(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે ડૉ. મુન્નીબેન માંડવિયા. – સં.)

એક દિવસ સ્વામી વિવેકાનંદ સાથે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક માસ્ટર મહાશય વાત કરી રહ્યા હતા. તેઓ કહેતા હતા, “જુઓ, તમે જે દયા, પરોપકાર કે જીવ-સેવાની વાત કરો છો, તે તો માયાના રાજ્યની વાત છે. જ્યારે વેદાંત-મતમાં માનવનું અંતિમ લક્ષ્ય મુક્તિ મેળવવી તથા સંપૂર્ણ માયાના બંધનને કાપવાનું છે, તો પછી આ બધાં માયાનાં કાર્યોમાં લિપ્ત થઈને લોકોને તેના વિશે ઉપદેશ આપવાથી શું લાભ થશે?” સ્વામીજીએ તરત જ ઉત્તર આપ્યો, “મુક્તિ પણ શું માયાની અંતર્ગત નથી? આત્મા તો નિત્યમુક્ત છે, તો પછી તેની મુક્તિ માટે પ્રયાસ શું કરવાનો?” માસ્ટર મહાશય મૌન થઈ ગયા.

થોમસ એ. કેમ્પિસ દ્વારા રચાયેલ ‘Imitation of Christ’ (ઈશાનુસરણ) ગ્રંથના પ્રસંગ અંગે વાત ચાલી. સંસારનો ત્યાગ કર્યા પહેલાં સ્વામીજી આ ગ્રંથ ઉપર વિશેષ ચર્ચા કરતા અને વરાહનગર મઠમાં રહેતા હતા ત્યારે તેમના ગુરુભાઈઓ પણ તેમની જેમ, તેને સાધનામાં સહાયક માનીને તેના વિશે ચર્ચા કરતા. આ ગ્રંથ ઉપર ખૂબ પ્રેમ હોવાથી સ્વામીજીએ તેનો સુંદર અનુવાદ કર્યો અને તેની પ્રસ્તાવના સાથે ‘સાહિત્ય કલ્પદ્રુમ’ નામના માસિકમાં તેનું પ્રકાશન કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં ઉપસ્થિત રહેલ લોકોમાંથી કોઈએ સ્વામીજીનો આ ગ્રંથ સંબંધે શું વિચાર છે, તે જાણવાના હેતુથી તે ગ્રંથમાં બતાવેલ દીનતાના ઉપદેશનો પ્રસંગ ઉઠાવ્યો અને કહ્યું, “પોતાને અત્યંત દીન સમજ્યા વિના આધ્યાત્મિક ઉન્નતિ કેવી રીતે થાય?” આ સાંભળીને સ્વામીજીએ કહ્યું, “આપણે દીન-હીન ક્યાંથી થઈ શકીએ? આપણા માટે અંધકાર ક્યાં છે? આપણે તો પ્રકાશના રાજ્યમાં નિવાસ કરીએ છીએ, આપણે પ્રકાશનાં સંતાન છીએ.” તેમના આ જવાબથી અમે સમજી ગયા કે સ્વામીજીએ આ ગ્રંથમાં બતાવેલ પ્રાથમિક સોપાનોને પાર કરી લીધાં છે અને અનુભૂતિની ઉચ્ચ ભૂમિકાએ પહોંચી ચૂક્યા છે.

અમે એ વિશેષપણે નોંધ્યું છે કે સંસારની અત્યંત સામાન્ય ઘટનાઓ પણ તેમની તીક્ષ્ણ દૃષ્ટિથી બચી શકતી નહીં. તેઓ આ ઘટનાઓની સહાયતાથી પણ ઉચ્ચ ધર્મભાવોનો પ્રચાર કરવાનો પ્રયત્ન કરતા.

એક દિવસ દક્ષિણેશ્વરથી શ્રીરામકૃષ્ણદેવના ભત્રીજા શ્રીરામલાલ ચટ્ટોપાધ્યાય સ્વામીજીને મળવા આવ્યા. મઠના જૂના સંન્યાસીઓ તેમને ‘રામલાલ દાદા’ કહીને બોલાવતા. સ્વામીજીએ એક ખુરશી મગાવીને તેમને બેસવા માટે અનુરોધ કર્યો અને પોતે ત્યાં ટહેલવા લાગ્યા. શ્રદ્ધાથી અભિભૂત દાદા સંકોચમાં પડી ગયા અને કહેવા લાગ્યા, “આપ બેસો, આપ બેસો,” પણ સ્વામીજી તેમને ક્યાં છોડવાના હતા? ખૂબ આગ્રહ કરીને તેમણે દાદાને ખુરશી પર બેસાડ્યા અને પોતે આંટા મારતાં મારતાં કહેવા લાગ્યા, “ગુરુવત્‌ ગુરુપુત્રેષુ”—ગુરુના પુત્ર અને સંબંધીઓ સાથે ગુરુ જેવો જ વ્યવહાર કરવો જોઈએ.

એક દિવસ ઘણા વિદ્યાર્થીઓ આવ્યા હતા. સ્વામીજી એક ખુરશી પર બેઠા હતા. બધા તેમની પાસે બેસીને તેમની વાતો સાંભળવા માટે ઉત્સુક હતા. ત્યાં કોઈ આસન હતાં નહીં, તેથી બધા છોકરાઓને જમીન પર બેસવું પડ્યું. સ્વામીજી મનમાં વિચારતા હતા કે આ લોકોને બેસવા માટે આસન હોત તો સારું થાત. પરંતુ પછી લાગ્યું કે તેમના મનમાં બીજા ભાવો ઉત્પન્ન થયા છે. તેઓ બોલ્યા, “સારું છે, તમે બરાબર બેઠા છો, થોડી તપસ્યા પણ જરૂરી છે.”

એક દિવસ હું મારા વિસ્તારના ચંડીચરણ વર્ધનને સાથે લઈને સ્વામીજી પાસે ગયો. ચંડીબાબુ ‘હિન્દુ બોય્‌ઝ સ્કૂલ’ નામની એક નાની એવી સંસ્થાના માલિક હતા. ત્યાં ત્રીજા ધોરણ સુધી અંગ્રેજી શીખવવામાં આવતું. તેઓ પહેલાંથી જ ઈશ્વરાનુરાગી હતા અને પછી સ્વામીજીનાં વ્યાખ્યાન સાંભળીને તેમની શ્રદ્ધા વધી હતી. પહેલાં તેમણે સાધના માટે વ્યાકુળ થઈને સંસાર છોડવાની ઇચ્છા રાખી હતી. પરંતુ તેમાં સફળ થયા નહીં. શોખ પૂરો કરવા માટે તેમણે થોડો વખત થિયેટરમાં અભિનય તથા થોડાં નાટકોની રચના કરી હતી. તેમનો સ્વભાવ બહુ ભાવુક હતો. વિખ્યાત સુધારક એડવર્ડ કારપેંટરના ભારત-ભ્રમણ સમયે ચંડીબાબુ સાથે તેમનો પરિચય થયો અને વાતચીત પણ થઈ. તેમણે પોતાના ‘એડમ્સ પીક ટુ એલિફંટા’ નામના ગ્રંથમાં ચંડીબાબુ સાથે થયેલ વાર્તાલાપનું થોડું વિવરણ અને તેમનું એક ચિત્ર પણ આપ્યું હતું.

ચંડીબાબુએ ભક્તિપૂર્વક સ્વામીજીને પ્રણામ કરીને પૂછ્યું, “સ્વામીજી, કેવી વ્યક્તિને ગુરુ બનાવી શકાય?”

સ્વામીજી બોલ્યા, “જે તમારું ભવિષ્ય અને ભૂતકાળ બતાવી શકે તે જ તમારા ગુરુ. જુઓને, મારા ગુરુદેવે મારો ભૂતકાળ અને ભવિષ્યકાળ, બધું જ બતાવી આપ્યું હતું.”

ચંડીબાબુએ પૂછ્યું, “વારુ સ્વામીજી, કૌપીન પહેરવાથી શું કામવાસનાનું દમન થવામાં વિશેષ સહાયતા મળે છે?”

સ્વામીજીએ કહ્યું, “થોડી સહાયતા મળે છે. પણ જ્યારે આ વૃત્તિ બહુ જ પ્રબળ થાય ત્યારે કૌપીન પણ ભલા શું કરી શકે? મન જ્યાં સુધી સંપૂર્ણપણે ભગવાનમાં તન્મય ન થાય ત્યાં સુધી કામવાસનાને પૂર્ણપણે રોકી શકાય નહીં. તોપણ વ્યક્તિ જ્યાં સુધી આ અવસ્થા પ્રાપ્ત નથી કરતી ત્યાં સુધી આવા બાહ્ય ઉપાયોનું અવલંબન કરવાનો પ્રયાસ કરે છે. એક વાર મારા મનમાં પણ કામનો એવો ઉદય થયો હતો કે હું પોતે ખૂબ નારાજ થઈને સળગતા અગ્નિવાળા પાત્ર ઉપર બેસી ગયો. તેનાથી પડેલ ઘાને રૂઝ આવતાં ઘણા દિવસો લાગ્યા હતા.”

આ રીતે ચંડીબાબુ બ્રહ્મચર્ય વિશે સ્વામીજીને અનેક પ્રશ્નો પૂછવા લાગ્યા. સ્વામીજી બહુ જ સરળ ભાવે બધા પ્રશ્નોના ઉત્તર આપવા લાગ્યા. પરમ બ્રહ્મચારી એવા સ્વામીજીના જ્વલંત ઉપદેશ તથા તેજસ્વી વાણી સાંભળીને તેઓને એકદમ અહેસાસ થયો કે આવા મહાપુરુષ એક વાર જો ઇચ્છા કરે તો ચોક્કસ મારી તથા વિદ્યાર્થીઓની અંદર બ્રહ્મચર્યના પ્રાચીન આદર્શને ઉદ્દીપ્ત કરી શકે છે. આ પહેલાં જ કહેવામાં આવેલ છે કે ચંડીબાબુ ઘણા ભાવુક હતા. અચાનક જ તેઓ ઉત્સાહમાં આવી ઉત્તેજિત થઈને અંગ્રેજીમાં બૂમો પાડી ઊઠ્યા, “હે મહાચાર્ય, આપ આ કપટતાના આવરણને છિન્ન-ભિન્ન કરી દો અને જગતને એક જ આવશ્યક વસ્તુનો બોધ આપો, ‘કામ’ ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો!” સ્વામીજીએ ચંડીબાબુને શાંત કરી, આશ્વાસન આપ્યું.

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.