જીવન : એક ખેલ

(ફલૉરેન્સ સ્કૉવેલ શિનના પુસ્તક ‘ધ ગેમ ઑફ લાઈફ ઍન્ડ હાઉ ટુ પ્લે’નો સંક્ષિપ્ત અનુવાદ : કુન્દનિકા કાપડિયા)

મૂળ પ્રકાશન : કૉર્નર સ્ટોન લાઈબ્રેરી, અમેરિકા (ઈ.સ.૧૯૨૫)

કુસુમ પ્રકાશન૬૧ / નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ૩૮૦૦૦૭. મૂલ્ય : રૂ. ૦૦

ફક્ત ત્રીસ પાનામાં લખાયેલી આ નાનકડી પુસ્તિકા જીવનનું સારભૂત તત્ત્વ લઈ આપણી સૌની સમક્ષ આવે છે. મૂળ સો પાનાનાં પુસ્તકનો આ સંક્ષિપ્ત અનુવાદ છે. કુન્દનિકાબહેન કાપડિયાના નામથી તો સૌ પરિચિત છે. એમના હસ્તે આ અનુવાદ થયો છે એટલે સોનામાં સુગંધ મળ્યા બરાબર ગણાય.

પુસ્તિકાના પ્રકરણ ‘ખેલ’નો ઉઘાડ જ કંઈક નવી વાત કરે છે.

‘મોટા ભાગના લોકો જીવનને એક સંગ્રામ ગણે છે. પણ એ કાંઈ સંગ્રામ નથી, એ તો ખેલ છે.’ લેખિકાના મત મુજબ અધ્યાત્મના નિયમો પૂરા જાણ્યા સિવાય આ રમત રમી શકાય નહિ. આપવા અને લેવાની આ એક મહાન રમત છે.

આપણે ત્યાં એક કહેવત છે, ‘વાવો તેવું લણશો;’ આનો અર્થ એ કે બાવળના ઝાડ ઉપર કેરીના ફળની આશા રાખી શકાય નહિ. તો ‘લેન દેન’ની જીવનની રમતમાં ધિક્કાર બતાવનારા ધિક્કાર પામે છે, પ્રેમ દર્શાવનારા પ્રેમ પામે છે. મનુષ્ય જેવી કલ્પના કરે છે એવું જ એના જીવનમાં બને છે. કલ્પના શક્તિને યોગ્ય રીતે કેળવીએ તો જ જિંદગીની રમત વ્યવસ્થિત રીતે રમી શકીએ.

અહીં, લેખિકાએ મનના ત્રણ વિભાગો બતાવ્યા છેઃ અર્ધજાગ્રત, જાગ્રત, પરાજાગ્રત. અર્ધજાગ્રત એ વરાળ કે વીજળી જેવી શક્તિ છે. એની પાસે જે કરાવવામાં આવે તે કરે છે. જાગ્રત મન, જીવનને જેવું દેખાય છે તેવું જુએ છે. પરાજાગ્રત મન એ ભગવત્ મન છે. પ્લુટો જેને ‘સંપૂર્ણ આકૃતિ’ કહે છે તે ભગવત્ મનમાં રહેલી છે. મનુષ્યની ભીતર રહેલી અનંત ચેતના મનુષ્યને કહે છે, ‘એક એવું સ્થળ છે જે તમારે જ ભરવાનું છે બીજું કોઈ તે ભરી શકે નહિ. ઈશ્વરનું રાજ્ય મનુષ્યના હૃદયમાં છે એમ કહેવાય છે. આ રાજ્ય એટલે સારા વિચારો અથવા દૈવી યોજનાનો પ્રદેશ. સારા વિચારો સારું ફળ આપશે, બુરા વિચારો ખરાબ ફળ આપશે. ખોટા વિચારોથી પણ વધુ ખતરનાક છે ‘ભય’. અભાવનો ભય, માંદગીનો ભય, નિષ્ફળતાનો ભય, ભયને સ્થાને શ્રદ્ધાનું સ્થાપન કરનાર વ્યક્તિ જીવનમાં જીતી જાય છે.’

‘સમૃદ્ધિનો નિયમ’ પ્રકરણમાં ‘ભગવાન જેવા ધણી’ ઉપર શ્રદ્ધા રાખવાથી ભયંકર આફતમાં પણ એ અણીને ટાણે કેવો આવીને ઊભો રહે છે એ સદૃષ્ટાંત સમજાવ્યું છે. ‘your words came just, when needed’ ‘એવેરે અણીને ટાણે રે, મેં શબદું સાંભળ્યા હો જી.’ લેખિકા કહે છે, ‘દરેક સિદ્ધિ તેની કલ્પનાને મનમાં દૃઢીભૂત કરવાથી જ સાકાર બને છે.’

‘શબ્દની શક્તિ’ નામનું પ્રકરણ સુંદર છે. શબ્દોનો યથાયોગ્ય ઉપયોગ. વાણીવિલાસ નહિ પણ વાણીનો – વ્યવહાર ઉપયોગ.

એક માણસ કહેતો, ‘હું જેવો સ્ટૉપ ઉપર પહોંચું કે હંમેશાં બસ ઉપડી જ ગઈ હોય છે.’

એની દીકરી કહેતી, ‘મેં કોઈ દિવસ બસ ગુમાવી નથી.’ બન્નેએ પોતાના જુદા નિયમો બનાવેલા. એકે નિષ્ફળતાનો, બીજાએ સફળતાનો. શુકન કે અપશુકન, અંધશ્રદ્ધા કે વહેમ પાછળ પણ આ જ માનસ કામ કરતું હોય છે.

સ્પષ્ટ દર્શન અને ઉચ્ચારિત શબ્દોથી માણસનો કાયાકલ્પ પણ થઈ શકે છે એવો લેખિકાનો મત છે. એ તો ત્યાં સુધી કહે છે કે આપણું નકારાત્મક વલણ, નકારાત્મક ચિંતન રોગને નિમંત્રણ આપે છે. આથી જાગ્રત પ્રબુદ્ધ માણસ પાડોશીઓ પ્રત્યેના પોતાના વ્યવહારને સંપૂર્ણ સુંદર બનાવવાના પ્રયત્નો કરે છે.

‘અ-વિરોધનો નિયમ’માં લેખિકા દુશ્મનને મહાત કરવા માટે ક્યું શસ્ત્ર બતાવે છે? ‘તમારા દુશ્મનનું ભલું ઈચ્છો અને એમ કરીને એનાં શસ્ત્રો છીનવી લો.’ આ ઉપરાંત અન્ય પ્રકરણો પણ એટલાં જ સુંદર છે.

કુન્દનિકાબહેન કાપડિયાને આ પુસ્તિકા વિશે શું કહેવાનું છે, એ જરા જોઈએ.

‘પરાજય, હતાશા, નિષ્ફળતા, ભય, અકિંચનતાની પરિસ્થિતિને શ્રદ્ધા અને શબ્દ શક્તિની મદદથી સંપત્તિ, આનંદ અને ભરપૂરતામાં પલટી નાખવાનો માર્ગ આ પુસ્તક દર્શાવે છે.’ અમેરિકી લેખક નૉર્મન વિન્સેન્ટ પીલના કહેવા મુજબ પુસ્તકમાં રજૂ થયેલા સિદ્ધાંતોનો અભ્યાસ ક૨વાથી અને તેને અમલમાં મૂકવાથી વાચકને સમૃદ્ધિ મળશે, તેના પ્રશ્નો ઊકેલાશે, તે વધુ સારું આરોગ્ય મેળવશે, વધુ સારા સંબંધો પ્રાપ્ત કરશે – ટૂંકમાં તે જીવનની રમતમાં વિજેતા બનશે.

હૃદયભોમ પર કોતરી રાખવા જેવાં સૂત્રો આપણને પ્રકાશને માર્ગે લઈ જાય છે, આનંદ અને ઉલ્લાસનાં દ્વાર ખોલી આપે છે. આ પુસ્તિકાનો એ જ જાદુ છે, એ જ ચમત્કાર છે.

– ક્રાંતિકુમાર જોશી

વિશ્વરૂપ અને વિભૂતિનું પ્રાકટ્ય

શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ : ભા. પાંચમો; પ્રકાશક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (૧૯૯૧), મૂ.રૂા. ૨૪/

શ્રીરામકૃષ્ણ પરમહંસના પટ્ટશિષ્યોમાંના એક સ્વામી સારદાનંદ પ્રણીત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’નો આ પાંચમો અને અંતિમ ભાગ છે. દરેક ભાગની માફક આ ભાગ પણ ઠાકુરના અદ્‌ભુત અને લોકોત્તર જીવનની એક વિશિષ્ટતા આલેખે છે. આ ભાગની લાક્ષણિકતા એના પેટા શીર્ષક ‘શ્રીરામકૃષ્ણદેવનો દિવ્યભાવ અને નરેન્દ્રનાથ’ પરથી સમજી શકાય છે.

પુસ્તકના પૂંઠા પર ઉપરના ભાગમાં દક્ષિણેશ્વરના કાલી મંદિ૨ની અને નીચેના ભાગમાં કાશીપુરના ઉદ્યાનગૃહની આકર્ષક અને સૂચક તસવીરો છે. દક્ષિણેશ્વરનું એ કાલી મંદિર તે કલકત્તામાંનું ઠાકુરનું પ્રથમ લીલાક્ષેત્ર અને કાશીપુરનું ઉદ્યાનગૃહ તે એમનું અંતિમ લીલા ક્ષેત્ર; બંને વચ્ચેનો, સ્થલકાલનો અવકાશ તે ઠાકુરના જીવનના લીલાપ્રસંગોનો ઇતિહાસ. અને, ‘લીલાપ્રસંગ’ના આ પાંચ ભાગ વાંચનારને સ્વીકારવું પડશે કે, જેવી એ ભવ્ય અને રસિક લીલા હતી તેવું જ ભવ્ય અને રસિક એનું આલેખન કરી સ્વામી સારદાનંદે એક તરફથી ગુરુતર્પણ કર્યું છે તો, બીજી તરફથી જગતના વિશાળ વાચકવર્ગ માટે તેઓ એક ભક્તિભાવનિર્ઝર પુરાણ મૂકી ગયા છે.

એ મહાપુરાણના આ પાંચમા સ્કંદની વિશેષતા એ છે કે એમાં, ગુરુના દિવ્ય તેજની આભાની પશ્ચાદ્ભુ ઉપર સ્વામી સારદાનંદે ગુરુના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદની છબી વિષેના વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર કાર્શની અદાથી ઊભી કરી છે. બધે જ છાઇ રહેલા, અનેકોમાં એમને પોતાને અનુરૂપ ઇષ્ટની ચેતના જગાડનાર (તોમાદેર ચૈતન્ય હોક) ઠાકુર વિશ્વરૂપ છે તો, એમનો સંદેશ જગતભરમાં પ્રસરાવવાની પહેલ કરનાર અને, હિંદુ ધર્મને એના સાચા સ્વરૂપમાં એમણે જે રીતે અનુભવી વ્યક્ત કર્યું હતું તે, સમન્વયના, સંવાદના, સહિષ્ણુતાના અને સર્વસ્વ સ્વરૂપમાં ઘોષિત કરનાર સ્વામી વિવેકાનંદ એ વિશ્વરૂપની એક પરમ સત્ત્વવાળી, શ્રીથી છલકાતી અને ઊર્જાથી ઉભરાતી મહાન વિભૂતિ છે. ‘શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગ’ના આ અંતિમ ભાગમાં શ્રી સારદાનંદે એ બેઉના પ્રથમ મિલનથી કાશીપુરના ઉદ્યાનમાં થયેલા વિરહ સુધીની કથા આલેખી છે.

ત્રીજા અધ્યાયથી આ ગુરુશિષ્યના મિલનની કથા આરંભાય છે અને ઠાકુર દક્ષિણેશ્વર છોડી ૧૮૮૫માં શ્યામાપુકુરમાં સારવાર માટે ગયા ત્યાં પૂરી થાય છે. કાશીપુર નિવાસની ઠાકુરની કથા પરિશિષ્ટમાં, ને તે પણ ૧૮૮૬નાં જાન્યુઆરીની ૧લી તારીખ સુધી જ, આલેખવામાં આવી છે.

ઇ.સ.૧૮૮૧ના નવેમ્બર આસપાસ શ્રીરામકૃષ્ણ પહેલી વાર નરેન્દ્રને મળ્યા. આજના બારમા ધોરણને સમકક્ષ, તે કાળના કૉલેજના પ્રથમ વર્ષમાં ભણતો લવરમૂછિયો એ છોકરો. એને જોતાં જ ઠાકુરની નજરમાં એ વસી ગયેલો. એને કંઠે ગવાયેલું ગીત સાંભળી, જે સુરેન્દ્રને ઘેર કોઈ ઉત્સવ હોઇ ઠાકુર ગયેલા અને જ્યાં નરેન્દ્રે ગીત ગાયેલું, તેને ઠાકુરે કહ્યું; ‘એક દિવસ આ નરેનને પણ દક્ષિણેશ્વર તેડતા આવો.’ અને થોડાં જ અઠવાડિયાં બાદ નરેન્દ્રનાથ કેટલાક મિત્રો સાથે દક્ષિણેશ્વર ગયા પણ ખરા.

ઠાકુરે અને નરેન્દ્રનાથે બંનેએ એમના આ મિલનનું વર્ણન કર્યું છે. ‘ પોતાના શરીર તરફ લક્ષ નથી, માથાના વાળ કે પહેરવેશની કશી જાતની ટાપટીપ નથી….કોઈએ એના મોટા ભાગના મનને અંદરની બાજુએ કાયમને માટે જબરદસ્તીથી ખેંચી રાખેલું છે!’ સામે પક્ષે, નરેન્દ્રનાથને ઠાકુર પાગલ જેવા લાગેલા! પણ એ ‘પાગલ’ના પ્રેમપાશમાં એ એવા તો જકડાઇ ગયા કે એના અજ્ઞેયવાદના, તર્કના, સાકાર પૂજા વિરોધના, બધા વાઘા એક પછી એક, દ્રૌપદીના ચીરની જેમ, ઊતરી ગયા. અને ઠાકુરનો એ કેવો અલૌકિક પ્રેમ! આ ગ્રંથના લેખક સમક્ષ, કલકત્તાના જાહેર રસ્તા પર ગાઇ ઊઠ્યા પ્રમાણેઃ ‘પ્રેમ કલશે કલશે ઢાલે તબૂ ના ફુરાય’ (પ્રેમ કળશે કળશે ઢોળે તોય ના ખાલી થાય).

આ ગ્રંથ ઠાકુર અને સ્વામી વિવેકાનંદ વચ્ચેના લોકોત્તર સંબંધની સમીક્ષા કરવાની સાથે સાથે, પૂર્ણનું અને માસ્ટર મહાશયની આંગળી પકડી આવેલા બીજા અર્ધો ડઝન જેટલા કિશોર ભક્તોનું ઠાકુર પાસે આગમન, પોતાની ગંભીર માંદગીમાંયે ઠાકુરની ચિત્તની સ્વસ્થતા અને તેમની સેવાચાકરી માટે પૂ. માની અલૌકિક તપસ્યા, દાક્તરોનું ઠાકુર પાસે આવી ભક્તો થઇ જવું, ૧૮૮૬ના જાન્યુઆરીની ૧લી તારીખની કલ્પતરુ દિનની ચૈતન્ય હોક’ની અસાધારણ ઘટના, ઇત્યાદિ બાબતોનું અદ્‌ભુત આલેખન સ્વામી સારદાનંદે કર્યું છે.

સ્વામી સારદાનંદ સ્વામી વિવેકાનંદ કરતાં બેક વર્ષ વયમાં નાના હતા અને ઠાકુર પાસે સ્વામી વિવેકાનંદ ગયા તે પછી લગભગ બે વર્ષે ગયેલા. કોઈક કારણસર, કશી ઓળખાણ વગર, તેમને સ્વામી વિવેકાનંદ સંબંધી કંઇ પૂર્વગ્રહ બંધાઇ ગયેલો પણ, ઠાકુરે યોગ્ય હાંડલા પર યોગ્ય ઢાંકણું બેસાડતી કુશળ ગૃહિણીની જાણકારીની અદાથી એ બંનેને એવા ભેગા કરી દીધા કે, અમેરિકાથી પ્રથમ વાર પાછા આવ્યા પછી શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની વિધિસરની સ્થાપના કરી ત્યારથી, સ્વામી વિવેકાનંદે પોતાના પ્રિય શરણને – સ્વામી સારદાનંદને – એના મંત્રીપદની જવાબદારી સોંપી દીધી હતી. સ્વામી બ્રહ્માનંદજીના નિર્વાણ પછી એમને અધ્યક્ષ બનવા માટે ખૂબ આગ્રહ કરવામાં આવ્યો હતો તે છતાં, સ્વામી વિવેકાનંદે સોંપેલી મંત્રીપદની કામગીરીને જ એ વળગી રહ્યા હતા. આવા નિષ્ઠાવાન, ત્યાગી, વિનમ્રતાની સાક્ષાત્ મૂર્તિ સમા સ્વામી સારદાનજીનું આ પુસ્તક ઠાકુર અને સ્વામી વિવેકાનંદ પ્રત્યેની એમની ભક્તિથી ત૨બોળ બન્યું છે તેથી, ‘ભાગવત’ કક્ષાનો એ ભક્તિગ્રંથ છે. ચીવટ અને ચોકસાઇના આગ્રહી સારદાનંદે અનાધાર હોય એવી એક પણ બાબતને ગ્રંથમાં પ્રવેશવા દીધી નથી. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં જીવનના સૌ ચાહકો માટે અને સૌ ભક્તો માટે સ્વામી સારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ અનિવાર્ય, અભૂતપૂર્વ અને રસાળ સામગ્રી પૂરી પાડે છે. શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહે સુંદર અનુવાદ આપી ગુજરાતી પ્રજાની સારી સેવા કરી છે.

– દુષ્યંત પંડ્યા

Total Views: 292

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.