શ્રીરામકૃષ્ણદેવ જન્મતિથિ ઉજવણી

શ્રીરામકૃષ્ણદેવની ૧૬૧મી જન્મતિથિ ૨૦મી ફેબ્રુઆરીના રોજ દેશ-વિદેશમાં ઉત્સાહપૂર્વક ઉજવાઇ હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સવારના ૫.૧૫થી મંગલ આરતી, વિશેષ પૂજા, ભજન, હવન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે એક વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી જેમાં આબાલ-વૃદ્ધો, ભાવિકજનો ઉપરાંત ૨૭ શાળાઓનાં લગભગ ૩૦૦૦ વિદ્યાર્થી ભાઇ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શોભાયાત્રામાં કણસાગરા સ્કૂલ, ધૂલેશિયા સ્કૂલ, ભાલોડિયા સ્કૂલ, સિસ્ટર નિવેદિતા સ્કૂલ, સાધુ વાસવાણી સ્કૂલ, મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ, પુતળીબાઇ ગૃહ ઉદ્યોગ, મુસ્લિમ બિરાદરી વગેરે સંસ્થાઓ દ્વારા આકર્ષક ફલોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. ભૂજમાં કાર્યરત ‘સૃજન’ સંસ્થા દ્વારા કચ્છની પારંપરિક સંસ્કૃતિ, કલા અને ઉદ્યોગ દ્વારા નારી ઉત્થાનનો પરિચય કરાવતો વિશેષ ફલોટ આ શોભાયાત્રામાં રજૂ કરાયો હતો. શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના રથો અને પાલખીઓ ઉપરાંત સર્વધર્મ સમન્વયના ફલોટમાં વિભિન્ન ધર્મોનાં પ્રતીકો અને સંતો શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. મધર મેરી, ઇશુ ખ્રિસ્ત, મહાવીર, બુદ્ધ, શ્રીકૃષ્ણ, શ્રીરામ, આદિ શંકરાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઇ વગેરેનાં રૂપો ધારણ કરી વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થી ભાઇ – બહેનો સૌનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. તરણેતરનો મેળો અને ગુજરાતની લોકસંસ્કૃતિ રજૂ કરતાં ફલોટ્સની સુંદરતા સજાવટ અનેરી હતી. શોભાયાત્રા આશ્રમથી સવારે ૮ વાગે નીકળી રાજકોટના મુખ્ય માર્ગોમાં થઇ ૧૦ વાગે પાછી ફરી, ત્યાર પછી સ્વામી જિતાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી અને મુસ્લિમ અગ્રણીઓએ રેલીને સંબોધન કર્યું હતું. સાંજે આરતી બાદ શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશ વિશે પ્રવચનો થયાં હતાં.

સુરેન્દ્રનગરમાં યુવ-શિબિર અને શિક્ષક શિબિર

શ્રીરામકૃષ્ણ આશ્રમ યુવ-શિબિર રાજકોટ દ્વારા ૧૮મી જાન્યુઆરીએ આર.પી. સ્કૂલના પ્રાંગણમાં સવારના ૮ થી ૧૨ સુધી એક યુવ-શિબિરનું આયોજન થયું હતું, જેમાં લગભગ ૮૦૦ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. ૨૯મી જાન્યુઆરીએ મૈત્રી વિદ્યાલયના પ્રાંગણમાં બી.એડ.નો અભ્યાસ કરતાં શિક્ષક ભાઇ-બહેનો માટે એક શિબિર યોજાઇ હતી, જેમાં લગભગ ૧૫૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો..

પોરબંદરમાં યુવ-સંમેલન અને જાહેરસભા

પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીએ પોતાના ભારત ભ્રમણ દરમિયાન ૪ માસથી વધુ સમય ગાળ્યો હતો. તેની મહત્તાને સ્વીકારી રામકૃષ્ણ મઠ અને મિશનનું એક કેન્દ્ર પોરબંદરમાં શરૂ થાય તેવી પરિકલ્પના થઇ છે. તેની તૈયારીના ભાગરૂપે ૯મી ફેબ્રુઆરીના રોજ સવારના ૮થી ૧૨ સુધી એક યુવ-સંમેલનનું આયોજન થયું હતું, જેમાં લગભગ ૭૫૦ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સ્વામી જિતાત્માનંદજી, અને સ્વામી નિખિલેશ્વરાનંદજીએ યુવા વર્ગને સંબોધન કર્યું અને તેઓના પ્રશ્નોના ઉત્તરો આપ્યા. માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી પી.એમ. જોષીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તે જ દિવસે સાંજના બાલાશ્રમના પ્રાંગણમાં એક જાહેરસભા યોજાઇ હતી, જેમાં ‘સ્વામી વિવેકાનંદજીના જીવન-સંદેશની આજના યુગમાં પ્રાસંગિકતા’ વિશે પ્રવચનો થયાં હતાં. પોરબંદરની શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો અને નગરજનોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના વિધાર્થીઓએ હાંસલ કરેલ સિદ્ધિઓ

૧. ગુવાહાટીમાં (ડિસેમ્બર ‘૯૫માં) યોજાયેલ બાળકો માટેની નેશનલ સાયન્સ કોંગ્રેસમાં આલોંગ કેન્દ્રની શાળાના બે વિદ્યાર્થીઓ અરુણાચલ પ્રદેશમાં પ્રથમ આવ્યા. આપણા દેશના વિખ્યાત વૈજ્ઞાનિકો સાથે બૌદ્ધિક વિચાર-વિનિમય કરવા માટે તેઓને વિશેષ પુરસ્કાર અર્પણ કરાયો છે.

૨. કોયમ્બટુર કેન્દ્ર દ્વારા સંચાલિત સ્વામી શિવાનંદ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ મદુરાઇમાં ૭થી ૧૧ જાન્યુઆરી ‘૯૬માં તામિલનાડુ રાજ્ય માટેની પ્રજાસત્તાક દિનના ઉપલક્ષ્યમાં યોજાયેલ ૩૮મી રાજ્ય કક્ષાની વૉલીબૉલ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.

૩. રામકૃષ્ણ ઇન્સ્ટિીટ્યુટ ઑફ મોરલ એન્ડ સ્પ્રિચુયલ એજ્યુકેશન, મૈસુરના વિદ્યાર્થીઓએ મૈસુર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ ૧૯૯૫ની બી.એડ્ પરીક્ષામાં આઠમા, નવમા અને દશમા ક્રમાંક મેળવ્યા છે.

૪. રામકૃષ્ણ મિશનના આલોંગ કેન્દ્રના એક આદિવાસી વિદ્યાર્થીને દિલ્હીમાં યોજાયેલ અખિલ ભારતીય સુબ્રતો મુખર્જી કપ ફૂટબૉલ ટુર્નામેન્ટમાં અસાધારણ શ્રેષ્ઠતા દેખાડવા માટે સ્ટીલ ઓથોરીટી ઑફ ઇન્ડિયા દ્વારા નેશનલ સ્પોર્ટ્સ સ્કોલરશીપ પ્રદાન કરવામાં આવી છે.

૫. મદ્રાસ યુનિવર્સિટી દ્વારા ૧૯૯૫માં લેવાયેલ પરીક્ષામાં વિવેકાનંદ કૉલેજ, મદ્રાસના વિદ્યાર્થીઓએ નીચેનાં સ્થાનો પ્રાપ્ત કર્યાં છે.

બી.એ. (દર્શનશાસ્ત્ર) – ૧, ૩ અને ૪ એમ.એ. (દર્શનશાસ્ત્ર) – ૨ એમ.એ. (સંસ્કૃત) – ૧,૨ અને ૩

૬. ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશન, ભારત સરકાર અને એન.સી.ઇ.આર.ટી., દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ૧૯૯૫માં યોજાયેલ રાજ્ય સ્તરીય વિજ્ઞાન પ્રદર્શનમાં રામકૃષ્ણ મિશનની નરોત્તમ નગર (અરુણાચલ પ્રદેશ) શાળાના વિદ્યાર્થીએ બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચિકિત્સા સેવા

૩ માર્ચના રોજ લીંબડીમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સર્વરોગ નિદાન કૅમ્પ યોજાયો હતો. આ નિઃશુલ્ક સેવાનો લાભ ૯૦૫ દર્દીઓએ લીધો. તા. ૧૭ અને ૨૪ માર્ચના રોજ રાજકોટ જિલ્લાના બે ગામોમાં નિઃશુલ્ક નેત્ર ચિકિત્સા કૅમ્પો યોજાયો હતા. ૩૨૦ દર્દીઓએ આ સેવાનો લાભ લીધો, પછીથી રાજકોટમાં ૨૩ દર્દીઓનાં નેત્રોનું નિઃશુલ્ક ઑપરેશન કરવામાં આવ્યું.

લીંબડીમાં યોજાયેલ શોભાયાત્રા

રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્ર દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતીના ઉપલક્ષ્યમાં ૯મી જાન્યુઆરીએ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, ૩ કિ.મી. લાંબી આ શોભાયાત્રામાં ૨,૫૦૦ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

પંચમહાલ જિલ્લામાં રાહતકાર્ય

પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મઘાનીસર ગામના અને દાહોદ તાલુકાના દેવધા અને નીમચ ગામના ૬૫૦ ગરીબ પરિવારોને એક-એક જાડી ચાદર અને ૧૦ કિ. બાજરાનું વિતરણ શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા માર્ચ માસમાં કરવામાં આવ્યું.

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.