પ્રેમના આનંદથી વધુ ઉચ્ચ આનંદ આપણે કલ્પી શકીએ નહીં. પણ પ્રેમ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. તેનો અર્થ સ્વાર્થમય સાંસારિક આસક્તિ નથી. આસક્તિને પ્રેમ કહેવો પાપ છે. બાળકો કે પત્ની પ્રત્યેનો આપણો પ્રેમ તે માત્ર પશુના જેવો પ્રેમ છે; જે પ્રેમ સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે તે જ સાચો પ્રેમ છે; અને તે જ પ્રેમ ઈશ્વર પ્રત્યેનો છે. તેવો પ્રેમ પ્રાપ્ત કરવો બહુ કઠિન છે. સંતાન, માતા, પિતા વગેરે પ્રત્યેના વિવિધ પ્રકારના પ્રેમના અનુભવમાંથી પસાર થઈએ છીએ. આપણે ધીરે ધીરે આપણી પ્રેમવૃત્તિને કેળવીએ છીએ પણ મોટે ભાગે આપણે એક જ ભૂમિકામાં, એક વ્યક્તિ સાથે બંધાઈ પડીએ છીએ. કેટલાક કિસ્સાઓમાં માણસો આ બંધનમાંથી બહાર નીકળી આવે છે. આ દુનિયામાં મનુષ્ય નિરંતર સ્ત્રી, ધન, કીર્તિ વગેરે પાછળ દોડ્યા કરે છે; કવચિત તેમને સખત ઠોકર લાગે છે ત્યારે દુનિયા ખરેખર કેવી છે એનો ખ્યાલ તેમને આવે છે. આ દુનિયામાં કોઈ માણસ ઈશ્વર સિવાય બીજા કોઈના ઉ૫૨ ખરેખરો પ્રેમ રાખી શકે નહીં. માણસને એવો અનુભવ થાય છે કે સાંસારિક પ્રેમ સાવ પોકળ છે. માણસો પ્રેમની વાત કરે છે પરન્તુ, તેઓ સાચો પ્રેમ કરી શકતા નથી. પત્ની કહે છે કે તે પતિને ચાહે છે અને તેને ચૂમે પણ છે; પરન્તુ પતિના મૃત્યુ પછી તરત જ તે બેંકના ખાતાનો વિચાર કરે છે; આવતી કાલે શું કરવું તેની ચિંતામાં પડે છે. પતિ પત્નીને ચાહે છે, પણ જ્યારે તે બીમાર પડે છે, તેનું સૌન્દર્ય નાશ પામે છે, અગર તે કદરૂપી બની જાય છે, અગર કાંઈ ભૂલ કરે છે કે તરત જ તેની તે ૫૨વા કરતો નથી. આ સંસારનો તમામ પ્રેમ દંભી અને પોકળ છે.

કોઈ પણ સીમિત વ્યક્તિ ન તો પ્રેમ કરી શકે કે ન તો પ્રેમનું પાત્ર બની શકે. જો માનવીના પ્રેમનું પાત્ર પ્રતિ પળે મૃત્યુ તરફ જતું હોય, અને જેમ જેમ માનવી મોટો થતો જાય તેમ તેમ તેનું મન પણ નિરંતર બદલાતું જતું હોય, તો આ દુનિયામાં શાશ્વત પ્રેમની આશા શી રીતે રાખી શકાય? ઈશ્વર સિવાય બીજે ક્યાંય સાચો પ્રેમ હોઈ ન શકે. તો પછી આ બધા પ્રેમનો અર્થ શો? આ બધી માત્ર ભૂમિકાઓ છે. આપણી પાછળ કોઈક એવી શક્તિ છે કે જે આપણને આગળ ને આગળ જવા પ્રેરે છે; સાચા પ્રેમના પાત્રને આપણે ક્યાં શોધવું તે આપણે જાણતા નથી, પરન્તુ આ પ્રેમ આપણને તેની શોધ માટે આગળ જવા પ્રેરે છે. વારંવાર આપણને આપણી ભૂલનું ભાન થાય છે. આપણને કાંઈક હાથ લાગે છે; વળી આપણા હાથમાંથી તે સરી જાય છે એટલે પછી આપણે અન્ય વસ્તુને પકડીએ છીએ. આમ આપણે આગળ, આગળ ને આગળ વધીએ છીએ; છેવટે પ્રકાશ આવે છે; આપણે ઈશ્વર પાસે પહોંચીએ છીએ, જે એક જ આપણને ચાહે છે. ઈશ્વરનો પ્રેમ (ક્યારેય) બદલાતો નથી; આપણને સ્વીકારવા તે સર્વદા તૈયાર હોય છે. જો તમારું નુકસાન કરું તો કેટલા સમય સુધી તમે મને નભાવી લો? જેના ચિત્તમાં ક્રોધ નથી, દ્વેષ નથી, ઈર્ષ્યા નથી, જે કદી પોતાની સમતાને ગુમાવતો નથી, જે કદી મરતો નથી કે જન્મતો નથી, તે ઈશ્વર સિવાય બીજો કોણ છે? પણ પ્રભુનો માર્ગ લાંબો અને કપરો છે; બહુ થોડા લોકો એને પ્રાપ્ત કરે છે. આપણે બધાં ડગુમગુ ચાલતાં બાળકો છીએ. લાખો લોકો ધર્મનો વેપાર કરે છે. હજારો વ૨સમાં માત્ર થોડાક માણસોને જ ઈશ્વર પ્રેમની પ્રાપ્તિ થાય છે, પરન્તુ તેમના થકી આખો દેશ ૫૨મ ધન્ય, ૫૨મ પવિત્ર બને છે. જ્યારે ઈશ્વરનો અવતાર આવે છે ત્યારે આખો દેશ ધન્ય બને છે. એ સાચું છે કે કોઈ પણ એક સૈકામાં જગત આખામાં એવો વિરલ પુરુષ જન્મ લે છે; તેમ છતાં સહુ કોઈએ ઈશ્વરપ્રેમ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. કોને ખબર છે કે તે પ્રેમની પ્રાપ્તિ માટે હવે પછી તમારો કે મારો વારો નહીં આવે? માટે ચાલો, આપણે પુરુષાર્થ કરીએ.

– સ્વામી વિવેકાનંદ

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત સ્વામી વિવેકાનંદ કૃત ‘પ્રેમયોગ’માંથી સંકલિત)

Total Views: 125

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.