સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન – ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે.* ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે. યુવાવસ્થામાં જ સ્વામી વિવેકાનંદજીએ મહાનતાનાં શિખરોને આંબી લીધાં હતાં અને યુવાવસ્થામાં જ પોતાના ભૌતિક દેહનો ત્યાગ કર્યો હતો. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (૧૨ ભાગોમાં)નું અધ્યયન કરવાથી જાણવા મળશે કે તેમનો સંદેશ આજના યુવા વર્ગ માટે વિશેષરૂપે ઉપયોગી છે. તેમણે લખેલ મોટા ભાગના પત્રો યુવા ગુરુભાઈઓ અથવા યુવા શિષ્યો (આલાસિંગા પેરુમલ, ભગિની નિવેદિતા વગેરે)ને ઉદ્દેશીને લખવામાં આવ્યા હતા. તેમના વાર્તાલાપો યુવા શિષ્યો – શરતચંદ્ર ચક્રવર્તી વગેરેની સાથે થયા હતા. તેમનાં ભાષણોના મોટા ભાગના શ્રોતાઓ યુવકો હતા. ભારતમાં આપેલાં તેમનાં ભાષણોને વાંચીને કેટલાય યુવકોએ પોતાનું સર્વસ્વ માતૃભૂમિ કાજે હોમી દીધું હતું. મહાત્મા ગાંધીએ કહેલું, “સ્વામી વિવેકાનંદનાં પુસ્તકો વાંચ્યાં બાદ મારી દેશભક્તિ હજારગણી વધી ગઈ.” સુભાષચંદ્ર બોઝ, ડૉ. રાધાકૃષ્ણન્ અને અનેક ક્રાંતિવીરોના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. ડૉ. રામતીર્થ લાહોરની કૉલેજમાં લેક્ચરર હતા. સ્વામી વિવેકાનંદજીનું વેદાંત પરનું વ્યાખ્યાન સાંભળીને તેમણે યુવાવસ્થામાં જ સંન્યાસ લઈ લીધો અને બની ગયા સ્વામી રામતીર્થ. મિસ માર્ગારેટ નૉબેલે પોતાનું સર્વસ્વ ભારતમાતાને ચરણે નિવેદિત કરી દીધું; સ્વામી વિવેકાનંદજી પાસેથી બ્રહ્મચર્યદીક્ષા મેળવી બન્યાં ભગિની નિવેદિતા. આજે પણ અસંખ્ય યુવા ભાઈ-બહેનો સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રેરણા મેળવી રહ્યા છે. વર્તમાન યુવા વર્ગની બધી સમસ્યાઓનો ઉકેલ સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશમાં મળી રહે છે. આજે ભારતના યુવા વર્ગની સામે ત્રણ સમસ્યાઓ મુખ્ય છે: (૧) બેરોજગારી (૨) ધર્મ પર અવિશ્વાસ (૩) આદર્શોના અભાવમાં નૈતિક અને માનસિક સંઘર્ષ. સ્વામી વિવેકાનંદજીને પોતાની યુવાવસ્થામાં આ ત્રણેય સમસ્યાઓ સામે ઝૂઝવું પડેલું. એવા સમયમાં જ્યારે સ્નાતક થવું એક વિરલ વાત હતી ત્યારે યુવક નરેન્દ્રનાથને બી.એ.ની ડીગ્રી મેળવીને, કાયદાનો અભ્યાસ કરતી વખતે, પોતાના પિતાના આકસ્મિક અવસાન બાદ નોકરી શોધવા ઘેર ઘેર ભટકવું પડેલું! સ્પૅન્સર, હૅગલ, કાંટ વગેરે પાશ્ચાત્ય વિદ્વાનોના ગ્રંથોના અધ્યયન બાદ સ્વામી વિવેકાનંદજી ઈશ્વરના અસ્તિત્વ વિષે સંશયશીલ બની ગયા હતા. બધા મહાપુરુષોને તેઓ પૂછતા, “શું આપે પોતે ઈશ્વરનાં દર્શન કર્યાં છે?” ક્યાંયથી તેમને સંતોષજનક ઉત્તર નહોતો મળતો. છેવટે, શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસેથી તેમણે ઉત્તર મળ્યો, “હા દીકરા, મેં ઈશ્વરનાં દર્શન કર્યાં છે. જેમ તને જોઉં છું એથીય વધુ પ્રત્યક્ષ રીતે તેના દર્શન કરું છું. તું ચાહે તો તને પણ તેનાં દર્શન કરાવી શકું.” નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ગુરુરૂપે સ્વીકારે છે અને આધ્યાત્મિક સાધનામાં રત થઈ જાય છે. અને પછી આવે છે તેમના જીવનમાં નૈતિક અને માનસિક સમસ્યાઓનો વંટોળિયો, જેનું વિસ્તૃત વર્ણન તેમના સહપાઠી શ્રી બ્રજેન્દ્રનાથ સીલે કર્યું છે. (Life of Swami Vivekananda by His Eastern and Western Disciples). સ્વામી વિવેકાનંદજીએ પોતાની યુવાવસ્થામાં આજના યુવા વર્ગની સમસ્યાઓનો સામનો જાતે કર્યો હતો અને માટે જ તેમનો સંદેશ આજના યુવા વર્ગ માટે વિશેષ પ્રાસંગિક બની જાય છે. વિદ્યાર્થી વર્ગનો સ્વધર્મ છે – ભણવું. આ ધર્મ તેઓ સારી રીતે બજાવી શકે તે માટેના સૂચનો આ સાથે આપેલ છે. ચારિત્ર્ય ઘડતરના પાયાનું ચણતર પણ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ શકે. ચાર્ટમાં આપેલ પંચશીલ, ચારિત્ર્યઘડતર માટે સહાયરૂપ નીવડશે. જીવનમાં નિરાશા આવે ત્યારે લક્ષ્યથી ચ્યૂત થયા વગર મંડ્યા રહેવા માટે એક અજ્ઞાત કવિનું નીચે આપેલ કાવ્ય પ્રેરણારૂપ બની રહેશે.

* ભારતના સરકારના ખેલકૂદ ખાતાના પત્ર D.G.No. F 6-1/84/IYY તા. ૧૭ ઑક્ટોબર ૧૯૮૪ દ્વારા વિભિન્ન સંસ્થાઓને સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી)ને પ્રત્યેક વર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવાનો નિર્દેશ આપતાં લખ્યું છે, ‘‘એવું જોવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદનું દર્શન અને જે આદર્શોનું પાલન એમણે કર્યું તથા જેમનો એમણે ઉપદેશ આપ્યો, એ ભારતના યુવા વર્ગ માટે પ્રેરણાનો મહાસ્રોત બની શકે એમ છે.’’

લક્ષ્ય છોડશો નહિ

એવું કોઈક વાર બને, કે બધું ખોટું થાય,
તમારો રાહ કપરાં સીધાં ચઢાણવાળો હોય,
તમારી પાસે ધન ઓછું હોય, દેવું વધુ હોય,
તમારા મોં પર હાસ્યને બદલે વિષાદ છવાયો હોય,
અને તમે થાકીને લોથપોથ થઈ ગયા હો-
– તો જરા થાક ખાઈ લેજો પણ, લક્ષ્ય છોડશો નહિ.
રાહ જીવનનો છે વિચિત્ર, આવશે વમળો ને વળાંકો,
અને સાંપડશે ઘણીયે નિષ્ફળતાઓ, પણ જો
જંગ ચાલુ રાખશો તો કદીક મળશે સફળતા
માટે કદાચ તમે ધીમા પડો, પણ લક્ષ્ય છોડશો નહિ.
કરો વાર વારંવાર, અને વરશે તમને સફળતા.
પડતા આખડતા માનવીને, ભાસે લક્ષ્ય દૂર
જે હોય છે ઘણું જ નજદીક
અને બને એવું કે વિજયનો પ્યાલો હોઠ પાસે જ હોય અને યોદ્ધો રણ છોડીને નાસી જાય.
જ્યારે તેને ખ્યાલ આવે કે વિજયનો કળશ તો
સાવ નજીક હતો, પણ ત્યારે તો સમય વીતી ગયો હોય.
સફળતા છે, નિષ્ફળતાનું શીર્ષાસન
શંકાઓના વાદળની કોર પર રૂપેરી ભાત
તમે જાણતા નથી કે તમે કેટલા નજીક છો
તે દૂર લાગે પણ નજદીક જ હોય
માટે જંગ જારી રાખો, ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ હઠશો નહિ, હઠશો નહિ; લક્ષ્ય છોડશો નહિ.

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.