શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ સંતપુરુષના પ્રેરણાદાયી પત્રોના સંગ્રહ બંગાળી તેમ જ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયા છે. અંગ્રેજી પુસ્તક ‘Go Forward’ના પ્રથમ ભાગની સમીક્ષા આ સામયિકમાં ફેબ્રુઆરી’૯૪ના અંકમાં પ્રકાશિત થઈ હતી. રામકૃષ્ણ સંઘમાં જોડાયા પહેલાં સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ એક શિક્ષક હતા. એક સાધારણ શિક્ષક વિદ્યાર્થીઓના ચારિત્ર્યઘડતર દ્વારા રાષ્ટ્રના પુનર્નિર્માણમાં અને વિશ્વના મહાન દેશના ઇતિહાસમાં કેટલું યોગદાન આપી શકે છે તેનુ તેઓ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કેટકેટલા વિદ્યાર્થીઓ તેમના સંપર્કમાં આવી, તેમનું માર્ગદર્શન મેળવી મહાન બની ગયા, કેટલાક રામકૃષ્ણ સંઘના સંન્યાસી બન્યા. વળી ઘણા વિદ્યાર્થીઓ સમાજના વિભિન્ન ક્ષેત્રોમાં પ્રૉફેસર, ડૉક્ટર, દેશભક્તરૂપે ઝળકી ઊઠ્યા, તેમનો ‘આત્મવિકાસ’ નામનો લેખ ડિસેમ્બર’૯૫ના અંકમાં પ્રકાશિત થયો હતો. અહીં તેમના યુવાન વિદ્યાર્થી માટે પ્રેરણાદાયી બંગાળી પુસ્તક ‘આત્મવિકાસ’ના ઉતરાર્ધનું ગુજરાતી ભાષાંતર પ્રસ્તુત છે. – સં.

પ્રિય અને પરમ ભાગ્યવંત,

એક દિવસ એવો ઊગશે કે જ્યારે તમારો વિશ્વવિદ્યાલયમાંથી અભ્યાસ તમે પૂરો કરશો. ખરું ને? એ પછી તમારે વિવિધ જવાબદારીઓ સંભાળીને કાળજીપૂર્વક કામ કરવું પડશે. હવે તમે વિદેશી શાસકોના હાથમાંનાં રમકડાં જ રહ્યાં નથી. તમે સ્વતંત્ર ભારતના મુક્ત નાગરિકો છો.

હવે, આગળ ઉપર, ભવિષ્યમાં તમારે આત્મકલ્યાણ તેમજ ભારતવર્ષના હિત માટે તથા સમગ્ર માનવપ્રજાના કલ્યાણ કાજે સાવચેત, જાગ્રત રહેવું જોઈએ.

એટલે, અત્યારથી આધુનિક યુગમાં વધુ ઉદ્યમશીલ, વધુ કાર્યક્ષમ જીવન જીવવા માટે શ્રેષ્ઠ કેળવણીના પાઠો, ઉત્કૃષ્ટ કક્ષાનું શિક્ષણ મેળવવાં જ રહ્યાં.

કેળવણી એટલે શું? તમારે કેવા પ્રકારનું શિક્ષણ મેળવવું આવશ્યક છે?

જે સમગ્ર જીવનને સુખમય બનાવે એવું ભણતર તે જ સાચું ભણતર. એવું શિક્ષણ જે, જીવનમાં સર્વાંગીણ સુખ આપે; જે નાનપણમાં સુખી કરે પણ સાથોસાથ કુમારાવસ્થામાંય દુઃખી ન કરે, જે કૌમાર્યના સમયમાં આનંદપ્રદ હોય, પરંતુ સાથોસાથ યૌવનમાં પીડા ઉપજાવે નહિ; જે યૌવનનું આનંદવન બને, વળી સાથે સાથે પ્રૌઢાવસ્થામાં જીવનને અશાંત, દુઃખમય ન બનાવે; જે પ્રૌઢાવસ્થા દરમિયાન પણ સુખ કે આનંદનો અનુભવ કરાવે, પરંતુ વૃદ્ધાવસ્થાને દુઃખમાં ન પલટાવે તે જ ખરી કેળવણી, સાચું શિક્ષણ.

જે દુ:ખ કે પીડાની લાગણીઓનો નાશ કરે, જે વધુ ને વધુ સુખને જન્મ આપે, તથા એ જ સુખને જીવનમાં કાયમી સ્થિરતા બક્ષે તે જ સાચું શિક્ષણ.

સ્વામી વિવેકાનંદ કહે છે કે મનુષ્યના અંતરમાં પ્રથમથી જ રહેલી પરિપૂર્ણતાનું પ્રગટીકરણ એ જ કેળવણી.

આ કેળવણી નથી.

આજીવિકા રળવા પૂરતી, અર્થ-ઉપાર્જન માટેનાં વિદ્યા-શિક્ષણ, કેળવણીનો એક સાવ સામાન્ય અંશ છે. બુદ્ધિ – વિકાસ માટે વિજ્ઞાન, દર્શન, ધર્મશાસ્ત્ર, સાહિત્ય, સંગીત, કલા, શિલ્પ વ. વિષયનું જ્ઞાન આવશ્યક છે; પરંતુ કેળવણીનો મુખ્ય ઉદ્દેશ છે, ચારિત્ર્યનું નિર્માણ અથવા મનુષ્યત્વના વિકાસની સાધના, વ્યક્તિત્વના વિકાસની આરાધના. ચરિત્રની મહાનતા ન હોય, મનુષ્ય સાચો માનવ, ખરો માણસ ન બને, તો બધું શિક્ષણ નિરર્થક છે; ત્યારે બધી કેળવણી વ્યર્થ સમજવી. ચરિત્રહીન વ્યક્તિ ભલે તે ગમે તેટલું ભણતર મેળવે છતાંયે તે જીવન માટે અથવા સમાજ માટે ક્યારેય ક્લ્યાણકારી થઈ શકે નહીં.

છેલ્લાં કેટલાંક વર્ષોથી મનુષ્યની બુદ્ધિ-વૃત્તિઓની ખૂબ ઉન્નતિ થઈ છે; પણ પોતાનું મંગલ, આત્મકલ્યાણ કેવી રીતે થાય તે વાત મનુષ્ય આજે પણ સમજી શકતો નથી. એટલે આધુનિક કેળવણીથી મનુષ્ય સ્વાર્થ પરાયણતા, ટૂંકી દૃષ્ટિ અને હિંસા દ્વારા પોતાનું મરણ નોતર્યું છે. માત્ર પોતાના દેશનું ભલું કરવાના અનુરાગમાંથી બીજા કે પડોશી રાષ્ટ્ર પ્રત્યે શત્રુતાની ભાવના જગાડે, આવો વિચારવિહોણો રાષ્ટ્રપ્રેમ, પરદેશને આતંક વડે ભરખી જવાની લાગણી ઉપજાવે, અત્યાચારનો ભાવ પ્રેરે અને સાધનાના અભાવે ધર્મપ્રેમ પણ બીજાના ધર્મ માટે અવજ્ઞા કે તિરસ્કારને જન્માવે છે. આટલું સરળ-સાદું સત્ય પણ ભણેલ-શિક્ષિત કે સભ્ય માનવ સમજી શકતો નથી.

આમ જે કેળવણી વ્યક્તિને ‘અંધનયન’ કરી મૂકે, તે શિક્ષણ નથી પણ કુ-શિક્ષણ છે.

સભ્ય સમાજમાં નવયુવકોને કેળવણી આપવાની જુદા જુદા પ્રકારની પ્રણાલી (કે વ્યવસ્થા) પ્રાચીનકાળથી ચાલી આવે છે. ભારતમાં શિક્ષણ – સંસ્થા, કેળવણીના પ્રતિષ્ઠાનનું નામ હતું બ્રહ્મચર્યાશ્રમ અને વિદ્યાર્થીઓ ‘બ્રહ્મચારી’ના નામે ઓળખાતા. આધુનિક સૈનિક-શિક્ષણ (Military Education)ની જેમ બ્રહ્મચર્ય-શિક્ષણનું વિધાન ખૂબ જ સંયમશીલ હતું. તેને પરિણામે, કેળવણી પામીને સમાજમાં આવતા શિક્ષિત મનુષ્યના ચરિત્રની મહાનતા ફૂલેફાલે; સમાજ એમના નિર્દેશ સામે ઝૂકીને, વિનમ્ર ભાવે એમની આજ્ઞા શિરોધાર્ય માનીને સ્વીકાર કરે. આદિકાળથી અતિ દુર્દાન્ત, અસભ્ય અને અર્ધ-સભ્ય વિવિધ જાતિઓના અત્યાચાર સહન કરવાં છતાંયે, પૂર્ણ સંજીવની – શક્તિ લઈને આજે પણ ભારત જાગ્રત છે તે એ જ કેળવણીનું ફળ છે.

આવી સારી કેળવણીની સહાયતાથી, ફરીથી ભારતને પૂર્વ-ગૌરવમાં, પ્રાચીન ગરિમામાં દૃઢતાપૂર્વક પ્રતિષ્ઠિત કરવાની જવાબદારી હવે તમારી શિરે આવી પડી છે.

જે સમાજમાં દરેક વ્યક્તિ ઉન્નતિ લાભની બધી સગવડ સુવિધાઓ, ઊજળી તકો મેળવે તે જ સમાજ ખરેખર ઉન્નત કહેવાય. સમાજના એક અંશને કચડી રાખીને બીજા અંશને ઉન્નત કરવાની કોઈ શક્યતા હવે રહી નથી – અત્યારે તો સૌ કોઈને સમાન અધિકાર આપવા પડશે.

હે વિદ્યાર્થીઓ, તમે આત્મ-વિકાસ, આત્મોન્નતિ વિષે સચેતન થાઓ અને ભારતના એકે એક દેશવાસી માનવબંધુને સમભાવથી, સામ્ય ભાવથી ઉન્નત કરવા મહાન પ્રતિજ્ઞા લઈને, મહાવ્રત સ્વીકારીને ધન્ય બનો.

મનુષ્ય સિવાયના સૌ જીવ, પશુપક્ષી શરીર-મનની પ્રેરણાથી ચાલે છે. પરંતુ મનુષ્ય કેળવણીની શક્તિ દ્વારા શરીર-મનની ઉપર પ્રભુત્વ મેળવીને જમાવીને મુક્ત ભાવે, સ્વતંત્રતા સિદ્ધ કરીને ચાલી શકે. આમ કરવાની શિક્ષણ પ્રણાલી ભારતમાં પ્રચલિત હતી. કિંતુ દીર્ઘકાલીન પરતંત્રતા રહેવાથી આપણે ભારતની સંસ્કૃતિનું લગભગ બધું ધન ગુમાવી દીધું છે.

હવે આજના આઝાદ રાષ્ટ્ર ભારતમાં માત્ર ‘ભણે-ગણે તે જ ઘોડે ચડે’ એવી જાતની પ્રાચીન પદ્ધતિનું અનુસરણ કરવાથી ચાલશે નહિ. માનવજીવનના સર્વાંગીણ વિકાસ, તેના દરેકે દરેક અંગ-ઉપાંગની ઉન્નતિ વગર વર્તમાન યુગમાં માનવ સમાજનું ટકી રહેવું સંભવ જ નથી.

કેવા ઉપાયથી મનન-શક્તિ અને કાર્યમાં કૌશલ્યની શક્તિનો વિકાસ થાય તેની આલોચના કરતાં પહેલાં ‘મનુષ્ય એટલે શું’ તે સમજી શકીએ તો કામ ખૂબ જ સરળતાથી પાર પડશે. એટલે આ વિષયની હવે સંક્ષેપમાં છણાવટ કરીશું.

દ્વિતીય પાઠ

મનુષ્યના હાથ અને પગ જાણે કે ટેબલ કે ખુરશીના ચાર પગ જોઈ લો. ચાર પગવાળા પ્રાણીઓ તરફ જુઓ તો ખરા. માણસ બે જ પગની મદદથી હરવા ફરવાનું કામ કરી શકે, કરી લે છે; આગળના બે પગ હાથમાં પરિવર્તન પામ્યા, તેને પરિણામે બંને હાથ વડે કેટલાં કાર્ય કરે, તે વિચારતાં આશ્ચર્યચકિત થઈએ છીએ. વળી પંખીઓ બંને હાથની સહાયથી એરોપ્લેનનો સાજ સજીને નીલ આકાશમાં પરમાનંદથી ઊડે છે!!

લગભગ દરેક પ્રાણીના હાથ-પગ સિવાયનું બાકીનું આખું શરીર બે ભાગમાં વહેંચી શકીએ. પહેલું મસ્તક, બીજું ધડ. માથું માલિકનું દીવાનખાનું, ધડ માલિકનું કારખાનું. દીવાનખાનામાં માલિક તેના મુખ્ય સચિવ બુદ્ધિની સાથે વિરાજે છે. બુદ્ધિની સાથે મુખ્ય કર્મચારી મન પણ રહે છે. વળી, મનના દસ નોકર-ચાકર છે. પાંચ જ્ઞાનેન્દ્રિય ને પાંચ કર્મેન્દ્રિય.

કારખાનાના ઈજનેર સાહેબ પ્રાણ એ અમોઘ શક્તિ, અજેય પરાક્રમથી, દિવસરાત અવિરત કાર્યમાં મશગૂલ છે. આખા શરીરમાં માલિકના દીવાનખાના ને કારખાનામાં દરેક પ્રકારનું ઈજનેરી કામ, શિલ્પ સ્થાપત્યના કાર્યમાં તેઓ પૂરા અધિકારથી ફરજ બજાવે છે. આ ઈજનેર સાહેબ ફેફસાંને ચલાવીને અંદરના ઝેરીલા વાયુને બહાર કાઢે છે. સ્વચ્છ-શુદ્ધ વાયુને અંદર તાણી લાવે; કોઈ ખોરાકની ચીજવસ્તુ મોઢામાં પડે કે તરત જ જુદાં જુદાં ઔષધની અજમાઇશ કરે – નવાઈ પમાડે તેવી કુશળતાથી; તે રીતે માથાના વાળથી માંડીને પગના નખનાં ભાગ સુધી બધું તૈયાર કરે. આખા શરીરને ઘડવામાં, રક્ષણ કરવામાં ને સમારકામ કરવા માટે દરેક જવાબદારી પૂરી કરવા તત્પરતા સાથે મંડી પડે તે રીતે તેમની નિમણૂક થઈ છે. સારું લાકડું મળવાથી જેમ સુતાર મિસ્ત્રી ઉત્તમ કક્ષાનું રાચરચીલું ને બાંધકામ કરે તેવી રીતે પૌષ્ટિક ખોરાક મળવાથી પ્રાણ સબળ અને સુંદર શરીર ઘડી કાઢે છે.

મુખ્ય સચિવ બુદ્ધિ એક જ સ્થાને બેસીને તેના કર્મચારી મનને કર્તવ્ય-નિષ્ઠાથી ફરજમાં જોડે છે. મનની ઉપર ત્રણ કામનો ભાર છે. પહેલું કાર્ય, માથાના વાળથી માંડીને પગના નખના ભાગ સુધી બધે ફરી વળીને ત્યાંના બધા સમાચાર લઈને તેની રજૂઆત કરવી. બીજું, પાંચ જ્ઞાનેન્દ્રિય-રૂપી સેવકગણની મદદથી બહારની દુનિયાની બધી અવસ્થાઓનું અવલોકન કરીને સમાચાર-માહિતીનો સંગ્રહ કરવો; ત્રીજું કામ છે, બુદ્ધિના આદેશ મુજબ પાંચ કર્મેન્દ્રિયને કામમાં લગાડવી.

પોતાના પડોશી દેશના દૂતો જો સાચે સાચા સમાચાર સંગ્રહ કરી આણી ન શકે તો રાજા રાજ્યના હિતાહિત બાબતમાં સારી વ્યવસ્થા કે સારા સંચાલન માટે નિર્બળ, અસમર્થ નીવડે છે.

આથી ઊલટું, બુદ્ધિના કર્મચારી મન અંતરમાં ને બહારની પરિસ્થિતિ પર જેટલું ધ્યાન રાખી શકે – ધ્યાન રાખવાની તક મેળવે અને ધ્યાન રાખવામાં દક્ષ થાય, બુદ્ધિ પણ તેટલા અંશે આત્મવિકાસની સુવ્યવસ્થા સારી રીતે ગોઠવી શકે. એટલે બુદ્ધિને અભિજ્ઞ, જ્ઞાનસંપન્ન તેમ જ આત્મકલ્યાણમાં મગ્ન કરવા માટે મનને સરળ, બળવાન, વેગવંતું, ગતિશીલ અને સૂક્ષ્મ કરવું જ જોઈએ. આ તો કરવું જ પડે.

જો કે બુદ્ધિ જ બધાં કામકાજની સંચાલક છે તો ય આપણે અંદર મન અને પ્રાણને સર્વત્ર ક્રિયાશીલ રહેતાં જોઈએ છીએ. બુદ્ધિ તો કોણ જાણે ક્યાંય બેસીને શું કરે છે, તેની લગભગ કોઈને ખબર ન પડે. પરંતુ બુદ્ધિને શુદ્ધ નિર્મળ રાખી ન શકે તો માનવ તેના જીવનમાં વિકાસ પામે તે અશક્ય છે. જીવન એટલે શું, તેની ઉન્નતિ એટલે શું, તે પવિત્ર બુદ્ધિ ન હોય તો ક્યારેય, કદીયે જાણી-સમજી શકીએ નહિ. જુઓ છો ને અત્યારે આધુનિક મનુષ્યમાં બહારની દુનિયા વિષે જ્ઞાન વધીને કેટલી હદે પહોંચ્યું છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીનો કેવો વિસ્ફોટ થઈ રહ્યો છે; પરંતુ આ જ જ્ઞાનવિજ્ઞાનનું અભિમાન ધરાવતાં, સભ્યતાના અહંકારમાં મત્ત મનુષ્ય એક સમૂહમાં મળીને બીજા માનવસમૂહ સાથે પશુઓની માફક કલહકલેશ અને કપટભર્યો વહેવાર કરવામાં સહેજ પણ શરમ અનુભવતા નથી. આનું એક જ કારણ છે – બુદ્ધિની મલિનતા.

પ્રાચીન ભારતમાં બુદ્ધિને નિર્મળ અને પવિત્ર કરવા માટે અનેક ઉપાયોનું અવલંબન લેવામાં આવતું; ત્રિ-સંધ્યા શ્રીભગવાન સમક્ષ પ્રાર્થના કરવામાં આવતી : ‘ધિયો યો નઃ પ્રચોદયાત્’ – ભગવાન અમારી બુદ્ધિને પ્રકાશ ને પ્રેરણાના પંથે દોરી જાઓ.

સાર સંક્ષેપમાં, ‘હું’ બોલીએ છીએ ત્યારે ચાર ચીજોનો સમાવેશ સમજવાનો છેઃ દેહ કે શરીર, પ્રાણ, અને મન તથા બુદ્ધિ. શરીર તેમજ પ્રાણના મેળાપથી બને છે, તે આ બાહ્ય સ્થૂળ શરીર; તથા મન ને બુદ્ધિ ભેગાં મળીને સૂક્ષ્મ શરીરનું નિર્માણ થાય છે. આ ચારને કાર્યોપયોગી – કાર્યદક્ષ થાય તેમ કેળવવાં પડશે. કેવી રીતે તેમને કેળવવાં? એ ચારેયની કેળવણી વિશે સંક્ષેપમાં નિરૂપણ કરીશું.

તૃતીય પાઠ

શરીર

બધાંની સરખામણીમાં શરીર સાથે વધારે સારી રીતે પરિચય છે. દરેક વ્યક્તિને દેહ કેટલી બધી પ્રિય વસ્તુ છે! તે છતાં, માણસ પોતાના શરીર વિષે ખૂબ ઓછું જાણે છે. વળી, શરીરની સંપૂર્ણ તંદુરસ્તી ઉપર જ જીવનની સફળતાનો આધાર છે.

આપણું શરીર જાણે કે કોઈ એક મોટરગાડીનું ખોળિયું (body) છે. તે મજબૂત ન હોય તો ગાડી હાંકવી તે આફતને નોતરું દેવા જેવું છે. એટલે સૌ પ્રથમ આપણા શરીરને દૃઢ, મજબૂત, સબળ અને કાર્યક્ષમ – સક્ષમ કરવાની જરૂર છે.

કેટલાક શરીરે લાગે છે તો સબળ પણ હોય છે ઢીલાં ઢીલાં. જોવામાં આવે છે કે કોઈ કોઈના શરીરમાં બળ છે, દૃઢતા પણ છે; પરંતુ અભ્યાસ નહિ હોવાથી તે માણસમાં કાર્યક્ષમતા હોતી નથી. એટલે અહીં આપેલ ઉપાયોના આધાર લઈને શરીરને બધાં કાર્ય માટે ઉપયોગી બનાવવું જ પડશે :

શરીરને સબળ બનાવવાના ઉપાય :

૧. સૌ પ્રથમ જાણી લે જો કે શું કરું તો શરીર તંદુરસ્ત, સ્વસ્થ, સબળ થાય. તેમ જ શા માટે તે નિર્બળ બને છે, શા માટે તેમાં રોગો ઘર કરે છે એ વાત અનુભવી નિષ્ણાત વ્યક્તિઓ પાસેથી જાણી લો.

૨. જે ખોરાક લઈએ તે બરાબર પચી જાય છે કે હજમ થતું નથી? એ હંમેશાં સારી રીતે ધ્યાનમાં રાખો.

૩. વચ્ચે વચ્ચે એકાદ ઉપવાસ કરીને પાચનતંત્રને આરામ કરવા દો.

૪. પરિશ્રમ કરો, મહેનત કરો.

શરીરને દૃઢ, મજબૂત બનાવવાના ઉપાય :

૧. હંમેશાં રમતગમત રમવી ને કસરત કરવી. કસરત કરવાથી શરીર કસાયેલું, ખડતલ બને છે, રમતો રમવાથી શરીરના અંગઅવયવોના ઇચ્છા અનુસાર હલનચલનની ક્ષમતા આપણે મેળવીએ છીએ.

૨. મહેનત થાય તેવાં કામ કરો.

શરીરને કાર્યક્ષમ બનાવવાના ઉપાય :

૧. દૃઢ સંકલ્પ કરીને, પ્રતિજ્ઞાપૂર્વક, એક નક્કી કરેલ કરી શકો તેવાં સારાં કામોની યાદી મુજબ, કાર્યક્રમનું અનુસરણ કરો.

૨. સારાં કામ, સત્ કાર્ય કરવાની તક ક્યારેય બેપરવાઈથી વેડફવી નહિ.

૩. અંગત કામ માટે શક્ય હોય ત્યાં સુધી નોકરચાકરની ઉપર આધાર રાખતા નહિ.

૪. બધાં પ્રકારના કામકાજ શીખવાનો કાળજી રાખીને અભ્યાસ કરો.

૫. ભલેને ગમે તે કામ સોંપવામાં આવ્યું હોય, પણ તે કાર્ય કરવામાં ખચકાવું નહિ. તમે બધાં જ જાણે કે એકેક મ્યાન વગરની આગઝરતી તલવાર જેવા થાઓ.

પ્રાણ

જીવ જે શક્તિ વડે શરીરના અને મનના બધાં કામકાજનું સંચાલન કરે તે જ પ્રાણ. શરીરમાં લોહી ફરે, ખોરાક હજમ થાય, શરીરમાં પોષણ મળે અને વિચાર મનન વ. બધાં પ્રકારનાં કામ આપણે પ્રાણશક્તિની મદદથી કરીએ છીએ. વૈદિક સમાજમાં બધાં બાળકોને બહુ નાની ઉંમરમાં જ પ્રાણનો સંયમ કરવાની કેળવણી આપવામાં આવતી. આજકાલ ધર્મ વિષે અતિશય ભૂલ ભરેલી માન્યતાઓ ઘર કરી ગઈ હોવાથી પ્રાણાયામ કે પ્રાણ-સંયમ ફક્ત ધાર્મિક સાધકોનું કર્તવ્ય માનીને તેને અભરાઈએ ચડાવી દેવામાં આવે છે, પરંતુ માણસે પ્રાણ-સંયમનું શિક્ષણ મેળવવું આવશ્યક કર્તવ્યરૂપ છે.

ચંચળ મનને સ્થિર કરવા માટે પ્રાણ-શક્તિનો પ્રયોગ એક શ્રેષ્ઠ ઉત્તમ ઉપાય છે. પ્રાણ જ મનને પ્રેરણા બક્ષે છે. પ્રાણ-શક્તિને ઇચ્છાનુસાર પ્રયોજવાના થોડા પાઠ પણ શીખીએ, તો જીવનની દરેક કામકાજની પ્રવૃત્તિમાં તેનાં સારાં પરિણામનો અનુભવ થાય છે.

સ્વામી વિવેકાનંદ કૃત, ‘સરળ રાજયોગ’, કે ‘રાજયોગ’ વ. પુસ્તકો કોઈ અનુભવી ને નિષ્ણાત વ્યક્તિની મદદ લઈને વાચન-મનન કરવાથી પ્રાણ વિષેની અનેક બાબત જાણી – સમજી શકશો.

પ્રાણ-સંચમ વિષે કેટલીક જાણવા લાયક વાત :

૧. લીધેલા ખોરાકને પચાવીને પ્રાણ કેવી રીતે શરીરમાં શક્તિરૂપે પ્રકાશિત કરે છે, તે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરો.

૨. પગના નખથી માંડીને માથાના વાળ સુધી બધે પ્રાણ કેવી રીતે સતત કામ કરે છે તે બાબત સચેત બનો.

૩. તાલબદ્ધ રીતે ઊંડા શ્વાસ લઈને ધીરે ધીરે તે મૂકવાનો અભ્યાસ કરો. વાચન શરૂ કરતાં પહેલાં કે ગમે તે વિષય બાબત મનન-વિચાર કરતાં પહેલાં બે-ચાર મિનિટ સુધી ધીરે ધીરે શ્વાસ લેવા મૂકવાથી એ વિષયમાં સરળતાથી મન પરોવાય છે.

૪. શરીર-મનમાં ઉત્તેજના આવી ચડવાથી પ્રાણ-શક્તિ નિરર્થક વેડફાય છે. એટલે દરેક અવસ્થામાં ધીર સ્થિર અને શાંત રહેવાની ટેવ પાડો. (ક્રમશઃ)

ભાષાંતર : સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.