(કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારેપ્રબુદ્ધ ભારતના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણમાં રત યુવા વર્ગને ડૉ. રાધાકૃષ્ણન્ આપણી પ્રાચીન ભારતીય ગૌરવમયી સંસ્કૃતિને અપનાવવાની હાકલ કરે છે. -સં.)

આ સદીના આરંભનાં વર્ષોમાં, હું વિદ્યાર્થી હતો અને માધ્યમિક શાળામાં તેમજ કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે, અમે સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનો અને પત્રો વાંચતા; એના હસ્તલિખિત સ્વરૂપમાં હાથોહાથ એની આપ-લે થતી. તેનું વાચન અમારા અંતરને હલાવી નાખતું. આપણી પ્રાચીન સંસ્કૃતિનું ગૌરવ અમારામાં રેડતું. ‘આપણાં બિહર્ અંગો ભલે ખંડિત થયાં હોય, આપણા રાષ્ટ્રની ચેતના જીવંત છે અને એ સનાતન સત્ય છે.’ સ્વામીજીનાં વ્યાખ્યાનો અને લખાણોમાંથી, હું વિદ્યાર્થી હતો ત્યારે, અમે આ સંદેશ મેળવ્યો હતો.

પરંતુ, આજનાં આપણાં યુવક – યુવતીઓમાં એવું વલણ જામતું જોવા મળે છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિની બધી બાબતો કાલગ્રસ્ત છે, એ સૌએ આપણને દગો દીધો છે અને, બીજી સંસ્કૃતિની નકલ કરવા તરફ આપણે વળવું છે જોઈએ. આપણાં શરીરો ભલે ભારતીય હોય પણ, એમાં નિવસવા માટે આપણે બીજા આત્માઓ ઉછીઉધાર લેવા જોઈએ. આપણને આ ભયંકર કરુણ હાલતમાં મૂકનાર ભારે તનાવ ભરી યંત્રસંસ્કૃતિથી તમને ખૂબ સંતોષ છે કે શું તે હું તમને પૂછવા માગું છું. આજે આપણી છે તેવી સંસ્કૃતિ વધારે પડતી નથી આંબી ગઈ એ વિશે વિચારવા હું તમને કહું છું. મનુષ્ય હવામાં ઊડી શકે છે અને સમુદ્રો તરી શકે છે પણ પોતાનું મોઢું ઢાંકીને એને ભૂગર્ભમાં સંતાઈ રહેવું પડે છે તેના જેવી સંસ્કૃતિ, જે સંસ્કૃતિમાં બાલમંદિરો અને કિંડરગાર્ટનોમાંથી બીજાઓને ધિક્કારવાનું બાળકોને શીખવવામાં આવે છે એ સંસ્કૃતિ, જે ઉદર વંધ્ય છે અને જેણે પયપાન નથી કરાવ્યું તે સ્તન ધન્ય છે, એવી આર્તવાણી સ્ત્રીઓનાં હૃદયના ઊંડાણમાંથી ઊઠે તે સંસ્કૃતિ, આજે આપણે જેમાં સબડીએ છીએ તેવી કટોકટી અને તેવી આપત્તિમાં નાખનાર સંસ્કૃતિને તત્ત્વતઃ સંગીન અને આપણે માટે અનુકરણીય સંસ્કૃતિ ગણી શકાય કે નહીં એ વિચારવા હું તમને કહું છું. આ સવાલ તમને હું કરવા માગું છું. સાચના અને ન્યાયપૂર્ણ લાગે તેવા પાયાના ટેકા ૫૨ ઊભેલી જે સંસ્કૃતિએ જગતને આજની સ્થિતિએ આપ્યું છે તે સંસ્કૃતિનો પાયો સુદૃઢ છે કે નહીં તે વિશે તમારી જાતને પૂછવા હું તમને સૂચવું છું. તમે સંસ્કૃતિની વાત કરો ત્યારે, અર્થવ્યવસ્થા, રાજકીય સ્વરૂપો, વૈજ્ઞાનિક ટેકનિક અને સાધનો વિશે જ વાત કરવી એ અર્થહીન છે. સંસ્કૃતિ તો આત્માની પ્રવૃત્તિ છે. અને આ સર્વ સંસ્કૃતિને વિકસાવનાર તત્ત્વ, ચેતનાનો સ્ફુલ્લિંગ, અધ્યાત્મતત્ત્વ શું છે એ તમે પૂછો.

તમારો સામાજિક કાર્યક્રમ ગમે તે હોય, આર્થિક રાજકીય ક્ષેત્રે તમે ગમે તે ક્રાંતિ આણો, તમારી પાસે ચેતનામય ધાર્મિક પ્રેરણા નહીં હોય તો તમે એ સાહસમાં સફળ થશો નહીં. તમે ઉદ્દામ વિચા૨વાળા હો તોયે, તમારી જાતને પૂછજો કે, તમે મનુષ્યોને કેવળ રાજકીય કે સામાજિક પ્રાણીઓની કક્ષાએ ઉતારી માગવા ઈચ્છો છો કે, કશો બાહ્ય પદાર્થ જેને સ્પર્શી શકે નહીં તેવી આંતરિક પવિત્રતા તેને આપશો? મનુષ્યમાં ૨હેલા દૈવી સ્ફુલ્લિંગમાં તમે માનતા હો તો, સ્વામી વિવેકાનંદ જેના સૌથી મહાન પ્રણેતા હતા તે આપણને પ્રાપ્ત થયેલી મહાન પરંપરાના સ્વીકારમાં જરાય હિચકિચાટ અનુભવશો નહીં.

ભાષાંતર: શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.