(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના સમાપન સમારોહના ભાગરૂપે નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ, કલકત્તા ખાતે ૧૭ અને ૧૮ નવેમ્બર, ૧૯૯૪ના રોજ યોજાયેલ સેમિનારમાં આપેલું મંગલ પ્રવચન.)

સો વર્ષ પૂર્વે વિશ્વધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદના પ્રાગટ્યની સ્મૃતિમાં યોજાયેલ ઉત્સવો અને વ્યાખ્યાનોની પૂર્ણાહૂતિ પ્રસંગે આપણે મળી રહ્યાં છીએ. આ સભાગૃહમાં આપણે ગયે વર્ષ મળ્યાં હતાં. એ પછી એક વર્ષ વીતી ગયું; આ ગાળામાં, ભારતમાં તેમ જ પરદેશમાં જુદે જુદે સ્થળે સ્વયંસ્ફૂરિત ઉજવણીઓ થઈ હતી.

સ્વામીજીના યાદગાર શિકાગો પ્રવચન પછી મહાન ક્રાંતિ સર્જાઈ છે. આરંભમાં કોને ખબર હતી કે એ પ્રખ્યાત પ્રવચનોથી મહાન આંદોલન ઊભું થશે! આજે એમનો સંદેશ આખા જગતની સહિયારી મૂડી બની ગયો છે. સ્વામીજીએ શક્તિશાળી વિચારો આપ્યા હતા; તેઓ આશા રાખતા હતા, તેમને પ્રતીતિ થઈ હતી કે, એ વિચારો ફલદાયી બનશે; જગતમાં ખૂણે ખૂણે ફેલાઈ જશે; નવી સંસ્કૃતિનું નિર્માણ ક૨શે જે, સમગ્ર માનવજાતને લાભકા૨ક થશે. એ ઘટનાનું મહત્ત્વ તે કાળે કોઈને સમજાયું નહીં.

સ્વામીજીએ એક આશ્ચર્યપ્રેરક વાત કહી હતી. એમણે કહ્યું હતું: ‘આ પરિષદનું મારે માટે સર્જન થઈ રહ્યું છે.’ એ બડાશ મારતા ન હતા. પોતાને માટે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણે જે આગાહી કરી હતી તેમાં એમને ગંભીર પ્રતીતિ ને શ્રદ્ધા હતાં. ‘નરેન માનવજાતનો ગુરુ બનશે,’ એમ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું. એમણે ભાખ્યું હતું કે નરેન્દ્ર જગદ્ગુરુ બનશે. નરેન્દ્ર શબ્દગર્જના કરશે; દર્શનના નવા પ્રકારનું, નવી સભ્યતાનું, નવીન પ્રકારની સંસ્કૃતિનું નિર્માણ એ કરશે.

પોતાના સ્વપ્નની સંસ્કૃતિનું મંડાણ સ્વામીજીએ કર્યું. શ્રીરામકૃષ્ણની પ્રત્યક્ષ અનુભૂતિમાંથી આ સંસ્કૃતિનો ઉદ્ગમ થયો છે એમ એ માનતા હતા. આ અભિનવ સંસ્કૃતિનું સ્વામીજી મૂર્તિમંત સ્વરૂપ હતા. પૂર્વ અને પશ્ચિમનાં ઉત્તમ તત્ત્વોનું મિલન સ્વામીજીમાં સંવાદી રીતે થયું હતું. સ્વામીજી સંઘર્ષમાં નહીં, સમન્વયમાં માનતા હતા. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓના પરસ્પરને ઉ૫કા૨ક સહકારમાં તેઓ માનતા હતા. એ બંનેનું સંગમસ્થાન સ્વામીજી હતા. તેઓ માનતા કે બેઉ એકબીજાને સમૃદ્ધ કરી પૂરક બની શકે તેમ છે. પૂર્વના, ખાસ કરીને ભારતનાં, ધર્મ અને ફિલસૂફીનું મિલન પશ્ચિમના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી સાથે થાય અને, વિશ્વ સંસ્કૃતિનો પાયો તે બને, પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનો સમન્વય સાધવામાં આવે, એ તેમનું સ્વપ્ન હતું.

મોટા ભાગના લોકો માને છે કે ધર્મ એટલે શાસ્ત્રાજ્ઞાઓ અને ક્રિયાકાંડો. ધર્મના ભીત૨ના તત્ત્વ ઉપ૨ શ્રીરામકૃષ્ણે ભાર મૂક્યો હતો. બધા ધર્મોના ક્રિયાકાંડો ભલે જુદા હોય, બધાનો સાર એક જ છે એ શ્રીરામકૃષ્ણે પ્રબોધ્યું. ભિન્ન ધર્મપરંપરાઓના ધર્મગુરુઓએ સાક્ષાત્કારના સમાન આધ્યાત્મિક તત્ત્વોની વાત કરી છે તેના સંદર્ભમાં તેઓ કહેતા કે, “બધાં શિયાળવાંની લારી સરખી જ હોય છે. ધર્મના ઉદ્ભવસ્થાનનાં સ્થાનિક, સામાજિક રિવાજો અને સ્વભાવ વગેરેના ભેદોને લઈને ધર્મોનાં બાહ્ય રૂપો જુદાં હોય છે.”

પોતાના ગુરુની જેમ ધર્મના બાહ્ય ભેદોની પાછળની આંતરિક એકતા પર જ સ્વામીજી ભાર દેતા. શ્રીગુરુ ચરણે પોતે જે આ પ્રાપ્ત કર્યું હતું તે ધર્મસંવાદિતાનું સત્ય ૧૮૯૩માં, શિકાગોની વિશ્વધર્મપરિષદમાં સ્વામીજીએ પોકાર્યું હતું. આ સત્યના પ્રચાર માટે અમેરિકાની ભૂમિ આદર્શ હતી. કારણ કે, સમસ્ત ભૂમંડલમાં ત્યાંથી એ સંદેશ સત્વર પહોંચી શકે તેમ હતો. ત્યાં અસંખ્ય લોકો સમજી શકે તે અંગ્રેજી ભાષામાં સ્વામીજી બોલ્યા અને તે એવે સ્થાનથી કે જે સમગ્ર જગતનું ધ્યાન ખેંચી શકે તેવું હતું.

એ ઐતિહાસિક પ્રસંગે સ્વામીજીએ આપેલા એ સંદેશનું મહત્ત્વ સમજવા આજે આપણે પ્રયત્ન કરીએ છીએ. શતાબ્દીની યાદમાં થતી બધી ઉજવણીઓમાં આપણે આ વાત યાદ રાખવી જ રહી. એમણે આપેલો સંદેશ આજની ઘડીની તાતી જરૂર છે. જગત એ માટે તૃષ્ણાતુર છે. સાંકડા ધર્મસંપ્રદાયો બહુ થયા અને, ધાર્મિક ઝનૂનવાદની અસરો પણ આપણે જોઈ લીધી છે. વળી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનાં ક્ષેત્રોમાંની હરણફાળના આપણે સાક્ષી છીએ; એણે આપણને જ્ઞાન આપ્યું છે પણ આપણાં મન ૫૨ અંકુશ નથી આપ્યો, પ્રવૃત્તિને વશ કરવાની શક્તિ બક્ષી છે પણ, જગતના ભલા માટે એ શક્તિને વાપરવાનું શાણપણ નહીં.

એથી જ તો, સ્વામીજી બે સંસ્કૃતિઓનું મિલન ઝંખતા હતા જેથી, એ બેના સંયોગથી એક નવી સમર્થ સંસ્કૃતિ નીપજે. સુદૃઢ અને ઉદારમતના, ધર્મમાં અને સાથોસાથ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની ભાવાત્મક અસરોથી જે રંગાયેલી હશે તે ભાવિ પેઢીઓ માટે આ આધારસ્રોત થશે. આધ્યાત્મિક પાયા પર એ મંડાયેલું હશે તેથી ત્યારે માનવજીવન વધારે સુખદાયી બનશે એટલું જ નહીં પણ, વધારે સ્થિર, વધારે ઉદાત્ત, વધારે મુક્ત અને વધારે શાંતિમય બનશે. સ્વામીજીએ વિશ્વસંસ્કૃતિની ઝાંખીની ભેટ આપણને આપી છે. સો વ૨સ પહેલાં પોતાનો મહાન સંદેશ એમણે સુણાવ્યો તેનું સ્મરણ કરતાં આજે આપણે આ યાદ રાખવું જોઈએ.

સ્વામીજીએ જેનું સ્વપ્ન સેવ્યું હતું એ વિશ્વસંસ્કૃતિની વારસદાર પેઢી શીઘ્ર આવે એવી પ્રાર્થના હું શ્રીરામકૃષ્ણદેવને, શ્રીશ્રીમા શારદાદેવીને તથા સ્વામીજીને કરું છું.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.