(સ્વામી વિવેકાનંદજી વિદેશથી પાછા ફર્યા તે પછી જે યુવકોએ સૌ પ્રથમ તેમના આહ્વાનથી પોતાનું જીવન સર્વસ્વ જગતના કલ્યાણ કાજે સમર્પણ કર્યું, તેમાંના એક હતા. – સ્વામી શુદ્ધાનંદજી. પાછળથી તેઓ સમસ્ત રામકૃષ્ણ મઠ-મિશનના સાતમા પરમાધ્યક્ષપદે આસીન થયા હતા. તેમના જેવા યુવા શિષ્યો સાથેનાં સંસ્મરણો તેઓ અહીં રજૂ કરે છે. – સં.)

ઘણાં વર્ષો પસાર થઈ ગયાં છે. મને લાગે છે કે તે ઈ.સ. ૧૮૯૭નો ફેબ્રુઆરી માસ હતો, જ્યારે પશ્ચિમમાં પોતાની વિજય પતાકા ફેલાવી સ્વામી વિવેકાનંદે ભારતવર્ષમાં પદાર્પણ કર્યું. જ્યા૨થી સ્વામીજીએ શિકાગો ખાતેની ધર્મપરિષદમાં હિંદુ ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરી અને પશ્ચિમમાં હિંદુત્વની વિજય પતાકા ફેલાવી તે જ ક્ષણથી હું તેમને લગતી શકય તેટલી બધી જ માહિતી વર્તમાનપત્રોમાંથી એકઠી કરી અને ખૂબ જ રસપૂર્વક વાંચતો. મેં ફક્ત બે કે ત્રણ વર્ષ પહેલાં કૉલેજ છોડેલી અને હજુ કમાવા માટે ગોઠવાયેલો નહિ, જેથી હું મારો સમય ક્યારેક મારા મિત્રની મુલાકાતે જવામાં તો ક્યારેક ‘ઈન્ડિયન મિ૨૨’ના કાર્યાલયે જવામાં ગાળતો કે જ્યાંથી સ્વામીજી વિષેના છેલ્લામાં છેલ્લા સમાચાર એકઠા કરતો અને તેમના ભાષણોના અહેવાલોનો અભ્યાસ કરતો. ભારતમાં પગ મૂક્યા બાદ સિલોન અને મદ્રાસમાં તેઓ જે બોલેલા તે લગભગ બધું જ મેં વાંચી કાઢેલું. આ ઉપરાંત હું આલામબઝાર મઠની મુલાકાતે જતો અને સ્વામીજીના ગુરુભાઈઓ પાસેથી તેમ જ વારંવાર મઠમાં જઈ સ્વામીજી વિષેની માહિતી એકઠી કરતો. મારા કેટલાક મિત્રો પાસેથી સ્વામીજી વિષે સાંભળતો. તદ્ઉપરાંત ‘બંગબાસી’, ‘અમૃતબઝાર ‘હોપ’, ‘થિયૉસૉફિસ્ટ’ વગેરેમાં પોતપોતાના દૃષ્ટિબિંદુ તેમજ વલણ અનુસાર પ્રકાશિત થતી કેટલીક કટાક્ષાત્મક, કેટલીક ઉપાલંભપૂર્ણ તો કેટલીક ઉત્તેજનાપૂર્ણ ટીકાઓ વાંચવાની પણ હું છોડતો નહિ.

આજે સ્વામી વિવેકાનંદ સિયાલદા સ્ટેશને ઊતરે છે અને પોતાના જન્મસ્થળ કલકત્તા તરફ પાછા ફરે છે. લોકો પાસેથી સાંભળીને અને અહેવાલોમાંથી વાંચી સ્વામીજી વિષે મેં જે એક ચિત્ર મારા મનમાં ગઠિત કરેલ તેની આજે કસોટી થવાની અને તેમના વ્યક્તિત્વને જોઈને તે ચિત્ર આજે સ્પષ્ટ થવાનું છે. વહેલી સવારે ઘણા લોકો સ્વામીજીને આવકા૨વા આવી પહોંચેલા. મારા જાણીતા એવા કેટલાક માણસોને હું મળ્યો; તેમની સાથે સ્વામીજી વિષે સુંદર એવી ઘણી વાતો કરી. મેં જોયું કે અંગ્રેજીમાં છપાયેલી બે પત્રિકાઓ છૂટથી વહેંચવામાં આવી રહી હતી. સ્વામીજી પશ્ચિમમાંથી ભારત પાછા ફરવાના હતા તેના આગલા દિવસે અમેરિકનો અને અંગ્રેજોએ તેમણે આપેલી સેવા બદલ આભારની લાગણીઓ વ્યક્ત કરતાં બે વિદાય- ભાષણોની નકલો સ્વામીજીને ભેટ ધરેલી. તેની નકલો તે પત્રિકાઓમાં હતી. સ્વામીજીને મળવા આતુર માનવ સમુદાય ધીરેધીરે નાનાં નાનાં જૂથમાં આવવો શરૂ થયો. સ્ટેશનનું પ્લૅટફૉર્મ માનવ મહેરામણથી ઊભરાવા લાગ્યું. ખૂબ જ આતુરતાથી દરેક વ્યક્તિ એકબીજાને પ્રશ્ન પૂછી રહી હતી કે, ‘‘સ્વામીજીના આગમનમાં વિલંબ કેમ થાય છે?” પછી અમે સાંભળ્યું કે સ્વામીજી ખાસ ટ્રેઈનમાં આવી રહ્યા છે, અને તેમના આવવામાં વાર નથી. ત્યાં તો ખરેખર જ ગાડીનો અવાજ આવવો શરૂ થઈ ગયો, અને ગાડી પ્લૅટફૉર્મ ઉપ૨ ઊભી રહી ગઈ. ગાડીના જે ડબ્બામાં સ્વામીજી હતા બરાબર તે જ ડબ્બા પાસે સદ્ભાગ્યે હું ઊભેલો. સ્વામીજી ઊભા રહીને તેમને આવકા૨વા એકત્રિત થયેલા માનવસમુદાયનું હાથ જોડી અભિવાદન ઝીલી રહ્યા હતા. એ ક્ષણે તો હું સ્વામીજીને ફક્ત ઉપરછલ્લી નજરે જ જોઈ શકયો બાબુ નરેન્દ્રનાથ સેનના અધ્યક્ષપણા નીચે તૈયા૨ કરાયેલી સ્વાગત સમિતિના સભ્યો અંદર જઈ સ્વામીજીને ગાડીમાંથી નીચે લઈ આવ્યા. ઘણા લોકો તેમની ચરણ૨જ લેવા પડાપડી કરવા લાગ્યા. તેમની નજીક ઊભેલું આતુ૨ ટોળું આનંદના અતિરેકથી સ્વતઃ સ્ફૂર્ણાથી સ્વામીજી તથા શ્રીરામકૃષ્ણ પરમહંસદેવના નામનો જયઘોષ બોલાવી રહ્યા હતા. હું પણ તે લોકો સાથે જોડાયો. જ્યારે અમે પ્લૅટફૉર્મની બહાર આવ્યા ત્યારે અમે જોયું કે સ્વામીજીને લઈ જવા માટે તૈયાર રાખેલી ગાડીના ઘોડા છૂટા કરી દેવામાં આવેલા અને યુવાનોનું એક ટોળું તે ગાડી દોરી જવા તૈયાર થઈ રહ્યું હતું. મેં પણ તેમાં જોડાવા પ્રયત્ન કર્યો પણ તે ટોળાંએ મને તેમ કરતાં રોકયો. તેથી તે પ્રયત્ન છોડી દઈ મેં ગાડીથી થોડા અંતરે તેની સાથે સાથે ચાલવા માંડ્યું. સ્ટેશને સ્વામીજીનો સત્કા૨ ક૨વા એક સંકીર્તનમંડળી પણ આવેલી. આ આખી શોભાયાત્રાની સૌથી આગળ બૅન્ડવાજાવાળા બૅન્ડ બજાવી રહ્યા હતા. રસ્તાઓ પત્રપુષ્પોનાં તોરણ તથા ધજા-પતાકાથી શણગારવામાં આવેલા. રિપન કૉલેજની સામે ગાડી આવી પહોંચી. હવે સ્વામીજીને નિરાંતે જોઈ શકવાની મને તક મળી. મેં જોયું કે તેઓ ગાડીમાંથી ડોકું બહાર કાઢી કોઈ જૂના ઓળખીતા માણસ સાથે વાતો કરી રહ્યાં હતા. તેમનો ચહેરો અસામાન્ય તેજથી પ્રકાશમાન હતો. એવું લાગતું હતું કે જાણે તેજસ્વી પ્રકાશ પુંજનાં કિરણો તેમાંથી બહાર આવી રહ્યાં છે. છતાં મુસાફરીના થાકને લઈને ચહેરો થોડો ઝાંખો પડી ગયેલો લાગતો હતો. બે ગાડીઓમાંથી એકમાં સ્વામીજી તથા સેવિયર દંપતિ બેઠાં હતાં અને પૂજ્ય બાબુ ચારુચંદ્ર મિત્ર તેમાં ઊભા રહી પોતાના હાથની હિલચાલથી ટોળાનો દોરી સંચાર કરી રહ્યા હતા, જ્યારે બીજી ગાડીમાં શ્રી ગુડવીન, શ્રી હેરિસન (સિલોનના યુરોપિયન બૌદ્ધ સાધુ), જી.જી., કિડિ અને આલાસિંગા (સ્વામીજીના ત્રણ મદ્રાસી શિષ્યોમાંના એક) તેમ જ સ્વામી ત્રિગુણાતીતાનંદજી હતા. ઘણા લોકોની આજીજીભરી વિનંતીથી સ્વામીજી ગાડીમાંથી નીચે ઊતર્યા અને ત્યાં હાજર રહેલા લોકોને બેથી ત્રણ મિનિટનું સંબોધન કર્યું અને ત્યાંથી બાગલપુર સ્થિત પશુપતિ બાબુના ઘરે જવા નીકળી પડ્યા. મેં પણ સ્વામીજીને મનોમન પ્રણામ કરી મારા ઘ૨ ત૨ફ પ્રયાણ કર્યું.

બપોરના ભોજન બાદ હું ખગેન (પછીથી સ્વામી વિમલાનંદ)ના ઘરે ગયો. અને ત્યાંથી અમે બંને તેઓની ઘોડાગાડીમાં પશુપતિ બાબુને ત્યાં ગયા. તે વખતે સ્વામીજી ઉપરના ઓરડામાં આરામ લઈ રહ્યા હતા. ઘણા લોકોને અંદર જવાની પરવાનગી આપવામાં આવતી નહોતી. અમારા સદ્ભાગ્યે અમે કેટલાક અમારા સુપરિચિત એવા સ્વામીજીના ગુરુભાઈઓને મળી શક્યા. સ્વામી શિવાનંદજી અમને સ્વામીજી પાસે લઈ ગયા અને આ રીતે અમારી ઓળખાણ આપી, ‘‘આ યુવાનો આપના અત્યંત પ્રશંસક છે.” તે ઘરના પહેલા માળે આવેલા તે સુસજ્જ ઓરડામાં બે આરામખુરશી પર સ્વામીજી અને સ્વામી યોગાનંદજી પાસે પાસે બેઠેલા. ભગવા ઝભ્ભા પહેરેલા બીજા કેટલાક સ્વામીજીઓ અહીં તહીં ફરી રહ્યા હતા. અમે સ્વામીજીને પ્રણામ કર્યા અને જમીન પર પાથરેલી જાજમ પર સ્થાન લીધું . સ્વામીજી તે વખતે સ્વામી યોગાનંદજી સાથે વાતો કરી રહ્યા હતા. વાતચીતનો વિષય હતો, ‘અમેરિકા અને યુરોપમાં સ્વામીજીના અનુભવો’. તેમણે કહ્યું, ‘યોગીન, પશ્ચિમમાં મેં શું જોયું તે તું જાણે છે? આખા વિશ્વમાં હું મહાન દિવ્ય શક્તિની રમત જ જોઉં છું. આપણા પૂર્વજોએ તે શક્તિને ધર્મ અને તત્ત્વજ્ઞાનમાં અભિવ્યક્ત કરી છે, જ્યારે પશ્ચિમના લોકો આધુનિક યુગમાં આ જ આત્મશક્તિને ક્રિયાશીલ પ્રવૃત્તિ દ્વારા અભિવ્યક્ત કરે છે. ખરેખર, સમસ્ત બ્રહ્માંડમાં આ જ મહાશક્તિ વિવિધ સ્વરૂપે અભિવ્યક્તિ પામી છે.”

ખગેન તરફ નજર પડતાં, તેનો કૃષકાય દેખાવ જોઈને સ્વામીજી બોલ્યા, “આ છોકરો એકદમ જ માંદો દેખાય છે.’’ સ્વામી શિવાનંદે કહ્યું, ‘‘તે ઘણા લાંબા સમયથી અજીર્ણથી પીડાય છે.” સ્વામીજીએ પૂછ્યું, ‘‘આપણું બંગાળ વધુ પડતું લાગણીશીલ નથી લાગતું? તેથી જ અહીં અજીર્ણના વધુ પડતા કિસ્સાઓ જોવા મળે છે.” થોડી વાર પછી અમે પ્રણામ કરી ઘે૨ પાછા ફર્યા. સ્વામીજી અને તેમના શિષ્યો – સેવિયર – દંપતી કાશીપુરમાં સ્વ. ગોપાલ લાલ સીલના ઉઘાનગૃહમાં રહેતાં હતાં. અમે સ્વામીજીની વાતચીત સાંભળવા અમારા મિત્રો તથા સંબંધીઓ સાથે ત્યાં વારંવાર જતા. હવે તે દિવસોની જે થોડી ઘણી વિગતો મારી યાદદાસ્તમાં જળવાઈ છે, તેમાંથી થોડું નોંધવા પ્રયત્ન કરીશ.

આ જ ઉઘાનગૃહમાં એક ઓરડામાં મેં સૌ પ્રથમ વાર સ્વામીજી સાથે સીધી જ વાત કરેલી, તે વખતે સ્વામીજી અંદર બેઠેલા, હું ત્યાં ગયો અને તેમને મેં પ્રણામ કર્યા. ઓરડામાં બીજું કોઈ હતું નહિ. એકદમ જ ખબર નહિ કેમ પણ સ્વામીજીએ મને પૂછ્યું, ‘‘તું ધૂમ્રપાન કરે છે?’’ મેં જવાબ આપ્યો, ‘‘ના.’’ તે જવાબ સાંભળી સ્વામીજી બોલ્યા, ‘‘બહુ સરસ, ધૂમ્રપાન સારું નથી. હું પણ તે છોડવા પ્રયત્ન કરી રહ્યો છું.” બીજે દિવસે એક વૈષ્ણવ ભગત સ્વામીજીને મળવા આવેલા. તેમની સાથે વાતચીત ચાલતી હતી. સ્વામીજીએ કહ્યું, ‘‘બાબાજી, અમેરિકામાં મેં એક વખત તે લોકોને શ્રીકૃષ્ણ વિષે પ્રવચન આપ્યું. એ પ્રવચનની અસરથી એક અત્યંત સુંદર, ચાલાક અને સારી એવી સંપત્તિની વારસદાર યુવતી બધું જ છોડીને એકાંતવાળા ટાપુ પર જતી રહી અને ઈશ્વરના ધ્યાનના નશામાં ખોવાઈ ગયેલી.’ ત્યાર બાદ ‘ત્યાગ’ ઉપર બોલતાં સ્વામીજીએ કહ્યું, જે ધાર્મિક સંપ્રદાયોમાં ત્યાગની મશાલ જલતી નથી રહેતી, તે બધામાં સડો જલદીથી પેસી જાય છે.’’

બીજા એક દિવસે અમે જોયું કે સ્વામીજી પાસે ઘણા બધા માણસો એકત્રિત થયેલા. સ્વામીજીની વાતચીત એક યુવાન સદ્ગૃહસ્થને લઈને ચાલતી હતી. એ બંગાળ થિયૉસૉફિકલ સૉસાયટીના ક્વાર્ટર્સમાં રહેતો હતો. તે યુવાને કહ્યું: ‘‘હું ઘણા બધા સંપ્રદાયોમાં ગયેલો, પણ હજુ સુધી મને સત્ય લાધ્યું નથી.” સ્વામીજી પ્રેમાળ સ્વરે બોલ્યા, “બેટા. એક વાર મારું મન પણ ખિન્ન થઈ ગયેલ. તું તેને લઈને આટલો ચિંતિત શા માટે થાય છે? લોકોએ તને શું ક૨વા કહેલું? તેમાંથી તેં શું કર્યું તે મને કહે.” યુવાને જવાબ આપ્યો, સ્વામીજી અમારા સમાજમાં ભવાનીશંક૨ નામે એક ઉપદેશક છે, જે સંસ્કૃતના ઉચ્ચ કક્ષાના વિદ્વાન છે. તેમણે મને આધ્યાત્મિક વિકાસના તબક્કામાં મૂર્તિપૂજાના મહત્ત્વ વિષે ખૂબ જ સરસ રીતે સમજાવેલ. તેમની આજ્ઞા અનુસાર થોડા સમય માટે મેં વિધિવિધાન પ્રમાણે પૂજા કરવાનું શરૂ કરેલ, પણ જે શાંતિ હું ઝંખતો હતો તે મને તેમાંથી મળી જ નહિ. એવા સમયે એક સદ્ગૃહસ્થે મને કહ્યું, “તારા મનને શૂન્ય કરવાનો પ્રયત્ન કર, અને જો તે પ્રયત્નમાં તું સફળ થઈશ તો તને શાંતિ મળશે.” મેં તે સલાહ અનુસાર પણ થોડા દિવસો પસાર કર્યા. પણ મારો હેતુ સર્યો નહિ. સ્વામીજી, હજુ પણ હું બંધ ઓરડામાં બેસી બની શકે એટલો લાંબો સમય ધ્યાન કરું છું છતાં શાંતિ જાણે કે મારાથી ઘણી દૂર છે. તો આ શાંતિ મને કેવી રીતે મળે?’’

સ્વામીજીએ પ્રેમાળ ભાવે જ બોલવાનું ચાલુ રાખ્યું, ‘‘મારા દીકરા, તને જો મારા શબ્દોમાં વિશ્વાસ હોય તો સૌ પ્રથમ તો હું તને સલાહ આપીશ કે તારા ઓરડાનાં બધાં જ બારીબારણાં ખોલી નાખ! તું જ્યાં રહે છે તે વસાહતમાં કેટલાંય ગરીબ લોકો દુ:ખમાં અને અવનતિની ગર્તામાં જીવી રહ્યાં છે. તારે એવા લોકો પાસે જવું પડશે અને તારા સંપૂર્ણ ઉમંગ અને ઉત્સાહ સાથે તેમની સેવા કરવી પડશે. જેઓ માંદા છે, તેમને દવાઓ આપ અને ખૂબ કાળજીથી તેમની પરિચર્યા કર, ભૂખ્યાંને ખોરાક આપવાની વ્યવસ્થા કર, અજ્ઞાનીઓની તારી પાસે જેટલું જ્ઞાન છે તે દ્વારા શીખવ, અને જો આ રીતે તું તારા ભાઈઓની સેવા ક૨વી શરૂ કરીશ, તો બેટા, હું તને કહું છું કે ચોક્કસ તારા મનને સમાધાન મળશે અને તું શાંતિ મેળવીશ.’’ તે યુવાને પૂછ્યું ‘‘સ્વામીજી, હું તો નબળો છું. જો હું એકલા ગરીબોની સેવા ક૨વા જઉં અને રાત્રે મોડે સુધી જાગી મારા જીવનની નિયમિતતા તોડું, તો હું માંદો પડી જઉં તો પછી મારું શું થશે?’’

આ બધો વખત સ્વામીજી તે યુવાન સાથે, તેની માનસિક મુશ્કેલીઓ ત૨ફ સહાનુભૂતિપૂર્વક જોઈ, પ્રેમથી બોલતા હતા. પણ તેના આ છેલ્લા શબ્દોથી સ્વામીજી એકદમ ખીજાઈ ગયા. તેથી હવે સ્વામીજી જુદા સ્વરમાં બોલ્યા, ‘‘જો, તારા ભાઈઓની સ્વેચ્છાએ સેવા કરવામાં તારે તારા જીવનની ઊંચી કિંમત ચૂકવવાની છે. હવે હું તેમ જ અહીં એકત્રિત થયેલા બધાંય સારી રીતે સમજી શકીએ છીએ કે જે પોતે પોતાની તંદુરસ્તી અને અનુકૂળતાના ભોગે પણ બીજાની સેવા માટે પરિશ્રમ કરે છે એવા પ્રકારનો માણસ તું નથી.” ત્યાર બાદ તે યુવાન સાથે વધુ વાતચીત થઈ નહિ.

બીજે દિવસે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક માસ્ટર મહાશય સાથે વાતચીત થતી હતી, જેમાં માસ્ટર મહાશયે સ્વામીજીને પૂછ્યું, ‘‘તમે સેવા, દાન અને જગતનું ભલું કરવા વિષે બોલો છો, તો શું તે પરોપકારી લોકો પણ માયાના રાજ્યમાં આવી જતા નથી? જ્યારે વેદાંતનો હેતુ મુક્તિ – એટલે કે માયાના આવરણને છેદવાનો છે. તો પછી માયાના ગૂંચવાડામાં સખત રીતે જકડાયેલા લોકોને આ શિક્ષણ આપવાનું પરિણામ શું આવશે?” સ્વામીજીના ટૂંકાં અને સચોટ જવાબે માસ્ટર મહાશયને ક્ષુબ્ધ તેમજ સ્તબ્ધ કરી દીધા. ‘‘શું મુક્તિનો વિચાર પણ માયાના રાજ્યની અંદર નથી આવતો? આત્મા નિત્યમુક્ત છે. તેથી તમારે તેની મુક્તિ માટે પ્રયત્ન કરવાની જરૂર શી?” અમે સમજી ગયેલા કે માસ્ટર મહાશય બધા જ પ્રકારના સાધક માટે સેવા, દાન, પ્રેમ અને પરોપકારિક્તાના મહત્ત્વને બાજુએ મૂકી ધ્યાન, જપ, ધારણા અને એવી બીજી ભક્તિમય સાધના પર ભાર મૂકવા તત્પર હતા. પરંતુ સ્વામીજીની દૃષ્ટિએ, જેવી રીતે અમુક વર્ગના જિજ્ઞાસુઓ માટે ભક્તિની સાધનાની તાતી જરૂરિયાત છે, તેવી જ રીતે બીજા એવા વર્ગના જિજ્ઞાસુઓ પણ છે કે જેમના આધ્યાત્મિક વિકાસ માટે કર્મ-યોગના આદર્શો પ્રેરકબળ સમા છે. જો તમે કર્મયોગનું મહત્ત્વ ઓછું આંકો તો, ધ્યાન, જપ વગેરેની અસ૨કા૨ક્તાને પણ બાજુ ૫૨ મૂકવી જ પડે, પણ જ્યારે તમે સાધનાના એક પથને સ્વીકારો ત્યારે સાથોસાથ બીજા સાધનાપથોને પણ સ્વીકાર્યા વગર ચાલશે જ નહિ, સ્વામીજીના આ સચોટ જવાબ ઉપરથી અમે એટલું તો પકડી જ શક્યા કે માસ્ટર મહાશય કર્મયોગના આદર્શોને માયાના ભાગરૂપ ગણી તેનું મહત્ત્વ ઓછું આંક્તા હતા અને મુક્તિના એકમાત્ર માર્ગ તરીકે ધ્યાન, જપ, ધારણા વગેરેનો સ્વીકાર કરતા હતા. સ્વામીજીના ઉદાર હૃદય અને તીક્ષ્ણ બુદ્ધિએ આ ભ્રામક દલીલને એકદમ જ પકડી પાડી. અને આધ્યાત્મિક સાધનાના આ મર્યાદિત અને સંકુચિત અર્થઘટનને તેઓ સાંખી શક્યા નહિ. તેમણે પોતાને અદ્ભુત દલીલો દ્વારા બતાવ્યું કે મુક્તિની મથામણનો પણ માયાના રાજ્યની અંદર જ સમાવેશ થઈ જાય છે. અને આધ્યાત્મિક જીવનના વિકાસમાં ભક્તિની સાધનાનું જે સ્થાન છે, તે જ સ્થાને સેવા, દાન વગેરેને મૂકીને તેમણે તે પ્રતિપાદિત કર્યું કે કર્મયોગને અનુસ૨નારાઓ પણ બીજા યોગના અનુયાયીઓની જેમ જ પોતાની માન્યતાના હક્કદાર છે.

ત્યાર પછી વાતચીતે થૉમસ એ. કૅમ્પિસ અને તેનું પુસ્તક ‘ઈમિટેશન ઑફ ક્રાઈસ્ટ’ ઉપ૨ વળાંક લીધો. અમારામાંના ઘણા જાણીએ છીએ કે જગતનો ત્યાગ કરતાં પહેલાં સ્વામીજી આ ચોપડી ખૂબ રસપૂર્વક વાંચતા હતા. અને જ્યારે સંન્યાસીઓનો નિવાસ વરાહનગર ખાતે ખસેડવામાં આવ્યો ત્યારે સ્વામીજીના ગુરુભાઈઓ સાધનાની એક વિશિષ્ટ મદદગાર ચાવીરૂપે આ ચોપડી અને તેના ઉપદેશનું વાચન-મનન કરતા. સ્વામીજીને આ પુસ્તક એટલું તો ગમતું કે તે દિવસો દરમિયાન ‘સાહિત્ય કલ્પદ્રુમ’ નામે પ્રકાશિત થતા એક સમકાલીન સામયિકમાં તેમણે આ પુસ્તકની પ્રસ્તાવના લખેલી અને તેના ઉપદેશોનું ‘ઈશાનુસરણ’ શીર્ષક હેઠળ બંગાળીમાં મુક્ત ભાષાંતર પણ શરૂ કરેલું.

આ પ્રસ્તાવના વાંચવાથી આપણે સમજી શકીશું કે સ્વામીજી આ પુસ્તકને પોતાના કયા માનસિક વલણથી જોતા અને તેમને તેના લેખક તરફ કેટલી આદરની માનની લાગણી હતી! અને ખરેખર આ પુસ્તક વિવિધ પ્રકારના અનેક વિષયો જેવા કે ‘ત્યાગ’, ‘વિવેક’ ‘નમ્રતા’, ‘દાસ્યભક્તિ’ વગેરે ઉપર એવી ઉન્નત સલાહ પ્રદર્શિત કરે છે, કે જેની અસર કોઈ પણ વાચકના મન પર થયા વગર રહેતી નથી. ત્યાં હાજર રહેલામાંના એકને તે વખતે તે ચોપડીના ઉપદેશ વિષે સ્વામીજીનો અભિગમ જાણવાની ઉત્કંઠા થવાથી તે પુસ્તકમાંથી ‘નમ્રતા’ ઉપર આપેલ ઉપદેશનું વાચન કરી તેણે કહ્યું કે પોતાની જાતને નીચામાં નીચી ગણ્યા વગર આધ્યાત્મિક વિકાસ કરવો અશક્ય જ છે. તે સાંભળી સ્વામીજી બોલ્યા, “આપણી જાતને નીચી માનવાની શી જરૂર છે? હવે આપણા માટે અજ્ઞાન રહ્યું છે જ કયાં? આપણે તો જ્ઞાનનો પરમાનંદ મેળવી લીધો છે. આપણે તે જ્ઞાનામૃતનાં સંતાનો છીએ.’’

આ જવાબ ઉપરથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે જે ચોપડીમાં બતાવેલા છે તે પ્રારંભિક સાધનાના તબક્કાઓ, તે તેમણે (સ્વામીજીએ) પાર કરી લીધા છે, અને હવે તો સાક્ષાત્કારની ઉચ્ચ ભૂમિકા મેળવી લીધી છે. આપણે ખાસ નોંધ તો એ બાબતની લઈશું કે દૈનિક જીવનની ક્ષુલ્લક બાબતો પણ તેમના પરીક્ષણમાંથી છટકી શકતી નહિ, અને તેઓ તે બઘી બાબતોને ઉચ્ચ આધ્યાત્મિક સભ્યોને લોકપ્રિય બનાવવાનાં સહાયક પરિબળો બનાવવા માટે આમૂલાગ્ર બદલી નાખતા.

એક વખત શ્રીરામકૃષ્ણદેવના ભત્રીજા શ્રી રામલાલ ચટ્ટોપાધ્યાય (જેઓ રામકૃષ્ણ સંઘમાં રામલાલ દાદા તરીકે ઓળખાતા) દક્ષિણેશ્વરથી સ્વામીજીની મુલાકાતે આવ્યા. તેમને જોઈને સ્વામીજી તેમના માટે એક ખુરશી લાવ્યા અને તેના પર તેમને બેસવાનું કહી પોતે અહીંથી તહીં આંટા મારવા લાગ્યા. પોતાને મળતા આ માન બદલ દાદા ખૂબ જ પીગળી ગયા અને સ્વામીજીને તેના પર બેસવા માટે કરગરવા લાગ્યા. પરંતુ સ્વામીજી તેમને છોડવા માગતા નહોતા અને પછી ખૂબ વિરોધના અંતે દાદા તે ખુરશી પર બેઠા. સ્વામીજીએ આમથી તેમ આંટા મારવાનું ચાલુ રાખ્યું અને સ્વગત બોલતા રહ્યા, ‘‘ગુરુવત્ ગુરુપુત્રેષુ”. ગુરુની જેમ જ ગુરુના પુત્ર વારસદારને પણ માન આપવું જોઈએ. અહીં અમે જોયું કે સ્વામીજી આટલાં માન અને ગરિમા મેળવનાર હોવા છતાં તેમનામાં અહંકાર તો લેશમાત્ર પણ હતો નહિ. અમે એ પણ શીખ્યા કે ગુરુભક્તિ વ્યક્ત ક૨વાનો આ એક માર્ગ છે.

ઘણા વિદ્યાર્થીઓ સ્વામીજીને મળવા આવેલા. એ વખતે સ્વામીજી ખુરશી પર બેઠા હતા. તેમની પાસેથી કંઈ પણ સાંભળવાની આતુરતાએ બધા જ સ્વામીજીને ઉભડક પગે ઘેરી વળ્યા. સરખા બેસી સાંભળી શકાય તેવી કોઈ જગ્યા બાકી ન રહેતાં બધા જ જેમતેમ જમીન ૫૨ બેસી ગયેલા. કદાચ સ્વામીજીના મનમાં એવો વિચાર ઝબકી ગયેલો કે બધાને ખુરશી આપવી જોઈએ પણ, પછી તરત જ તેમનું મન બીજા જ મુદ્દા તરફ વળી ગયું અને બીજી રીતે વિચારતાં તેઓ બોલ્યા, ‘‘કંઈ વાંધો નહિ! બધા સારી રીતે જ બેઠેલા છો. થોડી તપસ્યાની આદત પાડવી એ તો યોગ્ય જ ગણાય.”

એક દિવસ અમે અમારા શહેરની વસાહતમાં રહેતા શ્રી ચંડીચરણ વર્ધનને અમારી સાથે લીધા. ચંડીબાબુ એક નાની ‘હિંદુ બૉયઝ સ્કૂલ’ના વ્યવસ્થાપક હતા, જેમાં ત્રીજી કક્ષા સુધી શિક્ષણ આપવામાં આવતું. પહેલેથી જ તેઓ ઈશ્વ૨ના ખૂબ જ ચાહક હતા. સ્વામીજીનાં ભાષણો વાંચ્યા બાદ સ્વામીજી માટે એમનામાં પ્રગાઢ વિશ્વાસનો વિકાસ થયો. ઘણા વખત પહેલાં પોતાની ભક્તિની સાધનાની અનુકૂળતા માટે તેમણે જગતનો ત્યાગ કરવાનું પણ વિચારેલ. પરંતુ આ પ્રયત્નમાં તેઓ સફળ ન થયા. થોડો વખત તેમણે શોખથી નાટકમાં ભાગ પણ લીધેલો તેમ જ નાટ્યલેખક તરીકે પણ તેઓ ઊભરી આવેલા. સ્વભાવે તેઓ ખૂબ જ લાગણીશીલ હતા. લોકશાહીના પુરસ્કર્તા ઍડવર્ડ કાર્પેન્ટર સાથે તેમને ઓળખાણ હતી. પોતાના પુસ્તક ‘એડમ્સ પીક ટુ ઍલીફન્ટા’માં લેખકે ચંડીબાબુ સાથેની પોતાની મુલાકાત વિષે લખ્યું છે, તેમ જ તેમાં તેના ચિત્રનો પણ સમાવેશ કરેલ છે.

ચંડીબાબુએ આવીને ખૂબ જ માનપૂર્વક સ્વામીજીને પ્રણામ કર્યા અને પૂછ્યું, ‘‘સ્વામીજી, આપણે ગુરુ તરીકે કોનો સ્વીકાર કરી શકીએ?’’ સ્વામીજીએ કહ્યું, ‘‘જે વ્યક્તિ તમારા ભૂતકાળ અને ભવિષ્યને જાણી શકે અને તેના વિષે તમને કહી શકે તેને તમારા ગુરુ તરીકે ઓળખાવી શકાય. મારા ગુરુએ મારા ભૂતકાળ અને ભવિષ્ય વિષે બધું જ કહેલું.”

ચંડીબાબુ: “અચ્છા, સ્વામીજી, વાસનાને કાબૂમાં રાખવામાં કૌપીન પહે૨વાથી કોઈ રીતે મદદ મળી શકે?’’

સ્વામીજી: ‘‘થોડી એવી મદદ મળી શકે. પરંતુ બેટા, જ્યારે વાસના પ્રબળ બની જાય, ત્યારે શું તેને કૌપીનથી કાબૂમાં લઈ શકાય કે? જ્યાં સુધી સંપૂર્ણ મન ઈશ્વરને ન આપીએ ત્યાં સુધી, બીજું કોઈ બાહ્ય નિયંત્રણ વાસનાનો સમૂળો નાશ ન કરી શકે. પણ, જ્યાં સુધી મન તે સ્તર સુધી પહોંચી ન શકે ત્યાં સુધી તે (મન) બાહ્ય સહાયથી પોતાને રક્ષિત કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. એક વખત મારામાં વાસનાની લાગણી ઊભી થઈ, મને મારી જાત ઉપર એવો અણગમો ઉત્પન્ન થયો કે હું બળતા અંગારાના વાસણ ઉપર બેસી ગયો. ઘણા લાંબા સમયે તે ઘાવમાં રૂઝ આવી.’’

ચંડીબાબુએ સ્વામીજીને બ્રહ્મચર્યને લગતા ઘણા પ્રશ્નો પૂછ્યા અને સ્વામીજીએ પણ બિલકુલ નિખાલસતાથી તે વિષે પોતાના બધાં જ રહસ્યોનું સચોટ વિવરણ આપ્યું. ચંડીબાબુ સાધનામાં સખત પ્રયત્નો કરી રહ્યા હતા. પણ પોતે ગૃહસ્થ હોવાથી પોતાને સંતોષકારક સગવડ બધા જ સમયે ઉપલબ્ધ નહોતી. બધી જ સાધનાની મુખ્ય જરૂરિયાત બ્રહ્મચર્ય જ છે તેમ જાણ્યા બાદ, સંપૂર્ણ સંતોષથી તેને અમલમાં મૂકવા તેઓ શક્તિમાન નહોતા અને તેઓ યુવાન છોકરાઓને ભણાવવામાં અને તેની વ્યવસ્થામાં જ પોતાનો સમય આપતા હોવાથી તેમણે પ્રસંગોપાત એ નોંધેલું કે નૈતિક તેમ જ આધ્યાત્મિક શિક્ષણના અભાવે તથા ખરાબ સોબતની અસરથી યુવાન છોકરાઓ કેવા કોમળ વયમાં જ જાતીય પવિત્રતા ગુમાવે છે. અને તેઓ હંમેશાં પોતાની જાતે તે જ વિચારતા રહે છે કે કેવી રીતે છોકરાઓની આ ગુમાવેલી જાતીય પવિત્રતા પુનર્જીવિત કરી શકાય. પરંતુ, જે વ્યક્તિએ પોતે જે વસ્તુ મેળવેલ નથી તે બીજાને કેવી રીતે આપી શકે?

આમ, પોતા માટે બ્રહ્મચર્ય પાળવા તેમ જ તે પોતાના છોકરાઓમાં આરોપિત કરવા અશક્તિમાન થતાં તેઓ (ચંડીબાબુ) ક્યારેક ક્યારેક ખૂબ જ ચિંતિત અને નિરાશ થઈ જતા. તેથી અત્યારે આ આદર્શ બ્રહ્મચારી સ્વામીજીની એકદમ જ સીધી – સાદી સલાહ તેમ જ તેમના શક્તિદાયી શબ્દોથી તેમનામાં આશાનો સંચાર થયો કે આ મહાપુરુષ જ જો ધારે તો તેમનામાં તેમ જ તેમની શાળાના છોકરાઓમાં બ્રહ્મચર્યના પ્રાચીન આદર્શનું પુનર્જાગરણ કરી શકશે. મેં પહેલાં જ બતાવ્યું તેમ ચંડીબાબુ સ્વભાવે ખૂબ જ લાગણીશીલ હતા. એકદમ જ અનિયંત્રિત ઉત્સાહથી સળગતા હોય તેમ અતિ ઉશ્કેરાટમાં અંગ્રેજીમાં જ મોટેથી બોલવા લાગ્યા, “Oh! great teacher, tear up this evil of hypocrisy and teach the world the ‘one’ thing needful – how to conquer lust.” ઓ મહાન ગુરુ! દંભના આ દૂષણને તોડીફોડીને જગતને એક ખૂબ જ જરૂરી વાત – વાસનાને કઈ રીતે જીતવી – તે શીખવો.” સ્વામીજીએ ચંડીબાબુને શાંત કર્યા.

વાતચીતનો બીજો મુદ્દો હતો ઍડવર્ડ કાર્પેન્ટર વિષે. સ્વામીજી બોલ્યા, ‘‘લંડનમાં તેઓ ઘણા પ્રસંગે મને મળવા આવતા. મારી બાજુમાં જ બેસતા. બીજા પણ ઘણા સમાજવાદી લોકશાહીના પુરસ્કર્તાઓ મને મળવા આવતા. વેદાંતિક ધર્મમાં પોતાના આદર્શોને મળતો ટેકો જોઈ તેઓ વેદાંતના ઉપદેશ તરફ ખૂબ જ આકર્ષિત થયેલા.”

સ્વામીજીએ તેમનું પુસ્તક ‘ઍડમ્સ પીક ટુ ઍલીફન્ટા’ વાંચેલ. તેથી તેમને તેમાં આપેલ ચંડીબાબુનું ચિત્ર યાદ હોવાથી તેમણે કહ્યું કે તેમના (ચંડીબાબુના) દેખાવથી તેઓ પરિચિત છે જ. ધીમે ધીમે સંધ્યાના ઓળા ઉતરવા લાગ્યા. તેથી સ્વામીજી થોડા આરામ માટે ઊભા થયા અને ચંડીબાબુને સંબોધતાં બોલ્યા, ‘‘ચંડીબાબુ, તમે ઘણા છોકરાઓના સંપર્કમાં આવો છો. તેમાંથી કેટલાક સુંદર છોકરાઓ તમે મને આપી શકો કે?’’ સ્વામીજીએ જ્યારે આ પૂછ્યું ત્યારે ચંડીબાબુ થોડા નતમસ્તક હોવાથી સ્વામીજીની વાત સમજી ન શકવાથી જ્યારે સ્વામીજી આરામ લેવા ઓરડામાં ગયા ત્યારે તેમની પાછળ જઈને સુંદ૨ છોકરાઓ વિષે તેમણે શું કહ્યું તે પૂછવા લાગ્યા. સ્વામીજીએ જવાબ આપ્યો, ‘‘જેઓ દેખાવમાં સુંદર છે એવા છોકરાઓ મારે નથી જોઈતા. મારે તો કેટલાક બળવાન, શક્તિમાન, સેવા કરી શકે તેવા ચારિત્ર્યવાન છોકરાઓની જરૂરત છે. હું તેવા છોકરાઓને તાલીમ આપવા માગું છું કે જેથી તે લોકો પોતાના મોક્ષ તેમજ જગતના કલ્યાણ માટે પોતાની જાતને તૈયાર કરે.”

બીજા એક દિવસે અમે જ્યારે ત્યાં ગયા ત્યારે સ્વામીજીને આમથી તેમ આંટા મારતા “વિવેકાનંદજીના સાંનિધ્યમાં”ના લેખક શ્રી શરતચંદ્ર ચક્રવર્તી સાથે ખૂબ જ આત્મીયતાથી વાતચીત કરતા જોયા. અમે ખૂબ આતુરતાથી સ્વામીજીને એક પ્રશ્ન પૂછવાની રાહ જોઈ રહ્યા હતા. પ્રશ્ન આ હતો – અવતાર અને મુક્ત અથવા સિદ્ધ પુરુષ વચ્ચેનો ભેદ શો? અમે ખાસ શરતબાબુને તે પ્રશ્ન સ્વામીજીને પૂછવા વિનંતી કરી અને તેમણે તે મુજબ કર્યું. સ્વામીજીએ કહ્યું, ‘‘બધી જ સ્થિતિઓમાં વિદેહ-મુક્તિ (મૃત્યુ પછીની મુક્તિ) સૌથી ઉત્તમ ગણાય – આ મારી દૃઢ માન્યતા છે. મારા સાધનાકાળ દરમિયાન જ્યારે હું ભારતવર્ષમાં ઘૂમી રહ્યો હતો ત્યારે કેટલાય દિવસો તો મેં ગુફાઓમાં ગાળેલા, કેટલીય વાર તો મુક્તિ નહિ મળવાથી આ શરી૨ છોડી દેવાનું પણ વિચારેલું. મારી આધ્યાત્મિક સાધના માટે મેં કેવા જોમ ને ઉત્સાહપૂર્ણ પ્રયત્નો કરેલા! પણ હવે મુક્તિ માટેની તે ઝંખના મારામાં રહી નથી. મારો વર્તમાન ભાવ એવો થઈ ગયો છે કે જ્યાં સુધી જગતમાં એક પણ વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કર્યા વિનાની હોય, ત્યાં સુધી મને મુક્તિ ન ખપે.”

સ્વામીજીના આ શબ્દો સાંભળી મને તેમના હૃદયની આ અનંત કરુણા પ્રત્યે આશ્ચર્ય થયું અને હું મનોમન વિચારવા લાગ્યો કે શું તેઓ પોતે જ પોતાનો દાખલો આપી અવતારનો મર્મ અમને સમજાવે છે? તો શું તેઓ પોતે જ દિવ્ય અવતાર છે કે? વળી મેં વિચાર્યું, ‘‘સ્વામીજીએ મુક્તિ મેળવી જ લીધી હોવાથી હવે તેમને મુક્તિની કામના રહી નથી.”

બીજા દિવસે ખગેન (સ્વામી વિમલાનંદ) અને હું સંધ્યા પછી સ્વામીજી પાસે ગયા. સ્વામીજી સાથે અમારી વિશેષ ઓળખાણ કરાવવા માટે હ૨મોહનબાબુએ (શ્રીરામકૃષ્ણદેવના એક ભક્તે) સ્વામીજીને કહ્યું, ‘‘સ્વામીજી, આ લોકો તમારા અતિ પ્રશંસક છે અને સારી એવી કુશળતાથી વેદાંતનો અભ્યાસ કરે છે.” જો કે હ૨મોહનબાબુના શબ્દોનો પૂર્વાર્ધ તો શાબ્દિક રીતે સાચો હતો પણ, ઉત્તરાર્ધ તો વધુ પડતો હતો. કેમકે અમે થોડું થોડું ગીતાનું તેમજ વેદાંતનો કેટલોક પરિચય થાય તેવા પ્રકરણ ગ્રંથોનું જ અધ્યયન કરેલું. આમ તેના ઉપરછલ્લા જ્ઞાનના ભાગીદાર જ ગણાઈએ, અમે કંઈ તેના અભ્યાસુની જેમ ઊંડાણથી તેનો અભ્યાસ કરેલો નહિ. તેમ જ તેનાં અસલ પુસ્તકો તથા તેના ભાષ્યનું અવલંબન પણ લીધેલ નહિ. એ જે હોય તે પણ વેદાંત વિષે સાંભળી સ્વામીજીએ અમને પૂછ્યું. ‘‘તમે ઉપનિષદ વાંચ્યાં છે કે?” મેં જવાબ આપ્યો: ‘‘હા, પણ બહુ જ થોડું વાંચન કર્યું છે.’’

સ્વામીજી: “કયું ઉપનિષદ?” મનોમન વિચારતાં કંઈ જવાબ નહિ સૂઝતાં મેં કહ્યું, ‘‘કઠ ઉપનિષદ.” સ્વામીજી: ‘‘અચ્છા, તો કેટલીક પંક્તિ બોલી બતાવ. કઠ ઉપનિષદ તો ખૂબ જ ભવ્ય છે, સુંદરતાથી ભરપૂર!”

કેવી અણધારી આપત્તિ! કદાચ સ્વામીજી એવું સમજ્યા કે મને કઠ ઉપનિષદ કંઠસ્થ છે તેથી મને તેમાંથી કેટલીક પંક્તિ બોલી બતાવવા કહેવામાં આવ્યું. જો કે મેં આ ઉપનિષદનાં પત્તાં તો ફેરવેલાં છતાં, મેં ન તો તેનો અર્થ પકડવાની કાળજી લીધેલી કે ન તો તેને યાદ રાખવા પ્રયત્ન કરેલો: તેથી હું તો મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો. કરવું શું? એકદમ જ મને એક વિચાર સૂझઝ્યો. થોડાં વર્ષો પહેલાં મેં ગીતાના વાચનના નિયમિત પ્રયત્નો કરેલા જેના પરિણામે મને તેમાંના ઘણા લોકો મોઢે થઈ ગયેલા. મને એટલી તો ખાતરી થઈ જ ગઈ કે કોઈ પણ શાસ્ત્રના પુસ્તકમાંથી થોડું ઘણું પણ યાદ રાખેલું જો હું બોલીશ નહિ તો પછીથી ભાગ્યે જ હું મારું મોઢું સ્વામીજીને બતાવી શકીશ. તેથી મેં કહ્યું, “હું કઠ ઉપનિષદમાંથી કંઈ મોઢે બોલી શકું તેમ નથી પરંતુ ‘ગીતા’માંથી કેટલાક શ્લોકો બોલી શકીશ.” અને મેં અગિયારમા અધ્યાયના છેલ્લા શ્લોકો (જે અર્જુને ઈશ્વરની પ્રશસ્તિરૂપે કહેલા તે) બધા જ શ્લોકોનો પાઠ કર્યો. અમને ઉત્સાહથી પ્રેરિત કરવા સ્વામીજી પણ પ્રશંસા સાથે મારા પાઠમાં આરોહઅવરોહ વગેરે મૂકી રહ્યા હતા:

બીજે દિવસે, અમારા મિત્ર રાજેન્દ્રનાથને સાથે લઈને અમે સ્વામીજીને મળવા ગયા. મેં રાજેનને કહ્યું, ‘‘ભાઈ, ગઈ કાલે સ્વામીજી પાસે ઉપનિષદના મારા નબળા જ્ઞાનને લઈને હું ઘણી નાજુક પરિસ્થિતિમાં મુકાઈ ગયો. જો તારી પાસે કોઈ પણ ઉપનિષદ હોય, તો તે તારા ખિસ્સામાં સાથે લઈ લેજે જેથી જો કોઈ પ્રસંગ પડે તો ખિસ્સામાંથી તે કાઢી સ્વામીજી પાસે વાંચી શકીએ.” રાજેન પાસેથી પ્રસન્નકુમાર શાસ્ત્રીનું બંગાળી ટીકાવાળું ઉપનિષદ અમે ખિસ્સામાં સાથે લઈ લીધું. તે સાંજે અમે સ્વામીજીનો ઓરડો મુલાકાતીઓથી ભરચક જોયો. મને જે વિચાર આવેલો તેમ જ બન્યું. એક યા બીજી રીતે વાતચીતનો વિષય ‘કઠ ઉપનિષદ’ ઉપર આવ્યો. તરત જ મારા ખિસ્સામાંથી ઉપનિષદનું તે પુસ્તક કાઢી મેં પહેલેથી વાંચવાનું શરુ કર્યું. અને જેવું મેં વાંચ્યું કે તરત જ સ્વામીજીએ નચિકેતાના વિશ્વાસ વિષે કહેવા માંડ્યું કે જે વિશ્વાસથી તેણે યમના ઘરે જવાની પણ હિંમત કરેલી. જ્યારે મેં નચિકેતાના સ્વર્ગ મેળવવા માટેના બીજા વરદાન વિષે વાંચવાનું શરૂ કર્યું ત્યારે સ્વામીજીએ મને જુદી જુદી જગ્યાઓથી થોડા શ્લોકો વાંચીને પછી ત્રીજા વરદાન વિષે વાંચવા કહ્યું નચિકેતા યમને માણસની શંકાઓ વિષે પૂછે છે કે મૃત્યુ પછી શરીર રહે કે કેમ? અને યમ તેની સામે પ્રલોભનો મૂકે છે, પરંતુ નચિકેતા બધાંને નકારે છે. વાચન પૂરું થયા બાદ સ્વામીજીએ પોતાના દિવ્ય તેજથી ભરપૂર શબ્દોમાં નચિકેતાના ચારિત્ર્યનાં વખાણ કર્યાં – પરંતુ મારી નબળી યાદદાસ્તને લઈને તે દિવસની બહુ થોડી વાતો હું યાદ રાખી શક્યો છું. પરંતુ ઉપનિષદ ઉપરની આ બંને દિવસની વાતોથી સ્વામીજીએ ઉપનિષદ ઉપરના વિશ્વાસ અને પ્રેમને મારા મનમાં ઠસાવી દીધા. તે દિવસથી જ્યારે પણ મને તક મળે ત્યારે હું માનની લાગણી સાથે ઉપનિષદોનો અભ્યાસ કરતો અને હજુ પણ તે જ રીતે કરું છું. હજુ પણ જાણે કે જુદા જુદા સમયે સ્વામીજીએ ઉપનિષદના મંત્રીનો કરેલો ઉપયોગ તેમના તે જ વિશિષ્ટ અગ્નિની જ્વાળા જેવા, સ્પષ્ટ અને મધુ૨ સ્વરમાં મારા કાનમાં ગૂંજે છે. જ્યારે જ્યારે હું બીજાઓની ટીકા અને અભિપ્રાયોથી વિચલિત થઈ આત્માને ભૂલી જાઉં છું ત્યારે ત્યારે સ્વામીજીના મધુર અને સુસંવાદિત સ્વરમાં ઉપનિષદના તે જાણીતા પુસ્તકમાંથી જે શ્લોકો સ્વામીજી વારંવાર બોલતા તે યાદ કરું છું: ‘‘તે આત્માને જ જાણો. બીજી બધી વાતો છોડી દો. તે જ અમરત્વનો પુલ છે.” અને જે દિવસે હું વાદળાંથી ઘેરાયેલ આકાશ અને તેમાં ચમકતી વીજળી જોઉં છું ત્યારે સ્વામીજીની પેલી પરિચિત આકૃતિ મને જાણે કે ચમકતી વીજળી તરફ ઈંગિત કરતી, આ પ્રખ્યાત મંત્રપાઠ કરતી હોય તેમ જોઉં છું: “જ્યાં સૂર્ય, ચંદ્ર કે તારાઓ પ્રકાશતા નથી, આ વીજળીનો ઝબકાર પણ ત્યાં થતો નથી. પણ તેનું (આત્માનું) જ તેજ બધાંને પ્રકાશિત કરે છે.” અને જ્યારે પણ મારું હૃદય નિરાશાથી ભરાઈ જાય અને થાય કે સાક્ષાત્કાર મારાથી બહુ દૂર છે, ત્યારે હું સ્વામીજીને તેમના પરમાનંદથી ફેલાયેલા મુખ સાથે મધુર રણકારથી ગુંજતા અવાજ સાથે ઉપનિષદનો પેલો આશાનો સંદેશો રેલાવતા સાંભળું છું – ‘‘સાંભળો, ઓ અમૃતનાં સંતાનો! દિવ્ય લોકમાં નિવાસ કરવાવાળા તમે પણ સાંભળો. મેં તે અનાદિ પુરુષને શોધ્યો છે, કે જે બધા જ અંધકારથી, મોહથી પર છે. તેને એકને જાણવાથી જ તમે ફરી ફરીને આવતા મૃત્યુમાંથી બચી શકશો, બીજો કોઈ પંથ જ નથી!”

તે ઈ.સ. ૧૮૯૭ના એપ્રિલ માસનો અંત હતો. ફક્ત પાંચ દિવસ અગાઉ જ મેં આલમબઝાર મઠના સંન્યાસીઓ સાથે રહેવા માટે ઘર છોડેલું. તે વખતે મઠમાં સ્વામી પ્રેમાનંદજી, નિર્મલાનંદજી અને સુબોધાનંદજી રહેતા હતા. સ્વામીજી તરતમાં જ દાર્જિલીંગની મુલાકાતે જઈને પાછા આવેલા. તેમની સાથે સ્વામી બ્રહ્માનંદજી, સ્વામી યોગાનંદજી અને તેમના મદ્રાસી શિષ્યો આલાસિંગા, કિડિ, જી.જી અને બીજાઓ પણ હતા.

સ્વામી નિત્યાનંદજીએ થોડા દિવસ પહેલાં જ સ્વામીજી પાસેથી સંન્યાસ મેળવેલો. તેમણે એક દિવસ સ્વામીજીને મઠમાં વિધિસરની તાલીમની જરૂરિયાત જણાવેલી કેમ કે, તે વખતે ઘણી મોટી સંખ્યામાં યુવાન માણસો ત્યાગનું જીવન જીવવા મઠમાં જોડાયેલા. તેમના તે સૂચન સાથે તરત જ સંમત થતાં બધા જ અંતેવાસીઓને તે મોટા ખંડમાં એકત્રિત કરી સ્વામીજીએ જણાવ્યું, “આમાંથી કોઈ હું બોલું તે પ્રમાણે લખે.” કોઈ તે કામ કરવા આગળ નહિ આવતાં છેવટે તે કાર્ય મારા પર આવી પડ્યું, તેની સાથોસાથ તે પણ કહેવું રહ્યું કે, મઠના અંતેવાસીઓ માટે ભણતરનું સ્થાન હતું નહિ, કેમ કે એવું મનાતું કે સાધન – ભજનથી ઈશ્વરને મેળવવો તે જ ધ્યેય હતું, જ્યારે ભણતર ભલે થોડી નામના અને ખ્યાતિ આપે પણ સાધક માટે તો તે ખરેખર બિનઉપયોગી જ છે. ફક્ત જે લોકો ઈશ્વર દ્વારા ઈશ્વરનું કાર્ય ક૨વા અથવા સંદેશો ફેલાવવા પસંદ કરાયેલા છે, તેમના માટે જ ભણતરની તાલીમનું મહત્ત્વ હતું. જ્યારે સ્વામીજીએ સહજતાથી જ હું તે કામને વળગી રહીશ કે કેમ, તે પૂછ્યું અને કોઈકે હકારમાં જવાબ પણ આપી દીધો આ બધો જ વખત હું લખાણની સામગ્રીની તૈયારીમાં જ પડ્યો હતો. પછી સ્વામીજીએ નિયમો લખાવતાં પહેલાં આ પ્રમાણે સૂચના આપી, “નિઃશંક રીતે આપણે નિયમો તો બનાવવાના જ છે પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ છે બધા જ નિયમો અને કાનૂનથી ઉપર ઊઠવું. કુદરતી રીતે જ આપણામાં રહેલી કેટલીક ખરાબ વૃત્તિઓને સારા નિયમો અને કાનૂનોના પાલન દ્વારા બદલાવવાની છે અને છેવટે તો આ બધાથી પણ પ૨ જવાનું છે. જેવી રીતે એક કાંટાની મદદથી બીજા કાંટાને દૂર કરી અને છેલ્લે બંનેને ફેંકી દઈએ તેમ.” શિસ્તનું માળખું અને દૈનંદિન કાર્યક્રમ આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યા. સવાર અને સાંજ અચૂક ધ્યાન કરવાનું, જ્યારે બપોરના થોડા આરામ પછીના સમયનો ઉપયોગ વ્યક્તિગત અભ્યાસમાં કરવો. અને રાત્રે કોઈ એક ખાસ ધાર્મિક પુસ્તકમાંથી વાચન અને વિવરણ કરવું. એવી પણ સગવડ રાખવામાં આવી કે દરેક સભ્ય સવારે અને સાંજે શારીરિક વ્યાયામ કરે.

બીજા એક દિવસે સ્વામીજી ખંડમાં બેઠા હતા, તેમનો ચહેરો અસામાન્ય બુદ્ધિપ્રતિભાથી ચમકતો હતો. વિવિધ મુદ્દાઓ ઉપર વાતચીત ચાલી રહી હતી. એ દિવસોમાં વિજયબાબુ ઘણાં બધાં મંડળોમાં મંચ ઉ૫૨થી ભાષણ આપતા. એક વખત તો એમણે કોંગ્રેસમાં અંગ્રેજીમાં પણ પ્રવચન આપેલ. એક વ્યક્તિએ સ્વામીજીને આ વિશે જણાવ્યું અને ત્યાં ઘણા શ્રોતાઓ ય હતા. તેથી સ્વામીજીએ વિજયબાબુને પ્રવચન આપવા કહ્યું. વિષય આપવામાં આવ્યો – ‘આત્મા’. પરંતુ વિજયબાબુએ સ્વામીજીના સૂચનનો અમલ કરવાની ઈચ્છા નહિ દર્શાવતાં, સ્વામીજી અને બીજા બધાએ તેમને ઊભા કરવા નિષ્ફળ પ્રયત્નો કર્યા. લગભગ પંદર મિનિટની બુદ્ધિગમ્ય સમજાવટ પછી તે લોકોની દૃષ્ટિ મારા ઉપર પડી. મઠમાં આવ્યા પહેલાં પ્રસંગોપાત મેં બંગાળીમાં કેટલાંક વ્યાખ્યાન આપેલાં અને અમારી ‘ડિબેટીંગ સોસાયટી’માં હું અંગ્રેજીમાં બોલવાની તાલીમ પણ લઈ રહ્યો હતો. ત્યાં હાજર રહેલામાંના કોઈએ આ વિષે કહેતાં મને તે વિષય ઉપર બોલવા પકડી પાડવામાં આવ્યો. હું ક્યારેય એવો વિનય દેખાડવો જાણતો નહિ. હું તો એકદમ જ ઊભો થઈ ગયો અને લગભગ અર્ધી કલાક સુધી ‘આત્મા’ વિષય પર મારા વિચારો વ્યક્ત કરતો રહ્યો જેની શરૂઆત મેં બૃહદારણ્યક ઉપનિષદમાં આવતા યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી સંવાદથી કરેલી. મારા ભાષણમાં વિચારોની અસંગતિ કે વ્યાકરણની ભૂલો ત૨ફ મેં કંઈ જ ધ્યાન જ આપ્યું નહિ. કૃપાળુ સ્વામીજીએ પણ આવા બધાની કાળજી નહિ લેતાં મને પ્રોત્સાહિત ક૨વાનું શરૂ કરી દીધેલ. મારા પછી સ્વામી પ્રકાશાનંદજી જે પછીથી સાન ફ્રાન્સિસ્કો – યુ. એસ. એ.ના હિંદુ મંદિરના સંચાલક હતા અને જેમણે તુરતમાં જ સંન્યાસ ગ્રહણ કરેલો, પણ લગભગ દસ મિનિટ સુધી ‘આત્મા’ ઉ૫૨ બોલ્યા. તેમણે સ્વામીજીની રીતથી પોતાનું ભાષણ આપ્યું અને તે પણ ખૂબ જ સુમધુર રણકાર સાથે પોતાને જે કહેવું હતું તે કહ્યું. સ્વામીજીએ એમના પ્રવચનની પણ ખૂબ પ્રશસ્તિ કરી.

ખરેખર જ, સ્વામીજી ક્યારેય માણસની નિષ્ફળતાઓ કે નબળાઈઓ તરફ જોતા નહિ, ઊલટાનું તેઓ બીજામાં જે કંઈ સારાપણું હોય તેને પ્રોત્સાહન આપી, તેની ગર્ભિત શક્તિને અભિવ્યક્ત કરવા સગવડ તેમ જ યોગ્ય વાતાવરણ આપતા. પણ વાચકે એવી ખોટી ધારણામાં રહેવાની જરૂર નથી? સ્વામીજી દરેકને તેના દરેક કાર્યમાં વખાણ્યા જ કરતા. તેનાથી ઊલટું ઘણી વાર તો અમે તેમને ઘણો જ કડક દેખાવ ધારણ કરી બીજાની ખાસ કરીને તેમના ગુરુભાઈઓ તેમ જ શિષ્યોની ક્ષતિ દેખાડતા પણ જોયા છે; પરંતુ આ પણ અમને અમારા દોષોમાંથી મુક્ત થવાની ચેતવણી આપવા જ – નહિ કે કોઈ પણ રીતે હતોત્સાહ કરવા. અમને આવો ઉત્સાહ, હિંમત અને આશા આપે તેવા એમના જેવા બીજા કોણ અમને મળી શકવાના? બીજું એવું કોણ હોઈ શકે કે જે પોતાના શિષ્યને આ રીતે લખતા હોય, ‘‘મારા બાળકો, તમે દરેક મહાન બનો; હું બની શકું તેના કરતાં પણ મહાન બનો તેવું ઈચ્છું છું. તમારામાંના દરેકે અસામાન્ય બનવાનું છે – બનવું જ જોઈએ. એવી મારી અપેક્ષા છે.”

એ સમયે લંડનના ઈ.ટી. સ્ટર્ડી તરફથી સ્વામીજીના ‘જ્ઞાનયોગ’ના ભાષણની ચોપાનિયાના રૂપમાં પ્રકાશિત કરેલી પ્રતો અમને મળી. એ વખતે સ્વામીજી દાર્જિલીંગથી પાછા ફરેલા નહિ. અમે તે ભાષણોમાં સમન્વિત અદ્વૈત વેદાંતના સારતત્ત્વને અને ખૂબ આનંદદાયક ને પ્રેરણાદાયી અર્થઘટનને ખૂબ જ ઉત્સાહથી વાંચી રહ્યા હતા. બુઢ્ઢા સ્વામી અદ્વૈતાનંદજી અંગ્રેજી સારી રીતે જાણતા નહિ પરંતુ તેમની તે સાંભળવાની ખાસ ઈચ્છા હતી કે ‘નરેને’ કઈ રીતે પશ્ચિમના લોકોનાં હૃદય જીતી લીધેલાં, તેમ જ વેદાંતના કેવા અર્થઘટનથી તે લોકો તેની આટલી પ્રશંસા કરતા હતા. તેમની વિનંતીથી અમે તે ભાષણ વાંચી અને તેમને એનો સાર સમજાવી રહ્યા હતા. એક દિવસ સ્વામી પ્રેમાનંદજીએ નવાગંતુક બ્રહ્મચારીઓને સ્વામીજીનાં ભાષણોનો બંગાળી અનુવાદ કરવા કહ્યું; તેથી અમે તે કાર્ય શરૂ કર્યું. તે દરમિયાન સ્વામીજી મઠમાં પાછા ફર્યા. સ્વામી પ્રેમાનંદે એ વિષે સ્વામીજીને કહ્યું અને મને તે ભાષણો સ્વામીજી સમક્ષ વાંચી સંભળાવવા કહ્યું. સ્વામીજીએ ભાષાંતર વિષે પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં કઈ રીતે કેટલાક શબ્દો અમુક ચોકકસ રીતે મૂકવાથી વધુ સારી રીતે અસર ઉપજાવે તે બતાવ્યું. એક દિવસ સ્વામીજી પાસે હું એકલો જ હાજર હતો. અચાનક એમણે મને કહ્યું, ‘‘તું મારા ‘રાજયોગ’નો અનુવાદ કેમ નથી કરતો?’’ મને આશ્ચર્ય થયું કે મારા જેવી અણઘડ વ્યક્તિને આ કામ માટે તેઓ કેમ આદેશ આપે છે? ઘણા સમય પહેલાં મેં ‘રાજયોગ’ની સાધના ક૨વા પ્રયાસ કરેલો, કેટલોક સમય મને આ યોગ તરફ એટલું આકર્ષણ હતું કે બીજા યોગ – જ્ઞાન, કર્મ અને ભક્તિ તરફ હું હીનતાના ભાવથી જોતો. હું એવી ધારણામાં હતો કે મઠના સાધુઓ યોગિક સાધના વિષે કંઈ જ જાણતા નથી અને તેથી જ તેઓ તે સાધનાને પ્રોત્સાહન આપતા નથી. રાજયોગના મારા વાચનથી એ વિષયને લગતા મેં જેટલા વિચારો એકઠા કરેલા તેનું ઠાવકાઈથી કરેલું વિવરણ જોઈને મને તે સમજાયું કે સ્વામીજીની રાજયોગ પર ફક્ત જબરી પકડ છે, એટલું જ નહિ, પણ ખૂબ જ સુંદર રીતે તે વિચારોને બીજા યોગ સાથે કેવો સંબંધ છે તે પણ બતાવેલ, મારાં શ્રદ્ધા અને ભક્તિ વધારવાનું બીજું કારણ આ પણ હતું. શું સ્વામીજીનો આશય મને ‘રાજયોગ’ના ભાષાંતરનું કામ સોંપી આ યોગનું સત્ય સમજીને મને મારા આધ્યાત્મિક વિકાસમાં મદદ કરવાનો હતો? અથવા તો બંગાળમાં રાજયોગની સાધના બહુ પ્રચલિત નહિ હોવાથી શું સ્વામીજીની ઈચ્છા હતી કે આ સત્યનો ત્યાં પ્રચાર – પ્રસાર થાય? બાબુ પ્રમદાદાસ મિત્ર ઉપર લખેલા પત્રમાં તેઓ લખે કે બંગાળમાં રાજયોગની સાધનાની સંપૂર્ણ રીતે અવગણના કરવામાં આવે છે; વળી તેમાંનું જે થોડુંઘણુંય જ્ઞાન છે તે માત્ર નાકમાંથી હવા ભરવા – કાઢવા વગેરે પૂરતું જ મર્યાદિત છે.

તે જે હોય તે, મારી પોતાની ખામીઓ વિષે ચિંતન કર્યા વગર હું તરત જ સ્વામીજીના આદેશને અમલમાં મૂકવા કામે લાગી ગયો.

અનુવાદક: કુ. સીમા કે. માંડવિયા

(‘Reminiscences of Swami Vivekananda’ પુસ્તકમાંથી)

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.