(રામકૃષ્ણ મિશન વિદ્યાલય, કોયમ્બટુર દ્વારા શિક્ષણમાં આધ્યાત્મિક મૂલ્યોનું સ્થાન વિષય પર આયોજિત રાષ્ટ્રીય સેમિનારના પ્રારંભમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને તા. ૩૧-૩-૬૩ના રોજ આપેલ ભાષણ)

આપણી શિક્ષણપદ્ધતિમાં આધ્યાત્મિક મૂલ્યોનો સમાવેશ કરવો જ પડશે. દરેક મહાન સંસ્કૃતિ પાસે શિક્ષણના હેતુ વિષેના તેના પોતાના ખ્યાલો હોય છે. ગ્રીકોએ (શિક્ષણના હેતુઓ બાબતમાં) બૌદ્ધિક સજ્જતા અને સૌંદર્યની પરિપૂર્ણતા વિષે વિચાર્યું હતું; રોમનોનો મત એવો હતો કે, નાગરિક દેશભક્તિ, રાજ્ય પ્રત્યેની વફાદારી, એ જ સાચા શિક્ષણના આદર્શો હોઈ શકે. જ્યારે દેશમાં આપણે શિક્ષણને લોકોને ઉચ્ચતર જીવન માટેની દીક્ષાના, જેઓ એક વખત જન્મ્યા છે તેમનો બીજો જન્મ કરાવવાના સાધન તરીકે જોઈએ છીએ. આપણે બધા જ, આપણી ગમે તે જ્ઞાતિ, કોમ કે ધર્મ હોય પરંતુ, કુદરતની દુનિયામાં જન્મ્યા છીએ. શિક્ષણની આવશ્યકતા અને હેતુ, ખુદ આ ધરતી ઉપરના જીવનનો હેતુ, આપણો બીજો જન્મ – નૈતિકતા અને સ્વતંત્રતાની દુનિયામાં બીજો જન્મ – કરાવવાનો છે. આ જ આદર્શે શરૂઆતની સદીઓથી આપણા દેશને પ્રેરિત કર્યો છે. માનવીને તે જે સ્થિતિમાં છે તે સ્થિતિમાંથી ઊંચો ઉઠાવવાનો જ છે. તે અપૂર્ણ છે. તેને પૂર્ણતાએ પહોંચાડવાનો જ છે. કુદરત પાસે આયોજિત વિકાસની યોજના હોય છે. જેવી રીતે એક બુદ્ધિશાળી માણસ એક પશુ કરતાં તદ્દન જુદો હોય છે, તેવી જ રીતે એક આધ્યાત્મિક માનવી બુદ્ધિશાળી માણસ કરતાં તદ્દન જુદો હોય છે. જે જરૂરી છે તે આ છે કે, માનવીને, તે બુદ્ધિ, ઇચ્છા અને લાગણીઓ ધરાવતો હોઈને, સંકુચિત અહંવાદી (સ્વાર્થમય) ભૂમિકાને બદલે ઉચ્ચતર ભૂમિકા ઉપરથી કાર્ય કરવા શક્તિમાન બનાવવો.

આપણે માનીએ છીએ કે બૌદ્ધિક ભૂમિકામાંથી તેજોમય ચેતનાની ભૂમિકા ઉપર પહોંચેલા સંતપુરુષમાં ત્રણ ગુણો હોય છે – અભય, અસંગ અને અહિંસા. અભય એટલે ભયમાંથી મુક્તિ; એ એવી વસ્તુ છે કે જે આપણે આપણા જ્ઞાનને વધારે ગહન બનાવીને, અને વધારે વિશાળ દુનિયામાં ઉછરીને પ્રાપ્ત કરીએ છીએ. અસંગ, આસક્તિ-રહિતતા, આ એ માર્ગ છે, જે માર્ગે આપણે આ દુનિયામાં કાર્ય કરવું જોઈએ – ‘यद् यद् कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम्’ – ‘આ દુનિયામાં હું જે જે કાર્ય કરું છું, તે એ સર્વોચ્ચ પરમાત્મા પ્રત્યેની પ્રીતિથી, તેના પ્રત્યેની ભક્તિથી કરું છું.’ તે જ રીતે અહિંસા એટલે ધિક્કારમાંથી મુક્તિ. એ પ્રેમની ખેતી છે. (આપણી) બુદ્ધિએ એટલી હદે વિકાસ કરવો જોઈએ કે જે દ્વારા તે (દિવ્ય તેજથી) પ્રકાશિત બને અને ભયથી મુક્ત બને. ઇચ્છાશક્તિને એટલી મજબૂત અને દૈવી ઉદ્દેશને અનુસરતી બનાવવી જોઈએ કે જેને પરિણામે આપણે કોઈ પણ પ્રકારની આસક્તિમાંથી આપણી જાતને મુક્ત બનાવીએ. લાગણીઓ સમગ્ર વિશ્વમાં વિસ્તારવી જોઈએ, પ્રેમનો સિદ્ધાંત આપણને ચેતનવંતો બનાવતો હોવો જોઈએ, અને આપણે કોઈ પણ પ્રકારના ધિક્કારથી મુક્ત બનવા જોઈએ. આ છે અહિંસા. અભય એ એવી તેજોમયતા છે, જે મુક્તિમાંથી જન્મે છે. અસંગ એ વિરક્તિ છે – अनुरागात् विरागः તમે સર્વોચ્ચ પરમાત્મા સાથે જોડાઓ છો, તેથી તમે સંસારની નાની નાની બાબતોથી વિરક્ત બનો છો. અહિંસા એટલે વૈરત્યાગ- ધિક્કારમાંથી મુક્તિ. આ રીતે તમારી લાગણીઓનો વિકાસ થવો જોઈએ. તેણે કોઈ પ્રત્યે ધિક્કાર પેદા ન કરવો જોઈએ, અને છતાં તમે તમારી ફરજ તો બજાવો જ છો. આ રીતે, જે વ્યક્તિએ સંપૂર્ણ આધ્યાત્મિક માનવી બનવાના પોતાના લક્ષ્યને આંબવું હશે, તો બુદ્ધિ, ઇચ્છા અને લાગણીઓ, એ બધાંનું પરિવર્તન કરવું પડશે.

આધ્યાત્મિક માનવી સામાન્ય માનવીથી એટલો જ ભિન્ન છે, જેટલો સામાન્ય માનવી પશુથી. (આથી) જે સાધવાનું છે તે એક આંતરિક ક્રાંતિ છે. એ કંઈ વધારે બુદ્ધિશાળી, કે વધારે નૈતિક કે વધારે લાગણીશીલ બનાવવાનું નથી, પરંતુ આપણે જે છીએ તેના કરતાં તદ્દન જુદું જ બનવાનું છે. તે કોઈ વધારે સારો વિકાસ સાધવાનો પ્રશ્ન નથી, તે પ્રશ્ન છે તદ્દન અલગ પ્રકારનું જ બનવાનો. આધ્યાત્મિક માનવી સામાન્ય માનવીથી જુદો હોય છે. માનવી જેને માટે નિર્માયો છે તે ઉચ્ચતર આદર્શને આપણે કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ? આપણે કઈ રીતે આપણા વ્યક્તિત્વની પૂર્ણતા સુધી વિકાસ કરી શકીએ? ‘સ્વર્ગમાં તારો પિતા જેટલો પૂર્ણ છે તેટલો પૂર્ણ તું બન’ આ સાદ પૂર્ણતા સુધી વિકાસ પામવા માટેનો છે. તે તમને તમે સ્વાર્થી દૃષ્ટિબિન્દુથી કામ ન કરો, પરંતુ તમે સર્વોચ્ચ પરમાત્મા સાથે જડમૂળથી જડાયેલા રહો અને તમારી દરેકે દરેક પ્રવૃત્તિ એ કેન્દ્રમાંથી જ કરો તે રીતે તમારી સઘળી શક્તિઓનો વિકાસ કરવાનું કહે છે. તેમ કર્યા પછી જીવનની ચડતી પડતી, આ દુનિયામાં થતાં વિવિધ પરિવર્તનો, તમને દુ:ખ નહીં પહોંચાડે, તમારા મનની શાંતિને ખલેલ નહીં પહોંચાડે, કારણ (ત્યારે) તમે ૫૨માત્મા સાથે દૃઢતાપૂર્વક સંકળાયેલા હો છો. તમને એ ખાતરી હોય છે કે, ગમે તે થાય પરંતુ આકાશમાં સૂર્ય, તેને વાદળાંઓ આપણી દૃષ્ટિથી ઓઝલ કરી દે તેમ છતાં, પ્રકાશતો જ હોય છે. તમારી પાસે આ ખાતરીબદ્ધ નિશ્ચિતતા છે. તમારી પાસે જેના વડે તમે જીવો છો તે શ્રદ્ધા છે.

એક બુદ્ધિશાળી માનવી આધ્યાત્મિક માનવી કઈ રીતે બની શકે? તે કઈ રીતે પોતાની સર્વોચ્ચ પૂર્ણતા સુધીનો વિકાસ સાધી શકે? વિશ્વના બધા જ ધર્મગ્રંથોએ આપણને કહ્યું છે કે, માણસે ધ્યાન, પૂજા, પ્રાર્થના વગેરે કરવું જોઈએ. દરેક માનવપ્રાણીની અંદર વ્યક્તિત્વના આમૂલ પરિવર્તનનો સાદ, માનવીયતાથી આધ્યાત્મિકતા સુધીના વિકાસ માટેનો સાદ, પડેલો હોય જ છે. આપણામાંના મોટા ભાગના લોકો આપણી પાસેથી જેની આશા રાખવામાં આવે છે તે સિદ્ધ કરીને દુનિયામાંથી વિદાય લે છે. આપણે થોડા પૈસા પ્રાપ્ત કરીએ, થોડી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ અને સંતાનને મૂકી જઈએ, તો દુનિયામાં આપણે આપણું કર્તવ્ય પૂરું કર્યું છે તેમ માની લઈએ છીએ. પરંતુ સાચો માનવી જાણે છે કે તેની ચેતના સુખ અને ‘સંવિત’ના એ સાગ૨માં, ડહાપણ અને સુખના, ડહાપણ અને આનંદના સાગરમાં, લીન થઈ જવી જોઈએ. આપણને એકાંતમાં ધ્યાન ધરવાની ટેવ પાડવાનું કહેવામાં આવ્યું છે. ‘एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः’ – ‘તેણે પોતાની બધી જ ઈન્દ્રિયોને વશ કરી છે, તેને તેની પોતાની ક્ષુલ્લક સ્વાર્થી વાસનાઓ રહી નથી, તે બીજા લોકોની સંપત્તિની ઇચ્છા રાખતો નથી,’ વગેરે. માત્ર તેની જ પાસે ક્ષુદ્ર વાસનાઓ-રહિત એવો આત્મસંયમ હોય છે, અને તે નિર્લોભી હોય છે. આમ કહેવાનું તો સહેલું છે, પરંતુ મનની આ સ્થિતિ લાવવાનું, તેને આ ચોકઠામાં બેસાડવાનું ઘણું કપરું છેઃ અને કષ્ટ વગર કશું સાધ્ય નથી. જો તમારું લક્ષ્ય કઠિન હશે તો તમારો માર્ગ પણ મુશ્કેલ હશે; આટલા માટે જ સ્વામીજીએ જ્યારે તેઓ અમેરિકા ગયા ત્યારે કહ્યું હતું: “હું એવા પ્રાચીન, વેદો દ્વારા પ્રસ્થાપિત થયેલા અતિપ્રાચીન, સાધુ પંથનો (સભ્ય) છું, જે પંથ દ્વારા અમે ઘરનો અને અન્ય દુન્યવી વસ્તુઓનો ત્યાગ કરી એ પરમ આત્માની ઝાંખી કરવા માટે એકાંત સ્થળે ધ્યાન ધરીએ છીએ.” એકાકીપણું એટલે સુખસગવડોનો અભાવ. એ (કશુંક) ગુમાવવાનું છે. આપણામાંના ઘણા ટોળામાં રહે છતાં પોતાને એકાકી અનુભવી શકે છે. (પરંતુ) એકાંતપણું એ એકાકીપણાથી તદ્દન અલગ બાબત છે. એકાંતપણામાં તમારી સાથે તમારો શાશ્વત સાથીદાર (પરમાત્મા) સતત હાજર હોય છે – ‘विहार शय्यासन भोजनेषु’ – એ દિવ્યની, સતત હાજરી. તેમાં જે તમારી પાસે હોય છે, તે આ છે. જો ઈશ્વર દરેક સ્થળે નથી, તો તે ક્યાંય નથી, અને જો આપણે એકાંત ધ્યાન (એકાંતપણા)ની આ ટેવ વિકસાવી ન શકીએ, તો આપણે આ દુનિયામાં ખરેખર એકાકી બની જઈશું. (અને) જો આપણે તે (ટેવ) વિકસાવીએ તો આ૫ણે ૫૨માત્માના સત્યદર્શન સુધી પહોંચી શકીએ, અને ત્યારે આપણે આ દુનિયામાં કોઈના સાથમાં, ટોળામાં કે એકલા અને એકાંતમાં પણ આનંદિત રહીશું. આમ આપણને જે કરવાનું કહેવામાં આવ્યું છે તે એકાંત ધ્યાનની ટેવ પાડવા વિષે છે. અને એ દૃષ્ટિબિન્દુથી તમે જે કંઈ કાર્ય કરો તે તમારી સમર્પણના ભાવથી કરવું જોઈએ.

આપણને ‘તપ’ની સાધના કરવાનું કહેવામાં આવ્યું છે. પાણિની આપણને કહે છે કે ‘તપ’ એટલે ‘આલોકન’; તે પરાવર્તન છે; તે જીવનના અર્થ ઉપર એકાગ્ર થવાનું છે. આપણામાંના ઘણા એમ માને છે કે તેઓ સત્યની ખોજ કરી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેઓ સત્યથી ઘણા વેગળા હોય છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ માનવસમૂહ વચ્ચે જાઓ, તો તમને જે ફાવે તેવી વાતો સાંભળવા મળે, જે નિંદા, અન્ય લોકો વિષેની ગુસપુસો સાંભળવા મળે, વ્યક્તિના પોતાના અંગત પરાક્રમો, અર્થાત્ પોતાની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાષ્ટ્રીય હેતુઓમાં ખપાવવાના તેના પત્નો (માનવજીવનના), અંતિમ લક્ષ્ય એવા સત્યના નામે પોતાને જેમ ફાવે તેમ વર્તવાના તેના પ્રયત્નો, વગેરે વિશે જે જાણવા મળે – એ બધું સત્યની ખોજની સાચી રીતથી અવળે માર્ગે ફંટાવા જેવું છે. દરેક માણસે પોતાના જીવનમાં દરેક તબક્કે પોતાની જાતને પૂછવું જોઈએ કે, પોતે પોતાની જાતને વફાદાર છે કે કેમ, પોતે દરેક વ્યક્તિના હૃદયમાં રહેલા ઈશ્વરને (ઈશ્વરઃ સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ) વફાદાર રહેવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે કેમ? જ્યાં સુધી માનવી દુનિયામાંથી પોતાની જાતને ખેંચી લઈને, કોઈ પણ પ્રકારના માનવીય સંકટને પહોંચી વળવા માટે જે સમર્થ છે તે દૈવી ઉપસ્થિતિ (હાજરી)ને પ્રાપ્ત ન કરી શકે ત્યાં સુધી તમે ખરેખર સત્યના સેવક છો, તેમ કહી શકો નહીં. આથી જો તમારે કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક મૂલ્યનો વિકાસ કરવો હોય, તો તમારે સારી પેઠે આત્મ-પરીક્ષણ કરવું અનિવાર્ય છે. આપણે પહેલાં તો આપણી જાતને છેતરીએ છીએ અને પછી બીજાને; અને જો આપણે આ આત્મવંચના ક્યાં સુધી ગઈ છે તેનું પરીક્ષણ કરવા માગીએ, તો તમારે માટે, સતત (આવા) આત્મપરીક્ષણ દ્વારા જ સત્યને પામવાનું શક્ય છે. ધ્યાનનો આ જ અર્થ છે. આલોકનનો આ જ અર્થ છે. આ વિશ્વના વિશાલ ફલકની પાછળ સર્વોચ્ચ રહસ્ય રહેલું છે તેવું શોધી કાઢવાનો પણ આ જ અર્થ છે. તે ધ્યાન દ્વારા, બૌદ્ધિક પ્રયત્ન દ્વારા, થઈ શકે છે.

શ્રી અવિનાશીલિંગમે હમણાં જ કહ્યું તેમ, માત્ર બૌદ્ધિક વિદ્યા, માત્ર પાંડિત્ય, તમને ઈશ્વરની નજીક નહીં લઈ જાય – શાસ્ત્રાર્થ – જ્ઞાનમાત્રાત્ ન અમૃતમ્ – શાશ્વત જીવનનું જ્ઞાન ‘શાસ્ત્રાર્થ જ્ઞાન વડે, શાસ્ત્રોના અર્થ જાણવાથી, ન મેઘયા ન બહુના શ્રુતેન – બુદ્ધિ વડે કે ઘણા બધા ગ્રંથોના અભ્યાસ વડે પ્રાપ્ત થતું નથી, પરંતુ તમે તમારા મનનું મંથન કરીને જ, જેને તમારી સમગ્ર પ્રકૃતિનું પુનર્નિર્માણ કહી શકાય તેવું કરવા માટે તમારા હૃદયને વિદારણની પ્રક્રિયામાંથી પસાર કરીને જ, સત્યને જાણી શકો છો. તે સહેલું નથી. પરંતુ દરેકને માટે તે પ્રાપ્ત કરવાનું શક્ય તો છે જ. જો અમુક લોકોએ તેને પ્રાપ્ત કર્યું હોય તો તેઓ બાકીની માનવજાત માટે અગ્રદૂત સમાન છે. તેઓ જાણે કે વડીલ બંધુઓ જેવા છે. જે આપણને કહે છે, ‘જે મારે માટે શક્ય છે, તે તારે માટે પણ શક્ય છે. હું કંઈ જુદી રીતે ઘડાયેલો નથી. એ જ ઈશ્વર જે મારામાં રહેલો છે, તે તારામાં પણ રહેલો છે.’ આ જ રીતે ઘણા અધ્યાત્મમીમાંસકો અને ચિંતકોએ સાચી મહાનતાના, સજ્જનોના, સાધુઓનાં દર્શન માટે ખોજ કરી છે, જો બાળકો તેમની વાતો સાંભળે, જો તેઓ એ લોકોના ભયની, તથા તે ભયને આનંદની પ્રાપ્તિ વડે જીતવાની વાતો ધીરજપૂર્વક વાંચી જાય, તો અભાનપણે પણ તેમનું મન ઘડાતું જાય છે અને તમે જોશો કે તેમના મન ઉપર એક છાપ પડે છે. બધી જ અસરો કંઈ હેતુપૂર્વક કરાતી નથી હોતી, સભાનપણે કરાયેલી નથી હોતી, મોટે ભાગે તે અભાનપણે જ થયેલી હોય છે.

તમે લોકો સમક્ષ અને નાનાં બાળકો સમક્ષ સાચી સાધુતા અને મહાન સજ્જનતાનાં ઉદાહરણો રજૂ કરીને તેમના મનને અભાનપણે તેનું ગ્રહણકર્તા બનાવો છો, તેમને સુગંધિત કરી દો છો, તેમના મનને એવી જ સ્થિતિ, એવી જ સિદ્ધિઓ, પ્રાપ્ત કરવા માટેની ઇચ્છા વડે રંગી દો છો. બાળક તો શરૂઆતથી જ સૌથી વધુ અનુકરણશીલ હોય છે. તે તમે જે કંઈ કહો, તે ક૨શે તમે તેની પાસે મહાન પાત્રોના આદર્શો, લશ્કરી વિજયોના નહીં, ઔદ્યોગિક સત્તાના નહીં, બૌદ્ધિક શ્રેષ્ઠતાના નહીં, પરંતુ સાચા અર્થમાં સાધુતાના, જે લોકોએ માનવજાતિ માટે પોતે દુઃખ સહન કર્યું છે, જેમણે બીજા લોકો જીવે તે માટે પોતાની જાતનું બલિદાન આપ્યું છે, એવા લોકોના આદર્શો, એ પ્રકારના વિચારો બાળકો પાસે મૂકો તો તે વિચાર બાળકોના માનસ ઉપ૨ કોઈક પ્રકારની અસર જરૂર કરશે તેમાં મને શંકા નથી. તેથી એ જરૂરી છે કે, દરેક શાળામાં, અને દરેક ઘરમાં એક નાનકડી જગ્યા એવી રાખવી જોઈએ કે જ્યાં માણસ પોતાની જાતનું પરીક્ષણ કરવા માટે પોતાની જાત સાથે એકલો રહી શકે. તેમને માટે આ દુનિયાના મહાન સંતો અને સાધુઓની વાતો ધ્યાન દઈને સાંભળવાનું જરૂરી છે. તેની ઘણી મોટી અસર પડશે. આખરે તો ગુરુ એ જ છે, જે તમારા આધ્યાત્મિક અંધાપાને દૂર કરે છે, નહીં તો તે ગુરુ નથી. તે માત્ર વાતો કરનાર ‘पल्लवग्राही पाण्डित्यम्’ – કશુંક ઉપાડી લે અને પોતે પંડિત છે તેવી બડાઈ મારનાર માત્ર છે. તે ઉપનિષદ કહે છે તેવા નથી ‘षतस्माद् ब्राह्मणः पाण्डित्यम् निर्विद्य बाल्येत तिष्ठति’ – ‘તેથી બ્રાહ્મણને પોતાની પંડિતાઈનો ગર્વ, વિદ્યાનો ગર્વ ત્યજીને નાના બાળક જેવો બનવા દો’ – એવું નાનું બાળક કે જે મુક્ત છે, કોઈ પણ પ્રકારના ગર્વથી, પૂર્વગ્રહથી, ધાર્મિક સંકુચિતતાથી કે એવી કોઈ પણ બાબતથી સંપૂર્ણપણે મુક્ત થયેલું છે. નાનું બાળક જ્ઞાતિમાં નથી માનતું, તે તેના પોતાના ધર્મમાં નથી માનતું; પરંતુ આપણે લોકો જ બાળકના મનમાં આવું બધું ભરીએ છીએ, તેને ખોટા વિચારો આપીએ છીએ અને તે જાણે કે કોઈ ઊંચા વર્ગનું હોય તે રીતે વર્તતા તેને શીખવીએ છીએ. આ બધા માટે આપણે જ જવાબદાર છીએ, અને જો તમારે માટે આ લોકોને, એટલે કે આપણાં નાનાં બાળકોને, સાચા આદર્શો આપવાનું શક્ય બને તો તેઓ વિશ્વચેતના કેળવશે. આ વિશ્વચેતના એવા પ્રકારની ચેતના કે જ્યાં દરેક જણ સાથે તેને ઈશ્વરનું સર્જન ગણીને વ્યવહાર થાય છે, જ્યાં તમે બીજા લોકોને કદી તમારા કરતાં નીચા નહીં, પરંતુ તમારી સમકક્ષ તરીકે જુઓ છો. સમાનતાની આ ભાવના એ પરમાત્માના સત્યસ્વરૂપનો સ્વયંસિદ્ધ સિદ્ધાંત છે. જો આ દુનિયામાં, જ્યાં બધા જ માનવો એક કુટુંબના સભ્ય જેવા હોય એવી દુનિયામાં, ઈશ્વર હોય તો તેનું આ જ પરિણામ આવે; અને આપણે જે બધા મતભેદો ચાલવા દઈએ છીએ, જે આપણને વારસામાં મળ્યા છે, તે સાચા ધર્મની વાસ્તવિકતા સાથે જરા પણ મેળ ખાતા નથી.

હજુ ગઈ કાલે જ હું કહેતો હતો કે, ધર્મ કાં તો ક્રાંતિકારી છે, અથવા તો તે કશું જ નથી. જો તે તમારા સમાજમાં પરિવર્તન ન આણે, જો તે તમારા સ્વભાવમાં પરિવર્તન ન આણે, જો તે માનવસંસ્કૃતિનું નિર્માણ ન કરે, તો તે સાચો ધર્મ નથી. સ્વામી વિવેકાનંદ જેવા માનવીઓએ આવા ધર્મનો પ્રચાર કર્યો હતો. તેમણે આપણને શીખવ્યું કે, ઈશ્વર ઊંચે આકાશમાં કોઈ જગ્યાએ નથી, પરંતુ તે માનવીના હૃદયમાં છે – ‘शिवम् आत्मनि पश्यन्ति न प्रतिमासु’ – પરમાત્માને તમારા પોતાનામાં મેળવવાનો છે, મૂર્તિઓમાં નહીં. જ્યાં જ્યાં તમને જીવ મળે, ત્યાં ત્યાં શિવ મળે. શિવ એટલે દરેક માનવીમાં વસતી એ દિવ્ય હસ્તી. જો આપણે આ પ્રકારનો અભિગમ વિકસાવશું, તો પછી આપણે આજે દુનિયામાં આપણામાંના ઘણા જે રીતે વર્તે છે તેવી મૂર્ખ, પાખંડી રીતે નહીં વર્તીએ. આથી આપણે એ જોવું જ રહ્યું કે, આપણા સમાજમાંથી આપણે ધર્મના નામે દાખલ કરેલી બધી જ નકામી બાબતો, સામાજિક દૂષણો, અસમાનતા વગેરે આપણે દૂર કરીએ; તે બધું ધર્મના નામ ઉ૫૨ કલંક સમાન છે. આપણે તેમને આપણા સમાજમાંથી હાંકી ન કાઢીએ ત્યાં સુધી આપણે આપણી જાતને સાચા ધાર્મિક નહીં કહી શકીએ. તમારી લાગણીઓને એવી રીતે કેળવો કે તે સમગ્ર માનવજાતને આવરી લેતા પ્રેમના તત્ત્વને આંબી જાય, તમારી ઇચ્છાશક્તિને એવી રીતે કેળવો કે જેથી તમે જે જે કરો તે દરેક કાર્ય આ સંસારમાં બધા જ માણસોને ઈશ્વરના માણસો ગણીને તથા દરેક માનવીને ઈશ્વરનો પયગંબર માનીને, પરમાત્માને સમર્પણભાવથી થાય અને તમારી બુદ્ધિને એવી રીતે કેળવો કે જેથી તે ખરેખર પ્રકાશ પ્રાપ્ત ચેતના બને, જ્યાં બુદ્ધિના ભેદો ગૌણ બની જાય.

આ છે આવશ્યક આધ્યાત્મિક મૂલ્યો – ભયમાંથી મુક્તિ, આસક્તિમાંથી મુક્તિ, ધિક્કારમાંથી મુક્તિ. બુદ્ધિ, લાગણી અને ઇચ્છા – એ ત્રણે તત્ત્વોને એવી રીતે પરિવર્તિત કરવાના છે કે તે પ્રેમ, સમર્પણ અને અભયના ત્રણ મહાન ગુણોને વ્યક્ત કરે. દરેક સંસ્થા આ કરી શકે છે. તેનો આધાર તમે તમારાં બાળકોને કઈ રીતે ભણાવો છો તેના ઉપર રહેલો છે.

જ્યાં તમે શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના આદર્શો વડે બળ પ્રાપ્ત કરી રહ્યા છો તેવા આ વિદ્યાલયમાં તમારા માટે એક બૌદ્ધિક હસ્તી માટેનું – એવી બૌદ્ધિક હસ્તી કે જે પોતાની જાતનું પરમાત્મા સાથે તાદાત્મ્ય સાધતાં સાધતાં, વૈશ્વિક ઉદ્દેશ સાથે સહકાર કરતાં કરતાં, પોતાની કોઈ ઇચ્છા નહીં, કોઈ પસંદગી નહીં, કોઈ ગમા-અણગમા નહીં તે રીતનું, દૈવી ઇચ્છા અનુસારનું, સરળ જીવન જીવે, એવી બૌદ્ધિક હસ્તી માટેનું યોગ્ય વાતાવરણ નિર્માણ કરવાનું શક્ય બનવું જોઈએ. આપણે જે કરવાનું છે, તે આ છે, પરાક્રમભર્યાં કાર્યો (દેખાવો) કરવાનું નહીં, માત્ર મંદિરમાં આંટો મારીને પાછા આવવાનું નહી, શ્લોકો ગણગણવાનું નહીં. અલબત્ત, એ બધું અગત્યનું હોઈ શકે છે, પરંતુ સૌથી અગત્યનું તો છે એ જાણવાનું કે, એ બધા માનવીમાં સાચી ભાવનાના વિકાસ માટેના સહાયક સાધનો માત્ર છે. હું આશા રાખું છું કે, આપણાં બાળકોનાં મનમાં તેઓ શાળાએ જાય તેની પણ પહેલાંની, સંસ્કારો ઝીલી શકે તેવી, ઉમર દરમ્યાન જ ગુરુનું ઉદાહરણ, મહાનતાનું સ્વપ્ન, એકાંત ઘ્યાનની ટેવ વગેરે સંસ્કારો સીંચી દેવામાં આવશે.

ભાષાંતર: શ્રી દેવેન્દ્ર વૃ. ભટ્ટ

Total Views: 357

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.