(કઠોપનિષદમાં કહ્યું છે – ‘ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત’ઊઠો, જાગો અને મહાપુરુષો પાસેથી જ્ઞાન મેળવો.સ્વામી વિવેકાનંદજીએ આ મંત્રનો એક નવો જ અર્થ આપી સંપૂર્ણ દેશને હાકલ કરી હતી –ઊઠો, જાગો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય, ત્યાં સુધી મંડ્યા રહો.” આ સળગતા સાદમાં એવો જાદુ હતો કે સમસ્ત દેશ જે સેંકડો વર્ષોથી નિદ્રાધીન હતો, જાગ્રત થઈ ગયો. કેટલાંય યુવા ભાઈ-બહેનોએ આ હાકલ સાંભળી, જાગ્રત થઈ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને દેશને સ્વાધીન કર્યો, પણ સ્વાધીનતા પછી આપણે ફરી નિદ્રાધીન થઈ ગયા, દેશભક્તિની ભાવના સુકાઈ ગઈ. સ્વામીજીએ એમ નહોતું કહ્યું, “ઊઠો, જાગો અને પાછા સૂઈ જાવ!” આજે સ્વામીજીના સાદથી ફરી દેશનાં યુવા ભાઈ-બહેનોને ઢંઢોળવાની આવશ્યકતા છે. આપણા જાણીતાં અને માનીતાં વિમલાતાઈ આ સંક્ષિપ્ત પણ અત્યંત પ્રેરક લેખમાં આ જ કાર્ય કરે છે. – સં.)

વૈદિક સંસ્કૃતિના પ્રખર જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદ એક આદર્શ યુવક હતા. “યુવા સ્યાત્ સાધુ યુવાધ્યાયકઃ આશિષ્ઠઃ બલિષ્ઠ”ના મૂર્તરૂપ હતા.

વિદ્યાર્થી રૂપમાં સંનિષ્ઠ પ્રતિભાશાળી જિજ્ઞાસુ હતા. તેમના અધ્યાપકો નરેન્દ્રની વિચક્ષણ વિવેચકતા ઉપર હંમેશ પ્રસન્ન રહેતા. દક્ષિણેશ્વરની પ્રથમ મુલાકાત સમયે પણ નરેન્દ્રની જાગૃત સાવધાન નિરીક્ષણક્ષમતા વ્યક્ત થઈ હતી. દરેક આત્માનુભવીને નરેન્દ્ર સ્પષ્ટ શબ્દોમાં પૂછતા, “તમે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે?”

આજે ભારતીય યુવાવર્ગે જાગૃત જિજ્ઞાસા, વિચક્ષણતા, આત્મવિશ્વાસાદિ ક્ષમતા ગુમાવી દીધી છે. સત્યશોધનની ઝંખના જાણે લુપ્ત થઈ ના હોય! ભૌતિકતાવાદ, ઉપભોગપરાયણતા, સુરક્ષાપ્રિયતાને લીધે યુવા વર્ગમાં બૌદ્ધિક વાર્ધક્ય વ્યાપ્ત છે. અન્ધવિશ્વાસ-પરાયણતા પ્રસરી છે અથવા તો ઉદ્દંડ ઉપેક્ષાનું વલણ જોવા મળે છે. સ્વામી વિવેકાનંદના વિદ્યાર્થી જીવનમાંથી પ્રેરણા મેળવીને તેઓ સાધુ ચરિત, આશિષ્ઠ અને બલિષ્ઠ બની શકશે.

અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણદેવને બધી રીતે જાણી લીધા પછી નરેન્દ્ર જે શ્રદ્ધા – બળ વ્યક્ત કર્યું તે શબ્દાતીત ગણાય. શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યેક શબ્દનું શ્રદ્ધાભર્યું શ્રવણ, મનન, દોહન કરીને નરેન્દ્રે “કૃણ્વન્તુ વિશ્વમાર્યમ્”નો સન્દેશ તારવી લીધો. શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં “અમૃતસ્ય પુત્રા:”ના સંબોધનથી શ્રોતાઓને અભિભૂત કરીને વેદાન્તને વિશ્વધર્મની પ્રતિષ્ઠા પ્રદાન કરી. ત્યાંથી પાછા ફર્યા ત્યારે તમોગુણમાં ગળાડૂબ ભારતીયોને હચમચાવી મૂક્યા. “બલમ્ ઉપાસ્ય”નો ઉપદેશ કરીને ધર્મસંસ્થાપનાર્થે શ્રીરામકૃષ્ણ – મિશનની સ્થાપના કરી. સંન્યાસીઓની એક અવનવી મંડળી ઊભી કરી કે જેઓ સમાજસેવાને આત્મસાધનાનું માધ્યમ બનાવી શક્યા!

આજે ભારતને માનવાભિમુખ, જીવનનિષ્ઠ સંન્યાસી-માનસ ધરાવનાર સમાજસેવકોની તાતી જરૂરત છે. ભ્રષ્ટાચારથી ખદબદતા, નૈતિક મૂલ્યોના હ્રાસથી દયનીય બનેલા સમાજમાં, અધ્યાત્મનિષ્ઠાનો પ્રદીપ લઈને પરિવ્રજ્યા કરનારા યુવકો જ નવચેતના જગાડી શકશે. યુવકો જ ભારતને ઉજ્જ્વલ ભવિષ્ય બક્ષનારા શિલ્પીઓ બની શકે!

શ્રી રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું તેમ ભારત સંસ્કૃતિઓના સંગમનું મહાતીર્થ છે. ભારતીય સંસ્કૃતિએ વિવિધ ધર્મોપદિષ્ટ મૂળ સત્યને પોતાનામાં સમાવી લીધું, વિવિધ ઉપાસના માર્ગોને માન્યતા આપી. “સાધનાનામ્ અનેકતા; સાધ્યસ્ય એકતા”નો પાવન ઉદ્ઘોષ કર્યો. યુવાવર્ગનું દાયિત્વ છે કે ધાર્મિક સંપ્રદાયોના નામે મહાલનારી માનસિક સંકીર્ણતાને જડમૂળથી ઉખેડી નાખે; વિજ્ઞાનયુગમાં આત્મવિજ્ઞાનનો ધ્વજ ફરકાવીને નેવું કરોડ ભારતીયોને પ્રેમના તાંતણે સત્યમાં પ્રતિષ્ઠિત કરે; આ દેશની રાષ્ટ્રીયતાને વૈદિક સંસ્કૃતિનું અધિષ્ઠાન આપે; લોકતંત્રને ‘સત્યં-શિવં- સુન્દરમ્’નાં નિરુપાધિક જીવનમૂલ્યોનું અધિષ્ઠાન આપે! માણસાઈની મહેકથી ભારતવર્ષને મધમઘતો ભૂખન્ડ બનાવે.

શ્રી નરેન્દ્રાય નરશ્રેષ્ઠાય વિવેકાનંદાય નમો નમઃ

Total Views: 82

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.