હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો. તેણે દેવોને હરાવ્યા અને સ્વર્ગના સિંહાસન પર બેસી ત્રણે લોક, મૃત્યુલોક, સ્વર્ગ અને પાતાળ ઉપર રાજ્ય કરવા માંડ્યું. પછી તેણે એમ જાહેર કર્યું કે, હવેથી પોતાના સિવાય બીજો કોઈ ઈશ્વર જ નથી. સાથોસાથ એવો સખત હુકમ કર્યો કે, સર્વશક્તિમાન વિષ્ણુની કોઈએ કોઈ સ્થળે પૂજા કરવી નહીં; હવે પછીથી સઘળી પૂજા કેવળ પોતાને જ અર્પણ કરવી.

હિરણ્યકશિપુને પ્રહ્લાદ નામનો એક પુત્ર હતો. પ્રહ્લાદ જન્મથી જ ઈશ્વરભક્ત હતો.

આ જોઈને દૈત્ય રાજાને ડર લાગ્યો કે, જે અનિષ્ટને પોતે જગતમાંથી કાઢવા માગે છે તે પોતાના જ કુટુંબમાં પાંગરશે! આથી તેણે શંડ અને અમર્ક નામના ખૂબ જ કડક શિક્ષકોની દેખભાળ નીચે બાળક પ્રહ્લાદને મૂકી દીધો. એ ગુરુજીઓને એવી સખત સૂચના આપવામાં આવી કે ક્યાંયથી પણ પ્રહ્લાદને વિષ્ણુનું નામ સાંભળવા ન મળે તેવો જાપ્તો રાખવો.

ગુરુજીઓ આ રાજકુમારને પોતાને આશ્રમે લઈ ગયા અને તેની ઉંમરના બીજા છોકરાઓ સાથે ભણવા બેસાડ્યો. પણ આ બાળક પ્રહ્લાદ તો પુસ્તકોના અભ્યાસને બદલે બીજા બાળકોને પણ આખો દહાડો વિષ્ણુની પૂજા કેમ કરવી તે જ શીખવવા લાગ્યો!

ગુરુજીઓને આની જાણ થઈ, ત્યારે તેઓ મહાપ્રબળ રાજા હિરણ્યકશિપુના ભયથી કંપી ઊઠ્યા. તેમણે પ્રહ્લાદને એવી પ્રવૃત્તિમાંથી રોકવા બનતો પ્રયાસ આદર્યો. પણ વિષ્ણુનાં ભજનપૂજન પ્રહ્લાદને મન પોતાના શ્વાસોચ્છ્વાસ સમાં હતાં; એનાથી એ રોકી શકાય તેમ નહોતું.

ગુરુજીઓ આથી ગભરાઈ ગયા અને રાજા પાસે જઈને તેમને બધી વાત કહી. તેમણે એ પણ કહ્યું કે, બાળક પ્રહ્લાદ પોતે વિષ્ણુનું ભજન કરે છે એટલું જ નહીં પણ બીજા છોકરાઓને પણ વિષ્ણુનું ભજનપૂજન કરવાનું શીખવીને તેમને પણ બગાડે છે!

આ સાંભળીને રાજા ઘણો ગુસ્સે થયો. તેણે પુત્રને પોતાની પાસે બોલાવ્યો. રાજાએ પ્રહ્લાદને શાંતિપૂર્વક સમજાવીને વિષ્ણુની પૂજા ન કરવાનું કહ્યું. તેણે એમ શીખવ્યું કે, હિરણ્યકશિપુ પોતે જ ઈશ્વર છે, તેથી એ જ ભજવા લાયક છે.

પણ આ બધી શિખામણ નિરર્થક નીવડી. બાળક પ્રહ્લાદ તો વારંવાર જાહેર કરવા લાગ્યો કે, સર્વવ્યાપક વિશ્વેશ્વર વિષ્ણુ એક જ પૂજા કરવા યોગ્ય છે; અને રાજા પોતે પણ ભગવાન વિષ્ણુની મહેરબાની હશે ત્યાં સુધી સિંહાસન સાચવી શકશે.

રાજા ખૂબ ક્રોધે ભરાયો. તેણે પ્રહ્લાદને તત્કાળ મારી નાખવાનો હુકમ કર્યો.

દૈત્યોએ પ્રહ્લાદને ઘણાં તીક્ષ્ણ શસ્ત્રો માર્યાં, પણ પ્રહ્લાદનું ચિત્ત વિષ્ણુમાં એટલું તલ્લીન હતું કે તેને એનું દુઃખ જણાયું નહીં.

રાજા હિરણ્યકશિપુએ જ્યારે આ જોયું ત્યારે તે મનમાં ડર્યો ખરો, પણ દૈત્ય તરીકેની દુષ્ટ વૃત્તિઓથી તે વધુ પ્રેરાયો. પ્રહ્લાદને મારી નાખવાની નાના પ્રકારની ક્રૂર યોજનાઓ તેણે શોધી કાઢી.

રાજાએ પ્રહ્લાદને હાથીના પગ તળે ચગદી નાખવાનું ફરમાન કર્યું પણ મત્ત હાથી જેમ લોઢાના ગોળાને ચગદી ન શકે, તેમ પ્રહ્લાદના શરીરને ચગદી શક્યો નહીં.

રાજાએ તેને ડુંગ૨ ઉપ૨થી ગબડાવી દેવા હુકમ કર્યો. રાજાના હુકમનો અમલ તો થયો, પણ પ્રહ્લાદના હૃદયમાં વિષ્ણુ વસેલા હોવાથી જેટલી મૃદુતાથી ફૂલ ઘાસ ઉપર પડે તેટલી મૃદુતાથી તે ધરતી ઉપર પડ્યો.

બીજા અનેક ઉપાયો એક પછી એક અજમાવવામાં આવ્યા પણ તમામે તમામ નિષ્ફળ નીવડ્યા. જેના હૃદયમાં ખરેખર વિષ્ણુ વિરાજમાન છે તેને કોઈ ઈજા કરી શકતું નથી.

છેવટે રાજાએ એવો હુકમ કર્યો કે, આ છોકરાને પાતાળમાંથી મોટા સર્પો લાવીને બાંધવો અને સાગરને તળિયે નાખી તેના ઉપર મોટા પર્વતોનો ઢગલો કરવો, જેથી ભલે તે તરત નહીં તો વખત જતાં મૃત્યુ પામે ત્યાં સુધી એ જ આકરી અવદશામાં ત્રાસ વેઠ્યા કરે.

આ ઉપાય અજમાવ્યા છતાં બાળક પ્રહ્લાદ તો પોતાના પ્રિય ભગવાન વિષ્ણુની પ્રાર્થના કરવા લાગ્યોઃ ‘હે વિશ્વેશ્વર! હે સુંદર સ્વરૂપ વિષ્ણુ! તમને મારા પ્રણામ હો!’ આમ વિષ્ણુના વિચાર અને ચિંતનથી વિષ્ણુ સ્વયં તેની નજીક છે એટલું જ નહીં પણ તે એના આત્મામાં છે, એમ પ્રહ્લાદને લાગ્યું.

આવો ભાવ જાગ્રત થયો કે તરત જ તેના સર્પના બંધનો તૂટી ગયાં, પર્વતોના ચૂરેચૂરા થઈ ગયા, સાગર ઊછળી ઊઠ્યો અને તેણે મૃદુતાથી પોતાનાં મોજાંઓ ઉપર ઊંચકીને પ્રહ્લાદને સહીસલામત કિનારે મૂકી દીધો.

જ્યારે રાજાએ જોયું કે, છોકરો તો પોતાના દુશ્મન વિષ્ણુમાં જ આસક્ત છે તથા તેને મારવાના સઘળા ઉપાયો નિષ્ફળ નીવડ્યા છે, ત્યારે તે એટલો બધો ભયભીત બની ગયો કે હવે શું કરવું એ તેને સૂઝ્યું નહીં.

રાજાએ પુત્રને ફરી પોતાની પાસે બોલાવી મંગાવ્યો. પછી નમ્ર વાણીથી પોતાની શિખામણ તેને ગળે ઉતારવા પ્રયાસ કરી જોયો, પણ પ્રહ્લાદે તે અગાઉ આપેલો એ જ જવાબ આપ્યો.

રાજાએ આથી ગુસ્સે થઈને એને ફરીને મોતની ધમકી આપી અને વિષ્ણુ વિશે એલફેલ બોલવા માંડ્યું. પણ પ્રહ્લાદે તો ફરી કહ્યું: ‘વિષ્ણુ જ વિશ્વનો પ્રભુ છે, અનાદિ અને અનંત છે, સર્વ શક્તિમાન અને સર્વવ્યાપી છે. અને તેથી ભજવા યોગ્ય તે જ છે.’

રાજા ગુસ્સાથી બરાડી ઊઠ્યો: ‘ઓ દુષ્ટ! જો વિષ્ણુ સર્વવ્યાપી પ્રભુ છે તો સામેના પેલા સ્તંભમાં તે કેમ નથી!’

નમ્ર ભાવે પ્રહ્લાદે કહ્યું: ‘પિતાજી! વિષ્ણુ ભગવાન તેમાં પણ છે.’

રાજાએ ત્રાડ પાડી: ‘છોકરા! તારો વિષ્ણુ જો સર્વવ્યાપી હોય તો અહીં જ તે તારી રક્ષા કરે ત્યારે ખરો. હું તને હમણાં જ આ તલવારથી કાપી નાખું છું.’

આમ કહીને રાજા તલવાર કાઢી પ્રહ્લાદ તરફ ધસ્યો અને સ્તંભ ઉપર જોરથી લાત મારી.

તરત જ મોટો કડાકો સંભળાયો. સૌના આશ્ચર્ય વચ્ચે સ્તંભમાંથી વિષ્ણુ પોતાના ભયાનક નરસિંહ-અર્ધ નર, અર્ધ સિંહ – સ્વરૂપે પ્રગટ થયા!

ભયભીત થયેલા દાનવો સર્વ દિશામાં નાસવા લાગ્યા; હિરણ્યકશિપુ એની સામે ધસ્યો. પણ આખરે તે હાર્યો અને મૃત્યુ પામ્યો.

સ્વર્ગમાંથી દેવો તરત જ નીચે ઊતરી આવ્યા. તેમણે ભગવાન વિષ્ણુને સ્તુતિ કરી. પ્રહ્લાદે પણ દંડવત્ પ્રણામ કર્યા. તેણે દેવવાણી સાંભળી: હે પ્રહ્લાદ તારે જે જોઈએ તે વરદાન માગ, તું મારો પ્રિય બાળક છે. તારી જે ઈચ્છા હોય તે ખુશીથી માગ.’ ભાવભર્યા ગદ્ગદ્ હૈયે પ્રહ્લાદ બોલ્યો: ‘હે ભગવાન! મને આપનાં પ્રત્યક્ષ દર્શન થયાં છે. મારે હવે બીજું શું જોઈએ? આપનાં દર્શને હું ધન્ય થઈ ગયો.’

ફરીથી દેવવાણી સંભળાઈ: ‘હે પુત્ર! છતાં પણ કંઈક તો માગ.’

પ્રહ્લાદ કહે: ‘અજ્ઞાની મનુષ્યો જેવી પ્રીતિ સાંસારિક વિષયોમાં રાખે છે તેવી જ સતત પ્રીતિ મારી આપમાં રહો!’

ભગવાન બોલ્યા: ‘હે પ્રહ્લાદ! મારા પરમ ભક્તો આ લોકમાં કે પરલોકમાં કોઈ પદાર્થની ઈચ્છા સેવતા નથી. છતાં મારી આજ્ઞાથી આ જગતનું સુખ લાંબા વખત સુધી ભોગવ; મારામાં ચિત્ત રાખીને ધર્મનું આચરણ કર. સમય જતાં જ્યારે તારું શરીર પડી જશે, ત્યારે તું મને પામીશ.’

આમ પ્રહ્લાદને આશિષ આપીને વિષ્ણુ ભગવાન અંતર્ધાન થયા.

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.