બાળ વિભાગ

જડભરતની કથા

ભરત નામનો એક મહાન રાજા હતો. આપણો દેશ એના નામ ઉપરથી ભારતવર્ષ તરીકે ઓળખાય છે.

દરેક હિંદુની હિંદુ તરીકે ફરજ છે કે જ્યારે પોતે વૃદ્ધ થાય ત્યારે તેણે બધી દુન્યવી બાબતોનો ત્યાગ કરવો; સંસારની ઉપાધિઓ, દોલત, સુખ અને તેનો ઉપભોગ પોતાના પુત્રને સોંપી દેવાં તથા પોતે વનમાં જવું. ત્યાં જઈને પોતાનામાં જે ખરું સત્ય છે તે આત્માનું ચિંતન કરવું અને એ રીતે જીવનને બાંધી રાખતાં બંધનો તોડવાં.

આ મહાન રાજા ભરત વૃદ્ધાવસ્થામાં પોતાના પુત્રને રાજ્ય સોંપીને પોતે વનમાં ગયો. જે લાખો પ્રજાજનો ઉપર રાજ કરતો હતો, જે સોનારૂપાથી મઢેલા આરસના મહેલોમાં રહેતો હતો, જે રત્નજડિત પાત્રો વડે પાણી પીતો હતો, તે જ રાજાએ પોતાના હાથે હિમાલયના એક જંગલમાં એક નદીને કાંઠે ઘાસપાનની એક ઝૂંપડી બનાવીને તેમાં રહેવા માંડ્યું. ત્યાં તે પોતાના હાથે જ એકઠાં કરેલા કંદમૂળ ખાતો, અને મનુષ્યના અંતરમાં જે સદાકાળ વહે છે તે પરમાત્માનું નિરંતર ચિંતન કરતો. દિવસો, મહિનાઓ, વર્ષો આમ, વીતી ગયાં.

જ્યાં રહીને એ મહર્ષિ ધ્યાનમગ્ન રહેતા તે સ્થળે એક દહાડો એક મૃગલી પાણી પીવા આવી. તે જ વખતે થોડે દૂર એક સિંહે ગર્જના કરી. મૃગલી એટલી ભયભીત બની ગઈ કે તેણે પાણી પીધા વિના નદી પાર કરવા એક કૂદકો માર્યો.

હવે આ હરિણી ગર્ભવતી હતી; એટલે અતિ પરિશ્રમ અને ઓચિંતા ભયથી તેણે એક નાનાં બચ્ચાંને વચમાં જ જન્મ આપ્યો અને પોતે તરત મરણ પામી.

બચ્ચું પ્રવાહમાં પડ્યું અને નદીના વેગવાન પ્રવાહમાં તણાવા લાગ્યું. એટલામાં રાજાની નજર તેના પર પડી. રાજા ઊભો થયો અને હરણના બચ્ચાંને પાણીમાંથી બચાવીને પોતાની ઝૂંપડીમાં લાવ્યો.

ઝૂંપડીમાં અગ્નિ પેટાવીને ખૂબ કાળજીભર્યા પ્રયત્નને લીધે એ બચ્ચાના ખોળિયામાં તેણે પ્રાણ આપ્યા. પછી તે દયાળુ મહાત્માએ બચ્ચાને પોતાની પાસે રાખી કૂણું ઘાસ અને ફળો ખવડાવી તેને ઉછેરવા માંડ્યું. નિવૃત્ત રાજાની પિતાતુલ્ય માવજત તળે તે હરણબાળ મોટું થવા લાગ્યું અને એક સુંદર મૃગલું બન્યું.

પરંતુ પછી જે રાજાનું મન સત્તા, મોભો અને કુટુંબ પ્રત્યેની જીવનભરની મમતાનો ત્યાગ કરવા શક્તિમાન બન્યું હતું, તે જ મન પાણીમાંથી ઊગારેલા આ હરણમા આસક્ત બન્યું. જેમ જેમ તેની હરણ તરફની મમતા વધતી ગઈ તેમ તેમ પરમાત્માનું ધ્યાન ધરવામાં તેનુ ચિત્ત ઓછું ને ઓછું લાગવા માંડ્યું. કોઈ વાર એ હરણ જંગલમાં ચરવા જતું અને તેને પાછા ફરતા જરા મોડુ થતું તો રાજર્ષિનું મન ચિંતાતુર બની જતું. તે વિચારતો: ‘રખેને, આ મારા નાના બચ્ચા ઉપર કોઈ વાઘે હુમલો કર્યો હોય કે કોઈ બીજો ભય ઊભો થયો હશે, નહીં તો શા કારણે તેને મોડું થાય?’

આમ બીજાં કેટલાક વર્ષો પસાર થઈ ગયાં. અંતે મૃત્યુ સમીપ આવ્યું અને રાજર્ષિએ મૃત્યુશય્યામાં શયન કર્યું.

પરંતુ તેનું મન આત્મચિંતન કરવાને બદલે મૃગનું ધ્યાન ધરતું હતું. પોતાના વહાલા હરણની વિષાદભરી દૃષ્ટિ તરફ પોતાની દૃષ્ટિ રાખતાં રાજર્ષિ ભરતનો આત્મા શરીર છોડીને ચાલ્યો ગયો.

પરિણામ એ આવ્યું કે, બીજા જન્મમાં તે હરણ તરીકે જન્મ્યો. પણ કર્મનો કદીય નાશ થતો નથી. રાજા અને ઋષિ તરીકે તેણે કરેલાં મહાન સત્કર્મોનું ફળ તેને મળ્યું. આ હરણ જાતિસ્મર થઈને જન્મ્યું; જો કે તેને વાચા નહોતી અને પશુનો દેહ મળેલો હતો. છતાં તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ હતું. તે પોતાના મૃગ-બંધુઓને છોડી દઈને જ્યાં યજ્ઞની આહૂતિઓ અપાતી અને ઉપનિષદોના પ્રવચનો થતાં તેવા આશ્રમો તરફ ચરવા માટે સહેજે આકર્ષાતું.

હરણનો સ્વાભાવિક આયુષ્ય કાળ પૂરો થતાં તે મૃત્યુ પામ્યું. બીજા અવતારમાં ભરત રાજા એક ધનવાન બ્રાહ્મણના ઘરમાં કનિષ્ઠ પુત્ર રૂપે અવતર્યોં.

એ જીવનમાં પણ તેને પોતાના પૂર્વજન્મનું સ્મરણ હતું અને બાલ્યાવસ્થામાં જ જીવનના કોઈ પણ સારા કે નરસા કાર્યમાં નહીં બંધાઈ જવાનો તેણે નિરધાર કર્યો.

બાળક મોટો થતો ગયો તેમ તેમ સશક્ત અને તંદુરસ્ત બનતો ગયો, પણ તે એક શબ્દ સરખોય બોલતો નહીં. સંસારની બાબતોમાં સંડોવાઈ જવાના ભયને લીધે તે જડ અને ગાંડા જેવો રહેતો. તેના વિચારો સદાય અનંત પરમાત્મામાં જ લાગ્યા રહેતા; પોતાના પ્રારબ્ધ કર્મનો ક્ષય ક૨વા અર્થે જ તે જીવતો હતો.

કાળક્રમે તેના પિતા મૃત્યુ પામ્યા અને પુત્રોએ અંદરોઅંદર પિતાની મિલકત વહેંચી લીધી. આ નાનો ભાઈ મૂંગો અને નકામો છોકરો છે એમ માની તેનો ભાગ પણ ભાઈઓએ પડાવી લીધો.

તેની ભાભીઓ તેના ઉપર ઘણીય વાર ત્રાસ ગુજારતી તથા મહેનતનું બધું કામ તેને સોંપતી; એટલું જ નહીં પણ જો સોપવામાં આવેલું કામ તે કરી શકતો નહીં તો તેના તરફ નિર્દય વર્તન પણ દાખવતી. છતાં તે કદી ચિડાતો નહીં કે ડરતો નહીં, તેમ જ એક શબ્દ પણ બોલતો નહીં.

એક દિવસે તેની ભાભીઓએ તેના પ્રત્યે રોજના કરતાં ઘણો વધારે જુલમ ગુજાર્યો. એથી ભરત ઘરની બહાર ગયો અને એક ઝાડની છાયા નીચે શાંત બેસી રહ્યો.

તે સમયે એ બન્યું કે એ રાજ્યનો રાજા પાલખીમાં બેસીને ત્યાંથી પસાર થતો હતો. પાલખી ઉપાડનારા ભાઈઓમાંથી એક જણ અચાનક બીમાર પડી ગયો. એટલે તેને બદલે પાલખી ઉપાડવા માટે રાજાના નોકરો બીજા કોઈ માણસની શોધ કરવા લાગ્યા.

એ લોકોએ વૃક્ષ નીચે આરામ કરી રહેલા ભરતને જોયો. તેને સશક્ત જુવાન દેખી ‘રાજાની પાલખી ઉપાડવા ચાલ’ એમ કહ્યું. ભરતે કશો જ જવાબ ન આપ્યો. પણ તેનું સશક્ત શરીર જોઈને રાજાના સેવકોએ તેને પરાણે ઊભો કર્યો અને પાલખીનો દાંડો તેના ખભા પર મૂક્યો. એક શબ્દ પણ બોલ્યા વિના ભરત પાલખી લઈને ચાલ્યો.

થોડું ચાલ્યા પછી રાજાએ જોયું કે પાલખી સરખી રહેતી નથી આથી તેણે બહાર ડોકું કાઢીને પાલખી ઉપાડનાર નવા માણસને ઉદ્દેશીને કહ્યું: ‘મૂર્ખ! જો તુ થાકી ગયો હો ને તારા ખભા દુઃખતા હોય, તો થોડીક વાર આરામ લે.’ એટલે ભરતે પાલખી નીચે ઉતારી પોતાના જીવનમાં પ્રથમ વાર જ હોઠ ખોલીને કહ્યું:

‘હે રાજા! તું કોને મૂર્ખ કહે છે? કોને તારી પાલખી નીચે રાખવાનું કહે છે? કોને તું થાકી ગયેલ છે એમ કહે છે? અને ‘તું’ કહીને તું કોને સંબોધે છે? હે રાજા! જો ‘તું’ શબ્દથી આ માંસપિંડને તું સંબોધતો હોય તો જાણ કે મારામાં અને તારામાં તે એક જ જાતનો પદાર્થ છે, તે જડ છે. તેને નથી થાકનું ભાન કે નથી દુઃખનો ખ્યાલ. જો તે મન હોય, તો મન પણ તારા જેવું જ મારામાં છે; તે સર્વવ્યાપક છે. પણ જો ‘તું’ શબ્દ તેનાથીયે પર એવી કોઈ ચીજને વિશે તું વાપરતો હોય તો તે પણ તે એક જ છે. હે રાજા! તું એમ કહેવા માગે છે કે આ આત્માને થાક લાગે? શું તે કદીય શ્રમિત થાય? શું તેને કદીય ઈજા થઈ શકે?’

‘હે રાજા! રસ્તા પર ચાલતી બિચારી નાની કીડીઓ ઉપર પગ મૂકીને ચાલવાની મારી ઈચ્છા નહોતી, તેથી તેમને બચાવવા જતાં પાલખી આમતેમ ડોલતી હતી. પણ આત્મા કદીયે થાક્યો નહોતો, તે કદીય નિર્બળ નહોતો, પાલખીનો દાંડો તેણે કદીયે ઉપાડ્યો નહોતો કારણ કે તે સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે.’

આ રાજા પોતાના જ્ઞાન, વિદ્યા અને તત્ત્વજ્ઞાન વિશે ખૂબ મગરૂરી ધરાવતો હતો. પણ ભરતનાં આ વાક્યો સાંભળીને તે પાલખીમાંથી નીચે ઊતર્યો અને ભરતને પગે પડીને કહેવા લાગ્યો: ‘ક્ષમા કરો, હે મહાત્મા! તમને પાલખી ઉપાડવાનું કહ્યું ત્યારે તમે ૠષિ છો તેની મને જાણ નહોતી.’

ભરતે રાજાને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી તે ચાલ્યો ગયો. પછી તેણે પાછું પહેલાંની માફક જડ માણસની પેઠે જીવન ગાળવાની શરૂઆત કરી દીધી. જ્યારે ભરતે શરીરત્યાગ કર્યો, ત્યારે તે સદાકાળ માટે જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થયો.

Total Views: 109

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.