જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર પદ્ધતિ ‘એકાગ્રતા’ છે. મનની એકાગ્રતા એ કેળવણીનું સારભૂત તત્ત્વ છે. નિમ્નતમ કક્ષાના માણસથી માંડીને મોટામાં મોટા યોગીએ જ્ઞાન મેળવવા માટે આ જ પદ્ધતિને ગ્રહણ કરવી પડે છે. પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી મનની બધી શક્તિને એકત્રિત કરીને એક જ કેન્દ્રબિંદુ પર લાવે છે અને તત્ત્વો ૫૨ ફેંકે છે. આ તત્ત્વોનું વિશ્લેષણ થાય છે અને રસાયણશાસ્ત્રી જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ખગોળવેત્તા પણ પોતાના મનની શક્તિને એકત્રિત કરીને એક જ કેન્દ્ર પર લાવે છે અને પોતાના દૂરબીન દ્વારા પદાર્થો પર ફેંકે છે. પરિણામે તારાઓ અને સૂર્યમંડળો સામે આવીને પોતાનું રહસ્ય ખુલ્લું કરે છે. વિદ્વાન અધ્યાપક હોય કે મેધાવી વિદ્યાર્થી હોય જેમને જ્ઞાનનો ભંડાર મેળવવો છે એ બધાંને માટે ‘એકાગ્રતા’ એ એકમાત્ર પદ્ધતિ છે,

એકાગ્રતાની શક્તિ જેટલી વધુ તેટલી જ વધુ જ્ઞાનની પ્રાપ્તિ. બૂટપૉલિશ કરતો કોઈ છોકરો પોતાનું કામ જો એકાગ્રતાથી કરશે તો તે બૂટને અરીસા જેવા કરી શકશે. રસોયો એકાગ્રતાથી રસોઈને મજેદાર બનાવશે. પૈસા કમાવાની બાબત હોય કે ઈશ્વરની આરાધનાની વાત હોય, એકાગ્રતાની શક્તિ જેટલી પ્રબળ, તેટલું કામ સારું. આ એક પોકાર છે, એક ધક્કો છે, જે કુદરતના દ્વાર તમારી સમક્ષ ખુલ્લાં મૂકી પ્રકાશનો ધોધ વહેતો કરે છે.

સામાન્ય માનવી નેવું ટકા વિચારશક્તિ તો મનની ચંચળતાને લઈને ગુમાવે છે. અને પરિણામે તે ભૂલોની પરંપરા સર્જે  છે. કેળવાયેલ મનુષ્ય કે મન કદી પણ ભૂલ કરતા નથી. મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચે રહેલો મુખ્ય ભેદ તેમની એકાગ્રતાની શક્તિમાં રહેલા ભેદ પરત્વે હોય છે. પ્રાણીમાં એકાગ્રતાની શક્તિ બહુ ઓછી હોય છે. જે લોકો પ્રાણીને તાલીમ આપતા હોય છે તે લોકોને ખ્યાલ હશે કે પ્રાણીઓ શીખવ્યું તરત જ ભૂલી જાય છે. અને પરિણામે તાલીમ આપવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે. લાંબા સમય સુધી એક વસ્તુ પર તે પ્રાણી એકાગ્રતા સાધી શકતું નથી. મનુષ્ય અને પ્રાણી વચ્ચેનો ભેદ અહીં પરખાઈ આવે છે. મનુષ્ય-મનુષ્ય વચ્ચેના તફાવતના મૂળમાં પણ એકાગ્રતાનો જ સવાલ રહેલો છે. નીચામાં નીચા અને ઊંચામાં ઊંચા માનવીની તુલના કરી જુઓ. આ બંનેમાં ભેદ કેવળ એકાગ્રતાની માત્રાનો જ છે.

કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય એની સફળતાનું રહસ્ય એકાગ્રતા જ છે. એકાગ્રતાના પરિણામે જ કલા કે સંગીત વગેરેમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યારે મનને એકાગ્ર કરીને પોતાના ઉપર જ કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે ભીતરની હરકોઈ ચીજ આપણી માલિક નહીં બનતાં આપણી નોકર બની જાય છે. ગ્રીક લોકોએ બાહ્ય જગત પર એકાગ્રતા દ્વારા કલા અને સાહિત્યમાં પૂર્ણતાની પ્રાપ્તિ કરી. આત્માના અગોચર પ્રદેશ પર મનની એકાગ્રતા દ્વારા હિંદુ લોકોએ યોગવિજ્ઞાનનો વિકાસ કર્યો. ઘણનો ઘા ક્યારે મારવો, અંદરનું દ્વાર ક્યારે ખખડાવવું એટલું જ જો આપણે જાણીએ તો પછી બ્રહ્માંડ તો પોતાનો ખજાનો રહસ્યો તમારી પાસે ખુલ્લાં કરવા તૈયાર છે. પ્રહાર કરવાની આ તાકાતની જનની પણ એકાગ્રતા જ છે.

હું તો મનની એકાગ્રતાને જ કેળવણીનો સાર સમજું છું, માહિતીના ખડકલાને નહીં! જો મારે ફરીથી શિક્ષણ લેવાનું હોય તો હું માહિતીનો ઢગ તો કદી ભેગો ન કરું. હું તો એકાગ્રતાની શકિતનો વિકાસ કરું અને મનને અન્ય વિષયોમાંથી પાછું ખેંચી શકે એ જાતની શક્તિ પ્રાપ્ત કરું! અને સાધનની પરિપૂર્ણતા પ્રાપ્ત કર્યા બાદ જ ઇચ્છાનુસાર માહિતી એકઠી કરું!

– સ્વામી વિવેકાનંદ

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘કેળવણી’, પૃ. ૭ થી ૯ માંથી)

Total Views: 244
By Published On: May 1, 1996Categories: Vivekananda Swami0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram