(અદ્વૈત આશ્રમ દ્વારા મૂળ હિન્દીમાં પ્રકાશિત ‘સ્વામી વિવેકાનન્દ કી પાવન સ્મૃતિયાઁ’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ભાષાંતરકાર છે ડૉ. મુન્નીબહેન માંડવિયા. – સં.)

ઈ.સ. ૧૮૯૭ ફેબ્રુઆરી મહિનો. સ્વામી વિવેકાનંદ પશ્ચિમના દેશોના વિજય-અભિયાન પછી હમણાં જ ભારતમાં પધાર્યા છે. જ્યારથી સ્વામીજીએ શિકાગોની ધર્મ-મહાસભામાં હિન્દુ ધર્મની વિજય-પતાકા લહેરાવી છે, ત્યારથી સમાચારપત્રોમાં તેમના વિશે જે કંઈ પણ પ્રકાશિત થઈ રહ્યું છે, એ હું નિયમિત આગ્રહપૂર્વક વાંચું છું. મને કોલેજ છોડ્યાને બે-ત્રણ વર્ષ થઈ ગયાં છે અને ધન કમાવાની હજુ શરૂઆત નથી કરી, તેથી કોઈ વાર મિત્રોને ઘરે જઈને કે કોઈ વાર પડોશમાં રહેલ ધર્મતલા મહોલ્લામાં ‘ઇંડિયન મિરર’ની ઓફિસની બહાર બોર્ડ પર રાખેલા સમાચારપત્રમાં સ્વામીજી વિશે જે કંઈ સમાચાર કે વ્યાખ્યાન પ્રકાશિત થતાં, તેને હું ઘણી ઉત્સુકતાથી વાંચતો. આ રીતે સ્વામીજી ભારતમાં આવ્યા ત્યાંથી  માંડીને શ્રીલંકા તથા મદ્રાસમાં આપેલાં લગભગ બધાં ભાષણો હું વાંચી ગયેલ. આ ઉપરાંત, હું આલમબજાર મઠમાં જઈને તેમના ગુરુભાઈઓ અને મઠમાં આવતા-જતા મિત્રો અને સ્નેહીજનો પાસેથી તેમના વિશેની ઘણી વાતો સાંભળી ચૂક્યો છું અને હજુ સાંભળી રહ્યો છું. બંગવાસી, અમૃતબજાર, હોપ, થિયોસોફિસ્ટ વગેરે જુદા જુદા સંપ્રદાયોની વિભિન્ન પત્ર-પત્રિકાઓમાં સ્વામીજી વિશે પોતપોતાના દૃષ્ટિકોણ અનુસાર—કોઈએ કટાક્ષ કરીને, કોઈએ ઉપદેશ આપીને તથા કોઈએ આત્મપ્રશંસા કરતાં—એમના વિશે જે કંઈ પણ લખ્યું છે, લગભગ એમાંનું કશું પણ મેં વાંચવાનું બાકી રાખેલ નથી.

એ જ સ્વામી વિવેકાનંદ આજે સિયાલદહ સ્ટેશને ઊતરશે અને પોતાની જન્મભૂમિ કલકત્તા નગરીમાં પદાર્પણ કરશે. આજે તેમને સાક્ષાત્‌ જોઈને, તેમના વિશે વાંચેલી તથા સાંભળેલી વાતોનો પ્રત્યક્ષ અનુભવ થશે, એવું વિચારીને હું વહેલી સવારે જ સિયાલદહ સ્ટેશન ઉપર જઈ પહોંચ્યો. આટલી વહેલી સવારે પણ સ્વામીજીનું સ્વાગત કરવા માટે ઘણા લોકો એકત્ર થયા હતા. ઘણા પરિચિત લોકો સાથે મુલાકાત થઈ. સ્વામીજી વિશે વાતચીત થવા લાગી. મેં જોયું કે અંગ્રેજીમાં છાપેલી બે પત્રિકાઓ લોકો વહેંચી રહ્યા છે. વાંચીને જાણ થઈ કે તેમના ઇંગ્લેન્ડ અને અમેરિકાના વિદ્યાર્થીઓએ સ્વામીજીના વિદાય પ્રસંગે તેમનાં ગુણગાન તથા તેમના પ્રતિ કૃતજ્ઞતા દર્શાવતા જે બે અભિનંદન-પત્ર અર્પણ કરેલા, તેની વિગત હતી. ધીરે ધીરે ટોળેટોળાં સ્વામીજીનાં દર્શનાર્થે આવવા લાગ્યાં. પ્લેટફોર્મ લોકોથી ભરાઈ ગયું. બધા લોકો એકબીજાને પૂછી રહ્યા હતા, ‘સ્વામીજીના આગમનને કેટલી વાર છે?’ સાંભળવામાં આવ્યું છે કે તેઓ એક ‘સ્પેશ્યલ ટ્રેન’માં આવશે. આવવામાં હવે વાર નથી. હવે તો ગાડીનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. ધસમસતી ટ્રેને ધીમે ધીમે પ્લેટફોર્મમાં પ્રવેશ કર્યો.

સ્વામીજી જે ડબ્બામાં બેઠેલા હતા, નસીબજોગે હું એ ડબ્બાની સામે જ ઊભો હતો. ગાડી ઊભી રહેતાં જ મેં જોયું તો સ્વામીજી ઊભા થઈને એકત્રિત જનસમુદાયને હાથ જોડીને નમસ્કાર કરી રહ્યા હતા. આ એક નમસ્કારથી જ મારા હૃદયને સ્વામીજીએ જીતી લીધું. તે વખતે મને સ્વામીજીની એક ઝલક જ જોવા મળી.

ત્યાર પછી નરેન્દ્રનાથ સેન વગેરે સ્વાગત સમિતિના સભ્યોએ આવીને સ્વામીજીને ટ્રેનમાંથી ઉતાર્યા અને થોડે દૂર ઊભેલી એક ગાડીમાં બેસાડ્યા. અનેક લોકો સ્વામીજીને પ્રણામ કરવા તથા તેમની ચરણરજ લેવા આગળ આવ્યા. ત્યાં બહુ જ ભીડ થઈ ગઈ. આ બાજુ દર્શકોનાં હૃદયમાંથી ‘જય, સ્વામી વિવેકાનંદની જય’, ‘જય, શ્રીરામકૃષ્ણદેવની જય’નો હર્ષધ્વનિ ગુંજવા લાગ્યો. હું પણ હૃદયપૂર્વક આ હર્ષધ્વનિમાં ભાગ લેતો લેતો લોકોની સાથે આગળ વધવા લાગ્યો.

જ્યારે અમે લોકો સ્ટેશનની બહાર નીકળ્યા, તો જોયું કે ઘણા યુવકો સ્વામીજીની ગાડીના ઘોડાને અલગ કરીને, પોતે જ ગાડી ખેંચવા આગળ આવ્યા. મેં પણ તેમની સાથે સમ્મિલિત થવાનો પ્રયાસ કર્યો, પણ ભીડને કારણે સફળ થઈ શક્યો નહીં. તેથી એ પ્રયાસ છોડીને, થોડે દૂરથી જ સ્વામીજીની ગાડી સાથે ચાલવા લાગ્યો. સ્ટેશન પર સ્વામીજીના સ્વાગત માટે આવેલ હરિનામ સંકીર્તન-દળને પણ મેં જોયું. રસ્તામાં એક બેન્ડવાજાંવાળા પણ બેન્ડ વગાડતા સ્વામીજીની સાથે ચાલતા હતા. રિપન કોલેજ સુધીનો રસ્તો જુદાં જુદાં પતાકા, લતા અને પત્રો-પુષ્પોથી સુસજ્જિત હતો. ગાડી રિપન કોલેજની સામે આવીને ઊભી રહી ગઈ.

હવે સ્વામીજીને શાંતિથી અને સરખી રીતે જોવાનો અવસર મળ્યો. જોયું તો, તેઓ ગાડીમાંથી મુખ બહાર કાઢીને કોઈ પરિચિત વ્યક્તિ સાથે વાતો કરી રહ્યા હતા. તેમનું મુખમંડળ તપ્તકાંચન-વર્ણ જેવું હતું! જાણે તેમાંથી પ્રકાશપુંજ રેલાઈ રહ્યો હતો! જો કે, યાત્રાના થાકને લીધે મુખ થોડું કરમાઈ ગયું હતું. બે ગાડીઓ હતી—એકમાં સેવિયર દંપતી સાથે સ્વામીજી બેઠા હતા. માનનીય ચારુચન્દ્ર મિત્ર તેમાં જ ઊભા રહીને હાથના સંકેત વડે જનતાને નિયંત્રિત કરી રહ્યા હતા. બીજી ગાડીમાં ગુડવિન, હેરિસન (સ્વામીજીની સાથે શ્રીલંકાથી આવેલ અંગ્રેજ બૌદ્ધ ધર્મના અનુયાયી), જી.જી., કિડી તથા આલાસિંગા પેરુમલ નામના ત્રણ દક્ષિણ-ભારતીય શિષ્યો અને સ્વામી ત્રિગુણાતીતાનંદ બેઠા હતા.

ગાડી થોડી વાર રોકાઈ, પછી ઘણા લોકોની વિનંતીને માન આપીને સ્વામીજીએ રિપન કોલેજમાં પ્રવેશ કર્યો. ત્યાં તેઓ બે-ત્રણ મિનિટ અંગ્રેજીમાં થોડું બોલ્યા, પછી પરત આવીને ગાડીમાં બેસી ગયા. પછી સરઘસ ત્યાંથી આગળ ગયું નહીં. હવે ગાડી બાગબજારમાં પશુપતિ બાબુના ઘર તરફ ચાલી. હું પણ મનોમન સ્વામીજીને પ્રણામ કરીને ઘરે પરત ફર્યો.

* * *

બપોરે ભોજન કર્યા પછી હું ચાંપાતલા વિસ્તારમાં ખગેન (પછીથી સ્વામી વિમલાનંદ)ના ઘરે ગયો. ત્યાંથી હું અને ખગેન એક ઘોડાગાડીમાં બેસીને પશુપતિ બોઝના ઘર તરફ રવાના થયા. સ્વામીજી ઉપરના ઓરડામાં વિશ્રામ કરી રહ્યા હતા, તેથી વધારે લોકોને જવા દેવાતા નહોતા. સૌભાગ્યવશ અમારા પરિચિત, એવા સ્વામીજીના ગુરુભાઈઓ સાથે અમારી મુલાકાત થઈ. સ્વામી શિવાનંદ અમને સ્વામીજી પાસે લઈ ગયા અને પરિચય આપતાં કહ્યું, “આ લોકો આપના ઘણા પ્રશંસક છે.”

સ્વામીજી અને યોગાનંદજી પશુપતિ બાબુના ઘરના બીજા માળે આવેલા સુસજ્જિત બેઠકખાનામાં બાજુ બાજુની બે ખુરશીમાં બેઠા હતા. ઉજ્જ્વળ ભગવાં વસ્ત્ર ધારણ કરેલ બીજા સાધુગણ આમ-તેમ આંટા મારી રહ્યા હતા. જમીન ઉપર જાજમ પાથરેલ હતી. અમે લોકો પ્રણામ કરીને એ જાજમ ઉપર જ બેસી ગયા. સ્વામીજી તે વખતે સ્વામી યોગાનંદ સાથે વાતો કરી રહ્યા હતા. અમેરિકા અને યુરોપમાં સ્વામીજીએ જે કંઈ જોયું હતું, તેના વિશે વાતચીત કરી રહ્યા હતા. સ્વામીજી કહી રહ્યા હતા, “જો યોગેન! જાણે છે, મેં શું જોયું? સંપૂર્ણ પૃથ્વી ઉપર એક મહાશક્તિ ક્રીડા કરી રહી છે. આપણા પૂર્વજોએ તેને ધર્મ-ક્ષેત્રમાં અભિવ્યક્ત કરી હતી અને આજના પાશ્ચાત્ય દેશવાસીઓ તેને મહા-રજોગુણયુક્ત કર્મના રૂપમાં અભિવ્યક્ત કરે છે. ખરેખર તો સમગ્ર જગતમાં કેવળ આ એક મહાશક્તિની જ જુદાં જુદાં રૂપે લીલા ચાલી રહી છે.”

ખગેનની સામે જોઈને સ્વામીજીએ કહ્યું, “આ છોકરો બહુ દુર્બળ લાગે છે.” સ્વામી શિવાનંદજીએ જવાબ આપ્યો, “તે ઘણા દિવસોથી અજીર્ણ રોગથી પીડિત છે.” સ્વામીજી બોલ્યા, “આપણું બંગાળ બહુ ભાવુક છે ને, તેથી અહીં અજીર્ણનો રોગ આટલો વધુ થાય છે.” થોડા સમય બાદ અમે પ્રણામ કરીને ઘરે પાછા આવી ગયા.

એક દિવસ સ્વામીજી પાસે એક વૈષ્ણવ આવ્યા હતા. સ્વામીજી તેની સાથે વાતો કરી રહ્યા હતા. હું થોડો દૂર બેઠો હતો. ત્યાં બીજું કોઈ નહોતું. સ્વામીજી બોલ્યા, “બાલાજી, અમેરિકામાં મેં એક વાર કૃષ્ણના વિષયમાં વ્યાખ્યાન આપ્યું હતું. તે સાંભળીને, અખૂટ સંપત્તિની માલકણ એક પરમ સુંદર યુવતી પોતાનું સર્વસ્વ ત્યાગીને, નિર્જન ટાપુ પર જઈને શ્રીકૃષ્ણના ધ્યાનમાં ઉન્મત્ત થઈ ગઈ.” ત્યાર પછી સ્વામીજી ત્યાગના વિષયમાં કહેવા લાગ્યા, “જે સંપ્રદાયોમાં ત્યાગ-ભાવનો વધારે પ્રચાર નથી, તે શીઘ્ર જ પતનને પ્રાપ્ત કરે છે.”

એક દિવસ હું સ્વામીજી પાસે ગયો હતો. જોયું તો, અનેક લોકો બેઠા હતા અને સ્વામીજી એક યુવક સામે જોઈને વાતો કરી રહ્યા હતા. યુવક બંગાળ થિયોસોફિકલ સોસાયટીના ભવનમાં રહેતો હતો. તેણે કહ્યું, “હું ઘણા સંપ્રદાયોમાં જાઉં છું, પણ નક્કી નથી કરી શકતો કે સત્ય શું છે?”

સ્વામીજીએ બહુ સ્નેહપૂર્ણ સ્વરમાં કહ્યું, “જો, બેટા, મારી પણ એક દિવસ તારા જેવી જ સ્થિતિ હતી, તેથી ભય શેનો? સારું, જરા કહે તો જુદા જુદા લોકોએ તને શું શું કહ્યું અને તેં શું શું કર્યું?”

યુવક કહેવા લાગ્યો, “મહારાજ, અમારી સોસાયટીમાં ભવાની શંકર નામના એક વિદ્વાન પ્રચારક છે. તેમણે મને ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે મૂર્તિપૂજા દ્વારા આધ્યાત્મિક ઉન્નતિમાં વિશેષ સહાયતા મળે છે. તે મુજબ, હું કેટલાક દિવસો સુધી પૂજા-અર્ચના કરતો રહ્યો. પરંતુ તેનાથી શાંતિ મળી નહીં. ત્યારે જ એક વ્યક્તિએ મને ઉપદેશ આપ્યો, ‘જુઓ, મનને બિલકુલ શૂન્ય કરવાનો પ્રયત્ન કર, તેનાથી પરમ શાંતિ મળશે.’ હું કેટલાક દિવસો સુધી આ રીતે કરતો રહ્યો, તેનાથી પણ મારું મન શાંત થયું નહીં. મહારાજ, હજુ પણ હું એક ઓરડામાં, દરવાજો બંધ કરીને, શક્ય હોય ત્યાં સુધી બેસી રહું છું. પરંતુ કોઈ પણ રીતે  શાંતિ મળતી નથી. શું આપ કહી શકશો કે શાંતિ કેવી રીતે મળે?”

સ્વામીજી સ્નેહપૂર્ણ સ્વરમાં કહેવા લાગ્યા, “બેટા, જો તું મારી વાત માન, તો પહેલાં તારે તારા ઓરડાના દરવાજા ખુલ્લા રાખવા પડશે. તારા ઘરની પાસે,  આડોશ-પાડોશમાં કેટલાય અભાવગ્રસ્ત લોકો રહે છે. તારે તેની યથાસાધ્ય સેવા કરવી પડશે. જે રોગી છે, તેમના માટે દવા અને આહારનો પ્રબંધ કર અને તું સ્વયં તેની સેવા-શુશ્રૂષા કર. જે લોકો ભૂખ્યા છે, તેને ભોજન કરાવ. તું તો આટલું ભણેલો છે, તો જે લોકો નિરક્ષર છે, તેમને મૌખિક રીતે જેટલું સંભવ હોય, તેટલું શિક્ષણ આપ. બેટા, જો મારી સલાહ માન, તો આ પ્રકારે લોકોની યથાસંભવ સેવા કર, અને જો આમ કરી શકીશ, તો તને મનની શાંતિ મળશે.”

યુવક બોલ્યો, “વારુ મહારાજ, માની લો કે હું કોઈ રોગીની સેવા કરવા ગયો, પરંતુ તેને માટે આખી રાત જાગવાથી, સમયસર ભોજન ન કરવાથી અને વધુ પરિશ્રમ કરવાને કારણે જો હું જ રોગગ્રસ્ત થઈ ગયો તો?”

સ્વામીજી અત્યાર સુધી તેની સાથે સ્નેહપૂર્ણ સ્વરથી, સહાનુભૂતિપૂર્વક વાત કરી રહ્યા હતા. આ છેલ્લે બોલેલા શબ્દોથી એવું લાગ્યું કે તેઓ નારાજ થયા. તેઓ બોલી ઊઠ્યા, “જુઓ, રોગીની સેવા કરવાથી તું પોતે રોગી થઈ જઈશ, તેવી આશંકા કરે છે. પરંતુ તારી વાતચીત સાંભળીને, તારા હાવભાવ જોઈને મને તો લાગે છે કે અહીં જે લોકો હાજર છે તે લોકો સારી રીતે સમજી ગયા છે કે તું એવા રોગીની ક્યારેય સેવા નહીં કરે કે જેથી તું પોતે રોગી થઈ જા.”

આ યુવક સાથે પછી કોઈ વિશેષ વાતચીત થઈ નહીં.

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.