(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. – સં.)

ત્યાર બાદ એડવર્ડ કાર્પેન્ટરની વાત આવી. સ્વામીજીએ કહ્યું, ‘લંડનમાં તેઓ ઘણી વાર મારી પાસે આવીને બેસી રહેતા હતા. બીજા પણ અનેક પ્રજાતાંત્રિક, સમાજવાદી વગેરે લોકો આવ્યા કરતા હતા. તે બધા વેદાન્તોક્ત ધર્મને પોતાના મતને અનુરૂપ જાણીને તેમના પ્રત્યે ખૂબ આકર્ષિત થતા હતા.’

સ્વામીજી એડવર્ડ કાર્પેન્ટર સાહેબનું ‘એડમ્સ પીક ટુ એલિફંટા’ એ પુસ્તક વાંચી ગયા હતા. તેથી તેમને તે પુસ્તકમાં છપાયેલ ચંડીબાબુનું ચિત્ર યાદ આવી ગયું. તેઓ બોલ્યા, “આપનો ચહેરો તો પહેલાં જ મેં પુસ્તકમાં જોઈ લીધો હતો.” બીજી થોડી વાતચીત બાદ સંધ્યા થઈ જવાથી સ્વામીજી આરામ કરવા ઊભા થયા. ઊઠતી વખતે તેઓ તેમને સંબોધન કરી બોલ્યા, “ચંડીબાબુ, આપ તો ઘણા છોકરાઓના સંપર્કમાં આવો છો. શું આપ મને કેટલાક સુયોગ્ય છોકરાઓ આપી શકશો?” એવું લાગ્યું કે ચંડીબાબુ જાણે અન્યમનસ્ક થઈ ગયા અને સ્વામીજીના કહેવાનો અર્થ સમજ્યા નથી. ત્યાર પછી સ્વામીજી વિશ્રામ-કક્ષમાં પ્રવેશ કરતા હતા ત્યારે તેઓ આગળ આવીને બોલ્યા, “સુયોગ્ય છોકરાઓ વિશે આપ શું કહી રહ્યા હતા?” સ્વામીજી બોલ્યા, “માત્ર દેખાવમાં સુંદર હોય તેવા છોકરાઓની મારે જરૂર નથી, મારે એવા છોકરાઓ જોઈએ કે જેઓ બિલકુલ સ્વસ્થ, કર્મઠ તથા સારા સ્વભાવવાળા હોય. હું તેમને શિક્ષણ આપવા માગું છું, જેથી તેઓ પોતાની મુક્તિ માટે અને જગતના કલ્યાણ માટે તૈયાર થઈ શકે.”

એક દિવસ મેં જોયું—સ્વામીજી આંટા મારી રહ્યા છે અને શરતચંદ્ર ચક્રવર્તી (‘વિવેકાનંદજીના સાન્નિધ્યમાં’ પુસ્તકના લેખક) તેમની સાથે ખૂબ આત્મીયતાથી વાતો કરી રહ્યા હતા. સ્વામીજીને એક પ્રશ્ન પૂછવા માટે અમને લોકોને ઘણી ઉત્સુકતા હતી. પ્રશ્ન હતો—અવતાર અને મુક્ત કે સિદ્ધ પુરુષ વચ્ચે શું તફાવત છે?—અમે શરદબાબુને આગ્રહભરી વિનંતી કરેલ કે તેઓ સ્વામીજી સમક્ષ આ પ્રશ્ન પ્રસ્તુત કરે. તેથી તેમણે આગળ આવીને સ્વામીજીને આ પ્રશ્ન પૂછ્યો. સ્વામીજી આ પ્રશ્નનો શું જવાબ આપે છે, તે સાંભળવા માટે અમે શરદબાબુની પાછળ ઊભા રહી ગયા. સ્વામીજી તે પ્રશ્નનો કોઈ ચોક્કસ ઉત્તર ન આપતાં કહેવા લાગ્યા, “દેહથી અલગ થવું (વિદેહ) એ જ મુક્તિની સર્વોચ્ચ અવસ્થા છે—આ મારો સિદ્ધાંત છે. પરંતુ હું જ્યારે મારી સાધનાના સમય દરમ્યાન જુદાં જુદાં સ્થાનોમાં ભ્રમણ કરતો હતો ત્યારે મેં અનેક નિર્જન ગુફાઓમાં એકલા બેસીને સમય વ્યતીત કર્યો હતો, મુક્તિ તો મળી નહીં, તેમ વિચારીને કેટલીયે વખત ઉપવાસ કરીને દેહત્યાગ કરવા માટે પણ વિચાર્યું. કેટલાં ધ્યાન, કેટલાં સાધન-ભજન કર્યાં છે! પરંતુ હવે મુક્તિ માટે એવો કોઈ આગ્રહ નથી. હવે તો મનમાં માત્ર એક જ વાત આવે છે કે જ્યાં સુધી સંસારમાં એક પણ માણસ બદ્ધ હશે, ત્યાં સુધી મુક્તિની કોઈ આવશ્યકતા નથી.”

હું તો સ્વામીજીની આ વાણી સાંભળીને, તેમના હૃદયની અપાર કરુણા વિશે વિચારીને વિસ્મિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે શું તેઓ પોતાનું દૃષ્ટાંત આપીને અવતારી પુરુષનાં લક્ષણો સમજાવી રહ્યા છે? શું તેઓ પણ એક અવતાર છે? પછી મનમાં વિચાર આવ્યો કે સ્વામીજી હવે મુક્ત થઈ ગયા છે, તેથી એવું લાગે છે કે તેમને મુક્તિની કોઈ ખેવના કે આગ્રહ નથી.

એક દિવસ હું અને ખગેન સંધ્યા પછી સ્વામીજી પાસે ગયા. શ્રીરામકૃષ્ણના એક ભક્ત હરમોહન બાબુ અમારો પરિચય આપતાં બોલ્યા, “સ્વામીજી, આ બંને આપના ઘણા પ્રશંસક છે અને વેદાંત વિષયક ખૂબ ચર્ચા પણ કરે છે.” હરમોહન બાબુના વાક્યનો પૂર્વાધ સત્ય હોવા છતાં, ઉત્તરાર્ધ કે જેમાં જણાવેલ કે અમે લોકો વેદાંત વિશે ખૂબ ચર્ચા કરીએ છીએ તે અતિશયોક્તિભર્યો હતો, કારણ કે અમે હજુ સુધી માત્ર ગીતાજીનું જ અધ્યયન કર્યું હતું અને વેદાંત પરના કેટલાંક નાનાં મોટાં ગ્રંથ તથા ઉપનિષદોના અનુવાદ જ વાંચ્યા હતા, પરંતુ અમે ન તો આ શાસ્ત્રોનું ગંભીરતાથી અધ્યયન કર્યું હતું કે ન તો મૂળ સંસ્કૃત ગ્રંથોના ભાષ્ય વગેરેનો અભ્યાસ કર્યો હતો.

વેદાંતની વાત સાંભળતાં જ સ્વામીજી બોલ્યા, “ઉપનિષદનો અભ્યાસ કર્યો છે?”

હું બોલ્યો, “જી હા, થોડાં જોયાં છે.”

સ્વામીજી- “કયું ઉપનિષદ વાંચ્યું છે?”

હું મનમાં વિચાર કરી, કંઈ કહેવા યોગ્ય ન લાગતાં બોલ્યો, “કઠોપનિષદ વાંચેલ છે.”

સ્વામીજીએ કહ્યું, “વારુ, તે જ સંભળાવો, કઠોપનિષદ બહુ જ સુંદર છે, કવિત્વથી પરિપૂર્ણ છે.”

મોટી મુશ્કેલી આવી પડી! સ્વામીજી એવું સમજ્યા કે મને કઠોપનિષદ કંઠસ્થ છે, માટે સંભળાવવા કહ્યું. જો કે, તેના સંસ્કૃત મંત્રોને મેં એકાદ વાર વાંચેલા, પરંતુ ક્યારેય અર્થ સમજીને વાંચવાનો કે કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરેલ નહીં, તેથી હું મોટી મુશ્કેલીમાં પડી ગયો. હવે શું કરું? ત્યારે હું મનમાં એક વિચાર કરવા લાગ્યો, થોડાં વર્ષો પહેલાં જ મેં ગીતાજીનું થોડું પઠન કર્યું હતું. તેથી ગીતાના મોટાભાગના શ્લોકો મને યાદ હતા. મેં વિચાર્યું કે જો હું શાસ્ત્રના કેટલાક શ્લોકોનું ઉચ્ચારણ નહીં કરું તો બીજી વાર સ્વામીજીને મારું મોઢું બતાવવા યોગ્ય નહીં રહું. આથી મેં કહ્યું, “કઠોપનિષદ તો યાદ નથી, પણ ગીતામાંથી કંઈ સંભળાવીશ.”

સ્વામીજી બોલ્યા, “ઠીક છે, તેમ કરો.”

ત્યારે મેં ગીતાના ૧૧મા અધ્યાયના અંતિમ ભાગથી—स्थाने हृषीकेश! तव प्रकीर्त्या—થી શરૂ કરીને અર્જુને બોલેલ, આખું સ્તવન સ્વામીજીને સંભળાવ્યું. સાંભળીને સ્વામીજી પ્રોત્સાહન આપતાં બોલ્યા, “બહુ સરસ, બહુ સરસ.”

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.