સ્વામી વિવેકાનંદજીના જન્મદિન (૧૨ જાન્યુઆરી) પ્રસંગે

કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. એમણે પચાસ વર્ષ પહેલાં જે કહ્યું હતું તે આજે પણ આપણા ગંભીર મનનને પાત્ર છે અને જીવન પ્રત્યેના આપણા અભિગમની પુનર્વિચારણા કરવા આહ્‌વાન કરે છે. -સં.

આ સદીના આરંભના વર્ષોમાં, હું વિદ્યાર્થી હતો અને માધ્યમિક શાળામાં તેમ જ કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે, અમે સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનો અને પત્રો વાંચતા; એના હસ્તલિખિત સ્વરૂપમાં હાથોહાથ એની આપ- લે થતી અને તેનું વાચન અમારાં અંતરને હલાવી નાખતું અને આપણી પ્રાચીન સંસ્કૃતિનું ગૌરવ અમારામાં રેડતું. આપણાં બહિર્ અંગો ભલે ખંડિત થયાં હોય, આપણા રાષ્ટ્રની ચેતના જીવંત છે અને એ સનાતન સત્ય છે – સ્વામીજીનાં વ્યાખ્યાનો અને લખાણોમાંથી હું વિદ્યાર્થી હતો ત્યારે, અમે સંદેશ મેળવ્યો હતો.

પરંતુ આજનાં આપણાં યુવક – યુવતીઓમાં એવું વલણ જામતું જોવા મળે છે કે એ બધી બાબતો કાલગ્રસ્ત છે, એ સૌએ આપણને દગો દીધો છે અને બીજી સંસ્કૃતિની નકલ કરવા તરફ આપણે વળવું જોઈએ; આપણાં શરીરો ભલે ભારતીય હોય પણ, એમાં નિવસવા માટે આપણે બીજા આત્માઓ ઉછી ઉધાર લેવા જોઈએ. આપણને આ ભયંકર કરુણ હાલતમાં મૂકનાર ભારે તનાવ યંત્રસંસ્કૃતિથી તમને ખૂબ સંતોષ છે કે શું તે હું તમને પૂછવા માગું છું. આજે આપણી છે તેવી સંસ્કૃતિ વધારે પડતી નથી આંબી ગઈ એ વિશે વિચારવા હું તમને કહું છું; મનુષ્ય હવામાં ઊડી શકે છે અને સમુદ્રો તરી શકે છે પણ પોતાનું મોઢું ઢાંકીને એને ભૂગર્ભમાં સંતાઈ રહેવું પડે છે તેના જેવી સંસ્કૃતિ, જે સંસ્કૃતિમાં બાલમંદિરો અને કિંડરગાર્ટનોમાંથી બીજાઓને ધિક્કારવાનું બાળકોને શીખવવામાં આવે છે એ સંસ્કૃતિ, ‘જે ઉદર- વંધ્ય છે અને જેણે પયપાન નથી કરાવ્યું તે સ્તન ધન્ય છે.’ એવી આર્તવાણી સ્ત્રીઓનાં હૃદયના ઊંડાણમાંથી ઊઠે તે સંસ્કૃતિ. આજે આપણે જેમાં સબડીએ છીએ તેવી કટોકટી અને તેવી આપત્તિમાં નાખનાર સંસ્કૃતિને તત્ત્વતઃ સંગીન અને આપણે માટે અનુકરણીય સંસ્કૃતિ ગણી શકાય કે નહિ એ વિચારવા હું તમને કહું છું. આ સવાલ તમને હું કરવા માગું છું. સાચના અને ન્યાયપૂર્ણ લાગે તેવા પાયાના ટેકા પર ઊભેલી જે સંસ્કૃતિએ જગતને આજની સ્થિતિએ આણ્યું છે તે સંસ્કૃતિનો પાયો સુદૃઢ છે કે નહીં તે વિશે તમારી જાતને પૂછવા હું તમને સૂચવું છું. તમે સંસ્કૃતિની વાત કરો ત્યારે, અર્થવ્યવસ્થા, રાજકીય સ્વરૂપો, વૈજ્ઞાનિક ટૅકનિક અને સાધનો વિશે જ વાત કરવી એ અર્થહીન છે. સંસ્કૃતિ તો આત્માની પ્રવૃત્તિ છે. અને આ સર્વ સંસ્કૃતિને વિકસાવનાર તત્ત્વ, ચેતનાનો સ્ફુલ્લિંગ, અધ્યાત્મતત્ત્વ શું છે એ તમે પૂછો.

આપણી પાસે રાજકીય લોકશાહી છે, મોટી ખેલદિલીનો દેખાવ આપણે કરીએ છીએ અને, સાચી ધાર્મિક પ્રજા હોવાનો દેખાવ પણ આપણે કરીએ છીએ. પરંતુ, બેંકો, કારખાનાઓ, કંપનીઓ અને અનેક લોકોના શોષણને ભોગે તાલેવાન અને વૈભવશાળી બનવા માગતી વ્યક્તિઓનાં સાહસો ઉપર એ સંસ્કૃતિ આધારિત છે. વાસ્તવમાં સંસ્કૃતિનો એ હેતુ છે. આપણે ધર્મની વાત કરીએ છીએ. વારુ, હું કહું છું કે, સંસ્કૃતિ ભલે ધાર્મિક દેખાતી હોય, તત્ત્વતઃ એ ધર્મનિરપેક્ષ છે, તત્ત્વતઃ ભૌતિકવાદી છે. આમ, આ સંસ્કૃતિ ધર્મ નિરપેક્ષ હોય તો અને, એનો અભિગમ, અંતે તો ભૌતિકવાદી હોય કે એમાં સત્તાની ચીંદરડી ઓઢી બેઠેલો આદમી આપણને આ સ્થિતિએ લાવતી બધી ગંદી રમતો રમતો હોય તો, ભૌતિકવાદને પદભ્રષ્ટ કરે ને માનવજાત માટેની સેવા નફાની વૃત્તિનું સ્થાન લે તેવી નિરાળી સંસ્કૃતિ ઊભી કરવાની જરૂર નથી કે શું એ વિશે તમારે વિચારવું જોઈએ.

માનવ શું છે? એ પ્રાણપ્રશ્ન છે. એ શું પેટે ઘસાતું અળસિયું છે? કે એ સૌથી વધારે ચતુર પ્રાણી છે? માગપુરવઠાના નિયમોથી નિયંત્રિત જીવ છે કે, સ્વામી વિવેકાનંદે કહ્યા પ્રમાણે, એ ‘આત્મા’, વૈશ્વિક ચેતના છે? માણસ ગમે તેવો જડબુદ્ધિનો, જિદ્દી કે અધમ હોય, એનામાં જે દૈવી સ્ફુલ્લિંગ છે તે કદી કોઈને વશ થવા દેવાનો નથી. નક્કર ધરતી પર ચાલવાને બદલે તમે હવામાં ઊડતા હો એવી પળો, તમારા રોજિંદા જીવનની ઘટમાળમાંથી મુક્તિ આપતી હોય તેવી પળો, જીવન મૃત્યુ સમું લાગતું હોય તેવી પળો, બધાંના મૂળમાં રહેલા આધ્યાત્મિક સત્ય સાથે તમે અનુસંધાનમાં હો તેવી પળો, જીવન અને મૃત્યુ કેવળ એ છાયા ભાસે તેવી પળો શું નથી આવતી? આપણી જિંદગીમાં કોઈને કોઈ સમયે આપણે જીવનની ક્ષણભંગુરતા, જીવનના આનંદો અને ધરતી પરના પદાર્થનું સ્વામિત્વ અનુભવ્યું હોય અને એમ લાગ્યું હોય કે શાશ્વત હોય તેવાં મૂલ્યો છે ને જે સંસારના બધા ખાલીપાથી પર છે તો એ જુદો જ સિદ્ધાંત દર્શાવે છે. સ્વામી વિવેકાનંદ આવા કોઈ સિદ્ધાંતનું પ્રતિનિધિત્વ કરતા હોય, મનુષ્યપ્રાણીને અળસિયું, અર્થકેન્દ્રિય જીવ કે રાજકીય પ્રાણી ન ગણતાં, જેને કોઈ બાહ્ય પદાર્થ ભેદી ન શકે તેવા અંતરના ગઢવાળો, અર્થશાસ્ત્ર અને રાજકારણના હુમલાઓ સામે જેનું રક્ષણ કરવાનું છે તે આત્માના મંદિરવાળો તેમ માનવા આપણને પ્રેરતા હોય તો, સમગ્ર માનવજાતની આધ્યાત્મિક એકતાની વાત શું નથી કરતા? સ્વામી વિવેકાનંદ આ સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા અને આજની ઘડી સુધી ભારતને એણે બચાવ્યું છે. એ સિદ્ધાંતને આપણે સૌ બેવફા રહ્યા છીએ. આપણે આજે જ્યાં છીએ ત્યાં હોવાનું કારણ આપણે આપણા આદર્શોને વળગી રહ્યા છીએ તે નથી પરંતુ, આપણને વારસામાં મળેલા એ મહાન આદર્શોને આપણે પૂરતા વફાદાર નથી રહ્યા તે છે.

માનવજાતથી ચડિયાતું બીજું કંઈ નથી. પરંતુ, આપણને લાગેવળગે છે ત્યાં સુધી, માનવવ્યક્તિ પૃથ્વી પરની આત્મજ્યોત છે. પરમાત્માનું ચૈતન્યમય મૂર્તરૂપ છે. બુદ્ધિજીવી પરનાં એ ૫રમાત્મતત્ત્વને આપણે જાણતાં નથી. પરંતુ, અવિરત પરમાત્મતત્ત્વને તમારે ઓળખવું હોય તો, સુખી અને તંદુરસ્ત હોય તેવા નહીં પણ જે રાંક હોય, જે પીડાતો હોય અને જે ત્રાસદાયક પરિસ્થિતિમાં હોય તેવા માનવબંધુને તમારે મળવું જોઈએ. માનવસેવા માટે આ આર્જવવાણી સૌ સંતોએ પોકારી છે. તમારે એને માટે કટિબદ્ધ થવાનું છે. આપણે પૂરતા વહેવારુ નથી અને ધ્યાન ધરવાવાળા વધારે છીએ એમ કહેતા લોકો છે. પરંતુ આપણા કોઈ પણ મહાન વિભૂતિનાં લખાણો કે જીવન આ વાતને અનુમોદન આપતાં નથી. અંતરનાં મહાન આદર્શોને જીવનમાં અવતરવા માટેની પ્રેરણા આપવા માટે આ મહાન ચેતનાશીલ વિભૂતિઓ સિવાય બીજા કોઈનો વિચાર તમે કરી નહીં શકો. બુદ્ધ, શંકર અને ગીતાચાર્ય એ સૌ એવા લોકો છે જે કેવળ ગિરિશિખરે વસતા એટલું નહીં પણ, સામાન્ય પ્રજાની સેવાર્થે આવતા અને ઇતિહાસની સપાટીએ પાછા આવતા. આ વલણને સુદૃઢ કરવા માટે ધ્યાનની પળો પણ આવશ્યક છે. તેમ, એ આદર્શોના પ્રત્યક્ષ અમલ માટે કર્મની પળો પણ આવશ્યક છે. હિંદુ ધર્મના મહાન આદર્શો માનવજાતને બચાવી શકશે. તેમનો પ્રચાર કરીને સ્વામી વિવેકાનંદે માનવજાત જ્યાં હતી ત્યાંથી તેને વધારે ઉદાત્ત અને શ્રેયસ્કર માર્ગે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો.

તમારો સામાજિક કાર્યક્રમ ગમે તે હોય, આર્થિક રાજકીય ક્ષેત્રે તમે ગમે તે ક્રાંતિ આણો, તમારી પાસે ચેતનામય ધાર્મિક પ્રેરણા નહીં હોય તો તમે એ સાહસમાં સફળ થશો નહીં. તમે ઉદ્દામ વિચારવાળા હો તોયે, તમારી જાતને પૂછજો કે, તમે મનુષ્યોને કેવળ રાજકીય કે સામાજિક પ્રાણીઓની કક્ષાએ ઉતારી માગવા ઈચ્છો છો કે, કશો બાહ્ય પદાર્થ જેને સ્પર્શી શકે નહીં તેવી આંતરિક પવિત્રતા તેને આપશો? મનુષ્યમાં રહેલા દૈવી સ્ફુલ્લિંગમાં તમે માનતા હો તો, સ્વામી વિવેકાનંદ જેના સૌથી મહાન પ્રણેતા હતા, તે આપણને પ્રાપ્ત થયેલી મહાન પરંપરાના સ્વીકારમાં જરાય હિચકિચાટ અનુભવશો નહીં.

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.