગસ્ટ પચીસમી તારીખે સ્વામી જિતાત્માનંદજીને ભારતના નિવૃત્ત તેમ જ ચાલુ બ્રિગેડિયરો, કર્નલો, લેફ્ટનન્ટ કર્નલો, મેજરો, વગેરેના ચતુર્વાર્ષિક પુનર્મિલનમાં વેલીંગ્ટન ખાતેની ડિફેન્સ સ્ટાફ કૉલેજ (કોનૂર)માં પ્રવચન કરવાનું નિમંત્રણ મળ્યું. ત્યાં લગભગ એક હજાર લોકો શ્રોતાઓ તરીકે હતા. એમાં જાપાન, ઈજિપ્ત, મલેશિયા, ઝેરીઆ, ઝાંબિયા અને બીજા બિનભારતીઓના પચીસ જેટલા પરદેશના સિનિયર લશ્કરી અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. સ્વામીજીના પ્રવચનનો વિષય, “યુદ્ધ અને વહીવટીતંત્રમાં આધ્યાત્મિક શિક્ષણની આવશ્યક્તા અને એની શક્તિ” હતો.

વિદેશોમાં વેદાંતના વિચારોની લોકપ્રિયતા

સમગ્ર જીવનમાં મૂલગત રહેલી દિવ્યતા અને સર્વધર્મોની પાયાની એકતાના ભારતીય આધ્યાત્મિક વિચારો – વિશેષતઃ વેદાન્તના વિચારો, દૂરદૂરના દક્ષિણ પ્રશાંત મહાસાગરીય ફિઝી, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલૅન્ડ જેવા દેશોમાં વધારેને વધારે પ્રશંસા પામી રહ્યા છે.

સ્વામી જિતાત્માનંદજીએ એ દેશોમાં ૩૭ દિવસની પ્રવચનયાત્રા કરી. એમણે હોંગકોંગ, ફિઝી, ન્યુઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા અને સિંગાપુર એમ પાંચ દેશોનો આ સમયગાળામાં પ્રવાસ કર્યો અને જુદે જુદે સ્થળે લગભગ ૬૦ પ્રવચનો આ વિશે કર્યાં. એમાં ફિઝીના સાઉથ પૅસિફિક યુનિવર્સિટી, ઑસ્ટ્રેલિયાની કૅનબારા યુનિવર્સિટી અને પર્થની કાર્ટેઈન યુનિવર્સિટીમાં “પ્રવર્તમાન વહીવટીતંત્ર માટે ભારતીય આધ્યાત્મિક વિચારો” વિશેના ત્રણ લાંબા સત્રોનો પણ સમાવેશ થાય છે.

સ્વામીજીએ ફિઝીનાં પાંચ મુખ્ય શહેરોમાં વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં વીસ પ્રવચનો આપ્યાં. ત્યાં ફિઝીના રેડિયો સ્ટેશનના કેન્દ્રમાં તેમની મુલાકાત ગોઠવાઈ હતી. તેમણે ફિઝીના ‘હિન્દુ એસોસિએશન’માં તેમ જ હોંગકોંગમાં ‘ભારતીય સંસ્કૃતિ’ વિશે એકાદ કલાક લાંબી મુલાકાત આપી હતી.

ન્યુઝીલેન્ડમાં પણ તેમણે ઑકલૅન્ડ અને વૅલીંગ્ટનમાં દસ પ્રવચનો આપ્યાં. હૅમીલ્ટનની વિકાટો યુનિવર્સિટીમાં તેઓ હિન્દુધર્મ વિશે બોલ્યા. ત્યાં સ્વામીજીએ રેડિયો કેન્દ્રોને પણ મુલાકાતો આપી. તેમાંથી એક વૅલીંગ્ટનમાં અને બાકીની બે હૅમીલ્ટનમાં હતી. ન્યુઝીલૅન્ડ હૅરૉલ્ડે પણ તેમની મુલાકાત યોજી હતી.

ઑસ્ટ્રેલિયામાં બ્રિસ્બૅન, સીડની, કૅનબૅરા, પર્થ, ઍડૅલૉઈડ અને મેલબૉર્નની વિવિધ સંસ્થાઓમાં તેમણે ત્રીસ પ્રવચનો આપ્યાં. તેમણે મૅલબૉર્નની થિયૉસૉફિકલ સોસાયટીઓમાં આધુનિક વિજ્ઞાન અને વેદાન્તના પારસ્પરિક સંબંધ વિશે પણ પ્રવચન આપ્યું અને પર્થ રેડિયો દ્વારા પણ વાર્તાલાપોનું પ્રસારણ કરવામાં આવ્યું.

Total Views: 119

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.