૨૦જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ કોલકાતાના દેશપ્રિય પાર્કમાં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ સમારોહની એક સાર્વજનિક સભામાં સભાનું ઉદ્‌ઘાટન કરીને ભારતના તત્કાલીન સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને આપેલા વક્તવ્યના હિંદી અનુવાદનો શ્રીમનસુખભાઇ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.

કોલકાતા નગરે શિક્ષણ, વિજ્ઞાન, સાહિત્ય અને આધ્યાત્મિક સાધનાનાં ક્ષેત્રમાં અનેક પ્રતિભાવાન મહાપુરુષોને જન્મ આપ્યો છે. આ બધા મહાપુરુષોમાં સર્વોચ્ચ સ્થાને સ્વામી વિવેકાનંદ છે. તેઓ આપણા દેશની ભાવનાઓનું મૂર્તરૂપ હતા. તેઓ ભારતની મહત્ત્વાકાંક્ષાઓ તેમજ તેમની પૂર્તિના પ્રતીક હતા. આ એ જ ભાવધારા છે કે જે આપણા દેશનાં ભક્તજનોનાં ભજનોમાં, આપણા આર્ષદૃષ્ટાઓનાં દર્શનમાં તથા સર્વસાધારણ જનની પ્રાર્થનાઓમાં અભિવ્યક્ત થઈ છે. એમને ભારતની આ ચિરંતન ભાવધારાને તાત્પર્ય અને વાણી આપ્યાં છે.

એમણે જે મહાનતા પ્રગટ કરી છે તેને જ જોઇને આપણામાંથી મોટા ભાગના સંતુષ્ટ થઇ જઇએ છીએ. પરંતુ જે રીતે એમણે એ મહત્તા પ્રાપ્ત કરી, અને જે મહાન મુશ્કેલીઓ સાથે ઝઝૂમીને એમણે એમના પર વિજય મેળવ્યો, જે આધ્યાત્મિક સંઘર્ષ એમને કરવો પડ્યો અને જે રીતે એમણે પોતાની દુર્દમનીય પ્રકૃતિને દૈવી પ્રયોજન માટે યોગ્ય બનાવી, આ બધી બાબતોનું અધ્યયન અત્યંત રોચક છે. પથિકો, સાધકો, તેમજ આધ્યાત્મિક જીવનમાં કંઇક શીખવા ઇચ્છુક કાર્યકર્તાઓને પણ આ અધ્યયનમાં લાભદાયક સામગ્રી મળી રહેશે.

અહીં એમનો જન્મ થયો, અહીંની એક સંસ્થામાં એમણે શિક્ષણ મેળવ્યું. અને એ જમાનાના લોકપ્રિય જ્હોન સ્ટૂઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર, ડેવિડ હ્યૂમ જેવાના ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. એમનું મન ક્ષુબ્ધ થઇ ગયું. તેઓ અહીં તહીં સત્યનો પથ ખોળવા લાગ્યા. અંતે પરમહંસ શ્રીરામકૃષ્ણનાં દર્શન સુધી એમની આ જ દશા રહી હતી. એમના વ્યક્તિત્વની છાપ, એમની શ્રદ્ધાની નિષ્ઠા તથા ભગવાન પ્રત્યેની ઉત્કટ અનુરાગપૂર્ણ ભક્તિથી સ્વામી વિવેકાનંદનાં જીવન અને કાર્યધારામાં અદ્‌ભુત પરિવર્તન આવ્યું. સ્વામીજી એ દિવસોમાં દાર્શનિકો અને તાર્કિકો સાથે શાસ્ત્રાર્થ કરવામાં વ્યસ્ત રહેતા; જ્યાં સત્યની વધુ વાતો થતી એવા અનેક સમાજોમાં સામેલ થયા. એવા સમયે તેઓ સીધા શ્રીરામકૃષ્ણ પાસે પહોંચ્યા અને એમને પૂછી નાખ્યું, ‘મહાશય શું આપે ઈશ્વરને જોયો છે?’ તત્કાલ પ્રશ્નનો ઉત્તર મળ્યો, ‘હા મેં એમને જોયા છે. જેવી રીતે હું તને જોઉં છું, એવી રીતે બલ્કે એનાથી વધારે સ્પષ્ટ અને નિકટથી જોઉં છું. શ્રીરામકૃષ્ણ કોઈ વિવાદ કરતા ન હતા કે કોઈ અનુમાન કરતા ન હતા; તેઓ તો પોતાનો સ્વાનુભવ વ્યક્ત કરી રહ્યા હતા અને દૃઢતાપૂર્વક કહી રહ્યા હતા કે તેઓ પોતાના જીવનમાં, પોતાના પ્રાણોના સ્પંદનમાં ભગવત્ સંસ્પર્શનો અનુભવ કરતા રહે છે. સાથે ને સાથે એમનું સમગ્ર જીવન ઈશ્વરના સાક્ષાત્કારમાં જ પસાર થયું છે. એને લીધે સ્વામી વિવેકાનંદના જીવનમાં ગંભીર પરિવર્તન આવ્યું. આપણા દેશની આ પરંપરા છે કે ધર્મ, વિવાદ કે તર્ક કે અનુમાન પર આધારિત નથી. ન મેધયા ન બહુના શ્રુતેન-મેધા શક્તિ કે શાસ્ત્રોના અધ્યયનથી નહીં, પરંતુ પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા આપણે એ પરમ પુરુષ એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો પડે. ઋગ્વેદ કહે છે- સદા પશ્યન્તિ સૂરય : તદ્વિષ્ણો : પરં પદમ્- એ પરમ પુરુષના પરમોચ્ચધામને સદા જોતા રહે છે. ઉપનિષદ્ કહે છે- વેદાહમેતમ્ પુરુષમ્ મહાન્તમ્ આદિત્યવર્ણં તમસ : પરસ્તાત્- આ જગતની ચમક દમકથી, તેના અંધકારથી ભ્રમણામાં ન પડો; એનાથી પર એક દેવતા છે. એ જ પરમ પુરુષ છે. તે સંવેદનીય છે, અનુભવગમ્ય છે અને સાક્ષાત્કારની વસ્તુ છે. ભારતની આ જ શીખ છે, ઉપદેશ છે. ભારત કોરા મતવાદો અને સિદ્ધાંતો પર ક્યારેય નિર્ભર નથી રહ્યું. એ બધા તો કેવળ ઉપકરણ છે, સર્વોચ્ચ કોટિના સત્યનો અનુભવ કરવાનાં સાધન છે. આ સત્ય છે કે દિવ્યપુરુષ આપણામાંના દરેકમાં છે. પણ એનો પ્રકાશ-(દર્શન) અવરુદ્ધ છે. એના પ્રાકટ્ય અથવા સાક્ષાત્કારને અડચણરૂપ થનાર મલિન આવરણ છે. જો આપણે પોતાના અંતરમાં રહેલ એ દિવ્ય પુરુષને પ્રગટ કરવા ઇચ્છીએ તો એ માટે પૂરતી સાધના, આત્મસંયમ, ધ્યાન વગેરે આવશ્યક છે. આ રીતે એને માટે ઘણો ભોગ આપવો પડે. ધર્મ કોઈ એવી વસ્તુ નથી કે જેને આપણે કેવળ ગ્રંથોના પઠન દ્વારા મેળવી શકીએ. એને હસ્તગત કરવા ભયંકર મુશ્કેલીઓનો સામનો કરીને પોતાના પૂરેપૂરા સ્વભાવને લુપ્ત કરીને રૂપાંતરિત કરી દેવો પડે. સ્વામીજીએ આ બધી પરિસ્થિતિઓને પાર પાડી અને જગતના રહસ્યની અનુભૂતિમાં સ્થિર – સ્થિત થઇ ગયા.

એક વાર આપણે જાણી લઇએ કે આ તત્ત્વ અનુભવની વસ્તુ છે, ત્યારે કયા માર્ગે એને આપણે પ્રાપ્ત કરીએ છીએ, એનું વિશેષ મહત્ત્વ નથી. એ બધી વાતો ગૌણ બની જાય છે, માત્ર માધ્યમ બની જાય છે. ૧૮૯૩ના સપ્ટેમ્બરમાં શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ આ મહત્ત્વપૂર્ણ ઉદ્ગાર કાઢ્યા હતા- બધા દેવતાઓથી શ્રેષ્ઠ દેવ છે, બધા ધર્મોથી શ્રેષ્ઠ એક ધર્મ છે અને સર્વશ્રેષ્ઠ એક તત્ત્વ છે જે આપણા બધા ધર્મવાદ, ક્રિયાયોગ, કર્મકાંડ, સિદ્ધાંત તથા રૂઢિઓથી પર છે. અને એ જ ધર્મ છે કે જેના આધાર પર સંપૂર્ણ જગત પૂર્વ અને પશ્ચિમનું સુભગ મિલન થઇ શકે છે. અહીં હું આપની સમક્ષ એમણે ગીતાના જે પ્રસિદ્ધ શ્લોકને ટાંક્યો હતા.

યે યથા માં પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ્

મમ વર્ત્માનુવર્તન્તે મનુષ્યા : પાર્થ સર્વશ : (૪.૧૧)

જે વ્યક્તિ જે રીતે મારી ઉપાસના કરે છે તેને હું એ જ રીતે સ્વીકાર કરું છું. બધા માનવો મારી ખોજમાં છે. એટલે હું એમના દ્વારા અપનાવવામાં આવેલ ભિન્ન ભિન્ન માર્ગાે, પ્રાર્થનાઓ અને વિધિઓમાં કોઈ ભેદ જોતો નથી. હું એની શોધનાને જાણું છું, એમના સાચા હૃદયે કરેલા પ્રયત્નોને જાણું છું. હું એ પણ જાણું છું કે તેઓ કેવી રીતે મારા-પરમ પુરુષ સુધી પહોંચવા માટે કઠોર સંકટોનો સામનો કરી રહ્યા છે. એટલે તેઓ મને કયા પથે ચાલીને પ્રાપ્ત કરે છે, એનું મારી દૃષ્ટિએ કોઈ મહત્ત્વ નથી. સ્વામીજીએ આ જ વાત કરી છે. ધર્મસભામાં એમણે ભારતની એ અમરવાણીની ઘોષણા કરી, એ વાણી વિશ્વધર્મની વાણી છે, એ વાણી કહે છે કે બધા દેવો ઉપર એક દેવ છે. ઋગ્વેદ કહે છે, દેવાનામ્ આદિદેવ એક : તે એક જ દેવાતાઓના આદિદેવ છે. અને આ જ વેદની વાણી છે કે એ એક આદિદેવનું મનુષ્યોએ અનેક પ્રકારે વર્ણન કર્યું છે. એટલે આપણા માટે એ આવશ્યક બની જાય છે કે આપણે સહિષ્ણુ બનીએ અને બધાની ભાવનાઓને સમજીએ. જે કાળમાં આપણો દેશ તાર્કિક વિવાદોમાં પડ્યો હતો, જ્યારે ધર્માચાર્યો પરસ્પરના કલહ અને વાદવિવાદમાં રચ્યાપચ્યા હતા, જ્યારે તેઓ પંથવાદી બની ગયા, હઠવાદી બની ગયા અને અલગ અલગ રાગઆલાપ કરી રહ્યા હતા ત્યારે સ્વામીજીએ દૃઢ વાણીમાં એમને કહ્યું, ‘અરે મૂર્ખ, પરમતત્ત્વ શું છે એને તમે સમજતા નથી. તમારે આ બધા દુરાગ્રહો અને મિથ્યાધારણામાંથી મુક્ત થવું જોઈએ અને એવી શ્રદ્ધા લાવવી જોઈએ કે તે એક વિશ્વદેવ બધા ધર્મોની સંપત્તિ, સમૃદ્ધિ છે. એ જ બધા ધર્મોમાં વસે છે. તેમજ પ્રત્યેક જીવ એ સનાતન પરમપુરુષની પ્રાપ્તિનો પથ ખોળતો રહે છે.’

બુદ્ધની જેમ સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ એક સમય એવો આવ્યો કે જ્યારે તેઓ એવું વિચારવા લાગ્યા કે અંતર્મુખી બનીને ધ્યાનના આનંદમાં જ ડૂબ્યા રહેવું જોઈએ, સંસારમાં પુન : જવું ન જોઈએ. પરંતુ શ્રી રામકૃષ્ણે એમને કહ્યું, ‘ધિક્કાર છે તને! પોતાની વ્યક્તિગત મુક્તિ માટે તું આટલો બધો છટપટે છે?’ શિવમ્ આત્મનિ પશ્યતિ- પરમ પુરુષ બધા પુરુષમાં છે. એ બધાએ પરમાત્માનું સ્વરૂપ જાણવું જોઈએ. આપણને એ ખ્યાલ આવવો જોઈએ કે સ્વામીજીને જે નરેન્દ્રનાથ નામ મળ્યું, તે કેવળ સંયોગ ન હતો. તેઓ નરઋષિના અવતાર હતા, માનવોના મૂર્તરૂપ હતા. નારાયણં નરસખં શરણં પ્રપદ્યે- નરસખા નારાયણ છે. સ્વામીજીને સમગ્ર માનવોનાં દુ :ખોનો અનુભવ થાય છે. તેઓ ઇચ્છે છે કે બધા માનવો જીવે, એક શોભનીય જીવન વિતાવે. આપણામાંથી મોટા ભાગના કેવળ અસ્તિત્વ ધારણ કરી રહ્યા છે, જીવનધારણ નહીં. એમની ઇચ્છા હતી કે આપણામાંથી પ્રત્યેકને શક્તિ મળી રહે, સૌંદર્ય પ્રાપ્ત થાય, શક્તિ અને સન્માન મળે અને આપણે સાચા અર્થમાં માનવ બનીએ. અત્યારે આપણે આવા નથી. એમણે આપણા દેશના દુ :ખને જાણ્યું છે. એમણે જોયું કે લાખો કરોડો લોકો દરિદ્રતા અને ભૂખથી પીડાતાં પીડાતાં કાળની ગર્તામાં સમાઇ જાય છે. એટલે જ તેઓ કહે છે, ‘હું તો દરિદ્રનારાયણનો પૂજારી છું, એ નારાયણનો નિવાસ આ જગતના બધા દીનદુ :ખી માનવોમાં છે. જ્યાં સુધી આવા લોકો છે ત્યાં સુધી હું કેવળ મારી પોતાની મુક્તિ કે પોતાના આત્મસુખથી કેવી રીતે સંતોષાઇ શકું? આ બધાના કલ્યાણ તરફ દૃષ્ટિ કરવી એ મારું કર્તવ્ય છે. માનવસેવા જ ઈશ્વરપ્રાપ્તિનો સર્વોત્તમ માર્ગ છે.’

એમણે આ વાત સંકુચિત અર્થમાં નહીં પણ માનવધર્મના રૂપે દેશભક્તિનું પ્રતિપાદન કર્યું હતું. એમનો ધર્મ આપણને બધા મનુષ્યોને એક પરિવારરૂપ માનવા શીખવે છે. એવા ધર્મને એમણે અપનાવ્યો અને એ જ ધર્મનો એમણે ઉપદેશ આપ્યો. એમણે કહ્યું, ‘આ માનવ નિર્માણ કરનારો ધર્મ છે’ આ માનવતાવાદી ધર્મમાં ધ્યાન-ધારણા અને સમાજસેવા એકબીજાથી અલગ નથી, પરંતુ બંને એક જ પ્રકારની ક્રિયાની અભિવ્યક્તિ છે. જો આપણે પોતાના અંત :કરણમાં પરમપુરુષના પવિત્ર સંસ્પર્શ પામીને તેમની સત્તાનો અનુભવ કરી લીધો હોય તો આપણું એ કર્તવ્ય બની જાય છે કે આપણે આ જગતમાં જે લોકો દુ :ખકષ્ટ ભોગવે છે એવા બીજા માનવોની સહાય કરવા તત્પર બની જઇએ. એટલા માટે એમણે કહ્યું હતું, ‘જ્યારે હું આપણા દેશવાસીઓનાં દુ :ખ જોઉં છું, જ્યારે લાખો ગરીબ અન્નવસ્ત્રના અભાવે માખીઓની જેમ મરી રહ્યા છે એ જોઉં છું ત્યારે મને ખૂબ દુ :ખ થાય છે, હૃદયથી દુ :ખ થાય છે.’ ભગવાનને પણ દયા આવે છે- ભગવાન્ અનુક્રોશમ્ અનુભવતિ- જ્યારે આપણે એ જોઈએ છીએ કે કેવી રીતે આ માનવો પોતાની ભીતર રહેલ દૈવી સ્ફુલિંગને પ્રગટ કરી શકતા નથી, એને જ્યોતિશીખા રૂપે પ્રજ્વલિત કરી શકતા નથી, ત્યારે એમને કરુણા આવે છે. એક પ્રકારની સહાનુભૂતિ ઉપજે છે. આ માટે જ આપણે આવ્યા છીએ? આપણે અહીં પોતાનું પૂર્ણત્વ પ્રાપ્ત કરવા આવ્યા છીએ અને આ પૂર્ણત્વ ધનસંચય, નામયશ, કે સંપત્તિનું ઉપાર્જન નથી. એનો અર્થ છે, ‘પોતાને પૂર્ણ બનાવવા, પોતાના અંતરની દિવ્ય જ્યોતિને જાગૃત કરીને પોતાને તેની પ્રતિમૂર્તિ કે પ્રતીક બનાવી દેવી. વસ્તુત : આ માનવતાવાદી, માનવનિર્માણકારી ધર્મથી, આપણે પોતાના બાલ્યકાળમાં પ્રેરણા અને સ્ફુર્તિ પ્રાપ્ત કરી છે. જ્યારે અમે લોકો સંભવત : મેટ્રિક(ધો.૧૧)માં ભણતા હતા ત્યારે હસ્તલિખિતરૂપે સ્વામી વિવેકાનંદના પત્ર અમને સૌને વાંચવા મળ્યા. આ પત્રો અમારા હૃદયમાં એક અપૂર્વ સ્પંદન જગાડી દેતા, એમાંથી અમને એક સંમોહનનો સ્પર્શ મળતો અને પોતાની એ સંસ્કૃતિ પ્રત્યે અડગ વિશ્વાસ બંધાઇ જતો. એ સંસ્કૃતિની એ દિવસોમાં ચારેબાજુ હાંસી ઠઠ્ઠામશ્કરી થતી. આ શતાબ્દિના પ્રારંભના નવયુવકોમાં એમના લેખોએ એવું જ એક આમૂલ પરિવર્તન લાવી મૂક્યું હતું. ચેન્નાઈમાં તો આવું જ બન્યું અને મને વિશ્વાસ છે કે આપણા દેશના બીજા ભાગોમાં પણ એવું જ બન્યું હશે.

આજે આપણે કેવળ પોતાના દેશના જ નહીં પરંતુ સમગ્ર જગતના ઇતિહાસના એક સંકટકાળમાં આવી પહોંચ્યા છીએ. કેટલાય વિદ્વાનોનો મત છે કે આ સમયે આપણે એક અત્યંત ઊંડી ખીણને કિનારે ઊભા છીએ. વસ્તુના મૂલ્યાંકનની વિધિ નષ્ટ થઇ ગઇ છે. આદર્શાેના નિર્ણયાત્મક પ્રમાણનું સ્તર નીચે સરી પડ્યું છે, પલાયનવાદનો વિસ્તાર થતો જાય છે. અને જનમાનસને તો જાણે કે વાતોન્માદ લાગુ પડી ગયો છે. જનમાનસ આના પર વિચાર કરીને નિરાશા, પરાજય અને વ્યર્થતાની અનુભૂતિ સાથે ખિન્ન થતો રહે છે. પરંતુ માનવઆત્માની શક્તિ પર આ પ્રકારનો અવિશ્વાસ કે અશ્રદ્ધા મનુષ્યના આત્મસન્માન પ્રત્યે એક વિશ્વાસઘાત સમાન છે, એ માનવપ્રકૃતિનું અપમાન છે. જગતમાં જેટલાં મહાન પરિવર્તન થયા છે તે માનવપ્રકૃતિ દ્વારા જ થયાં છે. સ્વામી વિવેકાનંદે જો કોઈ આપણી સમક્ષ મોટી ઉદ્ઘોષણા કરી હોય તો એ છે કે તે પોતાની સ્વયંની આધ્યાત્મિક શક્તિ પર શ્રદ્ધા રાખો. એટલું જાણી લો કે માનવની આધ્યાત્મિક શક્તિઓનો ભંડાર અક્ષય છે. એનો આત્મા સર્વોપરી છે. માનવ અદ્વિતીય છે. જગતમાં અપરિહાર્ય કંઇ નથી. અને આપણે આપણી સન્મુખ આવનારી ભયંકરમાં ભયંકર વિપત્તિઓ અને અડચણો પર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે આશાનો પરિત્યાગ કરવો ન જોઈએ. આપણને એમણે સંકટમાં સહનશીલતાનો ઉપદેશ આપ્યો છે અને દુ :ખમાં ધૈર્ય, અને નિરાશામાં ઉત્સાહ પ્રેર્યો છે. એમણે કહ્યું છે, ‘બાહ્યરૂપોમાં ભ્રમિત ન થાઓ, બધાના અંતરાલમાં દૈવી ઇચ્છા છુપાયેલી છે. આ વિશ્વમાં એક પ્રયોજન રહેલું છે. એ પ્રયોજન સાથે તાલમેલ રાખો. એને પ્રયત્નપૂર્વક હસ્તગત કરો.’ સ્વામીજીના જીવનમાંથી આપણે ત્યાગ, ઉત્સાહ, સેવા અને સંયમના આદર્શની શીખ લઇ શકીએ. એ સમય યાદ આવે છે, જ્યારે શ્રીરામકૃષ્ણે એમના પર નેતૃત્વની મહોર મારી દીધી. એમના અંતિમ શબ્દો, એમના શિષ્યોમાંથી કેવળ વિવેકાનંદ માટે જ હતા, ‘નરેન, આ બધાને જોજે – સંભાળજે, એમનામાંથી કેટલાક તો ઉંમરમાં સ્વામીજીથી મોટા હતા. પરંતુ જે ઉપદેશ મળ્યો એ ભવિષ્યવાણી જેવો હતો. એમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ સંસ્થાની ભારત તેમજ વિદેશમાં અનેક શાખાઓ છે. આધ્યાત્મિક જાગૃતિ અને સમાજ સેવાના ક્ષેત્રમાં મિશન દ્વારા થતી મહત્ત્વપૂર્ણ સેવાઓથી હું પરિચિત છું. મિશનની સ્થાપના સ્વામીજીની દૂરદર્શિતાનું પરિણામ છે તેમજ તે આજે આપણી સન્મુખ કાર્યશીલ છે; મને પૂર્ણ વિશ્વાસ છે કે જે અસંયત, તુચ્છ ભૌતિકવાદથી ઘેરાયેલ આ વિશાળ માનવતાના આધ્યાત્મિક કલ્યાણ તેમજ ભૌતિક પાલન માટે અનેક વર્ષો સુધી કાર્ય કરતાં રહેવું પડશે. એટલે આટલું આવશ્યક છે કે એ મહાન આત્માએ જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે, આપણને જે શીખ આપી છે એને આપણે યાદ રાખીએ. આપણે એ બધાને આત્મસાત કરીને જીવનમાં ઉતારવા જોઈએ. અને વિવેકાનંદ જેવા મહાપુરુષને જન્મ આપનાર ભારતમાતાના સુયોગ્ય પુત્ર બનવા પ્રયત્ન કરવો જોઈએ. ·

 

Total Views: 363

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.